(સને ૧૮૯૩ના ઓગસ્ટની આખરમાં સ્વામી વિવેકાનંદ ઍનીસ્કવોમમાં પ્રો. જે. એચ. રાઈટને ઘેર રહ્યા હતા. ન્યૂ ઇંગ્લેન્ડના આ શાંત નાના ગામડામાં સ્વામીજી એક એવી કુતૂહલજનક વ્યક્તિ લાગતા કે રંગીન પોશાકમાં એ ભવ્ય વ્યક્તિ કોણ હશે અને ક્યાંથી આવી હશે તેની તરત જ ચર્ચા થવા લાગી. પ્રથમ તેમણે એમ માની લીધું કે તેઓ ભારતમાંથી આવેલા એક બ્રાહ્મણ છે, પણ સ્વામીજીની રીતભાત તેમના આ ખ્યાલને બંધબેસતી આવતી ન હતી. એ બાબતમાં ખુલાસાની જરૂર જણાતી હતી અને તેથી રાત્રે જમ્યા પછી સૌ સાથે મળીને આ નવી વ્યક્તિનો વાર્તાલાપ સાંભળવા પ્રો. રાઈટને ઘેર ગયા.)

તેઓશ્રીએ પોતાના સંગીતમય સ્વરે ચાલુ કર્યુંઃ ‘એ વાત હતી ગઈ કાલની… માત્ર ચારસો વર્ષ પણ જેને થયાં નથી.’ અને પછી એક દુઃખી, સહનશીલ પ્રજા ઉપર ગુજરેલી નિષ્ઠુરતા અને જુલમ તથા તેમાંથી આવનારાં પરિણામોની વાત ચાલી. તેઓશ્રીએ કહ્યુંઃ ‘આ અંગ્રેજો! હજુ થોડા સમય પહેલાં જ તેઓ જંગલી હતા… સ્ત્રીઓનાં શરીર ઉપર જૂ, લીખ વગેરે ફરતાં.. અને તેમના શરીરમાંથી આવતી દુર્ગંધ છુપાવવા માટે સુગંધિત દ્રવ્યો વાપરતાં. કેવું ભયંકર!…. હજુ પણ તેઓ જંગલીપણામાંથી ભાગ્યે જ બહાર આવતા જાય છે.’

એક શ્રોતાએ બદનામીથી ચિડાઈને કહ્યુંઃ ‘સાવ વાહિયાત વાત! આવું તો ઓછામાં ઓછાં પાંચસો વર્ષ પહેલાં હતું.’

‘અને મેં એમ નહોતું કહ્યું કે ‘થોડા સમય પહેલાં?’ માનવજાતિનો પ્રાચીન ઇતિહાસ જુઓ તો થોડા સૈકાઓનો શો હિસાબ?’ પછી અવાજને ફેરવીને શાંત અને તર્કશુદ્ધ રીતે તેઓશ્રીએ કહ્યુંઃ ‘તેઓ તદ્દન જંગલી છે.’ પછી ઉત્તેજિત થઈને ઝડપથી આગળ વધ્યાઃ ‘ઉત્તરના પ્રદેશોની કાતિલ ઠંડી અને સખત ગરીબાઈએ તેમને તદ્દન ‘જંગલી’ બનાવી દીધા છે. તેઓ માત્ર હત્યાનો જ વિચાર કરે છે…. તેઓનો ધર્મ ક્યાં છે? તેઓ ઈશ્વરનું નામ લે છે, માનવ બંધુઓને પ્રેમ કરવાનો દાવો કરે છે અને ખ્રિસ્તી ધર્મના પ્રભાવથી સંસ્કારી બને છે. ના રે ના! તેમના ઈશ્વરે નહિ પણ તેમના ભૂખમરાએ તેમને સુધાર્યા છે, માનવપ્રેમ માત્ર તેમની જીભ ઉપર જ છે. પરંતુ હૃદયમાં તો અશુભ અને દરેક પ્રકારની હિંસા સિવાય કંઈ નથી.

‘ભાઈ! હું તને ચાહું છું, હું તને ચાહું છું….’ અને બધી જ વખત તેઓ તેનું ગળું કાપતા હોય છે. તેમના હાથ ખૂનથી ખરડાઈને ‘લાલ’ બન્યા હોય છે.’ …. પછી વિશેષ ધીરે જાણે કે ઘંટડી રણકતી હોય તેવા સુંદર અને ધીરા અવાજે તેઓ બોલ્યાઃ ‘પણ ઈશ્વરનો ન્યાય તેમના ઉપર ઊતરશે જ. પ્રભુ કહે છેઃ ‘હું વેર લઈશ. હું બદલો લઈશ.’ અને વિનાશ ચાલ્યો આવે છે. તમે ખ્રિસ્તીઓ કેટલા છો? દુનિયાનો ત્રીજો ભાગ પણ નથી. આ ચીનાઓને જુઓ; તેઓ લાખોની સંખ્યામાં છે. ઈશ્વરની શિક્ષારૂપે તેઓ તમારા ઉપર કૂદી પડશે. બીજો હુમલો હૂણો તરફથી થશે.’ અને જરા સ્મિત સાથે ફરી કહ્યુંઃ ‘તેઓ યુરોપ ઉપર ફરી વળશે અને એકેએક પથ્થરને ઉથલાવી પાડશે. (સંપૂર્ણ વિનાશ લાવશે.) પુરુષો, સ્ત્રીઓ, બાળકો, બધાં ખલાસ થશે અને ફરી અંધકારનો યુગ ઊતરી આવશે.’ તેમનો અવાજ અવર્ણનીય રીતે વિષાદ અને કરુણાથી પૂર્ણ બન્યો અને ભવિષ્યવેત્તાપણું છોડી દઈ એકાએક કહ્યુંઃ ‘મને તેની પરવા નથી! દુનિયા તેથી વધારે સુખી થશે. પણ તે હજુ ચાલ્યું આવે છે. ઈશ્વરનો બદલો આવે છે, તે ઝડપથી આવી રહ્યો છે.’

બધા એકદમ પૂછ્યુંઃ ‘જલદીથી?’

‘તે આવશે જ, પણ હજાર વર્ષની અંદર જ આવશે.’

બધાએ છુટકારાનો દમ ખેંચ્યો; માન્યું કે આપત્તિ તાત્કાલિક તો નથી દેખાતી.

‘ઈશ્વર બદલો લેશે જ.’ તેમણે આગળ ચલાવતાં કહ્યું, ‘કદાચ તમે તેને ધર્મમાં કે રાજકારણમાં ન જોઈ શકો; પણ ઇતિહાસમાં તો જરૂર જોશો કે આમ બન્યું જ છે. આમ બનવાનું જ છે. જો તમે લોકોને કચડી નાખશો તો તમે દુઃખી થશો. ભારતમાં અમે આમ ઈશ્વરના બદલાના ભોગ બન્યા છીએ. આ બધી બાબતોનો ખ્યાલ કરો. પોતાની સમૃદ્ધિ માટે તેમણે ગરીબોને કચડ્યા, તેમના આર્તનાદો સાંભળ્યા નહિ. જ્યારે લોકો રોટી માટે પોકાર કરતા હતા, ત્યારે તેમણે સમૃદ્ધિમાં જ રાચ્યા કર્યું અને પરિણામે મુલસમાનોના હુમલાઓ તેમની કતલ કરતા તેમના ઉપર ફરી વળ્યા. વર્ષો સુધી ભારત વારંવાર જિતાયું છે; અને છેવટે આવ્યા દુષ્ટોમાં દુષ્ટ અંગ્રેજ. તમે ભારતમાં ચારે બાજુ જુઓ; હિંદુઓ શું રાખી ગયા છે? સર્વત્ર ભવ્ય મંદિરો. મુસલમાનો શું મૂકી ગયા છે? સુંદર મહેલાતો. અંગ્રેજો શું મૂકી ગયા છે? દારૂઓની તૂટેલી બાટલીઓના ઢગલા સિવાય કંઈ નહિ. ઈશ્વરે અમારા લોકો પર દયા ન રાખી કારણ કે અમારા લોકોમાં દયા નહોતી. તેમણે નિષ્ઠુરતાથી તેમની આમજનતાને અધમ બનાવી; અને જ્યારે તેમને જરૂર પડી ત્યારે આમજનતામાં તેમને મદદ કરવાની શક્તિ રહી ન હતી. જો માણસ ઈશ્વરના બદલામાં શ્રદ્ધા ન રાખી શકે તોપણ તે ઇતિહાસના બદલાને તો નકારી શકે જ નહિ અને તે બદલો અંગ્રેજો ઉપર જરૂર આવશે. તેમણે પોતાની લોખંડી એડી અમારી છાતી ઉપર દબાવી ભીંસી રાખ્યા છે; પોતાની મોજ માટે અમારું ટીપેટીપું લોહી ચૂસી લીધું છે; પોતાની સાથે તેઓ અમારા કરોડો રૂપિયા લઈ ગયા છે, જ્યારે અમારા લોકો ગામડે ગામડે અને પ્રાંતે પ્રાંતે ભૂખે મર્યા છે અને હવે ચીનાઓ ઈશ્વરના કોપરૂપે તેમના પર ત્રાટકશે, જો આજે ચીનાઓ જાગીને અંગ્રેજોને દરિયામાં ડુબાવી દે—‘અને તે માટે તેઓ લાયક છે’—તો તે પૂરેપૂરી ન્યાયની બિના જ લેખાશે.’

આમ પોતાનું મંતવ્ય વ્યક્ત કર્યા પછી સ્વામીજી મૂંગા બન્યા, તેમની ચારે બાજુ ઝીણો ઝીણો ગણગણાટ થવા લાગ્યો, જે સ્વામીજીએ સાંભળ્યા કર્યો પણ તેના તરફ ધ્યાન દીધું હોય તેમ લાગ્યું નહિ. અવારનવાર તેઓ ઊંચે છત ભણી જોઈ લેતા હતા અને ધીમે અવાજે ‘શિવ, શિવ!’ એમ બોલ્યે જતા હતા. આ અદ્ભુત વ્યક્તિત્વની શાંત સપાટી નીચે જે પ્રબળ લાગણી અને દ્વેષભાવનો જે પ્રવાહ પીગળેલ લાવાની માફક વહેતો હતો, એનાથી ડઘાઈ જઈ વ્યાકુળ બનેલો નાનો શ્રોતાસમુદાય મૂંઝવણ સાથે છૂટો પડ્યો.

તે ઘણા દિવસો રહ્યા (ખરી રીતે તો તે ત્રણચાર દિવસ જ રહેલા) હતા. બધો વખત તેમનો વાર્તાલાપ સચોટ દૃષ્ટાંતો અને સુંદર પરીકથાઓથી ભરપૂર રહેતો.

એક માણસ વિશે તેમણે એક સુંદર વાત કરી. એ માણસની પત્ની તેની દુઃખી હાલત માટે ઠપકો આપતી, બીજાની સફળતા માટે તેની હાંસી કરતી અને તેની પાસે તેની બધી નિષ્ફળતાઓ વર્ણવી બતાવતી. પત્નીએ તેને કહ્યુંઃ ‘તમે તો આટલાં બધાં વર્ષોથી ઈશ્વરની સેવા કરો છો. ત્યારે ઈશ્વરે તમને શું આ આપ્યું?’ પેલા માણસે જવાબ આપ્યોઃ ‘હું શું ધર્મનો વેપાર કરું છું? પેલા ડુંગરા હિમાલય તરફ જો; એ મારા માટે શું કરે છે? અથવા તેને માટે હું શું કરું છું? અને છતાં હું તેને ચાહું છું કારણ કે જે સુંદર હોય તેને ચાહવું એ મારા સ્વભાવમાં છે. આ જ રીતે હું ઈશ્વરને પણ ચાહું છું.’…. એક બીજી વાત એક રાજાની હતી. એ રાજા ઋષિને કંઈક દાન આપવા માગતો હતો. ઋષિને એ જોઈતું નહોતું પરંતુ રાજાએ પોતાની સાથે આવવાની તેને આગ્રહભરી વિનંતી કરી. જ્યારે બંને જણા મહેલમાં આવ્યા ત્યારે રાજાએ પ્રથમ તો પ્રાર્થના કરવા માંડી. ઋષિ તે સાંભળતા હતા. રાજા ઈશ્વર પાસે લક્ષ્મી, સત્તા અને દીર્ઘ આયુષ્ય માગતો હતો. ઋષિએ એ બધું આશ્ચર્યચકિત થઈને સાંભળ્યું અને છેવટે પોતાનું આસન ઉઠાવી ચાલતી પકડી. પ્રાર્થના પૂરી કર્યા પછી રાજાએ આંખ ઉઘાડી ત્યારે તેણે ઋષિને ચાલ્યા જતા જોયા અને પૂછ્યુંઃ ‘આપ કેમ ચાલ્યા જાઓ છો? હજુ આપે મારું દાન તો સ્વીકાર્યું નથી!’ ઋષિએ કહ્યુંઃ ‘ભિખારી પાસે હું શું દાન લઉં?’

જ્યારે કોઈએ એવું સૂચન કર્યું કે ખ્રિસ્તી ધર્મમાં ઉદ્ધારક શક્તિ છે, ત્યારે તેમણે પોતાની કાળી આંખો તેના તરફ વાળીને કહ્યુંઃ ‘જો ખ્રિસ્તી ધર્મ પોતે જ ઉદ્ધારક શક્તિ હોય તો તેણે ઈથોપિયા અને એબિસીનિયાના લોકોનો ઉદ્ધાર કેમ ન કર્યો?’

*****

સ્વામીજીના હોઠ ઉપર ઘણી વાર આ વાક્ય રમતું હતું. ‘તેઓ કોઈ સાધુ પ્રત્યે આવું કરવાની હિંમત નહિ કરે.’…. કોઈ કોઈ વાર તેમણે એવી પ્રબળ ઇચ્છા પણ વ્યક્ત કરેલી કે અંગ્રેજ સરકાર પોતાને પકડીને ગોળીએ દે અને સ્મિત સાથે કહેતાઃ ‘તેમ કરે તો તે તેમના કફનનો પહેલો ખીલો બને અને મારા મૃત્યુના સમાચાર દેશમાં ભીષણ અગ્નિની જેમ ફરી વળે.

જેને તેઓ એક મહાન વીર નારી ગણતા તે હતી ભારતીય સ્વાતંત્ર્ય-સંગ્રામની પેલી ભયંકર (?) રાણી જે પોતે જ સૈન્યને મોખરે રહેતી. તેમણે કહ્યુંઃ ‘મોટા ભાગના જૂના બળવાખોરો પોતાને છુપાવવા માટે સાધુ બની ગયા; અને સાધુઓના મત ભયંકર હોવાનું કારણ આથી બરોબર સમજાય છે. તેમાંના એક માણસે પોતાના ચાર પુત્રોને (યુદ્ધમાં) ગુમાવ્યા હતા છતાં શાંતિથી તે તેમની વાતો કહેતો; પણ જ્યારે રાણીની વાત નીકળતી ત્યારે તે રડી ઊઠતો, તેના ચહેરા પર આંસુની ધાર ચાલતી. તે કહેતોઃ ‘એ સ્ત્રી ‘દેવી’ હતી. જ્યારે તે ચોમેરથી ઘેરાઈ ગઈ ત્યારે પોતાની તલવાર ઉપર પોતાના શરીરને ઝંપલાવી એક વીરની માફક તે મૃત્યુને ભેટી.’ જ્યારે આપણે કદીય એવું માની ન શકીએ કે એ સ્વાતંત્ર્ય સંગ્રામને બીજી કોઈ બાજુ હતી, ત્યારે તેમની પાસેથી એ બીજી બાજુ સાંભળતા કે હિંદુ કદી કોઈ સ્ત્રીને હણી શકે નહિ; અને એવું સાંભળતાં બહુ વિચિત્ર લાગતું. (1.485)

Total Views: 167
૧૯. રાજયોગ વિશે
૨. ભારત, એનો ધર્મ અને એના રીતરિવાજો