(તારીખ ૨૪મી સપ્ટેમ્બર, સને ૧૮૯૩ના રોજ ‘શિકાગો સન્ડે હેરાલ્ડ’માં આવેલો એક વ્યાખ્યાનનો અહેવાલ)
સ્વામી વિવેકાનંદે કહ્યુંઃ ‘આ સભામાં રજૂ થયેલા બધા વિચારોમાંથી એક સામાન્ય ઉપસંહાર નીકળી આવે છે કે ભ્રાતૃભાવ એ માનવીનું ઘણું ઇચ્છનીય ધ્યેય છે. આપણે સહુ એક જ ઈશ્વરનાં બાળકો હોઈને આ ભ્રાતૃભાવ એક કુદરતી સ્થિતિ હોવા અંગે ઘણું કહેવાયું છે. પરંતુ એવા સંપ્રદાયો પણ અસ્તિત્વ ધરાવે છે, જેઓ ઈશ્વરના અસ્તિત્વમાં એટલે કે વ્યક્તિરૂપ ઈશ્વરમાં માનતા નથી. એ સંપ્રદાયોને સાવ ગણતરીમાં ન લેવા એમ જો આપણે ઇચ્છતા ન હોઈએ—અને એમ કરીશું તો આપણો ભ્રાતૃભાવ વિશ્વ વ્યાપક નહીં બને—તો આપણી વ્યાસપીઠનું ક્ષેત્ર સમસ્ત માનવજાતને આવરી લે તેટલું વિશાળ રાખવું જોઈએ. અહીં કહેવાઈ ગયું છે કે આપણે આપણા માનવ ભાઈઓનું ભલું કરવું જોઈએ, કારણ કે પ્રત્યેક અશુભ અથવા હલકું કાર્ય કર્તા ઉપર પ્રતિક્રિયા કરે છે. મને તો આમાં દુકાનદારપણાની ગંધ આવતી દેખાય છે કે પહેલાં આપણે પોતે, પછી આપણા ભાઈઓ. હું ધારું છું કે ઈશ્વર અખિલ વિશ્વનો પિતા છે એમાં આપણે માનીએ, પરંતુ આપણા માનવ-ભાઈઓને ચાહવા તો જોઈએ જ, કારણ કે પ્રત્યેક ધર્મ અને પ્રત્યેક પંથ માનવીને, આપણને દૈવીઅંશ યુક્ત ગણે છે અને તેનામાં રહેલા દૈવી અંશને ઈજા ન પહોંચે તેટલા માટે તમારે તેને કોઈ પ્રકારે નુકસાન પહોંચાડવું ન જોઈએ.’ (1.506)

