(માર્ચ ૧૮, ૧૯૦૦ના રોજ કેલિફોર્નિયાના આલામેડા ખાતે આપેલ પ્રવચનમાંથી)

આપણે ઘણાં પુસ્તકો વાંચીએ છીએ, પણ તેનાથી જ્ઞાન પ્રાપ્ત નથી થતું. આપણે દુનિયાના તમામ ધર્મગ્રંથો વાંચી જઈએ, પણ તેથી આપણને ધર્મ નથી મળતો. સિદ્ધાંતનો ધર્મ મેળવવો સહેલો છે; એ ગમે તે મેળવી શકે છે. આપણે તો એવો વ્યવહારુ ધર્મ જોઈએ કે જે આચારમાં મૂકી શકાય.

ખ્રિસ્તી ધર્મના મત પ્રમાણે વ્યવહારુ ધર્મ એટલે જેમાં સાંસારિક ઉપયોગિતા હોય તેવાં સત્કર્મો.

આવી સાંસારિક ઉપયોગિતાથી શો લાભ? ઉપયોગિતાની દૃષ્ટિએ ધર્મને જુઓ તો તે નરી નિષ્ફળ બાબત છે. ઈસ્પિતાલો વધે તેનો અર્થ એ કે તેમાં વધારે દર્દીઓ આવે એમ આપણે ઇચ્છીએ છીએ. દાનવૃત્તિ કે ધર્માદો એટલે શું? સખાવત એ પાયાની વસ્તુ નથી. તે દ્વારા આપણે દુનિયાનાં દુઃખોનો નાશ કરતા નથી, ઊલટું દુઃખ વધારવામાં મદદ કરીએ છીએ. કોઈ નામના અને કીર્તિ ચાહતો હોય છે અને તે પ્રાપ્ત કરવાના પ્રયત્નોને તે ધર્માદાના અને સત્કાર્યોના ઓપ વડે ઢાંકે છે. બીજા માટે કાર્ય કરવાના બહાના તળે તે પોતાને માટે જ કાર્ય કરી રહ્યો હોય છે. દરેક કહેવાતી ધર્માદા સંસ્થા જે દુઃખને દૂર કરવા માટે રચાઈ હોય છે, તેને જ તે ઉત્તેજન આપે છે.

કોઈ ઈસ્પિતાલ કે ધર્માદા સંસ્થાના લાભાર્થે સ્ત્રીઓ અને પુરુષો આખી રાત નૃત્ય કરે છે, પણ પછી ઘેર જઈને પશુ જેવું આચરણ કરીને ગુનેગારોનાં કેદખાનાં, ગાંડાંની સંસ્થાઓ તથા રોગીઓની ઈસ્પિતાલો ભરવા માટે શેતાનોને જન્મ આપે છે. આવું ચાલ્યા કરે છે અને આવી ઈસ્પિતાલો બાંધવી વગેરે કાર્યોને સત્કર્મનું નામ અપાય છે. સત્કર્મનો આદર્શ તો દુનિયાનાં દુઃખોનો નાશ કરવો કે તેને ઘટાડવાં એ છે. યોગીનો આદર્શ પ્રકૃતિથી મુક્ત બનવાનો હોય છે. તેનાં કાર્યોનો માપદંડ પ્રકૃતિ પર વિજય મેળવવાનો હોય છે. યોગી કહે છે કે તમામ શક્તિ આત્મામાં રહેલી છે અને શરીર અને મનને કાબૂમાં લાવવાથી આત્મિક શક્તિ વડે માણસ પ્રકૃતિને જીતે છે. માણસની શારીરિક આવશ્યકતા કરતાં એક અધોળ પણ વધારે માંસપેશી એટલે તેટલી બુદ્ધિશક્તિ ઓછી. અતિમાત્રામાં શ્રમ ન કરવો; તે નુકસાનકારક છે. જે અતિ સખત શ્રમ નહિ કરે, તે સૌથી વધુ જીવશે. ઓછું ખાઓ, ઓછો પરિશ્રમ કરો; બુદ્ધિશક્તિનો સંચય કરો.

સ્ત્રીઓ માટે ઘરકામ એ પૂરતો પરિશ્રમ છે.

દીવાને ઝડપથી બાળી ન નાખો; ધીમે ધીમે બળવા દો.

યોગ્ય ખોરાક એટલે સાદો ખોરાક, ખૂબ મસાલાયુક્ત ખોરાક નહિ.

Total Views: 130
૬. ભક્તિ
૨. અદ્વૈત