ઈશ્વર શું છે? जन्माद्यस्य यतः—‘જેનાથી વિશ્વની ઉત્પત્તિ, સ્થિતિ અને પ્રલય થાય છે’—તે ઈશ્વર છે—‘આનંદ, શુદ્ધ, નિત્યમુક્ત, સર્વશક્તિમાન, સર્વજ્ઞ, દયામય, પરમ ગુરુ છે.’ અને બધાં ઉપરાંત स ईश्वरः अनिर्वचनीयप्रेम स्वरूपः। ‘તે ઈશ્વર સ્વરૂપતઃ અનિર્વચનીય પ્રેમસ્વરૂપ છે.’ આ વ્યાખ્યાઓ અવશ્ય સગુણ ઈશ્વરની છે. તો પ્રશ્ન એ ઊઠે છે કે ‘તો પછી શું બે ઈશ્વર છે? એક તો જ્ઞાનીના ‘નેતિ-નેતિ’ સત્-ચિત્-આનંદ અને બીજા ભક્તિના પ્રેમસ્વરૂપ ભગવાન? ના, સત્-ચિત્-આનંદ, તે જ પ્રેમમય ભગવાન છે અને તે જ બંને, સગુણ અને નિર્ગુણ છે. એ હંમેશાં ખ્યાલમાં રાખવાનું છે કે ભક્તના ઉપાસ્ય સગુણ ઈશ્વર નિર્ગુણ બ્રહ્મથી ભિન્ન અથવા પૃથક્ નથી. સર્વ કંઈ તે જ एकमेवाद्वितीयम् (એક જ, બીજું કોઈ નહીં) બ્રહ્મ છે; માત્ર બ્રહ્મનું અદ્વૈત વા નિર્ગુણ સ્વરૂપ અત્યંત સૂક્ષ્મ હોવાને કારણે એ પ્રેમનું પાત્ર-ઉપાસનાનો આધાર બની શકતું નથી; એટલા માટે ભક્ત બ્રહ્મના સગુણ ભાવને એટલે કે પરમનિયંતા ઈશ્વરને પસંદ કરે છે. એક ઉપમા લઈએઃ બ્રહ્મ મૃત્તિકા (માટી) અથવા ઉપાદાન સદૃશ છે કે જેમાંથી અનંત પ્રકારની વસ્તુઓ ઘડાય છે. મૃત્તિકા તરીકે તે બધી એક છે, પરંતુ તેમના આકારો તેમને ભિન્નત્વ આપે છે. તેમાંની પ્રત્યેક ચીજ બનાવવામાં આવી તે પહેલાં તે બધી અવ્યક્તરૂપે મૃત્તિકામાં હતી અને અલબત્ત, તેઓ ઉપાદાન રૂપે બધી એક છે, પરંતુ જ્યારે તે (ભિન્ન ભિન્ન) આકાર ધરે છે અને જ્યાં સુધી તે આકાર ચાલુ રહે છે, ત્યાં સુધી તેઓ ભિન્ન ભિન્ન છે; માટીનો ઉંદર કદી માટીનો હાથી બની શકે નહીં, કારણ કે ઘડાયા પછીની તેની આકૃતિ, તે જે છે તે જ બતાવે છે, જો કે આ આકૃતિહીન મૃત્તિકારૂપે તો તેઓ બધાં એક છે. ઈશ્વર એ જ આ નિરપેક્ષ સત્તાની સર્વોચ્ચ અભિવ્યક્તિ છે અથવા બીજા શબ્દોમાં કહીએ તો ઈશ્વર એટલે પરમ તત્ત્વ વિશેની મનુષ્યબુદ્ધિની સર્વશ્રેષ્ઠ કલ્પના. સૃષ્ટિ અનાદિ છે, એ જ પ્રમાણે ઈશ્વર પણ અનાદિ છે.

વેદાંત સૂત્રના ચતુર્થ અધ્યાયના ચતુર્થ પાદમાં મોક્ષની પ્રાપ્તિ પછી મુક્તાત્માને જ અનંત શક્તિ અને જ્ઞાન પ્રાપ્ત થાય છે તેનું વર્ણન કરતાં વ્યાસ પોતાના એક સૂત્રમાં કહે છે કે કોઈ નિત્ય મુક્ત આત્માને પણ સૃષ્ટિ, સ્થિતિ અને પ્રલય કરવાની શક્તિ પ્રાપ્ત થતી નથી. કેમ કે તે શક્તિ કેવળ પરમાત્માની જ છે. આ સૂત્રની વ્યાખ્યા કરતી વખતે દ્વૈતવાદી ભાષ્યકાર માટે એ દર્શાવવું સહેલું છે કે પરતંત્ર જીવ માટે ઈશ્વરની અનંત શક્તિ અને પૂર્ણ સ્વતંત્રતા પ્રાપ્ત કરવી સંપૂર્ણ અસંભવિત છે. કટ્ટર દ્વૈતવાદી મધ્વાચાર્યે આ શ્લોકની વ્યાખ્યા વરાહપુરાણના એક શ્લોક દ્વારા પોતાની લાક્ષણિક શૈલીમાં કરી છે.

આ સૂત્રની વ્યાખ્યા કરતાં ભાષ્યકાર રામાનુજ કહે છે કે ‘એવો પ્રશ્ન ઉઠાવવામાં આવ્યો છે કે શું મુક્તાત્માની શક્તિઓમાં પરમેશ્વરની અસાધારણ શક્તિ, અર્થાત્ જગતસૃષ્ટિ અને સર્વનિયંતૃત્વ પણ સમાવેશ થાય છે કે નહીં? અથવા શું મુક્તાત્મામાં આવી ઈશ્વરી શક્તિ આવતી નથી પણ તેને કેવળ પરમાત્માનું સાક્ષાત્ દર્શન થાય છે? એ પ્રશ્નનો ઉકેલ આપણને નીચે પ્રમાણે મળે છે. કહી શકાય કે મુક્તાત્માને જગન્નિયંતૃત્વ પ્રાપ્ત થાય છે તે સયુક્તિક છે, કારણ કે શાસ્ત્રો કહે છેઃ ‘પરમાત્મા સાથે તેને પરમ એકત્વ મળે છે અને તેની તમામ ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે. હવે પરમ એકત્વ અને તમામ ઇચ્છાઓની પરિપૂર્ણતા પરમાત્માની અસાધારણ શક્તિ વિના એટલે કે જગન્નિયંતૃત્વ સિવાય પ્રાપ્ત થઈ શકતી નથી. એટલા માટે પરમાત્મા સાથે પરમ એકતા અને તમામ ઇચ્છાઓની સિદ્ધિ પ્રાપ્ત થાય ત્યારે આપણે સ્વીકારવું જોઈએ કે મુક્તાત્માને જગન્નિયંતાની શક્તિ પણ પ્રાપ્ત થાય છે.

આના જવાબમાં કહેવાનું કે મુક્તાત્માને જગન્નિયંતૃત્વ સિવાયની અન્ય સર્વ શક્તિઓ પ્રાપ્ત થાય છે. જગન્નિયંતૃત્વ એટલે જડ અને ચેતન સમગ્ર જગતની સર્વ આકૃતિ, જીવનશક્તિ અને ઇચ્છાઓનું નિયંતૃત્વ. જે આવરણથી પરમાત્માનું સત્ય સ્વરૂપ ઢંકાઈ જાય છે, તે આવરણ મુક્તાત્માઓ માટે દૂર થતાં તેમને ફક્ત બ્રહ્મના અવિચ્છિન્ન દર્શનનો આનંદ મળે છે, પરંતુ જગન્નિયંતૃત્વની શક્તિનો અધિકાર મળતો નથી. શાસ્ત્રવાક્ય છે કેઃ ‘જેનાથી આ ભૂતમાત્રની ઉત્પત્તિ થાય છે, જેનાથી તેઓ અસ્તિત્વ ધરાવે છે અને જેનામાં બધાં લય પામે છે, તેને જાણવાની તું ઇચ્છા કર. તે જ બ્રહ્મ છે.’ તેથી સિદ્ધ થાય છે કે આ જગન્નિયંતૃત્વ મુક્તાત્મામાં પણ હોય તો આ વાક્ય બ્રહ્મના લક્ષણને લાગુ પડે નહીં, કારણ કે જગન્નિયંતૃત્વ માત્ર બ્રહ્મના અર્થાત્ ઈશ્વરના જ લક્ષણ તરીકે વર્ણવેલ છે. કેવળ અસાધારણ લક્ષણો દ્વારા જ કોઈપણ વસ્તુને ઓળખવામાં આવે છે. એટલા માટે ઉપનિષદોમાં આવાં વાક્યો જેવાં કે ‘વત્સ! જગત્સૃષ્ટિ પહેલાં કેવળ એક અદ્વિતીય સત્ માત્ર હતું.’ તેણે જોયું અને વિચાર્યું કે ‘एकोऽहं बहुस्याम्’ ‘હું એક છું, બહુ થઈશ.’ તેણે તેજનું સર્જન કર્યું. ‘આદિમાં કેવળ એક બ્રહ્મ જ હતું. તે એકની અભિવ્યક્તિ થઈ. તેણે એક સુંદર રૂપ પ્રકટ કર્યું. જે ક્ષત્ર હતું. આ બધા દેવો, વરુણ, સોમ, રુદ્ર, પર્જન્ય, યમ, મૃત્યુ, ઈશાન ક્ષત્ર જ છે.’— ‘પહેલાં કેવળ એક આત્મા જ વિદ્યમાન હતો; બીજી કોઈ વસ્તુ ક્રિયાશીલ ન હતી; તે આત્માએ જગતની સૃષ્ટિ કરવાનું વિચાર્યું; તે પછી તેણે સૃષ્ટિનું સર્જન કર્યું.’ — ‘એક માત્ર નારાયણ જ વિદ્યમાન હતા; ન હતા બ્રહ્મા ન તો ઈશાન; ન હતાં સ્વર્ગ કે પૃથ્વી, ન તો નક્ષત્ર, ન તો જળ, ન તો અગ્નિ, ન તો સોમ, ન તો સૂર્ય. એકલાં એકલાં તેને આનંદ ન આવ્યો. તેના ધ્યાન (સૃષ્ટિ-કલ્પના) પછી તેને એક કન્યા થઈ, દશ ઇંદ્રિયો વગેરે’ —આવાં બીજાં વાક્યો પણ છે. ‘જે પૃથ્વીમાં હોવા છતાં પૃથ્વીથી અલગ છે.’ ‘જે આત્મામાં રહેતાં હતાં.’ ઇત્યાદિ. આમ શ્રુતિઓ જગનિયંત્રણ-કાર્યના કર્તા તરીકે પરમાત્માને ઓળખાવે છે… જગન્નિયંતૃત્વની આ વ્યાખ્યાઓમાં મુક્તાત્માઓ માટે કોઈ સ્થાન નથી કે જેથી તેના ઉપર પણ જગન્નિયંતૃત્વ આરોપી શકાય.’

તે પછીના સૂત્રની વ્યાખ્યા કરતાં રામાનુજ કહે છેઃ ‘જો તમે એમ કહો કે તેમ નથી, કેમ કે શ્રુતિમાં તેના વિરુદ્ધ પુરાવાઓ આપનારાં સીધાં વાક્યો છે, તો આ શ્રુતિવાક્યો નિમ્ન-કોટિના દેવોના સંબંધમાં મુક્તાત્માઓના ઐશ્વર્યનું વર્ણન કરે છે.’ આ પણ મુશ્કેલીમાંથી સહેલો ઉકેલ છે. જો કે રામાનુજનો સિદ્ધાંત સમષ્ટિની એકતાનો સ્વીકાર કરે છે તોપણ તેના મત અનુસાર આ સમષ્ટિમાં અનંત ભેદો છે. એટલા માટે વસ્તુતઃ આ મત દ્વૈતવાદી હોવાથી, રામાનુજને માટે જીવાત્મા અને સગુણ ઈશ્વર વચ્ચે સ્પષ્ટ ભેદ દર્શાવવો સરળ હતો.

હવે આ મુદ્દા ઉપર અદ્વૈતવાદીના મહાન પ્રતિનિધિનું કહેવું શું છે તે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. અદ્વૈત મત કેવી રીતે દ્વૈત મતની બધી આશાઓ તથા આકાંક્ષાઓ યથાવત્ જાળવી રાખવા સાથે, બ્રહ્મસ્વરૂપ માનવ જાતિના ઉચ્ચ ભાવિ સાથે સુસંગત સમાધાન કરે છે તે આપણે જોઈશું. જેઓ મુક્તિ-લાભ પછી પણ પોતાના વ્યક્તિત્વને જાળવી રાખવા અને (ભગવાનથી) સ્વતંત્ર રહેવા ઇચ્છે છે, તેમને પોતાની આકાંક્ષાઓ ચરિતાર્થ કરવાની અને સગુણ બ્રહ્મનો આનંદ માણવાની પૂરતી તક મળે છે. ભાગવત પુરાણમાં આવા મુક્તાત્માઓ માટે આ પ્રમાણે કહેવામાં આવ્યું છે કે ‘હે રાજન્! પરમાત્માનો મહિમા એવો છે કે ઋષિમુનિઓ કે જેઓ આત્મારામ અને સર્વ વાસનાઓથી મુક્ત છે, તેઓ પણ સર્વવ્યાપક પરમાત્માની અહેતુકી ભક્તિ કરે છે.’ આવા પુરુષોને સાંખ્યદર્શનમાં ‘પ્રકૃતિલીન પુરુષ’ કહેવામાં આવ્યા છે કે જેઓ આ કલ્પમાં પૂર્ણતા પ્રાપ્ત કર્યા પછી બીજા કલ્પમાં બ્રહ્માંડોના નિયંતા થઈ શકે છે. પરંતુ આમાંનો કોઈપણ ઈશ્વર તુલ્ય બનતો નથી. જે અવસ્થામાં ન તો સર્જન, ન તો સૃષ્ટિ કે ન તો સ્રષ્ટા છે; જ્યાં નથી જ્ઞાતા, નથી જ્ઞેય કે નથી જ્ઞાન; જ્યાં ન ‘હું’ છે, ન ‘તું’ છે કે ન ‘તે’ છે; જ્યાં ન વિષયી છે, ન વિષય છે કે ન તો તેમની વચ્ચેનો સંબંધ છે, ‘ત્યાં કોણ કોને જુએ?’ —આવી અવસ્થાએ જે પહોંચ્યા છે, તેઓ પ્રત્યેક વસ્તુથી પર થઈ ગયા છેઃ ‘જ્યાં ન તો શબ્દ કે મન પહોંચી શકે છે.’ તેઓ ત્યાં પહોંચ્યા છે કે જ્યાં શ્રુતિઓ ‘નેતિ-નેતિ’ કહીને પોકારે છે.

પરંતુ જેઓ આ અવસ્થાએ પહોંચી શકતા નથી અથવા પહોંચવા ઇચ્છતા નથી, તેમને માટે જીવ, જગત અને ઉભયના અંતર્યામી પરમેશ્વર, એમ અખંડ બ્રહ્મનું ત્રિપુટીરૂપમાં દર્શન અવશ્યંભાવિ છે. એટલા માટે જ્યારે પ્રહ્લાદને પોતાનું વિસ્મરણ થઈ ગયું ત્યારે તેણે જોયું કે ત્યાં સૃષ્ટિ ન હતી કે ન હતું તેનું કારણ; પણ નામ-રૂપથી અવિભક્ત કેવળ એક અનંત સત્તા રહેલી હતી. પરંતુ જેવું તેને સ્મરણ થયું કે તે પ્રહ્લાદ હતો, તેવી જ તેની સમક્ષ સૃષ્ટિ અને તેની સાથે સૃષ્ટિના પ્રભુ વિદ્યમાન હતા. ‘અનંત કલ્યાણ ગુણસંપન્ન પરમેશ્વર’ તેની સન્મુખ હતા. બડભાગી ગોપીઓની પણ આ અવસ્થા હતી. જ્યાં સુધી તેમને પોતાની જાતનું અને અહંનું જ્ઞાન રહેલું ન હતું, ત્યાં સુધી તેઓ સ્વયં કૃષ્ણ સ્વરૂપ હતી; અને જેવી તેઓ એક ઉપાસ્ય દેવ તરીકે કૃષ્ણનો વિચાર કરવા લાગી તેવી જ ફરી વાર ગોપીઓ બની અને તત્ક્ષણે तासामाविरभूच्छौरिः स्मयमानमुखांबुजः। पीतांबरधरः स्रग्वी साक्षान्मन्मथमन्मथः॥ (ભાગવત) ‘એમની સન્મુખ પીતાંબરધારી, માયાથી વિભૂષિત સાક્ષાત કામદેવના મનને પણ મંથન કરવાવાળા ભગવાન શ્રીકૃષ્ણ પોતાના કમળમુખ ઉપર હાસ્ય સાથે પ્રકટ થઈ ગયા.’

આચાર્ય શંકરના ભાષ્ય ઉપર પાછાં આવતાં તે પૂછે છેઃ ‘પોતાનું મન જુદું રાખીને સગુણ બ્રહ્મની ઉપાસના દ્વારા જેઓ પરમનિયંતા સાથે તાદાત્મ્ય સાધે છે, તેમનું ઐશ્વર્ય સીમિત હોય છે કે અસીમ? આ સંશય ઉપસ્થિત થતાં એક પ્રશ્ન ઊભો થાય છે. તેમનું ઐશ્વર્ય અસીમ હોવું જોઈએ, કારણ કે શાસ્ત્રો કહે છેઃ ‘તેઓને સ્વરાજ્ય પ્રાપ્ત થાય છે.’ ‘બધા દેવો તેમની ઉપાસના કરે છે.’ ‘બધા લોકોમાં તેમની ઇચ્છાઓ પરિપૂર્ણ થાય છે.’ આના જવાબમાં વ્યાસ લખે છેઃ ‘અવશ્ય, કેવળ જગન્નિયંતૃત્વની શક્તિ વિના.’ સૃષ્ટિસર્જનની શક્તિ સિવાયની બીજી શક્તિઓ જેવી કે અણિમા ઇત્યાદિ મુક્તાત્માઓને પ્રાપ્ત થાય છે; બાકી જગતનું નિયંતૃત્વ કેવળ નિત્યપરિપૂર્ણ ઈશ્વરના જ અધિકારમાં છે. શા માટે? કારણ એ છે કે, સર્જન વગેરે બધાં કાર્યો દર્શાવતાં બધાં શાસ્ત્રોનો વિષય પરમાત્મા છે અને તેમાં કશાયના અનુસંધાનમાં મુક્તાત્માઓનો ઉલ્લેખ જરા પણ કરવામાં આવ્યો નથી. જગતનું નિયંતૃત્વ કરવામાં ઈશ્વર એકલો જ રોકાયેલ છે. સૃષ્ટિ સંબંધનાં શાસ્ત્રો તેને જ સૂચવે છે. ઉપરાંત તેને ‘નિત્યપૂર્ણ’નું વિશેષણ પણ આપવામાં આવ્યું છે. શાસ્ત્રો એમ પણ કહે છે કે, અન્ય જનોને અણિમા ઈત્યાદિ શક્તિઓ ઉપાસના અને તેની શોધ દ્વારા પ્રાપ્ત થાય છે; એટલા માટે જગતનું નિયંત્રણ કરવામાં તેમનું કોઈ સ્થાન નથી. વળી તેમનાં મન સ્વતંત્ર હોવાથી, સંભવ છે કે તેમની ઇચ્છાઓ ભિન્નભિન્ન હોઈ શકે અને જ્યારે એક સર્જનની ઇચ્છા ધરાવતો હોય ત્યારે બીજો સંહારની ઇચ્છા ધરાવતો હોઈ શકે. આ સંઘર્ષને નિવારવાનો એકમાત્ર માર્ગ, બધાની ઇચ્છાઓને કોઈ એક ઇચ્છાને આધીન બનાવવી એ છે. તેથી એમ ફલિત થાય છે કે મુક્તાત્માની ઇચ્છાઓ પરમ નિયંતાની ઇચ્છાને આધીન છે.’

આમ બ્રહ્મના કેવળ સગુણ સ્વરૂપની જ ભક્તિ થઈ શકે. क्लेशः अधिकतरः तेषामव्यक्तासक्तचेतसाम्। ‘જેમનું મન અવ્યક્ત બ્રહ્મમાં આસક્ત છે તેમને માટે આ માર્ગ વધારે કલેશમય છે!’ (ગીતાઃ ૧૨.૫) આપણી પ્રકૃતિના પ્રવાહની સાથે ભક્તિનો પ્રવાહ સરળ રીતે ભળવો જોઈએ. એ સાચું છે કે માનવીય ભાવથી અતિરિક્ત બ્રહ્મની કોઈ કલ્પના આપણે કરી શકતા નથી; પરંતુ આપણે જે વસ્તુ પ્રત્યક્ષ જાણીએ છીએ તેના સંબંધમાં પણ શું આ એટલું જ સાચું નથી? જગતના શ્રેષ્ઠ મનોવૈજ્ઞાનિક ભગવાન કપિલે યુગો પહેલાં દર્શાવ્યું હતું કે, અનુભવમાં આવતા બધા બાહ્ય તથા આંતર પદાર્થોની રચનામાં આપણી ચેતના પણ એક ભાગ ભજવે છે. આપણે જોઈશું કે આપણા શરીરથી માંડીને ઈશ્વર સુધી આપણને દેખાતી પ્રત્યેક વસ્તુ, આ જ્ઞાન વત્તા બીજી કંઈક વસ્તુ છે, પછી તે બીજી વસ્તુ ગમે તે હોય; અને આ અનિવાર્ય મિશ્રણને આપણે તત્ત્વ તરીકે સમજીએ છીએ. વાસ્તવમાં, વર્તમાનમાં તથા ભવિષ્યમાં મનુષ્યના મનને સત્યનું જ્ઞાન જેટલું થઈ શકે એટલું જ રહેશે. પણ એટલા માટે એમ કહેવું કે ઈશ્વર માનવ ભાવવાળો હોવાથી અસત્ય છે, તો તે નરી મૂર્ખતા છે. આ, ઘણું ખરું, પાશ્ચાત્ય આદર્શવાદ (Idealism) તથા સર્વાસ્તિત્વવાદ (Realism)ના વિવાદ સમાન છે. આ ઘોર વિવાદનો આધાર કેવળ ‘તત્ત્વ’ શબ્દની ગેરસમજણ છે, તત્ત્વ શબ્દ દ્વારા વ્યક્ત થતી અને સૂચિત થતી સમગ્ર ભૂમિકાને ઈશ્વરભાવ આવરી લે છે. ઈશ્વર, આ સંસારની અન્ય કોઈપણ વસ્તુ જેટલો જ સત્ય છે; અને આખરે તો તત્ત્વ શબ્દનો અર્થ અત્યાર સુધીમાં નિર્દેશવામાં આવ્યો છે તે કરતાં વધુ કંઈ નથી. ઈશ્વર સંબંધેની આપણી દાર્શનિક ધારણા આવી છે.

Total Views: 332
૧. ભક્તિનાં લક્ષણો
૩. ભક્તિયોગનું ધ્યેયઃ પ્રત્યક્ષાનુભૂતિ