(જાન્યુઆરી ૮, ૧૮૯૬)

અદ્વૈત દર્શન પ્રમાણે વિશ્વમાં એક જ વસ્તુ સાચી છે; તેને તે બ્રહ્મ કહે છે. બીજી સર્વ વસ્તુ બ્રહ્મમાંથી માયાની શક્તિ વડે બનેલી અને પ્રગટ થયેલી હોઈ મિથ્યા છે. પાછા જઈને એ બ્રહ્મને પહોંચવું એ આપણું ધ્યેય છે. આપણે બધા, આપણામાંનો એકે એક તે બ્રહ્મ, તે સત્ય, ઉપરાંત આ માયા છીએ. જો આપણે આ માયા કે અજ્ઞાનમાંથી છૂટી શકીએ તો આપણે જે ખરેખર છીએ તે થઈએ. આ દર્શન પ્રમાણે દરેક મનુષ્યમાં ત્રણ વિભાગો રહેલા છેઃ શરીર, અંતઃકરણ કે મન અને તેની પાછળ જેને આત્મા કહેવામાં આવે છે તે. શરીર એ આત્માનું બહારનું ખોળિયું છે અને મન એ તેનું અંદરનું પડ છે; ખરો જ્ઞાતા તે જ છે, ખરો ભોક્તા તે જ છે, અંતઃકરણ કે મન દ્વારા શરીરને જે ચલાવે છે – શરીરમાં રહેલો જે જીવ, તે તે જ છે.

માનવશરીરમાં ભૌતિક ન હોય એવું અસ્તિત્વ એકમાત્ર આત્માનું જ છે. ભૌતિક ન હોવાને લીધે આત્મા મિશ્રણ ન હોઈ શકે અને મિશ્રણ ન હોવાને લીધે કાર્યકારણના નિયમને એ અધીન નથી અને તેથી તે મૃત્યુરહિત છે. જે મૃત્યુરહિત હોય તેનો આદિ ન હોય; કારણ કે આદિવાળી દરેક વસ્તુનો અંત હોય જ. વળી એ પણ ફલિત થાય છે કે તે નિરાકાર હોવો જોઈએ; જડદ્રવ્ય સિવાય કોઈપણ આકાર બને નહિ. જે જે વસ્તુને આકાર હોય, તેને આદિ અને અંત હોય જ. આપણામાંથી કોઈએ એવો આકાર નથી જોયો કે જેને આદિ નહોતો અને અંત નહિ હોય. આકારની ઉત્પત્તિ જ જડદ્રવ્યો અને બળના સંયોગથી થાય છે. આ ખુરશીને એક વિશિષ્ટ આકાર છે, એટલે કે અમુક પ્રમાણના જડદ્રવ્ય પર અમુક પ્રમાણના બળની ક્રિયા થઈ છે અને તેથી અમુક વિશિષ્ટ આકાર બન્યો છે. આકાર જડદ્રવ્ય અને બળના સંયોગનું પરિણામ છે. સંયોગ શાશ્વત હોઈ ન શકે. દરેક સંયોગને માટે એક સમય એવો આવવો જ જોઈએ કે જ્યારે તે છૂટો થઈ જાય. તેથી સર્વ આકારોને આદિ અને અંત છે. આપણે જાણીએ છીએ કે આપણું શરીર નાશ પામશે; તેનો આદિ હતો અને તેનો અંત આવશે જ. પરંતુ આત્માને આકાર ન હોવાથી આદિ અને અંતના નિયમથી એ બંધાઈ શકે નહિ. અનંત કાળથી એ અસ્તિત્વમાં છે; જેવી રીતે કાળ સનાતન છે તેવી રીતે માનવનો આત્મા પણ સનાતન છે. બીજું, આત્મા સર્વવ્યાપક હોવો જોઈએ. આકાર જ દેહથી બંધાયેલો અને સીમિત છે; જે નિરાકાર હોય તે દેહમાં સમાઈ ન શકે. તેથી અદ્વૈત વેદાંત પ્રમાણે આત્મા તમારામાં, મારામાં, સૌ કોઈમાં, સર્વવ્યાપી છે. તમે અત્યારે જેટલા આ પૃથ્વીમાં છો તેટલા સૂર્યમાં છો, તેટલા જ ઇંગ્લેન્ડમાં, તેટલા જ અમેરિકામાં છો. પરંતુ આત્મા મન અને શરીર દ્વારા ક્રિયા કરે છે અને તેઓ જ્યાં હોય ત્યાં તેનું કાર્ય દેખાય.

જે જે કાર્ય આપણે કરીએ, જે જે વિચાર આપણે કરીએ, તેની મન ઉપર છાપ પડે છે. એ છાપને સંસ્કૃતમાં ‘સંસ્કાર’ કહે છે; આ સંસ્કારોનો સરવાળો એક જબરજસ્ત બળ બને છે, તેને ‘ચારિત્ર્ય’ કહે છે. માણસનું ચારિત્ર્ય એ પોતાને માટે પોતે જ ઘડેલી વસ્તુ છે. તેણે જીવન દરમિયાન કરેલ શારીરિક અને માનસિક કર્મોનું એ પરિણામ છે. એ સંસ્કારોનો કુલ સરવાળો માણસની મૃત્યુ પછીની ગતિ નક્કી કરનારું બળ છે. મનુષ્ય મૃત્યુ પામે છે ત્યારે તેના શરીરનો નાશ થાય છે તથા તે પોતાનાં મૂળ તત્ત્વોમાં મળી જાય છે, પરંતુ સંસ્કારો મનને વળગી રહે છે. મન સૂક્ષ્મ દ્રવ્યનું બનેલું હોવાથી નાશ પામતું નથી, કારણ કે ઉપાદાન જેમ વધુ સૂક્ષ્મ તેમ વધુ ટકાઉ. પરંતુ લાંબે ગાળે તો મન સુધ્ધાં નાશ પામે છે; અને તેને માટે જ આપણે મથી રહ્યા છીએ. આ વિષયમાં મને જે સારામાં સારું દૃષ્ટાંત યાદ આવે છે તે વંટોળિયાનું છે. જુદી જુદી દિશાઓમાંથી આવતા જુદા જુદા વાયુના પ્રવાહો એક સ્થળે મળે છે અને મિલનકેન્દ્રમાં ચક્કર ચક્કર ફરવા લાગે છે; ફરવાની સાથે સાથે તેઓ ધૂળનો એક થાંભલો ઊભો કરે છે, તેની અંદર કાગળના ટુકડા અને તણખલાં વગેરે ખેંચાઈ આવે છે; થોડેક દૂર જઈને તેમને તે નીચે ફેંકી દે છે અને પાછો બીજે સ્થળે એવો થાંભલો ઊભો કરે છે. આમ એક જગ્યાએથી બીજી જગ્યાએ ફરતો ફરતો પોતાની સામે આવતા પદાર્થમાંથી નવા નવા થાંભલા ઊભા કરતો કરતો વંટોળિયો આગળ ચાલતો જાય છે. તે જ રીતે સંસ્કૃતમાં જેને પ્રાણ કહે છે તે બળો, એકત્રિત થઈને જડદ્રવ્યમાંથી શરીર અને મન બનાવે છે, તથા શરીર પડે ત્યાં સુધી તેને ચલાવ્યા કરે છે; પછી તે નવું ઉપાદાન લે છે, તેમાંથી નવું શરીર બનાવે છે અને જ્યારે એ પડે છે ત્યારે વળી નવું બનાવે છે. આમ એ ક્રિયા ચાલ્યા જ કરે છે. જડદ્રવ્યના માધ્યમ સિવાય બળ ગતિ કરી ન શકે. તેથી જ્યારે શરીર પડી જાય છે, ત્યારે ચિત્ત રહે છે અને સંસ્કારોના સ્વરૂપમાં રહેલો પ્રાણ તેના પર ક્રિયા કર્યા કરે છે; અને પછી એ બીજા એક કેન્દ્રે જાય છે, ત્યાં નવાં નવાં દ્રવ્યો લઈને નવો વંટોળ ઊભો કરે છે અને બીજી ગતિ શરૂ કરે છે. આમ એ બળ ખલાસ થઈ જાય ત્યાં સુધી એક સ્થળેથી બીજા સ્થળે તે ભ્રમણ કર્યા જ કરે છે; અંતે એ ખલાસ થઈને શાંત થઈ જાય છે. તેથી જ્યારે મનનો અંત આવશે, તેનો સંપૂર્ણ નાશ થઈ જશે, કોઈપણ સંસ્કારો બાકી નહીં રહે, ત્યારે આપણે સંપૂર્ણ મુક્ત થઈશું; ત્યાં સુધી આપણે બંધનમાં છીએ; ત્યાં સુધી આત્મા મનના વંટોળિયાથી ઢંકાયેલો છે અને તે કલ્પનાઓ કર્યા કરે છે કે હું એક શરીરમાંથી બીજા શરીરમાં જાઉં છું. જ્યારે વંટોળિયો શમી જાય ત્યારે આત્માને જ્ઞાન થાય છે કે પોતે સર્વવ્યાપી છે. પોતે ઇચ્છા પડે ત્યાં જઈ શકે છે, પોતે સંપૂર્ણ સ્વતંત્ર છે અને પોતાને ફાવે તેટલાં શરીરો અને મન બનાવવાને પોતે શક્તિમાન છે; પરંતુ ત્યાં સુધી તો તે માત્ર વંટોળિયા સાથે જ જઈ શકે. જેના તરફ આપણે સહુ જઈ રહ્યા છીએ, તે આ મુક્તિ એ આપણું ધ્યેય છે.

ધારો કે આ ઓરડામાં એક દડો છે અને આપણામાંના દરેકના હાથમાં એક એક ટપલું છે; ટપલાથી આપણે તે દડાને ફટકા મારવા લાગીએ છીએ. એમ સેંકડો ફટકા ખાતો ખાતો, આમતેમ ચારે બાજુ ધકેલાતો એ દડો અંતે ઓરડામાંથી બહાર નીકળી જાય છે. એ કેટલા બળથી અને કઈ દિશામાં બહાર નીકળી જશે? ઓરડાની અંદર જે જે બળો તેના ઉપર ક્રિયા કરી રહ્યાં હતાં તેનાથી એ નક્કી થશે. જુદા જુદા જે બધા ફટકા તેને લાગ્યા છે, તે બધાનું પરિણામ તેના પર થશે. આપણી શારીરિક કે માનસિક એકેએક ક્રિયા આવો એકએક ફટકો છે. માનવ મન પેલા દડા સમાન છે કે જેને ફટકા મારવામાં આવી રહ્યા છે. સંસારરૂપી આ દિવાનખાનામાં ચિરકાળથી આપણે ફટકા ખાતા આવીએ છીએ અને દુનિયામાંથી બહાર નીકળવાનું આ બધા ફટકાના બળથી નક્કી થાય છે. દરેક કિસ્સામાં દડાની ગતિ અને દિશા, તેને મળેલા ફટકાથી નક્કી થાય છે; તેથી આ સંસારમાંના આપણાં સર્વ કાર્યો આપણો ભાવિ જન્મ નક્કી કરશે. આમ આપણો વર્તમાન જન્મ પણ આપણા ભૂતકાળનું પરિણામ છે.

એક દાખલો લઈએ. ધારો કે હું તમને એક છેડા વિનાની સાંકળ આપું છું. તેમાં વારાફરતી એક કાળી કડી ને એક ધોળી કડી એમ કડીઓ આવેલી છે; તેનો ક્યાંય છેડો જ નથી. હવે હું તમને પૂછું કે સાંકળનું સ્વરૂપ કેવું છે? પ્રથમ તો તેનો સ્વભાવ નક્કી કરવાનું કઠણ જણાશે, કારણ કે કડીઓ બન્ને છેડે અંત વગરની છે; પરંતુ ધીમે ધીમે તમને ખબર પડી જાય છે કે એ સાંકળ છે. તરત જ તમને સમજાઈ જાય છે કે કાળી અને ધોળી એમ બે કડીઓની એ પુનરાવૃત્તિ છે અને તેમનો અનંત રીતે ગુણાકાર કરવાથી આખી સાંકળ બને છે. જો તમે આમાંથી એક કડીનું સ્વરૂપ જાણી લો, તો તમે સમગ્ર સાંકળનું સ્વરૂપ સમજી જાઓ, કારણ કે સાંકળ કડીઓની સંપૂર્ણ રીતે પુનરાવૃત્તિ છે. આપણી ભૂતકાળની, વર્તમાનની અને ભવિષ્યની સઘળી જિંદગીઓ એક આદિ અને અંત વિનાની અનંત સાંકળ બનાવે છે. પ્રત્યેક જિંદગી તેની એક એક કડી છે અને તેના બે છેડા છે જન્મ અને મૃત્યુ. આપણે અહીં જે છીએ અને જે કરીએ છીએ, તેનું ફરી ફરીને પુનરાવર્તન થાય છે; તફાવત સાવ થોડો હોય છે. તેથી જો આપણે આ બે કડીઓ જાણીએ, તો આ સંસારમાં જે જે બધા રસ્તાઓમાં થઈને આપણે નીકળવું પડશે તે બધા આપણે જાણશું. તેથી આપણે જોઈએ છીએ કે આ સંસારમાં આપણી ગતિ, આપણી અગાઉની ગતિથી બરાબર નક્કી થઈ ગયેલી હોય છે. તે જ પ્રમાણે આપણે આ સંસારમાં આપણાં પોતાનાં કર્મોને લીધે જ છીએ. જેવી રીતે આપણાં અત્યારનાં કર્મોનો પરિપાક સાથે લઈને આપણે આ દુનિયામાંથી જઈએ છીએ, તેવી જ રીતે આપણે આપણાં પૂર્વનાં કર્મોનો પરિપાક સાથે લઈને આ દુનિયામાં આવ્યા છીએ. જે વસ્તુ આપણને આ દુનિયામાંથી બહાર લઈ જાય છે તે જ વસ્તુ આપણને આ દુનિયાની અંદર લાવે છે. આપણને આ દુનિયામાં લાવે છે કોણ? આપણાં પૂર્વકર્મો. આપણને આ દુનિયાથી બહાર લઈ જાય છે કોણ? આપણાં અહીંનાં કર્મો. આમ આપણે એક પછી એક આવાગમન કર્યા જ કરીએ છીએ. મોઢામાંથી લાળ બહાર કાઢીને પોતાની આસપાસ કોશેટો બાંધીને આખરે કોશેટામાં સપડાઈ જનારા રેશમના કીડાની પેઠે આપણે પણ આપણાં પોતાનાં કર્મોથી બંધાયાં છીએ, આપણે આપણાં પોતાનાં જ કર્મોની જાળ આપણી આસપાસ વીંટી દીધી છે. કાર્યકારણના નિયમને આપણે જ ગતિમાં મૂક્યો છે અને હવે એમાંથી બહાર નીકળવું આપણને જ કઠિન થઈ પડ્યું છે. ચક્રને આપણે જ ગતિમાં મૂક્યું છે અને હવે આપણે જ તેની નીચે કચડાઈ રહ્યા છીએ. તેથી આ ફિલસૂફી, આ દર્શન, આપણને શીખવે છે કે આપણે, સારાં કે નરસાં પણ આપણાં પોતાનાં જ કર્મોથી એકધારી રીતે બંધાતા જઈએ છીએ.

આત્મા કદી જતો કે આવતો નથી, તે કદી જન્મતો કે મરતો નથી. પ્રકૃતિ આત્માની સન્મુખ હલનચલન કર્યા કરે છે; આ હલનચલનનું પ્રતિબિંબ આત્મા ઉપર પડે છે અને તેથી આત્મા ધારી લે છે કે હલનચલન પોતે જ કરે છે અને પ્રકૃતિ નહિ. આત્મા જ્યારે એમ ધારે છે ત્યારે તે બંધનમાં પડે છે; પણ જ્યારે તેને માલૂમ પડે છે કે પોતે કદી હાલતો ચાલતો નથી, પોતે તો સર્વવ્યાપી છે, ત્યારે મુક્તિ આવે છે. બંધનમાં પડેલો આત્મા જીવ કહેવાય છે. આથી તમે જોશો કે જ્યારે આત્મા આવે છે ને જાય છે એમ કહેવામાં આવે ત્યારે માત્ર સમજણની સરળતા ખાતર જ એમ કહેવામાં આવે છે. ખગોળવિદ્યાનો અભ્યાસ કરવામાં જેમ સુગમતાની ખાતર તમને ધારવાનું કહેવામાં આવે છે કે સૂર્ય પૃથ્વીની આસપાસ ફરે છે, જો કે વાસ્તવિક હકીકત એવી નથી હોતી, તેના જેવું આ છે. તેવી રીતે જીવાત્મા ઊંચી કે નીચી કક્ષાઓમાં આવે છે. આ છે પુનર્જન્મનો પ્રખ્યાત નિયમ અને સમગ્ર સૃષ્ટિ આ નિયમને આધીન છે.

માણસ પશુયોનિમાંથી આવે છે એમ ધારવું એ આ દેશના લોકોમાં ઘણું જ ભયાનક ગણાય છે. શા માટે? આ લાખો અને કરોડો પશુઓનું છેવટ શું થવાનું? એ બધાં શું શૂન્ય છે? જો આપણે આત્મા છે તો તેઓમાં પણ છે અને જો તેઓમાં આત્મા ન હોય તો આપણામાં પણ ન હોય. કેવળ માણસને જ આત્મા છે અને પશુઓને નથી એમ માનવું એ તો મૂર્ખાઈભર્યું છે. મેં તો પશુઓ કરતાંય વધુ બદતર માણસો જોયા છે.

માનવ આત્મા પોતાના સંસ્કાર પ્રમાણે એક શરીરમાંથી બીજામાં જતાં જતાં, ઊંચાં તેમજ નીચાં શરીરોમાં ગમન કરી આવ્યો છે, પરંતુ માનવ તરીકેના સર્વોચ્ચ શરીરમાં જ તે મુક્તિ મેળવી શકે છે. દેવશરીર કરતાંય માનવશરીર વધુ ઉચ્ચ છે અને સર્વ શરીરોમાં તે સર્વોચ્ચ છે; સૃષ્ટિમાં માનવ સર્વોચ્ચ પ્રાણી છે, કારણ કે તે મુક્ત થઈ શકે છે.

ડાયનેમોમાંથી નીકળેલી વીજળી જેમ પોતાનું ભ્રમણચક્ર પૂરું કરીને તેમાં જ પાછી આવે છે, તેમ આ સમસ્ત વિશ્વ બ્રહ્મમાં હતું, તેમાંથી જાણે કે પાછું બહાર પ્રક્ષિપ્ત થયું અને જે ઉદ્ભવ-સ્થાનમાંથી તે પ્રક્ષિપ્ત થયું છે તે સ્થાને પહોંચવા માટે તે ચાલ્યા જ કરે છે. જીવ વિષે પણ તેમ જ છે. બ્રહ્મમાંથી પ્રક્ષિપ્ત થઈને, વનસ્પતિઓનાં અને પ્રાણીઓનાં શરીરોમાં થઈને, અંતે તે માનવ શરીરમાં આવ્યો છે; અને બ્રહ્મની નજીકમાં નજીકનું રૂપ માનવ છે. જે બ્રહ્મમાંથી આપણે બહાર પ્રક્ષિપ્ત થયા છીએ, તે બ્રહ્મમાં પાછું જવું એ જ મહાન જીવન સંગ્રામ છે. લોકો એ જાણે અગર ન જાણે, તેનું કાંઈ નહિ. ખનીજોમાં, વનસ્પતિઓમાં, પશુઓમાં જે કંઈ ગતિ કે જે કંઈ પ્રયત્ન સમગ્ર વિશ્વમાં આપણા જોવામાં આવે છે, તે કેન્દ્રે પહોંચવાનો અને શાંત થવાનો પ્રયત્ન છે. જે એક સમતુલા હતી તે વિસ્ખલિત થઈ ગઈ છે; એટલે બધા અંશો ને અણુઓ તથા પરમાણુઓ પોતાની ગુમાવેલી સમતુલા પાછી મેળવવાનો પુરુષાર્થ કરી રહ્યાં છે. આ પ્રયત્નમાં એ બધા પરસ્પરની સાથે જોડાય છે અને ફરીથી નવાં નવાં શરીરો ઘડાય છે; અને આ પ્રકારે પ્રકૃતિની અદ્ભુત ઘટનાઓ રચાયા કરે છે. વનસ્પતિઓના જીવનમાં, પશુઓના જીવનમાં અને બીજે બધે જે બધા પ્રયત્નો અને સ્પર્ધાઓ, જે બધી સામાજિક ઊથલપાથલો અને યુદ્ધો ચાલી રહ્યાં છે, તે માત્ર પેલી ગુમાવેલી સમતુલા પાછી મેળવવાના સનાતન પ્રયત્નોનાં પ્રદર્શનો જ છે.

જન્મમૃત્યુની પરંપરામાંથી નીકળવું —આ પ્રવાસ— તેને જ સંસ્કૃતમાં સંસાર કહેવામાં આવે છે; અક્ષરશઃ તેનો અર્થ જન્મ અને મૃત્યુનો ફેરો એવો થાય છે. સમસ્ત સૃષ્ટિ આ ફેરામાં થઈને પસાર થતાં થતાં વહેલી યા મોડી મુક્ત થશે. અહીં એવો પ્રશ્ન ઉઠાવી શકાય કે જો આપણે સર્વે મુક્ત થવાના જ છીએ, તો પછી મુક્તિ પ્રાપ્ત કરવાનો આપણે પ્રયાસ જ શા માટે કરવો? જો સહુ કોઈ મુક્ત થવાનું જ હોય તો પછી આપણે બેસીને રાહ ન જોઈએ? એ ખરું છે કે વહેલોમોડો દરેક જીવ મુક્ત થશે; કોઈપણ બાકી રહેશે નહિ. કોઈપણ વસ્તુનો સમૂળગો નાશ થઈ શકે નહિ; દરેક વસ્તુ ઊંચે જવી જ જોઈએ. જો એમ હોય તો પછી આપણે પ્રયત્ન કરવાની શી જરૂર રહી? પ્રથમ તો, એ પ્રયત્ન જ એકમાત્ર સાધન છે કે જે આપણને કેન્દ્ર પાસે પહોંચાડે છે; અને બીજું, આપણે જાણતા નથી કે આપણે શા માટે પ્રયત્ન કરીએ છીએ; આપણે એ પરાણે કરવો પડે છે.

‘હજારો મનુષ્યોમાંથી થોડાઓને જ ખબર હોય છે કે પોતે મુક્ત થશે.’ માનવજાતનો મોટોભાગ ભૌતિક બાબતોથી સંતુષ્ટ રહે છે; પરંતુ કેટલાક એવા હોય છે કે જેઓ જાગ્રત હોય છે, જેઓ અહીંની આ રમતથી ધરાઈ ગયા હોય છે અને પાછા પોતાના સ્વરૂપમાં જવાને ઇચ્છે છે. આ લોકો સમજપૂર્વક પ્રયત્ન કરે છે, જ્યારે બાકીનાઓ અજાણપણે પ્રયત્ન કરતા હોય છે.

વેદાંત ફિલસૂફીનો આદિ અને અંત છે ‘સંસારનો ત્યાગ’ – અસત્યને છોડીને સત્ય વસ્તુનું ગ્રહણ. જેમને આ દુનિયાનો ખૂબ જ શોખ છે, તેઓ કદાચ પૂછેઃ ‘આપણે દુનિયામાંથી નીકળી જવાનો —કેન્દ્ર તરફ જવાનો— પ્રયત્ન શા માટે કરવો? ધારો કે આપણે બધા ઈશ્વર પાસેથી આવ્યા છીએ. પરંતુ આ દુનિયા પણ મજાની અને સુંદર છે; તો પછી આપણે દુનિયાને વધારે ને વધારે ભોગવી લેવાનો પ્રયાસ શા માટે ન કરવો? શા માટે આપણે તેમાંથી નીકળી જવાનો પ્રયાસ કરવો જોઈએ?’ તેઓ કહે છે કે દુનિયામાં રોજેરોજ થઈ રહેલી આશ્ચર્યજનક પ્રગતિ જુઓ. જીવન માટે કેટલી બધી વિલાસની સામગ્રીઓ તૈયાર થાય છે! આ તો ખૂબ જ માણવા જેવું છે. શા માટે આપણે તેમાંથી નીકળી જવું? શા માટે આ સિવાયના અન્ય સારુ પ્રયત્ન કરવો? જવાબ એ છે કે આ દુનિયાનો ચોક્કસ નાશ થવાનો છે, તેના ટુકડેટુકડા થઈ જવાના છે; વળી એના એ જ ભોગો આપણે ઘણીયે વાર ભોગવ્યા છે. જે બધાં રૂપો આપણે અત્યારે જોઈએ છીએ તે વારંવાર પ્રગટ થયાં છે અને જે દુનિયામાં આપણે રહીએ છીએ તે પણ અગાઉ અહીં ઘણીવાર આવી ગઈ છે. હું અહીં અગાઉ ઘણીયે વાર આવ્યો છું અને તમારી સામે વ્યાખ્યાન આપ્યું છે. તમને જણાશે કે એ એમ હોવું જ જોઈએ; અને જે શબ્દો તમે અત્યારે સાંભળી રહ્યા છો તે તમે અગાઉ અનેકવાર સાંભળ્યા છે અને અનેકવાર ફરીથી એમ બનવાનું જ છે. આત્માઓ કદી જુદા હોતા નથી; માત્ર શરીરો નિરંતર નાશ પામ્યા કરે છે અને ફરી ઉત્પન્ન થયા કરે છે. બીજું, આ બાબતો અમુક કાળે અને અમુક અંતરે બન્યા જ કરે છે. ધારો કે ત્રણચાર પાસા છે; જ્યારે આપણે એ પાસાઓ નાખીએ છીએ ત્યારે એક પાસો બતાવે છે પાંચનો દાણો, બીજો ચારનો, ત્રીજો ત્રણનો અને ચોથો બેનો દાણો બતાવે છે. જો તમે પાસા વારંવાર નાખ્યે જ જાઓ તો એવા કેટલાક વારા આવવાના કે જ્યારે એના એ જ ક્રમમાં દાણા ફરી ફરી આવવાના. તમે પાસા ફેંક્યે જ જાઓ અને સમયનો ગાળો ગમે તેટલો લાંબો થાય તેની પરવા ન રાખો, તો પેલા ક્રમમાં દાણાઓ ફરીથી પડવાના જ. કેટલીવાર નાખ્યા પછી એ ક્રમમાં પાછા આવશે એ કહી શકાય નહિ; આને યોગાનુયોગનો નિયમ કહે છે. જીવો અને તેના સંબંધો વિષે પણ એવું જ છે. સમયના ગાળા ગમે તેટલા લાંબા હોય, એનાં એ સંયોજનો અને વિભાજનો ફરી ફરીને બનવાનાં. એનો એ જન્મ, એનું એ ખાવુંપીવું અને પછી એનું એ મોત ફરી ફરીને આવ્યા કરવાનું છે. કેટલાકોને દુનિયાની મોજમજાથી વધુ ઉચ્ચ કાંઈ જ જડતું નથી; પરંતુ જેઓ વધુ ઉચ્ચ ભૂમિકાએ ચડવા માગે છે, તેમને લાગે છે કે આ મોજમજાઓ ક્યારેય આખરી ધ્યેય નથી, માત્ર વાટે જતાં સહેજે હાથ આવી ચડતી બાબતો છે.

ક્ષુદ્ર કીડાથી માંડીને તે ઠેઠ માનવ સુધીનું દરેક શરીર સતત ફર્યા કરતા ફજેતફાળકાના એક એક હીંચકા જેવું છે. હીંચકા નિરંતર ફર્યા જ કરે છે, પણ તેમાંના બેસનારાઓ બદલાયે જાય છે. એક જણ એક હીંચકામાં ચડી બેસે છે, ફજેતફાળકાની સાથે સાથે ચક્કર ચક્કર ફરે છે અને પછી બહાર નીકળી આવે છે, પણ ફાળકો તો ચાલ્યા જ કરતો હોય છે. એક જીવ એક શરીરમાં પ્રવેશ કરે છે, તેમાં અમુક સમય વાસ કર્યા પછી એને છોડી દે છે અને બીજામાં જાય છે; એને છોડીને વળી પાછા ત્રીજામાં ઘૂસે છે. આમ, ફર્યા જ કરે છે. જીવ ચક્રમાંથી બહાર નીકળી જાય અને મુક્ત થાય, ત્યાં સુધી ફર્યા જ કરે છે.

દરેક દેશમાં અને દરેક યુગમાં માણસના જીવનનો ભૂતકાળ તેમજ ભવિષ્યકાળ ભાખી શકવાની વિસ્મયકારક શક્તિઓ જણાઈ છે. તેનો ખુલાસો એ છે કે જ્યાં સુધી આત્મા કાર્ય-કારણના પ્રદેશમાં વિચરતો હોય, ત્યાં સુધી તેનાં કાર્યો પર કાર્ય-કારણના નિયમનો પ્રભાવ ઘણે મોટે અંશે પડે છે. જો કે તેનું સ્વભાવગત સ્વાતંત્ર્ય સંપૂર્ણપણે ગુમાવાયેલું નથી હોતું અને મુક્ત થયેલા માનવોના કિસ્સાઓમાં તેઓ જેમ કોઈ જીવનને કાર્ય-કારણની સાંકળમાંથી બહાર કાઢવાની હદ સુધી પોતાનો પ્રભાવ દર્શાવી શકે છે, તેમ જે માણસોમાં કાર્યોના ક્રમને પારખી શકવાની અંતર્દૃષ્ટિ હોય છે તેમને માટે ભૂતકાળ તેમજ ભાવિ કહી આપવાનું શક્ય બને છે.

જો મનમાં કોઈ ઇચ્છા અગર તૃષ્ણા કે કોઈ જરૂરિયાત ટકી રહી હોય, તો એ ચોક્કસ નિશાની છે કે ત્યાં હજુ અપૂર્ણતા છે; કેમ કે સંપૂર્ણ મુક્ત આત્માને કશી જ તૃષ્ણા હોઈ ન શકે. ઈશ્વરને કોઈ વસ્તુની તૃષ્ણા હોઈ શકે નહિ. જો તેને ઇચ્છા હોય તો એ ઈશ્વર ન રહે, તે અપૂર્ણ થઈ જાય. તેથી ઈશ્વરને આ જોઈએ અને તે જોઈએ, અગર ક્યારેક તે નારાજ થાય અને ક્યારેક તે રાજી થાય, એ બધી છોકરાં સમજાવવાની વાતો છે; એનો અર્થ કંઈ જ નથી. તેથી સર્વ ધર્મોપદેશકોએ કહ્યું છે કે ‘કોઈ વસ્તુની તૃષ્ણા રાખો નહિ; તમામ તૃષ્ણાઓનો ત્યાગ કરો અને સંપૂર્ણપણે સંતુષ્ટ રહો.’

બાળક આ જગતમાં આવે છે ત્યારે તે ઘૂંટણભેર ચાલતું હોય છે, તેને દાંત હોતા નથી; અને વૃદ્ધ માણસ આ જગતમાંથી વિદાય લે છે ત્યારે તે પણ દાંત વગરનો અને ઘસડાતો જાય છે. બંને છેડાઓ સરખા છે. પરંતુ બાળક પાસે જીવનનો કશો અનુભવ નથી, જ્યારે વૃદ્ધ એ બધામાંથી પસાર થયો હોય છે. જ્યારે આકાશતત્ત્વ (ઈથર)નાં કંપનો ઘણાં જ ધીમાં હોય છે, ત્યારે પ્રકાશ દેખાતો નથી, અંધારું હોય છે; જ્યારે કંપનો ઘણાં જ ઝડપી હોય છે ત્યારે પણ પરિણામે અંધારું લાગે છે. બે છેડાઓ સામાન્ય રીતે એક સમાન દેખાય છે, જો કે એક છેડો બીજાથી ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેટલો દૂર હોય છે. દીવાલને કશી તૃષ્ણા હોતી નથી, તે જ પ્રમાણે સંપૂર્ણ માનવને પણ નથી હોતી. પરંતુ દીવાલમાં તૃષ્ણા કરવા જેટલું ચૈતન્ય નથી હોતું, જ્યારે પૂર્ણ માનવને તૃષ્ણા કરવા જેવું કંઈ નથી હોતું. કેટલાક એવા જડબુદ્ધિવાળા પણ હોય છે કે જેમને આ દુનિયામાં કશી તૃષ્ણાઓ જ હોતી નથી, કારણ કે તેમનાં મગજ ખામીવાળાં હોય છે; તે સાથે જ સર્વોચ્ચ દશામાં પણ એવું જ છે કે જ્યારે આપણને કોઈ તૃષ્ણાઓ હોતી નથી. પરંતુ આ બે સ્થિતિઓ એક જ અસ્તિત્વના બે સામસામા છેડાઓ છે; એક છેડો પશુની નજીક છે, અને બીજો ઈશ્વરની નજીક છે. (2.54)

Total Views: 255
૧. સાક્ષાત્કારનાં સોપાન
૩. જીવ, જગત અને ઈશ્વર