(ધી ડ્યૂબક, આયોવા, ટાઈમ્સ, સપ્ટેમ્બર ર૯, ૧૮૯૩)

વર્લ્ડ ફેર, સપ્ટેમ્બર ર૮, (વિશેષ) ધર્મમહાસભામાં એક અવસર એવો આવ્યો કે જ્યારે એક તીવ્રતા ઊભી થઈ ગઈ! વિનયશીલતાનો પાતળો પડદો તો જો કે અવશ્ય જાળવવામાં આવ્યો હતો છતાં પણ એની પાછળ આકરી અભદ્ર લાગણી વરતાતી હતી. રેવરન્ડ જોસફ કૂકે હિંદુધર્મની આકરી ટીકા કરી, એના જવાબમાં એની પણ આકરી ટીકા થઈ. એમણે કહ્યું કે ‘જે દુનિયાની હજી ઉત્પત્તિ જ થઈ નથી એવી દુનિયા વિશે બોલવું એ તો અક્ષમ્ય અક્કલ વગરની જ વાત છે.’ એની સામે એશિયાવાસીઓએ એને સણસણતો જવાબ આપ્યો કે ‘જે દુનિયાની હજુ તો શરૂઆત જ છે એવી દુનિયાની મૂર્ખાઈ તો એ પોતે જ પુરવાર કરી આપે છે.’ બિશપ જે.પી. ન્યૂમેને ઓેહિયોને કિનારેથી દૂર સુધી જતી ગોળી વરસાવતાં (આગ ઝરતી ભાષામાં) લંબાણથી બોલતાં જાહેર કર્યું કે ‘આ પૂર્વના લોકોએ મિશનરીઓ વિશે જૂઠાણું ફેલાવીને યુનાઈટેડ સ્ટેટના બધા ખ્રિસ્તીઓનું અપમાન કર્યું છે અને એને પૂર્વના લોકોએ ચીડ ચડે એવી શાન્તિથી અને ઉશ્કેરણીજનક સ્મિતથી એવો જવાબ આપ્યો કે ‘એ તો બધું બિશપનું અજ્ઞાન જ છે!’

બુદ્ધનું તત્ત્વજ્ઞાન

ત્યાર પછી પૂછાયેલા પ્રશ્નોના ત્રણ બૌદ્ધધર્મી વિદ્વાનોએ તેમની ઈશ્વર, માનવ અને પ્રકૃતિ વિષેની દૃઢ માન્યતાઓના ગણનાપાત્ર રીતે સ્પષ્ટ અને સુંદર ભાષામાં જવાબો આપ્યા.

(ત્યાર પછી ધર્મપાલના નિબંધ ‘બુદ્ધનું જગત પ્રત્યે ઋણ’ એ વિષયનો સાર હતો. તે તેમણે સિંહાલી ગીતના નમસ્કારાત્મક પ્રારંભથી શરૂ કર્યો હતો. એ આપણે અન્ય સ્રોતમાંથી પણ મેળવી શકીએ છીએ. એ ગીત પછી એના લેખનું વાંચન શરૂ થાય છેઃ)

તેના (ધર્મપાલના) લાંબા પ્રવચનનો અંત શિકાગોની ધર્મસભાએ ક્યારેય ન સાંભળ્યો હોય તેટલો મીઠો હતો. ડેમોસ્થેનિસ પણ એના કરતાં ક્યારેય આગળ વધ્યો નથી.

આક્રમક આલોચના

હિંદુ સંન્યાસી સ્વામી વિવેકાનંદ હજુ એટલા ભાગ્યશાળી બન્યા ન હતા. તેઓ અસંતુષ્ટ હતા અથવા તો પ્રત્યક્ષતઃ એવા તરત જ થયેલા જણાતા હતા. તેમણે કેસરી ઝભ્ભો અને આછા પીળા રંગની પાઘડી પહેર્યાં હતાં. તેઓ એકાએક જ ખ્રિસ્તીઓએ કરેલા જંગલી આક્ષેપોથી છળી ઊઠ્યા અને આગળ ધસી ગયા અને તેમણે આક્રમક ભાષામાં ખ્રિસ્તી રાષ્ટ્રોને આ શબ્દોમાં કહ્યુંઃ ‘અમે પૂર્વના દેશોમાંથી આવીને અહીં દિવસોના દિવસો સુધી બેસી રહ્યા છીએ અને અમને વકીલોની ભાષામાં સલાહરૂપે કહેવામાં આવ્યું છે કે અમારે ખ્રિસ્તીધર્મ સ્વીકારી લેવો જોઈએ, કારણ કે ખ્રિસ્તી રાષ્ટ્રો બહુ જ સમૃદ્ધિવાળાં છે. અમે અમારી આજુબાજુ જોઈએ છીએ અને ઇંગ્લેન્ડને વિશ્વમાં ખૂબ જ સમૃદ્ધ ખ્રિસ્તી રાષ્ટ્ર તરીકે પિછાણીએ છીએ. એણે પોતાના પગ તળે પચ્ચીસ કરોડ એશિયાવાસીઓને દબાવી રાખ્યા છે! …ઇતિહાસમાં અમે પાછળ રહી ગયેલા દેખાઈએ છીએ. અમે જોઈએ છીએ કે ખ્રિસ્તીઓની સમૃદ્ધિ સ્પેનથી શરૂ થઈ છે અને સ્પેનની સમૃદ્ધિ મેક્સિકો ઉપરના આક્રમણથી શરૂ થઈ છે. ખ્રિસ્તી ધર્મે પોતાના જ માણસોનાં ગળાં કાપી પોતાની સમૃદ્ધિ વધારી છે. આવી કિંમત ચૂકવીને હિંદુ સમૃદ્ધ બનવા માગતો નથી!’

અને આ રીતે તેઓ આગળ વધતા રહ્યા. ત્યાર પછી દરેક અનુગામી વક્તાએ જાણે વધારે આક્રમક બની જઈને આગળ ચલાવ્યે રાખ્યું. (1.517)

Total Views: 203
૧૨. હિંદુ ધર્મની પરિપૂર્ણતા એવા બૌદ્ધ ધર્મનો સાર
૪. કર્મયોગનો આદર્શ