(નવેમ્બર ૨૬, ૧૮૯૩ના રોજ મિનિયાપોલીસમાં આપેલું વ્યાખ્યાન. ‘મિનિયાપોલીસ જર્નલ’માં એનો હેવાલ છપાયો હતો.)

ગયા ઉનાળામાં શિકાગોમાં ભરાયેલી સર્વધર્મપરિષદમાં પ્રખ્યાતિ પામેલા બ્રાહ્મણ આચાર્ય સ્વામી વિવેકાનંદે દોરેલી રૂપરેખા પ્રમાણે પૂર્વની ધર્મભાવના અંગેના વિચારો વિશે કંઈક જાણવા ઉત્સુક બનેલા શ્રોતામંડળથી ગઈકાલ સવારે યુનિટેરિયન ચર્ચ આખું ભરાઈ ગયું હતું. બ્રાહ્મણ ધર્મના પ્રસિદ્ધ પ્રતિનિધિને મિનિયાપોલીસમાં પેરિપેટેટિક કલબે આમંત્રણ આપીને બોલાવેલા અને ગયા શુક્રવારની સાંજે તે કલબની સમક્ષ તેમણે ભાષણ કર્યું હતું. ગઈકાલે આપવાના ભાષણ માટે તેમને આ સપ્તાહ રોકાઈ જવાનો આગ્રહ કરવામાં આવ્યો હતો…

પાદરી ડો. એમ. એમ. સાઈમન્સે શ્રદ્ધા, આશા અને દાન વિશે અને ‘તેમાં સૌથી શ્રેષ્ઠ દાન છે’ તે વિશે સેન્ટ પોલના ઉપદેશમાંથી વાંચ્યું અને તે ઉપદેશના સમર્થનમાં આ જ ભાવનાનો ઉપદેશ કરનારાં બ્રાહ્મણ-શાસ્ત્રોમાંથી તેમજ મુસ્લિમ ધર્મમાંથી થોડા ફકરાઓ વાંચી બતાવ્યા; ઉપરાંત હિંદુ સાહિત્યમાંથી જે જે બધાં કાવ્યો સેન્ટ પોલનાં કથનોની સાથે સુસંગત હતાં તે પણ વાંચી બતાવ્યાં.

બીજું સ્તોત્ર પૂરું થયા પછી સ્વામી વિવેકાંદી (sic) ની ઓળખાણ આપવામાં આવી. તરત જ મંચના છેડા સુધી આગળ આવી એક હિંદુ વાર્તા કહીને તેમણે શ્રોતાઓમાં રસ જમાવ્યો. ઉત્તમ અંગ્રેજીમાં તેમણે કહ્યુંઃ

‘હું તમને પાંચ આંધળા માણસોની એક વાર્તા કહેવા માગું છું. ભારતના એક ગામડામાં એક સરઘસ નીકળ્યું; તે સરઘસ જોવા અને ખાસ કરીને તેમાં નીકળેલા ઠાઠથી શણગારેલા હાથીને જોવા ગામના બધા લોકો નીકળી પડ્યા. હવે પાંચ આંધળા માણસો હાથીને જોઈ શકતા ન હતા, તેથી તેના સ્વરૂપ વિશે માહિતગાર બનવા તેમણે હાથીને અડકીને માહિતગાર થવાનો નિર્ણય કર્યો. તેમને તેમ કરવાની છૂટ આપવામાં આવી. પછી જ્યારે સરઘસ ચાલ્યું ગયું ત્યારે તેઓ પણ લોકોની સાથે ઘેર પાછા ફર્યા અને હાથી વિશે વાતચીત કરવા લાગ્યા. એકે કહ્યુંઃ ‘હાથી દીવાલ જેવો જ હતો.’ બીજાએ કહ્યુંઃ ‘ના, એમ ન હતું; તે દોરડાના ટુકડા જેવો હતો.’ ત્રીજાએ કહ્યુંઃ ‘તમારી ભૂલ છે. મેં તેને અડકી જોયું હતું અને તે મોટા સર્પ જેવો હતો.’ હવે ચર્ચામાં ગરમી આવી ગઈ. ત્યાં ચોથાએ કહ્યુંઃ ‘હાથી મોટા તકિયા જેવો હતો.’ આથી તો ચર્ચા વધુ જલદ અને ક્રોધભર્યાં વાકયોમાં પરિણમી અને પાંચે આંધળા લડવા લાગ્યા. એટલામાં બંને આંખે દેખતો એક માણસ ત્યાં આવી પહોંચ્યો. તેણે કહ્યુંઃ ‘કેમ દોસ્તો! શી વાત છે?’ તકરાર તેને સમજાવવામાં આવી. એ સાંભળીને નવા આગંતુકે કહ્યુંઃ ‘ભાઈઓ! તમે બધા સાચા છો. તકલીફ એ છે કે તમે હાથીને જુદે જુદે સ્થળે અડકયા હતા. દીવાલ તે તેનું પડખું હતું; દોરડુરં તે પૂંછડી હતી; સર્ય તે સૂંઢ અને તકિયો તે પગનો આગલો ભાગ હતો. તમારો ઝઘડો હવે બંધ કરો. તમે બધા સાચા છો, પણ તમે હાથીને જુદાં જુદાં દૃષ્ટિબિન્દુઓથી જોયો છે.’

સ્વામીજીએ કહ્યું કે ધર્મ આવા ઝઘડામાં ઊતરી પડ્યો છે. પશ્ચિમના લોકો માને છે કે તેમની પાસે જ ઈશ્વરનો ધર્મ છે અને પૂર્વના લોકો પણ એવો જ આગ્રહ રાખે છે; બંને ખોટા છે; ઈશ્વર દરેક ધર્મમાં છે.

પાશ્ચાત્ય વિચારો પર ઘણો પ્રકાશ નાખે એવી ટીકાઓ તેમણે કરી. ખ્રિસ્તીઓને ‘વેપારીઓના ધર્મ’ વાળા કહેવામાં આવ્યા હતા. તેઓ ઈશ્વર પાસે હંમેશાં યાચના કરે છેઃ ‘હે પ્રભુ! મને આ આપ અને તે આપ; હે પ્રભુ! આ કર ને તે કર.’ હિંદુ આ સમજી શકે નહીં. ઈશ્વર પાસે માગવું તે ખોટું છે તેમ તે માને છે. માગવાને બદલે ધાર્મિક માણસે આપવું જોઈએ. ઈશ્વરની પાસે કંઈક આપો એમ માગવા કરતાં હિંદુ ઈશ્વરને તેમજ તેના જાતભાઈઓને કંઈક આપવામાં માને છે. તેમણે જોયું કે પશ્ચિમના લોકોનો મોટો ભાગ તેઓ સુખસગવડપૂર્વક જીવી શકે ત્યાં સુધી ઈશ્વર વિશે ઘણો વિચાર કરે છે; પણ જ્યારે વિપરીત પરિસ્થિતિ આવે છે કે તરત ઈશ્વરને ભૂલી જાય છે; હિંદુ વિશે તેમ નથી. તે ઈશ્વરને પ્રેમસ્વરૂપ લેખે છે. હિંદુ ધર્મ ઈશ્વરનો પિતૃભાવ તેમજ માતૃભાવ બંને સ્વીકારે છે, કારણ કે માતૃભાવમાં પ્રેમભાવનું પૂર્ણત્વ વિશેષ છે. પાશ્ચાત્ય ખ્રિસ્તી એક ડોલર માટે આખું અઠવાડિયું સખત મહેનત કરે છે અને જ્યારે તેમાં સફળ થાય છે ત્યારે કહે છેઃ ‘હે ઈશ્વર! આ લાભ આપવા માટે તારો આભાર માનું છું.’ અને પછી બધા પૈસા ખીસામાં મૂકે છે. હિંદુ પૈસા મેળવ્યા પછી કોઈ ગરીબ કે પોતાથી ઓછા નસીબદારને મદદ કરીને એ રીતે તે ઈશ્વરને અર્પણ કરે છે. પશ્ચિમના વિચારો અને પૂર્વના વિચારો વચ્ચે આ રીતે સરખામણી કરવામાં આવી હતી. ઈશ્વર વિશે બોલતાં તેમણે સારાંશમાં આમ કહ્યુંઃ ‘તમે પશ્ચિમના લોકો એમ માનો છો કે તમે ઈશ્વરવાળા છો. ઈશ્વરવાળા હોવું તેનો અર્થ શો? જો તે તમારી પાસે હોય તો આટલી બધી ગુનેગારવૃત્તિ કેમ છે? શા માટે દસમાંથી નવ જણા દંભી છે? જ્યાં ઈશ્વર હોય ત્યાં દંભ ન હોય. ઈશ્વરની ભક્તિ માટે તમારે ત્યાં આલીશાન મકાનો છે અને અઠવાડિયામાં એક વખત થોડાક સમય પૂરતી ત્યાં તમે હાજરી આપો છો. પણ તમારા પૈકી કેટલા થોડાક લોકો ઈશ્વરની ઉપાસના કરવા જાય છે? દેવળમાં જવું એ પશ્ચિમની એક ફેશન છે; અને તમારામાંના ઘણા તો તે સિવાય બીજા કોઈ જ કારણસર જતા નથી. તો પછી પશ્ચિમના લોકો! ઈશ્વર તમારી એકલાની માલિકીનો છે તેવો દાવો કરવાનો તમને કશો અધિકાર છે ખરો?’

અહીં વક્તાને ઉમળકાભેર તાળીઓના ગડગડાટથી વધાવી લેવામાં આવ્યા. તેથી સહેજ અટકીને તેમણે આગળ ચલાવ્યુંઃ ‘અમે હિંદુ ધર્મવાળા ઈશ્વરને પ્રેમ માટે ભજીએ છીએ; તે જે આપે છે તે માટે નહિ પણ ઈશ્વર પ્રેમસ્વરૂપ છે માટે. અને કોઈ પણ પ્રજા, કોઈ પણ લોકો, કોઈ પણ ધર્મ જ્યાં સુધી ઈશ્વરની પ્રેમ ખાતર ભક્તિ કરે નહિ ત્યાં સુધી તેને માટે ઈશ્વર હોઈ ન શકે. તમે પશ્ચિમના લોકો ધંધારોજગારમાં વ્યવહારુ છો, મહાન શોધખોળોમાં વ્યવહારુ છો, જ્યારે અમે પૂર્વના લોકો ધર્મમાં વ્યવહારુ છીએ. તમે વેપારને તમારો વ્યવસાય બનાવો છો, અમે ધર્મને અમારો વ્યવસાય બનાવીએ છીએ. જો તમે ભારત આવો અને ખેતરોમાં કામ કરનારા માણસોની સાથે વાત કરો તો તમને જણાશે કે રાજકારણ વિશે તેને કોઈ ખાસ ખ્યાલ નથી; તે રાજકારણ વિશે કંઈ જ જાણતો નથી હોતો. પણ તેની સાથે ધર્મની વાત કરો, તો તમને તરત જણાશે કે સામાન્યમાં સામાન્ય ખેડૂત પણ એકેશ્વરવાદ, ઈશ્વરવાદ અને ધર્મના બધા વાદોને જાણે છે. તમે તેને પૂછો કે ‘તમે કઈ સરકાર નીચે રહો છો?’ તો તે જવાબ આપશેઃ ‘મને ખબર નથી. હું તો કર ભરું છું તેટલું જ તેને વિશે જાણું છું.’ મેં તમારા મજૂરો સાથે અને ખેડૂતો સાથે વાત કરી છે અને મેં જોયું છે કે રાજકારણમાં તેઓ સઘળા પક્ષોથી સારી રીતે વાકેફ છે. તેઓ પોતે લોકશાહીવાદી (Democrate) કે પ્રજાસત્તાકવાદી (Republican) હોય છે, તેમ જ પોતે મુક્ત રૂપાનું ચલણ પસંદ કરવું કે સુવર્ણનું ચલણ પસંદ કરવું તે તેઓ જાણતા હોય છે. પણ તમે તેની સાથે ધર્મની વાત કરી જુઓ; ત્યાં તેઓ હિંદના ખેડૂતો જેવા છે. તેઓ ધર્મ વિશે જાણતા ન નથી હોતા. માત્ર તેઓ અમુક દેવળમાં જાય છે, પણ તે દેવળવાળા શેને માને છે તે તેઓ જાણતા નથી. તેઓ માત્ર દેવળમાંની પોતાના કુટુંબની કાયમી બેઠકનું ભાડું આપે છે; ઈશ્વર વિશે તેઓ આટલું જ જાણે છે.’

ભારતમાં વહેમો છે એનો તેમણે સ્વીકાર કર્યો પણ પછી પૂછ્યુંઃ ‘કઈ પ્રજામાં વહેમો નથી?’ અને ઉપસંહાર કરતાં સ્વામીજીએ કહ્યુંઃ ‘પ્રજાઓ ઈશ્વર પ્રત્યે પોતાની એકાધિકારી દૃષ્ટિથી જુએ છે. સઘળી પ્રજાઓ ઈશ્વર માગે છે અને સત્કર્મ કરવાની કોઈ પણ પ્રેરણા એ ઈશ્વર છે. પશ્ચિમના તેમજ પૂર્વના લોકોએ ‘ઈશ્વરની જરૂર’ અનુભવતાં શીખવું જોઈએ; આ ઈશ્વરની જરૂરને પાણીને તળિયે હવા માટે તરફડિયાં મારતા માણસની જરૂરિયાત સાથે સરખાવી શકાય. પશ્ચિમના લોકોને ઈશ્વર જ્યારે આ રીતે જોઈતો હશે ત્યારે તેઓ ભારતમાં આવકાર પામશે, કારણ કે ત્યારે પાદરીઓ ઈશ્વરને સાથે લઈને આવશે, ભારત ઈશ્વરને ઓળખતું જ નથી તેમ માનીને નહીં; તેઓ પૂર્વગ્રહવાળા સિદ્ધાંતો રાખીને નહીં પણ હૃદયમાં પ્રેમ રાખીને આવશે.’

Total Views: 123
૩. ભારતનો ધર્મ
૨. સહિષ્ણુતા માટે અભ્યર્થના