(જાન્યુઆરી ૧૭, ૧૮૯૪ના રોજ મેમ્ફિસમાં આપેલું વ્યાખ્યાન. ‘અપીલ એવેલેન્સ’માં આવેલો અહેવાલ)
સાંભળનારાઓની સંખ્યા ઠીક ઠીક મોટી હતી; અને શહેરના શ્રેષ્ઠ સાહિત્યકારો, સંગીતકારો તથા ધારાશાસ્ત્રીઓ અને અન્ય નાણાકીય સંસ્થાઓના જાણીતા સભ્યો તેમાં હાજર હતા.
વકતા, કેટલાક અમેરિકન વક્તાઓ કરતાં એક બાબતમાં ખાસ કરીને જુદા તરી આવે છે. ગણિતનો અધ્યાપક જેમ તેના વિદ્યાર્થીઓને બીજગણિતનો દાખલો કરી બતાવે તેવી જ રીતે તે પોતાના વિચારો તેટલી જ વિચારણાપૂર્વક રજૂ કરે છે. કાનંદ (તે દિવસોમાં ખબરપત્રીઓ સ્વામીજીના નામનો ઉલ્લેખ મોટે ભાગે કાનંદ તરીકે કરતા.) પોતાની શક્તિમાં પૂર્ણ શ્રદ્ધાપૂર્વક તેમજ બધી દલીલો સામે પોતાના સિદ્ધાંતોને ટકાવી રાખવાની શક્તિ સાથે બોલે છે. તેઓ એવા કોઈ વિચારો રજૂ કરતા નથી તેમજ એવાં કોઈ નિશ્ચિત વિધાનો કરતા નથી કે જેને પોતે તર્કશુદ્ધ રીતે પુરવાર કરી ન શકે. તેમનાં વ્યાખ્યાનનો ઘણો ખરો ભાગ ઈન્ગરસોલના તત્ત્વજ્ઞાનના વર્ગના જેવો છે. ખ્રિસ્તીઓ જેમ માને છે તેમ ગુનાની ભાવિ સજામાં કે ઈશ્વરમાં તેઓ માનતા નથી. મન પરાધીન છે તે હકીકતને કારણે અને બધી વસ્તુઓથી જે સ્વતંત્ર ન હોય તે નિત્ય ન હોઈ શકે તે કારણે, મનને તેઓ નિત્ય માનતા નથી. તેઓ કહે છેઃ ‘આ જગત ઉપર મનુષ્યનાં કર્મો પ્રમાણે શિક્ષા કે ઈનામ આપવા વિશ્વના એક ખૂણામાં બેઠેલા કોઈ રાજા જેવો ઈશ્વર નથી. વળી એવો સમય જરૂર આવશે કે જ્યારે માણસ સત્યને જાણશે અને પોકારીને કહેશે કે હું ઈશ્વર છું અને તેના જીવનનું હું જીવન છું. જ્યારે આપણું સાચું સ્વરૂપ, આપણું અવિનાશી તત્ત્વ ઈશ્વર છે, ત્યારે ઈશ્વર દૂર છે એમ શા માટે શીખવવું?
‘તમારો ધર્મ ‘મૂળ પાપ’ (Original sin), વિશે કહે તેથી ભરમાઈ ન જતા, કારણ કે એ જ ધર્મ ‘મૂળ’ પવિત્રતાનો પણ ઉપદેશ કરે છે. આ આદમ પોતાની પવિત્રતામાંથી ચ્યુત થયો ત્યારે તેનું પતન થયું (તાળીઓ). પવિત્રતા એ જ આપણો સાચો સ્વભાવ છે અને તેને પાછી મેળવવી તે બધા ધર્મોનો હેતુ છે. બધા મનુષ્યો પવિત્ર છે; બધા માણસો સારા છે. તે સામે કેટલાક વાંધા ઉઠાવી શકાય અને તમે પૂછી શકો કે તો પછી કેટલાક માણસો પશુ સમાન કેમ છે? જે માણસને તમે પશુ કહો છો, તે માણસ કીચડ અને ધૂળથી ખરડાયેલા હીરા જેવા છે; તેની ધૂળ ખંખેરી નાખો એટલે તે હીરો જ છે—એવો શુદ્ધ કે જાણે તેના ઉપર કદીય ધૂળ લાગી જ ન હતી! અને પ્રત્યેક આત્મા મહાન હીરો છે એ આપણે કબૂલ કરવું જ પડશે.
‘આપણા ભાઈને પાપી કહેવા કરતાં વધારે અધમ બીજું કંઈ નથી. એક ગર્ભિણી સિંહણ એક વખત ઘેટાંના ટોળા ઉપર પડી, એક ઘેટાને મારી નાખ્યું. પણ ત્યાં તો બચ્ચાને જન્મ આપતાં જ પોતે મરી ગઈ. સિંહણના એ બચ્ચાને એક બીજી ઘેટીએ પોષ્યું; ઘેટાં સાથે તે ઊછર્યું અને ઘેટાંની માફક ઘાસ ખાતાં શીખ્યું. એક દિવસે એક મોટા સિંહે પેલા ઘેટાં માંહેના સિંહને જોયો અને તેને ઘેટાંથી દૂર પોતાની સાથે લઈ જવા પ્રયાસ કર્યો. પણ જ્યારે તે નજીક આવ્યો ત્યારે પેલો ઘેટા-સિંહ નાસી ગયો. હવે ઘેટું બનેલો સિંહ એકલો મળે ત્યાં સુધી મોટો સિંહ તેની રાહ જોતો રહ્યો; અંતે તેણે તેને પકડ્યો અને સ્વચ્છ પાણીના ઝરા પાસે લઈ ગયો. પછી કહ્યુંઃ ‘તું ઘેટું નથી, પણ સિંહ છે. પાણીમાં તારી આકૃતિ તરફ જો.’ અને પાણીમાં પ્રતિબિંબિત થતી પોતાની આકૃતિ જોતાં જ તે ઘેટું બનેલા સિંહે કહ્યુંઃ ‘હા, હું ઘેટું નથી; હું સિંહ છું.’ તેમ આપણે પણ ઘેટાં છીએ તેમ આપણી જાત વિશે ન માનીએ પણ સિંહો છીએ તેમ માનવું જોઈએ અને ઘેટાંની માફક ‘બેં બેં’ કરીને ઘાસ ખાતા થવું ન જોઈએ.
‘ચાર મહિનાથી હું અમેરિકામાં છું. મેસેચ્યુસેટ્સમાં મેં એક ગુનાસુધારક જેલ જોઈ. કયા ગુના માટે કેદીઓને પૂરી રાખવામાં આવે છે તેની તે જેલરને ખબર ન હતી; તેમની આજુબાજુ દયાનો અંચળો લટકાવી દેવામાં આવે છે. બીજા એક શહેરમાં ઘણા વિદ્વાન માણસોના તંત્રીપણા નીચે ત્રણ વર્તમાનપત્રો નીકળતાં હતાં, જેમાં સખત સજાની આવશ્યકતા પુરવાર કરવાના પ્રયત્નો કરવામાં આવતા હતા, જ્યારે બીજા એક વર્તમાનપત્રની એવી દલીલ હતી કે સજા કરતાં દયા વધારે સારી છે. એ છાપાના તંત્રીએ આંકડાઓથી સિદ્ધ કર્યું કે સખત સજા પામેલા ગુનેગારોમાંથી માત્ર પચાસ ટકા સુધરીને પ્રામાણિક જીવન ગાળતા, જ્યારે જેમને હળવી સજા કરવામાં આવતી તેમાંથી નેવું ટકા જીવનમાં ઉપયોગી વ્યવસાય કરતા થઈ જતા.
‘ધર્મ એ માનવ સ્વભાવની નિર્બળતાનું પરિણામ નથી; આપણે કોઈ જુલમગારથી ડરીએ છીએ માટે દુનિયામાં ધર્મ લાવવામાં નથી આવ્યો. ધર્મ એ પ્રેમ છે, ઉત્થાન છે, વિકાસ છે, પ્રગતિ છે. ઘડિયાળનો દાખલો લો; એ નાની દાબડીમાં સંચાકામ છે અને એક કમાન છે. કમાનને જ્યારે ચાવી દો છો, ત્યારે તે તેની મૂળ સ્થિતિમાં આવવા પ્રયાસ કરે છે. તમે ઘડિયાળમાંની કમાન જેવા છો. જેમ બધી ઘડિયાળોને એક જ જાતની કમાન હોવી જોઈએ તે જરૂરનું નથી, તેમ આપણે બધાને એક જ ધર્મ હોવો જોઈએ એ જરૂરી નથી અને આપણે ઝઘડો શા માટે કરવો જોઈએ? જો આપણા બધાના એકસરખા વિચારો જ હોત તો દુનિયા મરી જાત. બહારની ગતિને આપણે ક્રિયા કહીએ છીએ, અંદરની ગતિ તે માનવવિચાર છે. પથરો જમીન ઉપર પડે છે; તમે કહો છો કે તે ગુરુત્વાકર્ષણના નિયમથી પડ્યો. ઘોડો ગાડીને ખેંચે છે અને ઈશ્વર ઘોડાને દોરે છે. ગતિનો આ કાયદો છે. ઘૂમરીઓ પાણીના પ્રવાહનું બળ દાખવે છે. પ્રવાહને રોકો એટલે પાણી બંધિયાર બને છે. પ્રવૃત્તિ તે જીવન છે. આપણામાં એકતા અને વિવિધતા હોવી જોઈએ. ગમે તે નામ રાખો પણ ગુલાબ મીઠી સુગંધ જ આપશે. તેથી તમારા ધર્મનું શું નામ છે તેની કંઈ કિંમત નથી.
‘છ આંધળા માણસો એક ગામમાં રહેતા હતા; તેઓ હાથીને જોઈ શકતા ન હતા, પણ તેઓ બહાર ગયા અને હાથીને અડીને જોયો. એકે હાથીની પૂંછડી ઉપર હાથ મૂકયો; બીજો તેના પડખાને અડ્યો; એકે તેની સૂંઢ ઉપર હાથ ફેરવ્યો અને એકે તેનો કાન પકડી જોયો. પછી તેઓ હાથીનું વર્ણન કરવા લાગ્યા. એકે તેને દોરડા જેવો કહ્યો, બીજાએ કહ્યું કે તે દીવાલ જેવો છે; એકે કહ્યું કે તે અજગર જેવો છે અને બીજાએ કહ્યું કે તે પંખા જેવો છે. આમ કરતાં તેઓ છેવટે મારામારી ઉપર આવ્યા અને એકબીજાને મેથીપાક ચખાડવા લાગ્યા. એક દેખતો માણસ ત્યાં આવ્યો અને ઝઘડાનું કારણ પૂછ્યું એટલે આંધળાઓએ કહ્યું કે અમે સૌએ હાથી જોયો છે, પણ સૌ એકબીજા ઉપર ખોટું બોલવાનો આક્ષેપ કરે છે, તેથી મતભેદ થયો છે. પેલા દેખતા માણસે કહ્યુંઃ ‘વારુ, તમે બધા જૂઠું બોલ્યા છો. તમે બધા આંધળા છો અને તમે કોઈએ તેને જોયો નથી.’ આપણા ધર્મ વિશે પણ આ જ સ્થિતિ છે. આપણે આંધળાઓને હાથી જોવા દઈએ છીએ (તાળીઓ).
‘ભારતના એક સાધુએ કહ્યું છેઃ ‘તમે એમ કહો કે રણની રેતી પીલીને તેલ કાઢી શકાય તો હું માનીશ; અથવા હાથ કરડી ખાધા વિના મગરના મોઢાંમાંથી દાંત ખેંચી કાઢીશ તો તે હું માનીશ. પણ ધર્માંધનું મત પરિવર્તન થાય તેમ કહેશો તો તે હું નહીં માનું.’ તમે પૂછો છો કે ધર્મમાં આટલા ભેદોનું કારણ શું છે? તેનો ઉત્તર આ છેઃ પર્વતની હજારો બાજુએથી વહેતાં નાનાં પાણીનાં ઝરણાં અંતે મહાન સાગરમાં પહોંચવા સર્જાય છે; તે જ પ્રમાણે જુદા જુદા ધર્મોનું છે. તેઓ બધા અંતે ઈશ્વરને ખોળે જવા સર્જાયા છે. ૧૯૦૦ વર્ષથી તમે યહૂદીઓને છૂંદી નાખવા મહેનત કરી રહ્યા છો, છતાં તમે તેમને કેમ છૂંદી નથી શકયા? પડઘો ઊઠે છેઃ ‘અજ્ઞાન અને ધર્માંધતા સત્યને કદી ચગદી ન શકે!’
વક્તાએ આમ તર્કશુદ્ધ રીતે લગભગ બે કલાક સુધી વ્યાખ્યાન ચાલુ રાખ્યું. છેવટે ઉપસંહાર કરતાં કહ્યુંઃ ‘આપણે મદદ કરીએ, વિનાશ નહીં.’

