(માર્ચ ૮, ૧૯૦૦)

હિંદુ ફિલસૂફ સ્વામી વિવેકાનંદે કાલે સાંજે વેન્ટે હોલમાં એક બીજું વ્યાખ્યાન આપ્યું. વ્યાખ્યાનનો વિષય હતો ‘સત્ય વસ્તુ અને છાયા.’

તેમણે કહ્યુંઃ ‘મનુષ્યનો આત્મા નિશ્ચિતતાને પ્રાપ્ત કરવા, પરિવર્તન રહિત કંઈક વસ્તુ શોધવા સર્વદા પ્રયત્ન કરી રહ્યો છે. તેને કદી સંતોષ થતો નથી. સંપત્તિ, મહત્ત્વાકાંક્ષાની પૂર્તિ અથવા ભૂખની તૃપ્તિ, એ બધાં પરિવર્તનશીલ છે. એક વાર આ બધાંની પ્રાપ્તિ થયા પછીયે માનવીને સંતોષ થતો નથી. આ પરિવર્તન રહિત વસ્તુની ઝંખના ક્યાંથી સંતોષવી એ શીખવનારો ધર્મ એ વિજ્ઞાન છે. સઘળાં સ્થાનિક દૃશ્યો અને કારણોની પાછળ ધર્મ એક જ વસ્તુ શીખવે છે કે સત્ય કેવળ માનવીના આત્મામાં જ રહેલું છે.

‘વેદાંતનું તત્ત્વજ્ઞાન શીખવે છે કે જગત બે પ્રકારનું છેઃ બાહ્ય અથવા ઇન્દ્રિયગ્રાહ્ય અને આંતર અથવા અંતર્મુખી એટલે કે વિચારનું જગત.

‘તે મૂળભૂત ત્રણ ભાવનાઓ રજૂ કરે છેઃ દેશ, કાળ અને નિમિત્ત. માનવ વિચારની મૂળભૂત ભૂમિકા એટલે માયા આમાંથી રચાય છે; એ વિચારનું ફળ નથી. પાછળના સમયમાં મહાન જર્મન દાર્શનિક કેન્ટ પણ આજ નિર્ણયે આવ્યા હતા.

‘મારી સત્યતા, પ્રકૃતિની સત્યતા અને ઈશ્વરની સત્યતા એક જ છે; ભેદ છે અભિવ્યક્તિના પ્રકારમાં. ભેદનું કારણ ‘માયા’ છે; મહાસાગરને કિનારાના આકારો ઉપસાગર, સામુદ્રધુની કે ખાડીના આકારમાં દર્શાવે, પરંતુ જ્યારે આકાર સર્જક બળને એટલે કે માયાને દૂર કરવામાં આવે ત્યારે પૃથક્ સ્વરૂપ અદૃશ્ય થઈ જાય છે, ભેદભાવ અટકી જાય છે અને ફરીવાર બધું સાગરરૂપ બને છે.’

ત્યાર પછી સ્વામીજીએ એ પણ કહ્યું કે ઉત્ક્રાંતિવાદનાં મૂળ વેદાંત દર્શનમાં મળી આવે છે.

વક્તાએ આગળ બોલતાં કહ્યુંઃ ‘સઘળા આધુનિક ધર્મોનો આરંભ એ ભાવનાથી થાય છે કે માનવી એક વાર પવિત્ર હતો, તેનું પતન થયું અને ફરી વાર પાછો તે પવિત્ર થશે. મને ખબર પડતી નથી કે આ વિચાર તેમને ક્યાંથી મળે છે. જ્ઞાનનું સ્થાન આત્મા છે; બાહ્ય સંજોગો આત્માને માત્ર પ્રોત્સાહન આપે છે; આત્માની શક્તિ જ્ઞાન છે. સેંકડો વર્ષોથી તે દેહ બનાવતો આવ્યો છે; જન્મોજન્મનાં વિવિધ રૂપો તો માત્ર આત્માની જીવનકથાનાં એક પછી એક પ્રકરણો માત્ર છે. આપણે આપણા દેહને નિરંતર ઘડી રહ્યા છીએ. વિશ્વ સમસ્ત પ્રવાહી, પરિવર્તનશીલ, વિસ્તાર અને સંકોચનની અવસ્થામાં છે. વેદાંત પ્રતિપાદન કરે છે કે આત્મા તેના મૂળ સ્વરૂપે પરિવર્તન પામતો નથી, પણ માયાને કારણે તેનું રૂપાંતર ભાસે છે. પ્રકૃતિ એટલે મન દ્વારા સીમિત બનેલ ઈશ્વર, પ્રકૃતિની ઉત્ક્રાંતિ એ આત્માનું રૂપાંતર છે. આત્મા તત્ત્વતઃ જીવોના સર્વ પ્રકારોમાં એક જ છે; એના આવિર્ભાવમાં દેહ દ્વારા તે જુદાં જુદાં રૂપો ધરે છે. આત્માની આ એકતા, માનવજાતિનું આ સર્વસામાન્ય ઉપાદાન દ્રવ્ય, નીતિ અને સદાચારનો પાયો છે. આ અર્થમાં બધું એક છે અને આપણા ભાઈને પીડા કરવી એ આપણને પોતાને પીડા કરવા બરાબર છે.

‘પ્રેમ આ અનંત એકતાની કેવળ અભિવ્યક્તિ છે. તમે કઈ દ્વૈતવાદી પદ્ધતિના આશ્રયે પ્રેમનો ખુલાસો આપી શકો? એક યુરોપિયન ફિલસૂફ કહે છે કે ચુંબન એ નરમાંસભક્ષણની પ્રથાનો અવશેષ છે, ‘તમારો સ્વાદ કેટલો સરસ છે!’ તેની અભિવ્યક્તિનો પ્રકાર છે. હું તે માનતો નથી.

‘આપણે સૌ જે શોધીએ છીએ તે શું છે? મુક્તિ. જીવનના સર્વ પ્રયત્નો અને મથામણો મુક્તિ માટે છે. જાતિઓની, બ્રહ્માંડોની અને મોટાં મંડળોની એ વિશ્વવ્યાપી આગેકૂચ છે.

‘જો આપણે બદ્ધ હોઈએ તો આપણને બંધનમાં કોણે નાખ્યા? અનંતને તેના પોતાના સિવાય બીજી કોઈ પણ શક્તિ બાંધી શકે નહીં.’

વ્યાખ્યાન પૂરું થયા પછી, વક્તાને પ્રશ્નો પૂછવાની શ્રોતાઓને તક આપવામાં આવી હતી; વક્તાએ અર્ધા કલાક સુધી બધા પ્રશ્નોના ઉત્તર આપ્યા હતા.

Total Views: 126
૧૦. સત્ય વસ્તુ અને છાયા
૧.વેદોનો કેન્દ્રવર્તી વિચાર