(માર્ચ ૨૨, ૧૮૯૬)

જે માણસ મુક્ત છે તેને માટે પ્રયત્નનો કશો અર્થ નથી. પરંતુ આપણે માટે તો તે સાર્થક છે, કારણ કે સંસારને ઉત્પન્ન કરનારાં જ નામ અને રૂપ છે.

અમે વેદાંતમાં પ્રયત્નને સ્થાન આપીએ છીએ પરંતુ ભયને માટે જરાય નહિ. તમારી પોતાની પ્રકૃતિનો પ્રભાવ દર્શાવવા લાગો એટલે બધી જાતની બીક અદૃશ્ય થઈ જશે. જો તમે એમ ધારો કે તમે બદ્ધ છો તો તમે બદ્ધ જ રહેવાના; જો તમે એમ ધારો કે તમે મુક્ત છો તો તમે મુક્ત જ થવાના.

માયાના રાજ્યમાં હોવા છતાં આપણે જે જાતની મુક્તિનો અનુભવ કરી શકીએ છીએ તે સત્યની ઝાંખી માત્ર છે, તે હજી ખરું સત્ય નથી.

પ્રકૃતિના નિયમોને તાબે રહેવામાં સ્વાતંત્ર્ય છે એ વિચારની સાથે હું એકમત નથી. એનો અર્થ શો, એ જ મને સમજાતું નથી. માનવપ્રગતિના ઇતિહાસ પ્રમાણે તો પ્રકૃતિની ગુલામીના વિરોધમાંથી એ પ્રગતિ થઈ છે. એમ કહી શકાય કે ઉચ્ચ નિયમો દ્વારા ઊતરતા નિયમો પર વિજય મળ્યો હતો. પરંતુ ત્યાં પણ વિજેતા મન માત્ર મુક્ત થવાનો જ પ્રયાસ કરતું હતું; અને જ્યારે તેને જણાયું કે એ પ્રયત્ન પણ નિયમની અંદર રહીને જ કરવાનો છે કે તરત તેણે તે નિયમને પણ જીતવાની ઇચ્છા કરી. તેથી દરેક કિસ્સામાં મુક્તિ એ આદર્શ છે. વૃક્ષો કદી નિયમનો ભંગ કરતાં નથી; ગાયે ચોરી કરી હોય તેવું મેં કદી જોયું નથી; માછલાં કદી ખોટું બોલતાં નથી. છતાંય તેઓ કોઈ માનવીથી ઉચ્ચ નથી. આ જીવન એ મુક્તિ માટેનો જબરદસ્ત પ્રયત્ન છે અને આ નિયમની અધીનતા પર જો વધારે પ્રમાણમાં ભાર દેવામાં આવે તો – પછી ભલે સામાજિક, રાજનૈતિક કે ધર્મના ક્ષેત્રમાં હો – તે આપણને માત્ર જડ બનાવી મૂકે. ઘણા નિયમો મૃત્યુની ચોક્કસ નિશાની છે. કોઈ પણ સમાજમાં જ્યાં ક્યાંયે વધુ પડતા કાયદા હોય ત્યાં એ ચોક્કસ નિશાની સમજવી કે એ સમાજ મરવાનો છે. જો તમે ભારતની ખાસિયતોનો અભ્યાસ કરો તો તમને જણાશે કે હિંદુઓના જેટલા નિયમો બીજી કોઈ પ્રજામાં નથી. એનું પરિણામ છે પ્રજાકીય મૃત્યુ. પરંતુ હિંદુઓની બાબતમાં બીજી એક વિશિષ્ટ બાબત હતી. તેમણે ધર્મના ક્ષેત્રમાં કશા નિયમો કે કોઈ સિદ્ધાંતો બાંધ્યા નહિ અને તેથી ત્યાં ધર્મનો વધુમાં વધુ વિકાસ થયો. શાશ્વત નિયમ એ સ્વાતંત્ર્ય હોઈ શકે નહિ, કારણ કે શાશ્વત વસ્તુ નિયમની અંદર છે એમ કહેવું એ એની શાશ્વતતાને સીમાબદ્ધ કરવા જેવું છે.

ઈશ્વરને કશો હેતુ ન હોઈ શકે; કારણ કે તેને જો કોઈ હેતુ હોય તો ઈશ્વર માણસથી જરાય વધુ ઉચ્ચ ન રહે અને એને કોઈ પણ હેતુની શી જરૂર હોય? જો એને કોઈ હેતુ હોય તો એ એનાથી બદ્ધ થઈ જાય; એવું હોય તો એના ઉપરાંત પણ કંઈક હોય કે જે તેનાથી મોટું હોય. દાખલા તરીકે કોઈ શેતરંજી બનાવનારો એક શેતરંજી બનાવે છે; શેતરંજી બનાવવાનો વિચાર તેનાથી બહાર હતો, કંઈક તેનાથી વધુ મોટું હતું. પણ ઈશ્વરે જેને અનુરૂપ બનવાનું હોય એવો વિચાર જ ક્યાં છે? જેમ મોટામાં મોટા શહેનશાહો પણ કોઈ કોઈ વાર ઢીંગલીઓ લઈને રમે, તેમ ઈશ્વર પણ આ પ્રકૃતિ લઈને રમત કરે છે; અને જેને આપણે નિયમ કહીએ છીએ તે આ છે. આપણે તેને નિયમ કહીએ છીએ, તેનું કારણ એ છે કે આપણે જે નાનકડા ટુકડાઓ સરળતાથી ચાલતા હોય છે તે જ જોઈ શકીએ છીએ. નિયમ વિશેના આપણા સર્વ ખ્યાલો એ નાનકડા ટુકડાની અંદર હોય છે. નિયમ અનંત હોય છે એમ કહેવું, અગર સદાકાળને માટે પથરાઓ ઉપરથી નીચે જ પડ્યા કરશે એમ કહેવું અર્થ વિનાનું છે. જો સર્વ તર્કનો આધાર ઇન્દ્રિયજન્ય અનુભવ હોય તો પચાસ લાખ વરસ પહેલાં પથ્થરો ઉપરથી નીચે જ પડતા એ જોનારું તે વખતે કોણ હતું? એટલે નિયમ માણસના બંધારણમાં સ્વભાવગત છે એવું નથી. માણસજાતને અંગે એ વિજ્ઞાનપૂર્વકનું સબળ કથન છે કે આપણે જ્યાંથી શરૂ કરીએ છીએ ત્યાં જ આપણે અંતે આવીએ છીએ. એક ખરી હકીકત તરીકે આપણે ધીરે ધીરે નિયમથી બહાર જતા જઈએ છીએ અને અંતે આપણે સાવ બહાર નીકળી જઈએ છીએ; પરંતુ સાથોસાથ એક આખી જિંદગીના મેળ મેળવેલા અનુભવો પણ લઈને નીકળીએ છીએ. ઈશ્વર અને મુક્તિમાં આપણે આરંભ કર્યો તથા મુક્તિ અને ઈશ્વર તેનો અંત હશે. આ નિયમો વચલી અવસ્થામાં હોય છે કે જેમાં થઈને આપણે નીકળવાનું હોય છે. અમારું વેદાંત હંમેશાં મુક્તિનો ભારપૂર્વક દાવો કરે છે. નિયમનો ખ્યાલ સરખોય વેદાંતીને ડરાવી મૂકે અને સનાતન નિયમ એને માટે ઘણી જ ભયંકર વસ્તુ છે, કારણ કે તેમાંથી તો છુટકારો જ ન હોય. કાયમ બદ્ધ રાખે એવો જો કોઈ એક સનાતન નિયમ હોય, તો પછી તેનામાં અને એક ઘાસના પાંદડામાં તફાવત ક્યાં રહ્યો? નિયમના એવા કાલ્પનિક ખ્યાલમાં અમે માનતા નથી.

અમે કહીએ છીએ કે આપણે જે શોધવાનું છે તે મુક્તિ છે અને એ મુક્તિ એ ઈશ્વર છે. બીજી દરેક વસ્તુમાં જે સુખ છે તે જ મુક્તિમાં સુખ છે; પરંતુ મનુષ્ય જ્યારે તેને કોઈ સાન્ત વસ્તુમાં શોધે છે, ત્યારે તેને તેનો માત્ર અલ્પાંશ મળે છે. ઈશ્વરમાં આનંદ મેળવનારને જે સુખ મળે છે તે જ સુખ ચોર જ્યારે ચોરી કરે છે ત્યારે તેને મળે છે; પરંતુ ચોરને સુખ માત્ર ક્ષણિક ચમકારા જેટલું જ મળે છે અને વધારામાં બહુ મોટા ભાગનું દુઃખ મળે છે; સાચું સુખ ઈશ્વર પોતે જ છે. પ્રેમ એ ઈશ્વર છે, મુક્તિ એ ઈશ્વર છે; જે કાંઈ બંધન છે તે ઈશ્વર નથી.

મનુષ્ય અગાઉથી જ મુક્ત છે, પણ તેણે તે શોધી કાઢવાનું છે. મુક્તિ તેની પાસે છે જ, પરંતુ ક્ષણે ક્ષણે તે તેને ભૂલી જાય છે. દરેકનું સમગ્ર જીવન જાણ્યે અજાણ્યે પણ એની શોધ કરવી એ જ છે. પરંતુ ઋષિ અને અજ્ઞાની માણસમાં તફાવત એ છે કે ઋષિ સમજપૂર્વક એ શોધ કરે છે, જ્યારે અજ્ઞાની સમજ વગર કરે છે. અણુથી માંડીને તારા સુધી સર્વ કોઈ મુક્તિ માટે મથી રહ્યું છે. અજ્ઞાની માણસને જો અમુક મર્યાદામાં ભૂખ અને તરસનાં બંધનમાંથી મુક્તિ મળે તો તેને સંતોષ થઈ જશે; પરંતુ ઋષિને લાગે છે કે એથીયે વધુ મોટું બંધન છે કે જે ફેંકી દેવાનું છે. તમારા જંગલવાસી રેડ ઇન્ડિયનની મુક્તિ તે મુદ્દલે મુક્તિ માનશે નહિ.

અમારા દાર્શનિકોના મત પ્રમાણે મુક્તિ એ ધ્યેય છે. (ઇન્દ્રિયજન્ય) જ્ઞાન એ ધ્યેય ન હોઈ શકે, કારણ કે જ્ઞાન તો એક મિશ્ર વસ્તુ છે. એ જ્ઞાન તો શક્તિ અને મુક્તિનું મિશ્રણ છે, જ્યારે મુક્તિ એટલી જ ઇચ્છવા યોગ્ય છે. જેના સારુ મનુષ્યો પ્રયત્ન કરી રહ્યાં છે તે એ છે. શક્તિનો કેવળ સંગ્રહ એ જ્ઞાન ન થાય. દાખલા તરીકે એક વૈજ્ઞાનિક વિદ્યુતશક્તિનો પ્રવાહ અમુક માઈલો સુધી મોકલી શકે; પરંતુ પ્રકૃતિ અનંત અંતર સુધી તે મોકલી શકે છે. તો પછી આપણે પ્રકૃતિના માનમાં બાવલાં શા માટે ખડાં નથી કરતા? આપણે જે માગીએ છીએ તે નિયમ નહિ, પરંતુ નિયમ તોડવાની શક્તિ માગીએ છીએ; આપણે નિયમભંજક થવા ઇચ્છીએ છીએ. જો તમે નિયમોથી બદ્ધ રહો તો માટીના પિંડ જેવા થઈ જાઓ. તમે નિયમથી બહાર છો કે નહિ એ પ્રશ્ન નથી; પરંતુ આપણે નિયમથી બહાર છીએ એ વિચારના પાયા ઉપર આખી માનવજાતનો ઇતિહાસ રચાયો છે. દાખલા તરીકે કોઈ માણસ જંગલમાં જ રહે છે અને તેને કદી કશું શિક્ષણ કે જ્ઞાન મળ્યું નથી. તે એક પથ્થરને નીચે પડતો, એટલે કે, એક સ્વાભાવિક ઘટના બનતી જુએ છે અને ધારે છે કે તે મુક્તિ છે. તે એમ ધારે છે કે તે પથ્થરને એક આત્મા છે અને તેની અંદર રહેલો વિચાર સ્વાતંત્ર્યનો છે. પરંતુ જેવી તેને ખબર પડે છે કે પથ્થર તો નીચે પડવો જ જોઈએ, એટલે તરત જ તે તેને પ્રકૃતિ એટલે કે જડ અને યંત્રવત્-કાર્ય કહે છે. રસ્તા ઉપર જવું કે ન જવું તે મારી મુનસફીનો સવાલ છે; મનુષ્ય તરીકેની મારી મહત્તા એમાં છે. જો મને ખાતરી થાય કે મારે ત્યાં જવું જ પડશે, તો હું હારી જાઉં છું અને એક યંત્ર બની જાઉં છું. પોતાની અનંત શક્તિ હોવા છતાં સમગ્ર પ્રકૃતિ માત્ર એક યંત્ર છે; કેવળ સ્વાતંત્ર્ય જ ચેતનવંત જીવન બનાવે છે.

વેદાંત કહે છે કે જંગલમાં વસતા પેલા માણસનો વિચાર ખરો છે; તેનું દર્શન ખરું છે, પરંતુ ખુલાસો ખોટો છે. તે આ પ્રકૃતિને સ્વતંત્ર માનીને વળગે છે, નિયમને આધીન માનીને નહિ. માત્ર આ બધા માનવ અનુભવ પછી જ આપણે એ પ્રમાણેના વિચાર ઉપર પાછા આવીશું; પરંતુ તે વેળા વિચાર વધુ તાત્ત્વિક બન્યો હશે. દાખલા તરીકે હું બહાર રસ્તા પર જવા ઇચ્છું છું; હું મારી ઇચ્છાશક્તિનો ધક્કો અનુભવું છું અને પછી હું અટકી રહું છું; આ ઇચ્છાશક્તિ અને રસ્તા પર જવાની ક્રિયા વચ્ચેના સમયમાં હું એકધારું કાર્ય કરી રહ્યો છું. કાર્યના એકધારાપણાને આપણે નિયમ કહીએ છીએ અને જણાય છે કે મારાં કાર્યોનું આ એકધારાપણું ઘણાં નાના કાળ વિભાગોમાં તૂટેલું છે અને તેથી મારાં કાર્યોને હું નિયમથી બદ્ધ નથી કહેતો. હું સ્વાતંત્ર્યપૂર્વક કામ કરું છું. હું પાંચ મિનિટથી ચાલુ છું; પરંતુ એકસરખી રીતે ચાલવાની પાંચ મિનિટ પહેલાં, જેણે ચાલવાની ઉત્તેજના આપી તે ઇચ્છાનું કાર્ય હતું જ. એટલા માટે મનુષ્ય કહે છે કે પોતે સ્વતંત્ર છે; અને જો કે એ નાના સમયવિભાગોમાં એકધારાપણું છે, છતાં એ સમયને ઓળંગીને આગળ ઉપર એનું એ જ એકધારાપણું નથી. આ અસમાનતાના અનુભવમાં સ્વાતંત્ર્યનો વિચાર રહેલ છે. પ્રકૃતિમાં આપણે સમાનતાના ઘણા મોટા ગાળા જોઈએ છીએ; પરંતુ આદિ અને અંત સ્વતંત્ર ઉત્તેજનાઓ જ હોવી જોઈએ. સ્વતંત્રની ઉત્તેજના આરંભમાં જ અપાઈ હતી અને એ ચાલી આવી છે; પરંતુ આપણા સમયના ગાળાઓની સરખામણીમાં, એ ઘણી લાંબી છે. દાર્શનિક ભૂમિકા પરના પૃથક્કરણને પરિણામે આપણને લાગે છે કે આપણે સ્વતંત્ર નથી. પરંતુ આ બાબત-આ ભાન કે હું સ્વતંત્ર છું, એ તો રહેવાનું જ . આપણે જે સમજવાનું છે તે છે કે એ આવે છે કેવી રીતે? આપણને જણાશે કે આપણામાં આ બંને ઊર્મિઓ રહેલી જ છે. આપણી બુદ્ધિ કહે છે કે આપણાં બધાં કાર્યો કારણપૂર્વકનાં હોય છે અને તે જ વખતે એકેએક ઊર્મિની સાથે આપણે આપણા સ્વાતંત્ર્યને ભારપૂર્વક રજૂ કરતા હોઈએ છીએ. વેદાંતનો ખુલાસો એ છે કે અંદર સ્વાતંત્ર્ય રહેલું છે એટલે કે આત્મા ખરી રીતે સ્વતંત્ર છે; પરંતુ આત્માનાં કાર્યો શરીર અને મનમાં થઈને બહાર વ્યક્ત થાય છે અને એ શરીર અને મન મુક્ત નથી.

જે ક્ષણે આપણે કોઈ પ્રતિક્રિયા કરીએ, તે જ ક્ષણે આપણે ગુલામ બની જઈએ છીએ. એક માણસ મને ઠપકો આપે છે અને તરત જ ગુસ્સાના રૂપમાં હું તેની સામે પ્રતિક્રિયા કરું છું. તેણે ઉત્પન્ન કરેલા નાનકડા તરંગે મને ગુલામ બનાવ્યો. માટે આપણે આપણું સ્વાતંત્ર્ય દર્શાવવાનું છે. વિદ્યા અને વિનયભર્યા વિદ્વાન ઋષિમાં કે હલકામાં હલકા પશુમાં કે માનવજાતની ખરાબ અને દુષ્ટમાં દુષ્ટ વ્યક્તિમાં- જેઓ એ સર્વમાં માણસ કે પશુ કે ઋષિ ન જોતાં એક ઈશ્વરને જ જુએ છે, તેઓ જ સાચા ઋષિ છે. આ જીવનમાં જ તેમણે અસમાનતાની ભાવનાને જીતી છે અને સમત્વમાં જ તેઓ સ્થિત છે. ઈશ્વર પવિત્ર અને સૌને સમાન છે. એટલા માટે આવો ઋષિ જીવતો ઈશ્વર કહેવાય. જે ધ્યેય તરફ આપણે જઈ રહ્યા છીએ તે આ છે; અને પૂજા-ઉપાસનાના સર્વ પ્રકાર, માનવજાતિનું દરેક કાર્ય, એ ધ્યેયે પહોંચવાની રીત છે. જે માણસ પૈસો ઇચ્છે છે, તે મુક્તિને માટે, એટલે કે ગરીબીના બંધનમાંથી મુક્ત થવા માટે પ્રયાસ કરી રહ્યો છે. માનવીનું દરેકેદરેક કાર્ય પૂજન છે કારણ કે એની પાછળનો વિચાર મુક્તિ મેળવવાનો છે; અને બધું કાર્ય, સારી રીતે કે આડકતરી રીતે એ તરફ જ વળે છે. માત્ર જે કાર્યો વિઘ્ન નાખે તેમનાથી દૂર રહેવું. સમગ્ર વિશ્વ, સમજણપૂર્વક કે સમજણ વિના, પૂજન કરી રહ્યું છે; માત્ર જ્યારે તે શાપ આપે છે ત્યારે પણ, જેને તે શાપ આપે તે ઈશ્વરનું બીજે રૂપે એ પૂજન જ કરી રહેલ છે. તે એ જાણતું નથી, કારણ કે જેઓ શાપ આપે છે તેઓ પણ સ્વાતંત્ર્યની માટે સંઘર્ષ કરી રહ્યા છે. તેઓ કદી વિચાર નથી કરતા કે એક વસ્તુનો સામો પ્રતિકાર કરવામાં પ્રતિકાર કરનારાઓ પોતાને તેના ગુલામ બનાવે છે. કાંટાને લાતો મારવી મુશ્કેલ છે.

આપણી મર્યાદાઓ અંગેની માન્યતાઓને આપણે ટાળી શકીએ તો હરકોઈ વસ્તુ આપણે હમણાં જ કરી શકીએ છીએ. સવાલ માત્ર સમયનો જ છે. જો એમ જ છે તો, શક્તિમાં વધારો કરો અને એ રીતે સમયમાં બચત કરો. પેલા પ્રાધ્યાપકનું ઉદાહરણ નજર સમક્ષ રાખો; એણે આરસના વિકાસનું રહસ્ય શોધી કાઢ્યું એટલે બાર જ વરસમાં એણે આરસ તૈયાર કર્યો, જ્યારે પ્રકૃતિને એ માટે સદીઓ લાગી હતી.

 

Total Views: 134
૬. વેદાંત દર્શન વિશે
૮. ઈશ્વર અને બ્રહ્મ