(ઓક્ટોબર ૨૦, ૧૮૯૬)
આપણે જોયું કે ‘માયા’નો વિચાર કે જે અદ્વૈત વેદાંતના મુખ્ય સિદ્ધાંતો માંહેનો એક પાયાનો વિચાર છે, તે સૂક્ષ્મ સ્વરૂપે સંહિતાઓમાં પણ જોવામાં આવે છે; અને હકીકતમાં જે બધા વિચારોનો ઉપનિષદોમાં વિકાસ થયેલો છે, તે બધા વિચારો સંહિતાઓમાં એક યા બીજા રૂપે અગાઉથી રહેલા જોવામાં આવે છે. અત્યાર સુધીમાં તમારામાંના ઘણાખરા માયાના વિચારથી પરિચિત થયા છો; અને તમને એ પણ ખબર છે કે તે વિચારને કેટલીક વાર ખોટી રીતે ભ્રમ તરીકે સમજાવવામાં આવે છે, તેથી જ્યારે વિશ્વને માયા કહેવામાં આવે ત્યારે તેને પણ ભ્રમ તરીકે સમજાવવું જોઈએ. ‘માયા’ શબ્દનો ‘ભ્રમ’ એવો અનુવાદ સુખદ કે સાચો નથી. માયા એ સિદ્ધાંત નથી; તે માત્ર વિશ્વ જે સ્વરૂપે છે તે વસ્તુસ્થિતિનું વિધાન માત્ર છે. માયાના વિચારને સમજવા માટે આપણે સંહિતાઓ તરફ જવું જોઈએ તથા તેના મૂળભૂત વિચારથી શરૂઆત કરવી જોઈએ.
દેવોની કલ્પના કઈ રીતે ઊભી થયેલ છે તે આપણે જોયું. સાથે સાથે આપણે એ પણ જાણીએ છીએ કે આ દેવો પહેલાં માત્ર શક્તિશાળી વ્યક્તિઓ હતી, વધુ કંઈ નહીં. તમારામાંના ઘણા જ્યારે ગ્રીકો કે હિબ્રૂ કે ઈરાનીઓનાં જૂનાં શાસ્ત્રો વાંચો છો ત્યારે પ્રાચીન દેવોનાં આપણને ઘૃણાજનક લાગે તેવાં વર્તનો વાંચીને તમે ભયભીત થાઓ છો. પણ આપણે આ પુસ્તકો વાંચતી વેળા એ વાત સાવ ભૂલી જઈએ છીએ કે આપણે ઓગણીસમી સદીમાં જીવીએ છીએ, જ્યારે એ દેવતાઓ હજારો વર્ષ પૂર્વે જીવતા હતા. આપણે એ પણ ભૂલી જઈએ છીએ કે જે લોકો આ દેવોની પૂજા કરતા તે લોકોને એ દેવતાઓના ચારિત્ર્યમાં કંઈ અજુગતું કે ભડકાવે તેવું લાગતું નહીં, કેમ કે તે લોકો પોતે પણ ઘણે અંશે તે દેવોના જેવા જ હતા. હું તો એમ પણ કહું કે આપણે આપણી જિંદગી દરમિયાન એ એક જ મોટો પદાર્થપાઠ શીખવાનો છે. બીજાઓના વિશે મત બાંધતી વખતે આપણે તેમને આપણા આદર્શોથી જ જે રીતે મૂલવીએ છીએ, એ બરાબર નથી. દરેક માણસનું મૂલ્યાંકન તેના પોતાના આદર્શ અનુસાર કરવું જોઈએ, અન્ય કોઈના આદર્શ પ્રમાણે નહીં. આપણા જાતભાઈઓ સાથેના આપણા વ્યવહારમાં આપણે કાયમ આ ભૂલ કરીએ છીએ; અને હું તો એવા મતનો છું કે આપણા પરસ્પરના મોટાભાગના ઝઘડાઓ માત્ર આ એક જ કારણે ઊભા થાય છે કે આપણે બીજાઓના આદર્શોનું આપણા આદર્શોથી, બીજાઓના દેવોનું આપણા દેવો સાથેની સરખામણીથી અને બીજાઓના હેતુઓનું આપણા હેતુઓ સાથે સરખામણી કરીને મૂલ્યાંકન કરીએ છીએ. અમુક સંજોગો હેઠળ હું અમુક કાર્ય કરું છું; પછી જ્યારે હું બીજા માણસને તે જ માર્ગ લેતો જોઉં છું ત્યારે હું એમ જ માનું છું કે તેને પણ તે જ હેતુ એ માર્ગ તરફ દોરે છે. પરંતુ હું સ્વપ્ને પણ ખ્યાલ નથી કરતો કે ભલે પરિણામ એક જ હોય પણ બીજાં ઘણાં કારણો તે જ કાર્યને પેદા કરવામાં કારણભૂત હોઈ શકે, જે હેતુએ મને તે કાર્ય કરવાને પ્રેર્યો તેના કરતાં તદ્દન જુદા જ હેતુને કારણે તે માણસ એ કાર્ય કરવા પ્રેરાયો હોય. તેથી પ્રાચીન ધર્મોનું મૂલ્યાંકન કરતી વખતે, જે તરફ આપણે ઢળતા હોઈએ તે દૃષ્ટિકોણ લેવો ન જોઈએ; પરંતુ આપણી જાતને એ પ્રાચીન કાળના વિચારો અને જીવનની સ્થિતિમાં મૂકવી જોઈએ.
બાઇબલના જૂના કરારમાંના ક્રૂર અને ઘાતકી જેહોવાની કલ્પનાએ ઘણાને મૂંઝવણમાં મૂકી દીધાં છે. પણ એમ શા માટે હોવું જોઈએ? એમને એવું માનવાનો શો અધિકાર છે કે પ્રાચીન યહૂદી લોકોના જેહોવાને આજની ઈશ્વર પરત્વેની રૂઢ માન્યતા પ્રમાણે જ બતાવવો જોઈએ? અને સાથોસાથ આપણે એ પણ ભૂલવું ન જોઈએ કે આપણી ભાવિ પેઢીઓમાં એવા માણસો આવશે કે જેઓ ધર્મ અને ઈશ્વર વિશેના આપણા વિચારો સાંભળીને જે રીતે આપણે પ્રાચીન લોકો તરફ હસીએ છીએ એ જ રીતે આપણા પ્રત્યે હસશે. છતાં પણ આ બધા જુદા જુદા વિચારો એકતાના સોનેરી દોરે પરોવાયેલા છે અને આ દોરાની શોધ કરવી એ જ વેદાંતનું ધ્યેય છે. ભગવાન શ્રીકૃષ્ણ કહે છે કે ‘આ બધા વિવિધ વિચારો મોતી રૂપે છે અને હું તે બધામાં પરોવાઈ રહેલા દોરા જેવો છું.’ અને આ વિચારો આજની દૃષ્ટિએ ભલે ગમે તેવા બખડજંતર અને અણગમતા લાગે, પરંતુ આ પરોવાયેલા દોરાને શોધી કાઢવો તે જ વેદાંતનું ધ્યેય છે; ગયા જમાનાના ચોકઠામાં આ વિચારો સુસંગત હતા અને આજના આપણા વિચારો કરતાં વધારે ઘૃણાજનક ન હતા. જ્યારે આપણે તેમને તેમના ચોકઠામાંથી ઉપાડીને આધુનિક સંજોગોને લાગુ પાડીએ છીએ, ત્યારે જ આ ઘૃણાજનકપણું વધુ સ્પષ્ટ બને છે. એનું કારણ એ છે કે જૂના સંજોગો મરી પરવાર્યા છે. જે પ્રમાણે પ્રાચીન યહૂદીનો આધુનિક તેજસ્વી યહૂદીરૂપે વિકાસ થયો છે અને પ્રાચીન આર્યનો આજના બુદ્ધિશાળી હિંદુરૂપે વિકાસ થયો છે તેવી રીતે જેહોવાનો અને દેવોનો પણ વિકાસ થયો છે.
મોટી ભૂલ એ થાય છે કે આપણે ઉપાસકોના વિકાસનો સ્વીકાર કરીએ છીએ, જ્યારે ઉપાસ્યના વિકાસનો સ્વીકાર કરતા નથી. ભક્તોએ જે પ્રગતિ સાધી છે તે ઉપાસ્યમાં પણ સધાય એમ સ્વીકારવામાં આવતું નથી. એટલે કે જેમ વિચારોના પ્રતિનિધિ તરીકે તમારો અને મારો વિકાસ થયો છે તે જ રીતે આ દેવોનો પણ થયો છે. ઈશ્વરનો પણ વિકાસ થાય, એ વાત તમને સહેજ વિચિત્ર લાગશે. તેનો વિકાસ ન થઈ શકે; તે અપરિવર્તનશીલ છે. તે અર્થમાં તો સાચા માનવનો કદી વિકાસ થતો નથી. પરંતુ મનુષ્યના ઈશ્વર વિશેના વિચારો કાયમ બદલાતા અને વિકાસ પામતા રહે છે. આગળ જતાં આપણે જોઈશું કે આ દરેક માનવ અભિવ્યક્તિઓની પાછળ ખરો મનુષ્ય અચલ, અપરિવર્તનશીલ, પવિત્ર અને સદા પૂર્ણ છે; તે જ પ્રમાણે દેવો વિશે આપણે જે વિચારો કરીએ છીએ તે માત્ર અભિવ્યક્તિ છે, આપણું પોતાનું સર્જન છે. તેની પાછળનો સાચો દેવ તો તે છે કે જે કદી બદલાતો નથી, તેમજ સદા શુદ્ધ અને અવિકારી રહે છે. પરંતુ અભિવ્યક્તિ સદાય બદલાતી રહે છે અને પાછળ રહેલા તત્ત્વને વધારેને વધારે પ્રગટ કરે છે. જ્યારે તે પાછળના તત્ત્વને વધારે પ્રગટ કરે છે ત્યારે તેને પ્રગતિ કહેવામાં આવે છે અને જ્યારે તે તત્ત્વ વધારે ઢંકાઈ જાય છે ત્યારે તેને અધોગતિ કહેવામાં આવે છે. એટલે કે જેમ આપણે વિકાસ પામીએ છીએ, તેમ દેવો પણ વિકાસ પામે છે. સામાન્ય દૃષ્ટિએ, જેમ આપણે વિકાસ પામીએ છીએ અને આપણી જાતને પ્રગટ કરીએ છીએ તેમ દેવો પણ પોતાની જાતને પ્રગટ કરે છે.
હવે આપણે માયાના સિદ્ધાંતને સમજવાની સ્થિતિમાં આવીશું. દુનિયાના બધા જ ધર્મોમાં જે એક જ સવાલ બધા લોકો ચર્ચવા માગે છે તે આ છેઃ વિશ્વમાં વિસંવાદીપણું કેમ છે? જગતમાં આ અનિષ્ટ કેમ પ્રવર્તે છે? આ પ્રશ્ન આપણને ધર્મના પ્રારંભિક વિચારોની શરૂઆતમાં જોવા નથી મળતો, કેમ કે આદિ માનવને વિશ્વ એટલું વિસંવાદી લાગતું નહીં, તેને માટે સંજોગો વિસંવાદી ન હતા; વિચારોનો સંઘર્ષ હતો નહીં; ઇષ્ટ અને અનિષ્ટ વચ્ચે વિરોધ હતો નહીં. તેના હૃદયમાં માત્ર કંઈક લાગણી હતી કે જે હા અથવા ના કહેતી. આદિ માનવ ઊર્મિલ મનુષ્ય હતો. જે કંઈ તેના મનમાં આવતું તે તે કરી નાખતો; તેના મનમાં જે વિચારો ઊભા થતા તેને તેના સ્નાયુઓ દ્વારા વ્યક્ત કરવાની તે કોશિશ કરતો; યોગ્યાયોગ્યની તુલના કરવા તે બેસતો નહીં; પોતાની ઊર્મિઓને રોકવાના પ્રયત્નો તે ભાગ્યે જ કરતો. દેવોનું પણ એવું જ હતું; તેઓ પણ આવેગવાળાં પ્રાણીઓ જ હતાં. ઇન્દ્ર આવીને દૈત્યોનાં સૈન્યોને તોડી પાડતો; જેહોવા એક મનુષ્યની ઉપર ખુશી થતો અને બીજા માણસની ઉપર નાખુશ થતો; આમ તે શા માટે કરતો તે કોઈ જાણતું પણ નહીં અને કોઈ તે બાબત પ્રશ્ન પણ કરતું નહીં. તે વખતે હજી સામો સવાલ પૂછવાની આદત ન હતી; જેહોવા જે કાંઈ કરતો તે યોગ્ય ગણવામાં આવતું, સારા કે નરસાનો કંઈ વિચાર જ નહોતો. દેવો એવું ઘણુંય કરતા કે જે આપણી દૃષ્ટિએ ખરાબ કહેવાય. વારંવાર ઇન્દ્ર અને બીજા દેવોએ દુષ્ટ કર્મો કરેલાં, પણ ઇન્દ્રના ઉપાસકોને આ દુષ્ટતા કે અનિચ્છનિયતાના વિચારો આવતા જ નહીં, તેથી તેના વિશે સવાલો પણ કરાતા નહીં.
નીતિધર્મના ખ્યાલોની પ્રગતિની સાથે સંઘર્ષ શરૂ થયો. જુદી જુદી ભાષામાં, જુદી જુદી પ્રજાઓમાં જુદાં જુદાં નામોથી ઓળખાતી એક પ્રકારની સમજણ માણસમાં આવી. તેને ઈશ્વરનો અવાજ કહો, પૂર્વ અભ્યાસનું ફળ કહો કે કોઈ પણ નામ તેને આપો; પણ પરિણામ એ આવ્યું કે મનુષ્યના સાહજિક આવેગો ઉપર તેનાથી કાબૂ આવ્યો. આપણા મનમાં એક આવેગ આવે છે અને કહે છેઃ ‘કરો’; તેની પાછળ બીજો અવાજ આવે છે અને તે કહે છેઃ ‘કરો મા.’ આપણા મનમાં એક પ્રકારના વિચારો ઉત્પન્ન થાય છે કે જે ઇન્દ્રિયો દ્વારા બહાર જવા કોશિશ કરે છે; તેની જ પાછળ, ભલે તે ઝાંખો અને નબળો હોય, પણ અત્યંત સૂક્ષ્મ નાનો અવાજ આવે છે, જે કહે છેઃ ‘બહાર જશો મા.’ આ ઘટનાને માટે બે સુંદર સંસ્કૃત શબ્દો છેઃ ‘પ્રવૃત્તિ’ અને ‘નિવૃત્તિ’ – ‘બહિર્મુખતા’ અને ‘અંતર્મુખતા.’ સામાન્યપણે આપણાં કાર્યો બહિર્મુખતા વડે સંચાલિત થાય છે. ધર્મનો, આધ્યાત્મિકતાનો આરંભ ‘કરો મા’થી થાય છે. જ્યાં આ નિષેધ નથી ત્યાં ધર્મની શરૂઆત થઈ નથી. મનુષ્યના ઉપાસ્ય લડાયક દેવો હોવા છતાં આ નિષેધે – ‘કરો મા’ એ – આવીને મનુષ્યના વિચારોનો વિકાસ કર્યો.
માનવજાતિના હૃદયમાં થોડોક પ્રેમ જાગ્યો. તે પ્રેમ ખરેખર થોડોક જ હતો અને હજુ પણ તે કંઈ વધ્યો નથી. શરૂઆતમાં તે પ્રેમ એક જૂથના લોકો પૂરતો જ મર્યાદિત હતો, ટોળીના માણસો પૂરતો જ હતો. આ દેવો પોતાની ટોળીને ચાહતા અને દરેક દેવ એક અમુક ટોળીનો જ ગણાતો અને તે ટોળીનો જ તે રક્ષક હતો. જે પ્રમાણે અમુક ટોળીના લોકો પોતાની ટોળીના આદ્યસ્થાપકના વંશજો તરીકે પોતાને માને છે, તેમ કેટલીકવાર અમુક ટોળીના સભ્યો પોતાની આખી ટોળીને પોતાના દેવના વંશજો માનતા. પ્રાચીન કાળમાં અને આજે પણ એવા કેટલાક લોકો છે કે જેઓ એવો દાવો કરે છે કે પોતે અમુક ટોળીના દેવના જ નહીં, પરંતુ સૂર્ય કે ચંદ્રના પણ વંશજો છે. સૂર્યવંશ અને ચંદ્રવંશના મહાન પરાક્રમી સમ્રાટો વિશે પ્રાચીન સંસ્કૃત ગ્રંથોમાં વાંચવા મળે છે. પહેલાં તે લોકો સૂર્યના અથવા ચંદ્રના ઉપાસકો હતા અને ધીમે ધીમે તેઓ પોતાની જાતને સૂર્ય તથા ચંદ્રના વંશજો માનવા લાગ્યા. તેથી જ્યારે આ ટોળી વિશેના વિચારો વિકાસ પામવા લાગ્યા ત્યારે થોડોક પ્રેમ વિકસ્યો, એકબીજા પ્રત્યેની ફરજનો સહેજ ખ્યાલ આવ્યો, થોડીક સામાજિક વ્યવસ્થા આવી. પછી, સ્વાભાવિક રીતે જ વિચાર આવ્યો કે ‘બાંધછોડ કર્યા વગર આપણે કેમ કરીને સાથે રહી શકીએ?’ કોઈ માણસ પોતાના આવેગને ક્યારેક ક્યારેક કાબૂમાં રાખ્યા સિવાય, પોતાની જાતને સંયમમાં રાખ્યા સિવાય, પોતાનું મન જે કરવાને પ્રેરે તેને, અટકાવ્યા સિવાય, બીજા માણસની સાથે કેવી રીતે રહી શકે? એ અશક્ય છે. આ પ્રમાણે સંયમનો વિચાર આગળ આવે છે. આખાયે સમાજનું માળખું સંયમના વિચાર ઉપર રચાયેલું છે; અને આપણે બધા જાણીએ છીએ કે જે સ્ત્રી અથવા પુરુષ બાંધછોડનો આ મહાન બોધપાઠ શીખ્યો નથી તેનું જીવન ખૂબ જ દુઃખી નીવડે છે.
ધર્મના આ વિચારોની સાથે સાથે માનવની બુદ્ધિમાં વધુ ઉચ્ચ, વધુ નૈતિક કંઈકની પણ ઝાંખી થઈ. આ તોફાનો મચાવતા, ઝઘડતા, દારૂડિયા, ગૌ-માંસાહારી, બળતા માંસની ગંધમાં અને કડક દારૂના તર્પણમાં જ આનંદ માનતા આ જૂના દેવો તેમને હવે બંધબેસતા લાગ્યા નહીં. કોઈ કોઈ વાર તો ઇન્દ્ર પણ એટલો બધો દારૂ પીતો કે તે જમીન પર ઢળી પડતો અને અસંબદ્ધ પ્રલાપો કરતો. આ દેવો હવે ચલાવી લેવાય તેવા રહ્યા નહોતા. દરેક બાબતનું કારણ શોધવાની માનવમાં જિજ્ઞાસા જાગી હતી; દેવો પણ તેમાંથી બાકાત ન રહ્યા. દરેક કાર્યનો હેતુ શો છે તે પૂછવામાં આવતું, પણ ખુલાસો મળતો નહીં; આથી મનુષ્યે આવા દેવોને છોડી દીધા. અથવા કહો કે દેવો વિશેના વિચારોને તેમણે વધુ ઉચ્ચ સ્વરૂપ આપ્યું. માણસે દેવોના બધા ગુણો તથા કાર્યોનું જાણે કે વિહંગાવલોકન કર્યું અને જેટલું તેમને સુસંગત ન લાગ્યું તે કાઢી નાખ્યું અને જે ગુણોને તે સમજી શક્યો તેટલા જ રાખ્યા; અને બધાને એકઠા કરીને ‘દેવાધિદેવ’ એવું એક જ નામ આપ્યું. જે દેવની પૂજા કરવાની હતી તે માત્ર શક્તિનો જ પ્રતીક જોઈએ એમ નહીં, પરંતુ તેના કરતાં કંઈક વધારેની તેનામાં જરૂર જણાઈ. તે દેવ નીતિમાન હતો, માનવજાતને તે ચાહતો અને તેનું કલ્યાણ કરતો. છતાંયે દેવનો વિચાર તો ચાલુ જ રહ્યો; માત્ર લોકોએ તેનું નૈતિક મહત્ત્વ વધાર્યું અને તેની શક્તિ પણ વધારી. તે દેવ વિશ્વમાં લગભગ સૌથી નીતિમાન અને લગભગ સર્વશક્તિમાન બન્યો.
પણ આ બધું થાગડથીગડ ચાલ્યું નહીં. જેમ જેમ ખુલાસાઓનું પ્રમાણ વધતું ગયું, તેમ તેમ જે અનેક મુશ્કેલીઓ નિવારવાનો પ્રયાસ થતો હતો તે પણ પ્રમાણમાં વધવા લાગી. જો દેવના ગુણો ગણિતશ્રેણીના પ્રમાણમાં વધ્યા તો મુશ્કેલીઓ અને શંકાઓ ભૂમિતિશ્રેણીના પ્રમાણમાં વધી. જગતના ઈશ્વરની મુશ્કેલીની સરખામણીમાં જેહોવાની મુશ્કેલી સાવ ઓછી હતી; અને આ પ્રશ્ન આજે પણ એવો ને એવો જ રહ્યો છે. જગતના સર્વશક્તિમાન અને દયામય ઈશ્વરના રાજમાં આવી આસુરી ઘટનાઓ શા માટે હોવી જોઈએ? સુખ કરતાં દુઃખ અને ઇષ્ટ કરતાં અનિષ્ટ આટલાં વધુ પ્રમાણમાં શા માટે હોવાં જોઈએ? આ બધાં પ્રત્યે આપણે ભલે આંખો બંધ કરી દઈએ, છતાં એ હકીકત તો રહે જ છે કે આ જગત આટલું ઘૃણાજનક કેમ છે? વધુમાં વધુ એ ટેન્ટેલસનું નરક છે. અહીં આપણને પ્રબળ ઊર્મિઓ અને ઇન્દ્રિયોના ઉપભોગ માટેની તીવ્ર વાસનાઓ જાગે છે, પણ આપણે તે સંતોષી શકતા નથી. એક એવું મોજું આવે છે કે તે ધક્કો મારીને આપણને આપણી ઇચ્છા વિરુદ્ધ આગળ ધકેલે છે; અને જેવા આપણે એક ડગલું આગળ ભરીએ કે તરત જ ફટકો લાગે છે. આપણને સહુને અહીં ટેન્ટેલસની દશામાં જ જીવવું પડે છે. ઇન્દ્રિયગ્રાહ્ય આદર્શોથી ઘણા જ ઊંચા આદર્શો આપણી કલ્પનામાં આવે છે, પણ આપણે તેમને દર્શાવવાનો પ્રયત્ન કરીએ છીએ, તો તેમ કરી શકતા નથી. બીજી બાજુ આપણે આપણી આજુબાજુ પ્રતિકૂલ સંજોગોના ભારણ તળે દબાઈ જઈએ છીએ. છતાં પણ જો હું બધા આદર્શવાદને છોડીને માત્ર આ દુનિયાની જ પાછળ પડું તો તો મારી સ્થિતિ માત્ર એક પશુના જેવી જ થઈ જાય; હું મારી જાતને હલકી પાડતો જાઉં. બેમાંથી એકેય રસ્તે સુખ નથી, કારણ કે જે લોકો જગતમાં પોતે જે દશામાં જન્મ્યા છે તે દશામાં જ રહેવામાં સંતોષ માને છે, તેમના ભાગ્યમાં દુઃખ જ હોય છે; અને જે લોકો સત્ય અને ઉચ્ચ વસ્તુઓ માટે ખડા રહેવાની હિંમત કરે છે, માત્ર પશુ જેવા જીવન કરતાં કંઈક વધારે ઉચ્ચ જીવનની માગણી કરે છે, તેમના ભાગ્યમાં હજારગણું વધારે દુઃખ હોય છે. આ વસ્તુસ્થિતિ છે, પણ તેને માટે કંઈ ખુલાસો નથી, કંઈ ખુલાસો આપી શકાય એમ પણ નથી. પરંતુ વેદાંત આમાંથી માર્ગ કાઢે છે. તમારે એ યાદ રાખવું જોઈએ કે મારે તમને કેટલીક વાર ભડકાવે એવી હકીકતો કહેવી પડશે; પરંતુ હું જે કહું છું તે તમે યાદ રાખશો, તેના વિશે વિચાર કરશો અને તેને પચાવશો તો તે જ્ઞાન તમારું બની જશે, તે તમને ઉચ્ચ સ્થિતિએ લઈ જશે, સત્યને સમજવાને તથા જીવનમાં ઉતારવાને શક્તિમાન બનાવશે.
હવે એ હકીકત છે કે આ દુનિયા ટેન્ટેલસનું નરક છે; આપણે આ જગત વિશે કંઈ જાણતા નથી અને છતાં એમ પણ કહી શકતા નથી કે આપણે કંઈ જાણતા નથી. જો હું એમ વિચારું છું કે હું આ જગતને જાણતો નથી, તો હું એમ કહી શકું નહીં કે આ જગતનું બંધન અસ્તિત્વમાં છે. એ મારા મગજની સંપૂર્ણપણે કલ્પના પણ હોય. હું કદાચ બધો વખત સ્વપ્નમાંય હોઉં; હું તમારી જોડે વાત કરું છું અને તમે મને સાંભળી રહ્યા છો એ હું સ્વપ્ન પણ જોઈ રહ્યો હોઉં. કોઈ સાબિત કરી શકે એમ નથી કે એ સ્વપ્ન નથી. મારું મગજ પોતે જ એક સ્વપ્ન હોય; અને એમ તો કોઈએ પોતાનું મગજ કદી જોયું જ નથી. આપણે બધા તેનું અસ્તિત્વ માની લઈએ છીએ. બધી વસ્તુનું એવું જ છે. મારે શરીર છે એવું હું માની લઉં છું. સાથે સાથે હું એમ પણ નથી કહી શકતો કે હું જાણતો નથી. આ જ્ઞાન અને અજ્ઞાન વચ્ચેની સ્થિતિ, આ રહસ્યમય સંધ્યા, સત્ય અને અસત્યનું આ મિશ્રણ અને તેઓનું મિલન, ક્યાં છે તે કોઈ જાણતું નથી. આપણે સહુ એક સ્વપ્નમાં વિચરી રહ્યા છીએ, જિંદગી આખી અડધા ઊંઘતા, અડધા જાગતા, એક ધુમ્મસમાંથી પસાર થઈ રહ્યા છીએ. આપણા દરેકની આ દશા છે. ઇન્દ્રિયજન્ય બધાં જ્ઞાનની આ દશા છે. સર્વ વિજ્ઞાન કે સર્વ માનવજ્ઞાન – કે જેને માટે આપણે મોટું અભિમાન લઈએ છીએ – તે બધાંની દશા આ જ છે. આનું નામ દુનિયા.
તમે તેને જડ પદાર્થ કે ચૈતન્ય કે મન અગર બીજું ગમે તે કહો, પણ હકીકત તો એની એ જ છે. આપણે એમ પણ કહી શકતા નથી કે તે છે, તેમજ એમ પણ કહી શકતા નથી કે તે નથી. આપણે એમ કહી શકતા નથી કે તે બધાં એક જ છે, તેમજ એમ પણ કહી શકતા નથી કે તે અનેક છે. અતર્ક્ય, અગમ્ય, અવિભાજ્ય એવી આ પ્રકાશ અને અંધકારની શાશ્વત લીલા સતત ચાલુ જ છે. હકીકત હોવા છતાં તે હકીકત નથી. જાગ્રત હોવા છતાં તે સુષુપ્ત છે. આ વસ્તુસ્થિતિ છે; અને આનું જ નામ માયા. આપણે માયામાં જ જન્મ્યા છીએ, તેમાં જ જીવીએ છીએ, તેમાં જ વિચાર કરીએ છીએ અને તેમાં જ સ્વપ્નાં સેવીએ છીએ. માયામાં જ આપણે તત્ત્વજ્ઞાની છીએ, આધ્યાત્મિક પુરુષો છીએ, અરે તેમાં જ આપણે દેવો અને અસુરો પણ છીએ! લંબાવાય ત્યાં સુધી તમારા વિચારો લંબાવો, તેમને ઊંચે ને ઊંચે લઈ જાઓ, તેમને અનંત કે બીજું ગમે તે નામ આપો; છતાં આ વિચારો માયામાં જ છે. આ સિવાય બીજું કંઈ જ હોઈ શકે નહીં અને સમગ્ર માનવજ્ઞાન એ માયાનું જ સામાન્યીકરણ છે – જે પ્રકારે તે દેખાય છે તે પ્રકારે તેને જાણવાનો પ્રયાસ છે. નામ અને રૂપનું આ કાર્ય છે. જે કોઈ વસ્તુને રૂપ છે, જે કોઈ વસ્તુ તમારા મનમાં વિચાર ઉત્પન્ન કરે છે, તે માયાની અંદર જ છે, કેમ કે દેશ, કાળ અને નિમિત્તના નિયમોથી બદ્ધ દરેક વસ્તુ આ માયાની અંદર જ છે.
હવે થોડીવાર આપણે ઈશ્વર અંગેના પેલા જૂના વિચારો તરફ જઈએ અને જોઈએ કે તેમનું શું થયું. આપણને તરત જ ખ્યાલ આવે છે કે આપણને સદા ચાહનારી, સદા નિઃસ્વાર્થ, સર્વશક્તિમાન અને આ વિશ્વની શાસક એવી દિવ્ય વ્યક્તિની કલ્પના આપણને સંતોષ આપી શકી નથી. દાર્શનિકે સવાલ કર્યોઃ ‘ન્યાયી અને દયાળુ ઈશ્વર ક્યાં છે?’ શું માનવ અને પશુરૂપે તેનાં કરોડો બાળકોને નાશ પામતાં તે દેખતો નથી? અહીં બીજાને માર્યા સિવાય એક ક્ષણ પણ કોણ જીવી શકે છે? હજારો જીવોને હણ્યા વિના શું તમે શ્વાસ પણ લઈ શકો છો? કરોડો મરે છે ત્યારે તમે જીવો છો; તમારો દરેક શ્વાસોચ્છ્વાસ, તમારા જીવનની દરેક ક્ષણ હજારોને માટે મોત છે; તમારું દરેક હલનચલન કરોડોને માટે મૃત્યુ લાવે છે; જે તમે ખાઓ છો તે દરેક કોળિયો કરોડોનું મોત લાવે છે. તેમણે શા માટે મરી જવું જોઈએ? એક જૂની છેતરામણી વિચારસરણી છે કે તેઓ અતિ નીચલી કક્ષાનાં છે; ધારો કે તેઓ તેવા છે – જો કે આમાં શંકાને સ્થાન છે, -કારણ કોને ખબર છે કે માણસ કીડી કરતાં મોટો છે કે કીડી માણસ કરતાં મોટી છે? આમ કે તેમ, એનો કોણ નિર્ણય આપી શકે? તે પ્રશ્નને બાજુએ રાખીએ અને ધારો કે એમ માની લઈએ કે તે બહુ નીચલી કક્ષાનાં પ્રાણીઓ છે, છતાંય તેમણે મરવું શા માટે જોઈએ? જો તે નીચલી કક્ષાનાં હોય તો તેમને જીવવાનો હક્ક વધારે છે. શા માટે નહીં? તેમનું જીવન ઇન્દ્રિયોમાં જ સમાયેલું હોવાથી તમારા કે મારા કરતાં સુખ ને દુઃખનું ભાન તેમને હજારગણું વધારે થાય છે. કૂતરા કે વરુના જેટલી લોલુપતાથી આપણામાંનું કોણ ખોરાક ખાય છે? કોઈ જ નહીં. કેમ કે આપણો જીવ નથી ઇન્દ્રિયોમાં, નથી બુદ્ધિમાં, પરંતુ આત્મામાં છે. પણ પશુઓની બાબતમાં તેમનો સમગ્ર પ્રાણ ઇન્દ્રિયોમાં જ હોય છે. તેથી તેઓ એવા ગાંડાતૂર થઈને વિષયોને ભોગવે છે કે આપણને મનુષ્યોને તેનું કોઈ દિવસ સ્વપ્ન સરખુંય આવી ન શકે; એ લોકોનું દુઃખ પણ સુખના પ્રમાણમાં જ હોય છે. સુખ અને દુઃખ સરખા પ્રમાણમાં જ મળે છે. જો પશુઓ અનુભવે છે તે સુખ માણસના સુખ કરતાં અનેકગણું વધારે તીવ્ર હોય, તો એ પણ ફલિત થાય છે કે દુઃખનું ભાન પણ મનુષ્યના કરતાં વધારે તીવ્ર ન હોય તો પણ તેટલું તો તીવ્ર હોય જ છે. તેથી એ હકીકત બને છે કે જે દુઃખ અને પીડા માણસ મૃત્યુ વખતે અનુભવે છે, તેના કરતાં પશુઓ હજારગણી પીડા અને દુઃખ મૃત્યુ વખતે અનુભવે છે; અને છતાં તેમની પીડાનો વિચાર કર્યા વિના જ આપણે તેમને મારી નાખીએ છીએ. આનું નામ માયા. વળી જો આપણે એમ માનીએ કે માણસના જેવો કોઈ વ્યક્તિરૂપ ઈશ્વર છે કે જેણે આ બધું બનાવ્યું છે, તો અનિષ્ટમાંથી ઇષ્ટ નીકળે છે એમ સાબિત કરવા માગતા આ કહેવાતા સિદ્ધાંતો અને ખુલાસાઓ પૂરતા નથી. ભલે વીસ હજાર સારી બાબતો બને, પણ તે બધી અનિષ્ટમાંથી શા માટે બનવી જોઈએ? તે સિદ્ધાંતને આધારે તો મને મારી પાંચેય ઇન્દ્રિયોનું પૂરેપૂરું સુખ જોઈએ છીએ માટે હું બીજાનાં ગળાં પણ કાપી શકું. આ કંઈ દલીલ નથી. ઇષ્ટ અનિષ્ટમાંથી શા માટે નીકળવું જોઈએ? આ પ્રશ્નનો જવાબ હજી આપવાનો રહે છે અને તે આપી શકાય તેવો જ નથી. ભારતીય તત્ત્વજ્ઞાને આ બાબતનો સ્વીકાર કરવો જ પડ્યો છે.
ધર્મની સૌથી વધુ હિંમતભરી વિચારપદ્ધતિ વેદાંત હતી (અને છે). તે ક્યાંય અટકી નહોતી; તેને એક ફાયદો હતો. તેમાં કોઈ ધર્મગુરુઓની સંસ્થા હતી નહીં કે જે સત્ય કહેનાર દરેક માણસને દબાવવાની કોશિશ કરે. તેમાં કાયમ પૂરેપૂરી ધાર્મિક સ્વતંત્રતા હતી. ભારતમાં વહેમનું બંધન એ સામાજિક છે, જ્યારે અહીં પશ્ચિમના દેશોમાં સમાજ ખૂબ જ સ્વતંત્ર છે. ભારતમાં જો કે સામાજિક નિયમો બહુ કડક છે, પણ ધાર્મિક માન્યતામાં સ્વાતંત્ર્ય છે. ઇંગ્લેન્ડમાં માણસ પોતાને ફાવે તેવો પહેરવેશ પહેરી શકે, તેને પસંદ પડે તે ખાઈ શકે; કોઈ તેનો વિરોધ કરતું નથી. પણ જો તે દેવળમાં જવાનું ચૂકે, તો ડોસીમા તેની સખત ઝાટકણી કાઢે. પ્રથમ તો ધાર્મિક બાબતમાં સમાજ જેમ કહે તેમ તેણે ચાલવું પડે છે; તેને સત્ય વિશે વિચાર કરવો હોય તો પછી ભલે કરે. ભારતમાં જો માણસ પોતાની જ્ઞાતિ સિવાયની કોઈ અન્ય વ્યક્તિ સાથે જમે તો સમાજ પૂરેપૂરી ભયંકર સત્તાથી તેના ઉપર તૂટી પડે છે અને તેને ત્યાંને ત્યાં જ કચડી નાખે છે; તેના બાપ-દાદા જે વેશ પહેરતા તેનાથી જુદો વેશ જો તે પહેરે તો પણ તેનું આવી જ બન્યું! મેં એવું સાંભળ્યું છે કે એક માણસ ઘણા માઈલ દૂર પહેલવહેલી રેલગાડી આવેલી તે જોવા માટે ગયો અને સમાજે તેને નાત બહાર મૂક્યો. આપણે ઇચ્છીએ કે આ સાચું ન હોય. પરંતુ ત્યાં ધર્મમાં આપણે નાસ્તિકો, જડવાદીઓ અને બૌદ્ધોઃ સંપ્રદાયો, માન્યતાઓ અને દરેક પ્રકારની કલ્પનાઓ (તેમાંની કેટલીક તો આશ્ચર્ય પમાડે તેવી): આ બધાંને એકી સાથે રહેતાં જોઈએ છીએ. ત્યાં બધા જ સંપ્રદાયના ધર્મપ્રચારકોને પ્રચાર કરતા અને અનુયાયીઓ મેળવતા જોઈએ છીએ; ખુદ મંદિરના દરવાજામાં જ બ્રાહ્મણો જડવાદીઓને ઊભા રહેવા દઈ તેમના વિચારોનો પ્રચાર કરવા દે છે; તે માટે બ્રાહ્મણોને ધન્યવાદ ઘટે છે.
બુદ્ધ ઘણી પાકટ વયે મૃત્યુ પામ્યા. અમેરિકાનો મારો એક મોટો વૈજ્ઞાનિક મિત્ર તેમની જીવનકથા વાંચવાનો ખૂબ શોખીન હતો. તેને બુદ્ધનું આવું મૃત્યુ પસંદ ન હતું, કેમ કે તેમને ‘ક્રોસ’ ઉપર લટકાવામાં આવ્યા ન હતા. માણસે મહાન બનવું હોય તો તેનું ખૂન થવું જ જોઈએ. કેવી ખોટી માન્યતા! આવા વિચારો ભારતમાં કદી પ્રચલિત હતા જ નહિ. આ મહાન બુદ્ધ હિંદુસ્તાનના ખૂણે ખૂણે ભારતના દેવોની વિરુદ્ધ પ્રવચન કરતા અને ઈશ્વરનો પણ અસ્વીકાર કરતા ફરતા હતા; છતાં તે સારી એવી વૃદ્ધાવસ્થા થતાં સુધી જીવ્યા. તેઓ એંશી વર્ષ જીવ્યા અને અરધા દેશને બૌદ્ધધર્મનો અનુયાયી બનાવ્યો.
ત્યાર પછી આવ્યા ચાર્વાકો. તેમણે ખુલ્લંખુલ્લો હડહડતા જડવાદનો – જેનો આજે ઓગણીસમી સદીમાં પણ લોકો પ્રચાર કરવાની હિંમત કરતા નથી તેવા ભયંકર સિદ્ધાંતોનો – પ્રચાર કર્યો. આ ચાર્વાક લોકોને મંદિરે મંદિરે અને શહેરે શહેરે એવો પ્રચાર કરવાની છૂટ હતી કે ધર્મ કેવળ મૂર્ખાઈનો નમૂનો છે, માત્ર પુરોહિતોએ જ એ ઊભો કરેલ છે અને વેદો તો મૂર્ખા, લુચ્ચા અને આસુરીવૃત્તિવાળા લોકોના જ શબ્દો અને લખાણો છે. જગતમાં નથી ઈશ્વર કે નથી અમર આત્મા. જો આત્મા જેવું કાંઈ હોય તો મૃત્યુ પછી સંતાન અને પત્નીના પ્રેમથી ખેંચાઈને તે પાછો કેમ નથી આવતો? તેમની વિચારસરણી એવી હતી કે જો આત્મા જેવું કાંઈ હોય તો મૃત્યુ પછી પણ તેનામાં પ્રેમ રહેવો જોઈએ, તેનામાં સારી સારી વાનગીઓ ખાવાની અને સારાં સારાં વસ્ત્રો પહેરવાની ઇચ્છા હોવી જોઈએ. આમ છતાં આ ચાર્વાક લોકોને કોઈએ કશી હેરાનગતિ કરી નહોતી.
આમ, ભારતમાં ધાર્મિક ઉદારતાના ભવ્ય વિચારો કાયમને માટે હતા; તમારે યાદ રાખવું જોઈએ કે સ્વતંત્રતા એ વિકાસની પહેલી શરત છે. જેને તમે મુક્ત ન રાખો તે કદી વિકાસ પામે નહીં. ગુરુ તરીકેની સ્વતંત્રતા તમે તમારા પોતાને માટે કાયમ રાખીને બીજાને વિકસાવી શકશો, તેની પ્રગતિમાં મદદ કરી શકશો, તેને દોરવણી તથા માર્ગદર્શન આપી શકશો, તે વિચાર જ અર્થ વિનાનો છે; એ ભયંકર જૂઠાણું છે. દુનિયામાં આવા વિચારે જ કરોડો માનવીઓની પ્રગતિને પાછી ધકેલી છે. માણસોને સ્વતંત્રતાનો પ્રકાશ લેવા દો; વિકાસની આ એક જ શરત છે.
ભારતમાં અમે આધ્યાત્મિક બાબતોમાં સ્વતંત્રતા આપી અને ફળરૂપે અમારે ત્યાં આજે પણ ધાર્મિક વિચારોમાં અદ્ભુત આધ્યાત્મિક શક્તિ છે. સામાજિક બાબતોમાં તેવી જ સ્વતંત્રતા તમે આપેલી છે તેથી તમારે ત્યાં ભવ્ય સામાજિક વ્યવસ્થા છે. સામાજિક બાબતોના વિકાસ માટે અમે કંઈ પણ છૂટ આપી નહીં તેથી અમારો સમાજ સંકુચિત રહ્યો છે. ધાર્મિક બાબતોમાં તમે કદી સ્વતંત્રતા આપી નથી; ઊલટું આગ અને તલવારના જોરે તમે તમારી માન્યતાઓ ઠોકી બેસાડેલી છે. પરિણામે યુરોપિયનના મનમાં ધર્મ સંકુચિત દશામાં અને ઊતરતી કક્ષાએ છે. ભારતમાં અમારે સામાજિક શૃંખલાઓ ઉઠાવી લેવાની છે, યુરોપમાં તમારે આધ્યાત્મિક પ્રગતિને પગે બાંધેલી સાંકળો તોડવાની છે. ત્યાર પછી માનવીનો અદ્ભુત વિકાસ થશે, તેની અસાધારણ પ્રગતિ થશે. જો આપણને સમજાય કે આ બધા આધ્યાત્મિક, નૈતિક અને સામાજિક વિકાસમાં એક જ સૂત્ર સળંગ રહેલું છે, તો આપણને ખ્યાલ આવશે કે ધર્મ તેના પૂરેપૂરા અર્થમાં સમાજમાં તેમજ આપણા રોજિંદા જીવનમાં પ્રવેશવો જોઈએ. વેદાંતના પ્રકાશમાં તમને સમજાશે કે બધાં વિજ્ઞાનો માત્ર ધર્મની જ અભિવ્યક્તિઓ છે, આ જગતમાં અસ્તિત્વ ધરાવતી દરેક બાબતમાં પણ તેમ જ છે.
ત્યારે આપણે જોયું કે સ્વતંત્રતા દ્વારા જ બધાં વિજ્ઞાનોનો વિકાસ થયો. તેમાં બે માન્યતાઓ પ્રવર્તે છે; એક છે બધાનો તિરસ્કાર કરતો જડવાદ, બીજો છે વિધેયાત્મક અને રચનાત્મક વિચાર. એ એક વિચિત્ર ઘટના છે કે આ બંને માન્યતાઓ તમને દરેક સમાજમાં જોવા મળશે. માનો કે સમાજમાં કંઈક અનિષ્ટ છે; તો તમે જોશો કે તરત જ એક મંડળી ઊભી થઈને તેની ઝાટકણી કાઢે છે, જે કેટલીયવાર તો ધર્માંધતામાં પરિણમે છે. દરેક સમાજમાં ધર્માંધો હોય જ છે; અને સ્ત્રીઓ તેમના લાગણીપ્રધાન સ્વભાવને લીધે આ બુમરાણમાં અનેકવાર જોડાય છે. કોઈપણ ધર્માંધ માણસ ઊભો થઈને એકાદ બાબત પ્રત્યે અણગમો પ્રદર્શિત કરે કે તરત જ તેને અનુયાયીઓ મળી રહે છે. કોઈપણ વસ્તુનું ખંડન સહેલું છે. પાગલ માણસ ચાહે તેનો નાશ કરી શકે છે, પરંતુ તેની રચના કરવી તેને માટે મુશ્કેલ છે. ધર્માંધ લોકો પોતાની સમજણ પ્રમાણે કંઈક સારું કરી શકે, પણ વધારે તો તેઓ નુકસાન જ કરે છે; સામાજિક વ્યવસ્થાઓ એક દિવસમાં ઘડાતી હોતી નથી; તેમને બદલવી હોય તો જે કારણોમાંથી તે ઉત્પન્ન થઈ તે કારણને દૂર કરવું જોઈએ. ધારો કે કાંઈક અનિષ્ટ પ્રવર્તી રહ્યું છે; તેનો તિરસ્કાર કરવાથી તે દૂર નહીં થાય, પરંતુ તમારે તેના મૂળ ઉપર ઘા કરવો જોઈએ. પ્રથમ કારણને શોધી કાઢો અને તેને દૂર કરો, એટલે તેનું પરિણામ પણ આપોઆપ દૂર થઈ જશે. એકલી બૂમાબૂમથી તો આપદાઓ ઊભી કરવા સિવાય કાંઈ વળવાનું નથી.
કેટલાક લોકો એવા હતા કે જેમના હૃદયમાં સહાનુભૂતિ હતી અને જેઓ સમજતા હતા કે આપણે અનિષ્ટના કારણમાં ઊંડા ઊતરવું જોઈએ; આ લોકો મહાન ઋષિઓ હતા. એક હકીકત તમારે યાદ રાખવી કે દુનિયાના બધા જ મહાન ઉપદેશકોએ જાહેર કર્યું છે કે પોતે નવું ઘડવા માટે, નવી રચના કરવા માટે આવ્યા હતા, ભાંગવા માટે નહીં. ઘણી વખત આ બાબતને સાચા અર્થમાં સમજવામાં આવી નથી, તેથી મહાન પુરુષોની ઉદારતાને ચાલુ લોકપ્રિય મતમતાંતરો સાથેની અણઘટતી સમાધાન વૃત્તિ તરીકે ઘટાવવામાં આવે છે. આજે પણ કોઈ કોઈ વાર તમે સાંભળશો કે આ પયગમ્બરો અને મહાન ઉપદેશકો કંઈક ડરપોક હતા અને તેઓ જે વસ્તુને સત્ય માનતા તે કહેવાની કે કરવાની તેમનામાં હિંમત ન હતી; પણ તેમ નહોતું. સમગ્ર દુનિયાના લોકોને પોતાનાં બાળકો સમાન ચાહનારા આ મહાન સંત પુરુષોના હૃદયમાં રહેલી પ્રેમની અનંત શક્તિને ધર્માંધ લોકો ભાગ્યે જ સમજી શકે છે. દરેકને માટે અખૂટ સહાનુભૂતિ ભરેલા અને ધીરજવાળા તેઓ ખરેખરા પિતા, ખરેખરા દેવો હતા; તેઓ સહન કરવાને અને ક્ષમા આપવાને તૈયાર હતા. માનવસમાજ કેવી રીતે આગળ વધવો જોઈએ તે તેઓ જાણતા હતા અને ધીરજથી, ધીમે ધીમે ચોકસાઈપૂર્વક, લોકોને ગભરાવીને કે તેમનો તિરસ્કાર કરીને નહીં, પણ નમ્રતાથી અને દયાથી એકેક ડગલે તેમને આગળ લઈ જઈને, તેઓ પોતાના માર્ગો અજમાવ્યે જતા. ઉપનિષદના રચયિતા ઋષિઓ આવા હતા. તેઓ બરાબર સમજતા હતા કે ઈશ્વર વિશેના જૂના વિચારો તેમના જમાનાના પ્રગતિશીલ નૈતિક વિચારોની સાથે મેળ ખાઈ શકે તેમ નથી. તેમને એ પણ બરાબર ખ્યાલ હતો કે નાસ્તિક લોકો જે કહેતા હતા તેમાં સત્યનો ઘણો અંશ હતો, અરે ઘણું નક્કર સત્ય હતું. પણ સાથે સાથે તેઓ સમજતા કે જે દોરો મણકાઓને બાંધી રાખે છે તેને કાપી નાખવા ઇચ્છતા લોકો- જેમને હવામાં સમાજની રચના કરવી છે તેવા લોકો-તો તદ્દન નિષ્ફળ જવાના છે.
આપણે નવું કંઈ જ રચતા નથી; માત્ર આપણે વસ્તુનાં સ્થાન બદલીએ છીએ. ધીમે ધીમે અને ધીરજથી બીજમાંથી ઝાડ ઊગે છે. આપણે આપણી શક્તિઓને સત્ય પ્રત્યે વાળવી જોઈએ; જે સત્ય અસ્તિત્વમાં છે તેને પરિપૂર્ણ કરવાની કોશિશ કરવી જોઈએ. નવાં સત્યો બનાવવાનો પ્રયત્ન કરવો જોઈએ નહીં. આમ પ્રાચીન સંતપુરુષોએ દેવો વિશેના જૂના વિચારો પ્રચલિત વિચારો સાથે બંધબેસતા નથી એમ કહીને ઉતારી પાડવાને બદલે, તેમણે તેમાં રહેલ સત્ય શોધવા માંડ્યું. પરિણામે વેદાંત-દર્શન આવ્યું; અને જૂના દેવોમાંથી, વિશ્વના શાસક એવા એક ઈશ્વરના વિચારમાંથી, વધારે ઊંચે ચડતાં ચડતાં જેને નિર્વિશેષ તત્ત્વ કહીએ છીએ તેમાં પહોંચ્યા અને સમગ્ર વિશ્વમાં એકતા રહેલી છે એમ શોધી કાઢ્યું.
‘જે આ વિવિધરંગી દુનિયામાં વ્યાપી રહેલા એક તત્ત્વને જુએ છે, જે આ મૃત્યુમય સંસારમાં એક અનંત જીવનને દેખે છે, જડત્વ અને અજ્ઞાનની આ દુનિયામાં જે પ્રકાશ અને જ્ઞાનસ્વરૂપ એકને જ જુએ છે, તેને જ શાશ્વત શાંતિ મળે છે, અન્ય કોઈને નહીં, અન્ય કોઈને નહીં.’ (2.348)

