(તારીખ ૧૩મી એપ્રિલ, સને ૧૯૦૦ના રોજ કેલિફોર્નિયામાં આલામેડાના ટક્ર હોલમાં અપાયેલું વ્યાખ્યાન)

(ઇડા એન્સેલે લખેલા ભાષણની છૂટીછવાઈ નોંધોનો આ ભાગ જુલાઈ-ઓગસ્ટ, ૧૯૫૭ના ‘વેદાંત એન્ડ ધી વેસ્ટ’માં છપાયો હતો.)

પ્રાચીન સંસ્કૃત શબ્દ योग ની વ્યાખ્યા ‘चित्तवृत्तिनिरोधः’ એમ કરાઈ છે. તેનો અર્થ એ છે કે યોગ એ એવું વિજ્ઞાન છે કે જે ચિત્તને પરિવર્તનશીલ દશામાંથી કાબૂમાં લાવવાનું શીખવે છે. ચિત્ત એ ઉપાદાન છે કે જેમાંથી આપણાં મન બન્યાં છે અને જે બહારની અને અંદરની અસરોથી નિરંતર વલોવાઈને તરંગોમાં પરિણામ પામ્યા કરે છે. મન ઉપર કેવી રીતે સંયમ રાખવો કે જેથી તે સમતુલા ગુમાવીને તરંગરૂપે પરિણામ પામે નહીં, તે આપણને યોગ શીખવે છે.

આનો અર્થ શો? ધર્મના અભ્યાસીને મન ધર્મના ગ્રંથોના અને વિચારોના લગભગ નવાણું ટકા તો તર્કની માત્ર અટકળો છે. એક માણસ આને ધર્મ માને છે, બીજો તેને અટકળો માને છે. જો વળી કોઈક બીજાઓ કરતાં વધારે હોશિયાર નીકળ્યો તો તે બધાની અટકળોને તોડી પાડે છે અને નવો વિચાર શરૂ કરે છે. મનુષ્યો ધર્મના નવા નવા સિદ્ધાંતોનો છેલ્લાં બે હજાર, ચાર હજાર વર્ષોથી—કોણ જાણે કેટલા લાંબા કાળથી—અભ્યાસ કરી રહ્યા છે. જ્યારે તેઓ તે વિશે તર્કથી નિર્ણય ન લાવી શક્યા ત્યારે તેમણે કહ્યુંઃ ‘શ્રદ્ધા રાખો!’ જો તેઓ બળવાન હોય તો પોતાની માન્યતાઓ ઠોકી બેસાડતા. આજે પણ તેમ જ ચાલી રહ્યું છે.

પણ લોકોનો એક એવો સમુદાય છે જે આ પ્રકારથી પૂરો સંતોષ પામતો નથી. તેઓ પ્રશ્ન કરે છેઃ ‘આમાંથી શું કોઈ માર્ગ જ નથી?’ ભૌતિક વિજ્ઞાન, રસાયણશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર વગેરે વિશે તો તમે તેવી રીતે તર્કો કરતા નથી. ધર્મનું વિજ્ઞાન બીજાં વિજ્ઞાનો જેવું કેમ ન થઈ શકે? તેઓએ આ રીતે વિચાર કર્યો; જો માનવીના આત્મા જેવી કોઈ વસ્તુ હોય; જો તે નિત્ય હોય, જો આ વિશ્વના શાસક તરીકે ઈશ્વરનું અસ્તિત્વ હોય—તો તેને અહીં જ (જાણવો) જોઈએ અને તે બધું (તમારા પોતાના) અંતરાત્મામાં (અનુભવાવું) જોઈએ.

બહારના કોઈ યંત્રથી મનનું પૃથક્કરણ થઈ શકે નહીં. માનો કે હું જ્યારે વિચાર કરતો હોઉં ત્યારે તમે મારા મગજમાં જોઈ શકો તો તમે માત્ર કેટલાક પરમાણુઓની અદલાબદલી જ જોઈ શકશો. તમે વિચાર, ચેતના, ભાવો કે માનસ પ્રતિમાઓ નહીં જોઈ શકો. માત્ર આંદોલનોનો સમૂહ—રાસાયણિક અને ભૌતિક પરિવર્તનો—જ તમે જોઈ શકશો. આ દાખલા ઉપરથી આપણે જોઈએ છીએ કે આવી જાતનું પૃથક્કરણ ચાલી શકશે નહીં.

એવી બીજી કોઈ રીત છે કે જેનાથી મનનું પૃથક્કરણ મન તરીકે કરી શકાય? જો હોય તો ધર્મનું સાચું વિજ્ઞાન શક્ય બને. રાજયોગ-વિજ્ઞાન એવો દાવો કરે છે કે આમ બનવું શક્ય છે. આપણે બધાં તે માટે પ્રયત્ન કરીએ અને અમુક અંશે સફળ પણ થઈએ. પણ એમાં આ એક મોટી મુશ્કેલી છે; બાહ્ય વસ્તુઓને લગતા વિજ્ઞાનમાં પદાર્થને નીરખવો પ્રમાણમાં સહેલો છે. પૃથક્કરણનાં સાધનો અફર હોય છે અને બંને બહારના વિષયો છે. પણ મનના પૃથક્કરણમાં પૃથક્કરણનો વિષય અને સાધનો એક જ વસ્તુ છે…. પૃથક્કરણ કરનાર અને પૃથક્કરણનો વિષય બંને એક બને છે….

બહારનું પૃથક્કરણ મગજમાં પહોંચશે અને ભૌતિક અને રાસાયણિક પરિવર્તનો જોશે. તે કદીય આ પ્રશ્નોનો ઉકેલ આપવામાં સફળ નહીં થાયઃ આ ચેતના શું છે? તમારી કલ્પના શું છે? તમારા મનમાં વિચારોનો જે આ વિશાળ સમૂહ છે તે ક્યાંથી આવ્યો અને ક્યાં જાય છે? આપણે તેને નકારી શકીએ નહીં. તે સાચી હકીકતો છે. મેં મારું પોતાનું મગજ કદી જોયું નથી. પણ તે છે એમ મારે સ્વીકારી લેવું પડે છે. પણ મનુષ્ય પોતાની સચેત કલ્પનાને કદીય નકારી ન શકે….

સમસ્યા તો આપણે પોતે જ છીએ. શું હું પેલી લાંબી સાંકળ છું કે જે હું જોઈ શકતો નથી—અને જેના અંકોડા પછી અંકોડા એક ઝડપી પરંપરામાં આવે છે, પણ બધા જ અલગ અલગ છે? શું હું ચેતનાની એવી સ્થિતિ છું જે સદાય વહેતી રહે છે? કે હું તેનાથી કંઈ વિશેષ—એક સત્ત્વ, એક તત્ત્વ કે જેને આપણે આત્મા કહીએ છીએ, તે છું? બીજા શબ્દોમાં કહીએ તો માણસને આત્મા છે કે નહીં? શું તે કોઈ અસંબદ્ધ ચેતનાની અવસ્થાઓનું પોટલું છે કે એક સંયોજિત પદાર્થ છે? મોટો વાદ અહીં જ છે. જો આપણે માત્ર ચેતનાનાં પોટલાં જ હોઈએ…. તો નિત્યત્વ જેવો પ્રશ્ન માત્ર ભ્રમણા જ બની રહે. બીજી બાજુએ જો મારામાં એવું કંઈક હોય જે એક એકમ છે, એક તત્ત્વ છે, તો અલબત્ત, હું નિત્ય છું. એકમનો વિનાશ કે ટુકડા કદી ન થઈ શકે; માત્ર મિશ્રિત પદાર્થોનું જ વિભાજન થઈ શકે. …

આવા તત્ત્વને પહોંચવા બૌદ્ધ ધર્મ સિવાય બધા ધર્મો એક અગર બીજી રીતે પ્રયાસ કરે છે. બૌદ્ધ ધર્મ આવા અધિષ્ઠાનનો અસ્વીકાર કરે છે અને તેટલાથી તદ્દન સંતુષ્ટ છે. તે કહે છે કે આ ઈશ્વર, આત્મા, નિત્યત્વ અને એવી એવી બધી બાબતો વિશે તમે માથાકૂટ કરો નહીં. પણ દુનિયાના બીજા બધા ધર્મો તે તત્ત્વને વળગી રહે છે. તેઓ બધા જ એમ માને છે કે સઘળાં પરિવર્તન છતાં માણસમાં આત્મા એ જ તત્ત્વ છે, વિશ્વમાં ઈશ્વર એ જ તત્ત્વ છે. તેઓ બધા આત્માના નિત્યપણામાં માને છે. આ બધા તર્કો છે. બૌદ્ધો અને ખ્રિસ્તીઓ વચ્ચેના વાદનો નિર્ણય કોણ કરે? ખ્રિસ્તી ધર્મ કહે છે કે એવું એક તત્ત્વ છે કે જે સદાકાળ ટકશે. ખ્રિસ્તી કહે છેઃ ‘મારું બાઇબલ તેમ કહે છે.’ બૌદ્ધો કહે છેઃ ‘હું તમારા ગ્રંથને માનતો નથી.’…

પ્રશ્ન એ છે કે આપણે તે તત્ત્વ (આત્મા) છીએ કે આ પરિવર્તનશીલ અને તરંગી મન છીએ?… આપણાં મન સતત પરિવર્તન કર્યા કરે છે. તેની અંદર તત્ત્વ ક્યાં છે? આપણને તે મળતું નથી.ઘડીમાં હું આ છું અને ઘડીમાં તે છું; જો તમે પળભર પણ આ ફેરફારો રોકી શકો તો હું તે તત્ત્વમાં માનીશ. …

અલબત્ત, ઈશ્વર અને સ્વર્ગ વિશેની બધી માન્યતાઓ સંબદ્ધ થયેલા ધર્મોની નાની નાની માન્યતાઓ છે; કોઈ પણ વૈજ્ઞાનિક ધર્મ આવી વાતો આગળ ધરતો નથી.

યોગ એ એવું વિજ્ઞાન છે કે જે ચિત્તને આ ફેરફારોમાં પરિવર્તિત થતું રોકે છે. ધારો કે તમે ચિત્તને યોગની પૂર્ણ દશાએ પહોંચાડવામાં સફળ થયા; તે જ પળે તમે પ્રશ્નનો ઉકેલ લાવ્યા છો. તમે શું છો તે તમે જાણી લીધું છે; તમે બધાં પરિવર્તનો ઉપર વર્ચસ્વ પ્રાપ્ત કર્યું છે. ત્યાર પછી તમે મનને આમ તેમ દોડવા દઈ શકો; પણ હવે તે પૂર્વેનું મન નથી રહ્યું; તે સંપૂર્ણ રીતે તમારા કબજામાં છે. તમને પાડી દે તેવા જંગલી ઘોડા જેવું તે નથી રહ્યું…. તમે ઈશ્વરદર્શન કર્યું છે; હવે એ તર્કના અનુમાનનો પ્રશ્ન નથી રહ્યો; હવે ત્યાં શ્રી અમુક નથી;… નથી ગ્રંથો કે નથી વેદો કે પ્રચારકોની સાઠમારી કે કંઈ પણ નથી. તમે તમને પોતાને જોયા છેઃ આ બધા ફેરફારોથી પર હું એક તત્ત્વ છું. હું ફેરફારો નથી; જો હું ફેરફારો હોત તો તેઓને રોકી ન શકત. હું તે પરિવર્તનોને રોકી ‘શકું’ છું અને તેથી હું કદીય પરિવર્તનો ન હોઈ શકું. યોગના વિજ્ઞાનનું આ વિધાન છે. …

આપણને આ પરિવર્તનો ગમતાં નથી. કોઈ પરિવર્તન આપણને ગમતું નથી. દરેક પરિવર્તન આપણા ઉપર લાદવામાં આવે છે…. અમારા દેશમાં બળદોની કાંધ ઉપર ધૂંસરું નખાય છે (ઘાણી સાથે તે એક લાકડાની વળી વડે જોડાયેલ હોય છે.) ધૂંસરામાંથી એક લાકડાનો ટુકડો આગળ કાઢેલો હોય છે. (જેના ઉપર ઘાસનો પૂળો બાંધેલો હોય છે.) તે સહેજ દૂર હોય છે; બળદ તે ખાવા લલચાય, પણ તેને પહોંચી ન શકે. બળદને ઘાસ ખાવું છે એટલે તે થોડો આગળ જાય છે. (આથી ઘાણી ફરે છે.) … આપણે બધા આ ઘાણીના બળદ જેવા છીએ. હંમેશાં ઘાસ ખાવાનો પ્રયાસ કરીએ છીએ અને તેને માટે ડોક લંબાવીએ છીએ. આમ આપણે ગોળ ને ગોળ ફરીએ છીએ. કોઈને આ ફેરફાર પસંદ નથી, ચોક્કસ જ નથી ગમતો!… પણ આ બધા ફેરફારો આપણા ઉપર ઠોકી બેસાડવામાં આવ્યા છે… તેનો આપણે ઉપાય નથી કરી શકતા. આપણે એક વાર ચકરાવે ચડ્યા એટલે પછી આગળ અને આગળ ચાલવું જ પડે છે. જે ક્ષણે આપણે અટકી પડીએ તે સમય તો આપણે ચાલ્યા કરતા હોઈએ તે કરતાં પણ વિશેષ ખરાબ છે…

અલબત્ત, દુઃખ આવી પડે છે. તે બધું દુઃખ લાગે છે તેનું કારણ એ છે કે તે અણગમતું છે, પરાણે આવી પડેલું છે. કુદરત આપણને આજ્ઞા કરે છે અને આપણે તેનું પાલન કરીએ છીએ, પણ આપણી અને કુદરતની વચ્ચે કોઈ મેળ નથી. આપણું બધું કામ પ્રકૃતિથી છૂટવાનું છે. આપણે કહીએ છીએ કે આપણે પ્રકૃતિનો ઉપભોગ કરીએ છીએ. જો આપણે આપણું પૃથક્કરણ કરીએ તો આપણે જોઈશું કે આપણે બધામાંથી છૂટવા મથીએ છીએ અને આ કે તેનો આનંદ લેવાનો રસ્તો શોધીએ છીએ… (કુદરત) પેલા ફ્રેંચ માણસ જેવી છે. તેણે એક અંગ્રેજ મિત્રને નોતર્યો અને પોતાના ભંડારિયામાંના જૂના દારૂઓની વાત કરી. તેણે જૂના દારૂની એક બાટલી મગાવી. તે ખૂબ સુંદર હતી અને પ્રકાશ તેમાંથી સુવર્ણની માફક ચળકતો હતો. તેના બટલરે એક પ્યાલામાં તે રેડ્યો અને પેલો અંગ્રેજ શાંતિથી તે પી ગયો. બટલર એરંડિયા તેલની બાટલી લાવ્યો હતો! આપણે બધો વખત દિવેલ પીધા કરીએ છીએ; આપણી પાસે બીજો કોઈ માર્ગ નથી….

(સામાન્ય રીતે લોકો)… એવા યંત્ર જેવા બની ગયા છે કે તેઓ વિચાર પણ કરતા નથી. બિલાડાં કે કૂતરાં અને બીજાં પ્રાણીઓની માફક ચાબુકથી કુદરત તેમને હાંકે છે. તેઓ તેના હુકમનો કદી ભંગ કરતા નથી, તેવો વિચાર પણ કરતા નથી. પણ તેમને પણ જીવનનો કંઈક અનુભવ મળે છે….

(કેટલાક વળી) પ્રશ્નો કરવા શરૂ કરે છેઃ આ શું છે? આ બધા અનુભવો શા કામના? આત્મા શું છે? આમાંથી કોઈ છુટકારો છે ખરો? જીવનનો કંઈ અર્થ છે ખરો?…

સારા માણસો મૃત્યુ પામશે; દુષ્ટ લોકો પણ મૃત્યુ પામશે, રાજાઓ મરશે અને ભિખારીઓ પણ મરશે. મૃત્યુ એ મહાદુઃખ છે…. આપણે તેમાંથી છૂટવા સતત પ્રયાસ કરીએ છીએ અને આપણે આરામ આપનાર ધર્મમાં મરીએ તો માનીએ કે મૂઆ પછી આપણે જહોન અને જેકને મળીશું અને મજા માણીશું.

તમારા દેશમાં (પ્રેતાવાહકોની સભામાં) તમને બતાવવા માટે જહોનો અને જેકોને તેઓ નીચે ઉતારી લાવે છે. આવા લોકોને મેં ઘણી વખત જોયા છે અને તેમની સાથે હાથ મિલાવ્યા છે. તમારામાંના ઘણાખરાએ પણ તેમને જોયા હશે. તેઓ પિયાનો વગાડીને ગાય છેઃ ‘બેયુલા લેન્ડ’. અમેરિકા ઘણો વિશાળ દેશ છે. મારું ઘર દુનિયાની બીજી બાજુએ છે. ‘બેયુલા ભૂમિ’ ક્યાં છે તે હું જાણતો નથી; કોઈ ભૂગોળમાં તમને તે જડશે નહીં. આ જુઓ! આપણો સારો સુખદાયક ધર્મ, જૂની પુરાણી ઊધઈ ખાધેલી માન્યતા!

આ લોકો વિચાર કરી શકતા નથી. તેમને માટે શું કરી શકાય? તેમને સંસાર ખાઈ ગયો છે. તેમાં વિચાર કરવા જેવું કંઈ નથી. તેમનાં હાડકાં પોલાં થઈ ગયાં છે, તેમનાં ભેજાંનાં દહીં બની ગયાં છે…. મને તેમની દયા આવે છે. તેમને સુખ લેવા દો. કેટલાક લોકો પોતાના પૂર્વજોને ‘બેયુલા ભૂમિ’થી આવતા જોઈને ખૂબ શાંતિ અનુભવે છે.

એવા એક માણસે મારા પૂર્વજોને મારી સમક્ષ રજૂ કરવા કહ્યું. મેં કહ્યુંઃ ‘હવે બસ કર! બીજું તને ઠીક પડે તે કર, પણ જો તું મારા પૂર્વજોને ઉતારીશ તો હું મારા ગુસ્સા ઉપર કાબૂ રાખી શકીશ કે કેમ તે હું કહી શકતો નથી!’ એ બહુ ડાહ્યો બનીને બંધ રહ્યો.

અમારા દેશમાં અમને કોઈ બાબતની ચિંતા થાય ત્યારે અમે પુરોહિતોને કંઈક દક્ષિણા આપીએ છીએ અને ઈશ્વર સાથે સોદો કરીએ છીએ. … થોડોક વખત અમને દિલાસો મળે છે, નહીં તો અમે પુરોહિતોને કંઈ જ આપત નહીં. થોડી શાંતિ આવે છે, પણ તેની તરત પ્રતિક્રિયા પણ આવે છે…. તેથી વળી પાછું દુઃખ આવે છે. કાયમ દુનિયામાં આ જ મુશ્કેલી છે. અમારા દેશમાં આવીને તમારા લોકો કહે છેઃ ‘જો તમે અમારા પંથમાં માનો તો તમે સુરક્ષિત છો.’ અમારા હલકા વર્ણના લોકો તમારા પંથમાં માને છે. એટલો જ ફેરફાર થાય છે કે તેઓ ભિખારીઓ બને છે…. પણ તે કંઈ ધર્મ છે? એ તો રાજકારણ છે, ધર્મ નથી. તમે તેને ભલે ધર્મ કહો; ધર્મ શબ્દને તેવો અધમ ભલે બનાવો. પણ તે આધ્યાત્મિક નથી.

હજારો સ્ત્રીપુરુષોમાંના આ જીવનથી વધારે ઉચ્ચ જીવન પ્રત્યે બહુ થોડા જ આકર્ષાય છે. બીજા લોકો તો ઘેટાં જેવા છે…. હજારોમાંથી થોડા જ વસ્તુને સમજવા પ્રયત્ન કરે છે, રસ્તો કાઢવા પ્રયાસ કરે છે. પણ પ્રશ્ન એ છે કે કોઈ માર્ગ છે ખરો? જો કોઈ રસ્તો હોય તો તે આત્મામાં જ છે, બીજે ક્યાંય નથી. બીજાં સાધનો મારફતના રસ્તાઓ પૂરેપૂરા અજમાવી જોવાયા છે અને તેમાંથી એકેય (સંતોષકારક જણાયા નથી). લોકોને સંતોષ થતો નથી. આવા અસંખ્ય સિદ્ધાંતો અને પંથો અસ્તિત્વમાં છે તે જ બતાવે છે કે લોકોને સંતોષ મળતો નથી.

યોગશાસ્ત્રનું વિજ્ઞાન કહે છે કે તે માર્ગ આપણા પોતાનામાં જ છે. આપણે પોતાને સાચું વ્યક્તિત્વ આપવાનું છે. જો કોઈ સત્ય હોય તો તેને (આપણા ખરા સત્ત્વ તરીકે) અનુભવી શકીએ… કુદરત આપણને એક સ્થળેથી બીજે સ્થળે ભટકાવે છે તે અટકશે…

દૃશ્યમાન જગત સદાય પરિવર્તન પામતું રહે છે. (પરિવર્તન રહિતને પામવું) તે આપણું ધ્યેય છે. આપણે તે થવું છે, તે અવિકારી કેવળ સત્યને પામવું છે. આ સત્યનો અનુભવ કરતાં આપણને શું રોકે છે? રોકનાર છે આ સૃષ્ટિરૂપી હકીકત. સર્જનશીલ મન બધો વખત સર્જન કર્યા જ કરે છે અને પોતાની જ સૃષ્ટિમાં અટવાઈ જાય છે. (પણ આપણે યાદ રાખવું જોઈએ કે) સૃષ્ટિએ જ ઈશ્વરને શોધી કાઢ્યો. દરેક વ્યક્તિરૂપ આત્મામાં નિર્વિશેષ સતને સૃષ્ટિએ શોધી કાઢ્યું.

આપણી વ્યાખ્યા ફરી વિચારીએઃ યોગ એટલે ચિત્તને (મનરૂપી ઉપાદાનને) આ પરિવર્તનની દશામાં જતું અટકાવવું તે. જ્યારે આ સઘળું સર્જન બંધ થાય—જો તેને બંધ કરવું શક્ય હોય—તો પછી આપણે સાચેસાચ શું છીએ તે જોઈશું. … જે અસૃષ્ટ છે, જે સ્રષ્ટા છે તે પોતે પ્રકટ થાય છે.

યોગની પદ્ધતિઓ વિવિધ છે. તેમાંની કેટલીક ઘણી જ અઘરી છે; તેમાં સફળ થવા માટે બહુ લાંબા અભ્યાસની જરૂર રહે છે. કેટલીક સહેલી છે. જેમનામાં ખંત અને તેને પૂર્ણ કરવાની શક્તિ હોય તેઓ મહાન પરિણામો મેળવે છે. જેમનામાં તે ન હોય, તેઓ સહેલો માર્ગ લઈને તેમાંથી થોડોક લાભ ઉઠાવી શકે છે.

મનનાં યોગ્ય પૃથક્કરણ વિશે તો આપણે જોયું કે મનની પોતાની સાથે બાથ ભીડવી એ કેવું મુશ્કેલ છે! આપણે દેહ બન્યા છીએ; આપણે આત્મા છીએ તે આપણે સદંતર ભૂલી ગયા છીએ. જ્યારે આપણે આપણો વિચાર કરીએ છીએ ત્યારે આપણી કલ્પનામાં શરીર આવે છે. આપણે વર્તીએ છીએ શરીર તરીકે, આપણે વાત કરીએ છીએ શરીર તરીકે; આપણે માત્ર શરીર જ છીએ. આ શરીરમાંથી આપણે આત્માને અળગો કરવાનો છે. માટે અભ્યાસ શરીરથી શરૂ થાય છે અને છેવટે આત્મા પ્રકટ થાય છે…. આ બધા અભ્યાસનો મધ્યવર્તી વિચાર એકાગ્રતાની શક્તિ, ધ્યાનની શક્તિ પ્રાપ્ત કરવાનો છે. (1.458)

Total Views: 231
૧૨. વ્યવહારુ ધર્મઃ પ્રાણાયામ અને ધ્યાન
૧૪. એકાગ્રતા અને પ્રાણાયામ