(ક્રિટિક, ઓક્ટોબર ૭, ૧૮૯૩)

ધર્મમહાસભામાં એક વાત તો ખૂબ વ્યાપક રીતે ફેલાઈ કે જેણે એક વાસ્તવિક્તા તરફ આપણી આંખો ખોલી નાખી, તે એ કે પ્રાચીન ધર્મસંપ્રદાયોનું તત્ત્વજ્ઞાન આધુનિકો માટે ઘણી જ મનોહર વાતોથી ભરેલું છે. જ્યારે આપણને આ વાતની એક વાર ચોખ્ખી પ્રતીતિ થઈ ચૂકી છે ત્યારે એ ધર્મસંપ્રદાયોના ચિંતકો પ્રત્યે આપણો રસ એકદમ ત્વરિત બની ગયો છે અને એક પ્રકારની લાક્ષણિક જિજ્ઞાસાથી આપણે એ વિજ્ઞાનને અનુસરવા નિર્ધાર કર્યો. એ મેળવવાની બાબતનાં સૌથી સુલભ સાધનો, ધર્મમહાસભાની સમાપ્તિ પછી સ્વામી વિવેકાનંદનાં પ્રવચનો અને વક્તવ્યો જ હતાં. હજુ તો તેઓ શિકાગો શહેરમાં જ છે. આ દેશમાં આવવાનું તેમનું મુખ્ય કારણ તો હિંદુઓમાં નવતર ઉદ્યોગો શરૂ કરવા માટે અમેરિકનોમાં રસ જગાડવાનો હતું, પરંતુ હાલ પૂરતો તે હેતુ તેમણે રોકી રાખ્યો હતો, કારણ કે તેમને એવું જણાયું હતું કે અમેરિકનો દુનિયામાં સૌથી વધારે ઉદારચિત્ત અને સમભાવી પ્રજા છે; અને જે કોઈ માણસ અહીં આવે છે તે તેમની પાસેથી કશીક સહાય મેળવવા માટે જ આવે છે. જ્યારે તેમને અમેરિકનોની અને ભારતની ગરીબીની સરખામણી વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે ઉત્તર આપ્યો કે અહીંના આપણા ગરીબો તો ત્યાંના (ભારતના) રાજકુમારો જેવા છે! અને જ્યારે તેમને ત્યાંની (શહેરની) બીજી ગરીબ ચાલીઓમાં લઈ જવામાં આવ્યા ત્યારે તે તેમને પોતાની સમજણ પ્રમાણે ઘણી રાહતવાળી અને આનંદદાયક લાગી.

બ્રાહ્મણોના પણ બ્રાહ્મણ એવા સ્વામી વિવેકાનંદે પોતાના એવા મોભાને સાધુઓના બંધુત્વને માટે છોડી દીધો! એ ભ્રાતૃત્વમાં તો બધી જાતના વર્ણ કે વંશના અભિમાનનો સ્વેચ્છાએ ત્યાગ કરવામાં આવે છે અને છતાં પણ તેઓ પોતાના વ્યક્તિત્વમાં વંશની ગુણલક્ષી નિશાની ધારણ કરી રહ્યા છે. તેમની સભ્યતા, તેમની વાક્છટા અને તેમનું મોહક વ્યક્તિત્વ એ બધાએ આપણને હિંદુ સંસ્કૃતિનો નવો વિચાર આપ્યો છે. તેઓ એક રસપ્રદ વ્યક્તિ છે. તેમનો સુંદર, બુદ્ધિશાળી અને હાલતો ચાલતો ચહેરો અને એના પરની પીળી પાઘડી, તેમનો ઘેરો મધુર સંગીત સમો અવાજ કોઈ પણ માણસને એકદમ જ તેમના પક્ષમાં ખેંચી લેનારાં છે. એટલે તેઓ ત્યાંની સાહિત્યિક કલબોમાં નિમંત્રિત થાય, ત્યાં ચર્ચોમાં પણ ઉપદેશો આપે કે પ્રવચનો કરે તેમાં કશું નવાઈ ભરેલું ન હતું. જ્યાં સુધી બુદ્ધના જીવન અને તેમના શ્રદ્ધા વિષયક સિદ્ધાન્તની અમારામાં (અમેરિકનોમાં) પૂરી ખિલવણી ન થાય, ત્યાં સુધી તેમણે એ કર્યે રાખ્યું છે. તેઓ પોતાની પાસે કશીય નોંધો રાખ્યા વિના જ બોલે છે; તેઓ હકીકતો રજૂ કરે છે. તેમનાં તારણો ખૂબ કલાપૂર્ણ હોય છે; ખૂબ પ્રતીતિકર, ગંભીરતાયુક્ત અને કેટલીક વાર તો પ્રેરક વાક્છટાવાળાં હોય છે. વિદ્વાન અને સુશિક્ષિત એવા તેઓ દેખીતી રીતે જ ખૂબ નીવડેલા સુસજ્જ જેસ્યૂઈટ જેવા જ છે. ક્યારેક તેમના મનનું વલણ જેસ્યૂઈટ જેવું હોય છે. પણ તેમના વાર્તાલાપોમાં આવતા કેટલાક નાના મોટા કટાક્ષો શ્રોતાઓને કટારીની પેઠે ખૂંચે છે. આમ છતાંયે તેમની શિષ્ટતા અને વિનયશીલતા તો સદાયે અક્ષુણ્ણ જ રહે છે, કારણ કે તેમના આ પ્રહારો અમારી રીતરસમોને ક્યારેય સીધી રીતે અસંસ્કારી બતાવતા નથી! અત્યારે તો તેઓ પોતાના ધર્મ અને તેના ઉપદેશકોના શબ્દો અમને (અમેરિકનોને) સમજાવવામાં જ સંતોષ માને છે. તેઓ એવા સમયની પ્રતીક્ષામાં છે કે જ્યારે આપણે મૂર્તિપૂજાના સ્તરથી આગળ વધી જઈશું—તેમના મતે તે સમયે જ્ઞાનવિહિન વર્ગો માટે આ આવશ્યક છે—પૂજાથી પર, પ્રકૃતિમાં ઈશ્વરની ઉપસ્થિતિથી પર, મનુષ્યની જવાબદારી અને દિવ્યતાના જ્ઞાનથી ઉપરવટ. મરણાસન્ન બુદ્ધની સાથોસાથ તેઓ પણ કહે છે કે ‘તમારી મુક્તિ તમે જ મેળવો’, ‘હું તમને કશી જ મદદ ન કરી શકું.’ ‘કોઈ માણસ તમને મદદ ન કરી શકે’, ‘તમે જ તમને મદદ કરો.’

-લ્યૂસી મોનરો.

(આઉટલૂક, ઓક્ટોબર ૭, ૧૮૯૩)

…પગ સુધી લંબાયેલા તેમના ઉપદેશક તરીકેના પોતાના ચમક્તા કેસરિયા ઝભ્ભામાં સજ્જ વિવેકાનંદ ભારતમાં ખ્રિસ્તીઓના કાર્ય વિશે બોલી રહ્યા હતા. તેઓ ખ્રિસ્તી મિશનોની આલોચના કરે છે. એ તો સ્પષ્ટ છે કે તેમણે ખ્રિસ્તી ધર્મને સમજવા માટેનો કોઈ પ્રયત્ન તો કર્યો નથી. પણ સાથો સાથ તેમનો એ પણ દાવો હતો કે તેમના પાદરીઓએ પણ એમનો (વિવેકાનંદનો) ધર્મ (હિંદુ ધર્મ) સમજવાની કશી જ દરકાર રાખી ન હતી કે પ્રયત્ન પણ કર્યો ન હતો. હજારો વરસનો વંશીય દ્વેષ અને તેમાં રહેલો (પોતાના ધર્મમાં) વિશ્વાસ તેમનામાં મજબૂતપણે જડાયેલો હતો. તેઓ તો ફક્ત અહીં (ભારતમાં) આવ્યા, પોતાનો પૂર્વગ્રહ લઈને આવ્યા, બીજાઓની પરમ પવિત્ર શ્રદ્ધાને કેવળ ગાળો ભાંડવા જ આવ્યા, અને પોતાના દેશવાસીને તેમના દ્વારા અપાતી નૈતિકતા અને આધ્યાત્મિકતાની શિક્ષાનાં મૂળ કાપવા માટે આવ્યા છે.

(ક્રિટિક, ઓક્ટોબર ૭, ૧૮૯૩)

પણ ધર્મમહાસભામાં અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા સિલોનના એક બૌદ્ધ સાધુ ધર્મપાલ હતા અને બીજા એવા જ બીજા હિંદુ સંન્યાસી Suami (સુવામી) વિવેકાનંદ હતા. ધર્મપાલે ખૂબ ભારપૂર્વક કહ્યુંઃ ‘જો તમારા સત્યશોધનના માર્ગની આડે તમારું માનેલું તત્ત્વજ્ઞાન અને પૂર્વગ્રહો આવી પડે તો એને આઘાં કરી મૂકો. કોઈ પણ પ્રકારના તિરસ્કાર વગરનો વિચાર કરતાં શીખો. પ્રેમને ખાતર જ પ્રેમ કરતા રહો. નિર્ભય બનીને તમારો ખ્યાલ પ્રકટ કરો, પવિત્ર જીવન જીવો. ત્યારે જ સત્યનો સૂર્યપ્રકાશ તમને પ્રકાશિત કરી દેશે.’ પરંતુ, આ જ સભામાં સ્વામીજીનાં યથાસમય વિજયશાળી ઉત્સાહભર્યાં અને ત્વરિત ઘણાં ટૂંકાં ટૂંકાં પ્રવચનોને હેલલ્જા કોરસની એપોલો કલબે સુંદર રીતે રજૂ કરવાથી તો ખરેખર સ્વામીજીનું વ્યક્તિત્વ ચરમ સીમાએ પહોંચી ગયું! હજુ સુધી એમના સિવાય બીજા કોઈએ પણ ધર્મસભાના માર્મિક હેતુને આટલી સારી રીતે રજૂ કર્યો ન હતો. ભારતના આ સંન્યાસી સિવાય કોઈ બીજાએ ધર્મસભાની મર્યાદાઓ અને એના પ્રભાવને પણ સુંદર રીતે દર્શાવ્યાં ન હતાં. હું તેમના પ્રવચનની પૂરી નકલ ઉતારું છું પણ હું તો ફક્ત શ્રોતાગણ ઉપર એની થયેલી અસરનું જ સૂચન કરી શકું, કારણ કે તેઓ એક વક્તા તરીકેનો દૈવી હક્ક ધરાવે છે. એમની પ્રખર બુદ્ધિશાળી મુખમુદ્રા સુંદર ચિત્ર દોર્યું હોય એવા કેસરીપીળા રંગથી સજ્જ થયેલી હતી. એ પણ એમના મૂલ્યવાન શબ્દો કરતાં કંઈ ઓછી રસપ્રદ ન હતી! સમૃદ્ધ અને લયબદ્ધ ઉચ્ચારણો તેઓ કરતા… (સ્વામીજીના છેલ્લા પ્રવચનના મહદ્ અંશને ટાંકીને એ લેખ આગળ વધે છે.)

કદાચ આ સભાનું ખૂબ જ અસરકારક પરિણામ વિદેશી મિશનો વિશે એણે જગાડેલી લાગણી છે. શાણા અને સુશિક્ષિત પૂર્વદેશવાસીઓમાં અધકચરા તત્ત્વજ્ઞાનના વિદ્યાર્થીઓને ઉપદેશક તરીકે ઘુસાડી દેવાની આ સાચી વાત અંગ્રેજીભાષી શ્રોતાઓના સમૂહની સામે આટલી વધારે ભારપૂર્વક આની પહેલાં કદાચ કોઈએ કરી નહિ હોય! કેવળ સહિષ્ણુતા અને સહાનુભૂતિની ભાવનાથી જ અમને તેઓના વિશ્વાસ પર પ્રભાવ પાડવાની સ્વતંત્રતા છે અને આ ગુણવાળા ઉપદેશકો ઘણા જ ઓછા છે. અહીં એ સમજવું ખૂબ જરૂરી છે કે આપણે બૌદ્ધધર્મ પાસેથી ઘણું ઘણું શીખવાનું છે અને તેમણે પણ ઘણું ઘણું શીખવાનું છે. અને તે ફક્ત સંવાદિતાથી જ થઈ શકે તેમ છે. એમાંથી જ વધારેમાં વધારે અસર પામી શકાય તેમ છે.

શિકાગો, ૩ ઓક્ટોબર, ૧૮૯૩.

લ્યૂસી મોનરો. (1.510)

Total Views: 231
૭. ‘ન્યૂયોર્ક વર્લ્ડ’
૯. ધ પાર્લામેન્ટ ઑફ રિલીજિયન્સ