(ઓક્ટોબર ૨૨, ૧૮૯૬)
કવિ કહે છેઃ ‘આપણે જગતમાં આવીએ છીએ ત્યારે મહિમાના મેઘ જેવા આવીએ છીએ.’ પરંતુ આપણામાંના બધા કંઈ મહિમાના મેઘ જેવા થઈને આવતા નથી; આપણામાંના કેટલાક તો ઘેરા કાળા મેઘ જેવા પણ આવીએ છીએ, એ વિશે કોઈ શંકા જ નથી. પરંતુ આપણામાંના દરેકેદરેક જેમ રણક્ષેત્ર પર ઊતરે તેમ આ દુનિયામાં લડવા સારુ આવે છે. આપણે અહીં રડતાં રડતાં બને તેટલા સારી રીતે લડીને, આ જીવનના અગાધ સાગરમાંથી આપણો માર્ગ કાઢવા આવીએ છીએ. અનંત યુગોને આપણી પાછળ રાખી દઈને તથા ભાવિમાં વિશાળ ક્ષેત્રને સામે રાખીને આપણે આગળ વધીએ છીએ. આમ આપણે હાર્યા છીએ કે જીત્યા છીએ તે આપણે જાણતા નથી; પણ મૃત્યુ આપણને રણભૂમિમાંથી ઉઠાવી ન લે ત્યાં સુધી આપણે આગળ ને આગળ ચાલ્યા જઈએ છીએ. આનું નામ માયા.
બાળપણમાં અંતરમાં આશા પ્રબળ હોય છે. બાળકનાં ખૂલતાં નેત્રોને આ સમગ્ર જગત એક સોનેરી દૃશ્ય લાગે છે; તે એમ માને છે કે પોતાની જ ઇચ્છા સર્વશ્રેષ્ઠ છે. જેમ જેમ તે આગળ વધે છે તેમ તેમ તેની સામે ડગલે ને પગલે તેની ભાવિ પ્રગતિને રુંધતી વજ્રની દીવાલ સમી પ્રકૃતિ આડે ઊભી રહે છે. તેને તોડીને આગળ વધવા માટે તે પોતાની જાતને વારંવાર તેની સામે અફળાવે છે; પણ જેમ જેમ તે આગળ વધતું જાય છે તેમ તેમ આદર્શ પાછળ સરતો જાય છે, છેવટે મૃત્યુ આવે છે અને ત્યારે કદાચ ને તેનો છુટકારો થાય છે! આનું નામ માયા.
એક વૈજ્ઞાનિક જન્મે છે. જ્ઞાન માટે તે તલસે છે. તેને મન કોઈપણ ભોગ બહુ મોટો નથી, કોઈપણ પુરુષાર્થ નિરાશાજનક નથી. પ્રકૃતિના એક પછી એક રહસ્યને તે શોધતો જાય છે, તેના અતિ ગાઢ ઊંડાણમાંથી અન્વેષણ કરીને એકેક રહસ્યને શોધી કાઢતો તે આગળ વધે છે. શા માટે? આ બધું તે શા માટે કરે છે? શા માટે આપણે તેને યશભાગી બનાવવો જોઈએ? શા માટે તેણે યશ સંપાદન કરવો જોઈએ? કોઈપણ માનવી કરી શકે તેના કરતાં અનંતગણું કાર્ય શું કુદરત નથી કરતી? છતાં કુદરત જડ, અચેતન છે. આ જડનું, અચેતનનું અનુકરણ કરવામાં વળી યશ શાનો? કુદરત ગમે તેટલા મોટા પ્રમાણનું વજ્ર ગમે તેટલે દૂર ફેંકી શકે છે; માનવી જો તેનો થોડો અંશ પણ સાધ્ય કરે, તો આપણે તેની ખૂબ પ્રશંસા કરીએ છીએ, તેને સાતમે આસમાને ચઢાવીએ છીએ. શા માટે? કુદરતનું અનુકરણ, મૃત્યુનું અનુકરણ, જડતાનું અનુકરણ, અચેતનનું અનુકરણ કરવા માટે શા માટે આપણે તેનાં વખાણ કરવાં જોઈએ? ગમે તેવા મોટા જડદ્રવ્યના પહાડને ગુરુત્વાકર્ષણની શક્તિ તોડીને ટુકડેટુકડા કરી શકે છે છતાં તે અચેતન છે. આ અચેતનનું અનુકરણ કરવામાં મહત્તા શી છે? છતાં આપણે સહુ તે માટે મથ્યા જ કરીએ છીએ. આનું નામ માયા.
ઇન્દ્રિયો માનવ આત્માને બહાર ખેંચી જાય છે. કદીયે મળી ન શકે એવા સ્થળે માનવી આનંદ અને સુખને શોધી રહ્યો છે. અનંત યુગોથી આપણે સહુ શીખતા આવ્યા છીએ કે આ બધું નિરર્થક અને મિથ્યા છે; એમાં ક્યાંય પણ સુખ નથી. પણ આપણે શીખી શકીએ તેમ નથી. આપણે માટે સ્વાનુભવ સિવાય તે શીખવું અશક્ય છે. આપણે પ્રયાસ કરીએ છીએ અને તરત જ ઘા પડે છે. ત્યારે પણ આપણે શીખીએ છીએ? ના, ત્યારે પણ નહીં. આગમાં કૂદી પડતાં પતંગિયાંની પેઠે તેમાં તૃપ્તિ મળશે એવી આશાથી વારંવાર વિષયસુખમાં કૂદી પડીએ છીએ, નવી શક્તિ લઈને આપણે વારંવાર પાછો એનો એ પ્રયાસ કરીએ છીએ અને બેહાલ બનીને, છેતરાઈને છેવટે આપણે મૃત્યુને ભેટીએ છીએ. આનું નામ માયા.
આપણી બુદ્ધિનું પણ આમ જ છે. વિશ્વનાં રહસ્યોનો ઉકેલ કરવાની આપણી તમન્નાને કારણે આપણે આપણી જિજ્ઞાસાને અટકાવી શકતા નથી. આપણને એમ લાગે છે કે આપણે જાણવું જ જોઈએ; પરંતુ કોઈપણ પ્રકારનું જ્ઞાન મેળવી શકાય તેમ નથી તે માનવા આપણે તૈયાર નથી. થોડાંક પગલાં આગળ વધીએ નહીં, ત્યાં તો આપણે પાર ન કરી શકીએ તેવી કાળની અનાદિ અને અનંત દીવાલ ખડી થાય છે. બીજાં થોડાંક પગલાં ભરીએ નહીં ત્યાં તો અનાદિ અને અનંત અવકાશની પાર ન કરી શકાય તેવી દીવાલ ખડી થાય છે; અને તે બધુંય કાર્યકારણની દીવાલોથી અભેદ્ય રીતે બદ્ધ છે. આપણે તેની પાર જઈ શકતા નથી, છતાંયે આપણે મથીએ છીએ અને વધુ મથવું પડે છે. આનું નામ માયા.
પ્રત્યેક શ્વાસમાં, હૃદયના પ્રત્યેક ધબકારામાં, આપણી પ્રત્યેક ગતિમાં આપણને લાગે છે કે આપણે મુક્ત છીએ; અને તે જ ક્ષણે આપણને ખ્યાલ આવે છે કે આપણે મુક્ત નથી. આપણું શરીર, આપણું મન, આપણા સઘળા વિચારો અને આપણી ભાવનાઓમાં આપણે બદ્ધ ગુલામો, કુદરતના ખરીદાયેલા દાસ છીએ. આનું નામ માયા.
કોઈ માતા એવી નહીં હોય કે જેણે એમ નહીં માન્યું હોય કે પોતાનું બાળક જન્મથી જ અસાધારણ બુદ્ધિશાળી છે, જગતના કોઈપણ બાળક કરતાં અસામાન્ય છે. પોતાનું બધું વહાલ તે બાળકમાં રેડી દે છે; બાળક તેને મન સર્વસ્વ છે. બાળક મોટું થાય છે – કદાચ તે દારૂડિયો અથવા પશુ જેવો બને છે; માતાને પજવે છે. જેટલો તે વધુ પજવે તેટલો માતાનો તેના પરનો પ્રેમ વધે છે. દુનિયા તેને માતાનો નિસ્વાર્થ પ્રેમ કહી વખાણે છે; દુનિયાને સ્વપ્ને પણ ખ્યાલ નથી કે માતા જન્મથી જ તેની ગુલામ છે, એમ કર્યા વિના તે રહી શકતી નથી. તેનું ચાલે તો હજાર વખત તે બોજો ફેંકી દેવા માતા તૈયાર થાય, પણ તે તેમ કરી શકતી નથી. એ કારણે તે પોતાની આસક્તિને પુષ્પના પુંજ તળે ઢાંકે છે અને અદ્ભુત પ્રેમના નામથી તેને નવાજે છે. આનું નામ માયા.
આ દુનિયામાં આપણે સહુ આવા જ છીએ. એક કથા છે. નારદે એક વખતે શ્રીકૃષ્ણને કહ્યુંઃ ‘પ્રભુ! મને આપની માયા બતાવો.’ થોડા દિવસો વીત્યા. પછી એકવાર શ્રીકૃષ્ણે નારદને પોતાની સાથે એક રણ તરફ ફરવા આવવાનું કહ્યું. થોડાક માઈલો ચાલ્યા પછી શ્રીકૃષ્ણે કહ્યુંઃ ‘નારદ! મને તૃષા લાગી છે, મારા માટે થોડું પાણી લાવીશ?’ ‘હા જી, હમણાં જ જઈને આપને માટે પાણી લઈ આવું.’ અને નારદ ગયા. ત્યાંથી થોડે દૂર એક ગામડું હતું. પાણીની શોધમાં નારદ તે ગામમાં પ્રવેશ્યા; જઈને એક ઘરનું બારણું ખખડાવ્યું. એક અતિ સુંદર યુવતીએ બારણું ખોલ્યું. તેને જોતાં જ નારદ મોહવશ બનીને વીસરી ગયા કે પ્રભુ પોતાની રાહ જોઈને બેઠા છે અને તે કદાચ પાણી વિના ટળવળતા હશે. નારદ તો એ બધું વીસરી ગયા અને પેલી યુવતીની સાથે વાતે વળગ્યા. આખો દિવસ નારદ પ્રભુ પાસે પાછા ગયા જ નહીં. બીજો દિવસ થયો; વળી નારદ એ જ ઘેર આવ્યા અને પેલી યુવતી સાથે વાતે વળગ્યા. વાતમાંથી પ્રેમ બંધાયો. નારદે તેના પિતા પાસે કન્યાની માગણી કરી અને તેમનાં લગ્ન થયાં. નારદ તો ત્યાં જ રહેવા લાગ્યા; તેમને સંતાનો પણ થયાં. આમ કરતાં કરતાં બાર વરસ વીતી ગયાં. તેમના સસરાનો સ્વર્ગવાસ થયો એટલે તેની મિલકતના તે વારસ થયા. પોતાની પત્ની, બાળક, ખેતર અને ઢોરઢાંખર વગેરે સાથે પોતે સુખી જીવન ગાળી રહ્યા છે તેમ તે માનવા લાગ્યા. ભોગજોગે એક વખત પાણીનાં પૂર આવ્યાં. રાત્રે નદીમાં સખત મોટું પૂર આવ્યું; પાણી નદીના કિનારાથી પણ ઉપર ચઢ્યાં અને આખા ગામને જળપ્રલયમાં ડુબાડી દીધું. મકાનો તૂટી પડ્યાં, માણસો અને પશુઓ તણાઈ ગયાં અને ડૂબી ગયાં. પાણીના પ્રવાહમાં બધું તરવા લાગ્યું. નારદને પણ નાસવું પડ્યું. એક હાથે તેમણે પત્નીને પકડી અને બીજા હાથે બે બાળકોને પકડ્યાં; એક બાળકને પોતાના ખભા પર બેસાડ્યું અને એમ કરતાં આ ભયંકર પૂરને પાર કરવાનો તે પ્રયત્ન કરવા લાગ્યા. થોડાંક ડગલાં આગળ ચાલતાં તો પાણીનો વેગ વધવા માંડ્યો, તાણ વધ્યું અને ખભા ઉપરનું બાળક નીચે પડ્યું અને તણાઈ ગયું; નારદના મોંમાંથી હાયની ચીસ નીકળી પડી. પેલા બાળકને બચાવવાનો પ્રયત્ન કરવા જતાં બીજા એક બાળકની પકડ ઢીલી થઈ ગઈ અને તે પણ ખેંચાઈ ગયું. છેવટે જોરથી પકડી રાખેલી તેમની પત્ની પણ પ્રવાહના વેગમાં ખેંચાઈ ગઈ; અને આખરે પોતે પણ રોતા, તીવ્ર શોકનો આર્તનાદ કરતા કિનારે ફેંકાઈ ગયા. ત્યાં તો પાછળથી એક મૃદુ સાદ સંભળાયોઃ ‘વત્સ! પાણી ક્યાં? તું તો પાણીનો લોટો ભરવા ગયેલો હતો ને? હું તો ક્યારનો પાણીની રાહ જોઉં છું. તને ગયાને અર્ધો કલાક થઈ ગયો!’ નારદ પોકારી ઊઠ્યાઃ ‘અર્ધો જ કલાક!’ તેમના મનથી પૂરાં બાર વર્ષ વીતી ગયાં હતાં, જ્યારે આ બધાં દૃશ્યો અર્ધા કલાકમાં જ બની ગયાં હતાં! આનું નામ માયા.
એક અગર બીજા રૂપમાં આપણે બધા માયાની અંદર જ છીએ. સમજવી ઘણી મુશ્કેલ અને આંટીઘૂંટીવાળી આ બાબત છે. દરેક દેશમાં માયાની વાતો થાય છે, બધે એ અંગે ઉપદેશ અપાય છે, પણ બહુ થોડા તેમાં માને છે, કારણ કે જ્યાં સુધી આપણને તેનો જાત અનુભવ થતો નથી ત્યાં સુધી આપણે તે માની શકતા નથી. આ શું બતાવે છે? આ એક ભયંકર સ્થિતિ દર્શાવે છે, કારણ કે આ બધું વ્યર્થ છે. સર્વ વસ્તુનો વિનાશ કરનારો કાળ આવ્યો લાગે છે અને કાંઈ બાકી રહેતું નથી. સંતને અને પાપીને, રાયને અને રંકને, સુંદરને અને કુરૂપને સહુને તે ગળી જાય છે; કોઈને છોડતો નથી. બધું જ જાણે કે એક જ લક્ષ્ય – વિનાશ તરફ ધસતું જાય છે. આપણું જ્ઞાન, આપણી કલા, આપણાં વિજ્ઞાનઃ બધાં તે તરફ ધસ્યે જાય છે. તેના જુવાળને કોઈ ખાળી શકતું નથી. એક પળ માટે પણ તેને કોઈ થોભાવી શકતું નથી. જેમ મરકીના રોગથી ઘેરાયેલા શહેરના લોકો તે દુઃખને ભૂલવા માટે દારૂ પીએ, ગાય-નાચે અને બીજા વ્યર્થ પ્રયાસો કરીને લાગણીને બૂઠી બનાવે છે, તેમ આપણે પણ ભૂલવા પ્રયાસ કરીએ છીએ; દરેક પ્રકારના વિષયોને ભોગવીને એક જાતની વિસ્મૃતિ ઉત્પન્ન કરવા માગીએ છીએ. આનું નામ માયા.
બે માર્ગો સૂચવવામાં આવ્યા છે. જે સૌ કોઈ જાણે છે તે સામાન્ય માર્ગ આ છેઃ ‘એ બધું ભલે સાવ સાચું હોય, પણ તેનો વિચાર જ કરો મા.’ કહેવતમાં છે તેમ, ‘વખત છે ત્યાં સુધી માણી લો.’ આ બધી વાત સાચી છે, હકીકત છે, પણ તેની પરવા કરો નહીં. જે થોડોક આનંદ તમને મળે છે તેને ઝડપી લો; જે કાંઈ થોડુંક થઈ શકે તેટલું કરી લો. ચિત્રની કાળી બાજુ તરફ નજર નાખો મા, પણ સદાય આશાસ્પદ અને સારી બાજુ જ જુઓ.’ આ વાતમાં થોડું સત્ય છે, પણ તેમાં ભય પણ છે. સત્ય એટલું છે કે તે એક સારું પ્રેરકબળ છે. આશા અને વિધેયાત્મક આદર્શ, જીવનનાં ઘણાં સારાં પ્રેરકબળો છે. તેમાં ભય એ પ્રકારનો છે કે નિરાશ બનીને આપણે પુરુષાર્થ જ છોડી દઈએ. ‘જગતને જેવું છે તેવું સ્વીકારી લો, બને તેટલી શાંતિ અને આરામથી બેસી રહો અને આ બધાં દુઃખોમાં સંતોષ રાખો. જ્યારે પ્રહારો પડે ત્યારે પ્રહારો નહીં પણ પુષ્પો છે તેમ મનને મનાવો; જ્યારે ગુલામની માફક તમને તગડવામાં આવે ત્યારે તમે મુક્ત છો તેમ કહો. દિવસ અને રાત, બીજાને તેમજ તમારા પોતાના આત્માને જૂઠું સમજાવો, કારણ સુખેથી જીવવાનો આ એકમાત્ર માર્ગ છે.’ જેઓ આવો ઉપદેશ આપે છે તેમની અવસ્થા આવી છે. આ વ્યવહારુ જ્ઞાન કહેવાય છે. આ ઓગણીસમી સદીમાં તે જેટલું પ્રચલિત છે તેથી વિશેષ કદીયે દુનિયામાં નહોતું, કારણ અત્યારે પડે છે તેવા સખત પ્રહારો કદીય પડ્યા નહોતા, હરીફાઈ આટલી તીવ્ર કદીયે નહોતી, માણસો પોતાના જાતભાઈઓ પ્રત્યે અત્યારના જેટલા નિર્દય કદીયે નહોતા; અને માટે જ આશ્વાસન આપવું રહ્યું. આજના જમાનામાં આ બહુ જોરદાર રીતે રજૂ કરવામાં આવે છે; પણ કાયમની પેઠે તે પ્રયાસ આજે પણ નિષ્ફળ નીવડવાનો છે. સડેલાં મુડદાંને ગુલાબનાં પુષ્પોથી આપણે ઢાંકી શકીએ એ અશક્ય છે; લાંબો વખત તે ન ચાલે, કારણ કે ગુલાબનાં પુષ્પો તરત કરમાઈ જશે અને મડદું પહેલાં કરતાંય વધુ ગંધાવા લાગશે. આપણા જીવનનું પણ આવું જ છે. આપણા જૂના અને સડતા ઘાને આપણે સોનેરી કિનખાબથી ભલે ઢાંકીએ, પણ એક દિવસ એવો આવે છે કે જ્યારે એ કિનખાબને ખેંચી લેવામાં આવે છે અને ઘાની ગંધાતી અવસ્થા ખુલ્લી પડી જાય છે.
તો પછી શું કોઈ આશા જ નથી? આપણે બધા માયાના ગુલામ છીએ, માયામાં જન્મ્યા છીએ અને માયામાં જીવીએ છીએ. એ ભલે સત્ય હોય. પણ તો શું કોઈ માર્ગ જ નથી? કોઈ આશા જ નથી? યુગોથી એ તો જાણીતું છે કે આપણે બધા દુઃખી છીએ! આ દુનિયા એ કેદખાનું છે અને આપણું કહેવાતું સુંદર શરીર પણ એક કેદખાનું છે; અને આપણી બુદ્ધિ, આપણું મન બધાં જ કેદખાનાં છે. પોતે ગમે તેમ કહે તો પણ કોઈ એવો માણસ નથી પાક્યો, એવો કોઈ આત્મા નથી થયો કે જેણે કોઈ ને કોઈ વખતે આ અનુભવ્યું ન હોય. વૃદ્ધ માણસોને આ વિશેષ લાગે છે, કારણ તેમની પાસે આખા જીવનના અનુભવોનું ભંડોળ છે, કારણ કે તેઓ પ્રકૃતિનાં જૂઠાણાંથી સહેલાઈથી છેતરાઈ જતા નથી. તો પછી શું કોઈ માર્ગ જ નથી? આ બધું જ હોવા છતાં, આ ભયંકર હકીકત આપણી સામે હોવા છતાં, આપણાં શોક અને દુઃખની વચ્ચે, જેમાં જીવન અને મૃત્યુ એકરૂપ છે એવા આ સંસારમાં પણ એક શાંત ધીમો અવાજ, બધા યુગોમાં – દરેક દેશમાં – પ્રત્યેક હૃદયમાં ગુંજી રહ્યો છે;
दैवी ह्येषा गुणमयी मम माया दुरत्यया।
मामेव ये प्रपद्यन्ते मायामेतां तरन्ति ते॥
‘આ મારી દૈવી ગુણમયી માયાને પાર કરવી બહુ કઠણ છે. છતાં જેઓ મારે શરણે આવે છે તેઓ આ માયાને પાર કરે છે.’ ‘જે લોકો પરિશ્રમથી થાકેલા છે અને જેમના ઉપર (સંસારનો) મોટો બોજો છે તે સહુ મારે શરણે આવો; હું તમને આરામ આપીશ.’ આ અવાજ આપણને આગળ દોર્યે જાય છે. માણસે તે સાંભળ્યો છે અને યુગે યુગે તે સંભળાતો આવ્યો છે. જ્યારે માનવને એમ લાગે છે કે સર્વસ્વનો નાશ થયો છે અને આશા છૂટી ગઈ છે, જ્યારે તેને પોતાની શક્તિ ઉપરનો ભરોસો તૂટી ગયો જણાય છે અને હાથમાંથી બધું સરી ગયું લાગે છે, જ્યારે જીવન કોઈ જાતની આશા વિનાના એક ખંડેર જેવું લાગે છે, ત્યારે માનવીની પાસે આ ગેબી અવાજ આવે છે. તે વેળા તે તેને સાંભળે છે. આનું નામ ધર્મ.
આમ એક બાજુથી હિંમતપૂર્વક કહેવામાં આવે છે કે આ બધું નિરર્થક છે, બધું માયા છે; પણ તેની સાથે એક ખૂબ આશાસ્પદ સંદેશ પણ છે કે આ માયાથી પર જવાનો માર્ગ પણ છે. બીજી બાજુ દુનિયાના વ્યવહારુ માણસો આપણને કહે છેઃ ‘ધર્મ અને તત્ત્વજ્ઞાન જેવી નકામી બાબતોમાં તમારું મગજ ખરાબ કરો નહીં. અહીં જીવો. ખરેખર, આ દુનિયા ખરાબ છે, પણ તેનોયે વધારેમાં વધારે લાભ લઈ લો.’ સ્પષ્ટ શબ્દોમાં કહીએ તો તેનો અર્થ એમ થાય કે બધા સડતા ઘાને તમારાથી બની શકે તેવી સારી રીતે ઢાંકીને દંભી, ખોટું અને છળકપટભર્યું જીવન જીવો. જ્યાં સુધી બધું ઢંકાઈ ન જાય અને તમે થીંગડાંનો એક મોટો ઢગલો ન થાઓ, ત્યાં સુધી એક પછી એક થીંગડું મારતા જ રહો. આનું નામ વ્યવહારુ જીવન. જે લોકોને આવા થીંગડાવાળા જીવનથી સંતોષ છે તેઓ કદી ધર્મ તરફ વળવાના નથી. વર્તમાન પરિસ્થિતિ તરફના, આપણા જીવન તરફના ઘેરા અસંતોષ પછી જીવનને થીંગડાં મારવાના કાર્ય પ્રત્યે ધિક્કાર – તીવ્ર ધિક્કાર છૂટ્યા પછી, છળ અને અસત્ય પ્રત્યે અપાર ઘૃણા છૂટ્યા પછી, ધર્મનો આરંભ થાય છે. જ્યારે મહાન બુદ્ધની સામે આ વ્યવહારુપણાનો વિચાર આવ્યો અને તે નિરર્થક છે તેમ તેમણે જોયા છતાં તેમાંથી માર્ગ ન મળ્યો, તે વખતે બોધિવૃક્ષ નીચે મહાન બુદ્ધે જે શબ્દો ઉચ્ચાર્યા તે શબ્દો ઉચ્ચારવાની જે હિંમત કરે છે તે જ ખરેખરો ધર્મિષ્ઠ છે. જ્યારે પ્રલોભનોએ (મારે) તેમની પાસે આવીને સત્યની શોધ છોડી સંસારમાં પાછા ફરવાનું તથા જૂનું દંભી જીવન ગાળી વસ્તુઓને ખોટા નામથી ઓળખીને તેમજ પોતાને તથા અન્ય સહુને અસત્ય સમજાવીને જીવવાનું કહ્યું, ત્યારે તે મહાન આત્માએ તેની સામે અડગ રહીને વિજય મેળવ્યો અને કહ્યુંઃ ‘નિષ્પ્રાણ અજ્ઞાનભર્યા જીવન કરતાં મૃત્યુ વધારે સારું છે; પરાજયભર્યું જીવન જીવવા કરતાં રણક્ષેત્રમાં મરવું શ્રેષ્ઠ છે.’ ધર્મનો પાયો આ છે. જ્યારે માનવી આ ભૂમિકા સ્વીકારે છે ત્યારે તે સત્યની શોધને માર્ગે એટલે કે ઈશ્વરને માર્ગે છે. ધાર્મિક બનવા માટે આવો દૃઢ નિશ્ચય પ્રથમ પેદા થવો જોઈએ. મારે માટેનો માર્ગ શોધી કાઢીશ; કાં તો હું સત્યને જાણીશ અગર તો તે પ્રયાસમાં જીવન ખતમ કરીશ, કારણ કે આ બાજુ તો કંઈ છે જ નહીં; બધું ચાલ્યું ગયું છે, દરરોજ અદૃશ્ય થતું જાય છે. આજનો સુંદર આશાવાદી યુવક આવતી કાલનો રીઢો બુઝર્ગ છે. આવતીકાલના હિમમાં પુષ્પોની માફક આશા, આનંદ અને સુખો, બધું કરમાઈ જશે. આ એક બાજુ છે. બીજી બાજુ છે વિજયની પરમ રમણીયતા, જીવનનાં બધાં અનિષ્ટો ઉપરના – ખુદ જીવન પરના, વિશ્વ ઉપરના વિજયની રમણીયતા છે. તે બાજુ માનવીઓ ટકી શકે છે. તેથી જેઓ વિજય માટે, સત્ય માટે, ધર્મ કાજે પુરુષાર્થ કરવાની હિંમત કરે છે તેઓ સાચે માર્ગે છે. વેદો આવો જ ઉપદેશ કરે છેઃ
उत्तिष्ठत जाग्रत प्राप्य वरान्निबोधत।
क्षुरस्य धारा निशिता दुरत्यया दुर्गं पथस्तत्कवयो वदन्ति॥
‘નિરાશ ન થાઓ. માર્ગ ઘણો મુશ્કેલીવાળો, અસ્ત્રાની ધાર પર ચાલવા જેવો છે; છતાં હિંમત ન હારો. ઊઠો, જાગો અને આદર્શને-લક્ષને પ્રાપ્ત કરો.’
આમ, ધર્મની બધી વિવિધ અભિવ્યક્તિઓ, માનવજાત પાસે ગમે તે રીતે કે ગમે તે રૂપે આવી હોય, તો પણ તે બધામાં એક સામાન્ય મધ્યવર્તી વિચાર છે. તે છે મુક્તિનો. આ સંસારમાંથી બહાર નીકળવાનો ઉપદેશ. તે ઉપદેશો દુનિયાદારી અને ધર્મ વચ્ચે સમાધાન કરવા કદીય નથી કહેતા; પરંતુ આ વજ્રગ્રંથિને છેદવાનું, ધર્મને તેના આદર્શ સ્વરૂપમાં સ્થાપવાનું – અને નહિ કે દુનિયાદારી સાથે સમાધાન કરવાનું – તેઓ સમજાવે છે. દરેક ધર્મ આવો જ ઉપદેશ કરે છે અને આ બધા આદર્શોનો સમન્વય કરવાનું, દુનિયાના બધા-શ્રેષ્ઠ કે નિકૃષ્ઠ, ઊંચામાં ઊંચા કે નીચામાં નીચા – ધર્મો વચ્ચેની સામાન્ય ભૂમિકા ઊભી કરવાનું વેદાંતનું કર્તવ્ય છે. જેને આપણે અત્યંત બેહૂદા વહેમો કહીએ છીએ તથા જેને સર્વોચ્ચ તત્ત્વજ્ઞાન તરીકે ઓળખીએ છીએ, તે બંને વચ્ચે ખરેખર એક સામાન્ય ધ્યેય છે; તે એ છે કે બંને એક જ મુશ્કેલીમાંથી ઊગરવાનો માર્ગ બતાવવાની કોશિશ કરે છે; અને જે પ્રકૃતિના નિયમથી બદ્ધ નથી, ટૂંકામાં જે મુક્ત છે, તેની સહાયતાથી જ મોટેભાગે આ માર્ગ સાંપડે છે. એક સ્વતંત્ર કર્તા – પછી તે વ્યક્તિવિશેષ ઈશ્વર હોય કે મનુષ્ય જેવી કોઈ ચેતન વ્યક્તિ હોય; તે નર, નારી કે નાન્યતર હોય; તેના વિશે અનેક ગૂંચવાડા અને મતભેદો હોય (અને તેવા મતભેદો તો અનંત હોય છે) છતાં મૂળભૂત કલ્પના તો એક જ રહી છે. વિવિધ દર્શનોનાં વિરોધી વિધાનો લગભગ નિરાશ બનાવે તેવાં હોવા છતાં તે બધા વચ્ચે એકતાનું એક સોનેરી સૂત્ર પરોવાયેલું આપણે જોઈએ છીએ. આ સોનેરી દોરાનો પત્તો આ તત્ત્વજ્ઞાનમાં મળ્યો છે; આપણી સમક્ષ તે ધીમે ધીમે પ્રગટ થતો ગયો છે અને આ અભિવ્યક્તિનું પ્રથમ પગલું એ છે કે સૌ મુક્તિને માર્ગે આગળ વધી રહ્યા છે.
આપણાં બધાં સુખ-દુઃખ, મુશ્કેલીઓ અને પ્રયાસો વચ્ચેની એક વિચિત્ર હકીકત તો એ છે કે આપણે અવશ્ય મુક્તિ તરફ પ્રયાણ કરી રહ્યા છીએ. ટૂંકમાં પ્રશ્ન તો આ હતોઃ ‘આ વિશ્વ શું છે? શામાંથી તે ઉત્પન્ન થયું છે? શામાં તે વિલિન થાય છે?’ અને ઉત્તર આ હતોઃ ‘મુક્તિમાંથી તેની ઉત્પત્તિ છે, મુક્તિમાં તે સ્થિત છે અને મુક્તિમાં તે વિલિન થઈ જાય છે.’ આ મુક્તિના વિચારને કદી તમે છોડી શકો નહીં. તમારા કાર્યો, તમારું જીવન સુધ્ધાં તે વિના ખોવાઈ જાય. પ્રત્યેક પળે પ્રકૃતિ આપણને ખાતરી કરાવી રહી છે કે આપણે મુક્ત નથી પણ ગુલામ છીએ. સાથોસાથ આપણા હૃદયમાં બીજો વિચાર એ ઉત્પન્ન થાય છે કે તેમ છતાં આપણે મુક્ત છીએ. દરેક પળે આપણને જાણે કે માયા પછાડી દે છે અને બતાવે છે કે આપણે બદ્ધ છીએ અને આ પ્રહારની સાથોસાથ – આપણે બદ્ધ છીએ તે વિચારની સાથોસાથ બીજો વિચાર આવે છે કે આપણે મુક્ત છીએ. કોઈનો અંદરનો અવાજ આપણને સંભળાવે છે કે, આપણે મુક્ત છીએ! પણ જો આપણે તે મુક્તિનો અનુભવ કરવા પ્રયાસ કરીએ અને પ્રગટ કરવા મથીએ તો સામે અનુલ્લંઘ્ય મુશ્કેલીઓ દેખાય છે અને આમ હોવા છતાંયે અંદરથી તો તે ભારપૂર્વક જાહેર કર્યા જ કરે છે કે ‘હું મુક્ત છું, હું મુક્ત છું.’ જો તમે વિશ્વના સઘળા ધર્મોનો અભ્યાસ કરશો તો તમને આ વિચાર વ્યક્ત થતો દેખાશે. કેવળ ધર્મ જ નહીં – ધર્મ શબ્દને તમે સંકુચિત અર્થમાં ન સમજતા – પણ સમગ્ર સમાજજીવન મુક્તિના આ એક જ સિદ્ધાંતની ભારપૂર્વકની ઘોષણા છે. સઘળાં આંદોલનો મુક્તિના આ એક જ સિદ્ધાંતની ઘોષણા છે. પોતે જાણતો હોય કે નહીં, છતાં દરેકે આ અવાજ સાંભળ્યો છે. એ અવાજ જાહેર કરે છે કે ‘જેઓ પરિશ્રમથી થાકેલા અને જેમના ઉપર (સંસારનો)મોટો બોજો છે તે બધાં મારી પાસે ચાલ્યા આવો.’ આ આદેશ ભલે એક જ ભાષા કે એક જ વાણીના સ્વરૂપમાં ન હોય, પરંતુ મુક્તિ માટેનો તે જ પોકાર એક યા બીજા પ્રકારે આપણે સાંભળતા જ આવ્યા છીએ. હા, એ અવાજને કારણે જ આપણે અહીં જન્મ્યા છીએ; આપણું દરેક હલનચલન પણ તે અવાજને માટે જ છે. આપણે બધા જ મુક્તિ તરફ ધસ્યા જઈએ છીએ; આપણે બધા જ જાણ્યે કે અજાણ્યે તે અવાજને અનુસરીએ છીએ અને જેમ મુરલી બજાવનારના સંગીતથી ગામનાં બધાં બાળકો ખેંચાયાં હતાં તેમ આપણે પણ તે અવાજનું ભાન ન હોવા છતાં તેના સંગીતની પાછળ પાછળ ખેંચાયે જઈએ છીએ.
જ્યારે આપણે તે અવાજને અનુસરીએ છીએ ત્યારે આપણે નીતિમાન હોઈએ છીએ. માત્ર માનવઆત્મા નહીં, પણ નીચામાં નીચી કક્ષાથી ઊંચામાં ઊંચી કક્ષા સુધીના તમામ જીવોએ આ અવાજ સાંભળ્યો છે અને તેની તરફ ધસી રહ્યા છે; અને આ મથામણમાં આપણે ક્યાં તો એકબીજા સાથે જોડાઈએ છીએ અગર તો એકબીજાને માર્ગમાંથી હડસેલી કાઢીએ છીએ. સ્પર્ધા, આનંદ, સંઘર્ષ, જીવન, સુખ, મૃત્યુ વગેરે આમ ઉત્પન્ન થાય છે; આ સમગ્ર વિશ્વ પેલા અવાજને પહોંચવાના એક ઉન્માદભર્યા પ્રયાસના પરિણામ સિવાય બીજું કંઈ જ નથી. આ જ પ્રકૃતિની અભિવ્યક્તિ છે.
અને પછી શું થાય છે? દૃશ્ય બદલાવાની શરૂઆત થાય છે. જેવા તમે તે અવાજને ઓળખો છો અને તે શું છે તે સમજો છો, તેવું જ આખુંયે દૃશ્ય બદલાય છે. જે દુનિયા માયાનું ભીષણ રણક્ષેત્ર હતું તે જ હવે કંઈક સુંદર વસ્તુમાં પલટાઈ જાય છે. પછી આપણે પ્રકૃતિને શાપ આપતા નથી, તેમ દુનિયા ભયંકર છે અને બધું નકામું છે તેમ કહેતા નથી; આપણે પછી રડવાનું કે શોક કરવાનું રહેતું નથી. આપણે જેવા તે અવાજને પારખીએ છીએ કે તરત જ આ ઘર્ષણ, આ હરીફાઈ, આ વિડંબના, આ નિર્દયતા, આ સુખદુઃખ અને આનંદ શા માટે છે તે આપણે જાણી શકીએ છીએ. આપણે જોઈ શકીએ છીએ કે એ તો વસ્તુઓના સ્વભાવમાં જ છે, કારણ કે તેના સિવાય તે અવાજની દિશા તરફ જવાનું સૂઝે જ નહીં. ભલે આપણે જાણતા હોઈએ કે નહીં, પણ તે અવાજને પહોંચવાનું આપણું નિર્માણ છે. તેથી સમગ્ર માનવજીવન – સમગ્ર પ્રકૃતિ મુક્તિ મેળવવાનો પ્રયાસ કરી રહી છે. સૂર્ય પણ તે જ લક્ષ્ય તરફ જઈ રહ્યો છે. પૃથ્વી સૂર્યની આસપાસ ફરી રહી છે અને ચંદ્ર પણ તે જ રીતે પૃથ્વી ફરતો ફરે છે. એ જ લક્ષ્ય તરફ ગ્રહો જઈ રહ્યા છે, વાયુ ગતિ કરી રહ્યો છે. બધી જ વસ્તુઓ તે તરફ જવા માટે પ્રયાસ કરી રહી છે. સંતપુરુષ તે અવાજ તરફ જઈ રહ્યો છે; તે સિવાય તેનો આરો નથી. તેમાં તેને જશ ખાટવા જેવું કંઈ નથી. પાપીનું પણ તેમ જ છે. દાનવીર મનુષ્ય પણ તે જ અવાજ તરફ સીધો જઈ રહ્યો છે; તેને રોકી શકાય નહિ. કંજૂસ પણ તે જ લક્ષ્ય તરફ જઈ રહ્યો છે. સત્કર્મપરાયણ શ્રેષ્ઠ માનવી પણ અંતરમાં તે અવાજ સાંભળે છે, તેને તે રોકી શકતો નથી, તેણે એ અવાજની તરફ જવું જ પડે છે. આ જ હકીકત આળસુમાં આળસુ માણસની બાબતમાં પણ સાચી છે. આ માર્ગમાં જે બીજા કરતાં વધારે ઠોકર ખાય છે તેને આપણે ખરાબ કહીએ છીએ અને જે ઓછી ઠોકર ખાય છે તેને આપણે સારો કહીએ છીએ. સારું અને ખરાબ એ બંને જુદી જુદી વસ્તુઓ છે જ નહીં, તેઓ એક જ છે; ભેદ વસ્તુનો નથી પણ પરિમાણનો છે.
આમ જો આ મુક્તિની શક્તિની અભિવ્યક્તિ ખરેખર આખા વિશ્વનું શાસન કરતી હોય, તો એ સિદ્ધાંતને ખાસ અભ્યાસના વિષય એવા ધર્મને લાગુ પાડવાથી આપણને જણાશે કે આ વિચાર સર્વ સ્થળે અને કાયમ ભારપૂર્વક રજૂ કરવામાં આવ્યો છે. જેમાં પિતૃઓની કે અમુક તાકાતવાન અને નિષ્ઠુર દેવોની ઉપાસનાનું વિધાન છે તેવા ધર્મના હલકામાં હલકા સ્વરૂપને લો. આ દેવો કે મૃત પિતૃઓ વિશેનો મુખ્ય વિચાર શો છે? તે એ છે કે તેઓ પ્રકૃતિથી શ્રેષ્ઠ છે, તેની મર્યાદાઓથી બદ્ધ નથી. બેશક, ઉપાસકને પ્રકૃતિ વિશેનો ઘણો જ મર્યાદિત ખ્યાલ છે. તે પોતે દીવાલમાંથી પસાર થઈ શકતો નથી કે આકાશમાં ઊડી શકતો નથી, પણ જે દેવોની ઉપાસના તે કરે છે તે દેવો તેમ કરી શકે છે. દાર્શનિક દૃષ્ટિએ વિચારતાં આનો અર્થ શો છે? એ જ કે ત્યાં પણ મુક્તિની ઘોષણા છે; જે દેવોની તે ઉપાસના કરે છે તે દેવો, પ્રકૃતિને જે રીતે તે જાણે છે તેના કરતાં શ્રેષ્ઠ છે. વધુ ઉચ્ચ તત્ત્વોની ઉપાસના કરનાર મનુષ્યનું પણ આમ જ છે. જેમ પ્રકૃતિ વિશેનો ખ્યાલ વિકાસ પામતો જાય છે, તેમ પ્રકૃતિથી ઉચ્ચ એવા આત્માનો ખ્યાલ પણ વિકાસ પામતો જાય છે; તે એટલે સુધી કે અંતે આપણે એકેશ્વરવાદમાં પહોંચીએ છીએ. તે કહે છે કે એક તત્ત્વ માયા છે અને બીજું તત્ત્વ માયાનો અધીશ કોઈક પુરુષવિશેષ છે.
જ્યાં એકેશ્વરવાદના વિચારો પ્રગટ થાય છે ત્યાંથી વેદાંતનો આરંભ થાય છે. પણ વેદાંતદર્શનને વધુ સમજાવવાની જરૂર છે. માયાની આ બધી અભિવ્યક્તિઓથી પર કોઈ એક પુરુષ છે કે જે માયાથી શ્રેષ્ઠ અને સ્વતંત્ર છે અને જે આપણને પોતાના તરફ આકર્ષે છે તથા આપણે બધાં તેના તરફ જઈ રહ્યાં છીએ – એ ખુલાસો વેદાંત કહે છે કે સારો છે. પણ આ દૃષ્ટિ હજી સ્પષ્ટ નથી; તે ઝાંખી અને અસ્પષ્ટ છે, જો કે તે સીધી રીતે તર્કવિરોધી નથી. તમારી પ્રાર્થનામાં કહ્યું છે કે ‘હે પ્રભો! તારી વધારે નજીક.’ વેદાંતીને માટે પણ તે પ્રાર્થના બહુ સારી છે, માત્ર એક શબ્દને તે ફેરવશે અને કહેશેઃ ‘હે પ્રભો! મારી વધારે સમીપ.’ લક્ષ્ય દૂર છે, પ્રકૃતિથી અતિ ઘણું દૂર છે, આપણને બધાને તેના તરફ આકર્ષે છે, તે વિચારને હલકો પાડ્યા સિવાય કે નીચો ઉતાર્યા સિવાય વધુ ને વધુ નજીક લાવવાનો છે. સ્વર્ગનો ઈશ્વર પ્રકૃતિ માંહેનો ઈશ્વર બને છે, પ્રકૃતિ માંહેનો ઈશ્વર પ્રકૃતિસ્વરૂપ ઈશ્વર બને છે. પ્રકૃતિસ્વરૂપ ઈશ્વર આ દેહમંદિરમાંનો ઈશ્વર બને છે. આ દેહમંદિરમાંનો ઈશ્વર દેહમંદિરસ્વરૂપ જ બની જાય છે, આત્મા અને માનવ બને છે. અહીં ઉપદેશના અંતિમ શબ્દો આવી જાય છે. ઋષિઓ જેને સર્વ સ્થળે શોધી રહ્યા હતા તે આપણા હૃદયમાં બિરાજે છે. વેદાંત કહે છે કે જે અવાજ તમે સાંભળ્યો, તે સાચો છે, પણ તમે જે દિશામાંથી આવતો તેને કલ્પ્યો હતો તે દિશા ખોટી છે. મુક્તિનો જે આદર્શ તમે અનુભવ્યો તે બરાબર હતો; પણ તમે તેને બહાર કલ્પ્યો તે જ તમારી ભૂલ હતી. તેને વધારે ને વધારે નજીક લાવો; એટલે છેવટે તમને જણાશે કે તે સદાય તમારી અંદર જ હતો, તમારા આત્માનો આત્મા હતો. મુક્તિ તમારો સ્વભાવ જ હતો; માયાએ કદી તમને બંધનમાં નાખ્યા જ ન હતા; પ્રકૃતિની તમારા ઉપર કદીયે કોઈ સત્તા હતી જ નહીં. ડરી ગયેલા બાળકની માફક તમે સ્વપ્ન જોતા હતા કે તમને તે ગૂંગળાવી રહ્યું હતું. આ ભયમાંથી મુક્ત થવું તે જ ધ્યેય છે; આ સત્યને માત્ર બુદ્ધિથી ગ્રહણ કરવું એટલું જ નહીં, પણ આ જગતને જે રીતે જોઈએ છીએ તે કરતાં વિશેષ ચોક્કસ રીતે તેને જોવું, અનુભવવું રહ્યું. ત્યારે જ આપણને ભાન થશે કે આપણે મુક્ત છીએ. ત્યારે અને માત્ર ત્યારે જ બધી મુશ્કેલીઓ દૂર થશે, ત્યારે જ હૃદયની બધીય ગૂંચો ઉકેલાઈ જશે, બધી કુટિલતા નીકળી જશે, ત્યારે જ પ્રકૃતિની વિવિધતાની ભ્રાંતિ અદૃશ્ય થશે અને જે માયા અત્યારે ભયંકર નિરાશાભર્યું સ્વપ્ન છે તે રમણીય બનશે અને આ પૃથ્વી એક કેદખાનું લાગવાને બદલે આપણું ક્રીડાંગણ બનશે તથા ભયો અને વિટંબણાઓ પણ, બધાં દુઃખો પણ દિવ્ય સ્વરૂપ ધારણ કરશે તથા પોતાનું સાચું સ્વરૂપ પ્રગટ કરશે અને આપણને બતાવશે કે દરેક વસ્તુની પાછળ સહુના તત્ત્વરૂપે જ તે ઊભો છે અને એક તે જ સાચો આત્મા છે. (2.362)

