(ફેબ્રુઆરી ૨, ૧૮૯૬)

તમારામાંના ઘણાખરાએ મૅક્સમૂલરનું પેલું વિખ્યાત પુસ્તક ‘વેદાંત ફિલસૂફી પરનાં ત્રણ પ્રવચનો’ વાંચ્યું હશે અને તમારામાંના કેટલાકે કદાચ એ જ ફિલસૂફી ઉપરનું જર્મન ભાષામાં લખેલું પ્રૉફેસર ડોયસનનું પુસ્તક પણ વાંચ્યું હશે. ભારતના ધાર્મિક વિચારો વિષે પશ્ચિમમાં જે કાંઈ લખવામાં અને શીખવવામાં આવે છે, તેમાં ભારતીય વિચારનો એક સંપ્રદાય કે જે અદ્વૈતવાદ કહે છે તે, મુખ્યત્વે કરીને રજૂ કરવામાં આવે છે; અને કેટલીક વાર એમ માની લેવામાં આવે છે કે વેદનો સઘળો ઉપદેશ તત્ત્વજ્ઞાનની એ એક જ પદ્ધતિમાં સમાઈ ગયો છે. છતાં કહેવું જોઈએ કે ભારતીય વિચારનાં વિવિધ પાસાં પણ છે; અને બીજાં પાસાંની સાથે સરખાવતાં આ અદ્વૈતવાદ કદાચ લઘુમતીમાં છે. અતિ પ્રાચીન કાળથી ભારતમાં દાર્શનિક વિચારના વિવિધ સંપ્રદાયો થયા છે; અને કોઈ વ્યવસ્થિત કે સર્વસ્વીકૃત એક ધર્મસંપ્રદાય અથવા દરેક સંપ્રદાયે માનવાના સિદ્ધાંતો નક્કી કરી આપનાર મનુષ્યોનું કોઈ મંડળ કદી પણ અસ્તિત્વ ધરાવતું ન હોવાને લીધે સહુ કોઈ પોતાને મનગમતી પદ્ધતિ પસંદ કરવા, પોતાનું આગવું દર્શન રચવા અને પોતાના સંપ્રદાયો સ્થાપવા સ્વતંત્ર હતા. તેથી આપણે જોઈએ છીએ કે અતિ પ્રાચીન કાળથી જ ભારત વિવિધ ધર્મસંપ્રદાયોથી ભરપૂર હતું. વર્તમાન સમયમાં પણ અમારા ભારતમાં કેટલા સેંકડોબંધ સંપ્રદાયો ફાલતા હશે અને વરસે વરસે નવા ને નવા કેટલા અસ્તિત્વમાં આવતા અને જતા હશે, તેની મનેય બરાબર ખબર નથી. એમ લાગે કે ભારતીય પ્રજાની ધાર્મિક પ્રવૃત્તિ અખૂટ છે.

આ સઘળા વિવિધ સંપ્રદાયોના પ્રથમ તો બે મુખ્ય વિભાગો પાડી શકાયઃ આસ્તિક અને નાસ્તિક. હિંદુઓનાં ધર્મશાસ્ત્રો એટલે કે વેદોને જેઓ સત્યના સનાતન પ્રકાશ તરીકે માને છે તેઓ આસ્તિક કહેવાય છે અને જેઓ વેદોનો અસ્વીકાર કરીને બીજાં પ્રમાણો પર આધાર રાખે છે તેઓ ભારતમાં નાસ્તિક ગણાય છે. આધુનિક સમયમાં મુખ્ય નાસ્તિક હિંદુ સંપ્રદાયો જૈનો અને બૌદ્ધો છે. આસ્તિકોમાં પણ કેટલાકો કહે છે કે ધર્મશાસ્ત્રોનું પ્રમાણ તર્ક કરતાંય વધારે મોટું છે, જ્યારે બીજો વર્ગ કહે છે કે ધર્મગ્રંથોનો જે વિભાગ તર્કસંમત હોય તેટલો જ સ્વીકાર્ય ગણવો અને બાકીનો છોડી દેવો.

સાંખ્યો, નૈયાયિકો અને મીમાંસકો એવાં ત્રણ આસ્તિક દર્શનો પૈકી પહેલાં બે તત્ત્વવિચારક શાખાઓ તરીકે અસ્તિત્વમાં હોવા છતાં પોતાના સંપ્રદાય બનાવી શક્યાં નહિ. જે એક માત્ર સંપ્રદાય અત્યારે ભારતને આવરે છે તે ઉત્તર-મીમાંસકો એટલે કે વેદાંતીઓનો છે. તેમની ફિલસૂફી વેદાંતદર્શન કહેવાય છે. હિંદુ તત્ત્વજ્ઞાનની સઘળી શાખાઓ વેદાંત અથવા ઉપનિષદોમાંથી શરૂ થાય છે; પરંતુ અદ્વૈતવાદીઓએ એ નામ પોતાની વિશિષ્ટતા તરીકે અપનાવી લીધું, કારણ કે તેમનો ઇરાદો પોતાનું સમગ્ર તત્ત્વજ્ઞાન અને દર્શન વેદાંત પર જ આધારિત કરવાનો હતો; વેદાંત સિવાય બીજા કશા પર નહિ. કાળે કરીને વેદાંત પ્રબળ બન્યું અને અત્યારે ભારતમાં જે સંપ્રદાયો છે તે બધા વેદાંતની એક યા બીજી શાખાઓ સાથે જોડાયેલા બતાવી શકાય છે. જો કે આ શાખાઓ પોતાના અભિપ્રાયોમાં એકમત નથી.

વેદાંતીઓમાં ત્રણ મુખ્ય વિભાગો આપણે જોઈ શકીએ છીએ. એક મુદ્દા પર એ બધા એકમત છે; તે એ છે કે એ બધા ઈશ્વરમાં માને છે. આ બધા વેદાંતીઓ વેદો ઈશ્વરની વાણી છે, એ પણ માને છે; જો કે ખ્રિસ્તીઓ અને મુસલમાનો માને છે તે જ અર્થમાં કદાચ નહિ; પરંતુ એક અતિ વિશિષ્ટ અર્થમાં. તેમની કલ્પના એવી છે કે વેદો ઈશ્વરીય જ્ઞાનનો પ્રકાશ છે; અને ઈશ્વર નિત્ય છે એટલે તેનું જ્ઞાન પણ નિત્ય તેની સાથે જ હોય છે, તેથી વેદો નિત્ય છે. માન્યતાની એક બીજી સમાન ભૂમિકા છે કલ્પ પ્રમાણે સૃષ્ટિની ઉત્પત્તિની. સમસ્ત સૃષ્ટિનો આવિર્ભાવ થાય છે અને તિરોભાવ થાય છે; એ પ્રકટ થાય છે અને સ્થૂળ અને વધુ સ્થૂળ થતી જાય છે અને એક ગણનાતીત કાળને અંતે તે સૂક્ષ્મ અને વધુ સૂક્ષ્મ થતી થતી અદૃશ્ય થઈને શમી જાય છે. ત્યાર પછી વિશ્રાંતિનો ગાળો આવે છે. વળી પાછી તે પ્રકટ થવા માંડે છે અને એ જ પ્રક્રિયા પાછી ચાલે છે. એ લોકો બે તત્ત્વોનું અસ્તિત્વ માને છે; એક આકાશ નામનું તત્ત્વ કે જે વૈજ્ઞાનિકોના ‘ઈથર’ને મળતું કંઈક છે અને બીજું છે શક્તિ કે જેને તેઓ પ્રાણ કહે છે. આ પ્રાણની બાબતમાં તેઓ એમ કહે છે કે તેના કંપનથી વિશ્વ ઉત્પન્ન થાય છે. જ્યારે કલ્પ પૂરો થાય છે ત્યારે સૃષ્ટિની આ બધી અભિવ્યક્તિઓ સૂક્ષ્મ અને વધુ સૂક્ષ્મ થતી જાય છે અને છેવટે તે આકાશમાં લય પામી જાય છે. એ આકાશને દેખી કે અનુભવી ન શકાય, પણ તેમાંથી જ બધું બને છે. પ્રકૃતિમાં જે જે બધાં બળો આપણે જોઈએ છીએ – ગુરુત્વાકર્ષણ, આકર્ષણ અને અપાકર્ષણ અથવા વિચાર, સંવેદન અને જ્ઞાનતંતુઓની ગતિ – વગેરે બધાં વિવિધ બળો જ્યારે તે પ્રાણમાં સમાઈ જાય છે, ત્યાર પછી પ્રાણનું કંપન બંધ પડે છે. નવા કલ્પના આરંભ સુધી તે અવસ્થામાં જ રહે છે; ત્યાર પછી નવી પ્રાણશક્તિનું કંપન શરૂ થાય છે અને આકાશતત્ત્વ પર એ કંપન ક્રિયા કરવા લાગે છે, એટલે આ બધાં રૂપો નિયમિત ક્રમમાં પાછાં બહાર નીકળવા માંડે છે.

વેદાંતની જે પ્રથમ શાખાનું હું તમારી પાસે નિરૂપણ કરીશ તેને દ્વૈતમત કહેવામાં આવે છે. દ્વૈતવાદીઓ માને છે કે જગતનો કર્તા અને શાસક ઈશ્વર, પ્રકૃતિથી સદા અલગ છે, માનવ આત્માથી સદા અલગ છે. ઈશ્વર નિત્ય છે, પ્રકૃતિ નિત્ય છે, તેમજ જીવો પણ નિત્ય છે. પ્રકૃતિ અને જીવોની અભિવ્યક્તિ અને પરિવર્તન થાય, પરંતુ ઈશ્વર અવિકારી જ રહે છે. વળી દ્વૈતવાદીઓના મત મુજબ આ ઈશ્વર વ્યક્તિરૂપ છે કારણ કે તેનામાં ગુણો છે; પણ તે સાકાર નથી. તેનામાં માનવ ગુણો છે; તે દયાળુ છે, ન્યાયી છે, સર્વશક્તિમાન છે, બળવાન છે, તેની પાસે જઈ શકાય છે કે તેની પ્રાર્થના થઈ શકે છે, તેની સાથે પ્રેમ કરી શકાય છે અને પ્રેમના બદલામાં તે પ્રેમ આપે છે, વગેરે વગેરે. એક શબ્દમાં કહીએ તો તે માનવીય ઈશ્વર છે, માત્ર માનવ કરતાં અનંતગણો મોટો અને માનવના દુર્ગુણો રહિત. ‘અશેષકલ્યાણ ગુણસંપન્ન’ એ તેની વ્યાખ્યા છે. ઉપાદાન વિના તે સૃષ્ટિ રચી ન શકે; તેથી જે ઉપાદાનમાંથી તે સમસ્ત વિશ્વને ઉત્પન્ન કરે છે તે છે પ્રકૃતિ. કેટલાક અવેદાંતી દ્વૈતવાદીઓ છે, તેમનું નામ છે ‘પરમાણુવાદીઓ’. તેઓ માને છે કે પ્રકૃતિ એટલે અસંખ્ય પરમાણુઓનો સમૂહ, બીજું કાંઈ જ નહિ અને ઈશ્વરની ઇચ્છા એ પરમાણુઓ ઉપર ક્રિયા કરે એટલે સૃષ્ટિ પેદા થાય. વેદાંતીઓ એ મતનો વિરોધ કરે છે; તેઓ કહે છે કે એ સાવ અતાર્કિક છે. અવિભાજ્ય અણુઓ ભૂમિતિના બિંદુ જેવાં છે – તેમને કદ નથી, તેમના ભાગ પડી ન શકે. પરંતુ ભાગ કે કદ વિનાની કોઈપણ વસ્તુને અનંતવાર ગુણો તો પણ તે તેની તે જ રહેવાની. જે કોઈ વસ્તુને કોઈપણ ભાગ કે અવયવો ન હોય તે વસ્તુ સાવયવ બની જ ન શકે; શૂન્યોને ગમે તેટલી મોટી સંખ્યામાં ઉમેરવામાં આવે, પણ તેથી કોઈ સંખ્યા કદી બને જ નહિ. તેથી જો આવા પરમાણુઓને અવયવો અગર તો કદ ન હોય, તો આવા પરમાણુઓમાંથી જગતની ઉત્પત્તિ અશક્ય છે. તેથી વેદાંતી દ્વૈતવાદીઓના મત પ્રમાણે જેને તેઓ અચેતન કે અવ્યક્ત કહે છે તેવી પ્રકૃતિમાંથી ઈશ્વર વિશ્વને સર્જે છે. ભારતની પ્રજાનો ઘણો મોટો ભાગ દ્વૈતવાદીઓ છે. માનવ સ્વભાવ સાધારણ રીતે તેથી વધારે ઉચ્ચ કક્ષાની કલ્પના કરી શકે નહિ. આપણે જોઈએ છીએ કે ધર્મમાં માનતી પૃથ્વીની વસ્તીનો નેવું ટકા ભાગ દ્વૈતવાદી છે. યુરોપ અને પશ્ચિમ એશિયાના સઘળા ધર્મો દ્વૈતવાદી છે; તેમને તેવા થવું જ પડે છે. સાધારણ માનવી સ્થૂળ ન હોય તેવા કશાનો વિચાર ન કરી શકે. સાહજિક રીતે જ જેને તેની બુદ્ધિ ગ્રહણ કરી શકે એવા કંઈકને તે વળગવા ઇચ્છે છે. એનો અર્થ એ કે વધુ ઉચ્ચ આધ્યાત્મિક વિચારોને માત્ર તે પોતાની ભૂમિકાએ ઊતરવાથી જ સમજી શકે; અવ્યક્ત ગૂઢ વિચારોને માત્ર સ્થૂળ સ્વરૂપ આપવાથી જ તે પકડી શકે. આખા વિશ્વમાં આ દ્વૈતવાદ સામાન્ય જનતાનો ધર્મ છે. તે એક એવા ઈશ્વરમાં માને છે કે જે તેમનાથી સંપૂર્ણ રીતે અલગ, એક મોટો રાજા, એક ઉચ્ચ વ્યક્તિ, જાણે કે કોઈ સમર્થ સમ્રાટ હોય. તે સાથે જ એ લોકો તેને દુનિયા પરના સમ્રાટો કરતાં વધુ પવિત્ર કલ્પે છે. તેઓ તેનામાં બધા શુભ ગુણોનું જ આરોપણ કરે છે અને બધા અશુભ ગુણોથી રહિત કલ્પે છે. કેમ જાણે કે શુભગુણોનું અસ્તિત્વ અશુભ ગુણો સિવાય કદીયે સંભવિત હોય! કેમ જાણે કે અંધકારના ખ્યાલ સિવાય પ્રકાશનો કશોય ખ્યાલ હોઈ શકે!

બધા દ્વૈતવાદી સિદ્ધાંતોમાં પહેલી મુશ્કેલી આ છે કે ન્યાયી અને દયાળુ, અનંત શુભ ગુણોના ભંડારરૂપ ઈશ્વરના અમલમાં આ દુનિયામાં આટલાં બધાં અનિષ્ટો કેમ હોઈ શકે? આ પ્રશ્ન આમ તો બધા દ્વૈતવાદી ધર્મોની સામે ઊભો થયો; પણ તેના ખુલાસા રૂપે હિંદુઓએ કદી શેતાનને ઊભો ન કર્યો. હિંદુઓએ એકી અવાજે તેનો દોષ માણસ ઉપર નાખ્યો; તેમ કરવું એ તેમને માટે સાવ સહેલું હતું. શા માટે? કારણ કે મેં તમને હજી હમણાં જ કહ્યું તેમ હિંદુઓ જીવોની ઉત્પત્તિ શૂન્યમાંથી થઈ છે એમ માનતા નથી. જિંદગીમાં આપણે જોઈએ છીએ કે આપણે આપણું ભાવિ ઘડી શકીએ છીએ, આપણામાંનો દરેકેદરેક, રોજ રોજ, આપણી આવતીકાલને ઘડવાનો પ્રયાસ કરી રહ્યો છે. આવતીકાલનું ભાવિ આપણે આજે નક્કી કરીએ છીએ; પરમ દિવસનું ભાવિ આપણે આવતીકાલે નક્કી કરવાના; અને એ પ્રમાણે ચાલ્યા કરવાનું. હવે એ સાવ તર્કશુદ્ધ છે કે આ વિચારસરણીને પાછળ પણ ધકેલી શકાય. જો આપણે આપણાં પોતાનાં કર્મોથી જ આપણું ભાવિ ઘડતા હોઈએ, તો પછી એ જ નિયમ ભૂતકાળને પણ કાં ન લાગુ પાડવો? હવે એક અંત વિનાની સાંકળમાં જો અમુક કડીઓની વારાફરતી પુનરાવૃત્તિ થયા કરતી હોય અને તે કડીઓના એક સમુદાયનો જો ખુલાસો આપી શકાય, તો આખી સાંકળનો ખુલાસો પણ આપણે આપી શકીએ. તેથી કાળની આ અનંત લંબાઈમાંથી જો આપણે એક ભાગને અલગ પાડીને તેનો ખુલાસો આપીને સમજીએ, તો પછી પ્રકૃતિ એક સરખી છે એ જો સાચું હોય તો એ જ ખુલાસો કાળની આખી સાંકળને લાગુ પડવો જોઈએ. જો એ સાચું હોય કે આપણે અહીં આ જિંદગીના ટૂંકા ગાળામાં આપણું પોતાનું ભાવિ ઘડીએ છીએ, જો એ સાચું હોય કે આપણે અત્યારે જોઈએ છીએ તે મુજબ દરેક બાબતનું એક કારણ હોવું જ જોઈએ, તો પછી એ પણ સાચું જ હોવું જોઈએ કે આપણે અત્યારે જે છીએ તે આપણા સમગ્ર ભૂતકાળનું પરિણામ છીએ; તેથી માનવજાતનું ભાવિ ઘડવાને માનવ પોતે સિવાય બીજી કોઈ વ્યક્તિની આવશ્યકતા નથી. જગતમાં જે અનિષ્ટો છે, તે બીજા કોઈથી નહિ પણ આપણા પોતાથી જ પેદા થયેલાં છે. આ બધાં અનિષ્ટોનું કારણ આપણે પોતે છીએ; અને જેમ આપણે કાયમ જોઈએ છીએ કે દુષ્ટ કર્મોમાંથી દુઃખ નીપજે છે, તો તે જ પ્રમાણે આપણે એ પણ જોઈ શકીએ કે દુનિયામાંનું ઘણા ભાગનું દુઃખ માનવની ભૂતકાળની દુષ્ટતાનું જ ફળ છે. તેથી આ સિદ્ધાંત મુજબ માત્ર માણસ જ બધાને માટે જવાબદાર છે; ઈશ્વરનો કશો દોષ નથી, તે નિત્ય-દયાળુ પિતાનો મુદ્દલ વાંક નથી. એ તો ‘વાવીએ તેવું લણીએ.’

દ્વૈતવાદીઓનો બીજો વિશેષ સિદ્ધાંત એ છે કે અંતે દરેક જીવનની મુક્તિ થવાની જ; કોઈ બાકી રહેવાનો નથી. વિવિધ પ્રકારની તડકી છાંયડીમાં થઈને, જાતજાતનાં દુઃખો ને સુખોમાંથી પસાર થઈને દરેકેદરેક જીવ અંતે બહાર નીકળી જ જવાનો. આ બહાર નીકળી જવાનું શેમાંથી? હિંદુઓના તમામ સંપ્રદાયોમાં એક સર્વસામાન્ય ખ્યાલ પ્રવર્તે છે; તે એ કે તમામ જીવોએ આ સંસારમાંથી છૂટવાનું છે. આપણે જેને જોઈએ છીએ અને અનુભવીએ છીએ તે જગત કે કાલ્પનિક જગત પણ ખરું કે સાચું હોઈ શકે નહિ, કારણ કે બન્ને સારાનરસાથી મિશ્રિત થઈ રહેલાં છે. દ્વૈતવાદીઓના મત મુજબ આ સંસારથી પર એક એવું સ્થાન છે કે જે કેવળ આનંદ અને મંગલથી જ ભરેલું છે; એ સ્થાને પહોંચ્યા પછી વારેવારે જન્મ લેવાની, જીવવાની ને મરવાની જરૂર નહિ રહે. આ કલ્પના તેમને બહુ જ પ્રિય છે. ત્યાં રોગ નહિ, તેમ મૃત્યુ પણ નહિ; ત્યાં શાશ્વત સુખ જ હોવાનું. ત્યાં કાયમને માટે ઈશ્વરની સમીપ રહેવાનું અને હંમેશાં તે સમીપતાનો આનંદ માણવાનો. તેઓ માને છે કે ક્ષુદ્રમાં ક્ષુદ્ર કીડાથી લઈને ઉચ્ચમાં ઉચ્ચ દેવદૂતો અને સ્વયં દેવતાઓ સુધી સહુ વહેલા કે મોડા, જ્યાં ભવિષ્યમાં કદી દુઃખ નહિ હોય તેવા લોકમાં જવાના. પરંતુ આપણા સંસારનો કદી અંત નથી; એ તો અનંતકાળથી, જો કે તરંગગતિએ ચાલ્યા જ કરે છે. કલ્પક્રમમાં ચાલ્યા કરવા છતાં તેનો અંત જ નથી. જેમનો ઉદ્ધાર થવાનો છે, જેઓ પૂર્ણત્વને પામવાના છે, તેવા જીવોની સંખ્યા અનંત છે. કેટલાક વનસ્પતિમાં છે, કેટલાક નીચલી પશુ કોટિમાં છે, કેટલાક મનુષ્યોમાં છે, કેટલાક દેવોમાં છે; પરંતુ એ બધા ઉચ્ચમાં ઉચ્ચ દેવો સુધ્ધાં અપૂર્ણ છે, બંધનમાં છે.

હવે એ બંધન કયું છે? જન્મ લેવાની અને મૃત્યુ પામવાની અનિવાર્યતા. ઉચ્ચમાં ઉચ્ચ દેવો સુધ્ધાં મૃત્યુ પામે છે. આ દેવો શું છે? દેવોનો અર્થ છે અમુક સ્થિતિઓ, અમુક હોદ્દાઓ. ઉદાહરણાર્થ ઇન્દ્ર, દેવોનો રાજા ઇન્દ્ર, એ એક હોદ્દો છે. ઘણો જ ઉચ્ચ કોટિનો કોઈક જીવ આ કલ્પમાં ઇન્દ્રની પદવીએ પહોંચ્યો અને આ કલ્પ પૂરો થયા પછી ફરીથી તે મનુષ્ય તરીકે જન્મ લઈને આ પૃથ્વી પર આવશે અને આ કલ્પમાં જે માણસ અતિશય પુણ્યશાળી હશે તે આવતા કલ્પમાં ઇન્દ્રપદ ભોગવશે. તે જ પ્રમાણે આ બધા દેવોનું સમજવું; એ બધી અમુક અમુક પદવીઓ છે અને તે બધી લાખો ને કરોડો જીવો દ્વારા ક્રમ પ્રમાણે ભરાતી આવે છે. એ પદવીનો ભોગ ભોગવીને તેઓ પાછા નીચે આવીને મનુષ્ય થાય છે. જેઓ આ દુનિયામાં સારાં કર્મો કરે છે અને બીજાને સહાય કરે છે, પણ બદલામાં સ્વર્ગે જવાની કે લોકોમાં વાહવાહ બોલાવવાની આશા રાખે છે, તેઓને મૃત્યુ પછી પેલાં સત્કર્મોનાં ફળ ભોગવવાં જ પડે – એ લોકો આ દેવો થાય છે. પરંતુ એ મુક્તિ નથી; બદલાની આશાથી કદી મુક્તિ આવવાની જ નથી. માણસ જે જે ઇચ્છા કરે છે, તે ભગવાન પૂરી કરે છે. મનુષ્યો સત્તાની ઇચ્છા રાખે અને મોભાની પણ ઇચ્છા રાખે; આ ઇચ્છાઓ પૂરી પણ થાય છે. પરંતુ કોઈપણ કર્મનું ફળ શાશ્વત ન હોઈ શકે. અમુક કાળ પછી એ ફળ પૂરું થઈ જવાનું; ભલે એ મર્યાદા યુગોના યુગોની હોય. પરંતુ એટલો કાળ પૂરો થતાં તે ખલાસ થઈ જવાનું; પછી એ દેવતાઓ પૃથ્વી પર આવવાના અને મનુષ્ય થઈને મુક્તિ માટેની એક બીજી તક મેળવવાના. નીચલી કોટિનાં પશુઓ ઊંચે આવીને મનુષ્યો બનવાનાં, કદાચ દેવો પણ થાય અને ત્યાર પછી પાછાં મનુષ્યો થાય અથવા પાછાં પશુઓ થાય અને જ્યાં સુધી ભોગની સર્વ ઇચ્છાઓથી, જીવવાની તૃષ્ણાથી, ‘હું અને મારાં’ ને વળગી રહેવાની વાસનાથી મુક્ત ન થાય ત્યાં સુધી આમ ચાલ્યા કરવાનું. દુનિયામાંના સર્વ અનિષ્ટોનું મૂળ આ ‘હું અને મારું’ છે. જો તમે કોઈ દ્વૈતવાદીને પૂછો કે ‘આ તમારું બાળક તમારું છે?’ તો તે કહેશે કે ‘તે ઈશ્વરનું છે. મારી મિલકત મારી નથી, તે ઈશ્વરની છે.’ સર્વ કંઈ ઈશ્વરનું છે એમ માનવું જોઈએ.

હવે ભારતના આ દ્વૈતવાદી સંપ્રદાયો ચુસ્ત શાકાહારીઓ, જીવહિંસા વિરુદ્ધના જબરા પ્રચારકો છે. પરંતુ તેમનો અહિંસાનો વિચાર બૌદ્ધોના અહિંસાના વિચાર કરતાં સાવ જુદો છે. જો તમે કોઈ બૌદ્ધને પૂછો કે ‘કોઈપણ પ્રાણીની હિંસા કરવાની વિરુદ્ધ તમે શા માટે પ્રચાર કરો છો?’ તો તે ઉત્તર આપશે કે ‘કોઈનો પણ જીવ લેવાનો આપણને અધિકાર નથી.’ પરંતુ જો તમે કોઈ દ્વૈતવાદીને પૂછો કે ‘તમે કેમ જીવહિંસા કરતા નથી?’ તો તે કહેશે કે ‘એ જીવ ઈશ્વરનો છે.’ આમ દ્વૈતવાદી કહે છે કે આ ‘હું અને મારું’ કેવળ એક ઈશ્વરને જ લાગુ પાડવાનું છે. એકલો તે જ ‘હું’ છે અને સર્વ કંઈ ‘તેનું’ છે. જ્યારે માણસ એવી અવસ્થાએ આવે કે તેનામાં ‘હું અને મારું’ જરા પણ ન રહે, જ્યારે સર્વ કંઈ ઈશ્વરને સમર્પણ થઈ ગયું હોય, જ્યારે માણસ સર્વને ચાહે અને ફળની કશી ઇચ્છા વિના એક પશુની ખાતર પણ પોતાના પ્રાણનું વિસર્જન કરવા તૈયાર હોય, ત્યારે તેનું અંતર શુદ્ધ થાય; અને જ્યારે હૃદય શુદ્ધ થાય ત્યારે એ હૃદયમાં ઈશ્વરનો પ્રેમ ઊતરે. દરેક જીવને માટે આકર્ષણનું કેન્દ્ર ઈશ્વર છે; અને દ્વૈતવાદી કહે છે કે સોય માટીથી ઢંકાયેલી હોય તો લોહચુંબકથી તે ખેંચાય નહિ, પરંતુ જેવી માટી ધોવાઈ જાય કે તરત જ તે ખેંચાશે. ઈશ્વર આ લોહચુંબક છે, માનવ જીવ સોય છે અને તેનાં દુષ્કર્મો, સોય પરનાં કચરો માટી છે. જે ઘડીએ જીવ પવિત્ર થાય કે તરત જ સ્વાભાવિક આકર્ષણથી તે ઈશ્વર પાસે પહોંચે અને સદાને માટે ત્યાં રહે. પણ ત્યાં ઈશ્વરથી તે સદાય અલગ રહેશે. પૂર્ણત્વ પામેલો જીવ તેની ઇચ્છા હોય તો ગમે તે શરીર લઈ શકે; તેની ઇચ્છા હોય તો સેંકડો શરીર ધારણ કરી શકે અથવા ઇચ્છા ન હોય તો એક પણ શરીર ન રાખે. તે લગભગ સર્વશક્તિમાન થઈ જાય છે; માત્ર તે સૃષ્ટિ રચી ન શકે. એ શક્તિ કેવળ ઈશ્વર પાસે જ છે. ગમે તેટલો સંપૂર્ણ હોય તો પણ બીજો કોઈપણ જીવ જગતનું સંચાલન કરી ન શકે; એ કાર્ય ઈશ્વરનું જ છે. પરંતુ બધા જીવો, જ્યારે પૂર્ણત્વને પામે ત્યારે સદાને માટે સુખી થાય છે અને સદાકાળ ઈશ્વર સાથે રહે છે. દ્વૈતવાદીઓનો મત આ છે.

એક બીજો પણ વિચાર દ્વૈતવાદીઓ રજૂ કરે છે. ઈશ્વરની પ્રાર્થના કરવી કે ‘હે ભગવાન! મને આ આપ, મને પેલું આપ,’ એનો તેઓ વિરોધ કરે છે. તેઓ માને છે કે એમ કરવું ન જોઈએ. માણસે જો કોઈ ભૌતિક વસ્તુ માગવી હોય તો તે નીચલી કોટિના આત્માઓ પાસે માગવી જોઈએ; કોઈ દેવો પાસે કે દેવતાઓ પાસે કે કોઈ પૂર્ણ વિભૂતિ પાસે એવા ભૌતિક પદાર્થોની તમે માગણી કરો. ઈશ્વર તો માત્ર તેની સાથે પ્રેમ કરવા માટે જ છે. ઈશ્વર પાસે ‘હે ભગવાન! મને આ આપ, મને પેલું આપ,’ એવી પ્રાર્થના કરવી એ તો લગભગ ઈશ્વર-નિંદા જેવું છે. એટલે દ્વૈતવાદીઓના મત મુજબ માણસને જે જોઈતું હશે તે કોઈપણ એકાદ દેવ પાસે પ્રાર્થના કરવાથી વહેલું-મોડું મળશે; પણ જો તેને મુક્તિની ઇચ્છા હોય તો તેણે ઈશ્વરની ઉપાસના કરવી જોઈએ. ભારતમાંના સર્વ-સામાન્ય જનસમુદાયનો ધર્મ આ છે.

ખરેખરી વેદાંત ફિલસૂફીનો આરંભ તો જેઓ વિશિષ્ટાદ્વૈતવાદીઓ કહેવાય છે, તેમનાથી થાય છે. તેઓ કહે છે કે કાર્ય એ કારણથી જુદું કદી પણ હોતું નથી; કાર્ય એટલે બીજા સ્વરૂપમાં ફરીથી ઉત્પન્ન થયેલું કારણ માત્ર છે. જો જગત એ કાર્ય હોય અને ઈશ્વર કારણ હોય, તો પછી જગત એ ઈશ્વર પોતે જ હોવો જોઈએ, તે સિવાય બીજું કંઈ જ તે હોઈ શકે નહિ. એ લોકો એવા ભારપૂર્વકના વિધાનથી શરૂઆત કરે છે કે ઈશ્વર આ જગતનું નિમિત્ત કારણ તેમજ ઉપાદાન કારણ બન્ને છે; એ પોતે જ જગતનો કર્તા છે અને જે ઉપાદાનમાંથી સમસ્ત જગત ઉત્પન્ન થયું છે તે ઉપાદાન પણ ઈશ્વર પોતે જ છે. તમારા અંગ્રેજી શબ્દ ‘સૃષ્ટિ’ (Creation)નો સમાનાર્થ શબ્દ સંસ્કૃત ભાષામાં નથી, કારણ કે પશ્ચિમમાં સૃષ્ટિ એટલે ‘શૂન્યમાંથી ઉત્પત્તિ’ એમ મનાય છે અને એ અર્થમાં સૃષ્ટિને માનનારો ભારતમાં કોઈ સંપ્રદાય નથી. એમ લાગે છે કે કોઈક કાળે થોડાક લોકો એવા હતા કે જેઓ આવો કોઈક વિચાર ધરાવતા હતા; પરંતુ તે મત બહુ અલ્પ કાળમાં જ અદૃશ્ય થઈ ગયો. હું નથી ધારતો કે અત્યારના સમયમાં કોઈ એવો સંપ્રદાય હોય જે આ મતમાં માનતો હોય. ‘સૃષ્ટિ’ શબ્દનો અમારો અર્થ છેઃ ‘જે પ્રથમથી જ રહેલું છે તેનું પ્રગટ થવું.’ હવે આ સંપ્રદાયના મત મુજબ ઈશ્વર પોતે જ સમસ્ત સૃષ્ટિ છે. ઈશ્વર જ આ વિશ્વનું ઉપાદાન છે. વેદોમાં આપણે વાંચીએ છીએઃ यथोर्णनाभिः सृजते…तथाक्षरात् संभवतीह विश्वम्। ‘જેવી રીતે કરોળિયો પોતાના શરીરમાંથી લાળ કાઢે છે… તે જ પ્રકારે તે અવિનાશી સત્માંથી આ સમગ્ર વિશ્વ નીકળ્યું છે.’

હવે કાર્ય જો કારણની પુનરાવૃત્તિ હોય, તો પ્રશ્ન એ છે કે ‘જે ઈશ્વર ભૌતિક નથી પરંતુ શાશ્વત ચૈતન્ય સ્વરૂપ છે, તેમાંથી નીકળેલું આ જગત ભૌતિક, જડ, અચેતન કેમ છે? જો કારણ પવિત્ર અને પૂર્ણ હોય તો કાર્ય એનાથી સાવ જુદું કેમ કરીને હોય?’ આ વિશિષ્ટાદ્વૈતવાદીઓ શું કહે છે? એમનો સિદ્ધાંત ઘણો વિચિત્ર છે. તેઓ કહે છે કે ઈશ્વર, પ્રકૃતિ અને જીવ, આ ત્રણે સત્તાઓ એક છે. ઈશ્વર જાણે કે આત્મા છે અને પ્રકૃતિ તથા જીવો જાણે કે ઈશ્વરનું શરીર છે. જેવી રીતે મારે એક શરીર છે અને એક આત્મા છે, તે પ્રમાણે સમસ્ત જગત અને સર્વ જીવો મળીને ઈશ્વરનું શરીર છે અને ઈશ્વર જીવોનો આત્મા છે. આ રીતે ઈશ્વર જગતનું ઉપાદાન કારણ છે. શરીરમાં પરિવર્તન થાય, તે જુવાન બને કે વૃદ્ધ થાય, તે સબળ બને કે નિર્બળ થાય, પણ આત્મા પર તેની કશી અસર થતી નથી. એ એનું એ સનાતન સત્ છે કે જે શરીર દ્વારા વ્યક્ત થયા કરે છે. શરીરો આવે અને જાય, પરંતુ આત્મામાં કશો ફેરફાર થતો નથી. તે જ પ્રમાણે સમસ્ત જગત ઈશ્વરનું શરીર છે અને એ અર્થમાં એ ઈશ્વર છે. પરંતુ જગતમાં થતો ફેરફાર ઈશ્વરને કશી અસર કરતો નથી. આ ઉપાદાનમાંથી તે જગતને સર્જે છે; એક કલ્પમાં તેનું શરીર સંકુચિત થવા લાગે છે, તે વધુ સૂક્ષ્મ થાય છે. બીજા કલ્પના આરંભે તે ફરીથી વિસ્તૃત થવા લાગે છે અને તેમાંથી આ બધાં વિવિધ વિશ્વો બહાર આવે છે.

હવે દ્વૈતવાદીઓ અને વિશિષ્ટાદ્વૈતવાદીઓ બન્ને સ્વીકારે છે કે જીવ તેના મૂળ સ્વભાવે પવિત્ર છે, પરંતુ પોતાનાં જ કર્મોથી અપવિત્ર થાય છે. દ્વૈતવાદીઓ કરતાં વિશિષ્ટાદ્વૈતવાદીઓ તે વધારે સુંદર રીતે વ્યક્ત કરે છે. તેઓ કહે છે કે જીવની પવિત્રતા અને પૂર્ણતા સંકુચિત થઈ જાય છે અને ફરી પાછી વ્યક્ત થાય છે; અને અત્યારે આપણે જે પ્રયાસ કરી રહ્યા છીએ તે આત્માને માટે જે સહજ છે તે બુદ્ધિ, પવિત્રતા અને શક્તિને ફરીથી વ્યક્ત કરવાનો છે. જીવોમાં ઘણા ગુણો હોય છે, પરંતુ સર્વશક્તિ કે સર્વજ્ઞપણું નથી હોતું. દરેક પાપકર્મ જીવની પ્રકૃતિને સંકુચિત કરે છે અને દરેક સત્કર્મ તેનો વિકાસ કરે છે અને આ જીવો બધા ઈશ્વરના અંશો છે.

यथा सुदिप्तात्पावकाद्विस्फुलिङ्गाः सहस्रशः प्रभवन्ते सरूपाः।

तयाक्षराद्विविधाः सौम्य भावाः प्रजायन्ते…तत्र चैवापि यान्ति॥

‘જેવી રીતે પ્રજ્વલિત અગ્નિમાંથી સમાન ગુણધર્મવાળા સંખ્યાબંધ વિસ્ફુલિંગો નીકળે છે, તેવી જ રીતે આ અનંત તત્ત્વ ઈશ્વરમાંથી આ બધા જીવો નીકળે છે.’ દરેક જીવનું ધ્યેય એક જ છે, વિશિષ્ટાદ્વૈતવાદીઓનો ઈશ્વર પણ વ્યક્તિરૂપ ઈશ્વર છે, તે અનંત શુભ ગુણોનો ભંડાર છે; એકમાત્ર તે જ આ જગતમાં સર્વ કંઈમાં ઓતપ્રોત થઈ રહ્યો છે. તે સર્વમાં અને સર્વત્ર વ્યાપી રહ્યો છે; અને જ્યારે ધર્મગ્રંથો કહે છે કે ઈશ્વર બધું છે, ત્યારે તેનો અર્થ એ છે કે ઈશ્વર સર્વમાં ઓતપ્રોત થઈને રહેલો છે; એમ નહિ કે ઈશ્વર દીવાલ બન્યો છે, પરંતુ દીવાલમાં ઈશ્વર રહેલો છે. જગતમાં એવો એકે અણુ નથી, એવો એકે પરમાણુ નથી કે જ્યાં તે ન હોય. જીવો બધા સીમિત છે; તેઓ સર્વવ્યાપી નથી. જ્યારે તેમની શક્તિઓનો વિકાસ થઈને તેઓ પૂર્ણત્વને પામે ત્યાર પછી તેમને માટે જન્મ કે મૃત્યુ રહેતાં નથી; તેઓ સર્વદા ઈશ્વરની સાથે જ રહે છે.

હવે આપણે અદ્વૈતવાદ ઉપર આવીએ છીએ. તે છેલ્લું છે અને અમારી માન્યતા મુજબ કોઈપણ યુગમાં કોઈપણ દેશે ઉપજાવ્યું હોય તેવું ફિલસૂફી અને ધર્મનું સુંદરમાં સુંદર પુષ્પ છે; જ્યાં માનવ વિચાર તેના સર્વોચ્ચ શિખરે પહોંચે છે અને જે અભેદ્ય લાગતા રહસ્યની પણ પેલે પાર નીકળી જાય છે, તે છે આ અદ્વૈત વેદાંત. એ એટલું તો ગહન અને અતિશય ઉચ્ચ કક્ષાનું છે કે તે સામાન્ય જનતાનો ધર્મ થઈ શકે જ નહિ. પોતાની જન્મભૂમિ ભારતમાં જે છેલ્લાં ત્રણ હજાર વરસથી એકચક્રી રાજ કરતું આવ્યું છે, તે ભારતમાં પણ સામાન્ય જનતામાં પ્રવેશ પામી શક્યું નથી. આપણે જેમ જેમ આગળ વધીશું તેમ તેમ જણાશે કે કોઈપણ દેશનાં વિચારશીલમાં વિચારશીલ નરનારીઓને માટે અદ્વૈતવાદ સમજવો કઠિન છે. આપણે અતિશય નબળા બની ગયા છીએ, આપણે આપણી જાતને અતિશય અધમ બનાવી દીધી છે. આપણે ભલે મોટા મોટા દાવાઓ કરીએ, પરંતુ સ્વાભાવિક રીતે જ આપણે અન્ય કોઈકનો ટેકો લેવા ઇચ્છીએ છીએ. જેને સદાય ટેકાની જરૂર પડે એવા આપણે જાણે કે નાનકડા, નબળા રોપા જેવા છીએ. અરે ‘સહજસાધ્ય ધર્મ’ બતાવવા માટે મને કેટલી બધી વાર પૂછવામાં આવ્યું છે! ઘણા થોડા માણસો સત્યને જાણવા માગે છે, એથીય થોડા સત્યને જાણવાની હિંમત કરે છે અને સૌથી થોડા ગણ્યાગાંઠ્યા લોકો જ વ્યવહારમાં તેનું અનુસરણ કરવાની શક્તિ દાખવે છે. તેમાં એમનો કશો વાંક નથી; એ બધી મગજની નબળાઈ છે. કોઈપણ નવો વિચાર, ખાસ કરીને ઉચ્ચ કોટિનો નવો વિચાર, મગજના દ્રવ્યમાં એક ખળભળાટ ઊભો કરે છે, જાણે કે એક નવો ચીલો પાડવાનો પ્રયાસ કરે છે અને એથી તેનું આખું બંધારણ ખળભળી જાય છે, માણસોની સમતુલા ખોવરાવી દે છે. લોકો અમુક પરિસ્થિતિથી ટેવાયેલા હોય છે. ઢગલાબંધ પ્રાચીન વહેમો, બાપદાદાના જમાનાના વહેમો, વર્ગના વહેમો, શહેરના વહેમો, રાષ્ટ્રિય વહેમો અને એ બધાની પાછળ દરેક માનવ જીવાત્માની અંદર રહેલા સ્વભાવગત વહેમના વિશાળ ઢગલાને ઓળંગવાનો હોય છે. છતાંય દુનિયામાં કેટલાક એવા બહાદુર આત્માઓ નીકળે છે કે જેઓ સત્યને ઝીલવાની તેને ગ્રહણ કરવાની અને છેવટ સુધી તેનું અનુસરણ કરવાની હિંમત કરે છે.

અદ્વૈતવાદી શાની ઘોષણા કરે છે? તે કહે છે કે જો ઈશ્વર હોય, તો એ ઈશ્વર જગતનો ઉપાદાન અને નિમિત્ત એમ બંને કારણ હોવો જોઈએ. એ ઈશ્વર સ્રષ્ટા છે એટલું જ નહિ, સૃષ્ટિ પણ તે જ છે. તે પોતે જ આ વિશ્વ છે. એમ કેમ બને? શું પવિત્ર, ચૈતન્યમય ઈશ્વર જગત થઈ ગયો છે? હા; ઉપલક દૃષ્ટિએ એમ જ. બધા અજ્ઞાની મનુષ્યો જેને જગત તરીકે જુએ છે તેનું વાસ્તવિક રીતે અસ્તિત્વ જ નથી. તમે અને હું અને આપણી નજરે ચડે જે છે તે આ બધી વસ્તુઓ શું છે? માત્ર પોતે જ ઉત્પન્ન કરેલો ભ્રમ; જે છે તે તો માત્ર એક જ અનંત, નિત્ય આનંદમય સત્ છે. એ સત્ વસ્તુમાં આપણે આ બધાં વિવિધ સ્વપ્નાં દેખીએ છીએ. એ સર્વથી પર, અનંત, જ્ઞાનથી પર, જ્ઞેયથી પર આત્મા છે, તેની અંદર અને તેની દ્વારા આપણે વિશ્વને જોઈએ છીએ. સત્ વસ્તુ એકમાત્ર તે જ છે. આ ટેબલ તે જ છે; મારી સામેનો શ્રોતાવર્ગ તે જ છે; દીવાલ પણ તે જ છે, નામ અને રૂપને બાદ કરતાં બાકી રહે તે રૂપે સર્વ કંઈ તે જ છે. ટેબલનો આકાર લઈ લો; ‘ટેબલ’ એવું તેનું નામ લઈ લો. બાકી જે રહે તે આત્મા. વેદાંતી તેને પુલ્લિંગ કે સ્ત્રીલિંગ કંઈ જ કહેતો નથી; આ બધી તો કલ્પનાઓ છે, માનવમગજની ભ્રમણાઓ છે. આત્મામાં લિંગભેદ છે જ નહિ. જે લોકો ભ્રમણામાં પડ્યા છે, તે જેઓ પશુ જેવા થઈ ગયા છે તેઓને જ સ્ત્રી કે પુરુષ દેખાય; જીવતા ઈશ્વરો પુરુષ કે સ્ત્રી દેખતા નથી, આત્મા દેખે છે. જેઓ સર્વ વસ્તુથી પર છે, તેમનામાં લિંગભેદનો કશો જ વિચાર કેવી રીતે હોઈ શકે? સૌ કોઈ અને સર્વ કંઈ, લિંગભેદથી પર, પવિત્ર આનંદમય આત્મા છે. નામ, રૂપ, શરીર એ બધાં ભૌતિક છે અને તેઓ આ બધો ભેદ ઊભો કરે છે. જો તમે નામ અને રૂપના આ બે ભેદો લઈ લો, તો સમગ્ર જગત એક છે; બે નથી, પણ સર્વત્ર એક છે. તમે અને હું એક છીએ. નથી પ્રકૃતિ, નથી ઈશ્વર કે નથી જગત; જે છે તે માત્ર એક અનંત સત્ છે કે જેમાંથી નામ અને રૂપ દ્વારા આ બધાં બન્યાં છે. જ્ઞાતાને કેમ કરીને જાણવો? એ જાણી શકાય નહિ. તમે તમારા પોતાના આત્માને કેવી રીતે જોઈ શકો? તમે માત્ર તમારું પ્રતિબિંબ પાડી શકો. એ જ રીતે આ સમસ્ત જગત એ એક અનંત સત્તારૂપ આત્માનું પ્રતિબિંબ છે; અને પ્રતિબિંબો તો સારાં કે મલિન, જેવાં દર્પણ પર પડે તેવાં સાફ કે મલિન દેખાય. આ રીતે ખૂનીનું પ્રતિબિંબ ખરાબ છે, નહિ કે આત્મા; સંતપુરુષનું પ્રતિબિંબ સાફ છે.

આત્મા પોતાના સ્વભાવે જ પવિત્ર છે. હલકામાં હલકા કીડાથી માંડીને ઉચ્ચમાં ઉચ્ચ અને સંપૂર્ણ આત્મા સુધી સર્વમાં, જગતની એકમાત્ર સત્તા, આત્મા પોતાને પ્રતિબિંબિત કરી રહ્યો છે. આ આખું જગત, શારીરિક રીતે, માનસિક રીતે, નૈતિક રીતે અને આધ્યાત્મિક રીતે એક અખંડ ઐક્ય છે. આ એક અસ્તિત્વને આપણે જુદે જુદે આકારે જોઈએ છીએ અને તેના પર આ બધાં પ્રતિબિંબો પાડીએ છીએ. જે જીવાત્માએ પોતાને મનુષ્યત્વની અવસ્થામાં કલ્પ્યો છે, તેને તે આત્મા માનવજગત રૂપે ભાસે છે; જે જીવ એથી ઊંચી અસ્તિત્વની ભૂમિકા પર હોય છે તેને તે જ આત્મા સ્વર્ગરૂપે ભાસે છે. સમસ્ત વિશ્વમાં આત્મા માત્ર એક જ છે, બે નથી. તે નથી ક્યાંયથી આવતો કે નથી ક્યાંક જતો; તે નથી જન્મતો કે નથી મરતો કે નથી પુનર્જન્મ લેતો. એ કેવી રીતે મરી શકે? એ ક્યાં જઈ શકે? આ બધાં સ્વર્ગો, આ બધા લોકો અને આ બધાં સ્થાનો મનની મિથ્યા કલ્પનાઓ છે. તેમનું અસ્તિત્વ વર્તમાનમાં નથી, ભૂતકાળમાં હતું નહિ અને ભવિષ્યમાં કદી રહેશે નહિ.

હું સર્વવ્યાપી, શાશ્વત છું. હું ક્યાં જઈ શકું? અત્યારે પણ હું ક્યાં નથી? હું આ પ્રકૃતિનો ગ્રંથ વાંચી રહ્યો છું; એક પછી એક પાનું વાંચીને હું પૂરું કરું છું અને ઉલટાવું છું અને જિંદગીના એક સ્વપ્ન પછી બીજું ચાલ્યું જાય છે. જિંદગીનું બીજું પાનું ફેરવાય છે; જિંદગીનું બીજું સ્વપ્ન આવે છે અને તે ગબડતું ગબડતું ચાલ્યું જાય છે; અને જ્યારે મેં વાંચવાનું પૂરું કર્યું હોય છે ત્યારે હું તે જવા દઉં છું અને એક બાજુએ ઊભો રહું છું; હું પુસ્તક ફેંકી દઉં છું અને બધું ખલાસ થઈ જાય છે. અદ્વૈતવાદી શાનો ઉપદેશ કરે છે? પૂર્વે વિશ્વમાં હતા કે ભવિષ્યમાં થશે તે બધા દેવોને તેમના સિંહાસન પરથી તે નીચે ઉતારી મૂકે છે અને તેમની જગાએ સૂર્ય અને ચંદ્રથી વધુ ઉચ્ચ, સ્વર્ગોથી વધુ ઉચ્ચ, આ મહાન વિશ્વથી યે વધુ ઉચ્ચ એવા આત્માને એ સિંહાસન પર બેસાડી દે છે. કોઈ પણ કાળે હોય તેવા વધુમાં વધુ મહિમાવંત ઈશ્વર, કદીયે અસ્તિત્વમાં હતો, છે અને હશે, તે એકમાત્ર ઈશ્વર મનુષ્ય તરીકે જે ભાસે છે, તે આત્માના મહિમાની કોઈ પણ ગ્રંથો, કોઈ પણ શાસ્ત્રો કે કોઈ પણ કલ્પના કરી શકે નહિ. તેથી મારે મારી પોતાની જ પૂજા કરવાની છે, બીજા કોઈની નહિ. અદ્વૈતવાદી કહે છેઃ ‘હું મારી પોતાની પૂજા કરું છું.’ હું કોને વંદન કરું? હું મારા પોતાના આત્માને જ નમું છું. મદદ માગવા હું કોની પાસે જાઉં? વિશ્વની અનંત સત્તારૂપ જે હું છું, તેવા મને કોણ મદદ કરી શકે? આ બધાં મૂર્ખાઈભર્યાં સ્વપ્નાં છે, ભ્રમણાઓ છે; કોણે કોને ક્યારે મદદ કરી? કોઈએ કોઈને નહીં. જ્યારે જ્યારે તમે કોઈ નબળા માણસને, કોઈ દ્વૈતવાદીને, આકાશની ઉપર ક્યાંકથી મદદ મેળવવા માટે રોદણાં રોતો અને પોકાર પાડતો દેખો, ત્યારે જાણજો કે તેનું કારણ, આકાશ પણ તેની પોતાની અંદર જ છે એ સત્ય એ જાણતો નથી તે છે. તે આકાશમાંથી મદદ ચાહે છે અને મદદ આવે છે પણ ખરી; આપણે મદદ આવતી જોઈએ પણ છીએ. પણ તે મદદ તેની પોતાની અંદરથી આવે છે, જ્યારે તે ભૂલથી એમ માને છે કે તે બહારથી આવે છે, જેમ કે ક્યારેક પથારીએ પડેલો કોઈક રોગી બારણા પર ટકોરો સાંભળે છે; ઊભો થઈને તે બારણું ઉઘાડે છે, પણ જુએ છે કે ત્યાં કોઈ નથી. તે પાછો જઈને પથારીમાં સૂએ છે. વળી પાછો તે ટકોરો સાંભળે છે; બિચારો ફરીવાર ઊભો થઈને વળી બારણું ખોલે છે, પણ ત્યાં કોઈ હોતું નથી. આખરે તેને ખબર પડે છે કે તેના પોતાના હૃદયના ધબકારાને જ તે બારણા પરના ટકોરા તરીકે માની બેસતો હતો!

આમ મનુષ્ય, પોતાની બહાર વિવિધ દેવોની વ્યર્થ શોધ કર્યા પછી વર્તુળ પૂરું કરે છે અને જ્યાંથી તેણે શરૂઆત કરી હતી તે બિંદુએ, માનવ આત્મા પાસે તે પાછો આવે છે; અને ત્યારે તેને ખબર પડે છે કે જે ઈશ્વરને તે પહાડ પર અને નીચે ખીણમાં શોધી રહ્યો હતો, જે ઈશ્વરને તે પ્રત્યેક પુસ્તકમાં, દરેક દેવળમાં, દરેક ધર્મમાં અને સ્વર્ગોમાં શોધી રહ્યો હતો, જે ઈશ્વરને તે સ્વર્ગમાં બેસીને જગત પર શાસન કરતો પણ કલ્પતો હતો, તે ઈશ્વર તેનો પોતાનો આત્મા છે. હું તે છું અને તે હું છું. सोऽहम्। બીજું કોઈ નહીં, પણ હું જ ઈશ્વર હતો; આ ક્ષુદ્ર અહંનું તો કદી અસ્તિત્વ જ નહોતું.

છતાં પ્રશ્ન થાય છે કે એ પૂર્ણ આત્મા ભ્રમિત કેવી રીતે થઈ ગયો હશે? જવાબ છે કે ભ્રમિત એ કદી થયો જ નહોતો. પૂર્ણ આત્મા વળી સ્વપ્ન કેવી રીતે દેખતો હોય? તેને કદી સ્વપ્ન આવેલું જ નથી. સત્યને સ્વપ્નું આવે જ નહીં. આ ભ્રમ ક્યાંથી આવ્યો એ પ્રશ્ન જ મૂર્ખાઈભર્યો છે. ભ્રમમાંથી જ ભ્રમ ઉત્પન્ન થાય. સત્યનો અનુભવ થતાંની સાથે જ ભ્રમ રહે નહીં. ભ્રમનો આધાર હંમેશાં ભ્રમ જ હોય છે; તેનો આધાર કદી ઈશ્વર, સત્ય કે આત્મા નથી હોતો. તમે ભ્રમમાં કદી છો જ નહીં; ભ્રમ તમારામાં છે, તમારી સામે છે. અહીં એક વાદળું છે; બીજું આવીને તેને ધકેલી કાઢે છે અને તેની જગ્યાએ આવી જાય છે; વળી એક નવું આવે છે અને પેલાને ધકેલી કાઢે છે. જેવી રીતે શાશ્વત આસમાની આકાશની સામે વિવિધ રંગનાં વાદળાં આવે, થોડા વખત રોકાય અને વિખરાઈ જાય અને અંતે પાછું એ જ શાશ્વત આસમાની આકાશ બાકી રહે, તે જ પ્રમાણે તમે સદાને માટે પવિત્ર, સદાને માટે સંપૂર્ણ છો. વિશ્વના વાસ્તવિક દેવો તમે જ છો; ના, બે નથી; જે છે તે માત્ર એક જ છે. ‘તમે અને હું’ એમ કહેવું એ ભૂલ છે; કહો કે ‘હું’ લાખો મુખો દ્વારા ખાઈ રહ્યો છું તે હું છું; હું ભૂખ્યો કેવી રીતે થઈ શકું? અસંખ્ય હાથ વડે કામ કરી રહ્યો છું તે હું છું; હું નિષ્ક્રિય કેવી રીતે હોઈ શકું? સમસ્ત વિશ્વનું જીવન હું જીવી રહ્યો છું; મારે માટે મૃત્યુ ક્યાં છે? હું સર્વ જીવનથી પર છું, સર્વ મૃત્યુથી પર છું. મારા સ્વભાવે જ હું મુક્ત છું, પછી તો મુક્તિને શોધવા માટે જવાનું ક્યાં હોય? આ જગતનો ઈશ્વર જ હું છું, તેવા મને બાંધી કોણ શકે? જગતનાં બધાં શાસ્ત્રો, વિશ્વના એકમાત્ર અસ્તિત્વ સ્વરૂપ એવા મારા આત્મસ્વરૂપનો મહિમા આંકવાનો પ્રયાસ કરતા નાનકડા નકશાઓ માત્ર છે. અર્થાત્ આ બધા ગ્રંથો મારે શું કામના છે? અદ્વૈતવાદી આમ કહે છે.

‘સત્યને જાણો અને ક્ષણમાત્રમાં મુક્ત થાઓ.’ તે જ ક્ષણે બધું અંધારું અદૃશ્ય થઈ જશે. જ્યારે માણસે પોતાને જગતના અનંત આત્મા સાથે એકરૂપ થયેલો જોયો હોય, જ્યારે કોઈ જાતનું જુદાપણું રહ્યું ન હોય, જ્યારે તમામ પુરુષો અને સ્ત્રીઓ, બધા દેવો અને દેવતાઓ, બધાં પશુઓ અને વનસ્પતિઓ અને આખું વિશ્વ એ એકતામાં મળીને એકરસ થઈ ગયું હોય, ત્યારે તમામ પ્રકારના ભય અદૃશ્ય થઈ જાય છે. હું મને પોતાને આઘાત કરી શકું? હું મને પોતાને મારી શકું? હું મને પોતાની ઈજા કરી શકું? બીવું કોનાથી? તમને તમારી પોતાની બીક લાગે? જ્યારે સર્વ શોક નિવૃત્ત થાય પછી મને કોણ શોકાતુર બનાવી શકે? હું જ વિશ્વનું એકમાત્ર અસ્તિત્વ છું. ત્યાર પછી બધી ઈર્ષ્યાઓ અદૃશ્ય થઈ જશે; ઈર્ષ્યા કોની કરવી? મારી પોતાની? ત્યારે પછી સઘળી ખરાબ ભાવનાઓ અદૃશ્ય થઈ જશે. કોની સામે હું ખરાબ ભાવના ધરાવી શકું? મારી પોતાની સામે? વિશ્વમાં મારા સિવાય બીજું કોઈ છે જ નહીં. વેદાંતી કહે છે કે જ્ઞાનનો આ એક જ માર્ગ છે. આ ભેદને મારી નાખો, અનેક છે એવા આ વહેમને નિર્મૂળ કરી નાખો. ‘જે આ અનેકત્વમય જગતમાં તે એકને જુએ છે, આ અચેતનતાના સમૂહમાં એ એક ચેતન સત્તાને જુએ છે, જે આ આભાસોની દુનિયામાં સત્યને ગ્રહણ કરે છે, તેને માટે જ શાશ્વત શાંતિ છે; બીજા કોઈને માટે નહીં, બીજા કોઈને માટે નહીં.’

ઈશ્વર વિષે ભારતીય ધાર્મિક વિચારધારાએ લીધેલાં ત્રણ પગલાંના મુખ્ય મુદ્દાઓ આ છે. આપણે જોયું કે તેનો આરંભ થયો વ્યક્તિરૂપ, વિશ્વની બહારના ઈશ્વરથી. એ વિચારધારા બાહ્ય ઈશ્વરમાંથી આંતરિક વિશ્વરૂપી શરીર તરફ – વિશ્વમાં ઓતપ્રોત એવા ઈશ્વર તરફ ગઇ અને અંતે જીવને પોતાને એ ઈશ્વર સાથે એકરૂપ કરવામાં અને એક જ આત્મા બનાવવામાં – વિશ્વમાંની આ બધી વિવિધ અભિવ્યક્તિઓના એક એકમરૂપ આત્મા બનાવવામાં પરિણમી. વેદોનો અંતિમ વિચાર આ છે. તે આરંભ કરે છે દ્વૈતવાદથી, વિશિષ્ટાદ્વૈતવાદમાં થઈને તે પસાર થાય છે અને સંપૂર્ણ અદ્વૈતવાદમાં પરિણમે છે. આપણે જાણીએ છીએ કે આ દુનિયામાં કેટલા થોડા લોકો છેલ્લે એટલે કે અદ્વૈતવાદે પહોંચી શકે, અગર તેમાં માનવાની પણ હિંમત કરી શકે અને એથી યે કેટલા ઓછા તેને અનુસરવાની હિંમત ધરાવી શકે. છતાં આપણે જાણીએ છીએ કે સઘળાં નીતિશાસ્ત્રોનો, સઘળી નીતિમત્તાનો અને વિશ્વમાંની સઘળી આધ્યાત્મિકતાનો ખુલાસો ત્યાં જ રહેલો છે. શા માટે દરેકેદરેક જણ કહે છે કે ‘બીજાનું ભલું કરો?’ એનો ખુલાસો ક્યાં છે? તમામ પુરુષોએ માનવજાતના ભ્રાતૃત્વનો ઉપદેશ શા માટે આપ્યો છે? અને વધુ મહાન પુરુષોએ સર્વ જીવોના ભ્રાતૃત્વનો ઉપદેશ શા માટે આપ્યો છે? એનું કારણ એ છે કે તેઓ જાણતા હોય કે ન જાણતા હોય પણ એ બધાની પાછળ, તેમના બધા અતાર્કિક અને અંગત વહેમોની પાછળ, તમામ અનેકત્વનો અસ્વીકાર કરતો અને આખા વિશ્વની એકતા પર ભાર મૂકતો, આત્માનો સનાતન પ્રકાશ ડોકિયાં કરી રહ્યો હતો.

વળી, અદ્વૈત વેદાંતે આપણને એક અખંડ વિશ્વ આપ્યું કે જેને ઇન્દ્રિયો દ્વારા આપણે જડ પદાર્થ તરીકે જોઈએ છીએ, બુદ્ધિ દ્વારા જેને જીવો તરીકે જોઈએ છીએ અને ચૈતન્ય દ્વારા જેને ઈશ્વર તરીકે જોઈએ છીએ. દુનિયા જેને દુષ્ટતા અને પાપ કહે છે તે વસ્તુનું આવરણ જે મનુષ્ય પોતાની ઉપર ઢાંકે છે, તેને માટે આ જ વિશ્વ બદલાઈને ઘૃણાજનક સ્થાન બની જશે; જે બીજા માણસને ભોગોની ઇચ્છા છે, તેને માટે આનું જ આ જ વિશ્વ પોતાનું સ્વરૂપ બદલીને સ્વર્ગ બની જશે; અને પૂર્ણ માનવને આ આખું જગત અદૃશ્ય થઈને પોતાનો આત્મા બની જશે.

હવે જે પ્રકારે સમાજ આજે અસ્તિત્વ ધરાવે છે, તેનો વિચાર કરતાં આ ત્રણે ભૂમિકાઓ આવશ્યક છે. એક ભૂમિકા બીજીનો નિષેધ નથી કરતી, પરંતુ બીજીની માત્ર પૂરક છે. અદ્વૈતવાદી કે વિશિષ્ટાદ્વૈતવાદી એમ નથી કહેતો કે દ્વૈતવાદ ખોટો છે; એ દૃષ્ટિ સાચી છે, પરંતુ નીચલી કોટિની છે. એ પણ સત્યને માર્ગે છે. માટે દરેક આ વિશ્વ વિષેની પોતપોતાની દૃષ્ટિને પોતપોતાના વિચારો મુજબ અમલમાં ભલે મૂકે. કોઈનું નુકસાન ન કરો, કોઈના મતનું ખંડન ન કરો; માનવ જ્યાં ઊભો હોય ત્યાં તેને સ્વીકારો અને તમારાથી બને તો તેને હાથ આપી હાથ ઝાલીને વધુ ઉચ્ચ ભૂમિકાએ ચડાવો; પરંતુ કોઈને આઘાત ન પહોંચાડો, કોઈનો વિનાશ ન કરો. લાંબે ગાળે સૌ કોઈ સત્યને પામશે.

यदा सर्वे प्रमुच्यन्ते कामा येऽस्य हृदि स्थिता।

अथ मर्त्योऽमृतो भवत्यत्र ब्रह्म समश्नुते॥

‘જ્યારે હૃદયની અંદરની સર્વ કામનાઓ જિતાઈ જશે, ત્યારે આ મર્ત્ય માનવ પોતે જ અમર થશે, ત્યારે એ જ માનવ ઈશ્વરત્વને પામશે.’ (2.236)

Total Views: 273
૬. મુંડક ઉપનિષદ
૮. સાચો અને આભાસિક માનવ