(જાન્યુઆરી ૨૯, ૧૮૯૬ – જે.જે.ગુડવિનની નોંધ – ન્યૂયોર્કમાં આપેલ જ્ઞાનયોગના વર્ગ પરથી – ન્યૂ ડિસ્કવરીઝ, વૉ.૩, પૃ.૫૫૭-૬૮)

જ્ઞાનયોગ (CW. ૨.૪૦૬-૧૫) પરના આગલા પ્રવચનમાં આપણે એક ઉપનિષદ વાંચ્યું હતું. આજે આપણે બીજું (મુંડક ઉપનિષદ) લઈશું. બ્રહ્મા દેવોમાં પ્રથમ હતા અને આ મન્વન્તરના વિભુ અને રક્ષણકર્તા હતા. બધા જ્ઞાનના અર્કરૂપ આ બ્રહ્મજ્ઞાન એમણે પોતાના પુત્ર અથર્વને આપ્યું. એણે પોતાના પુત્ર અંગિરસને, તેણે તેના પુત્ર ભરદ્વાજને આપ્યું અને એ પ્રમાણે એ ચાલ્યું.

શૌનક નામનો એક સમૃદ્ધિવાન મનુષ્ય આ અંગિરસ પાસે શિષ્ય બનીને ગયો. ગુરુ પાસે જઈ એણે પ્રશ્ન કર્યોઃ ‘ભગવન્! જેને જાણવાથી બધું જ જાણી શકાય તે શું છે, તે મને કહો.’

એક પ્રકારનું (જ્ઞાન) ઉત્તમ છે અને બીજું ઊતરતી કક્ષાનું છે. વેદોમાંનો એક ઋગ્વેદ છે. બીજા ભાગનું નામ શિક્ષા છે. બધી જુદી જુદી વિદ્યાઓ ઊતરતી કક્ષાની છે. શ્રેષ્ઠ વિદ્યા કઈ છે? જેના વડે આપણે અવ્યયી આત્માને પામીએ, માત્ર તે જ વિદ્યા શ્રેષ્ઠ છે. પણ એ અવ્યયી આત્મા જોઈ શકાતો નથી, ઇન્દ્રિયોની પકડમાં આવતો નથી, નિર્દિષ્ટ કરી શકાતો નથી. એનો વર્ણ નથી, એને ચક્ષુ નથી, શ્રોત્ર નથી, ઘ્રાણેન્દ્રિય નથી, પગ નથી – શાશ્વત, સર્વવ્યાપી, ‘સર્વમાં પ્રવિષ્ટ’, પૂર્ણ બ્રહ્મ છે – ને સર્વ કાંઈ એનામાંથી જ ઊપજ્યું છે. ઋષિઓ એનું દર્શન કરે છે અને એ શ્રેષ્ઠ જ્ઞાન છે.

જેમ ઊર્ણનાભિ – એક જાતનો કરોળિયો – પોતાના શરીરમાંથી એક તંતુ પેદા કરે છે અને એને પાછો ખેંચી લે છે; જેમ વનસ્પતિ પોતાની પ્રકૃતિ અનુસાર વૃદ્ધિ પામે છે અને આ બધા પદાર્થો ભિન્ન છે અને જુદા દેખાય છે; હૃદય જાણે કે માનવદેહનાં બીજાં અંગો કરતાં જુદું છે, છોડો અને વૃક્ષો પૃથ્વી કરતાં જુદાં છે, તંતુ કરોળિયા કરતાં જુદો છે છતાં એ (હૃદય, પૃથ્વી, કરોળિયો વ.) કારણો હતાં અને આ બધા પદાર્થો તેમનું પરિણામ છે. તેમ એક અવ્યયી આત્મામાંથી આ વિશ્વ ઉદ્ભવ્યું છે.

બ્રહ્મમાંથી પ્રથમ ઇચ્છાનું જ્ઞાન જન્મે છે, એમાંથી સ્રષ્ટા અથવા હિરણ્મયગર્ભ આવિષ્કાર પામે છે. એમાંથી બુદ્ધિ જન્મે છે, એમાંથી દ્રવ્ય અને આ બધા વિવિધ લોક જન્મે છે.

એ સત્ય છે – જે મોક્ષ પામવા ઇચ્છે છે કે બીજા ભોગ ઇચ્છે છે તેમને માટે વેદોમાં વિવિધ માર્ગો બતાવ્યા છે.

પછી લોકો એ સુખ કેમ પામે છે તેની વાત મુંડક ઉપનિષદ કરે છે. મૃત્યુ પછી લોકો સૂર્ય કિરણને માર્ગે ચડીને આનંદ ધામોમાં, સ્વર્ગમાં જશે, ત્યાં કેટલોક સમય રહેશે પણ ત્યાંથી પાછા પડશે.

ઇષ્ટ અને પૂર્ત એ બે શબ્દો છે. યજ્ઞો અને બીજો કર્મકાંડ ઇષ્ટ કહેવાય છે અને પૂર્ત એટલે રસ્તાઓ બાંધવા, હોસ્પિટલો બાંધવી વગેરે. ‘કર્મકાંડો અને સારાં કાર્યો કરવાને મૂર્ખ લોકો મહાન ગણે છે અને એના કરતાં કશું ચડિયાતું નથી.’ એમની ઇચ્છાપૂર્તિ થાય છે અને એ લોકો સ્વર્ગ પ્રાપ્ત કરે છે. પણ દરેક સુખનો અને દુઃખનો અંત આવે છે એટલે એમનો સ્વર્ગોપભોગ પૂરો થતાં એમનું પતન થાય છે અને પાછા મનુષ્યો તરીકે કે નિમ્ન યોનિઓમાં જન્મ લે છે. જે લોકો સંસાર ત્યજી દે અને ઇન્દ્રિયોને વશમાં રાખતાં શીખે છે તે અરણ્યમાં રહે છે. સૂર્યનાં કિરણે ચડીને એ લોકો પૂર્ણ બ્રહ્મ વસે છે તે અમર બ્રહ્મલોકમાં જાય છે.

આમ શુભાશુભ કાર્યોની બધી ઇચ્છાઓ તપાસ્યા પછી બધી ફરજોને ઋષિ ત્યજી દે છે અને જેને પ્રાપ્ત કર્યા પછી પાછા આવવાનું થતું નથી, કશું પરિવર્તન નથી તેને જાણવા ઇચ્છે છે અને એ જાણવા માટે એ સમિધ લઈને ગુરુ પાસે જાય છે. ગુરુ કશી ભેટ સ્વીકારતા નથી એટલે યજ્ઞકાર્યમાં ગુરુને સહાય કરવા માટે એ સમિધ લઈને જાય છે એવી અમારા દેશમાં પ્રાચીન માન્યતા હતી.

ગુરુ કોણ? જે શાસ્ત્રોનાં રહસ્યો જાણે છે, જેનો આત્મા બ્રહ્મ સાથે એકરૂપ થયો છે, જે કર્મોની કે સ્વર્ગસુખની પરવા કરતો નથી તે.

જેણે પોતાના મનને વશ કર્યું છે, જે શાંત અને સ્થિર થયો છે, મનમાં ઊભી થતી (‘હું આ કરીશ ને તે કરીશ’ અને નામ અને કીર્તિની અને એવી બધી તૃષ્ણાઓનો ત્યાગ કર્યો હોય, જે શિષ્યમાં આ બધી દઝાડતી તૃષ્ણાઓ શાંત પડી ગઈ છે) તેને ગુરુ બ્રહ્મવિદ્યા શીખવે છે અને વિદ્યા દ્વારા એ અવિકારી અને સત્ય બ્રહ્મ વિશે જ્ઞાન પ્રાપ્ત કરે છે. પછી અંગિરાએ આપેલો બોધ શરૂ થાય છેઃ

હે સોમ્ય! આ સત્ય છે કે ભડભડ બળતા અગ્નિમાંથી અસંખ્ય સ્ફુલિંગો ઊઠે છે તેમ આ અક્ષર બ્રહ્મમાંથી આ બધાં રૂપો, આ બધા વિચારો, આ બધી સૃષ્ટિ ઉત્પન્ન થાય છે અને એમાં બધું લીન થાય છે.

પણ એ સનાતન પુરુષ શાશ્વત, અરૂપ, અનાદિ, સર્વની અંદર તથા બહાર છે, મનાતીત છે, વિશુદ્ધ છે, અક્ષરથી પર, બધા પદાર્થની પણ પર છે.

એ પુરુષમાંથી જ પ્રાણ, મન, બધી ઇન્દ્રિયો, વાયુ, તેજ, જલ અને બધાં પ્રાણીઓને ધારણ કરતી આ પૃથ્વી જન્મે છે. દ્યુલોક એનું મસ્તક છે, સૂર્ય અને ચંદ્ર ચક્ષુઓ છે. દિશાઓ શ્રોત્ર છે. વેદોનું સનાતન જ્ઞાન, જાણે કે એની વાણીનો આવિષ્કાર છે. વાયુ એનું જીવન છે, આ બ્રહ્માંડ એનું હૃદય છે. આ જગત એના ચરણ છે, એ દરેક ભૂતનો સનાતન આત્મા છે.

બધા વેદો ‘એમાંથી’ જન્મ્યા છે. દેવો અને સાધ્યો ‘એમાંથી’ જન્મ્યા છે; સામાન્ય મનુષ્યો કરતાં ઉચ્ચતર સાધ્યો લગભગ દેવોના જેવા જ છે.

બધા મનુષ્યો ‘એમાંથી’ પ્રગટ્યા છે અને બધાં પ્રાણીઓ પણ – સમગ્ર જીવન એમાંથી આવ્યું છે; મનની બધી શક્તિઓ, સત્ય, પવિત્રતા બધું એમાંથી આવ્યું છે.

સાત ઇન્દ્રિયો ‘એમાંથી’ પ્રગટે છે, એ ઇન્દ્રિયોના સાત વિષયો ‘એમાંથી’ ઉદ્ભવે છે અને સાતે ઇન્દ્રિયોનાં કાર્યો પણ ‘એમાંથી’ જ પ્રગટે છે.

જીવનપ્રવાહનું વહન કરતા સાત લોકો એમાંથી છે. બધા સમુદ્રો અને મહાસાગરો એમાંથી જન્મે છે. સમુદ્રને મળતી બધી સરિતાઓ એમાંથી છે; બધી ઔષધિઓ અને બધા રસ એમાંથી છે.

બધાંની અંદર એ છે. દરેક જીવનો અંતરાત્મા એ છે. આ મહાન પુરુષ વિશ્વ છે. એ કર્મ છે. એ યજ્ઞ છે. એ બ્રહ્મ જ અને એ જ ત્રિમૂર્તિ છે. એને જાણનાર અવિદ્યા ગ્રંથિને છેદી મુક્ત થાય છે.

એ મહત્ પદ છે. એ દરેક આત્મામાં નિહિત છે. બધાં નામરૂપ એમાંથી પ્રગટે છે. બધાં પ્રાણીઓ અને મનુષ્યો એમાંથી જન્મે છે. એ પરબ્રહ્મ છે. એને જે જાણે છે તે મુક્ત થાય છે.

એને કેવી રીતે જાણવો? વેદાંતના જ્ઞાનરૂપી આ ઉપનિષદ-ધનુષ લો; એના પર ઉપાસનાનું ધારદાર બાણ ચડાવો; તે ધનુષ્યને શાનાથી ખેંચો? – તદ્ગત મનવાળા થઈને, તમે તે જ છો તેવું માનીને. આમ તેનું સંધાન કરો. આ બાણ દ્વારા તેનું સંધાન કરો. તદ્ભાવગત ચિત્ત વડે ખેંચીને તે અક્ષરબ્રહ્મને વીંધો.

પ્રણવ ધનુષ્ય છે, આત્મા બાણ છે, બ્રહ્મ લક્ષ્ય છે; અપ્રમત્ત ચિત્તથી એને વીંધવાનું છે અને બાણ લક્ષ્યને વીંધે ત્યારે બાણની જેમ તન્મય થઈ જાય છે. બધા લોક, આ પૃથ્વી અને આકાશ, બધું એનામાં સ્થિત છે, ચિત્ત અને બધી સૃષ્ટિ એનામાં સ્થિત છે.

ઉપનિષદોમાં કેટલાંક વાક્યોને મહાવાક્યો (દરેક વેદમાં આવું એક એક મહાવાક્ય છે – પ્રજ્ઞાનં બ્રહ્મ, અહં બ્રહ્માસ્મિ, તત્ત્વમસિ, અયમાત્મા બ્રહ્મ) કહેવામાં આવે છે. એમનો ઉલ્લેખ નિત્ય કરવામાં આવે છે અને એ ટાંકવામાં આવે છે. એનામાં – એ આત્મામાં જ – બધા લોક વસે છે. બીજી વાતોનો શો અર્થ? તે આત્માને જ જાણો. એ જ અમૃતનો સેતુ છે. પછી અંગિરા વ્યવહારુ માર્ગ ચીંધે છે. અત્યાર સુધી તો બધું આલંકારિક હતું. ચક્રના બધા આરાઓ નાભિકેન્દ્રમાં મળે છે તે રીતે બધી નાડીઓ જ્યાં મળે છે તેવું સ્થાન આ દેહમાં છે. ત્યાં હૃદયમાં ૐનું ધ્યાન કરો. તને સફળતા વરો.

હે સોમ્ય, તારા ધ્યેયને આંબવામાં તને સફળતા મળો. બધા તમસ્ને ભેદીને તું એને પામ. એ સર્વજ્ઞ છે. એનો મહિમા સ્વર્ગમાં, પૃથ્વી પર, સર્વત્ર છે.

એ ચિત્ત બનેલો છે, પ્રાણ છે, દેહમાં નેતા છે, અન્નમાં પ્રતિષ્ઠિત છે, જીવનની શક્તિ છે. ધીર પુરુષો એને જ્ઞાનથી જોઈ શકે છે. એ આનંદરૂપ અમૃત સૌને પ્રકાશ આપે છે. (મુંડક ઉપનિષદ ૨.૨.૮ – આ વાક્યનું અવતરણ પણ વારંવાર આપવામાં આવે છે.)

બે શબ્દો છેઃ એક જ્ઞાન અને બીજો વિજ્ઞાન. જ્ઞાનનો અનુવાદ (અંગ્રેજીમાં) ‘સાયન્સ’ (કોઈપણ પ્રકારની ભૌતિક વિદ્યા) તરીકે કરી શકાય અને વિજ્ઞાન એટલે ઈશ્વરની અનુભૂતિ. બૌદ્ધિક જ્ઞાનથી ઈશ્વર જોઈ શકાતો નથી. પ્રજ્ઞાનથી જેણે આત્મસાક્ષાત્કાર કર્યો છે તેવા મનુષ્યનું શું થશે? સત્યદર્શન થતાં બધી હૃદયગ્રંથિઓ છેદાઈ જશે, બધું તમસ્ સદાને માટે વિદીર્ણ થઈ જશે.

તમે કેવી રીતે શંકા કરી શકો? જુદી જુદી વિદ્યાઓના અને જુદા જુદા ફિલસૂફોના બધા ઝઘડા કેવા બાલિશ અને મૂર્ખામી ભરેલા છે! તમે એમની પ્રત્યે હસશો. બધા સંશયો છેદાઈ જશે, બધું કર્મ ક્ષય પામશે. બધું કર્મ અદૃશ્ય થશે.

સુવર્ણ કોષની પેલી પાર છે તે વિશુદ્ધ, અખંડ એ બ્રહ્મ છે. બધા જ્યોતિઓના જ્યોતિ એવા બ્રહ્મનો જ સઘળો પ્રકાશ છે. આત્મજ્ઞાનીઓ એનો એ રીતે સાક્ષાત્કાર કરે છે. અને જ્યારે તમે એનો સાક્ષાત્કાર કર્યો હોય પછી ત્યાં સૂર્ય પ્રકાશતો નથી, ચંદ્ર કે તારાઓ પ્રકાશતા નથી. વિદ્યુતનો ઝબકારો પણ એ સ્થાનને પ્રકાશિત કરી શકતો નથી; એ ચિત્તમાં છે, ક્યાંય ઊંડે એ છે. એના પ્રકાશથી સર્વ પ્રકાશે છે. એ (હૃદયની) અંદર પ્રકાશે છે ત્યારે મનુષ્ય સમગ્રતયા પ્રકાશિત થઈ ઊઠે છે. આ સર્વ વિશ્વ એના જ્યોતિથી પ્રકાશે છે.

ઉપનિષદોનું અધ્યયન કરતી વખતે આવા શ્લોકોને કંઠસ્થ કરો. હિંદુ ચિત્ત અને યુરોપીય ચિત્ત વચ્ચે તફાવત એ છે કે પશ્ચિમમાં વિશેષના નિરીક્ષણ પરથી સત્યનું તારણ કરવામાં આવે છે ત્યારે હિંદુ એથી ઊલટો માર્ગ લે છે. ઉપનિષદમાં છે તેવી આધ્યાત્મિક ભવ્યતા ક્યાંય નથી.

મુંડક ઉપનિષદ આપણને ઇન્દ્રિયોની પાર લઈ જાય છે – આગળ ને આગળ, સૂર્યો અને તારાઓ કરતાં અનંતગણા ભવ્ય સ્થાને. પ્રથમ અંગિરા ઇન્દ્રિયભવ્યતા દ્વારા ઈશનું વર્ણન કરે છે – પૃથ્વી એના પાય છે, આકાશ એનું મસ્તક છે વગેરે પણ અંગિરાને જે કહેવું છે તે બરાબર વ્યક્ત નથી થતું. એક અર્થમાં એ ભવ્ય જ હતું. શિષ્યને પહેલાં આ વર્ણનથી વાત શરૂ કરી અને પછી એને એની પાર લઈ ગયા તે એટલે સુધી કે એ અવર્ણનીય, અભાવાત્મક – નકારાત્મક-શ્રેષ્ઠ ખ્યાલ એમણે રજૂ કર્યો.

એ અમૃતરૂપ બ્રહ્મ આપણી આગળ છે, પાછળ છે, જમણી તથા ડાબી બાજુએ છે, ઉપર-નીચે છે…

સુંદર પાંખોવાળાં બે પક્ષીઓ એક જ વૃક્ષ ઉપર છે અને બંને સાથે જ રહે છે. એમાંનું એક એ વૃક્ષનાં ફળ ખાય છે; બીજું ખાધા વગર જોયા કરે છે. આમ આ શરીરમાં સાથે રહેતાં બે પક્ષીઓ છે. બંનેનાં રૂપ સમાન છે. એક જીવાત્મા છે; બીજું પરમાત્મા છે અને એની પ્રકૃતિ તે જ છે. એ આ શરીરમાં જ વસે છે, આપણા આત્માનો આત્મા છે. સારાં કે ખરાબ કોઈ ફળ એ ખાતું નથી પણ અવિચળ રહી બધું જોયા કરે છે.

પરંતુ પેલું નિમ્ન પક્ષી જાણે છે કે પોતે નિર્બળ છે, નાનું છે અને ક્ષુદ્ર છે અને બધા પ્રકારનું અસત્ય બોલે છે. એ કહે છે કે ‘હું સ્ત્રી છું’ અથવા ‘પુરુષ છું’ અથવા ‘છોકરો છું.’ એ કહે છે, ‘હું સારું યા બૂરું કરીશ, સ્વર્ગે જઈશ અને સેંકડો કાર્ય કરીશ.’ એ સન્નિપાતમાં બોલે છે અને કર્મ કરે છે અને એના સન્નિપાતનો સાર એ છે કે એ નિર્બળ છે.

પોતે નિર્માલ્ય છે એમ માને છે માટે તે દુઃખી છે, એ ક્ષુદ્ર જીવ સર્જાયો છે. એ કોઈકનો દાસ છે; એ કોઈ દેવ અથવા દેવોના અંકુશ હેઠળ છે, તે દુઃખી છે.

પરંતુ જ્યારે ઈશ્વર સાથે એકરૂપ થાય છે, એ યોગી બને છે ત્યારે એ જુએ છે કે અન્ય પંખી, પરમાત્મા, પોતાનો જ મહિમા છે. કેમ કે ‘હું જેને પરમાત્મા કહેતો હતો તે મારો જ મહિમા છે અને ક્ષુદ્ર ‘હું’, આ દુઃખ, એ ભ્રમ જ છે; એનું અસ્તિત્વ જ ન હતું. હું સ્ત્રી નથી, પુરુષ નથી, હું આવી કોઈ વસ્તુ કદી જ ન હતો.’ પછી એ બધી વ્યથાનો ત્યાગ કરે છે.

જેનું દર્શન કરવાનું છે તે સુવર્ણવર્ણ પરમાત્મા – સ્રષ્ટા, ઈશ, પુરુષ, આ વિશ્વના વિભુ-નું દર્શન થાય છે ત્યારે ઋષિ નિરંજન બની જાય છે, એનાં પાપ-પુણ્યનાં બધાં કલંક ધોવાઈ જાય છે (સત્કૃત્યોના પણ દુષ્કૃત્યોની માફક ડાઘ પડે છે.) પછી એ બ્રહ્મની સાથે પરમ સામ્ય પ્રાપ્ત કરે છે.

બધા આત્માઓનો આત્મા એવો પરમાત્મા સર્વ ભૂતો દ્વારા પ્રકાશી રહ્યો છે તે સત્ય ઋષિ અનુભવે છે.

એ પુરુષ છે, સ્ત્રી છે, ગાય છે, શ્વાન છે, એ બધાં ભૂતોમાં છે, પાપમાં અને પાપીમાં એ છે. એ સંન્યાસી છે, એ શાસકમાં છે. એ સર્વત્ર છે. એને જાણીને ઋષિ કંઈ બોલતો નથી. (એ કોઈની ટીકા કરતો નથી, કોઈને ઠપકો આપતો નથી, કોઈનું બૂરું વાંછતો નથી.) એની બધી તૃષ્ણાઓ આત્મામાં મળી ગઈ છે. સાચા બ્રહ્મજ્ઞાનીઓનું આ લક્ષણ છે કે ‘તેના’ સિવાય એ કશું જોતા નથી.

‘એ’ આ સર્વ દ્વારા લીલા કહે છે. મહાનમાં મહાન દેવોથી લઈ નાનામાં નાનાં જંતુઓ સુધીનાં બધાં રૂપો એનાં જ છે. આવી ભાવનાઓનું તાદૃશીકરણ થવું જોઈએ.

ઉપનિષદ-કર્તાએ પ્રથમ જણાવ્યું હતું કે આપણે સ્વર્ગમાં અને એવાં સ્થળોમાં જવું હોય તો આપણે ત્યાં જઈ શકીશું. વેદની ભાષામાં આનો અર્થ એવો થાય છે કે માનવી ઇચ્છે છે તે પ્રાપ્ત કરી શકે છે.

અગાઉનાં વ્યાખ્યાનોમાં જણાવ્યા પ્રમાણે આત્મા આવતો કે જતો નથી. આત્માને જન્મમૃત્યુ નથી. તમે નિત્ય છો, આત્મા છો. આ ક્ષણે તમે સ્વર્ગમાં તેમજ અંધારામાં અંધારી જગ્યાએ છો. તમે સર્વ જગ્યાએ છો. તમે ક્યાં નથી? એટલે તમે ક્યાંય કેવી રીતે જઈ શકો? આ બધું આવાગમન કાલ્પનિક છે – આત્મા કદી આવતો-જતો નથી.

આ દૃશ્યો બદલાય છે. મન એક સ્થિતિમાં હોય ત્યારે એ અમુક દૃશ્ય જુએ છે, અમુક સ્વપ્ન જુએ છે. આમ આ દશામાં આપણે આ જગતને, મનુષ્યોને, પશુઓને અને આ બધા પદાર્થોને જોઈએ છીએ. પણ આ જ સ્થાન, સ્થિતિ બદલાશે અને જેને આપણે પૃથ્વી તરીકે જોઈએ છીએ તેને સ્વર્ગ તરીકે જોઈશું અથવા એથી ઊલટા સ્થાન તરીકે કે આપણને ગમતા સ્થાન તરીકે જોઈશું.

બધાંનો આધાર આપણી ઇચ્છાઓ ઉપર છે. પણ રાતે આવતું સ્વપ્ન તૂટી જાય છે તેમ આ સ્વપ્ન પણ ચિરંજીવી નહીં રહે. આમાંનું એક પણ સ્વપ્ન ચિરંજીવી નથી. આપણે જે કરવા ધારીએ છીએ તે જ સ્વપ્નમાં જોઈએ છીએ. એટલે જે લોકો આ જીવનમાં રોજ સ્વર્ગે જવાની ઇચ્છા રાખે છે અને ત્યાં જઈ પોતાનાં સ્નેહીઓને મળવા ઇચ્છે છે તેમનું આ ભવરૂપી સ્વપ્ન પૂરું થતાં તેઓ ઇચ્છિત પામશે અને આ ભવની ઇચ્છાઓ એમનાં બીજાં સ્વપ્નો જોવાની એમને ફરજ પાડશે અને જે લોકો સંશયગ્રસ્ત છે અને નરકના છે એવું વિચારે છે તેમને એવી ધગધગતી જગ્યાનાં સ્વપ્નો આવશે. આ ભવમાં જેમના વિચારો પાશવી છે તેઓ મૃત્યુ પછી ભૂંડ થશે. દરેક વ્યક્તિ પોતે જે ઇચ્છે છે તેને મેળવશે.

આ ગ્રંથનો આરંભ એ વાતથી થાય છે કે જે લોકો માર્ગો બનાવવા, દવાખાનાં બાંધવાં અને એવાં સત્કાર્યો સિવાય બીજું કશું જાણતા નથી તેઓ મૃત્યુ પામશે ત્યારે તેમને સારું સ્વપ્ન આવશે. જ્યાં સારાં શરીર પ્રાપ્ત થાય, ઇચ્છા મુજબ ખાવાનું મળે, નૃત્ય કરી શકાય, ભીંતની આરપાર જઈ શકાય અને કોઈવાર નીચે આવી કોઈને ચમકાવી દે એવાં સ્થળોનાં સ્વપ્નો તેમને આવશે.

અમારી પુરાણકથાઓમાં સ્વર્ગમાં વસતા દેવો છે અને તેમના જેવા જ પણ જરા વધારે દુષ્ટ એવા દેવકો છે. દેવો તમારા દેવદૂતો – ફિરસ્તાઓ – જેવા છે; માત્ર એમાંના કેટલાક સમયે સમયે દુષ્ટ બને છે અને માનવકન્યાઓ પ્રત્યે આકર્ષાય છે. અમારા દેવો આવાં કાર્યો માટે પ્રખ્યાત છે. એમની પાસેથી તમે શી અપેક્ષા રાખી શકો? એ અહીં દવાખાનાં બનાવનાર તરીકે છે અને બીજા મનુષ્યો કરતાં તેમની પાસે કશું વધારે જ્ઞાન નથી, તેઓ થોડું સારું કાર્ય કરે છે. તેને પરિણામે દેવ બને છે. નામ કે કીર્તિ કે કશા બદલાને માટે તેઓ સત્કર્મો કરે છે અને નામકીર્તિ મેળવે છે અને સ્વપ્ન સેવે છે કે આવાં સત્કર્મો કરતા પોતે સ્વર્ગમાં છે.

પછી આ જીવનમાં દુષ્કૃત્યો કરનારા રાક્ષસો છે. પણ અમારાં શાસ્ત્રો કહે છે કે આ સ્વપ્નો લાંબો સમય નથી ચાલતાં અને પછી એ સર્વ પાછા આવી મનુષ્યપ્રાણીઓ તરીકે જૂનાં સ્વપ્નો ફરી સેવશે કે કદાચ એથીયે વધારે બૂરા હાલ ભોગવશે. એટલે આ ગ્રંથો મુજબ દરેક સમજદાર અને યોગ્ય વિચારશક્તિવાળા મનુષ્ય માટે સ્વર્ગ અને નરક જેવા મૂર્ખ વિચારોને કાયમને માટે હડસેલી મૂકવા તે જ યોગ્ય છે.

જગતમાં બે બાબતો છે – સ્વપ્ન અને સત્ય. આપણે જેને જીવન કહીએ છીએ તે સ્વપ્નોની પરંપરા – સ્વપ્નમાં સ્વપ્ન – છે. એક સ્વપ્ન સ્વર્ગ તરીકે ઓળખાય છે, એક પૃથ્વી કહેવાય છે, એક વળી નરક, એ પ્રમાણે. એક સ્વપ્ન મનુષ્યદેહ કહેવાય છે, બીજું પશુદેહ અને એ પ્રમાણે – બધાં સ્વપ્નો છે. બ્રહ્મ સત્ય છે, જે સચ્ચિદાનંદ છે.

તે ગુરુ છે – ઋષિ છે જે આ બધાં સ્વપ્નો ખંખેરી નાખવા માગે, તટસ્થ રહી પોતાની પ્રકૃતિને જાણવા માગે – આ આત્મસંમોહનની પાર જવા ઇચ્છે.

ઇચ્છા કરતી વખતે આપણે જાતનું સંમોહન કરતા હોઈએ છીએ. હું સ્વર્ગે જવાની ઇચ્છા કરું તેવો જ આ સંમોહનનો ભોગ બનું છું અને મૃત્યુ પછી સીધો સ્વર્ગમાં ગયો હોઉં તેમ મને લાગવા માંડે છે અને દેવદૂતો વગેરેનાં દર્શન કરું છું, મોતને ઉંબરેથી પાછા આવેલા પચાસેક માણસોને હું મળ્યો છું અને એ સૌએ પોતે સ્વર્ગે ગયા હોવાની વાત કરી છે. આ સઘળી અમારા દેશની પુરાણકથાઓ છે અને એ સર્વ સંમોહન છે તે સ્પષ્ટ છે.

પાશ્ચાત્ય લોકો ભૂલ કરે છે તે અહીં. તમે આ સ્વર્ગનરકના ખ્યાલ સેવો છો ત્યાં સુધી અમે તમારી સાથે છીએ. પણ તમે કહો છો કે આ ભૂલોક સત્ય છે. એ બની શકે નહીં. આ ભૂલોક સત્ય હોય તો સ્વર્ગો અને નરકો પણ સત્ય છે, કારણ કે આ દરેકની સાબિતી એક જ છે. જો એક સંમોહનનો સંકેત હોય તો સઘળું જ તેવું છે.

સ્વર્ગ સંમોહનાત્મક છે એટલું જ નહીં પણ આ જીવન અને અહીંનું બધું જ સંમોહનાત્મક છે એમ વેદાંતીઓ કહે છે. કેટલાક લોકો એક સંમોહનાત્મક દશામાંથી બીજીમાં જવા માગે છે અને એ, આપણે જેમને જગતના મૂર્ખાઓ કહીએ છીએ તે – સંસારીઓ, એકથી બીજા સ્વપ્નમાં વિહાર કરતા પ્રવાસીઓ છે. પચાસ વર્ષ સુધી એ લોકો એવા ખ્યાલમાં જીવે છે કે પોતે પુરુષો કે સ્ત્રીઓ છે.

આત્મામાં પુરુષ કે સ્ત્રી હોય એ કેવું ધતીંગ છે? એ ભયંકર સંમોહન છે. આત્માને લિંગ કેવી રીતે હોઈ શકે? એ આત્મસંમોહન છે. તમે તમારી જાતને આત્મસંમોહિત કરો છો અને વિચારો છો કે તમે પુરુષ અથવા સ્ત્રી છો. આપણે મૂર્ખ હોઈશું તો આપણે આપણી જાતને સંમોહિત કરીશું, સ્વર્ગમાં જવા ઝંખીશું અને દેવદેવીઓ વિશે આ બધું ધતીંગ સાંભળવા માગીશું, ઘૂંટણિયે પડી પ્રાર્થના કરીશું અને સિંહાસનારૂઢ લાખ્ખો દેવદેવીઓની ઉપાસના કરવા માગીશું અને અંતે આપણે આપણી જાતને સંમોહિત કરવી પડશે.

આપણે સૌ અહીં એક જ નાવમાં છીએ અને એક જ નાવમાં હોઈ એકમેકને મળીએ છીએ. બાજુએ ઊભા રહો – મુક્ત, સ્વપ્નોની અને સંમોહનની પાર. કેટલાક મૂર્ખોએ જાતને એવી સંમોહિત કરી છે કે પોતાને દેહ છે, પત્નીઓ છે અને બીજું બધું છે. હું પણ મૂર્ખ છું અને મારી જાતને મેં સંમોહિત કરી છે કે મને ઇન્દ્રિયો અને બીજું બધું છે. એટલે આપણે સૌ એક જ નાવમાં છીએ અને એકબીજાને મળીએ છીએ. આપણે જેમને ભેગા સાંભળતા સ્પર્શતા ન હોઈએ તેવા લાખ્ખો લોકો અહીં હોય છે. સંમોહન સ્થિતિમાં, ત્રણ પુસ્તકો હોય પણ તમને સંમોહિત કરી કહેવામાં આવે કે એમાંનું એક છે જ નહીં, તમે એ દશામાં એક વર્ષ રહો અને કદી એ પુસ્તકને જુઓ જ નહીં. અને ધારો કે ત્રીસ માણસો એક જ સંમોહક અસર હેઠળ છે અને આ પુસ્તક નથી તેમ એમને કહેવામાં આવ્યું છે. એ દશામાં હશે તે એ પુસ્તકને જોવામાં સફળ નહીં જ થાય. પુરુષો, સ્ત્રીઓ, પશુઓ સૌ સંમોહિત થયેલાં છે અને સૌ આ સ્વપ્ન જુએ છે કારણ કે સૌ એક જ નાવમાં છે.

માનસિક, ભૌતિક, નૈતિક – આ સમગ્ર વિશ્વ સંમોહક છે એમ વેદાંત કહે છે. આ સંમોહનનું કારણ કોણ છે? તમે જાતે જ જવાબદાર છો. આ રડવું, કકળવું, ભીંત સામે માથાં પછાડવાં વગેરે કશો લાભ કરનાર નથી.

પરંતુ (સંમોહક છે તે) સર્વને માથા સાથે અફાળવાથી નિર્મોહ ઉત્પન્ન થાય છે; અને વધારે ને વધારે સંમોહનને વળગી રહેવું તે મોહ છે. એથી તો બધા ધર્મો સંસારત્યાગની વાત કરે છે, ભલે ઘણા તે સમજતા નથી. તેઓ પોતે જંગલમાં ભૂખે રહેવા ટેવાયેલા હતા અને તેમના પર આવી પડતું અનિષ્ટ તો જુઓ,

ભારતના જાદુગરો વિશેની ચમત્કારિક વાતો તમે સાંભળી હશે – જમીન પરથી આકાશે પહોંચતું દોરડું પ્રેક્ષકને દેખાડે એવા કોઈ જાદુગરને મેં જોયો નથી. શહેનશાહ જહાંગીર એનો ઉલ્લેખ કરે છે – ‘અલ્લાહ, આ સેતાન શું કરે છે? એક દોરડું કે સાંકળ લઈ એને અદ્ધર ફેંકે અને એ ઊંચે ને ઊંચે ચડી દૃઢ થઈ જાય – જાણે ઉપર કશાક સાથે એને બાંધી દીધેલ હોય. પછી એ સાંકળ પર એક બિલાડી ઉપર ચડાવે, પછી કૂતરાને, પછી વરુને, પછી વાઘને અને પછી સિંહને ચડાવે. બધાં ઉપર જઈ અદૃશ્ય થઈ જાય. કોઈક વાર એ માણસોને પણ ચડાવે. બે માણસો ઉપર જઈ લડવા લાગે અને અદૃશ્ય થઈ જાય. થોડીવાર પછી તમને લડવાનો અવાજ સંભળાય – ને પછી એક માથું, એક હાથ, એક પગ પડે અને યાદ રાખજો, ત્યાં બેત્રણ હજાર પ્રેક્ષકો હોય. જાદુગરે તો માત્ર લંગોટી વીંટી હોય.’ પ્રેક્ષકો ઉપર જાણે કે જાળ નાખી – લોકો આને સંમોહન કહે છે.

પોતાની વિદ્યાને તેઓ આમ ઓળખાવે છે. એનું અસ્તિત્વ અમુક મર્યાદામાં હોય છે. પણ એ મર્યાદાને ઓળંગો કે તમને એ દેખાતું નથી. ક્રીડા કરનાર એ જોતો નથી. એટલે તમે એની પાસે ઊભા રહો તો તમને પણ કશું ન દેખાય. અહીં એવું સંમોહન છે.

એટલે કાં તો આપણે પહેલાં એ કુંડાળામાંથી બહાર નીકળવું જોઈએ (જ્ઞાન) અથવા સંમોહનના કુંડાળામાં (ભક્તિ) ઈશ્વરની સાથે જઈ ઊભા રહેવું જોઈએ; ઈશ્વર મહાન લીલા કરનાર છે, એ આ બધી લીલા કરે છે, એ આખા વિશ્વનો પ્રક્ષેપ કરે છે.

અધ્યાય ઉપર અધ્યાય આવે અને જાય. આ સર્વ મહાન વસ્તુઓ પેદા કરનાર એ શક્તિ માયા કહેવાય છે. માયાનો અધિષ્ઠાતા ઈશ્વર છે અને માયાથી શાસિત તે (જીવ) છે. પેલા જાદુઈ દોરડાની માફક કેન્દ્રમાં ઊભેલા માણસ પાસે શક્તિ હોઈ તે સંમોહિત થયો ન હતો પણ બધા પ્રેક્ષકો માયાને વશ હતા. આમ આત્માનો જે અંશ માયાને વશ રાખે છે તે પરમાત્મા કહેવાય છે અને એના સંમોહિત અંશો જીવાત્મા – તમે અને હું છીએ.

ભક્ત કહે છે કે લીલા કરનારની વધારે ને વધારે નિકટ જાઓ અને તમે કેંદ્રે પહોંચશો ત્યારે તમને કશું નહીં દેખાય. તમે એનાથી મુક્ત થઈ જશો.

જ્ઞાની આ બધી ઉપાધિમાં પડતો નથી – એ દુષ્કર માર્ગ છે. માણસ પાગલ ન થાય તો કાદવથી ખરડાયેલો માણસ એ કાદવ ધોવાને વધારે કાદવ લેશે? તો સંમોહન શા માટે વધારવું? કુંડાળું તોડી બહાર નીકળો અને મુક્ત બનો. મુક્ત થશો ત્યારે તમે ક્રીડા કરી શકશો અને જાતે પકડાશો નહીં. અત્યારે તમે પકડાયેલા છો, પછી તમે પકડશો – એ મોટો ફરક પડશે.

માટે આ શાસ્ત્રના પ્રથમ ભાગમાં આપણને કહેવામાં આવ્યું છે કે આપણે સ્વર્ગનો અથવા જન્મમૃત્યુ વગેરેનો વિચાર છોડી દેવો જોઈએ. તે બકવાસ છે; કોઈ મનુષ્ય ક્યારેય જન્મ્યો નથી કે મૃત્યુ પામ્યો નથી. તેઓ બધા સંમોહિત છે. આમ જીવન શાશ્વત છે અને બાકીનું બધું બકવાસ. સ્વર્ગ એ સંમોહન છે, પૃથ્વી પણ તેમ જ.

ભૌતિકવાદીઓ કહે છે કે સ્વર્ગ વહેમ છે, ઈશ્વર વહેમ છે પણ પોતે વહેમ નથી – પણ તેમ નથી; સાંકળની એક કડીનું અસ્તિત્વ ન હોય તો આખી સાંકળ જ ન હોય. આખી સાંકળનું અસ્તિત્વ એક કડી પર જ પૂરું આધારિત છે.

સ્વર્ગ નથી તો પૃથ્વી નથી અને ઈશ્વર નથી તો મનુષ્ય પણ નથી. તમે સંમોહન હેઠળ છો અને તેમ છો ત્યાં લગી તમારે ઈશ્વરને, પ્રકૃતિને અને જીવાત્માને જોવાં જ પડશે અને તમે સંમોહનની પાર જશો ત્યારે ઈશ્વર (સ્વામીજી અહીં વ્યક્ત ઈશ્વરની વાત કહે છે.) ઊડી જશે અને પ્રકૃતિ તથા જીવાત્મા પણ ઊડી જશે.

એટલે સૌ પ્રથમ ઈશ્વરના, સ્વર્ગના અને આ બધાંના ભોગફળના બધા ખ્યાલો તજી દેવા પડશે; ને સ્વર્ગે જવું તે માત્ર સ્વપ્ન રહેશે.

આ દર્શાવ્યા પછી આ સંમોહનમાંથી શી રીતે મુક્ત થવું તે આ શાસ્ત્ર દર્શાવે છે. તે આ બધા વિચારોમાંથી તરી આવતો વિચાર છે વિશ્વાત્મા સાથે એકરૂપ થવાનો. આવિષ્કૃત વિશ્વાત્મા આમાંનું કશું જ નથી; આ બધું ધતીંગ છે, માયા છે. (માયાનાં બે લક્ષણો સ્વામીજી ચર્ચી રહ્યા છે. આ અગાઉ એમણે માયાનો ઉલ્લેખ બ્રહ્મની શક્તિ તરીકે કર્યો હતો, અહીં સંસારના સ્વરૂપ સાથે કરે છે.) પરંતુ જેના ઉપર આ બધી લીલા થઈ રહી છે, જે પીઠિકા સાથે આપણે એકરૂપ છીએ, તમે જેની સાથે એકરૂપ છો તેનો સાક્ષાત્કાર તમારે કરવો જોઈએ.

એમણે બે શબ્દો આપ્યાઃ બૌદ્ધિક જ્ઞાન અને સાક્ષાત્કાર. અર્થાત્ બૌદ્ધિક અનુમોદન આ સાક્ષાત્કારમાં છે અને સાક્ષાત્કાર એની પાર છે. એટલે માત્ર બૌદ્ધિક અનુમોદન પૂરતું નથી.

આ સિદ્ધાંત સાચો છે એમ દરેક કહી શકે છે પણ એ સાક્ષાત્કાર નથી; મનુષ્યે સાક્ષાત્કાર કરવો જ જોઈએ. આ સંમોહન છે તે સમજીએ છીએ તેમ આપણે સૌ કહી શકીએ પણ એ સાક્ષાત્કાર નથી. સંમોહન તૂટે, ભલે એક પળ માટે પણ ત્યારે જ એ બની શકે. એનો ઝબકારો થાય. એ આવવો જ જોઈએ. પ્રયત્ન કરો, એ આવશે જ.

એ દૂર થતાંની સાથે બધું દેહભાન એની સાથે જતું રહેશે. લિંગભાન જતું રહેશે. જાણે દીવો બુઝાઈ ગયો. પછી તમારું શું થશે? તમારા કર્મનો કોઈ અંશ રહી ગયો હશે તો આ સંસાર ફરી આવશે. પણ એનું જોર ઓછું હશે. એ શું છે તે તમે જાણો છો; પછી તમને કશું બંધન નહીં રહે. તમારે આંખ છે એટલે તમે જોશો અને કાન છે એટલે સાંભળશો, પણ એટલા જોરથી નહીં.

મૃગજળ વિશે મેં ખૂબ વાંચ્યું હતું પણ એ કદી જોયું ન હતું, પણ આશરે ચાર વર્ષ પહેલાં હું પશ્ચિમ હિંદમાં પ્રવાસ કરતો હતો ત્યારે મેં તે જોયું. સંન્યાસી હોઈ હું પગે ચાલીને ફરતો હતો અને થોડું થોડું અંતર કાપતો હતો. એટલે એ પ્રદેશમાં ફરતાં મને લગભગ એક માસ લાગ્યો હતો. દરરોજ હું સુંદર સરોવરો, એમના તટ પરનાં વૃક્ષોનાં પ્રતિબિંબો અને પવનમાં બધું ડોલતું હું જોતો. ઊડતાં પંખીઓ અને પશુઓ પણ દેખાતાં. રોજ હું આ જોતો ને એ દેશ કેટલો સુંદર છે એમ માનતો. પણ કોઈ ગામડે હું પહોંચ્યો ત્યારે મેં જોયું કે એ બધું રેતી હતી. મને થયું, આમ કેમ?

એક દિવસ મને ખૂબ તરસ લાગી અને મને થયું કે હું સરોવર પાસે જઈ પાણી પીઉં. પણ પાસે ગયો તો એ અદૃશ્ય થઈ ગયું અને મારા મનમાં ઝબકારો થયોઃ ‘આખી જિંદગી જેને વિશે હું વાંચતો આવ્યો હતો તે મૃગજળ આ છે.’ પરંતુ વિચિત્ર વાત એ હતી કે એક મહિનાથી હું ચાલચાલ કરતો હતો પણ આ મૃગજળ છે તે સમજી શકતો ન હતો – અને એક ક્ષણમાં એ અદૃશ્ય થઈ ગયું. આખી જિંદગી વાંચતો હતો તે મૃગજળ આ છે તે જાણી હું ખૂબ ખુશ થયો.

બીજી સવારે મને ફરી સરોવર દેખાયું અને તે સાથે જ ખ્યાલ આવ્યો કે ‘આ મૃગજળ છે.’ આખા મહિનાથી હું એ જોતો હતો પણ વાસ્તવિકતા અને મૃગજળ વચ્ચેનો ભેદ સમજી શકતો ન હતો. પણ તે પેલી એક ક્ષણમાં એ ભેદ અદૃશ્ય થઈ ગયો. તે સમયબાદ હું જ્યારે મૃગજળ જોઉં તો હું કહીશ કે ‘તે મૃગજળ છે’ અને ત્યારે હું ભ્રમિત નહિ થાઉં. આ એ સંસાર માટે હશે – જ્યારે આખી વસ્તુ એક વખત અદૃશ્ય થઈ જશે અને પછી જો તમારે કર્મો ભોગવવા માટે જીવતા રહેવાનું હશે ત્યારે તમે છેતરાશો નહિ.

બે પૈડાંવાળી ગાડીનો દાખલો લઈએ. ધારો કે એક પૈડું હું એની ધરીથી જુદું કરી નાખું છું. પોતાની ગતિના જોરે બાકીનું પૈડું થોડાં ચક્કર ફરશે અને પછી બંધ પડી જશે. દેહ એક પૈડું છે અને આત્મા બીજું પૈડું છે અને એ બંને ભ્રમની ધરીથી જોડાયેલાં છે. જ્ઞાનની કુહાડી એ ધરીને તોડશે પછી આત્મા તરત જ થંભી જશે – બધાં મિથ્યા સ્વપ્નો તજી દેશે.

પણ દેહમાં પૂર્વકાલીન ગતિ છે અને એ થોડું દોડશે, આ અને તે કાર્ય કરશે અને પછી એ અટકી જશે. પણ ગતિ સારી હશે તો જ એ રહેશે અને એવું શરીર જ સત્કૃત્ય કરી શકે. બદમાશને મુક્ત માનવી સમજવાની ભૂલ નહીં કરવાની તમને આ ચેતવણી છે. મુક્ત માનવી માટે ખોટું કરવું અશક્ય છે. એટલે તમે છેતરાતા નહીં.

તમે મુક્ત બનો ત્યારે બધું સંમોહન દૂર થઈ જાય છે અને સત્ય અને મૃગજળ વચ્ચેનો ભેદ તમે પારખી શકો છો, પછી મૃગજળ જરાય બંધનકર્તા નહીં રહે. ભયંકરમાં ભયંકર બાબતોથી પણ તમે ભય નહીં પામો. ભલે તમારી ઉપર પહાડ પડે, તમે એની પરવા જ નહીં કરો. તમે જાણશો જ કે એ મૃગજળ છે. (2.223)

Total Views: 290
૫. બ્રહ્માંડ (વ્યષ્ટિ)
૭. આત્મા