સમાજમાં અનેક પ્રકારના ઘેલછાવાદીઓ કે ઝનૂનીઓ હોય છે. કેટલાકો દારૂ અને સિગારેટ પાછળ ગાંડા હોય છે; કેટલાકો એમ માને છે કે જો માણસો સિગારેટ પીવાનું છોડી દે તો દુનિયામાં સત્-યુગ આવી જાય. આવી ઘેલછાવાળી ઝનૂની વૃત્તિઓવાળાઓમાં મોટે ભાગે સ્ત્રીઓ હોય છે. એક દિવસ અહીં આ વર્ગમાં એક યુવતી આવી હતી. શિકાગો શહેરમાં એના જેવી સંખ્યાબંધ બાઈઓ છે. તેમણે એક એવું ઘર બાંધ્યું છે કે જ્યાં શ્રમજીવીઓને લઈ જઈને તેમને સંગીત અને અંગકસરતના ખેલો બતાવવામાં આવે છે. એક દિવસે આ યુવતી દુનિયાનાં અનિષ્ટો વિષે વાતો કરી રહી હતી. તેણે કહ્યુંઃ ‘હું એના ઉપાયો જાણું છું.’ મેં પૂછ્યુંઃ ‘તમે ક્યાંથી જાણો?’ એટલે તેણે જવાબ આપ્યોઃ ‘તમે ‘હલ્લ હાઉસ’ જોયું છે?’ એ બાઈના મત પ્રમાણે માણસજાતને લલચાવનારાં બધાં અનિષ્ટોનો રામબાણ ઇલાજ આ હલ્લ હાઉસ છે. આ ભાવના તેના માનસ પર વધુ ને વધુ અસર કરતી જશે. મને એ બાઈને માટે દિલગીરી થઈ. ભારતમાં કેટલાક લોકો એવી ઘેલછા ધરાવે છે કે જો કોઈ સ્ત્રીનો પતિ મરી જાય તો તેનું પુનર્લગ્ન કરવાથી જ બધાં અનિષ્ટોનો અંત આવી જશે. આનું નામ ઝનૂન.
હું જ્યારે જુવાન હતો ત્યારે હું ધારતો કે કોઈ પણ કાર્ય કરવામાં આગ્રહ, ઝનૂન એક મોટું તત્ત્વ છે. પણ હવે ઉંમર વધવાની સાથે મને ખબર પડી કે એવું નથી.
કોઈક સ્ત્રી એવી હોઈ શકે કે જે ચોરી કરવામાં અને કોઈ બીજાની ટ્રંક ઉઠાવીને ચાલતી થઈ જવામાં કશું અજુગતું ન માને. બનવાજોગ છે કે એ બાઈને ધૂમ્રપાન કરવાની આદત ન હોય. એ બાઈ ઝનૂનપૂર્વક ધૂમ્રપાનનો વિરોધ કરતી થાય છે અને જો કોઈ પુરુષને ધૂમ્રપાન કરતો જુએ કે તરત જ એ તેના સિગાર પીવા સામે વાંધો ઉઠાવે છે. કોઈક માણસ એવો હોય કે જે બીજાને છેતરતો ફરતો હોય; એના પર વિશ્વાસ મુકાય એવું જ ન હોય; એની સાથે કોઈ બાઈ માણસની કશી સલામતી ન હોય. પરંતુ આ બદમાશ કદાચ દારૂને હાથ પણ અડકાડતો ન હોય. જો એવું હોય તો એ જે કોઈ દારૂ પીએ તેનામાં કાંઈ સારપ હોઈ શકે એમ માને જ નહિ. પોતે જે બધી દુષ્ટતાઓ આચરતો હોય, એ તેને મન કાંઈ વિસાતમાં જ નથી હોતી. માનવી માટે આ અતિ સાહજિક સ્વાર્થવૃત્તિ અને એકાંગીપણું છે.
તમારે એ પણ યાદ રાખવું જોઈએ કે દુનિયા પર નિયમન ચલાવનાર ઈશ્વર છે અને એણે દુનિયાને આપણી દયા પર છોડી દીધી નથી. જગન્નિયામક ઈશ્વર તેનો શાસક અને પાલક છે અને આ હરેક પ્રકારના અનેક મદ્ય-ઝનૂનીઓ, સિગારેટ-ઝનૂનીઓ અને પુનર્લગ્ન-ઝનૂનીઓ હોવા છતાં દુનિયા તો ચાલ્યા જ કરશે; અને જો આ બધા ઝનૂનીઓ મરી જાય તોપણ દુનિયા તો જેમ ચાલે છે તેમ જ ચાલ્યા કરવાની.
તમારા પોતાના જ ઇતિહાસમાં તમને યાદ નથી કે ‘મે-ફલાવર’ જહાજમાંના અંગ્રેજ લોકો અહીં આવ્યા અને પોતાને ‘પ્યૂરિટન’ (સનાતનીઓ) કહેવડાવવા લાગ્યા? તેઓ તેમના પોતાનાથી બને તેટલા પવિત્ર અને સારા હતા; પણ પછી તેઓ બીજા લોકો ઉપર સખત ત્રાસ અને જુલમ કરવા માંડ્યા; માનવજાતના આખા ઇતિહાસમાં એ જ પ્રમાણે બન્યું છે. જે લોકો પોતે જુલમમાંથી નાસી છૂટ્યા હોય છે, તેઓ પણ અનુકૂળ તક મળતાં બીજાઓ પર તરત જ જુલમ ગુજારવા માંડે છે.
સેંકડે નવાણું ટકા ઝનૂનીઓનાં પિત્તાશય ખરાબ હોવાં જોઈએ અથવા તો તેઓ અજીર્ણના રોગથી અથવા કોઈ બીજા રોગથી પીડાતા હોવા જોઈએ. કાળક્રમે વૈદ્ય-ડૉક્ટરો પણ શોધી કાઢશે કે ઝનૂન એ પણ એક પ્રકારનો રોગ છે. મેં તો એવું પુષ્કળ જોયું છે. ભગવાન મને એમાંથી બચાવે!
મારો અનુભવ એવો છે કે હર તરેહના ઝનૂની સુધારાઓથી દૂર રહેવું એ ડહાપણભર્યું છે. આ દુનિયા ધીમે ધીમે ચાલ્યા કરે છે; ભલે એ એની ગતિએ ચાલ્યા કરે. તમારે ઉતાવળ શી છે? સારી રીતે ઊંઘ ખેંચો અને તમારા જ્ઞાનતંતુઓને સારી તંદુરસ્ત સ્થિતિમાં જાળવો; યોગ્ય ખોરાક ખાઓ અને જગત પ્રત્યે સહાનુભૂતિ રાખો. માત્ર ઝનૂનીઓ જ ધિક્કાર પેદા કરે છે. તમે શું એમ કહેવા માગો છો કે જે બિચારાઓ દારૂડિયા બની જાય છે તેમના પ્રત્યે આ મદ્યપાન-નિષેધક ઝનૂનીઓને ખૂબ હેત છે? ઝનૂની માણસ એટલા માટે જ ઝનૂની છે કે એ બદલામાં પોતાને માટે કાંઈક મેળવવાની આશા રાખે છે. જેવી એ લડાઈ પૂરી થાય કે તરત જ એ પછીની લૂંટ માટે તે પહોંચી જાય છે. તમે ઝનૂનીઓની સોબતથી છૂટા પડી જાઓ ત્યારે જ તમે ખરી રીતે કેમ ચાહવું અને સહાનુભૂતિ કેમ રાખવી એ શીખી શકો; અને જેમ જેમ તમે પ્રેમ અને સહાનુભૂતિ વધુ દર્શાવતાં શીખશો તેમ તેમ આ બિચારા જીવોનો તિરસ્કાર કરવાની તમારી ધગશ ઓછી થતી જશે, ઊલટાની તમને તેમના દોષો પ્રત્યે સહાનુભૂતિ ઉત્પન્ન થશે; દારૂડિયા પ્રત્યે સહાનુભૂતિ દર્શાવવાનું તથા તે પણ આપણા જેવો જ એક માનવી છે એમ જાણવાનું તમારા માટે શક્ય બનશે. જે અનેક સંજોગો તેને નીચે ઘસડી રહ્યા છે તેમને સમજવાનો તમે ત્યારે પ્રયાસ કરશો અને તમને લાગશે કે તેની જગ્યાએ જો તમે પોતે હોત તો કદાચ તમે તો આપઘાત જ કર્યો હોત! મને યાદ છે કે એક બાઈએ પોતાનો પતિ દારૂડિયો હોવા બાબતમાં મને ફરિયાદ કરેલી. મેં તેને કહ્યુંઃ ‘બાઈ! જો તમારા જેવી બે કરોડ પત્નીઓ હોત તો બધા પતિઓ દારૂડિયા થઈ જાત.’ મને ખાતરી છે કે મોટા ભાગના દારૂડિયાઓ તેમની પત્નીને કારણે જ દારૂડિયા થયેલા હોય છે. મારું કામ સત્ય કહેવાનું છે, કોઈની ખુશામત કરવાનું નથી. જેમના મનમાંથી ‘ખમી ખાવું’ અને ‘ધીરજ ધરવી’ જેવા શબ્દો હંમેશને માટે અદૃશ્ય થઈ ગયા છે અને જેમના સ્વાતંત્ર્યના ખોટા ખ્યાલો પુરુષોએ તેમને પગે પડવું જોઈએ એમ મનાવે છે, તેમ જ તેમને ન ગમે એવું કંઈ પણ કહેવાની પુરુષો જો હિંમત કરે કે તરત જેઓ તાડૂકી ઊઠે છે, આવી સ્ત્રીઓ દુનિયાનું વિષ બનતી જાય છે. નવાઈની વાત તો એ છે કે તેમનાથી ગળે આવી જઈને દુનિયાના અરધા ભાગના પુરુષો આપઘાત કેમ નથી કરતા! વ્યવહાર આ પ્રકારે ચાલવો ન જોઈએ. જીવન, તેઓ માને છે તેટલું સરળ નથી; એ એક બહુ ગંભીર વિષય છે.
માણસમાં કેવળ શ્રદ્ધા હોય એટલું જ બસ નથી; એ શ્રદ્ધા બુદ્ધિપૂર્વકની હોવી જોઈએ. જે આવ્યું તે બધું જ માણસ પાસે સ્વીકારાવવું અને તેની પાસે મનાવવું, એટલે તેને ગાંડો બનાવવો. મને એક વખતે એક પુસ્તક મોકલવામાં આવેલું; મને કહેવામાં આવેલું કે તેમાં લખેલું બધું મારે માનવું. એ પુસ્તકમાં એમ લખેલું કે આત્મા જેવું કંઈ છે નહીં, પરંતુ સ્વર્ગમાં દેવો અને દેવીઓ છે અને આપણા દરેકના મસ્તકમાંથી પ્રકાશની એક રેખા સ્વર્ગમાં જાય છે! લેખિકાને આ બધી બાબતોની ખબર કેવી રીતે પડી? તો કહે છે કે એને પ્રેરણા થઈ હતી અને મારે પણ એ માનવું અને મેં એ માનવાની જ્યારે ના પાડી, ત્યારે એ બાઈ બોલી ઊઠીઃ ‘તમે બહુ ખરાબ માણસ હોવા જોઈએ; તમારે માટે કશી આશા નથી!’ આનું નામ આંધળો જુસ્સો, દુરાગ્રહ અથવા ઝનૂન. (1.359)

