ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૫: ૧૯૨-૯૪.

(લોસ એન્જેલસ હેરોલ્ડ, ડિસેમ્બર ૧૩, ૧૮૯૯)

એકેડેમી ઑફ સાયન્સિઝ સમક્ષ સ્વામી વિવેકાનંદનું વ્યાખ્યાન

સધર્ન કેલિફોર્નિયા એકેડેમી ઑફ સાયન્સિઝના ઉપક્રમે ગઈકાલે સાંજે યુનિટી ચર્ચમાં બ્રહ્માંડ અથવા વિશ્વ સંબંધી વૈદિક ધારણા (કેલિફોર્નિયામાં સ્વામી વિવેકાનંદનું આ બીજું વ્યાખ્યાન હતું અને એની અક્ષરશઃ નોંધ મળતી નથી. ૧૮૯૬માં ન્યૂયોર્કમાં સ્વામીજીએ આપેલ બે પ્રવચનો ‘બ્રહ્માંડ સમષ્ટિ’ અને ‘બ્રહ્માંડ વ્યષ્ટિ’ સરખાવવા જેવાં છે. C.W.2) વિશે હિંદના વતની સ્વામી વિવેકાનંદને સાંભળવા મોટો સમુદાય એકઠો થયો હતો…

વિષયપ્રવેશ કરતાં વક્તાએ જળપ્રલયની પૌરાણિક કથાની વાત કરી હતી; બેબિલોનિયન, અસીરિયન, ઇજિપ્શ્યન અને બીજી પ્રજાઓમાંની એ પુરાણકથા હિબ્રૂ પુરાણકથાને મળતી છે. એ બતાવે છે કે બધી પ્રજાઓ સૃષ્ટિની ઉત્પત્તિ સંબંધમાં એક મત ધરાવે છે.

“સૂર્યની અને પ્રાકૃતિક બળોની પૂજામાં પ્રકૃતિનાં રહસ્યો સમજાવવાના પ્રાચીન પ્રજાના પ્રયત્નો જોઈ શકાય છે. ઊર્જાનો માનવીનો પ્રથમ ખ્યાલ માનવી પોતે હતો. કોઈ પથ્થર પડ્યો ત્યારે એણે એ પથ્થરમાં કશી શક્તિ ન જોઈ પણ એની પાછળ રહેલો સંકલ્પ જોયો અને એણે એવી ધારણા કરી કે સમગ્ર સૃષ્ટિનું સંચાલન સંકલ્પોથી થાય છે. ધીમે ધીમે આ સંકલ્પો એક થવા લાગે છે અને વિજ્ઞાન ઊભું થવા લાગે છે. બહુસંખ્ય દેવો દૂર થાય છે અને તેમને સ્થાને એકત્વ આવે છે અને આજે અર્વાચીન વિજ્ઞાન એ એક ઈશ્વરને પણ હટાવે તેવો ભય ઊભો થયો છે. વસ્તુઓની પોતાની પ્રકૃતિ વડે જ વિજ્ઞાન તેમને ઓળખાવવા અને વિશ્વને આત્મનિર્ભર કરવા માગે છે.

સંકલ્પો ધીમે ધીમે દૂર થવા લાગ્યા અને એમને સ્થાને સંકલ્પ આવ્યો. વિકાસની આ પ્રક્રિયા જગતની બધી પ્રજાઓમાં થઈ તે રીતે હિંદમાં પણ થઈ. બીજા દેશોના લોકોના વિચારો અને દેવો જેવા જ વિચારો અને દેવો હિંદવાસીઓના હતા પણ હિંદમાં એ માત્ર ત્યાં અટક્યા નહીં. જીવન જ જીવન પેદા કરી શકે અને મૃત્યુ તેમ કરી શકે નહીં તે જ્ઞાન હિંદવાસીઓને થયું. ઈશ્વર વિશેની આપણી સંકલ્પનાઓ એકેશ્વરવાદ સુધી જાય છે. બીજે બધે માનવબુદ્ધિ ત્યાં અટકી જાય છે અને આપણે એને અંતિમ સત્ય બનાવી બેસી જઈએ છીએ. પણ ભારતમાં એમ થતું નથી. આપણી આસપાસ આપણે જે ઘટનાચક્ર જોઈએ છીએ તેને વિરાટ સંકલ્પ પણ અટકાવી શકે નહીં. માનવીમાં પણ સંકલ્પની પાછળ કામ કરતાં પરિબળો છે. લોહીના પરિભ્રમણ જેવી સામાન્ય બાબતમાં પણ સંકલ્પ – કે ઇચ્છાશક્તિ – પ્રેરક બળ નથી.

“આપણે ઈશ્વરને આપણા જેવો વ્યક્તિરૂપે જ કલ્પ્યો છે, માત્ર અનંતગણો મહાન એ છે અને જગતમાં ભલમનસાઈ અને દયા અને સુખ છે માટે આ ગુણો ધરાવતું અસ્તિત્વ પણ હોવું જોઈએ પણ જગતમાં અનિષ્ટ પણ છે. હિંદુ ચિત્ત એટલું તો દર્શન-પ્રભાવિત છે કે એક સારા અને બીજા ખરાબ એમ બે ઈશ્વરોનું અસ્તિત્વ એને સ્વીકાર્ય નથી. ભારત એકત્વના વિચારને વળગી રહ્યું. મારે માટે અનિષ્ટ શુભ હોય તે બીજા માટે અશુભ હોય. આપણે સૌ એક સાંકળના અંકોડાઓ છીએ. એટલે પછી ઉપનિષદોનું ચિંતન આવે છે; એ ૩૦૦,૦૦૦,૦૦૦ માનવીઓનો ધર્મ છે. પ્રકૃતિ એક એકમ છે; સર્વ અસ્તિત્વમાં એકતા છે અને ઈશ્વર અને પ્રકૃતિ સમાન છે. હિંદનું આ તત્ત્વજ્ઞાન હિંદની બહારના જગતમાં પ્રસિદ્ધ છે.

“ભારતની ફિલસૂફીની અસર ન પ્રકાશિત કરતો હોય એવો જગતમાં એકેય ધર્મ કે ફિલસૂફી નથી અને કેથલિક ચર્ચનો પણ તેમાં જ સમાવેશ થાય છે. જેને નવી શોધ કહેવામાં આવે છે તે શક્તિનો સંગ્રહ પિતા (પ્રાણ?) તરીકે હિંદમાં જાણીતો છે. જે કંઈ છે તે એમાંથી જ ઉદ્‌ભવે છે. બ્રહ્મે (પ્રાણે?) કશાકમાં શક્તિનો સંચાર કરવો જોઈએ અને એને લોકો ‘ઈથર’ – આકાશ – કહે છે. ઘન, પ્રવાહી કે જ્યોતિર્મય ગમે તેની ઉપર બ્રહ્મ (પ્રાણ?) આંદોલિત હોય, તે એ ઈથર – આકાશ જ – છે. બધાની શક્તિ સંગ્રહરૂપે ત્યાં છે. હવે પછીના યુગમાં બ્રહ્મ (પ્રાણ?) વધારે ને વધારે આંદોલિત થશે.

“આમ ભારતીય શાસ્ત્રોની આ વિચારણા અર્વાચીન વિજ્ઞાનની ખૂબ નિકટની છે. અર્વાચીન ઉત્ક્રાંતિએ પણ એ જ વિચાર અપનાવ્યો છે. ગૌરવમાં જુદા ભાસતા આપણા દેહો એક જ સાંકળની કડીઓ છે. એક વ્યક્તિમાં બીજી વ્યક્તિઓની બધી શક્યતાઓ પડેલી છે. જીવંત અસ્તિત્વ સમગ્ર જીવનની શક્યતા ધરાવે છે પરંતુ પર્યાવરણ માગે તેને જ એ વ્યક્ત કરી શકે છે. અર્વાચીન વિજ્ઞાન અતિ અદ્‌ભુત ધારણાઓ બાંધે છે. પ્રબોધક તરીકે મને જે સૌથી વધારે આકર્ષે છે તે સર્વ ધર્મોની (જીવનની?) એકતા છે. છોડમાં છે તે જ જીવન વ્યક્તિમાં છે એમ હર્બર્ટ સ્પેન્સર કહે છે ત્યારે હિંદુ ધર્મને ઓગણીસમી સદીમાં એક સૂર મળ્યો છે.

Total Views: 112
૮. સંસ્કૃતિના અંગ તરીકે વેદાંત
૧. ભક્તિનાં લક્ષણો