(નવેમ્બર ૧૨, ૧૮૯૬)
છાંદોગ્ય ઉપનિષદમાંથી હું તમને એક ઘણી જ પ્રાચીન કથા કહું છું. તેમાં એક છોકરાને જ્ઞાન કેવી રીતે થયું તે કહેલું છે. વાર્તાનું રૂપ ઘણું અણઘડ છે, પરંતુ આપણે જોઈશું કે તેમાં એક સિદ્ધાંત સમાયેલો છે. એક નાના છોકરાએ પોતાની માતાને કહ્યુંઃ ‘માતા, હું વેદો શીખવા માટે જાઉં છું. તું મને મારા પિતાનું અને ગોત્રનું નામ કહે.’ તે માતા પરિણીત ન હતી. ભારતમાં લગ્ન થયા વિનાની માતાનું બાળક નાતબહારનું ગણાય છે; સમાજ તેને સ્વીકારતો નથી, તેને વેદો ભણવાનો અધિકાર હોતો નથી. આમ હોવાથી બિચારી માતાએ કહ્યુંઃ ‘બેટા! હું તારું ગોત્ર જાણતી નથી; હું તો પારકાં કામ કરતી અને જુદે જુદે ઠેકાણે કામ કરવા જતી; મને ખબર નથી કે તારો પિતા કોણ છે. પણ મારું નામ છે જબાલા અને તારું નામ છે સત્યકામ.’ પછી આ બાળક એક ઋષિ પાસે પહોંચ્યો અને પોતાને બ્રહ્મચારી તરીકે સ્વીકારવાની વિનંતી કરી. ઋષિએ તેને પૂછ્યુંઃ ‘તારા પિતાનું નામ શું અને તારું ગોત્ર કયું?’ આ બાળકે પોતાની માતાએ જે કહેવાનું કહ્યું હતું તે કહ્યું. તરત જ ઋષિ બોલી ઊઠ્યાઃ બ્રાહ્મણ સિવાય બીજું કોઈ પોતાના વિષે આવું આક્ષેપાત્મક સત્ય બોલવાની હિંમત કરી શકે નહિ! તું બ્રાહ્મણ છો અને હું તને ભણાવીશ. તું સત્યથી ચલિત થયો નથી.’ પછી ઋષિએ એ બાળકને પોતાની પાસે રાખ્યો અને તેને અભ્યાસ કરાવ્યો.
હવે આવે છે પ્રાચીન ભારતની કેટલીક વિશિષ્ટ શિક્ષણ પદ્ધતિઓ. આ ગુરુએ સત્યકામને ચારસો સાવ દૂબળી પાતળી ગાયોની રખેવાળી સોંપીને તેને જંગલમાં મોકલ્યો. એ જંગલમાં જઈને ત્યાં કેટલોક સમય રહ્યો. ગુરુએ તેને કહેલું કે ગાયોનું ધણ વધીને જ્યારે એક હજારનું થાય ત્યારે તું પાછો આવજે. આ રીતે થોડાં વરસો વીત્યા પછી સત્યકામે ધણમાંના એક મોટા આખલાને બોલતો સાંભળ્યોઃ ‘અમારી સંખ્યા હવે એક હજારની થઈ ગઈ છે; અમને તારા ગુરુને ત્યાં પાછાં લઈ જા. હું તને બ્રહ્મનો થોડો ઉપદેશ આપીશ.’ સત્યકામે કહ્યુંઃ ‘સાંભળવા તૈયાર છું.’ એટલે આખલો બોલ્યોઃ ‘પૂર્વ દિશા બ્રહ્મનું પાદ છે તેમજ પશ્ચિમ દિશા પણ બ્રહ્મનું પાદ છે; એ જ પ્રમાણે દક્ષિણ દિશા અને ઉત્તર દિશાનું પણ છે. આ ચારે દિશાઓ બ્રહ્મના ચાર પાદ છે. અગ્નિ પણ તને બ્રહ્મનો ઉપદેશ આપશે.’ એ કાળે અગ્નિ એક મહાન પ્રતીક હતું અને દરેક વિદ્યાર્થીએ અગ્નિનું સ્થાપન કરીને તેમાં આહુતિઓ આપવી પડતી એટલે બીજા દિવસે સત્યકામ પોતાના ગુરુને ઘેર જવા નીકળ્યો. રસ્તામાં જ્યારે સાંજે તેણે આહુતિઓ આપી દીધી અને અગ્નિનું પૂજન કરી નજીક બેઠો હતો ત્યારે અગ્નિમાંથી તેણે એક અવાજ આવતો સાંભળ્યોઃ ‘અરે સત્યકામ!’ સત્યકામ બોલ્યોઃ ‘બોલો, ભગવન્!’ (કદાચ તમને યાદ હશે કે બાઇબલના જૂના કરારમાં આને ઘણી જ મળતી આવતી એક વાત છે; તેમાં સેમ્યુઅલે એક ગેબી અવાજ સાંભળ્યો હતો.) ‘અરે સત્યકામ! હું તને બ્રહ્મ વિષે થોડું જ્ઞાન આપવા આવ્યો છું. આ પૃથ્વી બ્રહ્મનો અંશ છે; આકાશ અને દ્યુલોક તેના અંશો છે. સમુદ્ર તેનો પાદ છે.’ ત્યાર પછી અગ્નિએ કહ્યુંઃ ‘હવે એક પક્ષી તને કંઈક જ્ઞાન આપશે.’ સત્યકામે પોતાનો, ગુરુને ઘેર પાછા ફરવાનો પ્રવાસ જારી રાખ્યો અને પછીને દિવસે જ્યારે તેણે સાંજનો હોમ કરી લીધો, ત્યારે એક હંસપક્ષી આવ્યું અને બોલ્યુંઃ ‘હું તને બ્રહ્મનો ઉપદેશ આપીશ. હે સત્યકામ! જે આ અગ્નિની તું ઉપાસના કરે છે તે અગ્નિ બ્રહ્મનો અંશ છે. સૂર્ય બ્રહ્મનો અંશ છે, ચંદ્ર બ્રહ્મનો અંશ છે, વિદ્યુત પણ બ્રહ્મનો અંશ છે. એના વિષે વધારે ઉપદેશ હવે મદ્ગુ નામનું એક પક્ષી તને આપશે.’ ત્યાર પછીની સાંજે એ પક્ષી આવ્યું, ત્યારે એવો જ અવાજ સત્યકામે સાંભળ્યોઃ ‘હું તને બ્રહ્મ વિષે કંઈક ઉપદેશ આપીશ. પ્રાણ બ્રહ્મનો અંશ છે, દૃષ્ટિ બ્રહ્મનો અંશ છે, શ્રવણ બ્રહ્મનો અંશ છે, મન પણ બ્રહ્મનો અંશ છે.’ ત્યાર પછી સત્યકામ પોતાના ગુરુને ઘેર પાછો આવ્યો, પ્રણામ આદિ કરીને તેમની સામે ઊભો રહ્યો. ગુરુએ શિષ્યને જોયો કે તરત જ તે બોલી ઊઠ્યાઃ ‘વત્સ સત્યકામ! તારો ચહેરો બ્રહ્મવિત્ જેવો પ્રકાશે છે! તને કોણે ઉપદેશ આપ્યો?’ સત્યકામે કહ્યુંઃ ‘મને મનુષ્યેતર પ્રાણીઓએ ઉપદેશ આપ્યો છે. પરંતુ મારી વિનંતી છે કે હવે આપ મને ઉપદેશ આપો, કારણ કે આપ જેવા મહાનુભાવો પાસેથી મેં સાંભળ્યું છે કે માત્ર ગુરુ પાસેથી મેળવેલું જ્ઞાન જ કલ્યાણકારી નીવડે છે.’ ત્યાર પછી ગુરુએ જે જ્ઞાન પોતે દેવો પાસેથી મેળવ્યું હતું તે જ જ્ઞાનનો તેને ઉપદેશ આપ્યો.‘પછી કંઈ જ બાકી ન રહ્યું, અરે, કંઈ જ બાકી ન રહ્યું.’
અહીં આખલાએ, અગ્નિએ અને પક્ષીએ જે ઉપદેશ આપ્યો તે રૂપકને બાજુએ રાખીએ તો પણ એ દિવસોમાં વિચારની દિશા અને વલણ કઈ બાજુએ જઈ રહ્યાં હતાં તે આપણે જોઈ શકીએ છીએ. જે મહાન વિચારનું બીજ આપણે અહીં જોઈએ છીએ તે એ છે કે આ બધા અવાજો આપણી પોતાની અંદર છે. જેમ જેમ આપણે આ સત્યો વધુ સારી રીતે સમજીશું તેમ તેમ આપણને જણાશે કે એ અવાજ આપણી પોતાની અંદર છે; વળી તે બ્રહ્મચારી એમ સમજતો હતો કે એ બધા વખત દરમિયાન પોતે સત્ય સાંભળી રહ્યો છે, પરંતુ તેની એ માન્યતા સાચી ન હતી. એ અવાજને તે જગતમાંથી આવતો સમજતો હતો, જ્યારે દરેક વખતે અવાજ તેની પોતાની અંદરથી જ આવતો હતો. બીજો વિચાર આપણને એ મળે છે કે બ્રહ્મનું જ્ઞાન વહેવારુ બનાવવું જોઈએ. દુનિયા હંમેશાં ધર્મની વહેવારુ શક્યતાઓ શોધી રહી છે અને આ કથાઓમાં આપણે જોઈએ છીએ કે એ કેવી રીતે રોજ રોજ વધુ ને વધુ વહેવારુ બનતું જાય છે. જે જે વસ્તુઓથી વિદ્યાર્થીઓ પરિચિત હતા તેમના દ્વારા સત્યને દર્શાવવામાં આવ્યું છે. જેની તેઓ ઉપાસના કરતા હતા તે અગ્નિ બ્રહ્મનું સ્વરૂપ છે, પૃથ્વી બ્રહ્મનો અંશ છે, વગેરે.
ત્યાર પછીની કથા આવે છે ઉપકોશલ કમલાયન નામના આ સત્યકામના શિષ્યની. સત્યકામ પાસે જ્ઞાન મેળવવા એ ગયો અને તેમને ત્યાં કેટલોક કાળ રહ્યો. હવે સત્યકામ ક્યાંક પરગામ ગયેલા, એટલે તે શિષ્ય મનમાં બહુ જ ઉદાસ થઈ ગયો. ગુરુપત્નીએ જ્યારે તેને પૂછ્યું કે ‘તું ખાતો કેમ નથી?’ ત્યારે તેણે જવાબ આપ્યોઃ ‘હું મનથી બહુ જ અસ્વસ્થ છું એટલે ખાઈ શકતો નથી.’ એટલે જે અગ્નિની તે ઉપાસના કરતો હતો તેમાંથી અવાજ આવ્યોઃ ‘આ જીવન બ્રહ્મ છે, આકાશ બ્રહ્મ છે અને સુખ બ્રહ્મ છે. તું બ્રહ્મને જાણ.’ છોકરાએ જવાબ આપ્યોઃ ‘ભગવન્! હું જાણું છું કે જીવન બ્રહ્મ છે, પણ આકાશ અને સુખ બ્રહ્મ છે તે હું જાણતો નથી.’ ત્યાર પછી પેલા અવાજે તેને સમજાવ્યું કે આકાશ અને સુખ બેઉ શબ્દો વાસ્તવિક રીતે એક જ વસ્તુ સૂચવે છે અને તે હૃદયમાં રહે છે તે ચેતન-આકાશ એટલે કે શુદ્ધ બુદ્ધિ. આમ તેણે તેને જીવન અને હૃદયમાં રહે છે તે આકાશરૂપે બ્રહ્મ છે એવો ઉપદેશ આપ્યો. ત્યાર પછી વળી અગ્નિએ ઉપદેશ આપ્યો કે ‘આ પૃથ્વી, અન્ન, અગ્નિ અને જેની તું ઉપાસના કરે છે તે સૂર્ય પણ બ્રહ્મનાં રૂપો છે. સૂર્યમાં જે પુરુષ દેખાય છે તે હું છું. જે આ જાણે છે અને તેના પર ધ્યાન ધરે છે, તેનાં સર્વ પાપ દૂર થઈ જાય છે, તેને લાંબું જીવન મળે છે અને તે સુખી થાય છે. દિશાઓમાં, ચંદ્રમાં, તારાઓમાં અને જળમાં જે રહે છે, તે હું છું. આ જીવનમાં, આકાશમાં, સ્વર્ગોમાં, વિદ્યુતમાં રહે છે તે હું છું.’ અહીં પણ આપણે વહેવારુ વેદાંતની ભાવના જોઈએ છીએ. જે જે વસ્તુઓની તેઓ ઉપાસના કરે છે, જેવી કે અગ્નિ, સૂર્ય, ચંદ્ર વગેરે વગેરે અને જે અવાજથી તેઓ પરિચિત હતા તે બધાં જ, તેમના ખુલાસાઓ આપીને વધુ ઉચ્ચ અર્થ આપનાર કથાઓના વિષય બને છે અને વેદાંતની સાચી બાજુ-વહેવારુ બાજુ આ છે. તે દુનિયાનો નાશ નથી કરતી પણ તેનો ખુલાસો કરે છે; તે વ્યક્તિત્વને ઉડાવી નથી દેતી પણ તેની સમજૂતી આપે છે; તે વ્યક્તિઓનો નાશ કરતી નથી પરંતુ સાચા વ્યક્તિને દર્શાવીને તેનો ખુલાસો આપે છે. એ એમ નથી બતાવતી કે આ જગત વ્યર્થ છે અને તેનું અસ્તિત્વ જ નથી, પરંતુ એ કહે છે કે ‘આ જગત શું છે તે સાચી રીતે સમજો, જેથી તે તમને નુકસાન ન કરે.’ પેલા અવાજે સત્યકામને એમ નથી કહ્યું કે જે અગ્નિની તું ઉપાસના કરે છે તે અથવા સૂર્ય અથવા ચંદ્ર અથવા વિદ્યુત અથવા બીજું બધું ખોટું છે; ના. પરંતુ તેને બતાવે છે કે જે તત્ત્વ સૂર્ય, ચંદ્ર, વિદ્યુત, અગ્નિ અને પૃથ્વીમાં છે તે જ તેનામાં છે. તેથી સત્યકામની દૃષ્ટિમાં દરેક વસ્તુનું સ્વરૂપ જાણે કે પલટાઈ જાય છે. જે અગ્નિ પ્રથમ માત્ર બલિદાનો આપવાનો ભૌતિક અગ્નિ હતો તેણે નવું સ્વરૂપ ધારણ કર્યું અને તે ઈશ્વર બન્યો. પૃથ્વીનું સ્વરૂપ ફરી ગયું! જીવન વિષેની દૃષ્ટિ પલટાઈ ગઈ; સૂર્ય, ચંદ્ર, તારા, વિદ્યુત, સર્વ કંઈ પલટાઈને દિવ્ય બન્યું. તેમના સાચા સ્વરૂપની જાણ થઈ. વેદાંતનો વિષય છે સર્વ વસ્તુમાં ઈશ્વરને જોવો, સર્વ વસ્તુને તે જેવી દેખાય તેવા સ્વરૂપમાં નહિ પણ તેમના સાચા સ્વરૂપમાં જોવી. ત્યાર પછી ઉપનિષદોમાં બીજો પાઠ શીખવામાં આવે છે. તે છેઃ ‘આંખો દ્વારા જે પ્રકાશે છે તે બ્રહ્મ છે; તે જ સૌંદર્યસ્વરૂપ છે, તે જ પ્રકાશમય છે. આ સર્વ બ્રહ્માંડોમાં તે જ પ્રકાશે છે.’ ભાષ્યકાર કહે છે કે આંખોમાંના પ્રકાશનો અર્થ પવિત્ર માનવમાં જે અમુક વિશિષ્ટ પ્રકાશ આવે છે તે સમજવો અને એ એમ કહેવાય છે કે જ્યારે માણસ પવિત્ર હોય ત્યારે તેનાં નેત્રોમાં આવો પ્રકાશ ચમકે; અને ખરી રીતે એ પ્રકાશ અંદરના આત્માનો હોય છે જે સર્વત્ર છે. ગ્રહોમાં, તારાઓમાં અને સૂર્યમાં પ્રકાશે છે તે એ જ પ્રકાશ છે.
હવે હું તમારી પાસે જન્મ અને મૃત્યુ વગેરે ઉપર આ પ્રાચીન ઉપનિષદોનો એક બીજો સિદ્ધાંત વાંચી સંભળાવીશ. તમને કદાચ તેમાં રસ પડશે. શ્વેતકેતુ પાંચાળોના રાજા પાસે ગયો. રાજાએ તેને પૂછ્યુંઃ ‘લોકો મૃત્યુ પછી ક્યાં જાય છે એ તને ખબર છે? એ લોકો ક્યે માર્ગે પાછા આવે છે એ તું જાણે છે? પરલોક શા માટે ભરાઈ જતો નથી એની તને ખબર છે?’ શ્વેતકેતુએ પોતાને ખબર નથી એવો જવાબ આપ્યો. પછી શ્વેતકેતુ પોતાના પિતા પાસે ગયો અને તેમને એ જ પ્રશ્નો પૂછ્યા. પિતાએ કહ્યું ‘મને ખબર નથી.’ અને એમ કહી તે પોતે રાજા પાસે ગયા. રાજાએ કહ્યું કે આ જ્ઞાન પુરોહિતો પાસે કદી હતું નહિ; માત્ર રાજાઓ જ એ જ્ઞાનના જાણકાર હતા અને તેથી જ તેઓ દુનિયા પર રાજ કરતા હતા. આ માણસ રાજાને ત્યાં થોડોએક વખત રહ્યો કારણ કે હું તમને ઉપદેશ આપીશ એમ રાજાએ કહ્યું હતું. પછી રાજાએ ઉપદેશ આપવા માંડ્યોઃ ‘હે ગૌતમ! પરલોક અગ્નિ છે; સૂર્ય તેનું બળતણ છે; કિરણોને ધુમાડો સમજી લે. દિવસ તેની જ્વાળા છે. ચંદ્ર તેનો અંગાર છે અને તારાઓ તેના સ્ફુલિંગો છે. આ અગ્નિમાં દેવો શ્રદ્ધાનું બલિદાન આપે છે અને આ બલિદાનમાંથી રાજા સોમની ઉત્પત્તિ થાય છે.’ વળી તેણે આગળ ચલાવ્યુંઃ ‘તમારે પેલા ક્ષુદ્ર અગ્નિમાં આહુતિઓ આપવાની જરૂર નથી. આખું વિશ્વ તે અગ્નિ છે અને આ પૂજન, આ બલિપ્રદાન નિરંતર ચાલ્યા જ કરે છે. દેવો, દેવતાઓ અને સહુ કોઈ તેનું પૂજન કરે છે. માનવીનું શરીર અગ્નિનું સૌથી મોટું પ્રતીક છે.’ અહીં પણ આપણે જોઈએ છીએ કે આદર્શ વહેવારુ બને છે. તમામ વસ્તુઓમાં બ્રહ્મનું દર્શન કરવામાં આવે છે. આ બધી કથાઓની પાછળ સિદ્ધાંત એ છે કે શોધી કાઢેલાં પ્રતીકો સારાં અને સહાયક બની શકે, પણ આપણે શોધીએ તે કરતાં વધુ સારાં પ્રતીકો રહેલાં જ છે. ઈશ્વરની ઉપાસના કરવા સારુ તમે એકાદ પ્રતિમા શોધી કાઢો, પરંતુ વધુ સારી પ્રતિમા અગાઉથી જ હાજર છે, તે છે જીવંત માનવ. ઈશ્વરની ઉપાસના કરવા સારુ તમે ભલે મંદિર બંધાવો અને એ સારું પણ હોય; પરંતુ એથી વધુ સારું, વધુ ઉચ્ચ એવું માનવ શરીર પહેલેથી હાજર છે.
તમને યાદ હશે કે વેદોના બે વિભાગ છે, કર્મકાંડ અને જ્ઞાનકાંડ. સમયના જવા સાથે કર્મકાંડ વધતો ગયો; તે એટલો બધો ગૂંચવણભર્યો થઈ પડ્યો કે એને ઉકેલવાની લગભગ આશા જ ન રહી. તેથી ઉપનિષદોમાં આપણે જોઈએ છીએ કે કર્મકાંડને લગભગ બાજુએ મૂકી દેવામાં આવ્યો છે, માત્ર સાવધાનીપૂર્વક અને સમજાવી સમજાવીને. આપણે જોઈએ છીએ કે પ્રાચીન કાળમાં આ બલિદાનો અને યજ્ઞો પ્રચલિત હતા. પછી આવ્યા દાર્શનિકો. તેમણે અજ્ઞાની લોકોના હાથમાંથી પ્રતીકોને ઝૂંટવી લેવાને બદલે અને કમનસીબે અત્યારના સુધારાઓમાં આપણે જે જોઈએ છીએ તે નિષેધાત્મક દૃષ્ટિ લેવાને બદલે, તેમણે લોકોને જૂનાનું સ્થાન લે તેવું કંઈક આપ્યું. તેમણે કહ્યુંઃ ‘આ રહ્યું અગ્નિરૂપી પ્રતીક. વારુ! પછી બીજું પ્રતીક પૃથ્વી, આ રહ્યું. કેવું ભવ્ય અને કેવું મહાન પ્રતીક છે! અહીં આ એક જ મંદિર છે, પરંતુ સમસ્ત વિશ્વ એક દેવાલય છે; મનુષ્ય ફાવે ત્યાં ઉપાસના કરી શકે. માનવ પૃથ્વી પર ચીતરે છે તેવી કેટલીક વિશિષ્ટ આકૃતિઓ છે અને વેદીઓ પણ છે; પરંતુ મહાનમાં મહાન વેદી તો જીવતું ચેતનવંતુ આ માનવ શરીર છે; અને આ વેદી સમક્ષ ઉપાસના કરવી એ બીજાં કોઈ પણ જડ પ્રતીકોની ઉપાસના કરવા કરતાં વધુ ઉચ્ચ છે.’
આપણે હવે એક વિશિષ્ટ સિદ્ધાંત પાસે આવી પહોંચીએ છીએ. હું પોતે પણ તે ઝાઝો સમજતો નથી; તમારાથી કોઈ તેનો કંઈ અર્થ કાઢી શકો તે સારું. હું એ તમારી સમક્ષ વાંચીશ. જે મનુષ્યે ધ્યાનાદિ દ્વારા પોતાનું ચિત્ત શુદ્ધ કરીને જ્ઞાન પ્રાપ્ત કર્યું હોય તે પ્રથમ જ્યોતિર્લોકમાં જાય છે, ત્યાંથી અહર્લોકમાં, ત્યાંથી શુક્લપક્ષ-લોકમાં, ત્યાંથી ઉત્તરાયણ-લોકમાં, ત્યાંથી સંવત્સર-લોકમાં, ત્યાંથી સૂર્યલોકમાં, ત્યાંથી ચંદ્રલોકમાં; ચંદ્રલોકથી વિદ્યુત-લોકમાં જાય છે. જ્યારે તે વિદ્યુત લોકમાં પહોંચે છે ત્યારે એક ‘અમાનવ પુરુષ’ તેને મળે છે; તે પુરુષ તે જીવને માર્ગ બતાવીને સગુણ બ્રહ્મની પાસે લઈ જાય છે. આને દેવયાન કહે છે. જ્યારે ઋષિઓ અને જ્ઞાનીઓ દેહત્યાગ કરે છે ત્યારે તેઓ તે માર્ગે જાય છે અને પાછા પૃથ્વી પર આવતા નથી. આ માણસ અને સંવત્સર વગેરેનો શો અર્થ થાય છે તે સ્પષ્ટપણે કોઈ સમજતું નથી. દરેક જણ પોતપોતાનો અર્થ બેસાડે છે અને કેટલાક કહે છે કે એનો કાંઈ અર્થ જ નથી. ચંદ્રલોકમાં અને સૂર્ય-લોકમાં જવું અને વિદ્યુત-લોકમાં પહોંચ્યા પછી તે જીવને વાટ બતાવવા એક અમાનવ પુરુષનું આવવું, વગેરેનો શો અર્થ છે તે કોઈ જાણતું નથી. હિંદુઓમાં એક એવો વિચાર પ્રવર્તે છે કે ચંદ્રલોકમાં જીવન છે; આપણે જોઈશું કે જીવન ત્યાંથી કેવી રીતે આવ્યું છે. જેમને આત્મજ્ઞાન થયું નથી પરંતુ જેમણે જીવનમાં સત્કર્મો કર્યાં છે, તેવા લોકો મૃત્યુ પછી પ્રથમ ધૂમલોકમાં, ત્યાંથી રાત્રિ લોકમાં, ત્યાંથી કૃષ્ણપક્ષ લોકમાં, ત્યાંથી દક્ષિણાયન લોકમાં, ત્યાંથી પિતૃલોકમાં, ત્યાંથી આકાશલોકમાં અને ત્યાંથી ચંદ્રલોકમાં જાય છે; ત્યાં તેઓ દેવોનું અન્ન બને છે અને દેવો થઈને જન્મે છે. તેમનાં પુણ્યકર્મોનાં ફળ પૂરાં ન થાય, ત્યાં સુધી તેઓ ત્યાં રહે છે. જ્યારે તેમનાં પુણ્યકર્મોનું ફળ ખલાસ થઈ જાય છે, ત્યારે તેઓ એ જ માર્ગે પાછા પૃથ્વી પર આવે છે. તેઓ પ્રથમ અવકાશલોકમાં આવે, ત્યાંથી વાયુલોકમાં, ત્યાંથી ધૂમલોકમાં, ત્યાંથી ધુમ્મસના પ્રદેશમાં, ત્યાંથી વાદળામાં આવીને વર્ષાબિન્દુરૂપે પૃથ્વી પર પડે; ત્યાર પછી તેઓ વનસ્પતિ, ધાન્ય વગેરેમાં પ્રવેશ કરે, મનુષ્યો દ્વારા તે ખવાય અને અંતે સંતાનરૂપે પૃથ્વી પર અવતરે. જેમનાં પૂર્વકર્મો ઘણાં સારાં હોય તેમનો જન્મ સારાં કુટુંબોમાં થાય અને જેમનાં કર્મો ખરાબ હોય તેઓ હલકા પ્રકારનો, પશુ શરીરોનો પણ જન્મ લે. આ પૃથ્વી પર નિરંતર પશુઓ આવે છે અને જાય છે; એ કારણસર પૃથ્વી ભરાઈ નથી જતી કે ખાલી નથી થતી.
આમાંથી આપણને કેટલાય વિચારો મળી શકે; કદાચ પાછળથી આપણે તે વધુ સારી રીતે સમજી શકીશું, તેમજ તેનો શો અર્થ થાય છે તેનો આપણે ખ્યાલ કરી શકીશું. જેઓ સ્વર્ગમાં ગયા હોય તેઓ પાછા કેવી રીતે આવે છે તેના વિવરણવાળો છેલ્લો ભાગ તો પહેલા ભાગ કરતાં કદાચ વધુ સ્પષ્ટ છે! પરંતુ આખો વિચાર આવો લાગે છે કે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યા સિવાય શાશ્વત સ્વર્ગ નથી. હવે કેટલાક લોકો એવા હોય કે જેમણે ઈશ્વરનો સાક્ષાત્કાર નથી કર્યો હોતો, પરંતુ આ દુનિયામાં ફળ ભોગવવાની ઇચ્છાથી સત્કર્મો કર્યાં હોય છે. તેઓ મૃત્યુ પામ્યા પછી, આ અને પેલા લોકમાં થઈને અંતે સ્વર્ગે જાય અને અહીં જેમ આપણે જન્મીએ છીએ તેમ ત્યાં તેઓ દેવનાં બાળકો થઈને જન્મે, તથા પોતાનાં પુણ્ય કર્મ પૂરાં થાય ત્યાં સુધી ત્યાં રહે. આમાંથી વેદાંતનો એક પાયાનો વિચાર નીકળે છે કે જે જે વસ્તુઓને નામ અને રૂપ હોય તે દરેક નાશવંત હોય. આ પૃથ્વી નાશવંત છે, કારણ કે તેને નામ અને રૂપ છે; એ જ રીતે સ્વર્ગો પણ નાશવંત હોવાં જોઈએ કારણ કે ત્યાં પણ નામ અને રૂપ રહેલાં છે. અનંત સ્વર્ગ એ આત્મવિરોધી શબ્દ છે, કારણ કે જે જે વસ્તુને નામ અને રૂપ હોય તેનો આદિ કાળમાં, સ્થિતિ કાળમાં અને અંત પણ કાળમાં જ હોય. વેદાંતના આ સ્થાપિત સિદ્ધાંત છે અને એ રીતે સ્વર્ગોનો ત્યાગ કરવામાં આવ્યો છે.
સંહિતામાં આપણે જોયું છે કે એમાં સ્વર્ગનો વિચાર એવો હતો કે તે નિત્ય છે. મુસલમાનો અને ખ્રિસ્તીઓમાં પણ ઘણે અંશે એવો જ વિચાર પ્રચલિત છે. મુસલમાનો એને જરા વધુ સ્થૂળ રૂપ આપે છે. તેઓ કહે છે કે જિન્નત એક એવું સ્થાન છે કે જ્યાં બગીચાઓ છે અને તેમની નીચે નદીઓ વહે છે. રણ પ્રદેશ અરબસ્તાનમાં પાણી હોય તે બહુ ગમે, તેથી મુસલમાન પોતાના સ્વર્ગની હંમેશાં એવી કલ્પના કરે કે જ્યાં પુષ્કળ પાણી હોય. મારો જન્મ એવા દેશમાં થયો હતો કે જ્યાં વરસમાં છ મહિના વરસાદ પડે છે. હું ધારું છું કે મારા સ્વર્ગની કલ્પના સૂકી જગાની હોય; અંગ્રેજ લોકોનું પણ તેવું જ. આ સંહિતાઓમાંનાં સ્વર્ગો નિત્ય છે; મૃતાત્માઓને ત્યાં સુંદર શરીરો મળે અને પોતાના પિતૃઓની સાથે ત્યાં સદાને માટે સુખમાં રહે. ત્યાં તેઓ પોતાનાં પૂર્વનાં માબાપ, છૈયાંછોકરાં અને અન્ય સગાંસંબંધીઓને મળે તથા ઘણે અંશે અહીંના જેવું જ જીવન ગાળે; માત્ર તે પુષ્કળ સુખમય હોય. આ જીવનમાં સુખની આડે આવતી મુશ્કેલીઓ અને અડચણો ત્યાં ન હોય; ત્યાં તો માત્ર તેનો સુખમય અંશ અને મોજમજા જ હોય. આ પરિસ્થિતિને માનવજાત ગમે તેટલી આરામદાયક ગણતી હોય, પરંતુ સત્ય એક વસ્તુ છે અને સુખસગવડ જુદી વસ્તુ છે. એવા કિસ્સાઓ છે કે જેમાં સર્વોચ્ચ કક્ષાએ ન પહોંચાય ત્યાં સુધી સત્ય સુખદાયક નથી હોતું. માનવ સ્વભાવ બહુ સ્થિતિચુસ્ત હોય છે. અમુક વસ્તુ તે કરે છે, પણ એક વાર કરી ચૂક્યા પછી તેમાંથી નીકળવાનું તેને આકરું લાગે છે. મન નવા વિચારોને સ્વીકારતું નથી કારણ કે સાથે અસુખ આવે છે.
ઉપનિષદોમાં આ વિચારોથી એકદમ જુદી તરેહની પ્રણાલી આપણને જોવા મળે છે. ત્યાં એમ કહેવામાં આવ્યું છે કે આ સ્વર્ગો કે જેમાં મનુષ્યો મૃત્યુ પછી પૂર્વજોની સાથે રહે છે તે (સ્વર્ગો) નિત્ય ન હોઈ શકે, કારણ કે જે જે વસ્તુને નામ અને રૂપ હોય તેનો નાશ થવો જ જોઈએ. જો સ્વર્ગો રૂપવાળાં હોય તો કાળે કરીને તે અદૃશ્ય થવાં જ જોઈએ; ભલે તે લાખો વરસ સુધી ટકે, પરંતુ એક એવો સમય આવવો જ જોઈએ કે જ્યારે તેમનો નાશ થાય જ. આ વિચારની સાથે બીજો પણ વિચાર આવ્યો કે આ જીવોએ પૃથ્વી પર પાછા આવવું પડે છે; સ્વર્ગો એવી જગાઓ છે કે જ્યાં તેઓ પોતાનાં સત્કર્મોનાં ફળ ભોગવે, પણ આ કર્મફળ ખલાસ થઈ જાય એટલે તેઓ પાછા આ મૃત્યુલોકમાં આવે. આમાંથી એક વસ્તુ સ્પષ્ટ છે કે માનવજાત કાર્યકારણના તત્ત્વજ્ઞાનથી એટલા પ્રાચીન કાળમાં પણ પરિચિત હતી. આપણે જોઈશું કે પાછળથી અમારા દાર્શનિકો તે બાબતને તત્ત્વજ્ઞાન અને તર્કની ભાષામાં રજૂ કરે છે, પરંતુ અહીં તો આ બાબત લગભગ બાળકોની ભાષામાં મૂકાયેલી છે. ગ્રંથો વાંચતાં તમે એક વસ્તુ ખાસ નોંધી શકશો કે એ બધો આંતરિક અનુભવ છે. જો તમે મને પૂછો કે એ વહેવારુ બની શકે? તો મારો ઉત્તર એ છે કે તે પ્રથમ વહેવારુ થયેલ છે અને પછી દાર્શનિક ક્ષેત્રે લઈ જવાયેલ છે. તમે જોશો કે આ બધી બાબતોનો પ્રથમ અનુભવ થયો છે, એનો સાક્ષાત્કાર કરવામાં આવ્યો છે અને ત્યાર પછી તે લખાઈ છે.
પ્રાચીન વિચારકોની સાથે આ જગત બોલતું. પક્ષીઓ તેમની સાથે બોલતાં, પશુઓ બોલતાં, સૂર્ય અને ચંદ્ર તેમની સાથે બોલતાં; આમ ધીરે ધીરે તેમણે વસ્તુઓનો સાક્ષાત્કાર કર્યો અને પ્રકૃતિના અંતરમાં પ્રવેશ્યા. મનન દ્વારા નહિ, તર્કના જોરે નહિ, આજના જમાનાની ફેશન પ્રમાણે બીજાઓનાં ભેજાંમાંથી ઉઠાવી લઈને મોટું થોથું રચીને નહિ, અગર મારી પેઠે તેમનું એકાદું લખાણ લઈને તેના પર લાંબું ભાષણ આપીને પણ નહિ, પરંતુ ધીરજપૂર્વકની તપાસ અને શોધખોળો વડે તેમણે સત્યને શોધી કાઢ્યું . તેની રચના પ્રાયોગિક પદ્ધતિ પર થઈ હતી અને હંમેશાં એમ જ હોવું જોઈએ. ધર્મ હંમેશાં વહેવારુ વિજ્ઞાન છે; કોઈ પણ ધર્મ કેવળ સિદ્ધાંતરૂપ કદી પણ ન હતો અને હશે પણ નહિ. ધર્મમાં આચરણ પહેલું છે. જ્ઞાન પછી છે. જીવ પાછો આવે છે એ વિચાર ત્યાં રહેલો જ છે. જે લોકો ફળ મેળવવાની ભાવનાથી કર્મો કરે છે તેમને તે મળે છે, પરંતુ તે શાશ્વત નથી. અહીં કાર્યકારણનો વિચાર આપણને ઘણી સુંદર રીતે મુકાયેલો જોવા મળે છે; એટલે કે કાર્ય એ કારણની સાથે સરખા પ્રમાણમાં જ હોય. જેવું કારણ તેવું કાર્ય હોય, કારણ શાંત હોય તો કાર્ય પણ શાંત હોવું જ જોઈએ; જો કારણ નિત્ય હોય તો કાર્ય નિત્ય હોઈ શકે. પરંતુ આ બધાં કારણો, જેવાં કે સત્કર્મો કરવાં વગેરે બધી બાબતો સાન્ત કારણો છે અને એમ હોવાથી તે અનંત પરિણામ ઉત્પન્ન કરી ન શકે.
હવે આપણે પ્રશ્નની બીજી બાજુ તરફ આવીએ. જેમ નિત્ય સ્વર્ગ ન હોઈ શકે તેમ નિત્ય નરક પણ ન હોઈ શકે. ધારો કે હું ઘણો જ દુષ્ટ માણસ છું અને જીવનની પ્રતિક્ષણે પાપ કર્યા કરું છું. છતાં અનંત જીવનની સરખામણીમાં મારું અહીંનું જીવન કંઈ જ નથી. જો સજા અનંત હોય તો એનો અર્થ તો એવો થાય કે સાન્ત કારણથી ઉત્પન્ન થયેલું કાર્ય અનંત બને. એ સંભવિત જ નથી. ભલે હું મારી આખી જિંદગી શુભ જ કર્યા કરું તો પણ મને અનંત સ્વર્ગ તો ન જ મળે; ત્યાં પણ એવી જ ભૂલ થાય. પરંતુ જેમણે સત્યનો સાક્ષાત્કાર કર્યો હોય, જેમણે સત્યને જાણ્યું હોય, તેમને લાગુ પડતો એક ત્રીજો માર્ગ છે. માયાના આવરણમાંથી પાર જવાનો એકમાત્ર રસ્તો એ છે કે સત્ય શું છે તેનો સાક્ષાત્કાર કરવો, આ સત્યના સાક્ષાત્કારનો શો અર્થ થાય તેનું સૂચન ઉપનિષદો આપે છે.
એનો અર્થ એ કે સારું કે નરસું ગણવું જ નહિ, પરંતુ સર્વને આત્મામાંથી આવતું જાણવું; આત્મા સર્વ વસ્તુમાં છે. તેનો અર્થ છે, જગતને લક્ષમાં ન લેવું; તેના તરફ તમારી આંખો બંધ કરવી; ઈશ્વરને સ્વર્ગની સાથે સાથે નરકમાં પણ જોવો; ઈશ્વરને જેમ જીવનમાં, તેમ મૃત્યુમાં પણ જોવો. મેં જે ફકરો તમારી પાસે વાંચી બતાવ્યો તેમાં આવી વિચાર ધારા છે. પૃથ્વી એ ઈશ્વરનું પ્રતીક છે, આકાશ ઈશ્વર છે, આપણે જ્યાં છીએ તે સ્થાન ઈશ્વર છે, સર્વ કંઈ બ્રહ્મ છે અને આનું દર્શન કરવાનું છે, આનો સાક્ષાત્કાર કરવાનો છે, માત્ર વાતો કરવાની કે વિચાર કર્યા કરવાનો નથી. તેના તર્કશુદ્ધ પરિણામરૂપે આપણે જોઈ શકીએ કે જ્યારે જીવાત્માને સાક્ષાત્કાર થાય કે સર્વ વસ્તુ ઈશ્વરમય છે, બ્રહ્મમય છે, ત્યારે પોતે સ્વર્ગે જાય છે કે નરકે જાય છે કે બીજે ક્યાંય જાય છે, અગર પોતે ફરીથી આ પૃથ્વી પર જન્મ લે કે સ્વર્ગમાં, એની તેને પરવા નહિ રહે. એ જીવાત્માને માટે આ વસ્તુઓનો કશો અર્થ થતો અટકી ગયો છે, કારણ કે તેને માટે દરેક જગા સરખી છે, દરેક જગા ઈશ્વરનું મંદિર છે, દરેક જગા પવિત્ર બની ગઈ છે; અને સ્વર્ગમાં કે નરકમાં કે બીજે ક્યાંય પણ જે કાંઈ તે જુએ છે તે ઈશ્વર જ છે. નથી તેને કંઈ સારું કે નથી ખરાબ, નથી તેને જીવન કે નથી મૃત્યુ; તેને માત્ર એક અનંત બ્રહ્મ જ છે.
વેદાંત પ્રમાણે જ્યારે માનવી એ અનુભવે પહોંચે ત્યારે – તે મુક્ત થયો છે અને આ જગતમાં રહેવા યોગ્ય તે એક જ મનુષ્ય છે, બીજા નથી. જે મનુષ્ય અનિષ્ટને જુએ છે તે આ જગતમાં કેવી રીતે રહી શકે? તેની જિંદગી તો દુઃખનો ડુંગર છે. જે માણસ જોખમોને જુએ, તેનું જીવન દુઃખમય છે, જે માણસે મૃત્યુને જોયું છે, દરેક વસ્તુમાં સત્યને જોયું છે, એકલો તે માણસ જ આ સંસારમાં રહી શકે; એકલો તે જ કહી શકે; ‘હું આ જીવનને માણું છું, આ જીવનમાં હું સુખી છું’. સાથે સાથે હું તમને કહી દઉં કે વેદોમાં ક્યાંય નરકની ભાવના નથી. એ ઘણી જ પાછળથી પુરાણોની સાથે આવે છે. વેદોના હિસાબે ખરાબમાં ખરાબ શિક્ષા છે આ પૃથ્વી પર પાછા આવવું, આ દુનિયામાં ફરી વાર તક મળવી.
આરંભથી જ આપણે જોઈએ છીએ કે વિચાર વ્યક્તિત્વ-રહિત સ્વરૂપ પકડતો જાય છે. શિક્ષા અને પુરસ્કારના વિચારો બહુ જ ભૌતિક છે; એ બધા વિચારો તો જે ઈશ્વર આપણી જ પેઠે એકને ચાહે અને બીજાને ધિક્કારે એવા માનવ-ઈશ્વરના વિચારો સાથે સુસંગત છે. શિક્ષા અને ઇનામ, આવા ઈશ્વરના અસ્તિત્વની સાથે જ ચલાવી શકાય. સંહિતામાં ઈશ્વરની આવી કલ્પના હતી અને ત્યાં ભયનો વિચાર પ્રવેશ કરતો આપણને જોવા મળે છે. પરંતુ જે ઘડીએ આપણે ઉપનિષદો પાસે પહોંચીએ છીએ, તે જ ઘડીએ ભયનો વિચાર અદૃશ્ય થઈ જાય છે અને વ્યક્તિત્વ-રહિત વિચાર તેની જગા લે છે. આ વ્યક્તિત્વ-રહિત વિચારને સમજવો માણસને માટે કઠણમાં કઠણ બાબત છે, કારણ કે માણસ હંમેશાં વ્યક્તિને વળગતો હોય છે. અરે, જે લોકો મહાન વિચારકો મનાય છે, તેઓ સુધ્ધાં વ્યક્તિત્વ-રહિત ઈશ્વરના વિચારથી છેડાઈ પડે છે. પરંતુ ઈશ્વરનો એક દેહધારી માનવ તરીકે વિચાર કરવો એ મને બુદ્ધિનું દેવાળું કાઢવા જેવું લાગે છે. ક્યો વિચાર વધુ ઉચ્ચ છેઃ જીવંત ઈશ્વરનો કે મરેલા ઈશ્વરનો? જેને કોઈ દેખતું નથી, કોઈ જાણતું નથી, તેવા ઈશ્વરનો કે જ્ઞાત ઈશ્વરનો?
વ્યક્તિત્વ-રહિત ઈશ્વર એક જીવંત ઈશ્વર છે, એક સિદ્ધાંત છે. વ્યક્તિત્વ-સહિત અને વ્યક્તિત્વ-સહિત વચ્ચેનો તફાવત આ છે કે વ્યક્તિત્વ-રહિત એ મનુષ્ય છે અને વ્યક્તિત્વ-રહિતની ભાવના છે કે તે એક દેવદૂત, એક માણસ, એક પશુ છે – છતાં પણ તે કંઈક વિશેષ છે કે જે આપણે જોઈ શકતા નથી; કારણ કે વ્યક્તિત્વ-રહિતનો ભાવ પોતામાં સઘળી વ્યક્તિઓને સમાવે છે, વિશ્વમાં જે કંઈ છે તે બધાંનો કુલ સરવાળો છે અને ઉપરાંત અનંતગણો વધારે પણ છે.
अग्निर्यथैको भुवनं प्रविष्टो रूपं रूपं प्रतिरूपो बभूव।
एकस्तथा सर्वभूतान्तरात्मा………
‘જેવી રીતે એક જ અગ્નિ, વિશ્વમાં પ્રવેશીને એટલાં બધાં રૂપોમાં પોતાને પ્રગટ કરે છે અને છતાં તે ઉપરાંત અનંતગણો વધારે છે,’ તેમ જ વ્યક્તિત્વ-રહિત ઈશ્વર છે.
આપણે એક જીવંત ઈશ્વરની ઉપાસના કરવા ઇચ્છીએ છીએ. આપણી આખી જિંદગીમાં મેં કે તમે ઈશ્વર સિવાય બીજું કશું જોયું જ નથી. આ ખુરશીને જોવા માટે તમે પ્રથમ ઈશ્વરને જુઓ છો અને ત્યાર બાદ તેની અંદર અને તેની દ્વારા ખુરશીને જુઓ છો. સર્વત્ર તે ‘હું છું’ એમ કહી રહ્યો છે. જે ક્ષણે તમને થાય કે ‘હું છું’ તે જ ક્ષણે તમને અસ્તિત્વનું ભાન થાય છે. જો આપણા હૃદયમાં અને પ્રત્યેક જીવંત પ્રાણીમાં ઈશ્વરને આપણે ન જોઈ શકીએ તો તેને બીજે ક્યાં શોધવા જવાના?’
त्वं स्त्री त्वं पुमानसि त्वं कुमार उत वा कुमारी।
जीर्णो दण्डेन वञ्चसि त्वं जातो भवसि विश्वतोमुखः॥
‘તું જ પુરુષ છો, તું જ સ્ત્રી છો, તું જ કુમારિકા છો, તું જ કુમાર છો, લાકડીને ટેકે ડગુમગુ ચાલતો ડોસો પણ તું જ છો. તેમ જ જુવાનીના જોરમાં જોશભેર ચાલ્યો જતો જુવાન પણ તું જ છો. જે કંઈ છે તે તું જ છો; વિશ્વમાં રહેલી એકમાત્ર હકીકત, અદ્ભુત જીવંત ઈશ્વર તું જ છો.’ ઘણા લોકોને લાગશે કે આ બાબત, ઈશ્વરની જે લૌકિક કલ્પના કે તે એક આવરણ પાછળ ક્યાંક રહે છે અને તેને કોઈ કદી દેખતું નથી, તેનાથી અસાધારણ રીતે વિરુદ્ધ છે. પુરોહિતો માત્ર આપણને ખાતરી આપે છે કે જો આપણે તેમને અનુસરીશું, તેમના ઉપદેશોને સાંભળીશું અને આપણા માટે તેઓ જે માર્ગ નક્કી કરી આપે તે માર્ગે આપણે જઈશું, તો જ્યારે મૃત્યુ પામીએ ત્યારે ઈશ્વરનું મુખ દેખવાને શક્તિમાન થઈએ તે માટે તેઓ આપણને એક પરવાનો કાઢી આપશે! આ બધા સ્વર્ગના ખ્યાલો એ માત્ર આ મૂર્ખાઈભરી પુરોહિત-જાળનાં રૂપાંતરો સિવાય બીજું શું છે?
અલબત્ત, વ્યક્તિત્વરહિત ઈશ્વરની કલ્પના ઘણી વિઘાતક છેઃ પુરોહિતો, દેવળો અને મંદિરોના હાથમાંથી બધો ધંધો એ જરૂર ખૂંચવી લે છે. ભારતમાં અત્યારે દુકાળ છે, પણ એવાં મંદિરો પડ્યાં છે કે જેમાં એકેકમાં એક રાજાની આવક જેટલી કિંમતના હીરા પડેલા છે! પુરોહિતો જો આ વ્યક્તિત્વ-રહિત ઈશ્વરના વિચારનો લોકોને ઉપદેશ આપે તો તેમનો ધંધો પડી ભાંગે. છતાં આપણે તેનો નિઃસ્વાર્થ ભાવે, પુરોહિત વિના ઉપદેશ આપવાનો છે. તમે ઈશ્વર છો, તેમ જ હું પણ છું; કોણ કોની તાબેદારી ઉઠાવે? કોણ કોની પૂજા કરે? ઈશ્વરનું મહાનમાં મહાન મંદિર તમે છો; બીજા કોઈ પણ મંદિર, મૂર્તિ કે બાઇબલને પૂજવા કરતાં હું તમને પૂજવાનું વધુ પસંદ કરું. કેટલાક લોકો વિચારોમાં આટલા બધા વિરોધી શા માટે હોય છે? જાણે કે આંગળાં વચ્ચેથી સરકી જતી માછલી જેવા તેઓ હોય છે. એ લોકો કહે છે કે પોતે બહુ પહોંચેલા વહેવારુ માણસો છે. બહુ સારું. પરંતુ તમારું અહીં પૂજન કરવા કરતાં વધુ વહેવારુ બીજું શું છે? હું તમને જોઉં છું, તમારો અનુભવ કરું છું અને હું જાણું છું કે તમે ઈશ્વર છો. મુસલમાન કહે છે કે અલ્લાહ સિવાય બીજો ઈશ્વર નથી. વેદાંત કહે છે કે ઈશ્વર ન હોય એવું કંઈ જ નથી. તમારામાંના ઘણાને એ બાબત ડરાવતી હશે, પણ ક્રમેક્રમે તમે તે સમજશો. જીવંત ઈશ્વર તમારી અંદર જ રહેલો છે, છતાં તમે દેવળો અને મંદિરો ચણ્યે જાઓ છો અને કાલ્પનિક ભૂતાવળમાં માન્યે જ જાઓ છો. પૂજનને પાત્ર એક જ ઈશ્વર માનવશરીરમાં રહેલો, માનવ-આત્મા છે. સર્વ પશુઓ પણ મંદિરો છે; પરંતુ માનવી સર્વોચ્ચ મંદિર, મંદિરોનો તાજ છે. હું એ મંદિરમાં પૂજન કરી ન શકું તો બીજું એકે મંદિર જરા પણ લાભદાયી થવાનું નથી, જે ઘડીએ મેં દરેક માનવદેહરૂપી મંદિરોમાં બિરાજતા ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો, જે ઘડીએ હું દરેક માનવ-પ્રાણી સમક્ષ તેનામાં રહેલા ઈશ્વરને જોઈને પૂજ્યભાવથી ઊભો રહું, તે જ ઘડીએ હું બંધનમાંથી મુક્ત છું; દરેક બંધનકારક વસ્તુ અદૃશ્ય થઈ જાય છે અને હું મુક્ત થાઉં છું.
બધી પૂજામાં આ પૂજા સૌથી વધુ વહેવારુ છે. સિદ્ધાંતો કે કલ્પનાઓ કરવાની સાથે તેને કશી નિસબત નથી અને છતાં તેનાથી ઘણા ડરે છે. તેઓ કહે છે કે એ બરાબર નથી. એ લોકો તેમના બાપદાદાએ તેમને ભણાવેલા પુરાણા આદર્શો કે સ્વર્ગમાં ક્યાંક બેઠેલા ભગવાને કોઈને કહ્યું હતું કે ‘હું ભગવાન છું’ એવા આદર્શો પરથી સિદ્ધાંતો બાંધ્યે જાય છે અને ત્યારથી તે આજ સુધી આપણી પાસે માત્ર સિદ્ધાંતો જ રહ્યા છે. તેમને હિસાબે એ વહેવારુપણું છે અને આપણા વિચારો અવહેવારુ છે! બેશક, વેદાંત જરૂર કહે છે કે દરેકે પોતપોતાના માર્ગે જવું; પણ માર્ગ એ કાંઈ ધ્યેય નથી. સ્વર્ગમાં કે અમુક લોકમાં બેઠેલા ઈશ્વરની ઉપાસના વગેરે બધી બાબતો ખરાબ નથી; પરંતુ તે બધાં તો સત્યે પહોંચવાનાં પગથિયાં માત્ર છે. સત્ય પોતે નથી. એ સારાં અને સુંદર છે અને એમાં કેટલાક અદ્ભુત વિચારો પણ છે. પરંતુ વેદાંત પગલે પગલે કહે છેઃ ‘પ્રિય મિત્ર, જેની તું અજ્ઞાતરૂપે ઉપાસના કરે છે, તેને હું તારે રૂપે પૂજું છું. જેની તું અજ્ઞાતરૂપે ઉપાસના કરી રહ્યો છે અને આખા વિશ્વમાં શોધી રહ્યો છે, તે સર્વદા તારી સાથે જ છે. તું તેની દ્વારા જીવન ધારણ કરી રહ્યો છે; વિશ્વનો તે નિત્ય સાક્ષી છે.’ ‘સર્વ વેદો જેની ઉપાસના કરે છે; ના, એથી વિશેષ, શાશ્વત ‘અહં’માં જે સદા વિદ્યમાન છે, તેના અસ્તિત્વથી આખા વિશ્વનું અસ્તિત્વ છે. વિશ્વનું જીવન અને વિશ્વનો પ્રકાશ તે છે. જો તે ‘અહં’ તમારામાં ન હોત, તો તમે સૂર્યને જોઈ ન શકત, દરેકેદરેક વસ્તુ એક ઘોર અંધકાર થઈ જાત. તે પ્રકાશે છે, તેથી તમે જગતને દેખો છો.’
સાધારણ રીતે એક પ્રશ્ન એ પૂછવામાં આવે છે કે આ બાબત જબરજસ્ત મુશ્કેલીઓ ઊભી કરશે. સહુ કોઈ એમ માનવા લાગશે કે ‘હું ઈશ્વર છું. એટલે જે જે કંઈ હું કરું કે વિચારું તે સારું જ હોય, કારણ કે ઈશ્વર કંઈ પણ દુષ્ટ કામ કરી ન શકે.’ પ્રથમ તો આ ખોટો અર્થ કરવાના જોખમને સ્વીકારી લઈએ તો પણ એમ સાબિત કરી શકાય તેવું છે ખરું કે બીજી બાજુએ પણ એ જ ભય રહેલો નથી? સ્વર્ગમાં રહેલા પોતાથી ભિન્ન અને જેનાથી તેઓ ભયથી ધ્રૂજે છે એવા એક ઈશ્વરની તો તેઓ ઉપાસના કરતા આવ્યા છે. તેઓ ભયથી ધ્રૂજતા જન્મ્યા છે અને આખી જિંદગી સુધી તેઓ ધ્રૂજ્યે જ જવાના છે. આનાથી શું દુનિયા બહુ વધારે સારી થઈ છે? જે લોકો વ્યક્તિરૂપ ઈશ્વરને સમજ્યા છે અને તેની ઉપાસના કરી છે, તેમ જ જે લોકો વ્યક્તિત્વ-રહિત ઈશ્વરને સમજ્યા છે અને તેની ઉપાસના કરી છે; આ બેમાંથી કયે પક્ષે દુનિયાના મહાન કાર્યકર્તાઓ, વિરાટ કર્મયોગીઓ, વિરાટ નૈતિક શક્તિઓ પેદા થઈ છે? ચોક્કસ રીતે વ્યક્તિ-રહિત ઈશ્વરની બાજુએ. તમે ભય દ્વારા નીતિના વિકાસની કઈ આશા રાખી શકો? એ કદી બને જ નહિ.‘જ્યાં એક માણસ બીજાને દેખે, જ્યાં એક માણસ બીજાને સાંભળે, ત્યાં માયા છે; જ્યારે એક માણસ બીજાને જોતો નથી, જ્યારે એક માણસ બીજાને સાંભળતો નથી, જ્યારે દરેક વસ્તુ આત્મા બની રહી હોય, ત્યારે કોણ કોને જુએ, કોણ કોને જાણે?’ એકી વખતે સર્વ કંઈ તે આત્મા છે અને સર્વ કંઈ હું છું. આત્મા ત્યારે પવિત્ર બન્યો છે. માત્ર ત્યારે જ અને કેવળ ત્યારે જ પ્રેમ શું છે એ આપણે સમજીએ. પ્રેમ ભય દ્વારા આવી શકે નહિ, તેનો પાયો છે સ્વાતંત્ર્ય. જ્યારે આપણે જગતને સાચેસાચી રીતે ચાહવા લાગીએ ત્યારે જ આપણને સમજાય કે માનવજાતના ભ્રાતૃત્વનો અર્થ શો છે; તે પહેલાં નહિ.
તેથી એમ કહેવું બરાબર નથી કે વ્યક્તિત્વ-રહિત ઈશ્વરનો વિચાર જગતમાં જબરજસ્ત પ્રમાણમાં અનિષ્ટ ફેલાવશે. બીજા સિદ્ધાંતે, એટલે કે વ્યક્તિરૂપ ઈશ્વરના વિચારે, કદી જ દુષ્ટ કર્મો કરાવ્યાં નથી, અગર તો પથદ્વેષ ઊભો કરીને દુનિયાને લોહીની નદીઓમાં ડુબાવી નથી, અગર તો માણસોને અંદરો અંદર કાપી નંખાવ્યા નથી, એવું ક્યાં છે? દુનિયા આખીમાં દ્વૈતવાદનું ફળ તો એ આવ્યું છે કે ‘મારો ઈશ્વર સૌથી મહાન છે; એ માનવું ન હોય તો આવી જા લડાઈના મેદાનમાં!’ દિવસના ખુલ્લા પ્રકાશમાં આવી જાઓ, નાની સાંકડી શેરીઓમાંથી બહાર નીકળો, કારણ કે અનંત આત્મા સાંકડા ચીલામાં રહીને મરવાથી કેમ સંતુષ્ટ રહી શકે? પ્રકાશના વિશ્વમાં બહાર આવો. વિશ્વમાં સર્વ કંઈ તમારું છે; હાથ પહોળા કરીને તેને પ્રેમથી ભેટો. જો તમને એમ કરવાની કદી પણ ઇચ્છા થઈ હોય તો જાણજો કે તમને ઈશ્વરનો અનુભવ થયો છે.
બુદ્ધના ઉપદેશમાંનો પેલો ફકરો તો તમને યાદ હશે કે તેણે કેવી રીતે પ્રેમની ભાવના દક્ષિણમાં, ઉત્તરમાં, પૂર્વમાં અને પશ્ચિમમાં, તથા ઉપર અને નીચે મોકલી કે જેથી આખું વિશ્વ અંતે આ મહાન ભવ્ય અને અનંત પ્રેમથી ભરપૂર થઈ ગયું. જ્યારે તમને એવો અનુભવ થાય ત્યારે તમારું સાચું વ્યક્તિત્વ છે એમ કહેવાય. સમસ્ત વિશ્વ એક જ વ્યક્તિ છે; ક્ષુદ્ર વસ્તુઓને તો જવા જ દો. ક્ષુદ્રનો અનંતને પામવા માટે ત્યાગ કરો, નાના નાના ભોગોનો અનંત આનંદને માટે ત્યાગ કરો. આ સર્વ તમારું જ છે, કારણ કે વ્યક્તિત્વ-રહિતમાં વ્યક્તિત્વસહિતનો સમાવેશ થયેલો છે. તેથી ઈશ્વર એકી સાથે વ્યક્તિરૂપ અને વ્યક્તિ-રહિત બન્ને છે અને અનંત માનવ, વ્યક્તિ-રહિત માનવ, પોતાને જ વ્યક્તિરૂપે પ્રગટ કરે છે. અનંત એવા આપણે આપણી જાતને જાણે કે નાના નાના વિભાગોમાં મર્યાદિત બનાવી છે. વેદાંત કહે છે કે અનંતતા આપણો સાચો સ્વભાવ છે; તે કદી અદૃશ્ય થવાનો નથી. તે સદાને માટે રહેશે જ. પરંતુ આપણાં કર્મથી આપણે આપણને પોતાને મર્યાદિત કરી રહ્યા છીએ; એ કર્મોએ આપણા ગળામાં બાંધેલી સાંકળની પેઠે આપણને આ મર્યાદામાં ઘસડી આણ્યા છે. એ શૃંખલાને તોડીને મુક્ત થાઓ. નિયમને તમારા પગ નીચે કચરી નાખો. માનવ સ્વભાવમાં નિયમ છે જ નહિ, ભવિષ્ય છે જ નહિ, ભાગ્ય છે જ નહિ. અનંતતામાં વળી નિયમ કેવી રીતે હોઈ શકે? તેનો મૂલમંત્ર છે સ્વાતંત્ર્ય. સ્વાતંત્ર્ય તેનો સ્વભાવ છે, તેનો જન્મસિદ્ધ હક છે. મુકત થાઓ અને પછી જોઈએ તેટલાં વ્યક્તિત્વો ધારણ કરો. ત્યારે પછી જેમ એક નટ રંગભૂમિ પર આવીને ભિખારીનો પાઠ ભજવી જાય, તેમ આપણે પણ પાઠ ભજવશું. રસ્તા પર ભીખ માગતા ખરા ભિખારીની સાથે તેને સરખાવી જુઓ. કદાચ બન્નેમાં દૃશ્ય એક સરખું જ હશે, શબ્દો પણ કદાચ એક સરખા જ હશે; અને તે છતાં કેટલો બધો તફાવત છે? નટ પોતાના ભિખારીના પાઠને માણે છે, જ્યારે બીજો તે માટે પોતાની જાતને દુઃખી માને છે. આ તફાવત કોણ પાડે છે? નટ મુક્ત છે, જ્યારે ભિખારી બદ્ધ છે. નટ જાણે છે કે તેનું ભિખારીપણું સાચું નથી, માત્ર ભજવવા ખાતર તેણે તે લીધું છે, જ્યારે સાચો ભિખારી ધારે છે કે એ તેની રોજની પરિચિત સ્થિતિ છે અને ઇચ્છા હોય કે ન હોય, તે તેને ભોગવવાની જ છે. આનું નામ નિયમ. જ્યાં સુધી આપણને આપણા સાચા સ્વભાવનું જ્ઞાન નથી, ત્યાં સુધી આપણે ભિખારીઓ છીએ, પ્રકૃતિની અંદરના એકેએક બળથી ધકેલાઈએ છીએ ; પ્રકૃતિમાંની દરેક વસ્તુના ગુલામ બનીએ છીએ. આખી દુનિયા સામે આપણે સહાય માટે બૂમો પાડીએ છીએ પણ સહાય ક્યાંયથી કદી આવતી નથી. માટે છતાં પણ આપણે આશા રાખીએ છીએ કે મદદ મળવાની છે અને આમ રોદણાં રોતાં, શોક કરતાં અને આશામાં ને આશામાં એક જિંદગી પૂરી થાય છે; માટે પછી પાછી એની એ જ રમત ચાલ્યા કરે છે.
મુક્ત થાઓ; કોઈ પાસેથી કશાની આશા રાખો નહીં. મારી ખાતરી છે કે જો તમે તમારા ભૂતકાળ પર દૃષ્ટિપાત કરશો તો તમને જણાશે કે તમે બીજાઓ પાસેથી મદદ મેળવવાનો વ્યર્થ પ્રયાસ કરી રહ્યા હતા; તે કદી આવી જ નથી. જે બધી મદદ આવી છે તે તમારા પોતામાંથી જ આવેલી છે; તમે પોતે જ જેને માટે મહેનત કરી હતી. માત્ર તેનું જ ફળ તમને મળ્યું છે અને છતાં તમે વિચિત્ર રીતે મદદની આશા રાખ્યા કરતા હતા. શ્રીમંતોના દરબાર હંમેશાં ભરપૂર જ હોય છે; પણ જો તમે ધ્યાન દઈને જોશો તો જણાશે કે ત્યાં એના એ લોકો હોતા નથી, પેલા શ્રીમંતો પાસેથી પોતાને કંઈક મળશે એવી આશા મુલાકાતીઓ હંમેશાં રાખતા હોય છે; પરંતુ તેમને કદી કશું મળતું નથી. તેવી જ રીતે આપણી જિંદગી આખી, આશામાં ને આશામાં વીતી જાય છે, છતાં એ આશાનો અંત નથી આવતો. વેદાંત કહે છેઃ ‘આશાનો ત્યાગ કરો.’ આશા શા માટે રાખવી જોઈએ? સર્વ કંઈ તમારી પાસે જ છે; ના, સર્વ કંઈ તમે જ છો. તમે શેની આશા રાખી રહ્યા છો? એક રાજા પોતે પાગલ થઈને પોતાના દેશના રાજાને શોધી કાઢવા માટે દોડાદોડ કરતો રહે તેને તે કદી મળવાનો નથી, કારણ કે પોતે જ તે રાજા છે; ભલે તે પોતાના રાજ્યમાં ગામડે ગામડે અને શહેરે શહેરે ફરી વળે, રોતો કકળતો ને માથું કૂટતો ભલે ઘરેઘરે શોધી વળે, પણ રાજા તેને જડવાનો નથી, કારણ કે તે પોતે રાજા છે. જો આપણે જાણી લઈએ કે આપણે પોતે જ ઈશ્વર છીએ ; તેને શોધવાની આ મૂર્ખતા મૂકી દઈએ તો વધુ સારું. આપણે ઈશ્વર છીએ એમ જાણવાથી આપણે સુખી અને સંતુષ્ટ થઈશું. આ બધી પાગલની પેઠે દોડાદોડ કરવી મૂકી દો; રંગભૂમિ પરના એક નટની પેઠે વિશ્વમાં તમારો પાઠ ભજવો.
આમ થવાથી સમગ્ર દૃશ્ય બદલાઈ જાય છે અને આ સંસાર એક કાયમી કેદખાનાને બદલે રમતગમતનું મેદાન બની જાય છે; સ્પર્ધાની ભૂમિને બદલે, જ્યાં ચિર-વસંતનાં પુષ્પો ખીલે છે અને પતંગિયાં આમતેમ ઊડ્યા કરે છે તેવી એક આનંદભૂમિ બની જાય છે. આ સંસાર કે જે પૂર્વે નરક હતો, તે પોતે જ સ્વર્ગ બને છે. બદ્ધ જીવની દૃષ્ટિએ ત્રાસ ભોગવવાનું ભયાનક સ્થાન છે, પરંતુ મુક્તાત્માની દૃષ્ટિએ એ એથી સાવ ઊલટો જ છે. આ એક જ જીવન વિશ્વજીવન છે, સ્વર્ગો અને બીજા બધા લોકો અહીં જ છે. માનવીની જ પ્રતિમૂર્તિરૂપ બધા દેવો અહીં છે. દેવોએ માનવને પોતાની પ્રતિમૂર્તિરૂપે ઘડ્યો નથી, પણ માનવે દેવતાઓને સર્જ્યા છે; અને એ પ્રતિમૂર્તિઓ બધી અહીં જ છે. ઇંદ્ર અહીં છે, વરુણ અહીં છે અને આખા વિશ્વના બધા દેવતાઓ અહીં જ છે. આપણે જ આપણી નાની પ્રતિમૂર્તિઓ કલ્પ્યા કરીએ છીએ; પણ આ દેવોનું મૂળ આપણે જ છીએ, જેમની પૂજા કરવાની છે તે એકમાત્ર અને સાચા દેવો આપણે જ છીએ. વેદાંતની દૃષ્ટિ આ છે અને આ છે તેનો વ્યવહાર.
જ્યારે આપણે મુકત થયા હોઈએ ત્યારે આપણે ઘેલા થઈ જવાની જરૂર નથી, સમાજનો ત્યાગ કરી દઈને મરવા માટે જંગલમાં જવાની કે ગુફામાં ઘૂસીને બેસવાની જરૂર નથી. આપણે જ્યાં હતા ત્યાં જ રહેવાના; માત્ર આપણને સમગ્ર વસ્તુનું જ્ઞાન થઈ જશે. દૃશ્ય જગત એનું એ રહેશે, પરંતુ તે નવા અર્થમાં. આપણે હજી જગતને જાણતા નથી; માત્ર મુક્તિ દ્વારા જ આપણને એ શું છે તેની ખબર પડે છે તેનું સ્વરૂપ સમજાય છે. ત્યારે આપણને દેખાશે કે આ કહેવાતો નિયમ કે નિયતિ કે ભાગ્ય આપણા સ્વરૂપના માત્ર એક અનંત પ્રમાણમાં નાના હિસ્સામાં હતું. એ તો માત્ર એક બાજુ છે, પરંતુ બીજી બાજુએ સર્વદા મુક્તિ જ હતી. આપણને એનું ભાન ન હતું અને એ કારણસર જ આપણે શિકારીઓ દ્વારા શોધાતા સસલાની પેઠે જમીનમાં મોઢાં છુપાવી દઈને અનિષ્ટમાંથી આપણી જાતને બચાવવાનો પ્રયાસ કરતા આવ્યા છીએ, ભ્રમને લીધે આપણે આપણું સ્વરૂપ વીસરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ, છતાંયે વીસરી શક્યા નથી, કારણ કે એ તો આપણને હંમેશાં બોલાવી જ રહ્યું હતું અને આ ઈશ્વરની કે દેવતાઓની કે બહારના સ્વાતંત્ર્યની આપણી શોધ આપણા સાચા સ્વરૂપની શોધ હતી. આપણે એ અવાજને ઓળખવામાં ભૂલ કરી. આપણે ધાર્યું કે એ અવાજ અગ્નિમાંથી કે કોઈ દેવ પાસેથી કે સૂર્ય, ચંદ્ર કે તારાઓમાંથી આવ્યો હતો, પણ આખરે આપણને જણાયું છે કે તે આપણી પોતાની અંદરથી જ આવ્યો હતો. નિત્ય મુક્તિની ઘોષણા કરતો આ સતત સંભળાતો અવાજ આપણી પોતાની અંદર જ રહેલો છે; તેનું સંગીત નિત્ય ચાલ્યા જ કરે છે. આત્માના આ સંગીતનો થોડો અંશ પૃથ્વી, નિયમ, આ વિશ્વ થઈ રહ્યો છે; પરંતુ તે હંમેશાં આપણો જ હતો ; હંમેશાં આપણો જ રહેશે. એક શબ્દમાં કહીએ તો વેદાંતનો આદર્શ છેઃ માનવને તેના સાચા સ્વરૂપે જેવો છે તેવો જાણવો અને તેનો સંદેશ આ છેઃ જો તમે તમારા માનવ ભાઈને એટલે કે વ્યક્ત ઈશ્વરને પૂજી ન શકો તો જે ઈશ્વર અવ્યક્ત છે તેની કેવી રીતે ઉપાસના કરી શકવાના છો?
બાઇબલના આ શબ્દો તમને યાદ નથી શું? તે કહે છેઃ ‘જેને તમે જોયો છે તે તમારા ભાઈને જો તમે ચાહી ન શકો, તો જેને તમે જોયો નથી તે ઈશ્વરને તમે કેવી રીતે ચાહી શકશો? જો તમને માનવ ચહેરામાં ઈશ્વર ન દેખાય તો તમે તેને વાદળમાં કે અચેતન જડદ્રવ્યની મૂર્તિઓમાં કે તમારા મગજની કાલ્પનિક કથાઓમાં શી રીતે જોઈ શકવાના? જે દિવસે તમે નર-નારીઓમાં ઈશ્વરને જોવા લાગશો, તે દિવસથી હું તમને ધાર્મિક કહીશ ; ત્યારે તમને સમજાશે કે ‘જે માણસ તમને જમણા ગાલે તમાચો મારે તેના તરફ ડાબો ગાલ ધરવો’ એ બાઇબલના વાક્યનો અર્થ શો છે . જ્યારે તમે માણસને ઈશ્વરરૂપે જોશો ત્યારે દરેક વસ્તુ, વાઘ સુધ્ધાં, પ્રિય પ્રાણી બની જશે. જે કાંઈ તમારી સામે દેખાય- તમારી સન્મુખ આવે તે કેવળ નિત્ય આનંદમય ઈશ્વર જ છે; આપણને તે પિતા, માતા, મિત્ર, સંતાન વગેરે વિવિધરૂપે દેખાઈ રહ્યો છે; એ સર્વ રૂપે આપણો જ આત્મા આપણી સાથે ખેલી રહ્યો છે.
જેમ આપણા માનવસંબંધોને આ પ્રકારે દિવ્ય સ્વરૂપ આપી શકાય, તેમ આપણા ઈશ્વર સાથેના સંબંધને પણ આમાંનું ગમે તે સ્વરૂપ આપી શકાય અને આપણે ઈશ્વરને આપણા પિતા, માતા, મિત્ર કે પ્રિયતમ તરીકે ગણી શકીએ. ઈશ્વરને પિતા કહેવા કરતાં માતા તરીકે માનવો એ વધુ ઉચ્ચ સ્વરૂપ છે; તેને સખા કહેવો એ એથીયે ઉચ્ચ છે; પરંતુ તેને પ્રિયતમ ગણવો એ સૌથી ઉચ્ચ છે. સૌથી સર્વોચ્ચ કક્ષા તો પ્રેમી અને પ્રેમપાત્ર વચ્ચે કશો ભેદ ન જોવો તે છે. તમને પેલી જૂની ઇરાની કથા કદાચ યાદ હશે. એક પ્રેમીએ આવીને પોતાની પ્રિયતમાના બારણા પર ટકોરા માર્યા. અંદરથી પ્રશ્ન આવ્યોઃ ‘કોણ?’ પ્રેમીએ જવાબ આપ્યોઃ ‘હું’. બારણું ન ઊઘડ્યું. બીજીવાર ટકોરા કર્યા, અંદરથી પ્રશ્ન પુછાયો અને બહારથી ઉત્તર અપાયો કે ‘એ તો હું છું.’ છતાં બારણું ન ઊઘડ્યું. ત્રીજી વખત તેણે આવીને ટકોરા કર્યા એટલે અંદરથી પુછાયુંઃ ‘કોણ છો?’ પેલાએ જવાબ આપ્યોઃ ‘હું તારું સ્વરૂપ છું. મારી વહાલી!’ અને તુરત બારણું ખૂલ્યું. ઈશ્વર અને આપણી વચ્ચેનો સંબંધ પણ આવો છે. તે સર્વ કંઈમાં છે, તે સર્વ કંઈ છે. દરેક સ્ત્રીપુરુષ દૃશ્યમાન, આનંદમય, જીવંત ઈશ્વર છે. કોણ કહે છે કે ઈશ્વર અજ્ઞાત છે? કોણ કહે છે કે એને શોધવાનો છે? આપણે અનંતકાળથી ઈશ્વરને શોધી રાખ્યો છે. આપણે અનંત કાળથી ઈશ્વરમાં રહીએ છીએ; સર્વત્ર અનંતકાળથી તે જ્ઞાત છે, અનંતકાળથી તે પૂજાયેલ છે.
પછી આવે છે બીજો વિચાર કે ઉપાસનાના બીજા પ્રકારો એ ભૂલો નથી. આ એક બહુ જ અગત્યનો મુદ્દો યાદ રાખવાનો છે કે જેઓ ક્રિયાકાંડ અને મૂર્તિઓ આદિ આકારો વડે ઈશ્વરની ઉપાસના કરે છે તેઓ આપણને ભલે ગમે તેટલા પ્રાકૃત લાગતા હોય, પરંતુ તેઓ ખોટા નથી. એ તો એક સત્યમાંથી બીજા સત્યે જવાની મુસાફરી છે, ઊતરતી કક્ષાના સત્યેથી ઊંચા સત્યે પહોંચવાનો પ્રયાસ છે. અંધારું એટલે ઓછો પ્રકાશ; અશુભ એટલે ઓછું શુભ; અપવિત્રતા એટલે ઓછી અપવિત્રતા. એ હંમેશાં યાદ રાખવું કે જે માર્ગે થઈને આપણે ગયા છીએ તે જ માર્ગે થઈને તેઓ જઈ રહ્યા છે એમ સમજીને આપણે બીજાઓને પ્રેમદૃષ્ટિએ જોવા જોઈએ, સહાનુભૂતિની નજરે જોવા જોઈએ. જો તમે મુક્ત હો તો જાણજો કે વહેલા મોડા સૌ મુક્ત થશે; અને જો તમે મુક્ત હો તો તમે અશાશ્વતને જોઈ જ કેમ શકો? જો તમે સાચેસાચ પવિત્ર હો તો તમે અપવિત્ર જુઓ જ શી રીતે? કારણ કે જે અંદર છે, તે જ બહાર છે. અપવિત્રતા આપણી અંદર ન હોય તો આપણને તે બહાર દેખાય નહિ. વેદાંતની આ એક વ્યવહારુ બાજુ છે અને આપણે સૌ તેને આપણા જીવનમાં ઉતારવાનો પ્રયાસ કરીએ એવી હું આશા રાખું છું. આપણું અહીંનું સમગ્ર જીવન, આને આચરણમાં ઉતારવા માટે જ છે; પણ જે એક મહાન મુદ્દો આપણને મળે છે તે એ કે અસંતોષ અને અતૃપ્તિપૂર્વક કાર્ય કરવાને બદલે આપણે સંતોષ અને તૃપ્તિપૂર્વક કાર્ય કરીશું, કારણ કે આપણે જાણીએ છીએ કે સત્ય આપણી અંદર છે, આપણામાં તે જન્મસિદ્ધ હક્ક તરીકે છે; માત્ર આપણે તેને પ્રગટ કરવાનું છે, તેને વહેવારુ બનાવવાનું છે. (2.456)

