(માર્ચ ૭, ૧૯૦૦)

સ્વામી વિવેકાનંદે ‘જીવન અને મૃત્યુના નિયમો’ એ વિષય ઉપર ગઈકાલે સાંજે વ્યાખ્યાન આપ્યું હતું. સ્વામીજીએ કહ્યુંઃ હિંદુઓના સંશોધનનો હેતુ છે જીવન અને મૃત્યુમાંથી કઈ રીતે છૂટવું તે; એમનો હેતુ માનવીએ સ્વર્ગે કઈ રીતે જવું તે નહીં, પરંતુ સ્વર્ગે જવાનું માનવી કઈ રીતે અટકાવી શકે તે છે.

સ્વામીજીએ આગળ કહ્યુંઃ દુનિયામાં કોઈ પણ વસ્તુ એકાકી ટકતી નથી; પ્રત્યેક વસ્તુ કાર્યકારણની અનંત પરંપરાનો એક ભાગ છે. માનવી કરતાં ઉચ્ચ કોટિના જીવો હોય તો તેમને પણ નિયમોને આધીન થવું જ જોઈએ. જીવન જીવનમાંથી જ ઉદ્‌ભવી શકે; વિચાર વિચારમાંથી જ તથા જડ પદાર્થ જડ પદાર્થમાંથી જ ઉદ્‌ભવી શકે. જડ પદાર્થમાંથી વિશ્વ સર્જી શકાય નહીં. વિશ્વનું અસ્તિત્વ સનાતન કાળથી છે જ. માનવજીવો જો જગત ઉપર સીધે-સીધા અને તાજેતાજા પ્રકૃતિના હાથમાંથી આવતા હોય તો તેઓ સંસ્કાર વિનાના આવવા જોઈએ; પરંતુ આપણે એ રીતે આવતા નથી, એ દર્શાવે છે કે આપણે તદ્દન નવેનવા ઉત્પન્ન થયા નથી. માનવ જીવો જો શૂન્યમાંથી સર્જાતા હોય તો, ફરી પાછા શૂન્યમાં જતા તેમને કોણ અટકાવનારું છે? આપણે જો ભવિષ્યમાં પણ સતત રહેવાના જ હોઈએ તો ભૂતકાળની અંદર પણ અવશ્ય સતત રહ્યા હોવા જ જોઈએ.

હિંદુઓની એવી માન્યતા છે કે આત્મા મન નથી, તેમ દેહ પણ નથી. એ શું છે કે જે સ્થિર રહે છે? જે કહી શકે કે ‘હું, હું છું?’ દેહ તો નહીં જ, કારણ કે એ તો સદા પરિવર્તન પામ્યા કરે છે; અને મન પણ નહીં, કારણ કે એ તો દેહ કરતાં પણ વધુ ઝડપથી પરિવર્તન પામે છે; તેનામાં તો થોડીક ક્ષણો માટે પણ એના એ વિચારો ટકતા નથી. એટલે એક અપરિવર્તનશીલ એવું કશુંક અવશ્ય હોવું જોઈએ; કંઈક એવું કે જે (સતત વહી જતા પાણીવાળી) નદીને જેમ કાંઠા હોય છે તેમ માનવી માટે હોય. કાંઠામાં ફેરફાર થતો નથી; એમની અચળતા સિવાય આપણને સતત વહી જતા ઝરણાનું ભાન થાય નહીં. તેમ દેહની પાછળ, મનની પાછળ, અવશ્ય કંઈક હોવું જોઈએ, એટલે કે આત્મા કે જે માનવીનું એકમ બનાવે છે. મન તો જીવાત્માનું માત્ર સૂક્ષ્મ સાધન છે; એના દ્વારા જીવાત્મા – સ્વામી – દેહ પર ક્રિયા કરે છે. ભારતમાં અમે કહીએ છીએ કે માનવી પોતાનો દેહ છોડી દે છે જ્યારે તમે કહો છો કે માનવી પોતાનો ‘આત્મા’ છોડી દે છે. હિંદુઓ એમ માને છે કે માનવી આત્મા છે અને દેહ ધારણ કરે છે, જ્યારે પશ્ચિમના લોકો માને છે કે માનવી દેહ છે અને તેને એક આત્મા હોય છે.

દરેકે દરેક સંમિશ્ર વસ્તુનું મૃત્યુ થાય જ છે. આત્મા જ એકાકી તત્ત્વ છે; એ બીજી કોઈ વસ્તુનો બનેલો નથી અને તેથી તે મરી શકે નહીં. સ્વભાવે જ આત્મા અમર હોવો જોઈએ. દેહ, મન અને જીવાત્મા નિયમચક્રમાં ફર્યા કરે છે, કોઈ તેમાંથી છટકી શકતું નથી. જેમ સૂર્ય અને તારાઓ એ નિયમનું ઉલ્લંઘન કરી શકતા નથી, તેમ આપણે પણ એ નિયમનું ઉલ્લંઘન કરી શકીએ નહીં; એ આખો વિશ્વવ્યાપી નિયમ છે. કર્મનો નિયમ એવો છે કે પ્રત્યેક કર્મની પાછળ વહેલું અગર મોડું પણ તેનું પરિણામ અવશ્ય હોવું જ જોઈએ. ઇજિપ્તમાં સાચવી રાખેલ (મમી) મડદાના હાથમાં સચવાઈ રહેલ બીજને પાંચ હજાર વરસના ગાળા પછી જ્યારે રોપવામાં આવ્યું ત્યારે તેમાંથી અંકુર ફૂટી નીકળ્યો, એ જ માનવ કર્મની અનંત અસરનું ઉદાહરણ છે. નવા કર્મને જન્મ આપ્યા પહેલાં કોઈ પણ કર્મ કદી નાશ પામતું નથી. હવે જો આપણાં કર્મો અસ્તિત્વની માત્ર આ ભૂમિકા ઉપર જ તેમનાં યોગ્ય પરિણામો પ્રકટાવી શકતાં હોય તો તે પરથી ફલિત થાય છે કે આપણે સૌએ કાર્યકારણના ચક્રને પૂર્ણ કરવા માટે અવશ્ય અહીં પાછા આવવું જોઈએ. આ છે પુનર્જન્મનો સિદ્ધાંત. આપણે નિયમના ગુલામ છીએ, આચરણના ગુલામ છીએ, ભૂખતરસના ગુલામ છીએ, વાસનાના ગુલામ છીએ, હજારો બાબતોના ગુલામ છીએ. માત્ર જો આ જીવનમાંથી છટકીએ તો જ આપણે ગુલામીમાંથી છટકીને મુક્તિ તરફ જઈ શકીએ. એક માત્ર ઈશ્વર જ મુક્ત છે. ઈશ્વર અને મુક્તિ બંને એક જ છે.

Total Views: 149
૮. ઈશ્વર અને બ્રહ્મ
૧૦. સત્ય વસ્તુ અને છાયા