(જાન્યુઆરી ૧૯, ૧૮૯૬)

વિશ્વ ઉપર જો કોઈ મોટામાં મોટું દુર્ભાગ્ય આવી પડવાનું હોય તો તે એ હોય કે સમસ્ત માનવજાત એક જ ધર્મ, એક જ વિશ્વવ્યાપી ઉપાસના-પ્રકાર તથા એક જ નીતિના ધોરણને માન્યતા આપે અને સ્વીકારે. આવી પરિસ્થિતિ બધી ધાર્મિક અને આધ્યાત્મિક પ્રગતિને મરણતોલ ફટકારૂપ નીવડે. આપણા પોતાના સત્યના સર્વોચ્ચ આદર્શને અનુરૂપ થવા માટે સારી કે નરસી પદ્ધતિઓ દ્વારા લોકોને લલચાવીને આ આફતકારી બનાવને નોતરવાની ઉતાવળ કરવાનો પ્રયાસ કરવા કરતાં, વધુ સારું તો મનુષ્યોને પોતાના સર્વોચ્ચ આદર્શો પ્રમાણે વિકાસ કરતાં અટકાવે તે તમામ વિઘ્નોને હટાવવાનો તેમનો પ્રયત્ન વ્યર્થ કરવો એ છે.

સમસ્ત માનવજાતનું અંતિમ ધ્યેય, સર્વ ધર્મોનો હેતુ અને અંત કેવળ એક જ છે અને તે ઈશ્વર સાથે પુનર્મિલન અથવા બીજા અર્થમાં દરેક મનુષ્યના સાચા સ્વરૂપની સાથે પુનર્મિલન. પરંતુ હેતુ એક હોવા છતાંય મનુષ્યોના જુદા જુદા સ્વભાવ પ્રમાણે એ પ્રાપ્ત કરવાની રીત ભિન્ન ભિન્ન રહે.

ધ્યેય અને એને પ્રાપ્ત કરવાની રીતો, બંને યોગ કહેવાય છે; યોગ શબ્દ અંગ્રેજી શબ્દ ‘Yoke’ એટલે ‘ધૂંસરીએ જોડવું’ની સમાન જ સંસ્કૃત ધાતુ ‘युज्’ એટલે ‘જોડવું’—એટલે આપણી જાતને આપણા સાચા સ્વરૂપ ઈશ્વરની સાથે જોડવી,—એમાંથી આવેલો છે. આવી જોડવાની રીતો, એટલે કે યોગો વિવિધ છે, પરંતુ તેમાં કર્મયોગ, ભક્તિયોગ, રાજયોગ અને જ્ઞાનયોગ મુખ્ય છે.

દરેક વ્યક્તિએ પોતાની પ્રકૃતિ પ્રમાણે પોતાનો વિકાસ સાધવો જોઈએ. જેમ દરેક વિજ્ઞાનની પોતાની આગવી રીત હોય છે, તેમ દરેક ધર્મની પણ આગવી રીત હોય છે. ધર્મનું ધ્યેય પ્રાપ્ત કરવાની રીતોને અમે ‘યોગ’ કહીએ છીએ અને યોગનો જે જુદાં જુદાં સ્વરૂપોનો અમે ઉપદેશ આપીએ છીએ તે મનુષ્યના જુદા જુદા સ્વભાવો અને મિજાજોને અનુરૂપ વિચાર્યો હોય છે. અમે તેમનું નીચે પ્રમાણે ચાર વિભાગોમાં વર્ગીકરણ કરીએ છીએઃ

(૧) કર્મયોગ એટલે કર્મો અને ફરજો દ્વારા પોતાની દિવ્યતાનો સાક્ષાત્કાર કરવો.

(૨) ભક્તિયોગ એટલે સગુણ ઈશ્વર પ્રત્યેના પ્રેમ અને ભક્તિ દ્વારા દિવ્યતાનો સાક્ષાત્કાર.

(૩) રાજયોગ એટલે મનના સંયમ દ્વારા દિવ્યતાનો સાક્ષાત્કાર.

(૪) જ્ઞાનયોગ એટલે જ્ઞાન દ્વારા માણસની પોતાની દિવ્યતાનો સાક્ષાત્કાર.

એક જ કેન્દ્ર—ભગવાન તરફ જવા માટે ઘણા રસ્તા છે. ખરેખર તો જુદી જુદી ધાર્મિક માન્યતાઓ ફાયદાકારક છે, કારણ કે જ્યાં સુધી તે માણસને ધાર્મિક જીવન જીવવા માટે ઉત્સાહિત કરે છે ત્યાં સુધી બધા માર્ગો સારા છે. જેટલા વધુ સંપ્રદાયો છે, તેટલી વધુ તકો માણસને દૈવીતત્ત્વ માટે સફળ બનવાની છે.

Total Views: 124
૨૧. અધિકારીવાદનાં અનિષ્ટો
૨૩. વિશ્વવ્યાપી એકતા