(હાર્ટફોર્ડ ડેઈલી ટાઈમ્સ, ફેબ્રુઆરી ૧, ૧૮૯૬, ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૩: ૪૭૫-૭૯)

જગતના ધર્મો વિશે વિવેકાનંદનું વ્યાખ્યાન
ગઈકાલે રાતે શ્રોતાઓના સારા એવા સમુદાયે હિંદુ સાધુ વિવેકાનંદને આવકાર્યા હતા… મિ. સી.બી. પેટર્સને તેમનો પરિચય સમુચિત વચનોમાં આપ્યો હતો… કાલે રાત્રે એમનો વ્યાખ્યાનનો વિષય હતો ‘આદર્શ અથવા વૈશ્વિક ધર્મ.’

(૧૮૯૬ના જાન્યુ.ની ૩૧મીએ સંબોધાયેલા ‘ધ આઈડીઅલ ઑફ એ યુનિવર્સલ રિલીજન’ની શબ્દશઃ નોંધ મળતી નથી.)

સમગ્ર વિશ્વમાં બે પરિબળો કાર્યરત છે, કેન્દ્રગામી અને પ્રતિકેન્દ્રગામી, ભાવાત્મક અને અભાવાત્મક, કાર્ય અને પ્રતિકાર્ય, આકર્ષણ અને અપાકર્ષણ. આપણને પ્રેમ અને દ્વેષ, શુભ અને અશુભ જોવા મળે છે. આધ્યાત્મિક કે ધાર્મિક કક્ષામાંથી બળવત્તર કક્ષા કઈ છે? ધર્મે જગાવેલા દ્વેષ કરતાં મોટો કોઈ દ્વેષ જગતે જાણ્યો નથી તેમજ પ્રેમ પણ જાણ્યો નથી. જગતમાં બીજા કોઈ બોધે વધારે દુઃખ કે સુખ લાવ્યું નથી. બુદ્ધના સુંદર બોધને એમના શિષ્યો હિમાલયની પાર ૨૦,૦૦૦ ફૂટની ઊંચાઈએ લઈ ગયા છે. પાંચસો વર્ષ પછી તમારા અદ્‌ભુત ખ્રિસ્તીનો બોધ આવ્યો અને એ બોધને પવનની પાંખ મળી. બીજી બાજુ તમારી સુંદર ધરતી સામે જુઓ; પ્રચાર અને ધર્મને નામે એના પર કેવાં લોહીનાં પૂર ફરી વળ્યાં છે! પોતે માનતો હોય તેમાં નહીં માનનારાની સંગતમાં માણસ આવ્યો તેવો જ એનો સ્વભાવ બદલાય છે. પોતાના જ અભિપ્રાયો માટે એ લડે છે, ધર્મ માટે નહીં. એ ક્રૂરતાની અને ઝનૂનની મૂર્તિ બની જાય છે. એનો ધર્મ ભલે બરાબર હોય, પોતાના સ્વાર્થી અભિપ્રાયો માટે એ ઝઘડવા માંડે છે ત્યારે એ સાવ જૂઠો છે. અમેરિકન અને તુર્ક ઘાતકીપણા સામે લોકો બાંયો ચડાવે છે પણ એમના પોતાના લોકો ધર્મના નામે કતલ ચલાવે છે ત્યારે એમના અંતરાત્માઓ એક શબ્દ પણ ઉચ્ચારતા નથી. દેવ, માનવ અને દાનવનું વિચિત્ર મિશ્રણ આપણને મનુષ્યમાં જોવા મળે છે અને આવો ધર્મ દાનવને જ વધારે જાગ્રત કરે છે. આપણે બધા એક સરખું વિચારીએ ત્યારે આપણી પ્રકૃતિમાંનું દેવપાસું ઉપસી આવે છે પરંતુ અભિપ્રાયોનો સંઘર્ષ થવા દો અને ઝડપથી પરિવર્તન આવે છે! દાનવ-શેતાન મેદાનમાં આવે છે. અનાદિકાળથી આ ચાલતું આવે છે અને ચાલતું જ રહેશે. ધર્મઝનૂન શું છે તે હિંદુસ્તાનમાં અમે બરાબર જાણીએ છીએ કારણ કે પાછલાં હજાર વર્ષથી દેશ મિશનરીઓનું ખાસ ક્ષેત્ર બન્યો છે. પણ મતમતાંરોની અને ધર્મ માટે ઝઘડાથી ઉપર શાંતિનો સૂર સંભળાય છે. વિવિધ ધર્મો વચ્ચે સંવાદિતા સ્થાપવાનો પ્રયત્ન ૩૦૦૦ વર્ષોથી ચાલી રહ્યો છે પણ એ પ્રયત્ન કેટલો નિષ્ફળ ગયો છે તે અમે જાણીએ છીએ. એ હંમેશાં નિષ્ફળ જશે અને એ નિષ્ફળ જવો જ જોઈએ. પ્રેમ, શાંતિ અને વૈશ્વિક બંધુતા વિશે આપણી પાસે શબ્દજાળ છેઃ મૂળમાં એ શબ્દોનો અર્થ સાચો હતોપણ આપણે એનો પોપટપાઠ કરીએ છીએ અને એ આપણે માટે અર્થહીન બની જાય છે. જગત માટે વૈશ્વિક ફિલસૂફી છે? હજી સુધી નથી. દરેક ધર્મને પોતાના ઉપચારવિધિઓ અને માન્યતાઓ છે અને તેમના જ પ્રચારમાં એ મગ્ન છે. આખા જગત માટે એક ધર્મ ઊભો કરી શકાય નહીં. એમ થવું જ ન જોઈએ. આર્મેનિયનો કહે છે કે ‘તમે બધા આર્મેનિયનો થશો તે સારું થશે.’ અને રોમના પોપ કહે છે, ‘અરે, એ સરળ વાત છે. તમે બધા રોમન કેથલિક થશો એ સરસ વાત થશે.’ ગ્રીક ચર્ચ અને પ્રોટેસ્ટંટ ચર્ચ વિશે અને અન્ય સૌ વિશે પણ તેવું જ છે. એક જ ધર્મ કદી હોઈ શકે નહીં, એનો અર્થ બીજા સઘળા ધર્મોનું મૃત્યુ છે. સૌ એક સરખું જ વિચારશે તો પછી કશું વિચારવા સરખું પણ નહીં રહે. બધા સરખા જ દેખાય તો કેવી એકવિધતા? સરખા દેખાઈએ અને સરખું વિચારીએ પછી હેઠા બેસીને નિરાશામાં મૃત્યુ પામવા સિવાય આપણે શું કરી શકીએ? પછી ખિસકોલીઓની હારની જેમ આપણે જીવવાનું; મનુષ્યજીવનમાં વૈવિધ્ય છે. એક ઈશ્વર, એક ધર્મ એ જૂનું ગાણું છે, પણ એમાં ભય છે. પરંતુ ઈશ્વરનો આભાર માનો કે એ કદી શકય નથી. તમારી મોટી કોથળી અને તમારી તોપબંદૂકો સાથે તમારા ધર્મપ્રચાર માટે નીકળી પડો અને ધારો કે થોડા સમય માટે તમે સફળ થયા તો? દસ જ વર્ષમાં તમારી કહેવાતી એકતા ખંડિત થઈ ગઈ હશે, અનેક સંપ્રદાયોમાં વિભક્ત થઈ ગઈ હશે. સૌથી મોટો બૌદ્ધ ધર્મ લો. જગતને સારું થવાની સહાય એ કરે છે. પછી ઘણી બધી બાબતોનો બોધ આપવાના હેતુવાળો ખ્રિસ્તી ધર્મ આવે છે. એમના ત્રણમાં એક અને એકમાં ત્રણ ઈશ્વર છે અને એમાંના એકે જગતનાં પાપ ઓઢી લીધાં અને એનો વધ કરવામાં આવ્યો. એનામાં નહીં માનનાર ધગધગતા અગ્નિમાં પડે છે અને મહમ્મદમાં નહીં માનનારની ચામડી બળી જશે, એની જગ્યાએ આવેલી બીજી ચામડીયે બળી જશે જેથી એને ખબર પડે કે અલ્લાહ કેવા સમર્થ છે. બધા ધર્મોનું ઉદ્‌ભવ સ્થાન પૂર્વ છે. આ મહાન ધર્મગુરુઓ અથવા અવતારો વિવિધ સ્વરૂપે આવે છે. હિંદુઓ દસ અવતારમાં માને છે, પહેલો અવતાર મત્સ્યનો હતો અને એ પ્રમાણે પાંચમા અવતાર સુધી ચાલ્યા પછી મનુષ્યરૂપી અવતારો થયા. બૌદ્ધો કહે છે, ‘આટલા બધા અવતારોની અમને જરૂર નથી, અમને તો એક જ બસ છે.’ ખ્રિસ્તીઓ કહે છે, ‘અમારે એક જ જોઈએ અને એ ખ્રિસ્ત છે.’ અને ખ્રિસ્તીઓ કહે છે કે એ જ એક સત્ય છે. પણ બૌદ્ધો કહે છે કે ‘અમારા પ્રભુ વહેલા અવતર્યા હતા. એ ઈસુથી પાંચસો વર્ષ પૂર્વે જન્મ્યા હતા.’ અને મુસલમાનો કહે છે, ‘અમારા પયગંબર સૌથી છેલ્લા આવ્યા છે. માટે એ શ્રેષ્ઠ છે.’ માતા પોતાના બાળકને ચાહે એમ દરેક પોતાના ધર્મગુરુને ચાહે છે. બૌદ્ધોને બુદ્ધમાં, ખ્રિસ્તીઓને ખ્રિસ્તમાં અને મુસલમાનોને મહમ્મદમાં કશો દોષ દેખાતો નથી. ખ્રિસ્તી કહે છે કે ‘અમારા ઈશ્વરે કબૂતરનું રૂપ લીધું અને એ રૂપમાં એ પૃથ્વી પર આવ્યા અને આ દંતકથા નથી પણ ઇતિહાસ છે.’ હિંદુ કહે છે કે ‘મારા દેવ ગાયમાં આવિષ્કૃત થયા છે અને એ વહેમ નહીં પણ ઇતિહાસ છે.’ યહૂદી કહે છે કે ‘અમારા દેવ મંજૂષામાં છે અને એની બંને બાજુએ ફિરસ્તા ઊભા છે! પરંતુ સુંદર પુરુષ કે સ્ત્રીના સ્વરૂપમાં ખ્રિસ્તીનો ઈશ્વર એ ભયંકર મૂર્તિ છે. ‘એના કટકા કરી નાખો!’ એમ પોકારો ઊઠે છે. એકના પયગંબરે અદ્‌ભુત ચમત્કારો કર્યા હોવાનું કહેવાય છે પણ બીજાઓ એને વહેમ કહે છે. આમાં કયાં એકતા છે? પછી તમારા ક્રિયાકાંડો છે. હું ઝભ્ભો પહેરું છું તેમ રોમન કેથલિક પોતાનો પહેરે છે. એની પાસે એની ઘંટડીઓ, મીણબત્તીઓ અને પવિત્ર પાણી હોય છે અને એ બધું કલ્યાણકારી છે. તે જરૂરી છે તેમ એ કહે છે પણ બીજા કોઈ જે કરે છે તે વહેમ છે તેમ એ કહે છે. આ બધું હડસેલી દઈ આપણે કદી એક જ ધર્મથી ચલાવી શકીએ નહીં કારણ કે વિચારનું વૈવિધ્ય જ વિચારનું જીવન છે. આપણાથી બિલકુલ વિરુદ્ધનું વિચારનારાઓ પ્રત્યે આપણને પ્રેમ હોવો જોઈએ. ભૂમિકા ભલે આપણે સમગ્ર માનવજાતની રાખીએ પરંતુ દરેકને પોતાનું વ્યક્તિત્વ અને પોતાનો વિચાર હોવાં જોઈએ. સંપ્રદાયને આગળને આગળ હડસેલતા રહો તે એટલે સુધી કે દરેક પુરુષ અને દરેક સ્ત્રી એક-એક સંપ્રદાય બની જાય. આપણા અભિપ્રાયથી ભિન્ન અભિપ્રાય ધરાવનારને ચાહતાં આપણે શીખવું જોઈએ. વિચારવૈવિધ્ય જ વિચારનું જીવન છે તે આપણે શીખવું જોઈએ. આપણું સર્વસામાન્ય ધ્યેય એક જ છે ને તે છે, આત્માની—ભીતરમાં રહેલા પરમાત્મ સ્વરૂપની—પૂર્ણતા પ્રાપ્ત કરવાનું. માનવીની ભીતર રહેલા પરમાત્માને પ્રગટ કરવાનું મોટું પરિબળ ધર્મ છે. પણ એ પ્રાગટય આપણે આપણી રીતે જ કરવાનું છે. આપણે સૌ એક જ પ્રકારનો ખોરાક લઈ શકતાં નથી. તમારી આકાંક્ષાઓ ઉત્તમ હો અને તમારી પ્રેરણાઓ તર્ક સાથે તથા બધા જાણીતા નિયમો સર્વ સુસંગત હો અને ઈશ્વર સદાય તમારી સાથે જ રહેશે.

Total Views: 151
૮. વૈશ્વિક ધર્મ
૧૦. વિવેકાનંદની ફિલસૂફી