(ઈ.સ. ૧૯૦૦ના એપ્રિલની ૩જી તારીખે સાન્ફ્રાન્સિસ્કોના વોશિંગ્ટન હોલમાં અપાયેલું વ્યાખ્યાન.)

બધા ધર્મોએ ‘ધ્યાન’ ઉપર ભાર મૂક્યો છે. મનની ધ્યાનાવસ્થાને યોગીઓ મનની સર્વોચ્ચ અવસ્થા કહે છે. મન જ્યારે બાહ્ય પદાર્થનો અનુભવ કરે છે ત્યારે તે તેની સાથે તદાકાર થઈ જાય છે, પોતાને ભૂલી જાય છે. એક પ્રાચીન તત્ત્વજ્ઞાનીએ આપેલી ઉપમા પ્રમાણે મનુષ્યનો આત્મા પોતે એક સ્ફટિકના જેવો શુદ્ધ છે; પરંતુ તેની નજીક જે કાંઈ હોય તેનો રંગ તે લે છે. જેના જેના સંપર્કમાં આત્મા આવે છે… તેના રંગથી તે રંગાય છે. મુશ્કેલી એ છે કે બંધન તેમાંથી ઊભું થાય છે. રંગ એટલો પાકો લાગે છે કે સ્ફટિક પોતાને વીસરી જઈને રંગની સાથે તદ્રૂપ થઈ જાય છે. ધારો કે સ્ફટિકની પાસે એક લાલ ફૂલ પડેલું છે; તો સ્ફટિક તે રંગને ગ્રહણ કરે છે. પોતાને ભૂલી જાય છે અને માને છે કે પોતે લાલ છે. આપણે શરીરનો રંગ ગ્રહણ કર્યો છે અને ભૂલી ગયા છીએ કે આપણે શું છીએ. પછી જે બધી મુશ્કેલીઓ ઊભી થાય છે તેનું મૂળ છે આ મડદા જેવું શરીર. આપણી બધી બીક, બધી ચિંતાઓ, ઉપાધિઓ, મુશ્કેલીઓ, ભૂલો, નબળાઈઓ, અનિષ્ટ વગેરે બધું આપણે શરીર છીએ એમ માનવાની એક માત્ર મોટી ભૂલમાંથી ઊભું થાય છે. આ છે સામાન્ય માણસ, પોતાની નજીક પડેલા ફૂલના રંગનું પોતામાં આરોપણ કરનારી વ્યક્તિ. જેમ સ્ફટિક કોઈ પણ લાલ ફૂલ નથી, તેમ આપણે પણ શરીર નથી.

ધ્યાનનો અભ્યાસ ખંતથી કરવામાં આવે છે. સ્ફટિકને ખબર પડે છે કે પોતે શું છે એટલે સ્ફટિક પોતાનો જ પાછો રંગ ધારણ કરે છે. બીજી કોઈ પણ બાબત કરતાં ધ્યાન આપણને સત્યની વધુ નજીક લાવે છે…

ભારતમાં બે માણસોને પરસ્પર મળવાનો પ્રસંગ જુઓ. અંગ્રેજી પદ્ધતિ પ્રમાણે તેઓ કહેશેઃ ‘તમારું કેમ ચાલે છે?’ (How do you do) ભારતીય શુભેચ્છાદર્શક પ્રશ્ન છેઃ ‘તમે પગ પર ઊભેલા છો?’ જે ઘડીએ તમે કોઈ બીજી વસ્તુ પર ઊભા રહો કે તેના આધારે હો ત્યારે તમે દુઃખી થવાનું જોખમ વહોરો છો. ‘ધ્યાન’થી હું જે સમજાવવા માગું છું તે આ છેઃ પોતાના પર ઊભા રહેવાનો આત્માનો પ્રયાસ. જે અવસ્થામાં આત્મા પોતાના મહિમામાં રહીને પોતાનું જ ચિંતવન કરી રહ્યો હોય એ અવસ્થા અવશ્ય આત્માની સ્વસ્થમાં સ્વસ્થ અવસ્થા હોવી જોઈએ. ના, આપણી અન્ય તમામ પદ્ધતિઓ—ભાવનાઓને જાગ્રત કરવી, પ્રાર્થનાઓ કરવી વગેરે બધી—નો હેતુ ખરેખરી રીતે એ એક જ છે. ઊંડી ભાવોત્તેજનામાં આત્મા સ્વસ્થ થવાનો પ્રયાસ કરે છે. ભાવ ભલે બહારની ગમે તે વસ્તુ દ્વારા ઉત્પન્ન થાય, મનની એકાગ્રતા તો ત્યાં છે.

ધ્યાનની ત્રણ ભૂમિકાઓ છે. પ્રથમ છે જેને ‘ધારણા’ કહેવામાં આવે છે તે, એટલે કે એક પદાર્થ પર મનને એકાગ્ર કરવું. હું મારા મનમાંથી બીજા બધા પદાર્થોને બહાર કાઢી નાખીને આ કાચના પ્યાલા પર તેને એકાગ્ર કરવાનો પ્રયાસ કરું છું. પરંતુ મન ચંચળ છે… જ્યારે તે દૃઢ થઈને એટલું બધું અસ્થિર નથી રહેતું, ત્યારે તે અવસ્થાને ‘ધ્યાન’ કહેવામાં આવે છે અને ત્યાર પછી એથીયે એક વધુ ઊંચી અવસ્થા છે કે જેમાં પ્યાલા અને મારી વચ્ચેનો ભેદ લોપ પામે છે; તે છે ‘સમાધિ’. ત્યારે મન અને પ્યાલો એકરૂપ બને છે; મને કશોય ભેદ ભાસતો નથી. બધી ઇંદ્રિયોનો વ્યાપાર અટકી જાય છે અને બીજી ઇંદ્રિયોના બીજા માર્ગો દ્વારા કામ કરી રહેલી બધી શક્તિઓ (મનની અંદર એકાગ્ર થઈ જાય છે) ત્યારે આ પ્યાલો સંપૂર્ણપણે મનની શક્તિને અધીન બને છે. આનો સાક્ષાત્કાર કરવાનો છે. યોગીઓની એ એક જબરદસ્ત રમત છે… એમ માની લો કે બહારના પદાર્થનું અસ્તિત્વ છે. ત્યારે જે ખરેખર આપણી બહાર છે એ આપણે જોઈએ છીએ તે નથી. હું જેને દેખું છું તે પ્યાલો ચોક્કસ રીતે બાહ્ય વસ્તુ નથી. જે બાહ્ય કંઈક વસ્તુ પ્યાલો (થઈને દેખાય) છે, તેને હું જાણતો નથી અને કદીયે જાણીશ નહીં.

કંઈક વસ્તુ મારા પર છાપ પાડે છે. તાબડતોબ હું તેના તરફ પ્રતિક્રિયા રવાના કરું છું અને આ બે (કંઈક અને મારી પ્રતિક્રિયા)નું મિશ્રણ છે પ્યાલો. બહારની બાજુથી કંઈક ક્રિયા, એને કહીએ क्ष; અંદરની બાજુથી કંઈક ક્રિયા, તેને य કહીએ. એટલે પ્યાલો થાય છે क्षय. જ્યારે તમે क्ष તરફ જુઓ છો, ત્યારે તેને બાહ્ય જગત કહો છો; જ્યારે તમે य તરફ જુઓ છો ત્યારે તેને આંતર જગત કહો છો… જો તમે એવો ભેદ પાડવા જાઓ કે તમારું મન ક્યું છે અને જગત ક્યું છે, તો તમને જણાશે કે આવો કોઈ ભેદ જ નથી. જગત, એ તમે અને બીજું કંઈક, એ બંનેનું સંમિશ્રણ છે.

આપણે બીજું ઉદાહરણ લઈએ. એક સ્થિર સરોવરની શાંત સપાટી પર તમે પથ્થર ફેંકી રહ્યા છો. તમે ફેંકો છો તે દરેક પથ્થરની પાછળ પ્રતિક્રિયા થાય છે. સરોવરમાંના નાના નાના તરંગોથી પથરો ઢંકાઈ જાય છે. તે જ પ્રમાણે બાહ્ય વસ્તુઓ મનરૂપી સરોવરમાં ફેંકાતા નાના પથરાઓ જેવી છે. તેથી આપણે બાહ્ય (જગત)ને ખરેખર જોતા નથી… આપણે માત્ર તરંગને જોઈએ છીએ…

મનની અંદર જે આ મોજાં ઊઠે છે, તેમણે બહારની ઘણી વસ્તુઓ ઉત્પન્ન કરી છે. વિજ્ઞાનવાદ અને વાસ્તવવાદના (ગુણદોષની) ચર્ચા આપણે કરતા નથી. આપણે એમ માનીને જ ચાલીએ છીએ કે વસ્તુઓ બહાર અસ્તિત્વ ધરાવે છે, પરંતુ જે આપણે જોઈએ છીએ તે બહાર અસ્તિત્વ ધરાવતી વસ્તુઓના કરતાં જુદું જ છે, કારણ કે જે આપણે જોઈએ છીએ તે તો બહાર અસ્તિત્વ ધરાવતી વસ્તુ વત્તા આપણે પોતે, બંને મળીને છે.

ધારો કે પ્યાલામાંથી મારો અંશ (ફાળો) હું કાઢી લઉં છું. બાકી શું રહે છે? લગભગ કંઈ જ નહીં; પ્યાલાનો લોપ થશે. ટેબલમાંથી જો હું મારો અંશ (ફાળો) કાઢી લઉં તો બાકી શું રહે? ચોક્કસ, આ ટેબલ તો નહીં જ, કારણ કે એ તો બાહ્ય કંઈક વત્તા મારો ફાળો, એ બેનું મિશ્રણ હતું. જ્યારે જ્યારે સરોવરમાં (પથરો) ફેંકવામાં આવે ત્યારે ત્યારે તે બિચારા સરોવરે તો તે પથરા પ્રત્યે તરંગ ઉછાળવો જ પડે. બહારની કોઈ પણ અસર પ્રત્યે (પ્રતિક્રિયા રૂપે) મનનું મોજું ઊઠવું જ જોઈએ. ધારો કે… આપણે મનને રોકી શકીએ. તરત જ આપણે તેના માલિક બનીએ છીએ. આ બધી ઘટનાઓમાં આપણે આપણો ભાગ ભજવવાનું કબૂલ નથી રાખતા… જો હું મારો અંશ ન આપું, તો ઘટનાએ બંધ પડવું જ પડે.

બધો વખત આ બધું બંધન તમે જ પેદા કરો છો. કેવી રીતે? તમારો હિસ્સો આપીને. આપણે પોતે જ આપણી (કાંટાની) પથારીઓ પાથરીએ છીએ, આપણી બેડીઓ ઘડીએ છીએ… જ્યારે આ બાહ્ય પદાર્થ અને મારી વચ્ચેની તદ્રૂપતા અટકે, ત્યારે હું મારો ફાળો બંધ કરવા શક્તિમાન થઈશ, એટલે આ વસ્તુ અદૃશ્ય થઈ જશે. પછી હું કહું કે ‘આ રહ્યો પ્યાલો’ અને પછી મારું મન તેમાંથી કાઢી લઉં, એટલે પ્યાલો અદૃશ્ય થાય છે… જો તમે તમારો હિસ્સો બાદ કરી શકો તો તમે પાણી ઉપર ચાલી શકો. પછી એ તમને શા માટે ડુબાવે? ઝેરનું શું? કશી જ મુશ્કેલી નહીં. પ્રકૃતિમાંની દરેક ઘટનામાં ઓછામાં ઓછો અરધો તમારો ફાળો છે અને બીજો અરધો પ્રકૃતિ લાવે છે. જો તમારો અરધો હિસ્સો બંધ થાય તો ઘટના બંધ થવી જ જોઈએ.

… દરેક ક્રિયાની સામે તેટલી જ પ્રતિક્રિયા હોય છે… જો કોઈ માણસ મને મારે અને ઘાયલ કરે તો એ ઘટના પેલા માણસની ક્રિયા અને મારા શરીરની પ્રતિક્રિયા છે… ધારો કે મારા શરીર ઉપર મારો એવો કાબૂ છે કે હું મારી શરીરની સહજ ક્રિયાઓનો પણ પ્રતિકાર કરી શકું. આવી શક્તિ મેળવી શકાય ખરી? ગ્રંથો કહે છે કે એ મેળવી શકાય… જો તમને તે અચાનક મળી જાય તો તેનું નામ ચમત્કાર કહેવાય; જો તેનો તમે વૈજ્ઞાનિક પદ્ધતિએ અભ્યાસ કરો તો તે યોગ કહેવાય.

મનની શક્તિથી સાજા થયેલા લોકોને મેં જોયા છે. ચમત્કાર કરનારાઓ પણ છે ખરા. આપણે એમ કહીએ છીએ કે તે માણસ પ્રાર્થના કરે છે અને રોગી સાજો થાય છે. બીજો માણસ કહે છે કે, ‘એવું જરાય નથી. એ માત્ર મનની શક્તિ જ છે. એ માણસ વૈજ્ઞાનિક છે. પોતે શું કરે છે તે તે જાણે છે.’

ધ્યાનની શક્તિ આપણને સર્વ કંઈ મેળવી આપે છે. જો તમારે પ્રકૃતિ ઉપર સત્તા મેળવવી હોય તો (તે તમને ધ્યાન દ્વારા મળી શકે). જે બધી વૈજ્ઞાનિક શોધખોળો આજે થઈ રહી છે, તે ધ્યાનની શક્તિ દ્વારા જ થાય છે. એ લોકો વિષયનો અભ્યાસ કરે છે ત્યારે બીજું બધું જ ભૂલી જાય છે; પોતાની જાતને તેમજ બીજા બધાને તેઓ વીસરી જાય છે; અને ત્યારે પછી મહાન હકીકત એક ચમકારાની પેઠે સૂઝી આવે છે. કેટલાક લોકો ધારે છે કે એ પ્રેરણા છે. પણ ના, શ્વાસને બહાર કાઢવા જેવું જ એ કુદરતી છે; અને કિંમત ચૂકવ્યા વિના કદી કાંઈ મળ્યું જ નથી.

જિસસનું કાર્ય એ ઊંચામાં ઊંચી કહેવાતી પ્રેરણા હતું. પૂર્વજન્મોમાં તેમણે યુગો સુધી સખત પરિશ્રમ કરેલો. એમની શક્તિ એ તેમણે પૂર્વે કરેલા (ધ્યાનના) સખત અભ્યાસનું ફળ હતું… પ્રેરણાની વાતો કરવી એ બધું મૂર્ખાઈનું પ્રદર્શન છે. જો એવું હોત તો તે વરસાદની પેઠે વરસી હોત. જે પ્રજાઓમાં સામાન્ય શિક્ષણ અને સંસ્કારિતા હોય છે, માત્ર તે પ્રજાઓમાં જ, વિચારના કોઈ પણ ક્ષેત્રમાં પ્રેરણા પામેલા પુરુષો પાકે છે. (ખરું જોતાં) પ્રેરણા જેવું કંઈ જ નથી… પ્રેરણાને નામે જે કંઈ ઓળખાય છે, તે મનની અંદર પહેલેથી જ રહેલાં કારણોમાંથી આવતું પરિણામ છે. એક દિવસે ચમકારાની પેઠે પરિણામ આવે છે! તેમનું પૂર્વનું કર્મ એ એનું (કારણ) હતું.

એમાં પણ તમે ધ્યાનની શક્તિ, વિચારની એકાગ્રતા જુઓ છો. આ પુરુષો પોતાના અંતરાત્માને વલોવી નાખે છે. તેના ફળરૂપે મહાન સત્યો સપાટી પર આવીને પ્રગટ થાય છે. એટલા માટે ધ્યાનનો અભ્યાસ જ્ઞાન મેળવવાની મહાન વૈજ્ઞાનિક પદ્ધતિ છે. ધ્યાનની શક્તિ વિના કશું જ જ્ઞાન આવતું નથી. આપણે ધ્યાન દ્વારા અજ્ઞાન, વહેમ વગેરેમાંથી તાત્કાલિક મુક્ત થઈ શકીએ, લાંબો વખત નહીં, (ધારો કે) એક માણસે મને કહ્યું કે જો તમે અમુક જાતનું ઝેર પીશો તો મરી જશો અને બીજો માણસ રાત્રે આવીને કહે છે કે ‘જા, પેલું ઝેર પી જા!’ છતાં હું મરતો નથી. (આમાં જે બને છે તે આ છેઃ) મારા મન દ્વારા ધ્યાનમાંથી ઝેર અને મારી વચ્ચેની તદ્રૂપતા તત્કાળ પૂરતી કાપી લેવાય. એ જ ઝેર બીજી વખતે પીવાના કિસ્સામાં મારું મોત થાય.

જો હું કારણ જાણું અને મારા મનને વૈજ્ઞાનિક રીતે એ ધ્યાનની અવસ્થાએ ચડાવી શકું, તો હું કોઈને પણ બચાવી શકું. ગ્રંથો એમ કહે છે; પરંતુ એ કેટલું ખરું છે તેનું મૂલ્યાંકન તમારે કરવું જોઈએ.

મને પ્રશ્ન કરવામાં આવે છેઃ ‘તમે ભારતના લોકો આ વસ્તુઓ પર વિજય કેમ નથી મેળવતા? બધો વખત તમે બીજી બધી પ્રજાઓ કરતાં શ્રેષ્ઠ હોવાનો દાવો કરો છો. તમે યોગાભ્યાસ કરો છો અને બીજાઓના કરતાં તમે તે વધુ જલદી કરો છો. બીજાઓના કરતાં તમે વધારે યોગ્ય છો. તમે તે અમલમાં મૂકો! જો તમે મહાન પ્રજા હો તો તમારી પાસે મહાન પદ્ધતિ હોવી જોઈએ. તમારે બધા દેવતાઓને પડતા મૂકવા જોઈશે. એ બધા ભલે સૂઈ રહે, તમે તમારે મહાન દાર્શનિકોને વળગો. તમે તો માત્ર નાનાં છોકરાં જેવા, દુનિયાના બાકીના લોકો જેટલા જ વહેમી છો. એટલે તમારા બધા દાવા નિષ્ફળ છે. જો તમારે શ્રેષ્ઠતાના દાવા કરવા હોય તો બહાદુર બનો અને ઊભા થાઓ, એટલે સ્વર્ગ જેવું જે કંઈ હોય તે તમારું થશે! કસ્તૂરીમૃગની કસ્તૂરી તેના પોતાના દેહમાં જ હોય છે; માત્ર તેને ખબર નથી હોતી કે એ સુગંધ (ક્યાંથી આવી રહી) છે. ઘણા દિવસો વીત્યા બાદ તેને ખબર પડે છે કે તે પોતાની અંદર જ રહેલી છે. આ બધા દેવો અને દાનવો તેમની અંદર જ છે. વિચારશક્તિ, શિક્ષણ અને સંસ્કારિતાના બળથી શોધી કાઢો કે એ બધું તમારી અંદર છે. દેવતાઓ અને વહેમો હવે બસ થયા. તમારે તો તર્કશીલ થવું છે, યોગીઓ થવું છે, ખરેખર આધ્યાત્મિક બનવું છે.’

(મારો ઉત્તર આ છેઃ તમારી બાબતમાં પણ) બધું જ ભૌતિક છે. એક સિંહાસન પર બેઠેલા ઈશ્વર કરતાં વધુ ભૌતિક બીજું શું છે? જે બિચારો મૂર્તિને પૂજે છે તેનો તમે લોકો તિરસ્કાર કરો છો. તમે કંઈ વધુ સારા નથી અને તમે તો સુવર્ણપૂજકો! તમે બીજું શું છો? મૂર્તિપૂજક તો પોતાના દેવની—કંઈક એવાની કે જેને તે જોઈ શકે છે—ઉપાસના કરે છે; પણ તમે તો તેય નથી કરતા. તમે તો ચૈતન્યનીયે ઉપાસના નથી કરતા, તેમ કંઈક સમજી શકો તેનીયે ઉપાસના નથી કરતા… શબ્દોના પૂજકો છો! ‘ઈશ્વર ચૈતન્ય સ્વરૂપ છે!’ ઈશ્વર (ખરેખર) ચૈતન્ય સ્વરૂપ જ છે અને ચૈતન્ય સ્વરૂપે જ છે અને ચૈતન્ય સ્વરૂપે જ શ્રદ્ધાપૂર્વક તેની ઉપાસના કરવી જોઈએ. એ ચૈતન્ય ક્યાં વસે છે? કોઈ ઝાડ ઉપર? એકાદ વાદળામાં? ઈશ્વર આપણો છે એમાં આપણાનો શો અર્થ છે? તમે પોતે જ ઈશ્વર છો. પહેલવહેલી મૂળભૂત માન્યતા એ છે. તે તમારે કદી છોડવી ન જોઈએ. હું ચૈતન્ય સ્વરૂપ છું. એ ત્યાં (આપણામાં રહેલો) જ છે. આ બધી યોગની કુશળતા અને આ ધ્યાનની પદ્ધતિ અને સર્વ કંઈ માત્ર તેને ત્યાં રહેલો શોધી કાઢવા સારુ જ છે.

આ બધું હું તમને અત્યારે શા માટે કહી રહ્યો છું? જ્યાં સુધી તમે તેનું સ્થાન નક્કી ન કરી શકો ત્યાં સુધી તમારાથી તેના વિશે વાતચીત કરી ન શકાય. તમે તેનું (ઈશ્વરનું) સ્થાન સ્વર્ગમાં અને આ દુનિયાથી ઊંચે ક્યાંક નક્કી કરો છો, માત્ર સાચી જગાએ નક્કી કરતા નથી. હું ચૈતન્ય સ્વરૂપ આત્મા છું અને તેથી સર્વ આત્માઓનો આત્મા મારા આત્મામાં જ રહેલો હોવો જોઈએ. જેઓ તેને બીજે ક્યાંક ધારે છે તેઓ અજ્ઞાની છે. એટલા માટે તેની શોધ અહીં, આ સ્વર્ગમાં કરવાની છે; જે કોઈ સ્વર્ગ હોય તે અહીં (મારી અંદર જ) છે. કેટલાએક ઋષિઓ એવા છે કે જેઓ આ જાણીને પોતાની દૃષ્ટિ અંતર્મુખ બનાવે છે અને સર્વ આત્માના આત્માને પોતાના આત્મામાં જુએ છે.

कश्चिद्धीरः प्रत्यगात्मानमैक्षदावृत्तचक्षुरमृतत्वमिच्छन्।

કઠોપનિષદઃ ૨ – ૧ – ૧

ધ્યાનનું આ ક્ષેત્ર છે. ઈશ્વર વિશે અને તમારા પોતાના આત્મા વિશે સત્ય શોધી કાઢો અને એ પ્રકારે મુક્ત થાઓ…

આપણે બધા જ જીવનની પાછળ પડેલા છીએ અને આપણને ખબર પડે છે કે એ મૂર્ખાઈ છે. જિંદગી કરતાંય ઘણું વધારે ઉચ્ચ બીજું કંઈક છે. આ જિંદગી તો નીચલી કોટિની છે, ભૌતિક છે. મારે જીવવું જ શા માટે જોઈએ? હું પોતે તો જીવન કરતાં કંઈક વધુ ઉચ્ચ છું. જીવન તો સદાય ગુલામી છે. આપણે હંમેશાં સંડોવાઈ જઈએ છીએ… દરેક વસ્તુ ગુલામીની ચાલુ સાંકળ છે.

તમે કંઈક શીખો છો, પણ કોઈ માણસ બીજાને શીખવી શકે નહીં. અનુભવ દ્વારા જ (આપણે શીખીએ છીએ)… જુવાન માણસને તમે એમ ગળે નહીં ઉતરાવી શકો કે જિંદગીમાં કશી મુશ્કેલીઓ છે; તેમ વૃદ્ધ માણસને તમે એ ગળે નહીં ઉતરાવી શકો કે જીવન આખું સરળ, મુશ્કેલી વિનાનું છે; (કારણ કે) તેને ઘણા (કડવા મીઠા) અનુભવો થયેલા હોય છે. આ તફાવત છે.

ધ્યાનની શક્તિ દ્વારા આ બધી વસ્તુઓને આપણે પગલે પગલે કાબૂમાં લેવાની છે. તત્ત્વજ્ઞાનની દૃષ્ટિએ આપણે જોયું છે કે આ બધા ભેદો—જેવા કે જીવ, મન, જડ પદાર્થ વગેરેનું (વાસ્તવિક કશું જ અસ્તિત્વ નથી)… જે કંઈ છે તે એક જ છે; અનેક હોઈ શકે જ નહીં. વિજ્ઞાન અને જ્ઞાનનો અર્થ એ છે. અજ્ઞાનથી અનેક દેખાય છે, જ્ઞાનથી એકત્વનો સાક્ષાત્કાર થાય છે.. અનેકને એકમાં સમાવવાનું નામ વિજ્ઞાન છે… આખું વિશ્વ એક છે એવું દર્શાવવામાં આવ્યું છે. એ વિજ્ઞાન ‘વેદાંત’ તરીકે ઓળખાય છે. સમસ્ત વિશ્વ એક છે. આ દેખીતી વિવિધતામાં એકત્વ રહેલું છે…

અત્યારે તો આપણે આ બધી વિવિધતાઓ જોઈએ છીએ કે જેને આપણે પૃથ્વી, જળ, તેજ, વાયુ અને આકાશ એ પાંચ ભૂતો કહીએ છીએ. અસ્તિત્વની એ અવસ્થાથી આગળ માનસિક અવસ્થા છે અને એથીયે આગળ છે આધ્યાત્મિક અવસ્થા. એમ નથી કે આત્મા એક વસ્તુ છે, મન બીજી વસ્તુ છે, ઈથર (અવકાશ) વળી એક બીજી અને એ પ્રમાણે આ સર્વ વિવિધતાઓ રૂપે ભાસતું અસ્તિત્વ એક જ છે. (કારણમાં) પાછું જવા માટે ઘન પદાર્થનું પ્રવાહીમાં રૂપાંતર થવું જ જોઈએ. જે પ્રકારે (તત્ત્વોની ઉત્પત્તિ થતી ગઈ) તેનાથી ઊલટા પ્રકારે તેઓ (કારણમાં) પાછાં જાય છે. ઘન પદાર્થોનું રૂપાંતર થઈને પ્રવાહી બનશે, પ્રવાહી તેજ બનશે, તેજ વાયુ અને છેલ્લે વાયુ આકાશરૂપ બની જશે. સમષ્ટિની અને વિશ્વની રચનાનો ખ્યાલ આ પ્રમાણેનો છે. બાહ્ય જગત છે અને વિશ્વાત્મા, મન, આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી એ તત્ત્વો છે.

મનની બાબતમાં પણ તે જ પ્રમાણે છે. વ્યષ્ટિમાં હું એ જ પ્રકારે છું. હું આત્મા છું; હું મન છું; હું આકાશ, વાયુ, તેજ, જળ, પૃથ્વી છું. હું જે કરવા માગું છું તે મારી આધ્યાત્મિક સ્થિતિએ પાછો પહોંચવા માગું છું. એક જ ટૂંકી જિંદગીમાં વિશ્વ આખાનું જીવન જીવી લેવું એ વ્યક્તિનું કામ છે. આ રીતે મનુષ્ય આ જીવનમાં જ મુક્ત થઈ શકે. તેની પોતાની જિંદગીના ટૂંકા ગાળામાં સમગ્ર વિશ્વનું જીવન જીવી નાખવાની શક્તિ તેનામાં આવશે…

આપણે સૌ પ્રયત્ન કરીએ છીએ… જો આપણે બ્રહ્માવસ્થાએ પહોંચી ન શકીએ, તોપણ આપણે બીજે કોઈક (લોકમાં) પહોંચીશું; એ અવસ્થા અત્યારની અવસ્થા કરતાં વધુ સારી હશે.

ધ્યાન એટલે (સર્વ કંઈને અંતિમ સત્યમાં, આત્મામાં વિલીન કરવાનો) અભ્યાસ. સ્થૂળનો લય થાય પ્રવાહીમાં. પ્રવાહીનો વાયુમાં, વાયુનો આકાશમાં, આકાશનો મનમાં અને મન અંતે લીન થાય આત્મામાં. સર્વ આત્મા છે.

કેટલાક યોગીઓ એવો દાવો કરે છે કે આ શરીર પ્રવાહી વગેરે થઈ શકે છે. તમે તેને તેવું બનાવી શકો—અણુ જેવડું નાનું, વાયુ જેવું હલકું અથવા આ દીવાલમાં થઈને આરપાર નીકળી જાય એવું બનાવી શકો, તેઓ એવો દાવો કરે છે. હું જાણતો નથી. મેં કોઈને એમ કરતાં કદી જોયો નથી. પરંતુ યોગગ્રંથોમાં એવું લખ્યું છે. એ ગ્રંથોને ન માનવાનું આપણને કંઈ કારણ નથી.

શક્ય છે કે આપણામાંનું કોઈક આ જીવનમાં જ તે કરી શકશે. આપણાં પૂર્વનાં કર્મોના ફળરૂપે ચમકારાની પેઠે એ આવે છે. કોને ખબર છે કે કદાચ અહીં આપણામાં જ કોઈક પૂર્વના યોગીઓ હોય અને સમસ્ત સાધના પૂરી થવામાં થોડુંક જ બાકી હોય. (માટે) અભ્યાસ કરો.

તમે જાણો છો કે ધ્યાન, એક કલ્પનાની પ્રક્રિયા દ્વારા આવે છે. ભૂતશુદ્ધિની1 આ બધી પ્રક્રિયાઓમાંથી—એટલે કે સ્થૂલ ભૂતનો તેનાથી વધુ ઉચ્ચ સૂક્ષ્મ ભૂતમાં લય કરવો, એને એથી વધુ સૂક્ષ્મમાં, એમ છેવટે મનમાં અને મનનો આત્મામાં. એ બધી પ્રક્રિયાઓમાંથી પસાર થાઓ, એટલે તમે આત્મસ્વરૂપ બનો.

આત્મા સર્વદા મુક્ત સર્વશક્તિમાન, સર્વજ્ઞ છેઃ અવશ્ય. ઈશ્વરની સત્તા નીચે. પરમેશ્વર અનેક ન હોઈ શકે. આ મુક્ત થયેલા આત્માઓ અદ્ભુત શક્તિવાળા હોય છે, લગભગ સર્વશક્તિમાન હોય છે; પરંતુ તેમાંનો કોઈ ઈશ્વર જેટલો શક્તિમાન ન થઈ શકે, કારણ કે જો એક મુક્ત આત્મા કહેશે કે ‘હું આ પૃથ્વીને આવી રીતે ચલાવીશ.’ તો કદાચ વળી બીજો કહેશો કે ‘હું એને બીજી રીતે ચલાવીશ.’ (એટલે ગોટાળો થાય.)

તમે આ ભૂલ નહીં કરતા! અંગ્રેજીમાં જ્યારે હું બોલું છું કે, ‘હું ઈશ્વર છું!’ ત્યારે એમ કહેવાનું કારણ એ છે કે મારી પાસે અંગ્રેજી ભાષામાં બીજો શબ્દ નથી. સંસ્કૃતમાં ईश्वर એટલે કેવળ સત્, ચિત્ અને આનંદ અને અનંત સ્વયંપ્રકાશ ચૈતન્ય. વ્યક્તિ નહીં. એ વ્યક્તિત્વરહિત છે…

હું રામ નથી, (બ્રહ્મના સગુણ સ્વરૂપ ઈશ્વરની સાથે એક નથી) પરંતુ (વ્યક્તિત્વ રહિત સર્વવ્યાપી સત્તાસ્વરૂપ બ્રહ્મની સાથે) હું એક છું. અહીં માટીનો એક મોટો પિંડો છે. એ માટીમાંથી ધારો કે મેં એક નાનો (ઉંદર) બનાવ્યો અને તમે એક નાનો (હાથી) બનાવ્યો. એ બંને માટી છે. એ બંનેને ભાંગીને ગૂંદી નાખો, વસ્તુતઃ બંને એક છે. ‘હું અને મારા પિતા એક છીએ.’ (પરંતુ માટીનો ઉંદર અને માટીનો હાથી એ બંને એક ન હોઈ શકે.)

હું એક અમુક ભૂમિકાએ ઊભો છું; મને થોડુંક જ્ઞાન છે. તમને થોડુંક વધારે છે; તમે અમુક ભૂમિકાએ ઊભા છો. એક આત્મા એવો છે કે જે સૌથી મહાન છે. આ છે ઈશ્વર, યોગનો ઈશ્વર (કર્તા, સગુણ ઈશ્વર). વ્યક્તિ એ જ છે. સર્વશક્તિમાન એ છે. સર્વ કોઈનાં હૃદયમાં એ વસે છે. એને શરીર નથી; શરીરની એને જરૂર ન હોય. ધ્યાન વગેરે દ્વારા જે બધું તમને મળી શકે, તે બધું યોગીઓના ‘નાથ’ એવા ઈશ્વર ઉપર ધ્યાન કરવાથી મળી શકે…

એ જ વસ્તુ એક મહાન આત્મજ્ઞ પુરુષ ઉપર ધ્યાન કરવાથી મળી શકે; અથવા જીવનના સામ્ય ઉપર ધ્યાન કરવાથી પણ મળી શકે. આ બધાંને પ્રતીકોપાસના કહેવામાં આવે છે. તેમાં કેટલીક બાહ્ય વસ્તુઓ કે પદાર્થો ઉપર, બહાર કે અંદર ધ્યાન કરવામાં આવે છે. જો તમે એક લાંબું વાક્ય (ધ્યાનના વિષય તરીકે) લો તો એ ધ્યાન જ નથી, એ તો વારે વારે ઉચ્ચારણ દ્વારા (જપ દ્વારા) મનને એકાગ્ર કરવાનો પ્રયાસ માત્ર છે. ધ્યાનનો અર્થ છે મનને પાછું વાળીને તેની પોતાની ઉપર જ એકાગ્ર કરવામાં આવે છે. મન અંદરની બધી વૃત્તિઓને (વિચારનાં મોજાંને) અટકાવી દે, એટલે જગત અનુભવમાં આવતું અટકી જાય. તમારું ભાન વિકાસ પામે છે. જ્યારે જ્યારે તમે ધ્યાન કરો ત્યારે ત્યારે દરેક વખતે તમારો વિકાસ કરતા જજો… જરા વધારે પરિશ્રમપૂર્વક અભ્યાસ કરતા રહેજો, એટલે ધ્યાનની અવસ્થા આવશે. તમને દેહનો કે બીજા કશાનો અનુભવ જ નહીં થાય. કલાકેકની ધ્યાનાવસ્થા પછી જ્યારે તમે તેમાંથી બહાર આવશો ત્યારે તમને તમારા જીવનના સુંદરમાં સુંદર આરામની અવસ્થાનો અનુભવ થયો લાગશે. તમારા શરીરયંત્રને સારામાં સારો આરામ આપવાનો એકમાત્ર રસ્તો તે છે. ગાઢમાં ગાઢ નિદ્રા પણ તમને એવો આરામ નહીં આપે. ગાઢમાં ગાઢ નિદ્રામાં સુધ્ધાં મન કૂદ્યા જ કરતું હોય છે; માત્ર (ધ્યાનમાંની) પેલી થોડીક મિનિટો દરમ્યાન જ મગજ લગભગ બંધ પડે છે; માત્ર એક જરાક જેટલી પ્રાણશક્તિ ચાલતી હોય છે. ત્યારે તમે શરીરને ભૂલી જાઓ છો; ત્યારે તમને કાપીને કોઈ ટુકડા કરી નાખે તોપણ જરાય ખબર નહીં પડે. તમને એ અવસ્થામાં એવો આનંદ આવશે. તમે પોતાને સાવ હલકા ફૂલ અનુભવશો. ધ્યાનમાં આપણને આવો સંપૂર્ણ આરામ મળે છે.

ત્યાર પછી જુદા જુદા પદાર્થો ઉપરનું ધ્યાન આવે. મેરુદંડમાં જુદાં જુદાં કેન્દ્રો ઉપરનાં ધ્યાન હોય છે. (યોગીઓના કહેવા મુજબ મેરુદંડમાં ઇડા અને પિંગલા નામની બે નાડીઓ છે. એ બે મુખ્ય વહનમાર્ગો દ્વારા નાડીઓના જ્ઞાનતંતુઓના સંદેશગ્રાહક અને સંદેશવાહક પ્રવાહો જાય છે.) કરોડરજ્જુની મધ્યમાં થઈને (સુષુમ્ણા નામની પોલી નાડી) જાય છે. યોગીઓ કહે છે કે એ નાડીનું નીચેનું દ્વાર બંધ હોય છે, પરંતુ ધ્યાનની શક્તિ દ્વારા તેને ઉઘાડવાનું હોય છે. એ શક્તિને (મેરુદંડને નીચેને છેડે) મૂળાધાર સુધી લઈ જવાની હોય છે, એટલે કુંડલિની જાગીને ઉપર ચડવા લાગે છે. ત્યાર પછી સાધકને માટે વિશ્વ આખું બદલાઈ જાય છે. (જુઓ સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, રાજયોગ, પ્રકરણ ૪, આધ્યાત્મિક પ્રાણ)

તમારી આસપાસ હજારો દિવ્ય જીવો ઊભેલા છે. તમે તેમને જોઈ શકતા નથી, કારણ કે આપણું વિશ્વ આપણી ઇંદ્રિયોથી પરિસીમિત છે. આપણે માત્ર આ બાહ્યને જ જોઈ શકીએ છીએ. આપણે તેને क्ष કહીએ. તે क्ष ને આપણે આપણી માનસિક અવસ્થા અનુસાર જ જોઈએ છીએ. બહાર ઊભેલા પેલા ઝાડના ઠૂંઠાને જુઓ. એક ચોરે આવીને રાત્રે તેને શા રૂપે જોયું? સિપાઈરૂપે. નાના બાળકે તેને મોટા ભૂતરૂપે જોયું. એક યુવક પોતની પ્રિયતમાની વાટ જોઈને ઊભો હતો, એટલે તેણે ઠૂંઠામાં શું જોયું? પોતાની પ્રિયતમાને દીઠી. પરંતુ એ ઠૂંઠું જરાય પરિવર્તન પામ્યું નથી; એ તો એનું એ જ રહ્યું છે. ઈશ્વર આ અપરિવર્તનશીલ ઠૂંઠારૂપે છે; આપણે આપણી મૂર્ખાઈથી તેને માણસ થતો, ધૂળ થતો, મૂંગો થતો કે દુઃખી થતો જોઈએ છીએ.

જેઓનું માનસિક બંધારણ એકસરખું હોય તેઓ કુદરતી રીતે જ એક સમૂહમાં આવે અને એકસરખી દુનિયામાં રહે. બીજી રીતે કહીએ તો તમે એક જ સ્થાનમાં રહો છો. બધાં સ્વર્ગો અને બધાં નરકો આ ઠેકાણે જ છે. દાખલા તરીકે, એ બધા લોકોને અમુક અમુક બિન્દુઓમાં પરસ્પરને કાપતાં મોટાં વર્તુળો રૂપે લો… આપણે એક વર્તુળમાં, આ લોકમાં બીજા વર્તુળની અંદરના અમુક બિન્દુના સંપર્કમાં આવી શકીએ. પરંતુ જો મન મધ્યબિન્દુએ પહોંચી જાય તો તમને બધા લોકોનું ભાન થાય. ધ્યાનમાં કોઈ વખત તમે બીજા લોકના સંપર્કમાં આવો ત્યારે તમને બીજા જીવો, અશરીરી આત્માઓ અને એવું બધું દેખાય. તમે ધ્યાનની શક્તિ દ્વારા એ લોકમાં પહોંચી જાઓ છો. આ શક્તિ આપણી ઇંદ્રિયોમાં પરિવર્તન લાવે છે, આપણી ઇંદ્રિયોને વધુ સૂક્ષ્મ બનાવે છે. જે તમે ધ્યાનનો આરંભ કરીને પાંચ દિવસ સુધી અભ્યાસ કર્યા કરો તો તમને આ (ચેતનાનાં) કેન્દ્રમાંથી થતા દર્દનો અનુભવ થશે અને શ્રવણશક્તિ (વધુ સૂક્ષ્મ બને છે). (જુઓ સ્વામી વિવેકાનંદ ગ્રંથમાળા, રાજયોગ, પ્રકરણ ૬, પ્રત્યાહાર અને ધારણા) એ કારણસર ભારતીય દેવોને ત્રણ આંખો હોય છે; એને આંતરચક્ષુ કહેવાય છે. એ ઊઘડે ત્યારે આધ્યાત્મિક વસ્તુઓ દેખાય છે.

આ કુંડલિની શક્તિ જાગ્રત થઈને એક ચક્રથી બીજા ચક્રે ચડવા લાગે છે, ત્યારે ઇંદ્રિયોમાં પરિવર્તન આવે છે અને તમે આ જગતને અન્ય રૂપે જુઓ છો. એ સ્વર્ગ બની જાય છે. તમારી વાણી બંધ થઈ જાય ત્યાર પછી વળી કુંડલિની નીચેનાં કેન્દ્રોએ ઊતરી જાય છે. તમે વળી પાછા માનવસ્થિતિમાં આવી જાઓ છો. વળી પાછી કુંડલિની બધાં ચક્રોને વટાવીને મગજમાં પહોંચે, ત્યારે સમગ્ર દર્શન બદલાઈ જાય છે. અને તમે એક અસ્તિત્વને જ (અનુભવો) છો. તમે ઈશ્વર બન્યા છો. તેનામાંથી જ તમે સર્વ સ્વર્ગો બનાવો છો, સર્વ વિશ્વો બનાવો છો. એક માત્ર સત્તા તે જ છે. તેના સિવાય બીજા કશાનું અસ્તિત્વ જ નથી. (1.438)

———————————————————————————————————————————–

1 આ ભૂતશુદ્ધિ નામે ઓળખાતી ક્રિયા કર્મકાંડનું એક અંગ છે. ઉપાસક એવી ભાવના કરે છે કે પોતે પૃથ્વી, જળ, તેજ, વાયુ, આકાશ અને તેમની તન્માત્રાઓ તથા ઇંદ્રિયોનો મનમાં લય કરે છે; મન, બુદ્ધિ અને અહંકારનો સમષ્ટિ અહંકાર યાને મહત્ તત્ત્વમાં લય કરે છે; મહત્ તત્ત્વનો બ્રહ્મની શક્તિ પ્રકૃતિમાં લય કરે છે અને પ્રકૃતિનો લય અંતિમ સત્તા બ્રહ્મમાં લય કરે છે. મૂળાધાર ચક્રમાં સુષુપ્ત પડેલી કુંડલિની શક્તિને પોતાની ભાવના દ્વારા વધુ ને વધુ ઉચ્ચ ચક્રો (અનુક્રમે સ્વાધિષ્ઠાન, મણિપુર, અનાહત, વિશુદ્ધ, આજ્ઞા તથા સહસ્રાર), સુધી લઈ જાય છે અને છેવટે સહસ્રાર ચક્રમાં પરમાત્માની સાથે કુંડલિનીની જાગૃતિ દ્વારા થયેલી જીવાત્માની એકતા પર ધ્યાન કરે છે.

Total Views: 310
૧૦. પ્રાણાયામ
૧૨. વ્યવહારુ ધર્મઃ પ્રાણાયામ અને ધ્યાન