(નવેમ્બર ૧૦, ૧૮૯૬)

વેદાંત ફિલસૂફીની વહેવારુ બાજુ અંગે કંઈક બોલવાનું મને કહેવામાં આવ્યું છે. મેં તમને કહ્યું છે તેમ, સિદ્ધાંત તો બેશક ઘણો સારો છે, પણ આપણે તેને આચરણમાં કેવી રીતે મૂકવો એ પ્રશ્ન છે. કોઈ પણ સિદ્ધાંત જો તે જરા પણ આચરણમાં મૂકી શકાય તેવો ન હોય, તો કેવળ બુદ્ધિની કસરત સિવાય તેની કશી કિંમત નથી. માટે એક ધર્મ તરીકે વેદાંતને સચોટ રીતે વહેવારુ બનાવવું જોઈએ. જીવનના દરેક વિભાગમાં આપણે તેને આચરણમાં મૂકી શકીએ તેમ થવું જોઈએ. એટલું જ નહિ, પરંતુ ધર્મ અને વહેવારુ જીવન વચ્ચેનો કાલ્પનિક ભેદ અદૃશ્ય થઈ જવો જોઈએઃ વેદાંત આપણને સમગ્ર જીવનમાં એકત્વનો બોધ શીખવે છે. ધર્મના આદર્શોએ જીવનના સમગ્ર ક્ષેત્રને આવરી લેવું જોઈએ, આપણા બધા વિચારોમાં તેમનો પ્રથમ પ્રવેશ થવો જોઈએ. તેમને વધુ ને વધુ આચરણમાં ઉતારવા જોઈએ. જેમ જેમ આપણે આગળ વધીશું તેમ તેમ ક્રમે ક્રમે હું આની વહેવારુ બાજુ પર આવીશ. પરંતુ આ વ્યાખ્યાનમાળાને આધારરૂપ બનાવવાનો ઉદ્દેશ હોવાથી પ્રથમ આપણે સિદ્ધાંતોને તપાસવા જોઈએ અને વનની ગુફાઓમાંથી બહાર આવીને વ્યવસાયપૂર્ણ રાજમાર્ગો પર તથા શહેરોમાં તેમનો કેવી રીતે અમલ થાય તે સમજવું જોઈએ. આ બધાનું એક વિશિષ્ટ લક્ષણ આપણે એ જોઈએ છીએ કે આમાનાં ઘણા ખરા વિચારો વનવાસના પરિપાકરૂપ નથી, પરંતુ જે વ્યક્તિઓ વધુમાં વધુ કાર્યમગ્ન હોવાની આપણે આશા રાખીએ એવા રાજ ચલાવતા સમ્રાટો પાસેથી તે ઊતરી આવ્યા છે.

આરુણિ નામના ઘણે ભાગે ત્યાગી અને વાનપ્રસ્થ જેવા એક ઋષિને શ્વેતકેતુ નામે એક પુત્ર હતો. આ શ્વેતકેતુ જંગલમાં મોટો થયો હતો; પરંતુ પછીથી તે પાંચાળોના નગરમાં ગયો અને પ્રવાહન જૈવલિ નામના રાજાના દરબારમાં હાજર થયો. રાજાએ તેને પૂછ્યુંઃ ‘મૃત્યુ પછી જીવો અહીંથી ક્યાં જાય છે તેની તને ખબર છે?’ છોકરાએ જવાબ આપ્યોઃ ‘ના જી.’ ‘તો તેઓ અહીં કેવી રીતે આવે છે તે તું જાણે છે?’ ‘ના જી.’પિતૃયાન અને દેવયાન વિષે તું જાણે છે?’ ‘ના જી.’ રાજાએ આ ઉપરાંત બીજા પ્રશ્નો પણ પૂછ્યા, પરંતુ શ્વેતકેતુ તેમાંના કોઈના ઉત્તર આપી શક્યો નહિ. તેથી રાજાએ તેને કહ્યું કે તું કંઈ જાણતો નથી. આથી શ્વેતકેતુ પિતા પાસે પાછો ગયો. ત્યાં પિતાએ કબૂલ કર્યું કે એ પોતે જ આ પ્રશ્નોના ઉત્તર આપી શકે તેમ નથી. ઋષિ આરુણિ આ પ્રશ્નોના જવાબ આપવા માગતા નહોતા, અગર તો પુત્રને શીખવવાની ઇચ્છા રાખતા ન હતા એવું હતું જ નહીં; વાસ્તવિક રીતે તે પોતે જ આમાંનું કંઈ જાણતા ન હતા. તેથી તે પોતે જ રાજા પાસે ગયા અને એ રહસ્યો શીખવવાની વિનંતી કરી. રાજાએ કહ્યું કે અત્યાર સુધી આ બાબતોનું જ્ઞાન કેવળ રાજાઓમાં જ રહેલું હતું; પુરોહિતોને એની કદી ખબર નહોતી. છતાં પણ ઋષિની ઇચ્છા હોવાથી રાજાએ તે શીખવવા માંડ્યું. જુદાં જુદાં ઉપનિષદો પરથી આપણે જોઈએ છીએ કે આ વેદાંત તત્ત્વજ્ઞાન માત્ર જંગલમાં કરેલા ધ્યાનનું જ પરિણામ નથી, પણ તેના ઉત્તમમાં ઉત્તમ ભાગો તો જીવનના રોજબરોજના વ્યવહારમાં કાર્યમગ્ન રહેલાં મગજ દ્વારા વિચારી કાઢવામાં અને વ્યક્ત કરવામાં આવ્યા હતા. લાખો લોકો પર રાજ ચલાવતા એક સાર્વભૌમ સમ્રાટ કરતાં વધુ કાર્યમગ્ન વ્યક્તિની આપણે કલ્પના કરી ન શકીએ અને છતાં આવા રાજાઓમાંના કેટલાકો મોટા વિચારકો હતા.

દરેક બાબત બતાવે છે કે આ ફિલસૂફી ઘણી જ વહેવારુ હોવી જોઈએ; અને પાછળથી જ્યારે આપણે ભગવદ્ગીતા- જે તમારામાંથી ઘણાખરાએ વાંચી હશે- ઉપર આવીએ છીએ ત્યારે જણાય છે કે તે ગ્રંથ વેદાંત ફિલસૂફી પર સારામાં સારી ટીકા છે. નવાઈની વાત એ છે કે જ્યાં શ્રીકૃષ્ણ અર્જુનને પોતાનું તત્ત્વજ્ઞાન શીખવે છે તે દૃશ્ય રણક્ષેત્ર પર ગોઠવાયેલું છે. ગીતાને પાને પાને જે સિદ્ધાંત ઉજ્જવળ રીતે તરી આવે છે તે અતિશય ક્રિયાશીલતાની વચ્ચે શાશ્વત શાંતિ, કર્મનું રહસ્ય છે અને તે પ્રાપ્ત કરવું એ વેદાંતનું ધ્યેય છે. નિષ્કર્મતા, એટલે જેનો અર્થ આપણે અક્રિયતા કરીએ છીએ, એ ચોક્કસ ધ્યેય ન હોઈ શકે. જો એમ હોત તો આપણી આસપાસની આ દીવાલો સૌથી વધુ બુદ્ધિશાળી ગણાત, કારણ કે તેઓ અક્રિય છે; એમ હોત તો માટીનાં ઢેફાં અને ઝાડનાં ઠૂંઠાં દુનિયામાં મહાનમાં મહાન ઋષિઓ બની જાત, કારણ કે તેઓ અક્રિય છે. તેમ જ અક્રિયતાની સાથે આવેશ જોડાયેલો હોય ત્યારે પણ તે ક્રિયાશીલતા બની જતી નથી. વેદાંતનું ધ્યેય જે સાચી ક્રિયાશીલતા છે, તેની સાથે તો ક્ષુબ્ધ ન થઈ શકે એવી શાશ્વત શાંતિ, ગમે તે થઈ જાય તો પણ જેમાં કદી વિક્ષેપ ન પડે એવી મનની સમતુલા જોડાયેલી હોય અને આપણે સૌએ આપણા જીવનમાં અનુભવથી જાણ્યું છે કે તે જ કર્મ કરવાનું ઉત્તમ વલણ છે.

અનેક વાર મને પૂછવામાં આવ્યું છે કે કાર્ય કરવા માટેનો જે આવેશ આપણે સામાન્ય રીતે અનુભવીએ છીએ તે જો આપણામાં ન હોય તો આપણે કામ કેવી રીતે કરી શકીએ? વર્ષો પહેલાં હું પણ એવું જ માનતો હતો. પરંતુ જેમ જેમ હું મોટો થતો જાઉં છું, વધુ વધુ અનુભવ મેળવતો જાઉં છું, તેમ તેમ મને લાગે છે કે એ સાચું નથી. આવેશ જેમ ઓછો, તેમ કામ વધુ સારું થાય; આપણે જેમ વધુ શાંત હોઈએ તેમ આપણે માટે વધુ સારું; એથી આપણે કામ વધુ કરી શકીએ. આપણી લાગણીઓ ઉપર જ્યારે જ્યારે આપણો કાબૂ નથી રહેતો ત્યારે આપણે ઘણી શક્તિ વેડફી નાખીએ છીએ, આપણા જ્ઞાનતંતુઓને ભાંગી નાખીએ છીએ, આપણાં મનને ખલેલ પહોંચાડીએ છીએ અને કામ સાવ થોડું થાય છે. જે શક્તિ કાર્યરૂપે પરિણમવી જોઈતી હતી તે માત્ર લાગણીના ઊભરારૂપે ખર્ચાઈ જાય છે અને કાંઈ વળતું નથી. મન જ્યારે ઘણું શાંત અને એકાગ્ર હોય ત્યારે જ તેની સમગ્ર શક્તિ સારું કામ કરવામાં વપરાય છે. જગતે ઉત્પન્ન કરેલા મહાન કાર્યકર્તાઓનાં જીવનચરિત્રો જો તમે વાંચશો, તો તમને જણાશે કે એ વ્યક્તિઓ અસાધારણ શાંત સ્વભાવની હતી. કોઈ વસ્તુ તેમને મનની સ્વસ્થતામાંથી ચળાવી શકતી નહીં. તેથી જ જે માણસ ગુસ્સે થઈ જાય છે તે કદી પણ બહુ ઝાઝું કામ કરી શકતો નથી, જ્યારે જેને કોઈ પણ બાબત ગુસ્સે ન કરી શકે તે ઘણું કાર્ય પાર પાડે છે. જે માણસ ગુસ્સાને, ધિક્કારને અથવા બીજા કોઈ પણ આવેશને વશ થાય છે તે કાર્ય ન કરી શકે; તે માત્ર પોતાની જાતને ભાંગી નાખે છે અને કાર્યમાં કંઈ ઊતરતું નથી. શાંત, ક્ષમાશીલ, સમતોલ અને સમાન દૃષ્ટિવાળું મન જ વધુમાં વધુ કામ કરે છે.

વેદાંત આદર્શનો ઉપદેશ કરે છે અને આપણે જાણીએ છીએ તેમ આદર્શ વાસ્તવથી, આપણી ભાષામાં વહેવારુથી, હંમેશાં ઘણો જ આગળ હોય છે. માનવ સ્વભાવમાં બે વૃત્તિઓ રહેલી છે; એક આદર્શનો જીવનની સાથે મેળ બેસાડવાની અને બીજી જીવનને આદર્શ સુધી ઊંચે લેવાની. આ બાબત સમજવી એ બહુ મોટી વસ્તુ છે, કારણ કે, હું વિચારું છું કે મારાથી અમુક પ્રકારનું જ કામ થઈ શકે. ઘણી વાર તેમાંનું ઘણું ખરું ખરાબ હોય છે; કદાચ ઘણા ખરાની પાછળનું પ્રેરક બળ ક્રોધ, લોભ કે સ્વાર્થ હોય છે. હવે જો કોઈ માણસ મને અમુક આદર્શનો ઉપદેશ આપવા આવે અને તે માટેનું પહેલું પગલું સ્વાર્થનો ત્યાગ કરવાનું હોય, પોતાના ભોગોનો ત્યાગ કરવાનું હોય, તો હું માનું કે તે વહેવારુ નથી. પરંતુ જો કોઈ માણસ એવો આદર્શ લાવે કે જેનો મારી સ્વાર્થવૃત્તિ સાથે મેળ બેસાડી શકાય, તો તરત હું રાજી થઈ જાઉં છું અને નાચી ઊઠું છું કે મારો આદર્શ આ જ છે. ‘રૂઢિચુસ્ત’ શબ્દની પેઠે ‘વહેવારુ’ શબ્દનો પણ વિવિધ અર્થોમાં ઉપયોગ કરવામાં આવ્યો છે. ‘મારી ચુસ્તતા એ જ સાચી ચુસ્તતા’ છે; તમારી ખોટી છે. વહેવારુપણાનું પણ તેમ છે. જેને હું વહેવારુ ધારું છું, તે એક જ બાબત દુનિયા આખીમાં મારે મન વહેવારુપણું છે. હું જો દુકાનદાર હોઉં, તો મને લાગે કે દુકાન ચલાવવી એ જ દુનિયામાં એક માત્ર વહેવારુ ધંધો છે. જો હું ચોર હોઉં તો મને લાગે કે ચોરી કરવી એ જ વહેવારુ થવાનો સર્વોત્તમ માર્ગ છે, બીજા માર્ગો વહેવારુ નથી. તમે જુઓ છો કે આપણે બધા આ ‘વહેવારુ’, શબ્દને આપણને ગમે તે અથવા આપણે કરી શકીએ તે બાબતો માટે વાપરીએ છીએ. તેથી હું તમને એ સમજવાનું કહું છું કે વેદાંત જો કે અત્યંત વહેવારુ છે, તો પણ તે હંમેશાં આદર્શના અર્થમાં વહેવારુ છે, ગમે તેટલો ઉચ્ચ હોય તો પણ એ અશક્ય આદર્શનો ઉપદેશ નથી કરતું; છતાં આદર્શ થવા જેટલું વેદાંત ઉચ્ચ તો છે જ. એક શબ્દમાં કહીએ તો આ આદર્શ છે તમે દિવ્ય છો; ‘तत्त्वमसि – તું તે છો.’ વેદાંતનો સાર આ છે; તેના બધા ફાંટાઓ અને બુદ્ધિની કસરતોને અંતે તમને જણાશે કે માનવ આત્મા પવિત્ર અને સર્વજ્ઞ છે. તમને દેખાશે કે આત્માના સંબંધમાં જ્યારે બોલવાનું હોય ત્યારે જન્મ અને મરણ જેવા વહેમો સાવ પાયા વિનાના છે; આત્મા કદી જન્મ્યો નહોતો અને કદી મૃત્યુ પામશે નહીં; તથા આપણે મરી જવાના છીએ અને મરવાથી ડરીએ છીએ વગેરે બધા વિચારો માત્ર વહેમો છે. તેમજ અમે આ કરી શકીએ અને પેલું કરી ન શકીએ, એ બધા વિચારો પણ વહેમો છે. આપણે બધું કરી શકીએ.

વેદાંત મનુષ્યોને પ્રથમ પોતાની જાતમાં શ્રદ્ધા રાખતાં શીખવે છે. જેમ દુનિયાના કેટલાક ધર્મો કહે છે કે જે માણસ પોતાની બહાર વ્યક્તિરૂપ ઈશ્વરમાં નથી માનતો તે નાસ્તિક છે, તેમ વેદાંત કહે છે કે જે માણસ પોતાનામાં નથી માનતો તે નાસ્તિક છે. આપણા પોતાના આત્માના મહિમામાં ન માનવું એને વેદાંત નાસ્તિકપણું કહે છે. બેશક, ઘણાને મન આ વિચાર ભયંકર છે; અને આપણામાંના ઘણાખરા ધારે છે કે આ આદર્શે કદી પહોંચી શકાય નહીં. પરંતુ વેદાંત ભારપૂર્વક કહે છે કે દરેક માણસ તેનો સાક્ષાત્કાર કરી શકે. આ આદર્શના સાક્ષાત્કારમાં નથી આડે આવતો નર, નારી કે બાળકનો ભેદ, નથી આડે આવતો જાતિ અથવા લિંગભેદ; બીજું કંઈ જ આડે આવતું નથી, કારણ કે વેદાંત બતાવે છે કે અત્યાર પૂર્વે તેનો સાક્ષાત્કાર થઈ ચૂકેલો જ છે, તે ત્યાં અગાઉથી રહેલો જ છે.

વિશ્વની સર્વ શક્તિઓ આપણી જ છે. આપણે જ આપણી આંખો આડા હાથ દઈને, ‘અંધારું છે, અંધારું છે’ એમ બૂમો પાડીએ છીએ. તમે જાણો છો કે આપણી આસપાસ અંધારું નથી; હાથ ખસેડી લો એટલે અજવાળું દેખાશે; તે ત્યાં અગાઉથી છે જ. અંધકારનું અસ્તિત્વ જ નથી, નિર્બળતાનું અસ્તિત્વ જ નથી. આપણે મૂર્ખાઓ બૂમો મારીએ છીએ કે આપણે દુર્બળ છીએ, આપણે અપવિત્ર છીએ. આમ વેદાંત ભાર દઈને કહે છે કે આદર્શ અત્યારે વહેવારુ છે એટલું જ નહીં, પણ તે ભારપૂર્વક એમ પણ કહે છે કે તે સર્વ સમયે વહેવારુ રહેલ છે અને આ આદર્શ, આ સત્ય તે આપણું પોતાનું જ સ્વરૂપ છે; બીજું જે કંઈ તમે જુઓ છો તે બધું મિથ્યા છે, અસત્ય છે. જ્યારે તમે એમ કહો છો કે ‘હું એક ક્ષુદ્ર મરણાધીન જીવ છું’ ત્યારે તમે કંઈક એવું કહી રહ્યા છો કે જે સાચું નથી; તમે તમારી જાતને વિષે ખોટું કહી રહ્યા છો, તમે તમારી જાતને સંમોહિત કરીને કંઈક નીચી, નિર્બળ અને કંગાળ કલ્પી રહ્યા છો.

વેદાંત પાપમાં માનતું નથી; તે માત્ર ભૂલને સ્વીકારે છે અને વેદાંતની દૃષ્ટિએ મોટામાં મોટી ભૂલ તો પોતાની જાતને હું પાપી છું, દુઃખી જીવ છું, મારામાં કશી શક્તિ નથી, હું આ કરી ન શકું ને હું પેલું કરી ન શકું, એમ કહેવું તે છે. જ્યારે જ્યારે તમે એ પ્રમાણે વિચારો, તે દરેક વખતે તમને નીચે બાંધી રાખનારી સાંકળમાં તમે એક વધુ કડી ઉમેરો છો, તમારા પોતાના જ આત્મા ઉપર સંમોહનનો એક વધુ થર વીંટો છો. તેથી જે કોઈ માણસ એમ ધારે કે પોતે અપવિત્ર છે તે જૂઠો છે અને જગતમાં અનિષ્ટ વિચારને ફેલાવે છે. આપણે હંમેશાં ખ્યાલમાં રાખવાનું છે કે વેદાંતમાં અત્યારના જીવનની સાથે, સંમોહિત જીવનની સાથે, આપણે ધારણ કરેલા આ મિથ્યા જીવન સાથે આદર્શની બાંધછોડ કરવાનો કશો પ્રયત્ન નથી. આ મિથ્યા જીવન જવું જ જોઈએ; અને સાચું જીવન કે જે સદા અસ્તિત્વમાં છે, તે પ્રગટ થવું જોઈએ, બહાર પ્રકાશવું જોઈએ. કોઈ પણ માણસ વધુ ને વધુ પવિત્ર થતો જતો નથી; બાબત છે વધુ અભિવ્યક્તિ થવાની. પડદો ખસી જાય છે, એટલે આત્માની સ્વાભાવિક પવિત્રતા પ્રગટ થવા લાગે છે. અનંત પવિત્રતા, અનંત સ્વાતંત્ર્ય, અનંત પ્રેમ અને અનંત શક્તિ સર્વ કંઈ આપણા પોતાનામાં જ છે.

વેદાંત એમ પણ કહે છે કે આનો સાક્ષાત્કાર ગાઢ જંગલોમાં કે ગુફાઓમાં થાય તેટલું જ નહીં, પરંતુ જીવનની સઘળી પરિસ્થિતિમાંનાં મનુષ્યો તેનો સાક્ષાત્કાર કરી શકે. આપણે જોયું છે કે જે લોકોએ આ સત્યો શોધી કઢ્યાં, તેઓ નહોતા રહેતા ગુફાઓમાં કે નહોતા રહેતા જંગલોમાં; ઊલટું આપણે ખાતરીપૂર્વક માની શકીએ કે તેઓ એવા માણસો હતા કે જેમનું જીવન વધુમાં વધુ કાર્યમગ્ન રહેતું હતું, જેઓને લશ્કરનાં સેનાપતિપદ સંભાળવાનાં હતાં, જેમને રાજ ચલાવીને લાખો લોકોનાં કલ્યાણ કરવાનાં હતાં; અને આ બધું પણ એવા કાળમાં કે જ્યારે આજની પેઠે રાજા મોટે ભાગે માત્ર નામનો જ નહીં પરંતુ સર્વાંશ સત્તાધીશ હતો અને છતાં જો આ બધા અંગે ચિંતન કરવાનો, તેમને સાક્ષાત્કાર કરવાનો અને લોકોને તેમનો ઉપદેશ આપવાનો તેમને સમય મળ્યો તો પછી તેમની સરખામણીએ જેમનાં જીવન આરામનાં છે એવા આપણે માટે વેદાંત કેટલું વધારે વહેવારુ હોવું જોઈએ? આપણે એ વિચારોનો જો સાક્ષાત્કાર ન કરી શકીએ તો તે આપણે માટે શરમ જેવું ગણાય, કારણ કે તેમની સરખામણીમાં આપણને બહુ ઓછું કામ કરવાનું હોય છે. કામકાજથી લગભગ મુક્ત હોઈએ છીએ. પ્રાચીન આપખુદ રાજાઓની સરખામણીમાં મારી જરૂરિયાતો કંઈ જ નથી. કુરુક્ષેત્રની રણભૂમિમાં વિશાળ સેનાના સેનાપતિપદે ઊભેલા અર્જુનની સરખામણીમાં મારી જરૂરિયાતો નહિવત્ છે; તે છતાં યુદ્ધના પડકારો અને શોરબકોરની વચ્ચે સર્વોચ્ચ તત્ત્વજ્ઞાન રચવાનો અને તેને વહેવારમાં સુધ્ધાં મૂકવાનો સમય અર્જુનને મળી શક્યો. તો ચોક્કસ, આપણે પ્રમાણમાં આપણા આ મુક્ત, મહેનત વિનાના અને આરામમય જીવનમાં તેટલું કરવાને તો શક્તિમાન થવું જ જોઈએ. જો આપણે આપણા સમયનો ઉપયોગ સત્કાર્યમાં કરવા ઇચ્છતા હોઈએ તો આપણામાંના ઘણા ખરા પાસે આપણે ધારીએ છીએ તે કરતાં ઘણો વધારે ફાજલ સમય હોય છે. જેટલે અંશે આપણે સ્વતંત્ર છીએ, તે જોતાં જ આપણે ધારીએ તો આ જીવનમાં આપણે બસો આદર્શો સિદ્ધ કરી શકીએ; પરંતુ આપણે આદર્શને વાસ્તવિકતાની ભૂમિ સુધી નીચો પાડવો ન જોઈએ. આપણી ભૂલોનો બચાવ કરનારા લોકો તરીકે, આપણી બધી મૂર્ખાઈભરી જરૂરિયાતો અને તૃષ્ણાઓને માટે બચાવના ખાસ માર્ગો શીખવનારા લોકો તરીકે એક અતિ આકર્ષક ઘટના આપણી સામે રજૂ થાય છે અને આપણે ધારીએ કે એકમાત્ર તેમનો જ આદર્શ આપણે જરૂરનો છે. પરંતુ વસ્તુતઃ તેવું નથી; વેદાંત આવું કંઈ જ શીખવતું નથી. ખરી વાત એ છે કે આદર્શ સાથે મેળ બેસાડવો જોઈએ, અત્યારના જીવનને અનંત જીવનની સાથે બંધબેસતું બનાવવું જોઈએ.

કારણ કે તમારે કાયમ એ યાદ રાખવાનું છે કે વેદાંતનો એક માત્ર મધ્યવર્તી આદર્શ આ એકતા છે. કોઈ પણ બાબતમાં બે-પણું નથી. જીવન બે નથી, તેમ બે જુદા જુદા લોકોને માટે બે જુદી જુદી જાતનાં જીવન પણ નથી. તમને જણાશે કે શરૂઆતમાં વેદો કહે છે કે સ્વર્ગો અને એવી બધી વસ્તુઓ છે; પણ જ્યારે તેઓ પોતાની ફિલસૂફીના ઉચ્ચમાં ઉચ્ચ આદર્શોએ પહોંચે છે, ત્યારે તેઓ આ બધી વસ્તુઓને દૂર હઠાવી દે છે. જે છે તે માત્ર એક જ જીવન, એક જ જગત, એક જ અસ્તિત્વ. સર્વ કંઈ તે એક છે; ભેદ છે માત્રામાં, નહીં કે જાતિમાં. આપણાં જીવનો વચ્ચેનો ભેદ જાતિની બાબતમાં નથી. પશુઓ મનુષ્યોથી જુદાં છે અને તેમને ઈશ્વરે આપણા ખોરાક અર્થે બનાવ્યાં છે એવા વિચારોનો વેદાંત સંપૂર્ણ રીતે અસ્વીકાર કરે છે.

કેટલાક લોકાએે દયા દૃષ્ટિથી એક ‘પશુ-વિચ્છેદન-વિરોધી’ સંસ્થા શરૂ કરી છે. મેં તેના એક સભ્યને પૂછ્યુંઃ ‘ભાઈ! તમે એમ કેમ માનો છો કે પશુઓને આહાર અર્થે મારી નાખવાં એ સંપૂર્ણ ન્યાયસંગત છે અને વૈજ્ઞાનિક પ્રયોગોને વાસ્તે એકાદ બેને ચીરવાં એ ન્યાયસંગત નથી?’ તેણે જવાબ આપ્યોઃ ‘ચિરફાડનું કામ અત્યંત ક્રૂરતાભર્યું છે, જ્યારે આપણા ખોરાક તરીકે તો તેમને પેદા કરવામાં આવ્યાં છે.’ એકત્વની અંદર તમામ પશુઓનો પણ સમાવેશ થઈ જાય છે. જો માનવીનું જીવન મૃત્યુરહિત હોય તો પશુનું પણ તેમ જ છે. જે કાંઈ તફાવત છે તે માત્રામાં છે, જાતિમાં નથી. જીવકોશ (અમીબા) અને હું એક જ છીએ; ભેદ માત્ર અભિવ્યક્તિની માત્રામાં છે અને સર્વોચ્ચ જીવનના દૃષ્ટિબિંદુથી જોતાં તો આ બધા ભેદો અદૃશ્ય થાય છે. ઘાસ અને નાના વૃક્ષ વચ્ચે માનવીને તફાવતનું પ્રમાણ ઘણું મોટું દેખાય, પણ ખૂબ ઊંચે ચઢો તો ઘાસ અને મોટામાં મોટું વૃક્ષ પણ ઘણે અંશે સરખાં જ દેખાશે. તેથી સર્વોચ્ચ આદર્શના દૃષ્ટિબિંદુએ છેક હલકું પ્રાણી અને મહાનમાં મહાન માનવ એક સમાન છે. જો તમે ઈશ્વર છે એમ માનતા હો તો પશુઓ અને સર્વોચ્ચ પ્રાણીઓ એક જ હોવાં જોઈએ. જે ઈશ્વર મનુષ્ય નામનાં પોતાનાં બાળકો પ્રત્યે પક્ષપાતી હોય અને જંગલી પશુઓ નામનાં પોતાનાં બાળકો તરફ ઘાતકી હોય, તે રાક્ષસથીયે વધુ ખરાબ છે. આવા ઈશ્વરની ઉપાસના કરવા કરતાં તો હું સો વાર મરવાનું વધુ પસંદ કરું. આવા ઈશ્વરની સાથે તો હું આખી જિંદગી લડ્યા જ કરું. પરંતુ કશો ભેદ છે જ નહીં; જેઓ ભેદ છે, એમ કહેતા હોય તેઓ બેજવાબદાર, હૃદય વિનાના લોકો છે કે જેમને કશી ખબર નથી. વહેવારુ શબ્દ ખોટા અર્થમાં વાપર્યાનો એક પ્રત્યક્ષ દાખલો છે. ભલે હું કટ્ટર શાકાહારી ન હોઉં, પરંતુ હું આદર્શને સમજું છું. જ્યારે હું માંસ ખાઉં છું ત્યારે સમજું છું કે એ ખોટું છે. અમુક સંજોગોમાં મારે એ ખાવું જ પડતું હોય તો પણ હું જાણું છું કે એ ક્રૂરતાભર્યું છે. મારે મારા આદર્શને ઘસડીને નીચે વાસ્તવમાં ઉતારવો ન જોઈએ, મારા નબળાઈભર્યા વર્તનનો મારે આ રીતે બચાવ કરવો ન જોઈએ. આદર્શ એ છે કે માંસ ન ખાવું, કોઈ પ્રાણીને ઈજા ન પહોંચાડવી, કારણ કે સર્વ પ્રાણીઓ મારા ભાઈઓ છે. જો તેમને વિષે તમે ભાઈની ભાવના રાખી શકતા હો તો માનવ ભ્રાતૃત્વનો તો સવાલ જ નથી રહેતો, પરંતુ તમે તમારા આત્માઓના ભ્રાતૃત્વ પ્રત્યે પણ થોડીક પ્રગતિ કરી છે એમ કહેવાય! પછી માનવ ભ્રાતૃત્વની વાત તો બચ્ચાંનો ખેલ છે. સાધારણ રીતે તમે જોશો કે ઘણાને આ વાત બહુ સ્વીકાર્ય નથી, કારણ કે આમાં તેમને માથે વાસ્તવનો ત્યાગ કરવાનું અને આદર્શ તરફ વધુ ઉચ્ચ જવાનું આવે છે. પરંતુ જો તમે તેમના વર્તમાન વર્તન સાથે મેળ ખાતો હોય તેવો કોઈ સિદ્ધાંત રજૂ કરો તો તેને તે લોકો સંપૂર્ણ વહેવારુ ગણશે.

માનવ સ્વભાવમાં રૂઢિચુસ્ત મનોવૃત્તિ દૃઢપણે રહેલી છે; એક પગલુંય આગળ વધવાનું આપણને ગમતું નથી. બરફમાં થીજી જતા લોકો વિષે જ્યારે હું વાંચું છું ત્યારે માનવીના સ્વભાવ વિષે હું વિચાર કરવા મંડી પડું છું; લોકો કહે છે કે એવા લોકો ઊંઘી રહેવા ઇચ્છતા હોય છે અને જો તમે તેમને ખેંચીને જગાડવાનો પ્રયાસ કરો તો પણ તેઓ કહેશે કે ‘મારે સૂઈ રહેવું છે, મને ઊંઘવા દોઃ આ બરફમાં ઊંઘવાની ખૂબ મજા આવે છે.’ અને પરિણામે તેઓ એ ઊંઘમાં જ મરી જાય છે. આપણો સ્વભાવ તેવો જ છે. આપણી આખી જિંદગી આપણે એ જ કર્યા કરીએ છીએ; પગથી માંડીને ઊંચે અને ઊંચે ઠરી જતા હોઈએ છીએ, છતાં ઊંઘી જવાની ઇચ્છા રાખીએ છીએ. માટે તમારે આદર્શ તરફ આગળ વધવાનો પ્રયત્ન કરવો જોઈએ; જો કોઈ માણસ તે આદર્શને તમારી ભૂમિકાએ ઉતારવાનું કહેવા આવે, અગર એ સર્વોચ્ચ આદર્શને અપનાવતો ન હોય એવા ધર્મનો ઉપદેશ કરવા આવે, તો તેનું સાંભળશો નહીં. મારે મન એ અવ્યવહારુ ધર્મ છે. પરંતુ જો કોઈ માણસ સર્વોચ્ચ આદર્શ રજૂ કરતો ધર્મ મને શીખવતો હોય, તો હું તે સ્વીકારવાને તૈયાર છું. જ્યારે જ્યારે કોઈ માણસ ઇન્દ્રિયોના વિલાસ અને ઇન્દ્રિયોની નબળાઈઓનો બચાવ કરવા લાગે ત્યારે તેનાથી ચેતતા રહેજો. એવા ઉપદેશને અનુસરવાથી ઇન્દ્રિય-પરાયણ માટીનાં ઢેફાં જેવા બની ગયેલા આપણા ગરીબને જો કોઈ એ રીતે ઉપદેશ કરવા ઇચ્છે, તો આપણી પ્રગતિ કદી થવાની નથી. મેં આવી ઘણીયે બાબતો જોઈ છે; મને દુનિયાનો કંઈક અનુભવ પણ મળ્યો છે; મારો દેશ એવો છે કે જ્યાં બિલાડીના ટોપની પેઠે અનેક સંપ્રદાયો ઝડપભેર ઊગી નીકળે છે. વરસે વરસે નવા સંપ્રદાયો ઊભા થતા જાય છે. પરંતુ એક વાત મેં ખાસ જોઈ છે કે જે સંપ્રદાયો શારીરિક સુખનું સત્યની સાથે કદી પણ સમાધાન કરવા ઇચ્છતા નથી તેઓ જ પ્રગતિ કરે છે. જ્યાં જ્યાં શારીરિક વિલાસનું સર્વોચ્ચ આદર્શેા સાથે સમાધાન કરવાનો ખોટો વિચાર હોય છે, જ્યાં જ્યાં ઈશ્વરને માનવની ભૂમિકાએ ઉતારવાનો પ્રયત્ન હોય છે, ત્યાં ત્યાં સડો આવે છે. માનવીને ખેંચીને દુન્યવી ગુલામીની ઊતરતી ભૂમિકાએ ઉતારવાને બદલે તેને ઊંચે ચડાવી ઈશ્વર સુધી પહોંચાડવો જોઈએ.

સાથોસાથ પ્રશ્નની બીજી બાજુ પણ છે. આપણે બીજાઓ પ્રત્યે તિરસ્કાર દાખવવો ન જોઈએ. આપણે સહુ એક જ ધ્યેય તરફ જઈ રહ્યા છીએ. નિર્બળતા અને સબળતા વચ્ચેનો તફાવત માત્ર પ્રમાણનો જ છે; પાપ અને પુણ્ય વચ્ચેનો, સ્વર્ગ અને નરક વચ્ચેનો, જીવન અને મરણ વચ્ચેનો તફાવત માત્ર પ્રમાણનો જ છે; આ જગતમાંના સર્વ ભેદો પ્રમાણના જ છે, જાતના નથી, કારણ કે દરેકનું રહસ્ય એકત્વ છે. સર્વ કંઈ એક જ છે; વિચાર તરીકે, જીવન તરીકે, આત્મા તરીકે અથવા તો શરીર તરીકે, પોતાને અભિવ્યક્તિ કરનાર એક જ છે; એમ તફાવત માત્ર પ્રમાણનો જ છે. આમ હોવાથી, જેઓએ બરાબર આપણા જેટલો જ વિકાસ કર્યો ન હોય તેમના પ્રત્યે તિરસ્કારથી જોવાનો આપણને કશો હક નથી. કોઈનો તિરસ્કાર ન કરો. જો તમારાથી બની શકતું હોય તો મદદનો હાથ લંબાવો; જો ન બને તો હાથ જોડો. તમારા ભાઈઓને આશીર્વાદ આપો અને તેમને પોતાને માર્ગે જવા દો. ઉતારી પાડીને કોઈનો તિરસ્કાર કરવો એ કાર્ય કરવાનો માર્ગ નથી. એ રીતે કામ કદી પણ સિદ્ધ થતું નથી. આપણે બીજાઓને તિરસ્કારવામાં જ આપણી શક્તિનો વ્યય કરીએ છીએ. આપણી શક્તિઓને વાપરવાનો, ટીકા અને તિરસ્કાર કરવાનો માર્ગ ખોટો છે; લાંબે ગાળે આપણે શીખીએ છીએ કે આપણે સહુ એક જ વસ્તુ જોઈએ છીએ, વધુઓછે અંશે એક જ આદર્શે પહોંચી રહ્યા છીએ; આપણા મોટા ભાગના તફાવતો માત્ર બોલવાના તફાવતો જ છે.

દાખલા તરીકે પાપનો વિચાર લો. તેના વિશે વેદાંતનો ખ્યાલ હું તમને હજી હમણાં જ સમજાવી રહ્યો હતો; અને બીજો ખ્યાલ મનુષ્ય પાપી છે એવો છે. એ બન્ને ખ્યાલો લગભગ એક જ છે; માત્ર એક રચનાત્મક દૃષ્ટિ લે છે અને બીજા નિષેધાત્મક દૃષ્ટિ લે છે. વેદાંતી વિચાર માણસને તેની શક્તિ તરફ નજર કરાવે છે, જ્યારે પાપનો વિચાર માણસની નબળાઈ તરફ ધ્યાન ખેંચાવે છે. વેદાંત કહે છેઃ માનવીમાં નબળાઈ તો હોય, તેની હરકત નહીં; આપણે તો આગળ વધવું છે. રોગ તો માણસ જન્મ્યો ત્યારથી લાગેલો જ છે. સૌને પોતાના રોગની ખબર છે. આપણો રોગ કયો છે તે કોઈ બીજાએ કહેવાની જરૂર નથી. પરંતુ આપણે રોગી છીએ એવો ચોવીસે કલાક વિચાર કર્યા કરવાથી આપણે રોગમુક્ત થવાના નથી; એને માટે દવાની જરૂર છે. બહારની કોઈ પણ બાબતની આપણે પરવા ન કરીએ, બહારની દુનિયા પાસે આપણે દંભી થવાનો ભલે પ્રયાસ કરીએ, પરંતુ આપણા અંતરના અંતરમાં આપણે સૌ આપણી નબળાઈઓ જાણીએ છીએ. પરંતુ વેદાંત કહે છે કે નબળાઈને યાદ કર્યા કરવાથી ઝાઝો ફાયદો થતો નથી; શક્તિની જરૂર છે, બધો વખત નબળાઈનો વિચાર કર્યા કરવાથી શક્તિ આવતી નથી; નબળાઈનું ચિંતન કર્યા કરવું એ નબળાઈ દૂર કરવાનો ઉપાય નથી, પરંતુ શક્તિનું ચિંતન કરવું એ એનો ઉપાય છે. મનુષ્યની અંદર પ્રથમથી જ જે બળ રહેલું છે તે તરફ તેનું ધ્યાન ખેંચો, તમે પાપી છો એમ કહેવાને બદલે વેદાંત એથી વિરુદ્ધ જઈને કહે છે કે ‘તમે પવિત્ર અને પૂર્ણ છો; જેને તમે પાપ કહો છો તે તમારામાં નથી.’ પાપો એ આત્માની અભિવ્યક્તિની નીચી કક્ષા છે; તમારા આત્માને ઉચ્ચ માત્રામાં અભિવ્યક્ત કરો. યાદ રાખવાની બાબત એ એક જ છે; અને આપણે એ કરી શકીએ છીએ. કદી ‘ના’ કહો નહીં; ‘મારાથી બનતું નથી’ એમ કદી ન કહો, કારણ કે તમે અનંત છો. તમારી પ્રકૃતિની તુલનામાં દેશ અને કાળ કંઈ હિસાબમાં નથી. તમે સર્વ કંઈ કરી શકો છો; તમે સર્વશક્તિમાન છો.

આ બધા નીતિના સિદ્ધાંતો છે; પરંતુ હવે આપણે જરા નીચે ઊતરીને વિગતો ઘડી કાઢીશું. આ વેદાંતને રોજિંદા જીવનમાં, શહેરી જીવનમાં, ગ્રામ્યજીવનમાં, રાષ્ટ્રિય જીવનમાં અને દરેક પ્રજાના ગૃહજીવનમાં કેવી રીતે ઉતારી શકાય તે આપણે વિચારીશું. કેમ કે ધર્મ, જો મનુષ્યને તે જે કક્ષાએ હોય ત્યાંથી મદદ ન કરી શકે તો તેનો ઝાઝો ઉપયોગ નથી; અમુક ગણ્યાગાંઠ્યા લોકોને માટેનો એ એક સિદ્ધાંત જ બની રહેશે. મનુષ્યને મદદ કરવાને માટે, માણસ જે પરિસ્થિતિમાં હોય તે પરિસ્થિતિમાં મદદરૂપ થવાને માટે ધર્મે તૈયાર અને શક્તિમાન થવું જોઈએ, પરાધીનતામાં કે સ્વાતંત્ર્યમાં, અધોગતિની ઊંડી ખાઈમાં કે પવિત્રતાના ઉચ્ચ શિખર પર, સર્વત્ર અને સમાન રીતે, ધર્મે માણસની મદદે જવું જોઈએ. વેદાંતનો અથવા ધર્મનો આદર્શ અથવા તમે તેને ગમે તે નામ આપો, પણ આ મહાન કાર્યને પાર પાડવાની તેની લાયકાતથી તેની પરિપૂર્તિ થશે.

આપણી પોતાની જાતમાં શ્રદ્ધાનો આદર્શ આપણને મોટામાં મોટી મદદરૂપ છે. જો આ આત્મશ્રદ્ધાનો ઉપદેશ અને આચરણ વધુ વિસ્તૃત પ્રમાણમાં કરવામાં આવ્યાં હોત, તો મારી ખાતરી છે કે અત્યારનાં અનિષ્ટો અને દુઃખોનો ઘણો મોટો ભાગ અદૃશ્ય થઈ ગયો હોત. માનવજાતિના સમગ્ર ઇતિહાસમાં સઘળાં મહાન નરનારીઓનાં જીવનમાં કોઈ પણ પ્રેરક બળ બીજા કરતાં વધુ શક્તિશાળી નીવડ્યું હોય તો તે આત્મશ્રદ્ધાનું છે. પોતે મહાન થવાને જન્મ્યો છે, એવા ભાન સાથે જન્મેલા હોવાથી જ તેઓ મહત્તાને પામ્યા. માણસ ભલે ગમે તેટલો પતિત બની નીચે ગયો હોય, પરંતુ એક એવો કાળ જરૂર આવશે જ્યારે તે કેવળ નિરુપાય થઈને પણ ઉચ્ચ માર્ગ ગ્રહણ કરશે અને પોતાનામાં શ્રદ્ધા રાખતાં શીખશે. પરંતુ આપણે જો પ્રથમથી જ એ જાણીએ તો વધુ સારું. આપણને પોતાનામાં શ્રદ્ધા જન્મે એટલા ખાતર આ બધા કડવા અનુભવો શા માટે લેવા જોઈએ? આપણે જોઈ શકીએ છીએ કે માણસ માણસ વચ્ચે જે કંઈ તફાવત છે તે તેની જાત વિષેની શ્રદ્ધાની હાજરી અથવા ગેરહાજરીને લીધે છે. આત્મશ્રદ્ધા સર્વ કંઈ કરશે. મેં મારા જીવનમાં તે અનુભવ્યું છે અને હજી અનુભવી રહ્યો છું; અને જેમ જેમ હું ઉંમરમાં વધતો જાઉં છું તેમ તેમ મારી એ શ્રદ્ધા વધુ ને વધુ દૃઢ થતી જાય છે. જેને પોતાની જાતમાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. પ્રાચીન ધર્મો ઈશ્વરમાં ન માનવાને નાસ્તિકતા કહેતા; નવો ધર્મ કહે છે કે જેને પોતાનામાં શ્રદ્ધા નથી તે નાસ્તિક છે. પરંતુ એ શ્રદ્ધા સ્વાર્થી શ્રદ્ધા નથી, કારણ કે પાછો વેદાંતનો સિદ્ધાંત એકત્વનો છે. તેનો અર્થ સર્વમાં શ્રદ્ધા એવો થાય છે, કારણ કે તમે સર્વરૂપ છો. તમારા પોતાના પર પ્રેમનો અર્થ છે સહુ પ્રત્યે પ્રેમ,પશુઓ પ્રત્યે પ્રેમ, દરેક વસ્તુ પ્રત્યે પ્રેમ, કારણ કે, તમે સહુ એક છો. આ મહાન શ્રદ્ધા જ જગતને વધારે સારું બનાવશે; મને એવી ખાતરી છે. જે માણસ સાચેસાચ કહી શકે કે ‘હું મારે વિષે સર્વ જાણું છું’ તે સર્વોચ્ચ માનવ છે. તમારી આ દેહદૃષ્ટિની પાછળથી કેટલી શક્તિ, કેટલી સિદ્ધિઓ, કેટલાં બળો હજી પણ ડોકિયાં કરી રહ્યાં છે તેની તમને ખબર છે? માનવમાં રહેલું બધું ક્યાં વૈજ્ઞાનિકે જાણી લીધું છે? આ પૃથ્વી પર માનવ પ્રથમ આવ્યો તેને લાખો વરસો થઈ ગયાં છે; છતાં હજી તો તેની શક્તિઓનો માત્ર એક પરમાણુ ભાગ જેટલો જ હિસ્સો પ્રગટ થયો છે. માટે, એમ ન કહો કે તમે દુર્બળ છો. સપાટી પર દેખાતા અધઃપતન તળે શી શી શક્યતાઓ પડેલી છે, તે તમે ક્યાંથી જાણો? તમે તો તમારામાં જે રહેલું છે તેનો માત્ર થોડોક જ અંશ જાણો છો; તમારી પાછળ તો અનંત શક્તિ અને કલ્યાણનો મહાસાગર પડેલાં છે.

‘આ આત્માનું પ્રથમ શ્રવણ કરવાનું છે.’ રાત અને દિવસ સાંભળ્યા કરો કે તમે આત્મા છો. દિવસ અને રાત એનું એટલું રટણ કરો કે તે તમારી રગે રગે ઊતરી જાય, તમારા રક્તના બુંદે બુંદમાં ઝણઝણી ઊઠે, તમારા માંસમાં અને હાડકામાં એ ઓતપ્રોત થઈ જાય. તમારું આખું શરીર એક એ આદર્શથી ભરપૂર કરી દો કે ‘હું અજન્મા, મૃત્યુરહિત, આનંદમય, સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સદા-મહિમા-મંડિત એવો આત્મા છું. રાત દિવસ એનો વિચાર કરો. તેના પર એટલો વિચાર કરો કે તે આખરે તમારા જીવનનો અણુએ અણુ બની જાય. તેનું ધ્યાન કરો; એટલે તેમાંથી કાર્યશક્તિનો આવિર્ભાવ થશે. ‘હૃદયની પૂર્ણતામાંથી વાણી પ્રગટે છે’ અને હૃદયની પૂર્ણતામાંથી હાથ પણ કાર્ય કરે છે. તેમાંથી કાર્યશક્તિ આવશે. તમારી જાતને આદર્શથી ભરી દો; તમે જે કાંઈ કરો તેના પર પૂરો વિચાર કરો. વિચારની ખુદ શક્તિથી જ તમારાં સર્વ કાર્યો મોટાં દેખાશે, તેમનું સ્વરૂપ પલટાઈ જશે, તેમનામાં દિવ્યત્વ આવશે. જડદ્રવ્ય જો શક્તિમાન હોય તો વિચાર સર્વશક્તિમાન છે. આ ભાવના તમારા જીવનમાં ઊતરે એમ કરો; તમારી જાતને તમારા સર્વશક્તિત્વની, તમારી ભવ્યતાની અને તમારા મહિમાની ભાવનાથી ભરપૂર કરી મૂકો. તમારા મગજમાં કોઈ વહેમો ન ઘૂસ્યા હોય તો ઈશ્વરની મોટી કૃપા! ઈશ્વરકૃપાથી આપણે જન્મથી જ આ બધી વહેમપૂર્ણ અસરો અને આપણને નિષ્ક્રિય બનાવનારી આપણી નબળાઈઓ તથા અધમતાના વિચારોથી ઘેરાયેલા ન હોત તો કેવું સારું! ઉમદામાં ઉમદા અને ઉચ્ચમાં ઉચ્ચ સત્યો પ્રાપ્ત કરવાનો વધુ સહેલો માર્ગ માનવજાત પાસે હોત તો કેવું સારું! પરંતુ માનવજાતને આ બધામાં થઈને પસાર થવું જ પડે છે; તો હવે તમારી પાછળ આવનારાઓને માટે માર્ગને વધુ કઠિન ન બનાવો.

આ બધા સિદ્ધાંતોનો ઉપદેશ આપવો એ કેટલીક વાર ભય ઉપજાવે એવું છે. હું એવા લોકોને જાણું છું કે જેઓ આ વિચારોથી ડરી જાય છે; પરંતુ જેમની વહેવારુ બનવાની ઇચ્છા હોય, તેમણે આ વસ્તુ પહેલી શીખવાની છે. તમારી જાતને કે બીજા કોઈને પણ તમે નબળા છો એમ કદી પણ કહેશો નહિ. બને તો દુનિયાનું ભલું કરો, પરંતુ તેને નુકસાન તો ન જ કરો. તમારા હૃદયના ઊંડાણમાં તમે જાણો છો કે તમારા ઘણા ખરા સંકુચિત વિચારો-પોતાની જાતને નમ્ર બનાવવી, પ્રાર્થનાઓ કરવી, કાલ્પનિક દેવતાઓ પાસે રોદણાં રોવાં વગેરે માત્ર વહેમો છે. મને એક કિસ્સો એવો બતાવો કે જેમાં આ બધી પ્રાર્થનાઓ ઉત્તરદાયી બની હોય. તમને જે જે ઉત્તરો મળ્યા તે બધા તમારા પોતાના હૃદયમાંથી જ આવ્યા છે. તમે જાણો છો કે ભય જેવું કશું નથી; છતાં જેવા તમે અંધારામાં પેસો કે તરત તમારી છાતીમાં કંઈ કંઈ થવા માંડે છે. આમ થવાનું કારણ એ છે કે બાળપણમાં આ બધા ભયપ્રેરક વિચારો આપણા મગજમાં ઘુસાડવામાં આવ્યા હતા. પરંતુ સમાજના ભયથી કે જાહેર અભિપ્રાયના ભયથી કે મિત્રોની ખફગી વહોરી લેવાના ભયથી અથવા દિલપસંદ વહેમોને ગુમાવવાના ભયથી પણ આ બધી બાબતો બીજાને શીખવશો નહિ. આ બધા ઉપર સ્વામિત્વ મેળવો; વિશ્વની એકતા અને આત્મશ્રદ્ધા એ બે સિવાય ધર્મમાં શીખવવા જેવું બીજું શું છે? છેલ્લાં હજારો વરસ થયાં માનવજાતિના સઘળા પ્રયત્નો આ એક જ ધ્યેય તરફ જઈ રહ્યા છે અને હજી આજે પણ માનવજાતિ તેનો અમલ કરી રહી છે. હવે તમારો વારો છે; અને સત્યને તો હવે તમે જાણી ચૂક્યા છો કારણ કે તેનું જ્ઞાન સર્વ બાજુએથી અપાઈ રહ્યું છે. માત્ર ફિલસૂફી અને મનોવિજ્ઞાન જ નહિ, પરંતુ ભૌતિક વિદ્યાઓએ પણ તેવું જાહેર કર્યું છે. વિશ્વની આ એકતાનું સત્ય સ્વીકારવાથી ડરતો હોય એવો વૈજ્ઞાનિક આજે ક્યાં છે? વિશ્વની અનેકતાની વાતો કરવાની હિંમત કરે એવો વૈજ્ઞાનિક કોણ છે? આ બધા વહેમો છે. જીવન માત્ર એક જ છે, વિશ્વ પણ એક જ છે; આ એક જીવન અને એક વિશ્વ આપણને અનેકરૂપે દેખાઈ રહ્યાં છે. આ અનેકત્વ સ્વપ્ન જેવું છે. જ્યારે તમે સ્વપ્નાવસ્થામાં હો ત્યારે એક સ્વપ્ન જતાં બીજું આવે છે. તમે સ્વપ્નમાં એક રહેતા નથી; સ્વપ્નાં એક પછી એક આવે છે, દૃશ્યો એક પછી એક તમારી સામે ખુલ્લાં થતાં આવે છે. નેવું ટકા દુઃખ અને દસ ટકા સુખની આ દુનિયામાં પણ તેમ જ છે. કદાચ ઘડી વાર પછી તે નેવું ટકા સુખમય દેખાશે, એટલે આપણે તેને સ્વર્ગ કહીશું. પરંતુ યોગીને માટે એક એવો કાળ આવે છે, જ્યારે આખી વસ્તુ અદૃશ્ય થઈ જાય છે અને આ વિશ્વ સાક્ષાત્ ઈશ્વરરૂપે દેખાય છે, તેનો પોતાનો આત્મા ઈશ્વરરૂપે દેખાય છે. તેથી એમ નથી કે વિશ્વો અનેક છે, એમ પણ નથી કે જીવન અનેક છે. આ બધી અનેકતા પેલા એકની અભિવ્યક્તિ છે. એ જ અનેકરૂપે, જડદ્રવ્યરૂપે, ચેતનરૂપે, મનરૂપે, વિચારરૂપે અને અન્ય સર્વકંઈરૂપે પોતાને અભિવ્યક્ત કરે છે. એ જ એક પોતાને અનેકરૂપે અભિવ્યક્ત કરી રહ્યો છે. તેથી આપણે લેવાનું પ્રથમ પગલું એ છે કે આપણી જાતને અને બીજાઓને સત્યનું જ્ઞાન કરાવવું.

વિશ્વમાં આ આદર્શના અનેક પડઘાઓ ઊઠો અને વહેમો બધા નાશ પામો. જેઓ નબળા હોય તેમને તે સંભળાવો, વારંવાર તે કહ્યા કરોઃ તમે પવિત્ર આત્મા છો; ઊઠો, જાગ્રત થાઓ; ઓ મહાનુભાવો! આ નિદ્રા તમને છાજતી નથી. જાગો અને ઊભા થાઓ, તમને આ પડી રહેવું શોભતું નથી. એમ ન ધારો કે તમે નિર્બળ અને દુઃખી છો. ઓ સર્વ શક્તિમાન! તમે ઊઠો, જાગ્રત થાઓ અને તમારું સાચું સ્વરૂપ પ્રગટ કરો. તમે તમારી જાતને પાપી ગણો છો એ તમને શોભતું નથી; તમે તમારી જાતને નિર્બળ માનો છો એ યોગ્ય નથી. વિશ્વને એ સંભળાવો. તમારી પોતાની જાતને એ સંભળાવો અને જુઓ કે કેવું વહેવારુ પરિણામ આવે છે! જુઓ કે વીજળીના ચમકારા પેઠે દરેક વસ્તુ કેવી પ્રગટ થઈ જાય છે, દરેક વસ્તુ કેવી બદલાઈ જાય છે! માનવજાતને એ સંભળાવો અને તેમને તેમની શક્તિ બતાવી આપો. આપણા રોજ-બરોજના દૈનિક જીવનમાં તેને કેમ લાગુ કરવી તે આપણે ત્યાર પછી શીખીશું.

જેને આપણે વિવેક કહીએ છીએ તેનો ઉપયોગ કરવાને શક્તિમાન થવા માટે, આપણા જીવનની પળેપળે, હરેકે હરેક કાર્યમાં, જે સાચું છે ને જે ખોટું છે, જે સત્ય છે અને જે મિથ્યા છે, તેનો વિવેક કરવાનું શીખવા માટે, આપણે સત્યની કસોટી શી છે તે જાણવું પડશે; તે છે પવિત્રતા,એકતા. એકત્વ પ્રત્યે જે કંઈ લઈ જાય તે સત્ય. પ્રેમ સત્ય છે અને ધિક્કાર મિથ્યા છે, કારણ કે ધિક્કાર અનેકત્વ તરફ લઈ જાય છે. માણસને માણસથી જુદો પાડે છે તે ધિક્કાર છે; માટે તે ખોટો અને મિથ્યા છે. ધિક્કાર એ છિન્નભિન્ન કરનારું બળ છે; તે જુદા પાડે છે, નાશ કરે છે.

પ્રેમ જોડે છે, પ્રેમ પેલી એકતા ઉત્પન્ન કરે છે. પ્રેમથી તમે એક થાઓ છો; માતા પોતાના બાળક સાથે, કુટુંબો શહેરની સાથે, સમગ્ર વિશ્વ પ્રાણીઓ સાથે, પ્રેમથી એક થાય છે, કારણ કે પ્રેમ એ અસ્તિત્વ સ્વરૂપ છે, ઈશ્વર સ્વરૂપ છે; અને આ બધું ક્યાંક ઓછે તો ક્યાંક વધારે અંશે પણ પેલા એક પ્રેમની અભિવ્યક્તિ છે. જે કાંઈ તફાવત છે તે પ્રમાણનો છે; પરંતુ સર્વત્ર એ એક પ્રેમની જ અભિવ્યક્તિ છે. તેથી આપણાં સર્વ કાર્યોમાં આપણે એ નક્કી કરવાનું છે કે હાથ ધરેલું કાર્ય વિવિધતા તરફ લઈ જાય છે કે એકતા તરફ. જો તે વિવિધતા તરફ લઈ જતું હોય તો આપણે તેનો ત્યાગ કરવો; પરંતુ જો તે એકત્વ તરફ લઈ જતું હોય તો આપણે ખાતરી રાખવી કે તે સારા માટે છે. આપણા વિચારો અંગે પણ તેવું જ. આપણે એ નક્કી કરવાનું કે તે છિન્ન-ભિન્નતા તરફ લઈ જાય છે-અનેકત્વ તરફ લઈ જાય છે કે એકત્વ તરફ-એક આત્માને બીજા આત્મા સાથે જોડીને એકતાની ભાવનાને ટકાવી રાખવા તરફ લઈ જાય છે. જો તે વિચારો એકત્વ તરફ લઈ જાય તો આપણે તેમને અપનાવવા; અને જો ન લઈ જાય તો તેમને ગુનાહિત ગણીને ફેંકી દેવા.

નીતિશાસ્ત્રનો સમગ્ર વિચાર એ છે કે તે કોઈ પણ અજ્ઞેય બાબત પર આધાર રાખતું નથી, અજ્ઞાત હોય એવું કશુંય તે શીખવતું નથી; પરંતુ ઉપનિષદની ભાષામાં કહીએ તો ‘જેની આપણે અજ્ઞાત ઈશ્વર તરીકે ઉપાસના કરીએ છીએ, તેનો જ હું તને ઉપદેશ આપું છું.’ તમે જે કંઈ જાણો તે આત્મા દ્વારા જ જાણી શકો. હું ખુરશીને જોઉં છું; પરંતુ ખુરશીને જોવા માટે, મારે પ્રથમ જાતનો અનુભવ કરવો પડે છે અને પછી ખુરશીનો. ખુરશીનો અનુભવ આત્માની અંદર અને આત્મા દ્વારા થાય છે. તમે અને આખું વિશ્વ મને જ્ઞાત છો તે આત્માની અંદર અને આત્મા દ્વારા છો; અને તેથી એમ કહેવું કે આ આત્મા અજ્ઞાત છે, એ કેવળ મૂર્ખાઈભર્યું છે. આત્માને લઈ લો તો આખું વિશ્વ અદૃશ્ય થઈ જશે. આત્મામાં અને આત્મા દ્વારા જ બધું જ્ઞાન આવે છે. તેથી તે સૌથી વધુ જ્ઞાત છે. જેને તમે ‘હું’ કહો છો તે તમારો પોતાનો આત્મા છે. તમને નવાઈ લાગશે કે આ મારો ‘હું’ એ તમારો ‘હું’ કેમ કરીને હોઈ શકે? તમને નવાઈ લાગશે કે આ મર્યાદિત ‘હું’ અમર્યાદ, અનંત કેમ હોઈ શકે? પરંતુ એ એમ જ છે. મર્યાદિત ‘હું’ એ કલ્પના માત્ર છે; અનંત જાણે કે ઢંકાઈ ગયો છે અને તેનો એક જરાક જેટલો અંશ ‘હું’ તરીકે અભિવ્યક્ત થાય છે. અમર્યાદ પર મર્યાદા કદી આવી શકે નહિ; તે એક કલ્પના માત્ર છે. તેથી, આત્મા આપણને દરેકને-પુરુષ,સ્ત્રી, બાળક, સર્વને, અરે પશુ અને પ્રાણીઓને પણ-જ્ઞાત છે. તેને જાણ્યા વિના આપણે જીવી કે હાલી શકીએ નહિ, તેમ આપણું જીવન સંભવે નહિ; આ સર્વેશ્વરને જાણ્યા વિના આપણે શ્વાસ ન લઈ શકીએ કે ક્ષણભર જીવી ન શકીએ. વેદાંતનો ઈશ્વર સૌથી વધુ જ્ઞાત છે; એ કલ્પનાનો ગબારો નથી.

આનું નામ જો વહેવારુ ઈશ્વરનો ઉપદેશ ન હોય તો બીજી કઈ રીતે તમે વહેવારુ ઈશ્વરનો ઉપદેશ આપી શકો? જે ઈશ્વરને હું મારી સમક્ષ જોઉં છું, જે ઈશ્વર સર્વ કંઈમાં વ્યાપી રહેલો છે, જે આપણી ઇન્દ્રિયો કરતાંય વધુ સત્ય છે, તેના કરતાં વધુ વહેવારુ ઈશ્વર બીજો ક્યો છે? કારણ કે તમે સર્વવ્યાપી સર્વશક્તિમાન ઈશ્વર છો, તમારા આત્માઓનો આત્મા છો અને જો હું કહું કે તમે તમે નથી, તો હું અસત્ય કહું છું. દરેક સમયે હું તેનો અનુભવ કરું કે ન કરું, તો પણ હું તે જાણું છું. એકત્વ સર્વની એકતા, સર્વ જીવનની અને સર્વ અસ્તિત્વની સત્યતા તે છે.

વેદાંતના નીતિશાસ્ત્રના આ વિચારો વિગતવાર અમલમાં મૂકવાના છે અને તેથી તમારે ધીરજ રાખવી જોઈએ. મેં તમને કહ્યું છે તેમ આપણે આ વિષયને વિગતવાર હાથ ધરવો છે અને તેને આદિથી તે અંત સુધી કાર્યમાં પરિણત કરવો છે; આપણે જોવું છે કે ઘણા નીચલી કોટિના આદર્શોમાંથી વિચારો કેવી રીતે વધે છે અને એકત્વનો એક જ મહાન આદર્શ વિકાસ પામીને વિશ્વપ્રેમમાં કેવી રીતે પરિણમ્યો છે; અને જોખમો દૂર રાખવાને માટે આ બધાંનો આપણે અભ્યાસ કરવો જોઈએ. નીચામાં નીચેના પગથિયાંથી તેને કાર્યમાં મૂકવાનો દુનિયાને સમય મળે એમ નથી. પરંતુ જો આપણે પાછળ આવનારાઓને સત્ય આપી ન શકીએ તો આપણા વધુ ઊંચા પગથિયા પર ઊભા રહેવાનો શો ઉપયોગ છે? તેથી, તેની સંપૂર્ણ કાર્યપ્રણાલીનો અભ્યાસ કરવો એ વધુ સારું છે; અને ભલે આપણે જાણીએ કે બુદ્ધિમત્તાની લગભગ કાંઈ કિંમત નથી તો પણ પ્રથમ બૌદ્ધિક વિભાગને સ્વચ્છ કરવો એ સંપૂર્ણ રીતે આવશ્યક છે; કારણ કે સૌથી વધુ અગત્યનું હૃદય છે. ઈશ્વર હૃદય દ્વારા દેખાય છે, બુદ્ધિ દ્વારા નહિ. બુદ્ધિ તો માત્ર ઝાડુ મારનારી છે, આપણે માટે રસ્તો સાફ કરનારી છે, ગૌણ કાર્યકર્તા છે, સિપાઈ છે; સમાજના સંચાલન માટે સિપાઈની અનિવાર્ય આવશ્યકતા નથી. પોલીસ તો કશી ગડબડ-તોફાન થાય તો તે અટકાવવા માટે છે, ખોટું કામ થતું હોય તો તે દબાવવા માટે છે; બુદ્ધિ પાસેથી પણ એટલા જ કાર્યની આશા રાખવામાં આવે છે. જ્યારે તમે બુદ્ધિવૈભવથી ભરેલાં પુસ્તકો વાંચો અને જ્યારે તમને લાગે કે તમે તેના પર પ્રભુત્વ મેળવી લીધું છે, ત્યારે તમને થાય છે કે ‘ભગવાનનો પાડ માનો કે આપણે તેમાંથી છૂટ્યા!’ કારણ કે બુદ્ધિ આંધળી છે, તે પોતાની મેળે ચાલી શકતી નથી, તેને હાથપગ નથી. કામ કરનારી તો લાગણી છે, હૃદય છે; વીજળી કે અન્ય કોઈ પણ કરતાં અનંત ગણી ઝડપે તે ચાલે છે. પ્રશ્ન એ છે કે ‘તમારામાં લાગણી છે?’ જો તમારામાં લાગણી હશે તો તમે ઈશ્વરને જોશો. આજે તમારામાં જે લાગણી છે તે જ વધુ તીવ્ર થશે, તે જ ઉચ્ચમાં ઉચ્ચ ભૂમિકાએ ચડશે અને અંતે તેને સર્વનો-સર્વ વસ્તુમાં રહેલી એકતાનો અનુભવ થશે અને છેવટે તેને પોતાની અંદર અને બીજાની અંદર ઈશ્વરનો અનુભવ થશે. બુદ્ધિ એ કામ કદી કરી શકે નહિ.

वाग्वैखरी शब्दझरी शास्त्रव्याख्यानकौशलम्।

वैदुष्यं विदूषां तद्वद् भुक्तये न तु मुक्तये॥

‘શબ્દોના ઉચ્ચારની વિધવિધ પદ્ધતિઓ, શાસ્ત્રોની વ્યાખ્યા કરીને સમજાવવાની વિધવિધ કુશળતા, આ બધાં વિદ્વાનોના ઉપભોગને માટે છે, આત્માની મુક્તિને માટે નથી.’

તમારામાં જેમણે થોમસ એ. કૅમ્પીસનું ‘ઈશુનું અનુકરણ’ (Imitation of Christ) નામનું પુસ્તક વાંચ્યું હશે તેમને ખબર હશે કે તે પુસ્તકને પાને પાને ગ્રંથકાર આ બાબત પર ખાસ ભાર મૂકે છે; અને લગભગ દરેક સંતે તેના પર ભાર મૂક્યો છે. અલબત્ત બુદ્ધિ જરૂરની છે, કારણ કે તેના વિના આપણે બધા જેવી ભૂલો કરી બેસીએ, તરેહતરેહના છબરડા વાળી દઈએ. બુદ્ધિ એને અટકાવે છે; પરંતુ બુદ્ધિ પર એથી વિશેષ કોઈ જ મદાર બાંધશો નહિ. એ તો એક જડ છે, ગૌણ મદદ છે; સાચી મદદ છે હૃદય, પ્રેમ. તમને બીજાઓ માટે લાગણી થાય છે? જો થતી હોય તો તમે એકત્વ પ્રત્યે વિકાસ કરી રહ્યાં છો. જો તમને બીજાઓને માટે લાગણી થતી ન હોય, તો ભલે તમે વિચારમાં વિરાટ બુદ્ધિ લઈને જન્મ્યા હો, પણ તમે શૂન્ય જ રહેવાના; તમે માત્ર શુષ્ક બુદ્ધિવાળા જ છો અને તમે તેવા જ રહેવાના. પણ જો તમને બીજાઓને માટે લાગણી થતી હશે, તો ભલે તમે એક પણ ચોપડી વાંચી શકતા ન હો અને એકે ભાષા જાણતા ન હો, તો પણ તમે સાચે રસ્તે છો. ઈશ્વર તમારો છે. અવતારી પુરુષોની શક્તિ ક્યાં હતી તે તમે શું જગતના ઇતિહાસમાંથી જાણ્યું નથી? તે શક્તિ ક્યાં હતી? શું તે બુદ્ધિમાં હતી? શું તેઓ પૈકી કોઈએ ફિલસૂફી પર કે તર્કશાસ્ત્રની સૌથી ગૂંચવણભરી આંટીઘૂંટીઓ પર એકાદ સુંદર ગ્રંથ લખ્યો હતો? કોઈએ નહિ. તેઓ તો માત્ર થોડાક શબ્દો જ બોલેલા. ઈશુના જેવી લાગણી તમે ધરાવો તો તમે પણ ઈશુ થશો; બુદ્ધના જેવી લાગણી ધરાવો તો તમે પણ બુદ્ધ થાઓ. જે જીવન છે, જે બળ છે, જે ચેતના છે તે બધું લાગણી છે; તેના વિના, બુદ્ધિની ચપળતા ગમે તેટલી હોય પણ તે ઈશ્વરને પામી શકે નહિ. બુદ્ધિ તો ચાલકશક્તિ વિનાનાં અંગો જેવી છે; જ્યારે લાગણી તેમાં પ્રવેશીને તેમને ગતિ આપે ત્યારે જ તેઓ ચાલવા લાગે અને બીજાઓ ઉપર ક્રિયા કરે. દુનિયામાં સર્વત્ર એમ જ છે અને એ બાબત તમારે હંમેશાં યાદ રાખવી જોઈએ. વેદાંતનો એ ઉપદેશ છે કે તમે સર્વે પેગંબરો છો અને સર્વે પેગંબરો હોવા જ જોઈએ. વેદાંતના નીતિધર્મમાં એ એક વહેવારુમાં વહેવારુ બાબત છે. તમારા આચરણનું પ્રમાણ ગ્રંથ નથી, પરંતુ ગ્રંથનું પ્રમાણ તમે છો. તમે કેમ કરીને જાણો છો કે ગ્રંથ સત્યનો ઉપદેશ કરે છે? કારણ કે તમે સત્ય છો અને તેનો અનુભવ કરો છો. વેદાંત જે કહે છે તે આ છે. જગતના ઈશુઓ અને બુદ્ધોનું પ્રમાણ શું છે? એ છે કે તમે અને હું તેમના જેવો અનુભવ કરીએ છીએ. એ રીતે તમે અને હું સમજીએ છીએ કે તેઓ સાચા છે. આપણો અવતાર-પરમાત્મા તેમના અવતાર-આત્માનું પ્રમાણ છે. તમારું ઈશ્વરપણું સ્વયં તમારા ઈશ્વર હોવાનું પ્રમાણ છે. જો તમે પેગંબર ન હો, તો ઈશ્વર વિષે કદીયે કશું ય સાચું થયું જ નથી. જો તમે ઈશ્વર ન હો, તો ઈશ્વર કદીય હતો નહિ અને હશે નહિ. વેદાંત કહે છે કે આ આદર્શને અનુસરવાનું છે. આપણામાંના દરેકેદરેકે પેગંબર થવું પડશે અને તે તમે અત્યારે જ છો. માત્ર તમે તે જાણો. એમ કદી પણ ન ધારશો કે આત્માને માટે કશુંય અશક્ય છે. એમ ધારવું એ મોટામાં મોટી નાસ્તિકતા. પાપ જો હોય તો તે આ એક જ છે કે તમે દુર્બળ છો અગર બીજાઓ દુર્બળ છે એમ કહેવું-માનવું. (2.437)

Total Views: 247
૮. આત્માનું સ્વાતંત્ર્ય
૧૦. જીવન વ્યવહારમાં વેદાંતઃ પ્રવચન - ૨