ન્યૂ ડિસ્કવરિઝ. વૉ. ૨: ૧૪૫-૪૯, ૧૫૫-૫૬

(મેઈન (રાજ્ય)ના ગ્રીનએકરમાં, ૧૮૯૪ના ઉનાળામાં સ્વામીજીએ સવારના વર્ગો રાખ્યા હતા તેની કુ. એમ્મા થર્સબીની નોંધો એમનાં બધાં પેપર્સ સાથે ન્યૂયૉર્ક હિસ્ટોરિકલ સોસાયટીમાંથી સાંપડી છે. ગ્રંથમાળાને અનુરૂપ થાય તેવી રીતે આ લખાણ સંપાદિત કરવામાં આવ્યું છે.)

ગ્રીનએકરમાં ૧૮૯૪ના જુલાઈ-ઓગસ્ટમાં પાઈન વૃક્ષ તળે સ્વામી વિવેકાનંદે આપેલા વાર્તાલાપોની તૂટક નોંધ.

સ્વામીના ગુરુનું નામ હતું રામકૃષ્ણ પરમહંસ. ‘વિવેકાનંદ’નો અર્થ સંપ્રજ્ઞાત આનંદ.

ધ્યાન એક પ્રકારની પ્રાર્થના છે અને પ્રાર્થના ધ્યાન છે. કશાનું ચિંતન ન કરવું તે ધ્યાન ઉત્તમ. એક મિનિટ પણ વિચાર કર્યા વગર તમે રહી શકો તો ઘણી શક્તિ પ્રાપ્ત થાય. જ્ઞાનનું એકમાત્ર રહસ્ય એકચિત્ત હોવું તે છે. પૂરા હૃદયપૂર્વક ઈશ્વરને ચાહવાથી આત્માનો વિકાસ થાય છે. આત્મા એ મનુષ્યમાં રહેલી ચિંતનશક્તિ છે અને મન તેનું એક કાર્ય છે. પરમ તત્ત્વથી મન તરફનો વાહક જ આત્મા છે.

બધા આત્માઓ લીલા કરે છે, કેટલાક સંપ્રજ્ઞાતપણે, કેટલાક અસંપ્રજ્ઞાતપણે—સંપ્રજ્ઞાતપણે લીલા કરતાં શીખવું તે ધર્મ.

તમારો પોતાનો ઉચ્ચતર આત્મા જ તમારો ગુરુ છે.

શ્રેષ્ઠને શોધો, નિત્ય શ્રેષ્ઠને શોધો કારણ કે શ્રેષ્ઠમાં જ પરમ આનંદ છે. હું શિકારી બનું તો હું ગેંડાનો જ શિકાર કરીશ. જો હું લૂંટીશ તો રાજ્યભંડાર જ લૂંટીશ. શ્રેષ્ઠને જ શોધો.

(દત્તાત્રેયની અવધૂત ગીતા અને બીજા શાસ્ત્રગ્રંથોના ખંડોના સ્વામીજીએ કરેલા મુક્તાનુવાદો અહીં આપ્યા છે.)

તમે બદ્ધ છો એમ સમજો તો તમે બદ્ધ છો; મુક્ત છો એમ સમજો તો તમે મુક્ત છો. આ સંસારના મોહોએ કદી મારા મનને બાંધ્યું ન હતું, કારણ કે શાશ્વત નીલ ગગનની માફક હું સચ્ચિદાનંદનો અર્ક છું. તું શા માટે રુદન કરે છે, બંધુ? તને મૃત્યુ કે રોગ સ્પર્શશે નહીં. શા માટે રુદન કરે છે, બંધુ? તને દુઃખ કે દુર્ભાગ્ય સ્પર્શશે નહીં. તું શા માટે રડે છે; બંધુ? તારા માટે મૃત્યુ કે પરિવર્તન મંડાયું નથી. તું પૂર્ણ અસ્તિત્વ છો.

ઈશ્વર શું છે તે હું જાણું છું. એની વાત હું તમને કરી શકું તેમ નથી. ઈશ્વર શું છે તે હું નથી જાણતો; એની વાત તમને કેવી રીતે કરી શકું? પણ બંધુ, તું જોતો નથી કે તું તે જ છો, તું તે જ છો? પ્રભુની શોધમાં અહીંતહીં શા માટે આથડવું? એને શોધો જ નહીં અને એ પ્રભુ છે. આત્મવત્ બનો—એવા કે કોઈને કહી શકાય નહીં, જેનું વર્ણન થઈ શકે નહીં, આપણા હૃદયની ભીતર જેને જોઈ શકાય. અનુપમ, અનંત, અક્ષર, નીલ આકાશની જેમ અપરિવર્તનશીલ. અરે! પૂર્ણ પવિત્રને જાણો. બીજું કશું ન શોધો.

પ્રકૃતિનું પરિવર્તન જ્યાં પહોંચી શકતું નથી, વિચારોથી પર વિચાર, અપરિવર્તનશીલ, બધાં શાસ્ત્રો જેની ઘોષણા કરે છે, બધા ઋષિઓ જેને પૂજે છે, અહો! એ સર્વ પવિત્રને જાણ. બીજું કશું ન જાણ.

એ અતુલ છે, અનંત એકત્વ છે—તુલના શકય જ નથી. ઉપર જળ, નીચે જળ, જમણી બાજુએ જળ, ડાબી બાજુએ જળ. પણ એ જળ ઉપર તરંગ નથી, બુદ્બુદ નથી. સંપૂર્ણ શાંતિ, શાશ્વત આનંદ. તારા હૃદયમાં એ આવશે. બીજું કશું શોધીશ મા. તું અમારો પિતા છો, માતા છો, પ્રિય સખા છો. આ જગતનો ભાર તું વહે છે. અમારા જીવનનો ભાર વહેવામાં અમને સહાય કર. તું અમારો મિત્ર છો, પ્રેમી છો, પતિ છો, તું અમે પોતે જ છો.

ચાર પ્રકારના મનુષ્યો મને ભજે છેઃ કેટલાકને સંસારનાં સુખ જોઈએ છે, કેટલાક અર્થાર્થી છે, કેટલાકને ધર્મ જોઈએ છે. કેટલાક મને પ્રીતિ કરે છે માટે ભજે છે.

પ્રીતિને ખાતર પ્રીતિ તે જ સાચી પ્રીતિ છે. સ્વાસ્થ્ય, વૈભવ, જીવન કે મોક્ષ, હું એમાંનું કશું ઇચ્છતો નથી. મને સહસ્ર નરકલોકમાં મોકલ પણ પ્રીતિ ખાતર જ તને પ્રીતિ કરવા દે. પ્રીતિ ખાતર પ્રીતિનો સિદ્ધાંત મહાન રાણી મીરાબાઈએ શીખવ્યો હતો.

આપણી વર્તમાન ચેતના અનંત મનના સમુદ્રનો એક અંશ માત્ર છે. આ ચેતનાની મર્યાદામાં જ ન રહેવું.

આત્મવિકાસ માટે ત્રણ મહાન બાબતોની આવશ્યકતા છેઃ સૌ પ્રથમ મનુષ્ય જન્મ; બીજી મુમુક્ષા અને ત્રીજો મહાપુરુષનો સંગ—જેનાં મન, વચન અને કર્મ અમૃતગુણથી સભર હોય, જેનો એકમાત્ર આનંદ વિશ્વનું ભલું હોય, જે બીજાના રાઈ જેવડા ગુણને પહાડ જેવડા કરી જોતો હોય અને આમ આત્મવિકાસ સાધી બીજાના વિકાસમાં સહાયરૂપ થાય તેવો મહાપુરુષ, એ સાચો મહાત્મા છે.

‘યોગ’ ધાતુમાંથી અંગ્રેજી ‘યોક’ (Yoke) નિષ્પન્ન થયેલ; એનો અર્થ છે ‘જોડવું’ અને ‘યોગ’નો અર્થ છે, ‘જાતને ઈશ્વરની સાથે જોડવી’- મારી જાતને મારા સાચા સ્વ સાથે જોડવી.

આજનાં બધાં અસ્વૈચ્છિક કાર્યો એક કાળે સ્વૈચ્છિક હતાં અને આપણું પ્રથમ ધ્યેય અસ્વૈચ્છિક કાર્યોનું જ્ઞાન મેળવવાનું છે—સાચો હેતુ છે બધાં અસ્વૈચ્છિક કાર્યોને પુનઃ ચેતનવંતાં કરી તેમને સ્વૈચ્છિક કરવાં અને એ રીતે તેમને ચેતનાના ક્ષેત્રમાં લાવવાં. અનેક યોગીઓ પોતાનાં હૃદયનાં કાર્યોને વશમાં રાખી શકે છે.

ચેતનામાં ઊતરી આપણે ભૂલી ગયા હોઈએ તે બાબતોને તાજી કરવી તે સામાન્ય શક્તિ છે પણ એને વધારી શકાય છે. આંતરચેતનામાંથી બધું જ જ્ઞાન—બધી જ બાબતો—બહાર કાઢી શકાય છે અને આમ કરવું તે યોગ છે. મોટા ભાગનાં વિચારો અને કાર્યો સ્વસંચાલિત—ચેતનાથી પર રહીને કાર્યરત—છે. સ્વયંસંચાલિત કાર્યોનું કેન્દ્ર મગજનો નીચલો ભાગ છે અને ત્યાંથી નીકળતી કરોડરજ્જુમાં છે.

આપણી આંતરચેતના તરફનો માર્ગ શી રીતે જાણવો એ પ્રશ્ન છે. આપણે જીવ, આત્મા, મન અને શરીર દ્વારા બહાર આવ્યા છીએ અને હવે આપણે શરીરથી જીવ સુધી પાછા જવાનું છે. પ્રથમ શ્વાસને વશ રાખો. પછી જ્ઞાનતંતુઓને, પછી મનને, પછી આત્માને અથવા જીવને. પણ આ પ્રયત્નમાં શ્રેષ્ઠની જ ઝંખના માટે આપણે પૂરા નિષ્ઠાવાન રહેવું જોઈએ.

કાયદાનો કાયદો છે મનની એકાગ્રતા. પ્રથમ જ્ઞાનતંતુઓની બધી શક્તિઓને, શરીરના કોષોમાં રહેલી બધી શક્તિઓને એક શક્તિમાં કેન્દ્રિત કરો અને તમારી ઇચ્છા પ્રમાણે એને વાળો. પછી વધારે સૂક્ષ્મ છે તે મનને એક કેન્દ્રમાં લાવો. મનના સ્તર ઉપર સ્તર છે. જ્ઞાનતંતુઓની શક્તિને કરોડરજ્જુમાંથી પસાર કરવામાં આવે ત્યારે મનનું એક સ્તર ખૂલે છે. એ એક ચક્ર—કમળ—માં કેન્દ્રિત થાય છે ત્યારે જગતનું બીજું દ્વાર ખૂલે છે. આ રીતે એકથી બીજા જગતમાં જતી એ મસ્તકના કેન્દ્રમાં—બ્રહ્મરંધ્રમાં—પહોંચે છે. સુષુપ્ત શક્તિનું આશ્રયસ્થાન એ છે, કર્મણ્યતા અને અકર્મણ્યતા બંનેનો સ્રોત એ છે.

આ જગતમાં, આ જીવનમાં જ, આપણે સર્વ અનુભવ પૂરો કરી શકીએ છીએ એ વિચારથી આરંભ કરો. આ ભવમાં, આ જ પળે પૂર્ણ થવાની મહેચ્છા આપણે રાખવી જોઈએ. જે લોકો આ જ પળે આમ કરવા ઇચ્છે છે તેવા લોકોને જ સફળતા વરે છે. ‘શ્રદ્ધા, ગમે તે થાય મારો મદાર શ્રદ્ધા પર જ છે,’ એમ કહેનાર જ તે પ્રાપ્ત કરે છે. એટલે આ જ પળે તમારે તે પૂરું કરવાનું છે એમ જ માનો. ખૂબ મથામણ કરો અને છતાંય તમે સફળ ન થાઓ તો તમારો દોષ નથી. જગત ભલે તમને વખાણે કે વખોડે. જગત આખાની સમૃદ્ધિ તમારે ચરણે આવી પડે તો ભલે કે ભલે તમે પૃથ્વી પરના રંકમાં રંક બનો. મૃત્યુ ભલે આ જ ક્ષણે આવે કે સેંકડો વર્ષો પછી, ગ્રહણ કરેલા માર્ગેથી ચલાયમાન ન થશો. બધા સુવિચારો અમર હોય છે અને બુદ્ધ અને ઈસુ બનવા મથો.

તમારા મનમાં પ્રવેશતી વિવિધ ઘટનાઓને અભિવ્યક્ત કરવાનું સાધન ‘નિયમ’ છે. ભૌતિક ઘટનાઓને ગ્રહણ કરી એમને એકત્વમાં લાવવાની તમારી પદ્ધતિ છે તે ‘નિયમ’. બધા નિયમનું કામ વિવિધતામાં એકતા શોધવાનું છે. જ્ઞાનની એક જ પદ્ધતિ છે અને તે છે શારીરિક, માનસિક અને આધ્યાત્મિક્ સ્તરે એકાગ્રતા સાધવાની અને અનેકમાં એકને શોધવાની. મનની શક્તિઓને એકાગ્ર કરવી તેને જ્ઞાન કહેવાય છે.

એકતા કરતું બધું નૈતિક છે, ભેદ જન્માવતું બધું અનૈતિક છે. અદ્વિતીય તેવા એકને જાણવું તે પૂર્ણતા છે. જે સર્વમાં આવિષ્કૃત છે તે વિશ્વનો આધાર છે; અને સર્વ ધર્મોએ અને સર્વ જ્ઞાને આ બિંદુએ આવવું જ જોઈએ.

(ગ્રીનએકર વર્ગોમાં, ૧૮૯૪ના ઓગસ્ટની ૧૨મીએ સવારે સ્વામીજીએ આપેલા છેલ્લા વાર્તાલાપની કુ. એમ્મા થર્સબીની અસંબદ્ધ નોંધ નીચે પ્રમાણે છે.)

હું પૂર્ણ અસ્તિત્વ છું—કુંડલિની

પૂર્ણ આનંદ છું—વર્તુળ માતા

હું તે જ છું. —શિવોહમ્

હું તે જ છું. —શિવોહમ્

બીજાની મિલકતને શૂન્ય માનનાર અને દરેક સ્ત્રીને પોતાની માતા માનનાર જ્ઞાની છે.

શાંતિ

આપણે હ્રીં (દૈવી માતા માટેનો બીજમંત્ર અથવા બીજશબ્દ)ની ગરિમાનું ધ્યાન ધરીએ છીએ.

માતા

બૌદ્ધ પ્રાર્થના

હું સૃષ્ટિ પરના સંતોને નમસ્કાર કરું છું.

હું ધર્મના સ્થાપકોને નમસ્કાર કરું છું.

બધાં સાધુ પુરુષસ્ત્રીઓને નમસ્કાર કરું છું.

પૃથ્વી પર આવેલા બધા ધર્મોના પયગંબરોને નમસ્કાર કરું છું.

હિંદુ પ્રાર્થના

આ વિશ્વના સ્રષ્ટાના મહિમાનું હું ધ્યાન ધરું છું. અમારાં ચિત્તને એ ઉજાળો.

Total Views: 125
૨. અદ્વૈત
૧. ધર્મના વેપારીઓ