ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૩: ૨૪૬-૪૭
(સ્ટેન્ડર્ડ, ઓક્ટોબર ૨૩, ૧૮૯૫)
સ્ટેન્ડર્ડ જણાવે છે કે રામમોહન રાયના સમયથી એક કેશવચંદ્ર સેનને બાદ કરતાં ગઈકાલે રાતે પ્રિન્સના હૉલમાં પ્રવચન આપનાર બ્રાહ્મણ સિવાય અંગ્રેજ વ્યાસપીઠ પર બીજી કોઈ વધારે રસપ્રદ ભારતીય વ્યક્તિ જોવા મળતી નથી…
વેદાંત શાખાના ઈશ્વરની સર્વવ્યાપકતાનું દર્શન કરાવતું એ પ્રવચન (‘આત્મજ્ઞાન’ – આ પ્રવચનની શબ્દશઃ નોંધ ઉપલબ્ધ નથી) તદ્દન નિર્ભય અને ખૂબ પ્રભાવશાળી હતું અને સ્વામીએ પોતાના વિચારમાં યોગ શાખાના નૈતિક તત્ત્વનો સમાવેશ કરી લીધો હતો એમ એમના પ્રવચનના અંતભાગ પરથી જણાતું હતું; એ યોગ શાખામાંના આત્મપીડનની વકીલાત એમણે કરી ન હતી પણ ભૌતિક કહેવાતી બધી સુખસગવડોના ત્યાગ પર તેમણે ભાર મૂક્યો હતો અને કહ્યું હતું કે પૂર્ણ નિર્ગુણ બ્રહ્મ સામે એકરૂપ થવાનું એ જ એકમાત્ર સાધન છે. આ સદીના આરંભમાં થયેલા ભૌતિકવાદના સ્થૂળ વિકાસના ઉલ્લેખથી પ્રવચનનો આરંભ કરવામાં આવ્યો હતો, પછી થયેલા અધ્યાત્મ વિચારના વિકાસે એ ભૌતિકવાદને થોડો સમય માટે કેવો ઠેલી કાઢ્યો હતો તે તેમણે જણાવ્યું હતું. પછી એમણે જ્ઞાનની ઉત્પત્તિ અને તેનાં લક્ષણોની વાત કરી. કેટલેક અંશે આ મુદ્દા પરના એમના વિચારો શુદ્ધ ફિકટેવાદનું લગભગ પુનઃકથન હતું. પણ એવી ભાષામાં અને એવાં દૃષ્ટાંતો સાથે એ રજૂ થયા હતા કે કોઈ જર્મન સર્વાતીતવાદીએ એમ કર્યું હોય. બહિર્ ભૌતિકવાદી જગત હોવાનો એમણે સ્વીકાર કરતાં કહ્યું કે ભૌતિક દ્રવ્ય શું છે તે એ પોતે જાણતા નથી. મન સૂક્ષ્મતર દ્રવ્ય છે તેમ એમણે કહ્યું અને એની પાછળ મનુષ્યનો આત્મા રહેલો છે; એ સ્થિર છે, દૃઢ છે અને એની સમક્ષ બાહ્ય પદાર્થો સતત પસાર થયા કરે છે. એ આત્મા અનાદિ અને અનંત છે – અર્થાત્ એ શાશ્વત છે. તે એ જ પરમાત્મા છે. વ્યક્તિ અને સમષ્ટિની એકરૂપતાનું, ઈશ્વરની સર્વવ્યાપકતાનું આ દર્શન તેમણે ઊંડી સમજથી અને દૃષ્ટાંતોની સમૃદ્ધિથી અને ખૂબ સૌંદર્ય, ગાંભીર્ય અને નિષ્ઠાભરી ભાષામાં રજૂ કર્યું. એમણે કહ્યું કેઃ
“વિશ્વમાં એક જ આત્મા છે, ‘તમે’ અને ‘હું’ નથી, બધું વિવિધતાપૂર્ણ એકતામાં સમાવિષ્ટ છે, એ છે અનંત અસ્તિત્વ – ઈશ્વર.”
એમાંથી પછી આત્માના અમરત્વની વાત નીકળી અને ઉચ્ચતર આવિષ્કારો અને પૂર્ણતા તરફ જતા અવતારોની વાત આવી. અગાઉ કહ્યા પ્રમાણે વીસ મિનિટનું એમનું વકતવ્ય ત્યાગના સિદ્ધાંતનું કથન હતું. પ્રવચન દરમિયાન કારખાનાં, યંત્રો અને અન્ય શોધો અને પુસ્તકો વિશે તેમણે ખૂબ આકરી ટીકા કરતાં કહ્યું કે “બુદ્ધના કે ઈશુના પાંચ શબ્દોથી જગતને થયો છે એટલો લાભ પણ આ સૌ થકી થયો નથી.” પ્રવચન કશી તૈયાર સામગ્રી વિના અપાયું હતું અને કશા જ અચકાટ વગર પ્રસન્ન અવાજમાં અપાયું હતું.

