(મેમ્ફિસ કોમર્શિયલ, જાન્યુઆરી ૧૭,૧૮૯૪)

ગઈ કાલે રાત્રે પ્રસિદ્ધ હિંદુ સંન્યાસી સ્વામી વિવે કાનંદના ‘હિંદુધર્મ’ વિષય પર થનારા ભાષણમાં તેમનું સ્વાગત કરવા માટે ઓડિટોરિયમમાં પૂરતા પ્રમાણમાં શ્રોતાઓ ઉપસ્થિત થયા.

જજ શ્રી આર. જે મોર્ગને તેમનો ટૂંકો પણ માહિતીપ્રદ પરિચય આપ્યો. તેમણે પોતાના વક્તવ્યમાં મહાન આર્યપ્રજાના વિકાસની રૂપરેખા આપી. અને એ વિકાસ ત્યાંથી યુરોપમાં અને હિંદુઓમાં પણ આવ્યો એમ કહીને તેમણે અમેરિકન લોકો તથા આજના વક્તાની વચ્ચેના વંશીય સંબંધનું અનુસંધાન નિરૂપિત કરી બતાવ્યું.

પૂર્વના આ પ્રખ્યાત માનવને વિપુલ તાળીઓથી વધાવવામાં આવ્યા અને છેવટ સુધી ખૂબ રસથી ધ્યાનપૂર્વક તેમને સાંભળવામાં આવ્યા. તેઓ સુંદર શારીરિક બાંધો ધરાવનારા છે. તેમના બધા અવયવો સંતુલિત અને તપાવેલા કાંસા જેવા લાલ રંગના છે. તેમણે કેસરી રંગનો રેશમી ઝભ્ભો પહેર્યો હતો. કાળો દુપટ્ટો હતો, કાળો સુરવાલ પહેર્યો હતો. ભારતના રેશમની પીળી પાઘડી તેમણે માથા પર સુવ્યવસ્થિત રીતે બાંધી હતી. તેમની વાક્છટા ઘણી સરસ હતી. વ્યાકરણશુદ્ધિની દૃષ્ટિએ તેમજ શબ્દચયનની દૃષ્ટિએ તેમની અંગ્રેજી ભાષા પૂર્ણ હતી. તેમની વાક્યરચના પણ વિશુદ્ધ હતી. કોઈક વખત જ ક્યાંક ઉચ્ચારણ સંબંધી અનિશ્ચિતતા અને શબ્દના કોઈક વર્ણ ઉપર દેવાતો ખોટો સ્વરભાવ વરતાઈ આવતાં હતાં. ગમે તેમ પણ ધ્યાન દઈને સાંભળનારાઓને પણ કેટલાક શબ્દો છૂટી જ જતા હતા છતાં તેમને તેમના ધ્યાનનું વળતર ભાષણમાંના મૌલિક વિચારોથી, એમાંથી મળતી માહિતીઓથી તેમજ તેમના વિશાળ જ્ઞાનથી મળી જ રહેતું. પ્રવચનને યોગ્ય રીતે જ ‘વૈશ્વિક સહિષ્ણુતા’ એવું શીર્ષક આપી શકાય. એમાં ભારતના ધર્મ સંબંધી નોંધો અને ઉદાહરણો અપાયાં હતાં. આ સહિષ્ણુતાની ભાવના બધા શ્રેષ્ઠ ધર્મોની કેન્દ્રીય પ્રેરણા છે એમ તેમણે ભારપૂર્વક કહ્યું એ જ આવકારવા યોગ્ય છે. તેમણે વિચાર્યું કે ગમે તે રીતની શ્રદ્ધા કે ધાર્મિક માન્યતાના રૂપમાં આ સહિષ્ણુતા જ સિદ્ધ કરવી જોઈએ.

હિંદુધર્મ વિશેનો તેમનો વાર્તાલાપ કંઈ સાવ વિગતો આપનાર અથવા હકીકતોના પ્રત્યક્ષપણા પર આધારિત જ ન હતો. તેમનો પ્રયત્ન તો લગભગ કોઈ પુરાણકથાઓની વાર્તા કે એના સ્વરૂપનું ચિત્રણ કરવાને બદલે એના મર્મનું પૃથક્કરણ કરવાનો હતો. તેમણે પોતાના ધર્મનાં થોડાંક ખાસ વિધિવિધાનોનાં પાસાં બતાવ્યાં પરંતુ એને પણ એમણે ખૂબ જ સ્પષ્ટ અને સહેલાઈથી સમજી શકાય એ રીતે વર્ણવ્યાં. તેમણે હિંદુધર્મનાં રહસ્યમય પાસાંનો સ્પષ્ટ ચિતાર રજૂ કર્યો કે જેમાંથી જ વારંવાર (પશ્ચિમવાસીઓ દ્વારા) ખોટી રીતે સમજાયેલી પુનર્જન્મની માન્યતાનો ઉદ્‌ભવ થયો છે. તેમણે એ સમજાવ્યું કે તેમના ધર્મે શા માટે અને કેવી રીતે સમયના વિભાજનની ઉપેક્ષા કરી છે, તે એ રીતે કે જેવી રીતે બધા જ માણસો આત્માના વર્તમાનકાળમાં અને ભવિષ્યકાળમાં માને છે એવી જ રીતે બ્રહ્મનો આ ધર્મ ભૂતકાળમાં પણ માને છે. તેમણે એ પણ સ્પષ્ટ કર્યું કે તેમનો ધર્મ ‘મૂળતઃ પાપ’માં માનતો નથી પણ માણસના બધા જ પ્રયત્નો અને પ્રેરણાઓના પાયા તરીકે માનવજાતની પૂર્ણતાની શ્રદ્ધાને સ્થાપે છે. તેઓ ભારપૂર્વક કહે છે કે સુધારણા અને વિશુદ્ધિ આશા ઉપર આધાર રાખનારી હોવી જોઈએ. માણસની સુધારણાનો અર્થ તેના પોતાના મૂળ સ્વરૂપને ફરી વખત પામવાનો છે. આ પૂર્ણતા પવિત્રતા અને પ્રેમની સાધના કરવાથી આવવી જોઈએ. અહીં તેમણે બતાવ્યું કે તેમના લોકોએ કેવી રીતે આ ગુણોની સાધના કરી છે અને ભારત કેવી રીતે પીડિત લોકોનો આશ્રયદાતા દેશ બન્યો છે. આ વાત કરતાં તેમણે હિંદુઓએ યહૂદીઓને આપેલા આશ્રયની વાત કરી અને જણાવ્યું કે જ્યારે દુશ્મનોએ (Titus) જેરૂસલેમને લૂંટ્યું અને દેવળ બાળી નાખ્યું હતું ત્યારે યહૂદીઓ ભારતના આશ્રયે વસ્યા હતા.

એક ચિત્ર દોરનારની અદાથી તેમણે કહ્યું કે હિંદુઓ બહારના રૂપરંગને ઝાઝું મહત્ત્વ આપતા નથી. કેટલીક વખત એક જ કુટુંબનો દરેકે દરેક સભ્ય પણ પોતાની સામ્પ્રદાયિક શ્રદ્ધામાં એકબીજાથી અલગ પડતો હોય છે, આમ છતાં એ બધા પ્રેમભાવથી ઈશ્વરને ભજતા હોય છે, પ્રેમ જ એમનો મધ્યવર્તી સદ્‌ગુણ છે. તેમણે કહ્યું કે હિંદુઓ બધા જ ધર્મોમાં સારાં તત્ત્વો છે એમ માને છે અને માનવની પવિત્રતા માટે બધા જ ધર્મો માનવોને પ્રેરણા દેનાર મૂર્ત સ્વરૂપો છે અને આમ હોવાથી બધા જ ધર્મોને માન આપવું જોઈએ. આ માટે તેમણે વેદોમાંથી (?) ઉદાહરણો ટાંક્યાં. એમાં જુદા જુદા ધર્મોને જુદા જુદા આકારનાં વાસણોના પ્રતીક તરીકે ગણવામાં આવ્યા હતા. એ વાસણો લઈને જુદા જુદા માણસો સરોવરમાંથી સત્યનું જળ એમાં ભરવા માટે જઈ રહ્યા છે એમ બતાવાયું હતું. એ વાસણોના આકારો ભલે અલગ અલગ પ્રકારના હોય, પણ લોકો એમાં જે સત્યનું જળ ભરવા માગે છે તે તો એક જ છે. ભગવાન તો શ્રદ્ધાનાં બધાં જ રૂપોને જાણે છે. તે તો વિચારીને એ બધામાં રહેલા પોતાના નામને સ્વીકારી લેશે. ભલે એને તમે ગમે તે નામે બોલાવો કે ગમે તે પ્રકારે એને ભાવાંજલિ અર્પણ કરો!

તેમણે આગળ ચલાવ્યુંઃ જે પ્રભુને ખ્રિસ્તીઓ ભજે છે તે જ પ્રભુને હિંદુઓ પણ ભજે છે. હિંદુઓની બ્રહ્મા-વિષ્ણુ-મહેશની ત્રિમૂર્તિ તો ઈશ્વરની કેવળ સર્જક, પાલક-પોષક અને સંહારક શક્તિનાં સ્વરૂપો છે.

એક જ શક્તિ—એક ઈશ્વરને બદલે ત્રણમાં ત્રણને માનવાનું કારણ ભ્રમ છે, જેનું કારણ એ છે કે સામાન્ય માનવતા પોતાના નીતિશાસ્ત્રને એક મૂર્તરૂપ અવશ્ય પ્રદાન કરે છે. એવી જ રીતે ભૌતિક પદાર્થોમાંથી બનાવેલી ભગવાનની મૂર્તિઓ પણ કેવળ દિવ્યગુણોનાં પ્રતીકમાત્ર જ છે.

હિંદુઓના અવતારવાદના સિદ્ધાંત સંબંધે તેમણે શ્રીકૃષ્ણના જન્મની કથા સમજાવી. શ્રીકૃષ્ણ એક નિષ્કલંક ધારણાથી જન્મ્યા હતા અને તેમની જન્મકથા જિસસની જન્મકથાને ઘણી જ મળતી આવે છે. એ દાવો કરે છે કે કૃષ્ણનો ઉપદેશ પ્રેમ ખાતર જ પ્રેમ કરવાનો હતો અને તેમણે આ શબ્દો દ્વારા તે વાત દર્શાવી હતીઃ ‘જો ધર્મની શરૂઆત ઈશ્વરના ભયથી થાય તો એવા ધર્મનો અંત ઈશ્વર તરફના પ્રેમને લીધે જ આવે.’

તેમના આખાય પ્રવચનની રૂપરેખા તો અહીં આપી શકાય તેમ નથી છતાં એમણે ભાઈચારા માટેની જબરી અપીલ શ્રોતાઓ ઉપર કરી અને સુંદર શ્રદ્ધા રાખવાની છટાદાર હિમાયત કરી. વિશેષતઃ એનો ઉપસંહાર ઘણો સુંદર હતો. જ્યારે તેમણે ઈશુ ખ્રિસ્તને સ્વીકારવાની તૈયારી બતાવી અને સાથોસાથ કૃષ્ણ અને બુદ્ધને પણ પ્રણામ કરવાની વાત કરી અને જ્યારે સંસ્કૃતિની વરવી ક્રૂરતાનું સજીવ ચિત્રણ કર્યું, ત્યારે સાથો સાથ એમણે આવા ગુનાઓને આગળ ધપાવવામાં ઈશુની પોતાની જવાબદારી હોવાનો તો ઈન્કાર જ કરી દીધો!

Total Views: 120
૧. ધર્મના વેપારીઓ
૩. માનવીનું ભાવિ