હવે આપણે જેમાં યોગસિદ્ધિઓનું વર્ણન કર્યું છે તે પ્રકરણ પર આવીએ છીએ.
देशबन्धश्चित्तस्य धारणा॥3.1॥
देश बन्ध: चितस्य धारणा॥
૧. ધારણા એટલે અમુક ખાસ વિષય પર ચિત્તને સ્થિર કરવું.
મન જ્યારે કોઈ એક વસ્તુ પર, પછી તે શરીરની અંદર હોય કે શરીરની બહાર હોય, સ્થિર થાય અને તે અવસ્થામાં ચોંટી રહે ત્યારે તેને ધારણા કહેવામાં આવે છે.
तत्र प्रत्ययैकतानता ध्यानम्॥3.2॥
तत्र प्रत्यय एकतानता ध्यानम्॥
૨. એ વિષયના જ્ઞાનનો અખંડ પ્રવાહ, એનું નામ ધ્યાન.
મન કોઈ પણ એક વિષયનું જ ચિંતન કરવાનો પ્રયાસ કરે, યા ગમે તે એક ખાસ ભાગ, જેવો કે મસ્તકની ટોચ કે હૃદય વગેરે પર સ્થિર રહેવાનો પ્રયાસ કરે અને મન જો એ એક જ ભાગ દ્વારા સંવેદનો લેવામાં સફળ થાય અને બીજા કોઈ ભાગ દ્વારા નહિ, તો તે થાય ધારણા; અને જ્યારે મન એ સ્થિતિમાં અમુક સમય સુધી સ્થિર રહેવામાં સફળ થાય તો તેને કહેવામાં આવે ધ્યાન.
तदेवार्थमात्रनिर्भासं स्वरूपशून्यमिव समाधिः॥3.3॥
तत् एव अर्थमात्र निर्भासम् स्वरुप शून्यम् इव समाधि:॥
૩. તે ધ્યાન, જ્યારે વિષયનાં બાહ્ય રૂપોને છોડી દઈને કેવળ અર્થને જ પ્રકાશિત કરે, ત્યારે તેને સમાધિ કહેવામાં આવે છે.
જ્યારે ધ્યાનમાં આકાર એટલે કે બાહ્ય વિભાગનો ત્યાગ કરવામાં આવે છે, ત્યારે તે સમાધિની કક્ષાએ પહોંચે છે. ધારો કે હું એક પુસ્તક પર ધ્યાન કરું છું અને ક્રમે ક્રમે મનને તેના પર એકાગ્ર કરવામાં સફળ થયો છું અને માત્ર અંદરનાં સંવેદનોને, યાને કોઈ પણ આકાર રૂપે વ્યક્ત થયા વગરના અર્થને જ અનુભવું છું તો ધ્યાનની એ અવસ્થાને સમાધિ કહેવામાં આવે.
त्रयमेकत्र संयमः॥3.4॥
त्रयम् एकत्र संयम:॥
૪. આ ત્રણેય ક્રિયાઓ જ્યારે એક જ વસ્તુ પર કરવામાં આવે છે, ત્યારે તેને ‘સંયમ’ એવું નામ આપવામાં આવે છે.
જ્યારે માણસ પોતાના મનને કોઈ પણ ખાસ વિષય પર લગાડીને તેને ત્યાં ચોંટાડી શકે અને પછી એ વિષયના આંતરિક વિભાગથી તેના બાહ્ય આકારને અલગ પાડી શકીને ત્યાં લાંબા સમય સુધી સ્થિર રાખી શકે, ત્યારે તેને ‘સંયમ’ કહેવામાં આવે છે; અથવા ધારણા, ધ્યાન અને સમાધિ એ ત્રણેય ક્રિયાઓ એકબીજીને અનુસરીને એકરૂપ થઈ જાય ત્યારે તેને ‘સંયમ’ કહેવાય. તેમાં વસ્તુ કે વિષયનો બાહ્ય આકાર અદૃશ્ય થઈ જાય અને ફક્ત તેનો અર્થ જ મનમાં રહે.
तज्जयात्प्रज्ञाऽऽलोकः॥3.5॥
तत् जयात् प्रज्ञा आलोक:॥
૫. આ ‘સંયમ’માં સિદ્ધ થવાથી જ્ઞાનનો પ્રકાશ પ્રાપ્ત થાય છે.
યોગી જ્યારે આ ‘સંયમ’ સિદ્ધ કરવામાં સફળ થાય, ત્યારે સર્વ વિભૂતિઓ તેને સ્વાધીન થાય છે. આ જ યોગીનું મહાન સાધન છે. જ્ઞાનના વિષયો અનંત છે અને તેઓ સ્થૂલ, વધુ સ્થૂલ અને સૌથી સ્થૂલ અને સૂક્ષ્મ, વધુ સૂક્ષ્મ અને સૌથી સૂક્ષ્મ એવા વિભાગોમાં વહેંચાયેલા છે. એટલે આ ‘સંયમ’ પ્રથમ સ્થૂલ વિષયો પર કરવો જોઈએ અને જ્યારે તમને એ સ્થૂલ વસ્તુઓનું જ્ઞાન પ્રકાશિત થવા લાગે, ત્યાર પછી, ધીમે ધીમે, ક્રમે ક્રમે, તેનો પ્રયોગ વધુ સૂક્ષ્મ વસ્તુઓ પર કરવો.
तस्य भूमिषु विनियोगः॥3.6॥
૬. એ (સંયમ)નો ઉપયોગ ક્રમે ક્રમે કરવાનો છે.
અતિ ઝડપથી આગળ વધી જવાનો પ્રયત્ન કરવા સામે આ ચેતવણી છે.
त्रयमन्तरङ्गं पूर्वेभ्यः॥3.7॥
त्रयम् अन्तरङ्गंम् पूर्वेभ्य:॥
૭. આમની પહેલાંની (ક્રિયાઓ) કરતાં આ ત્રણ (ક્રિયાઓ) વધુ અંતરંગ (સાધનો) છે.
આમના પહેલાં પ્રત્યાહાર, પ્રાણાયામ, આસન, યમ અને નિયમ આવી ગયાં છે; એ બધાં આ ત્રણ—ધારણા, ધ્યાન અને સમાધિ—ના બાહ્ય વિભાગો છે. જ્યારે માણસ આ ત્રણમાં સિદ્ધ થાય, ત્યારે તે સર્વજ્ઞ અને સર્વશક્તિમાન થાય ખરો, પણ એ મુક્તિ નથી. આ ત્રણે મનને નિર્વિકલ્પ એટલે વૃત્તિરહિત, પરિવર્તનરહિત બનાવી શકતાં નથી, પણ વળી પાછાં શરીર લેવરાવે તેવાં વાસના-બીજોને અંદર રહેવા દે છે. યોગીની ભાષામાં કહે છે તેમ, જો એ બીજો ‘શેકાઈ’ જાય તો વળી પાછો અંકુર ઉત્પન્ન કરવાની તેમની શક્યતા નાશ પામે. આ સિદ્ધિઓ એ બીજોને શેકી શકતી નથી.
तदपि बहिरङ्गं निर्बीजस्य॥3.8॥
तद् अपि बहिरङ्गं निर्बीजस्य॥
૮. આ ત્રણ પણ નિર્બીજ સમાધિની સરખામણીમાં બાહ્ય છે.
એટલે, એ નિર્બીજ સમાધિની સરખામણીમાં આ ત્રણ પણ બહારનાં છે. હજી સુધી આપણે ખરી સમાધિ, સર્વોચ્ચ સમાધિની અવસ્થાએ પહોંચ્યા નથી, પણ નીચેની ભૂમિકાએ રહ્યા છીએ કે જેમાં આ વિશ્વ તેને આપણે જેવું જોઈએ છીએ તેવું જ હજી હયાતી ધરાવે છે અને જેમાં આ બધી સિદ્ધિઓ રહેલી છે.
व्युत्थाननिरोधसंस्कारयोरभिभवप्रादुर्भावौ निरोधक्षणचित्तान्वयो निरोधपरिणामः॥3.9॥
व्युत्थान निरोध संस्कारयो: अभिभव प्रादुर्भावौ निरोध क्षण चित्त अन्वय: निरोध परिणाम:॥
૯. જ્યારે વ્યુત્થાન-સંસ્કારો (એટલે મનની ચંચળતા) દબાઈ જાય અને નિરોધ- સંસ્કારોની ઉત્પત્તિ થાય, ત્યારે એ નિરોધ-સમયમાં ચિત્તની જે સ્થિતિ થાય તેને નિરોધ-પરિણામ કહેવામાં આવે છે.
એટલે કે સમાધિની આ પ્રથમ ભૂમિકામાં મનની વૃત્તિઓ દબાઈ ગઈ છે, પણ પૂરેપૂરી રીતે નહિ; કારણ કે જો તેઓ સંપૂર્ણ રીતે દબાઈ ગઈ હોત, તો વૃત્તિઓ જરાય ઊઠત જ નહિ. જો ઇંદ્રિયો દ્વારા મનને બહાર દોડી જવા પ્રેરે એવી કોઈ વૃત્તિ ઊઠી હોય અને યોગી તેનો નિરોધ કરવાનો પ્રયાસ કરે, તો તે નિરોધ પોતે જ એક વૃત્તિરૂપ હોય, એટલે કે એક મોજાને બીજા મોજાથી દબાવવા જેવું થાય. તેથી એ સાચી સમાધિ ન હોય કે જેમાં બધાં મોજાં (વૃત્તિઓ) શમી જાય છે, કારણ કે નિરોધ પોતે જ એક મોજું છે. છતાં પણ, આ નીચલી કોટિની સમાધિ, એ મનમાં વૃત્તિઓ ઊછળતી હોય તેવી અવસ્થા કરતાં તો ઉચ્ચ કોટિની સમાધિની ઘણી જ વધારે નજીક છે.
तस्य प्रशान्तवाहिता संस्कारात्॥3.10॥
तस्य प्रशांत वाहिता संस्कारात्॥
૧૦. તેનો પ્રવાહ ટેવને પરિણામે સ્થિર થાય છે.
મનના આ નિરંતર સંયમનો પ્રવાહ તેની રોજ રોજ સાધના કરવાથી સ્થિર થાય છે; અને મનમાં અખંડ ધ્યાનની શક્તિ આવે છે.
सर्वार्थतैकाग्रतयोः क्षयोदयौ चित्तस्य समाधिपरिणामः॥3.11॥
सर्वार्थता एकाग्रतयो: क्षय उदयौ चित्तस्य समाधिपरिणाम:॥
૧૧. ચિત્તની જ્યારે સર્વ વિષયોને એકી સાથે ગ્રહણ કરવાની શક્તિ અટકી જાય અને એક જ વિષય પર એકાગ્ર થવાની શક્તિ પ્રગટે ત્યારે તે સ્થિતિને ચિત્તની સમાધિ અવસ્થા થઈ એમ કહેવાય.
મન વિવિધ વિષયોને પકડે છે અને તરેહ તરેહની વસ્તુઓમાં દોડ્યા કરે છે. એ તેની નીચી અવસ્થા છે. મનની એથી વધુ ઊંચી એક અવસ્થા થાય છે કે જ્યારે તે બીજા બધા વિષયોને બાદ કરી દઈને માત્ર એક જ વિષય પર સ્થિર થાય છે અને તેને પરિણામે સમાધિ થાય છે.
शान्तोदितौ तुल्यप्रत्ययौ चित्तस्यैकाग्रतापरिणामः॥3.12॥
शान्त उदितौ तुल्य प्रत्ययौ चितस्य एकाग्रता परिणाम:॥
૧૨. જ્યારે શમી ગયેલી અને વર્તમાનમાં ઉત્પન્ન થયેલી વૃત્તિ એકસરખી રીતે અનુભવવામાં આવે ત્યારે તેને ચિત્તનું એકાગ્રતા પરિણામ કહેવાય.
મન એકાગ્ર થયું છે તે જાણવું કેવી રીતે? મન એકાગ્ર થાય એટલે સમયનો ખ્યાલ ચાલ્યો જાય. ખ્યાલ રહ્યા વિના જેટલો વધારે સમય ચાલ્યો જાય તેટલી એકાગ્રતા વધારે. સામાન્ય જીવનમાં આપણે જોઈએ છીએ કે જ્યારે આપણને કોઈ પુસ્તકમાં ખૂબ રસ પડે છે ત્યારે આપણને સમયનો ખ્યાલ બિલકુલ રહેતો નથી; અને જ્યારે આપણે પુસ્તક મૂકી દઈએ ત્યારે કેટલા બધા કલાક નીકળી ગયા તે જોઈને આપણને નવાઈ લાગે છે. એ વખતે સમગ્ર કાળ જાણે કે એક વર્તમાન થઈને ઊભો રહે છે. એટલા માટે વ્યાખ્યા આપવામાં આવી કે જ્યારે ભૂતકાળની અને વર્તમાનની વૃત્તિઓ એક જ સમયે ઊભી રહે ત્યારે મન એકાગ્ર થયું એમ કહેવાય. (સૂત્રો ૯, ૧૧ અને ૧૨માં જણાવેલ ધ્યાનના ત્રણ પ્રકારોમાંનો તફાવત નીચે પ્રમાણે છેઃ પહેલા પ્રકારમાં વિક્ષિપ્ત વૃત્તિઓ માત્ર રોકાય છે, પણ તરતમાં જ ઉત્પન્ન થયેલી નિરોધવૃત્તિ વડે સાવ ભૂંસાઈ જતી નથી; બીજામાં વૃત્તિઓ નિરોધવૃત્તિથી તદ્દન દબાઈ જાય છે અને વિરોધવૃત્તિ સ્પષ્ટ ઊપસી આવે છે; જ્યારે ત્રીજા, સર્વોચ્ચ પ્રકારમાં વૃત્તિઓને દાબવાનો પ્રશ્ન જ રહેતો નથી, પણ કેવળ એકસરખી વૃત્તિઓ પ્રવાહની પેઠે એક પછી એક ચાલી આવે છે. – સંપાદક)
एतेन भूतेन्द्रियेषु धर्मलक्षणावस्थापरिणामा व्याख्याताः॥3.13॥
एतेन भूत इन्द्रियेषु धर्म लक्षण अवस्था परिणामा: व्याख्याताः॥
૧૩. આથી (સ્થૂલ અને સૂક્ષ્મ) પંચભૂતોમાં અને ઇંદ્રિયોમાં ધર્મ, લક્ષણ અને અવસ્થારૂપી પરિણામોની વ્યાખ્યા થઈ જાય છે.
આકાર, કાળ અને અવસ્થા પ્રમાણેના ચિત્તમાં થતા ત્રણ પ્રકારના ફેરફારો વડે સ્થૂળ અને સૂક્ષ્મ પંચભૂતોમાં તથા ઇંદ્રિયોમાં તેમને અનુરૂપ થતા ફેરફારોની સમજૂતી આપવામાં આવે છે. ધારો કે એક સોનાની લગડી છે. તેની પહોંચી બનાવવામાં આવી છે; અને તે પહોંચીમાંથી પાછું એરિંગ બનાવવામાં આવ્યું છે. આ જે ફેરફારો થયા તે આકાર પ્રમાણેના થયા કહેવાય. એ જ ઘટના જો આગળ પાછળના સમયની દૃષ્ટિએ જોવામાં આવે તો તે ફેરફાર કાળ પ્રમાણેનો થયો કહેવાય. તેમ વળી પહોંચી કે એરિંગ ચળકતાં હોય કે ઝાંખાં પડી ગયેલાં હોય અથવા જાડાં હોય કે પાતળાં હોય. આ તેની અવસ્થા પ્રમાણેના ફેરફાર કહેવાય. હવે સૂત્ર ૯, ૧૧ અને ૧૨માં જણાવ્યા પ્રમાણે ચિત્ત વૃત્તિઓમાં પરિણામ પામે છે—આ થયું તેનું આકાર પ્રમાણેનું પરિણામ યાને ધર્મપરિણામ. ચિત્ત કાળની ભૂત, વર્તમાન અને ભવિષ્ય ક્ષણોમાં થઈને પસાર થાય—આ થયું તેનું લક્ષણ પરિણામ અને વૃત્તિઓ એક જ કાળમાં—ધારો કે વર્તમાનકાળમાં જ—તેમની તીવ્રતા કે મૃદુતા પ્રમાણે પરિણામ પામે તો તે તેમનું અવસ્થા પરિણામ કહેવાય. આની અગાઉનાં સૂત્રોમાં જે એકાગ્રતાઓનો ઉપદેશ આપવામાં આવ્યો છે તે યોગીને પોતાના ચિત્તની વૃત્તિઓ પર સ્વેચ્છાપૂર્વકનો કાબૂ મેળવવા માટે છે. એ સ્વેચ્છાપૂર્વકના કાબૂ વડે જ યોગી પ્રકરણ ૩, સૂત્ર ૪માં કહેલ ‘સંયમ’ કરવાને શક્તિમાન થશે.
शान्तोदिताव्यपदेश्यधर्मानुपाती धर्मी॥3.14॥
शान्त उदित अव्यपदेश्य धर्मानुपाती धर्मी॥
૧૪. (શાંત એટલે) ભૂતકાળનાં, (ઉદિત એટલે) વર્તમાનકાળનાં અને (અવ્યપદેશ્ય એટલે) ભવિષ્યકાળનાં (ધર્મો એટલે) પરિવર્તનો જેનામાં થાય તેને કહેવાય ધર્મી.
એટલે કે, ધર્મી એટલે એવું તત્ત્વ કે જેના પર કાળ અને સંસ્કારોની ક્રિયા થતી રહે છે અને જેમાં હંમેશાં પરિવર્તનો થતાં રહે છે અને જે હંમેશાં નવે નવે રૂપે વ્યક્ત થતું રહે છે.
क्रमान्यत्वं परिणामान्यत्वे हेतुः॥3.15॥
क्रम अन्यत्वं परिणाम अन्यत्वे हेतु:॥
૧૫. પરિણામોમાં થતાં પરિવર્તનોનું કારણ ક્રમમાં થતું પરિવર્તન છે.
परिणामत्रयसंयमादतीतानागतज्ञानम्॥3.16॥
परिणाम त्रय संयमात् अतीत अनागत ज्ञानम्॥
૧૬. ત્રણ પ્રકારનાં પરિણામો પર ‘સંયમ’ (નો પ્રયોગ) કરવાથી ભૂતકાળનું અને ભવિષ્યકાળનું જ્ઞાન થાય છે.
‘સંયમ’ની પ્રથમ કરેલી વ્યાખ્યા આપણે લક્ષમાં રાખવાની છે. મન જ્યારે એવી અવસ્થામાં આવે કે જેમાં તે વિષયના બાહ્ય આકારને છોડી દઈને અંદરના સંસ્કાર સાથે તદ્રૂપ થઈ જાય અને લાંબા કાળના અભ્યાસને પરિણામે તે સંસ્કાર મનમાં પકડાઈ રહે અને મન એક ક્ષણમાં જ તે સ્થિતિમાં આવી જઈ શકે, તે સ્થિતિને ‘સંયમ’ કહેવાય. એ અવસ્થામાં આવેલો મનુષ્ય જો ભૂતકાળ અને ભવિષ્યકાળને જાણવા ઇચ્છે તો તેણે સંસ્કારોમાં થતાં પરિવર્તનો (પ્ર. ૩, સૂત્ર ૧૩) પર ‘સંયમ’ કરવો પડે. કેટલાક સંસ્કારો અત્યારે વર્તમાનમાં ક્રિયાશીલ છે, કેટલાકની ક્રિયા ભૂતકાળમાં પૂરી થઈ ગઈ છે અને કેટલાક ક્રિયાશીલ થવાના હજી બાકી છે. તેથી આ સંસ્કારો પર ‘સંયમ’નો પ્રયોગ કરવાથી યોગી ભૂતકાળ અને ભવિષ્યકાળને જાણી શકે છે.
शब्दार्थप्रत्ययानामितरेतराध्यासात् सङ्करः तत्प्रविभागसंयमात्सर्वभूतरुतज्ञानम्॥3.17॥
शब्द अर्थ प्रत्ययानाम् इतरेतर अध्यासात् सङ्कर: तत् प्रविभाग संयमात् सर्व भूत रुत ज्ञानम्॥
૧૭. શબ્દ, અર્થ અને તેનું જ્ઞાન એ ત્રણે પરસ્પર સેળભેળ થઈ જઈને સંમિશ્રિત થઈ રહેલ છે. તેમનાં અલગ અલગ સ્વરૂપ પર ‘સંયમ’નો પ્રયોગ કરવાથી સર્વ પ્રાણીઓની ભાષાનું જ્ઞાન થાય છે.
શબ્દ એટલે બહારનું કારણ, અર્થ એટલે ઇંદ્રિયો દ્વારા મગજ સુધી જતું અંદરનું સ્પંદન કે જે બાહ્ય સંવેદનને મન સુધી પહોંચાડે છે; અને જ્ઞાન એટલે મનની પ્રતિક્રિયા કે જેની સાથે જ અનુભવ થાય છે. આ ત્રણેનો શંભુમેળો એટલે આપણા ઇંદ્રિયગોચર વિષયો. ધારો કે હું એક શબ્દ સાંભળું છું; તેમાં પ્રથમ છે બહારનું કંપન, ત્યાર પછી છે શ્રવણેન્દ્રિય દ્વારા મન સુધી પહોંચાડેલું આંતરિક સંવેદન, ત્યાર પછી મનની પ્રતિક્રિયા થાય, એટલે મને શબ્દનું જ્ઞાન થાય. જેનું મને જ્ઞાન થાય છે તે શબ્દ આ ત્રણ—કંપન, સંવેદન અને પ્રતિક્રિયા -નું મિશ્રણ છે. સામાન્ય રીતે તો આ ત્રણે જુદાં પાડી શકાય તેવાં નથી હોતાં; પરંતુ અભ્યાસને પરિણામે યોગી તેમને અલગ અલગ કરી શકે. જ્યારે મનુષ્ય આ સિદ્ધિ મેળવે ત્યારે જો તે કોઈ પણ અવાજ પર ‘સંયમ’નો પ્રયોગ કરે તો તે તે અવાજ દ્વારા જે અર્થ વ્યક્ત થવાનો હોય છે તે અર્થને સમજી શકે છે, પછી તે અવાજ માણસે કર્યો હોય કે બીજા કોઈ પણ પ્રાણીએ કર્યો હોય.
संस्कारसाक्षात्करणात्पूर्वजातिज्ञानम्॥3.18॥
संस्कार साक्षात् करणात् पूर्व जाति ज्ञानम्॥
૧૮. સંસ્કારોનો સાક્ષાત્કાર કરવાથી પાછલા જન્મોનું જ્ઞાન થાય છે.
આપણને તો એકેએક અનુભવ ચિત્તમાં ઊઠતા તરંગના રૂપમાં આવે છે અને એ શમી જઈને વધુને વધુ સૂક્ષ્મ થતો જાય છે ખરો, પણ સંપૂર્ણ નાશ પામી જતો નથી. એ અતિ સૂક્ષ્મ સ્વરૂપમાં ચિત્તમાં સંઘરાઈ રહે છે અને જો એ તરંગને આપણે ફરીથી ઊભો કરી શકીએ, તો તે સ્મૃતિરૂપ બને છે. તેથી, જો યોગી મનમાં રહેલા આ ભૂતકાળના સંસ્કારો પર ‘સંયમ’નો પ્રયોગ કરી શકે તો તેને તેનાં સઘળા પાછલા જન્મોની સ્મૃતિ આવવા લાગશે.
प्रत्ययस्य परचित्तज्ञानम्॥ 3.19॥
प्रत्ययस्य पर चित्त ज्ञानम्॥
૧૯. બીજાનાં શરીર પરનાં ચિહ્નો પર ‘સંયમ’ (નો પ્રયોગ) કરવાથી તેના મનનું જ્ઞાન થાય છે.
દરેક મનુષ્યના શરીર પર ખાસ ખાસ ચિહ્નો હોય છે; તેમનાથી તે બીજા માણસથી જુદો તરી આવે છે. જ્યારે યોગી આ ચિહ્નો પર ‘સંયમ’નો પ્રયોગ કરે ત્યારે તે પેલી વ્યક્તિના મનનો સ્વભાવ જાણી શકે.
न च तत्सालम्बनं तस्याविषयीभूतत्वात्॥3.20॥
न च तत् सालम्बनम् तस्य अविषयीभूतत्वात्॥
૨૦. પણ તેથી યોગી તે મનની અંદરની બાબતોને જાણી શકતો નથી, કારણ કે તે બાબતો સંયમનો વિષય નથી હોતી.
શરીર પર ‘સંયમ’નો પ્રયોગ કરવાથી મનની અંદરની બાબતો જાણી શકાતી નથી. એ જાણવા માટે બે પ્રકારના સંયમપ્રયોગની જરૂર રહેશે. પ્રથમ શરીરનાં ચિહ્નો પરનો સંયમ અને પછી ખુદ મન પરનો સંયમ. ત્યારે પછી યોગી એ મનની અંદર જે કંઈ હોય તે સઘળું જાણી શકે.
कायरूपसंयमात् तद्ग्राह्यशक्तिस्तम्भे चक्षुःप्रकाशासंप्रयोगेऽन्तर्धानम्॥ 3.21॥
काय रूप संयमात् तद् ग्राह्य शक्ति स्तम्भे चक्षु: प्रकाश असम्प्रयोगे अन्तर्धानम्॥
૨૧. શરીરના આકાર પર સંયમ કરવાથી આકારની ગ્રહણ થવાની શક્તિ સ્તંભિત થાય, એટલે ચક્ષુમાંની પ્રકાશશક્તિ ચક્ષુથી જુદી પડી જવાથી યોગીનું શરીર અદૃશ્ય થઈ જાય છે.
આ ઓરડાની વચ્ચે ઊભેલો યોગી દેખીતી રીતે અંતર્ધાન થઈ શકે. જો કે તે ખરી રીતે અંતર્ધાન થતો નથી, પણ કોઈ તેને દેખી શકે નહિ. શરીર અને આકાર, જાણે કે, અલગ અલગ થઈ જાય છે. એ યાદ રાખવું કે આ અંતર્ધાન થવાનું ત્યારે જ બની શકે છે કે જ્યારે યોગીમાં એવી શક્તિ આવી હોય કે તે સમાધિના બળથી વસ્તુ અને તેના આકારને જુદા પાડી શકે. ત્યારે પછી એ આકાર ઉપર ‘સંયમ’ કરે, એટલે આકારોને ગ્રહણ કરવાની (જોવાની) શક્તિ સ્તંભિત થઈ જાય છે, કારણ કે આકારોને જોવાની શક્તિ આકાર અને આકારને ધારણ કરનારી વસ્તુના સંયોગમાંથી આવે છે.
एतेन शब्दाद्यन्तर्धानमुक्तम्॥3.22॥
एतेन शब्दादि अन्तर्धानम् उक्तम्॥
૨૨. આથી શબ્દોનું અંતર્ધાન થવું અથવા શબ્દોને બીજાથી સંભળાતા અટકાવવા અને એવી બીજી બાબતોનો પણ ખુલાસો થઈ જાય છે.
सोपक्रमं निरुपक्रमं च कर्म तत्संयमादपरान्तज्ञानमरिष्टेभ्यो वा॥3.23॥
सोपक्रमम् निरूपक्रमम् च कर्म तत् संयमात् अपरान्त ज्ञानम् अरिष्टेभ्य: वा॥
૨૩. કર્મો બે પ્રકારનાં હોય છેઃ એક તત્કાળ ફળ આપે તેવાં અને બીજાં લાંબે ગાળે ફળ આપે તેવાં. એ કર્મો ઉપર ‘સંયમ’ કરવાથી અથવા અરિષ્ટો યાને મૃત્યુનાં લક્ષણો દ્વારા યોગીઓ પોતાના દેહને છોડી દેવાનો સમય જાણી શકે છે.
જ્યારે યોગી પોતાનાં કર્મો પર સંયમ કરે; એટલે કે પોતાના મનની અંદર રહેલાં પ્રારબ્ધ કર્મો અને જે સંચિત કર્મો ફળ દેવાની રાહ જોઈ રહ્યાં છે તેમના પર ‘સંયમ’ કરે, ત્યારે જે કર્મો ફળ દેવાની રાહ જોઈ રહ્યાં છે તેમના દ્વારા પોતાનું શરીર ક્યારે પડશે તે બરાબર જાણી શકે છે. પોતે ક્યારે મૃત્યુ પામશે, ક્યા કલાકે,—અરે, કઈ મિનિટે—તે સુધ્ધાં તે જાણી શકે છે. હિંદુઓ મૃત્યુ સમયના જ્ઞાનને ઘણું જ મહત્ત્વ આપે છે, કારણ કે ગીતામાં કહ્યું છે કે શરીર છોડવાની ક્ષણે જે વિચારો પ્રબળ હોય તે ત્યાર પછીનો જન્મ નક્કી કરવામાં મોટાં પરિબળોરૂપ નીવડે છે.
मैत्र्यादिषु च बलानि॥3.24॥
मैत्री आदिषु च बलानि॥
૨૪. મૈત્રી, દયા વગેરે (પ્ર. ૧, સૂ. ૩૩) ગુણો પર ‘સંયમ’ કરવાથી યોગીના તે તે ગુણો વધુ પ્રબળ બને છે.
बलेषु हस्तिबलादीनि॥3.25॥
बलेषु हस्ति बलादीनि॥
૨૫. હાથી તથા બીજાઓના બળ પર ‘સંયમ’ કરવાથી તેમનું બળ યોગીમાં આવે છે.
જ્યારે યોગીમાં આ ‘સંયમ’ સિદ્ધ થયો હોય ત્યારે જો તે બળની ઇચ્છા કરે તો તે હાથીના બળ પર ‘સંયમ’ કરીને તે મેળવી શકે છે. સૌ કોઈની સામે અનંત શક્તિ પડેલી છે, માત્ર તે કેમ મેળવવી તે તેણે જાણવું જોઈએ. યોગીએ તે મેળવવાની વિદ્યા શોધી કાઢી છે.
प्रवृत्त्यालोकन्यासात्सूक्ष्म-व्यवहित-विप्रकृष्टज्ञानम्॥3.26॥
प्रवृति आलोक न्यासात् सूक्ष्म व्यवहित विप्रकृष्ट ज्ञानम्॥
૨૬. ઝળહળતી જ્યોતિ (પ્ર. ૧, સૂ. ૩૬) પર ‘સંયમ’ કરવાથી સૂક્ષ્મ દૃષ્ટિથી અગોચર અને દૂર રહેલી વસ્તુઓનું જ્ઞાન થાય છે.
જ્યારે યોગી હૃદયમાં રહેલી ઝળહળતી જ્યોતિ પર ‘સંયમ’ કરે, ત્યારે તે બહુ દૂર રહેલી વસ્તુઓને જોઈ શકે. દાખલા તરીકે, દૂર દૂરને સ્થળે બની રહેલી ઘટનાઓને તે જોઈ શકે છે, પર્વતો વગેરે જેમની આડે આવી ગયા હોય તેવી, તેમજ અતિસૂક્ષ્મ વસ્તુઓને પણ જોઈ શકે છે.
भुवनज्ञानं सूर्ये संयमात्॥3.27॥
भुवन ज्ञानं सूर्ये संयमात्॥
૨૭. સૂર્ય પર ‘સંયમ’ કરવાથી જગતનું જ્ઞાન મળે છે.
चन्द्रे ताराव्यूहज्ञानम्॥3.28॥
चन्द्रे तारा व्यूह ज्ञानम्॥
૨૮. ચંદ્ર પર ‘સંયમ’ કરવાથી તારામંડળનું જ્ઞાન થાય છે.
ध्रुवे तद्गतिज्ञानम्॥3.29॥
ध्रुवे तद् गति ज्ञानम्॥
૨૯. ધ્રુવતારા પર ‘સંયમ’ કરવાથી તારાઓની ગતિનું જ્ઞાન થાય છે.
नाभिचक्रे कायव्यूहज्ञानम्॥3.30॥
नाभिचक्रे काय व्यूह ज्ञानम्॥
૩૦. નાભિચક્ર પર ‘સંયમ’ કરવાથી શરીરની રચનાનું જ્ઞાન મળે છે.
कण्ठकूपे क्षुत्पिपासानिवृत्तिः॥3.31॥
कन्ठकूपे क्षुत् पिपासा निवृत्ति:॥
૩૧. કંઠના પોલાણ પર ‘સંયમ’ કરવાથી ભૂખ-તરસ મટી જાય છે.
જ્યારે ખૂબ ભૂખ લાગી હોય ત્યારે જો કોઈ ગળાના ખાડા ઉપર ‘સંયમ’ કરે તો તેની ભૂખ મટી જાય.
कूर्मनाड्यां स्थैर्यम्॥3.32॥
कूर्मनाड्याम् स्थैर्यम्॥
૩૨. કૂર્મનાડી પર ‘સંયમ’ કરવાથી શરીરની સ્થિરતા આવે છે.
સાધક જ્યારે આ ક્રિયાનો અભ્યાસ કરતો હોય ત્યારે શરીર ચંચળ થતું નથી.
मूर्धज्योतिषि सिद्धदर्शनम्॥3.33॥
मूर्ध ज्योतिषि सिद्ध दर्शनम्॥
૩૩. મસ્તકમાં રહેલી જ્યોતિ ઉપર ‘સંયમ’ કરવાથી સિદ્ધ એટલે દેવ અને માનવ વચ્ચેની એક શ્રેણીના જીવોનાં દર્શન થાય છે.
સિદ્ધો એટલે ભૂતપ્રેતથી જરા ઊંચી કોટિના જીવો. જ્યારે યોગી પોતાના મસ્તકની ટોચ પર સંયમ કરે ત્યારે તે આ સિદ્ધોને જોઈ શકે છે. અહીં ‘સિદ્ધ’ શબ્દથી મુક્ત પુરુષો એવો અર્થ નથી લેવાનો કે જે અર્થમાં તે ઘણી વાર વપરાય છે.
प्रातिभाद्वा सर्वम्॥3.34॥
प्रातिभाद् वा सर्वम्॥
૩૪. અથવા પ્રતિભા વડે સર્વ જ્ઞાન મળે છે.
જે માણસમાં પ્રતિભા એટલે કે પવિત્રતાને પરિણામે આવતો સ્વાભાવિક જ્ઞાનપ્રકાશ હોય તેનામાં ‘સંયમ’ના પ્રયોગ વિના પણ આ બધી સિદ્ધિઓ આવે છે. જ્યારે માણસ પ્રતિભાની ઉચ્ચ સ્થિતિએ પહોંચ્યો હોય છે, ત્યારે તેનામાં એ મહાન જ્ઞાનપ્રકાશ આવે છે. બધી બાબતો તેની પાસે દીવા જેવી થઈ જાય છે. સર્વ વસ્તુઓનું જ્ઞાન તેની પાસે સાહજિક રીતે, સંયમ કર્યા વગર આવી જાય છે.
हृदये चित्तसंवित्॥3.35॥
हृदये चित्त संवित्॥
૩૫. હૃદય ઉપર ‘સંયમ’ કરવાથી બીજાનાં મનનું જ્ઞાન થાય છે.
सत्त्वपुरुषयोरत्यन्तासंकीर्णयोः प्रत्ययाविशेषो भोगःपरार्थत्वात्स्वार्थसंयमात्पुरुषज्ञानम्॥3.36॥
सत्त्व पुरुषयो: अत्यंत असंकीर्णयो: प्रत्यय अविशेषो भोगः परार्थत्वात् संयमात् पुरुषज्ञानम्॥
૩૬. (પરસ્પરથી) સંપૂર્ણ રીતે જુદાં એવાં બુદ્ધિ અને આત્માની ભિન્નતાનાં જ્ઞાનને અભાવે વિષયોનો ભોગ થાય છે. (બુદ્ધિની) પરાર્થ (એટલે કે પુરુષને ભોગ આપનારી) અવસ્થાથી જુદી સ્વાર્થ (પુરુષને જ વિષય કરનારી અંતર્મુખ અવસ્થા) પર ‘સંયમ’ કરવાથી પુરુષનું જ્ઞાન થાય છે. (અહીં પુરુષ એટલે મનુષ્ય નહીં પણ સાંખ્યો દ્વારા લગભગ પૂર્ણતા પામેલો આત્મા એમ સમજવું. હવેથી આવતો શબ્દ ‘પુરુષ’ આવા અર્થમાં લેવો.)
પ્રકાશ અને સુખ દ્વારા અનુલક્ષિત, પ્રકૃતિની જ વૃત્તિરૂપ સત્ત્વનું સઘળું કાર્ય આત્માને માટે છે. એ સત્ત્વ જ્યારે અહંકારથી મુક્ત અને ‘પુરુષ’ની શુદ્ધ બુદ્ધિથી પ્રકાશતું હોય છે ત્યારે તેને સ્વ-અર્થી કહેવામાં આવે છે કારણ કે એ અવસ્થામાં તે સર્વ સંબંધોથી સ્વતંત્ર થાય છે.
ततः प्रातिभश्रावणवेदनादर्शास्वादवार्ता जायन्ते॥3.37॥
ततः प्रातिभ श्रावण वेदना आदर्श आस्वाद वार्ता: जायन्ते॥
૩૭. તેમાંથી પ્રતિભા એટલે અલૌકિક શ્રવણ, સ્પર્શ, દર્શન, સ્વાદ અને ઘ્રાણ ઉત્પન્ન થાય છે.
ते समाधावुपसर्गा व्युत्थाने सिद्धयः॥ 3.38॥
ते समाधौ उपसर्गा: व्युत्थाने सिद्धय:॥
૩૮. એ બધા સમાધિના માર્ગમાં વિઘ્નરૂપ છે, જો કે વ્યવહાર દશામાં એ સિદ્ધિઓ છે.
યોગી જાણે છે કે સંસારના પદાર્થોમાં ભોગ્યભાવના પુરુષ અને સત્ત્વ એટલે કે આત્મા અને બુદ્ધિના સંયોગ દ્વારા આવે છે. જો તે પ્રકૃતિ અને પુરુષ જુદાં છે એ જ્ઞાન પર ‘સંયમ’ કરે, તો તેને પુરુષનું જ્ઞાન થાય છે. તેમાંથી વિવેક ઉત્પન્ન થાય છે. જ્યારે તેનામાં તે વિવેક ઉત્પન્ન થાય છે ત્યારે તેનામાં પ્રતિભા એટલે કે સર્વોચ્ચ મેધાનો પ્રકાશ આવે છે. છતાં પણ આ સિદ્ધિઓ શુદ્ધ આત્માના જ્ઞાનરૂપી સર્વોચ્ચ ધ્યેય અને મુક્તિની પ્રાપ્તિમાં વિઘ્નરૂપ છે. આ સિદ્ધિઓ તો યોગના માર્ગમાં જાણે કે, આવવાની જ; અને જો યોગી તેમનો અસ્વીકાર કરે તો તે સર્વોચ્ચ ધ્યેયે પહોંચે. પણ જો યોગી એ સિદ્ધિઓ મેળવવામાં લલચાઈ ગયો, તો તેની આગળ પ્રગતિ અટકી જ સમજવી.
बन्धकारणशैथिल्यात्प्रचारसंवेदनाच्च चित्तस्य परशरीरावेशः॥3.39॥
बन्ध कारण शैथिल्यात् प्रचार संवेदनात् च चित्तस्य परशरीर आवेश:॥
૩૯. ચિત્તના બંધનનું કારણ શિથિલ થઈ જાય અને સંચારનાડીઓ (જ્ઞાનતંતુઓ)નું જ્ઞાન થઈ જાય ત્યારે યોગી પોતાના ચિત્ત દ્વારા બીજાના શરીરમાં પ્રવેશ કરી શકે છે.
યોગી મરેલા શરીરમાં પ્રવેશ કરી શકે અને તેને જીવતું કરીને હાલતું ચાલતું કરી શકે, એ વખતે એ પોતે પોતાના શરીરમાં રહીને કાર્ય કરતો હોય તે છતાં પણ; અથવા તે બીજા જીવતા માણસના શરીરમાં પ્રવેશ કરીને, તે માણસનાં મન અને ઇંદ્રિયોને કામ કરતાં અટકાવી દઈને તત્પૂરતો તે માણસના શરીર દ્વારા કાર્ય કરી શકે. યોગી જ્યારે પુરુષ અને પ્રકૃતિના અલગપણા પર ‘સંયમ’ સિદ્ધ કરી શકે ત્યારે તે આમ કરી શકે. જો તે બીજાના શરીરમાં પ્રવેશ કરવા ઇચ્છે તો તે પેલાના શરીર પર ‘સંયમ’ કરીને તેમાં પ્રવેશે, કારણ કે યોગના સિદ્ધાંત પ્રમાણે એકલો યોગીનો આત્મા જ સર્વવ્યાપી છે તેમ નહીં, તેનું મન પણ સર્વવ્યાપી છે. તેનું મન વિરાટ મનનો જ એક અંશ છે. તોપણ, અત્યારે તો એ મન આ શરીર માંહેના નાડીપ્રવાહો દ્વારા જ કાર્ય કરી શકે છે, પરંતુ યોગી જ્યારે આ નાડીપ્રવાહમાંથી મુક્ત થઈ ગયો હોય, ત્યારે તે બીજી વસ્તુઓ દ્વારા પણ કાર્ય કરી શકે છે.
उदानजयाज्जलपङ्ककण्टकादिष्वसङ्ग उत्क्रान्तिश्च॥3.40॥
उदान जयात् जल पङ्क कण्टक आदिषु असङ्ग उत्क्रान्ति: च॥
૪૦. ઉદાન પ્રવાહને વશ કરવાથી યોગી પાણીમાં ડૂબતો નથી, કીચડમાં ખૂંચી જતો નથી, એ કાંટા વગેરે પર ચાલી શકે છે અને પોતાની ઇચ્છા થાય તે સમયે તે મૃત્યુ પામી શકે છે.
જે નાડીપ્રવાહ ફેફસાંને તથા શરીરના સઘળા ઉપલા ભાગોને નિયમિત રાખે છે તેનું નામ છે ઉદાન. યોગી જ્યારે તેના પર કાબૂ મેળવે છે ત્યારે તે વજનમાં હલકો થઈ જાય છે. તેથી તે પાણીમાં ડૂબી શકતો નથી, તે કાંટા પર અને તલવારની ધાર પર પણ ચાલી શકે, અગ્નિમાં ઊભો રહી શકે અને પોતાને ઇચ્છિત સમયે શરીરમાંથી વિદાય લઈ શકે.
समानजयात् प्रज्वलनम्॥3.41॥
समान जयात् ज्वलनम्॥
૪૧. સમાન (નામના) નાડીપ્રવાહ પર જય મેળવવાથી તે પ્રકાશમય આભાથી ઘેરાયેલો દેખાય.
જ્યારે જ્યારે યોગીની ઇચ્છા થાય ત્યારે ત્યારે તેના શરીરમાંથી પ્રકાશ નીકળી શકે છે.
श्रोत्राकाशयोः सम्बन्धसंयमाद्दिव्यं श्रोत्रम्॥3.42॥
श्रोत्र आकाशयो: सम्बन्ध संयमात् दिव्यं श्रोत्रम्॥
૪૨. શ્રવણેન્દ્રિય અને આકાશના સંબંધ પર ‘સંયમ’ કરવાથી દિવ્ય શ્રવણશક્તિ આવે છે.
બે વસ્તુ છેઃ એક છે આકાશ, યાને ઈથર અને બીજી છે સાધન શ્રવણેન્દ્રિય. તેમના સંબંધ પર ‘સંયમ’ કરવાથી યોગીને અલૌકિક શ્રવણશક્તિ મળે છે; તે સર્વ કંઈ સાંભળી શકે છે, માઈલોને અંતરે બોલાયેલા શબ્દોને અથવા અવાજોને તે સાંભળી શકે.
कायाकाशयोः सम्बन्धसंयमाल्लघुतूल – समापत्तेश्चाकाशगमनम्॥3.43॥
काय आकाशयो: सम्बन्ध संयमात् लघु तूल समापत्ते: च आकाश गमनम्॥
૪૩. શરીર અને આકાશના સંબંધ પર ‘સંયમ’ કરવાથી યોગી રૂ જેવો હળવો બની જઈને આકાશમાં ગમન કરી શકે છે.
આ આકાશ એ શરીરનું ઉપાદાન છે; એ આકાશ જ એક રૂપે શરીર બન્યું છે. જો યોગી આ તેના શરીરના ઉપાદાન આકાશ પર ‘સંયમ’ કરે, તો તેનામાં આકાશના જેટલી લઘુતા આવે અને હવામાં ગમે ત્યાં હરી ફરી શકે. એવું બીજી બાબતમાં પણ સમજવું.
बहिरकल्पिता वृत्तिर्महाविदेहा ततः प्रकाशावरणक्षयः॥3.44॥
बहि: अकल्पिता वृत्ति: महाविदेहा ततः प्रकाश आवरण क्षय:॥
૪૪. શરીરની બહાર રહેલી, મનની સાચી વૃત્તિ કે જેને ‘મહાવિદેહા’ કહેવામાં આવે છે, તેના પર ‘સંયમ’ કરવાથી (જ્ઞાન) પ્રકાશના આવરણનો નાશ થાય છે.
મન પોતાની મૂર્ખતાને લીધે માની લે છે કે તે આ શરીરમાં કાર્ય કરે છે. જો મન સર્વવ્યાપી હોય, તો શા માટે માણસે એક જ પ્રકારના જ્ઞાનતંતુ-સમૂહ વડે બંધાઈ રહીને એક જ શરીરમાં અહંભાવના કરવી જોઈએ? એક જ શરીરમાં બંધાઈ રહેવાનું તેને કશું જ કારણ નથી. યોગી તો પોતાની ઇચ્છાનુસાર ગમે ત્યાં ‘હું’પણાનો અનુભવ કરવા માગે છે. શરીર સાથેના ‘હું’પણાના અભાવને લીધે ઉત્પન્ન થતી વૃત્તિઓને ‘ખરી વૃત્તિઓ’ અથવા ‘મહાવિદેહા’ અવસ્થા કહેવામાં આવે છે. યોગી જ્યારે આ વૃત્તિઓ પર ‘સંયમ’ સિદ્ધ કરવામાં સફળ થાય, ત્યારે (જ્ઞાન) પ્રકાશની આડે આવતાં સર્વ આવરણો દૂર થઈ જાય છે અને સર્વ અંધકાર અને અજ્ઞાન નાશ પામી જાય છે. તેને દરેક વસ્તુ જ્ઞાનમય દેખાય છે.
स्थूलस्वरूपसूक्ष्मान्वयार्थवत्त्वसंयमाद्भूतजयः॥3.45॥
स्थूल स्वरुप सूक्ष्म अन्वय अर्थवत्त्व संयमात्त् भूतजय:॥
૪૫. સ્થૂલ અને સૂક્ષ્મ ભૂતો ઉપર, તેમના સ્વરૂપ* ઉપર, અન્વય ઉપર અને આત્માને ભોગ આપવાની તેમની શક્તિ ઉપર સંયમ કરવાથી ભૂતજય થાય છે. (* સ્વરૂપ એટલે અંદર રહેલા ગુણો, જેમ કે, પૃથ્વીની કઠિનતા, જળનું પ્રવાહીપણું વગેરે; અન્વય એટલે સત્ત્વ, રજસ્ અને તમસ્ એ દરેક ભૂતમાં રહેલા છે એવું જ્ઞાન; અર્થતત્ત્વ એટલે વસ્તુઓની પોતપોતાનો ખાસ ભોગ આપવાની શક્તિ.)
યોગી પ્રથમ પંચભૂતોની સ્થૂલ સ્થિતિ પર અને પછી વધુ સૂક્ષ્મ સ્થિતિઓ પર ‘સંયમ’ કરે છે. આ સંયમપ્રકાર બૌદ્ધોના એક સંપ્રદાયમાં વધારે પ્રચલિત છે. તેઓ માટીનો એક પિંડો લઈને તેના પર ‘સંયમ’ કરે છે, એટલે જે સૂક્ષ્મ ઉપાદાન દ્રવ્યોનો તે બનેલો છે તે તેમને દેખાવા લાગે છે; અને જ્યારે તેમને તેની અંદરનાં સર્વ સૂક્ષ્મ દ્રવ્યોનું જ્ઞાન થઈ જાય છે ત્યારે તેમને તે તત્ત્વ ઉપર કાબૂ મળે છે. યોગી આમ સર્વ તત્ત્વો પર જય મેળવી શકે.
ततोऽणिमादिप्रादुर्भावः कायसम्पत्तद्धर्मानभिघातश्च॥3.46॥
तत: अणिमादि प्रादुर्भाव: काय सम्पत् तद् धर्म अनभिघात: च॥
૪૬. તેમાંથી અણિમા, વગેરે સિદ્ધિઓ; અને કાયસંપત તથા શરીરના ગુણોનું અભેદપણું આવે છે.
આનો અર્થ એ કે યોગીએ અષ્ટસિદ્ધિઓ મેળવી છે. તે પોતાને એક કણ જેટલો બારીક અથવા પર્વત જેટલો વિશાળ અથવા પૃથ્વી જેટલો ભારે અથવા હવા જેટલો હળવો બનાવી શકે; તે ધારે ત્યાં પહોંચી જઈ શકે, તે ધારે તેને કાબૂમાં લઈ શકે, તે ઇચ્છે તે દરેક વસ્તુ પર વિજય મેળવી શકે, વગેરે વગેરે. તેના પગ પાસે સિંહ સુધ્ધાં ઘેટાંની પેઠે બેસે અને તેની સઘળી ઇચ્છાઓ તેની મરજી મુજબ પૂરી થાય.
रूपलावण्यबलवज्रसंहननत्वानि कायसम्पत्॥3.47॥
रूप लावण्य बल वज्र संहननत्वानि कायसम्पत्॥
૪૭. કાયસંપત એટલે રૂપ, લાવણ્ય, બળ અને વજ્ર જેવી દૃઢતા.
શરીર અવિનાશી બને છે, કોઈ પણ વસ્તુ તેને ઈજા પહોંચાડી શકે નહીં. યોગીની પોતાની ઇચ્છા ન થાય ત્યાં સુધી કોઈ પણ ચીજ તેનો નાશ કરી ન શકે. ‘કાળદંડનો ભંગ કરીને તે આ વિશ્વમાં પોતાનું શરીર ટકાવી રાખે છે.’ વેદમાં લખ્યું છે કે એ યોગીને પછી રોગ, પીડા કે મૃત્યુ એમાંનું કંઈ જ થતું નથી.
ग्रहणस्वरूपास्मितान्वयार्थवत्त्वसंयमादिन्द्रियजयः॥3.48॥
ग्रहण स्वरुप अस्मिता अन्वय अर्थवत्त्व संयमाद् इन्द्रियजय:॥
૪૮. ઇંદ્રિયોની વિષયાભિમુખતા, તેમની પ્રકાશક શક્તિ, હુંપણું, ગુણોનું ઇંદ્રિયોમાં રહેવાપણું, ઇંદ્રિયોનું આત્માને ભોગ આપવાપણું—એ બધાં પર ‘સંયમ’ કરવાથી ઇંદ્રિયો પર જય મળે છે.
બાહ્ય પદાર્થોના અનુભવમાં, ઇંદ્રિયો મનમાંથી બહાર વિષયો તરફ દોડે છે; તેની પાછળ જ જ્ઞાન થાય છે. એ જ્ઞાનક્રિયામાં ‘હું’પણું પણ સામેલ હોય છે. યોગી જ્યારે આમના ઉપર, એટલે કે, જ્ઞાનક્રિયા, જ્ઞાનરૂપી ફળ અને અહંકાર ઉપર ક્રમે ક્રમે ‘સંયમ’ કરે, ત્યારે તે ઇંદ્રિયો પર જય મેળવે છે. જેને તમે જુઓ છો કે સ્પર્શ કરો છો તેવું કંઈ પણ લો, દાખલા તરીકે પુસ્તક લો; પ્રથમ તેના પર મનને એકાગ્ર કરો, ત્યાર પછી પુસ્તકને આકારે રહેલા જ્ઞાન પર મનને એકાગ્ર કરો, ત્યાર પછી પુસ્તકને જોનાર અહંકાર પર મનને એકાગ્ર કરો. એવી રીતે આગળ ને આગળ અભ્યાસ કરવાથી બધી ઇંદ્રિયો જિતાશે.
ततो मनोजवित्वं विकरणभावः प्रधानजयश्च॥3.49॥
तत: मनोजवित्वं विकरण भाव: प्रधान जय: च॥
૪૯. તેમાંથી શરીરની મન જેવી દ્રુત ગતિ, શરીરની જરૂર વિના ઇંદ્રિયોની વિષયોનો અનુભવ કરવાની શક્તિ અને પ્રકૃતિ પર જય મળે છે.
જેવી રીતે પંચભૂતો પરના જયને લીધે કાયસંપત આવે છે, તેવી રીતે ઇંદ્રિયો પરના જયને પરિણામે ઉપર જણાવેલી સિદ્ધિઓ આવે છે.
सत्त्वपुरुषान्यताख्यातिमात्रस्य सर्वभावाधिष्ठातृत्वं सर्वज्ञातृत्वं च॥3.50॥
सत्त्व पुरुष अन्यता ख्यातिमात्रस्य सर्व भाव अधिष्ठातृत्वम् सर्व ज्ञातृत्वम् च॥
૫૦. બુદ્ધિ અને પુરુષ વચ્ચેના ભેદ પર ‘સંયમ’ કરવાથી સર્વશક્તિમાનપણું અને સર્વજ્ઞપણું મળે છે.
જ્યારે પ્રકૃતિ પર વિજય મેળવાય છે અને પુરુષ અને પ્રકૃતિનો ભેદ પારખી લેવાય છે કે પુરુષ અવ્યય, શુદ્ધ અને પૂર્ણ છે ત્યારે સર્વજ્ઞતા અને સર્વશક્તિમત્તા પ્રાપ્ત થાય છે.
तद्वैराग्यादपि दोषबीजक्षये कैवल्यम्॥3.51॥
तद् अपि वैराग्यात् अपि दोष बीजक्षये कैवल्यम्॥
૫૧. એ શક્તિઓનો પણ ત્યાગ કરવાથી દોષોનાં બીજ સુધ્ધાંનો નાશ થઈ જાય છે અને તેથી કૈવલ્ય પદની પ્રાપ્તિ થાય છે.
યોગી કૈવલ્ય અને સ્વાતંત્ર્ય મેળવે છે અને મુક્ત થાય છે. જ્યારે માણસ સર્વશક્તિમાનપણાનો અને સર્વજ્ઞપણાનો પણ ખ્યાલ છોડી દે ત્યારે ભોગોનો, દેવતાઓ તરફથી આવતાં પ્રલોભનોનો સંપૂર્ણ ત્યાગ થઈ જાય છે. જ્યારે યોગી આ સઘળી અદ્ભુત સિદ્ધિઓને જોઈ ચૂક્યો હોય છે અને તેમનો ત્યાગ કરે છે, ત્યારે તે ધ્યેયે પહોંચે છે. આખરે તો આ બધી શક્તિઓ છે શું? માત્ર આભાસ. સ્વપ્નાથી તેમનું મૂલ્ય જરાય વધારે નહીં. સર્વશક્તિમાનપણું સુધ્ધાં એક સ્વપ્ન જ છે. તેનો બધો આધાર મન છે. જ્યાં સુધી મનનું અસ્તિત્વ છે ત્યાં સુધી સર્વશક્તિમાનપણાનો અનુભવ થાય. પરંતુ ધ્યેય તો મનથીય પર છે.
स्थान्युपनिमन्त्रणे सङ्गस्मयाकरणं पुनरनिष्टप्रसङ्गात्॥3.52॥
स्थानि उपनिमन्त्रणे सङ्ग स्मय अकरणम् पुनः अनिष्ट प्रसङ्गात्॥
૫૨. દેવતાઓનાં પ્રલોભનોથી લલચાવું નહિ કે ખુશ થઈ જવું નહિ, કારણ કે તેમાંથી વળી પાછો અનિષ્ટ આવવાનો ભય છે.
બીજા ભયો પણ છે; દેવતાઓ અને બીજા લોકના નિવાસીઓ યોગીને લલચાવવા આવે છે. તેઓ ઇચ્છતા નથી કે કોઈ સંપૂર્ણ મુક્ત થાય. તેઓ પણ આપણી પેઠે જ, અદેખા હોય છે અને ક્યારેક તો આપણાથીય બદતર. તેમને પોતાનાં સ્થાન અને અધિકાર ગુમાવવાની બહુ બીક હોય છે. જે યોગીપુરુષો પૂર્ણત્વે નથી પહોંચતા તેઓ મરીને દેવતા થાય છે; સીધો રસ્તો મૂકીને તેઓ બાજુની આડગલીમાં જઈ ચડે છે અને આ બધી સિદ્ધિઓ મેળવે છે. એટલે પછી તેઓને વળી ફરી વાર જન્મ લેવો પડે છે. પરંતુ જે યોગી આ લાલચો સામે ટકી શકવા જેટલો મનનો મજબૂત હોય છે અને સીધો ધ્યેય તરફ જ જતો હોય છે, તે જ મુક્ત થાય છે.
क्षणतत्क्रमयोः संयमाद्विवेकजं ज्ञानम्॥3.53॥
क्षण तत् क्रमयो: संयमात् विवेकजं ज्ञानम्॥
૫૩. ક્ષણ અને તે પૂર્વાપર અનુક્રમ પર ‘સંયમ’ કરવાથી સત્ અસત્નું વિવેકજ્ઞાન આવે છે.
આ બધી વસ્તુઓ, આ દેવતાઓ અને સ્વર્ગો અને સિદ્ધિઓથી દૂર રહેવું કઈ રીતે? વિવેક વડે, ઇષ્ટને અનિષ્ટથી જુદું જાણીને. તેથી એવો એક ‘સંયમ’ કહેવામાં આવ્યો છે કે જેથી સત્-અસત્ના વિચારને મજબૂત બનાવી શકાય. તેની રીત આવી છેઃ સમયની એક ક્ષણ પર તથા તેની આગળના ને પાછળના સમય પર ‘સંયમ’ કરવાથી એ થઈ શકે.
जातिलक्षणदेशैरन्यतानवच्छेदात् तुल्ययोस्ततः प्रतिपत्तिः॥3.54॥
जाति लक्षण देशै: अन्यता अनवच्छेदात् तुल्ययो: तत: प्रतिपत्ति:॥
૫૪. જે બે વસ્તુઓની ભિન્નતા જાતિ, લક્ષણ અને સ્થળ વડે પણ જાણી શકાય નહિ અને તેથી એકસરખી દેખાય તેમની વચ્ચેનો તફાવત પણ આ ‘સંયમ’ વડે જાણી શકાય.
આપણે જે દુઃખ ભોગવીએ છીએ તે અજ્ઞાનને લીધે, સત્ અને અસત્ વચ્ચેનો ભેદ ન જાણવાને લીધે આવે છે. આપણે સૌ અસત્ને સત્ તરીકે, સ્વપ્નને વાસ્તવ તરીકે ગણીએ છીએ. આત્મા જ એકમાત્ર સત્ય છે અને તે આપણે ભૂલી ગયા છીએ. શરીર એક મિથ્યા સ્વપ્ન છે, છતાં આપણે માનીએ છીએ કે આપણે બધા શરીર છીએ. આ વિવેકજ્ઞાનનો અભાવ એ જ દુઃખનું મૂળ છે. એ અવિવેક અજ્ઞાનથી ઉત્પન્ન થાય છે. જ્યારે વિવેકજ્ઞાન આવે છે ત્યારે તેનાથી બળ આવે છે અને ત્યારે જ આપણે આ બધા શરીરના અને સ્વર્ગોના અને દેવતાઓના જુદા જુદા પ્રકારના ખ્યાલો ટાળી શકીએ. આ અજ્ઞાનની ઉત્પત્તિ થાય છે જાતિ, લક્ષણ અને સ્થળ વડે ભિન્નતા કરવાથી. દાખલા તરીકે ગાય લો. ગાય કૂતરાથી જુદી પડે છે જાતિ વડે. એકલી ગાયોમાં પણ એક ગાયથી બીજી ગાયનો તફાવત આપણે શી રીતે નક્કી કરીએ છીએ? લક્ષણો વડે. જો બે પદાર્થો બરાબર એકસરખા હોય તો તેમને જુદાં જુદાં સ્થળોએ રાખવાથી જુદા ઓળખી શકાય. પરંતુ જ્યારે પદાર્થો એવી રીતે સેળભેળ થઈ ગયા હોય કે આ ભિન્નતા દર્શાવનારાં સાધનો પણ તેમની વચ્ચેનો તફાવત ન દર્શાવી શકે ત્યારે ઉપર બતાવેલી સાધના વડે મેળવેલી વિવેકશક્તિ તેમને અલગ અલગ ઓળખવાની શક્તિ આપે છે. યોગનો સર્વોચ્ચ તત્ત્વસિદ્ધાંત આ હકીકત પર આધારિત છે કે પુરુષ શુદ્ધ અને પૂર્ણ છે અને આ વિશ્વમાં એ એક જ અમિશ્રિત કેવળ તત્ત્વ છે. શરીર અને મન એ મિશ્રણો છે અને છતાં આપણે સદા તેમની સાથે જ તાદાત્મ્ય માની રહ્યા છીએ. મોટી ભૂલ આ છે કે દેહ અને આત્મા વચ્ચેનો ભેદ ભુલાઈ ગયો છે. જ્યારે એ બંનેને જુદા માનવાની વિવેકબુદ્ધિ આવે છે, ત્યારે મનુષ્યને દેખાય છે કે આ જગતની અંદરની સર્વ વસ્તુઓ, શારીરિક તેમજ માનસિક, મિશ્રણ જ છે અને એ કારણસર તે પુરુષ ન હોઈ શકે.
तारकं सर्वविषयं सर्वथाविषयम् अक्रमं चेति विवेकजं ज्ञानम्॥3.55॥
तारकं सर्व विषयं सर्वथा विषयम् अक्रमं च इति विवेकजं ज्ञानम्॥
૫૫. જે વિવેકજ્ઞાન સર્વ વસ્તુઓને તેમની સર્વ અવસ્થામાં એકી સાથે આવરી શકે છે, તેને ‘તારકજ્ઞાન’ યાને સંસારમાંથી તારનારું જ્ઞાન કહેવામાં આવે છે.
‘તારક’ કહેવાનું કારણ એ કે એ જ્ઞાન યોગીને જન્મમરણના સાગરની પેલે પાર લઈ જાય છે. પોતાની સૂક્ષ્મ અને સ્થૂલ સર્વ પ્રકારની અવસ્થાઓ સહિતની સમસ્ત પ્રકૃતિ આ જ્ઞાનની પકડની અંદર હોય છે. આ જ્ઞાન દ્વારા થતા અનુભવમાં અનુક્રમ નથી હોતોઃ એ સર્વ વસ્તુઓને એકીસાથે, એક જ દૃષ્ટિમાં સમાવી લે છે.
सत्त्वपुरुषयोः शुद्धिसाम्ये कैवल्यमिति॥3.56॥
सत्त्व पुरुषयो: शुद्धि साम्ये कैवल्यम् इति॥
૫૬. સત્ત્વ એટલે બુદ્ધિ અને પુરુષ એ બંનેની શુદ્ધિ એકસમાન થાય ત્યારે કૈવલ્યપ્રાપ્તિ થાય.
જ્યારે આત્માને ભાન થાય કે આખા વિશ્વમાં દેવતાઓથી લઈને ક્ષુદ્રમાં ક્ષુદ્ર અણુ સુધી કોઈનોય પણ પોતે પરાધીન નથી, ત્યારે તે સ્થિતિને કૈવલ્ય અને પૂર્ણત્વ કહેવામાં આવે છે. એ પૂર્ણત્વ ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે આ શુદ્ધિ અને અશુદ્ધિના મિશ્રણરૂપ સત્ત્વ (બુદ્ધિ)ને પુરુષના જેટલી જ શુદ્ધ કરવામાં આવી હોય; ત્યારે એ બુદ્ધિ પવિત્રતાના નિર્ભેળ સત્ત્વને જ પ્રતિબિંબિત કરે છે અને તે નિર્ભેળ સત્ત્વ છે પુરુષ.

