ભક્તિનો માર્ગ અને તેનાં સાધનો સંબંધે ભગવાન રામનુજે વેદાંત સૂત્રો ઉપર કરેલા ભાષ્યમાં આપણે વાંચીએ છીએ કે ‘વિવેક, ઇન્દ્રિયનિગ્રહ, અભ્યાસ, યજ્ઞ, પવિત્રતા, કામ કરવાની શક્તિ અને અનુદ્હર્ષથી ભક્તિ મળે છે.’ રામાનુજના મત મુજબ વિવેક એટલે બીજા પ્રકારના વિવેક ઉપરાંત શુદ્ધ ખોરાક અને ખાદ્યાખાદ્યનો વિચાર પણ આવે છે. તેમના કહેવા મુજબ, ખોરાકને અશુદ્ધ બનાવનારાં ત્રણ કારણો છેઃ

(૧) જાતિદોષ અર્થાત્ ખોરાકનો પ્રકૃતિગત દોષઃ જેમ કે ડુંગળી અને લસણ વગેરેની બાબતમાં;

(૨) આશ્રયદોષ અર્થાત્ દુષ્ટ અથવા પાપી વ્યક્તિઓ પાસેથી પ્રાપ્ત થતું ખાદ્ય અને

(૩) નિમિત્તદોષ અર્થાત્ બીજી ગંદી વસ્તુઓના સંસ્પર્શથી, જેવી કે ધૂળ અથવા વાળ વગેરેથી થતી અશુદ્ધિ. શ્રુતિ કહે છેઃ ‘આહાર શુદ્ધ હોય, તો મનની શુદ્ધિ થાય અને મનની શુદ્ધિથી (ભગવત્) સ્મરણ સ્થિર બને છે.’ રામાનુજ આ શ્રુતિ છાંદોગ્ય ઉપનિષદ (૭: ૨૬)માંથી ટાંકે છે.

ભક્તો માટે આહારનો પ્રશ્ન સદૈવ અત્યંત મહત્ત્વના પ્રશ્નોમાંનો એક રહ્યો છે. કેટલાક ભક્તિ સંપ્રદાયો આ બાબતના અતિરેકમાં પડી ગયા છે, તે વાત બાજુએ રાખીએ તોપણ આહારના પ્રશ્નમાં એક મહાન સત્ય છૂપાયેલું છે. આપણે એ યાદ રાખવું જોઈએ કે સાંખ્યદર્શન અનુસાર સત્ત્વ, રજસ્ અને તમસ્ની સામ્યાવસ્થાને પ્રકૃતિ કહે છે અને તેની વૈષમ્ય અવસ્થામાં આ વિશ્વનું સર્જન થાય છે. આ તત્ત્વો પ્રકૃતિના ગુણ તથા ઉપાદાન બંને છે. આ ઉપાદાન વડે જ પ્રત્યેક માનવદેહની ઉત્પત્તિ થઈ છે અને સત્ત્વ અંશનું પ્રાધાન્ય આધ્યાત્મિક ઉન્નતિ માટે બિલકુલ આવશ્યક છે. જે પદાર્થ આહાર દ્વારા આપણે આપણા શરીરમાં લઈએ છીએ તે આપણી માનસિક વૃત્તિઓનું ઘડતર ઘડવામાં મોટો ભાગ ભજવે છે; એટલા માટે આપણે જે ખોરાક ખાઈએ તેની આપણે ખાસ સંભાળ લેવી ઘટે. તેમ છતાં બીજી બાબતોની જેમ આ બાબતમાં પણ શિષ્યો જે ધર્માંધતાનો ભોગ અચૂકપણે થઈ પડે છે તેનો દોષ આચાર્યો ઉપર મૂકાય નહીં.

ખાદ્યાખાદ્યનો આ વિવેક આખરે ગૌણ વસ્તુ છે. ઉપનિષદો ઉપરના પોતાના ભાષ્યમાં આચાર્ય શંકરે એ જ વાક્યને જુદી રીતે સમજાવ્યું છે અને આહાર શબ્દનો અર્થ કે જે મોટે ભાગે ભોજન ગણાય છે, તેનો સાવ ભિન્ન અર્થ આપ્યો છે. તેમના મત અનુસાર ‘જે કાંઈ આહૃત—અંદર ગ્રહણ—કરાય છે તે આહાર છે. શબ્દાદિ વિષયોનું જ્ઞાન ભોક્તા અર્થાત્ આત્માના ભોગ માટે અંદર આહૃત થાય છે અને ઇન્દ્રિયોની આ અનુભૂતિમાં જે જ્ઞાન સંગૃહિત થાય છે તેની શુદ્ધિ તે આહારશુદ્ધિ છે. આસક્તિ, દ્વેષ અને મોહના દોષોથી અસ્પૃશ્ય ઇન્દ્રિયોના વિષયોની ઉપલબ્ધિ ખરી ‘આહારશુદ્ધિ’ છે; આવો તેનો અર્થ છે. એટલે આવું જ્ઞાન અથવા આહારની શુદ્ધિ થયાથી તેના અધિકારીનો સત્ત્વ-અંશ એટલે કે અંતઃકરણ શુદ્ધ બનશે; અને સત્ત્વશુદ્ધ થવાથી શાસ્ત્રો દ્વારા જે અનંત પરમાત્મા તેના સત્ય સ્વરૂપમાં ઓળખાયો છે, તેનું પરમાત્માના અખંડ સ્મરણરૂપી પરિણામ આવશે.’

આ બંને વ્યાખ્યાઓ દેખીતી રીતે પરસ્પર વિરોધી લાગે છે, તોપણ બંને સાચી અને આવશ્યક છે. સૂક્ષ્મ શરીર તરીકે જે ઓળખાય છે તે મનનું સંચાલન અને સંયમ, માંસમજ્જાના સ્થૂળ દેહના સંયમ કરતાં નિઃસંશય વધુ ઉચ્ચ કાર્ય છે. પરંતુ સ્થૂળનો સંયમ પણ સૂક્ષ્મના નિયમન માટે અનિવાર્યપણે આવશ્યક છે. એટલા માટે સાધનાનો આરંભ કરનારાએ પોતાના માન્ય ગુરુઓની પરંપરાથી ચાલી આવતી આહાર વિષેની આવી બધી નિયમાવલિ તરફ વિશેષ લક્ષ આપવું ઘટે. પરંતુ આપણા ઘણા સંપ્રદાયોમાં અર્થહીન ધર્માંધતાના અતિરેકે ધર્મને રસોડામાં જ પૂરી રાખ્યો છે અને પરિણામે ધર્મના ઉદાર સત્યને આધ્યાત્મિકતાનો સૂર્યપ્રકાશ જોવાની કશી જ આશા રહેતી નથી, એ તો કેવળ એક વિશિષ્ટ પ્રકારનો જડવાદ જ છે. તે નથી જ્ઞાન, નથી ભક્તિ કે નથી કર્મ; એ તો એક વિશિષ્ટ પ્રકારનું ગાંડપણ છે અને જેઓ પોતાના આત્માને તેમાં ચોંટાડી રાખે છે તેઓ બ્રહ્મલોકને બદલે ગાંડાઓની ઈસ્પિતાલમાં જાય તે જ વધુ શક્ય છે. એટલા માટે આહારની પસંદગીની બાબતમાં જે વિવેક ઉચ્ચ માનસિક અવસ્થાની પ્રાપ્તિ માટે આવશ્યક છે તે સયુક્તિક છે; તે અવસ્થા બીજી રીતે સહેલાઈથી પ્રાપ્ત થઈ શકે નહીં.

જે બીજી વસ્તુ તરફ ધ્યાન આપવાનું છે, તે ઇન્દ્રિયનિગ્રહ છે. વિષયો તરફ જતી ઇન્દ્રિયોને રોકવી, તેમને સંયમમાં રાખી પોતાની ઇચ્છાશક્તિના કાબૂમાં રાખવી તે સાધનાનો મુખ્ય વિષય છે. ત્યાર પછી આત્મસંયમ અને આત્મત્યાગનો અભ્યાસ આવે છે. સાધકના આવા સંઘર્ષ અને અભ્યાસ વિના આત્મસાક્ષાત્કારની વિશાળ શક્યતાઓ સાર્થક થઈ શકે નહીં. ‘મનમાં સદૈવ ઈશ્વરનું સ્મરણ થવું જોઈએ.’ શરૂઆતમાં મનને ઈશ્વરના ચિંતનમાં નિરંતર લગાડી રાખવાનું અત્યંત કઠિન છે, પરંતુ પ્રત્યેક નવા પ્રયત્નની સાથે આપણામાં એમ કરવાની શક્તિ બળવાન બનતી જાય છે. ભગવાન શ્રીકૃષ્ણ ગીતામાં કહે છેઃ अभ्यासेन तु कौन्तेय वैराग्येण च गुह्यते—‘હે કુંતીપુત્ર! અભ્યાસ અને વૈરાગ્ય વડે મનને વશ કરી શકાય છે.’

ત્યાર પછીનું સાધન છે ક્રિયા એટલે યજ્ઞ. સમજવાનું એમ છે કે પંચ મહાયજ્ઞોનું નિયમપૂર્વક અનુષ્ઠાન કરવું. એ પંચયજ્ઞો આ છેઃ (૧) દેવયજ્ઞ, (૨) ઋષિયજ્ઞ, (૩) પિતૃયજ્ઞ, (૪) નૃયજ્ઞ અને (૫) ભૂતયજ્ઞ.

ભક્તિની સમગ્ર ઈમારત પવિત્રતાના ખડક ઉપર ઊભી છે. આ પવિત્રતા ભક્તિનો અત્યાવશ્યક પાયો છે. શરીરને સ્વચ્છ રાખવું અને ખાદ્યાખાદ્યનો વિવેક રાખવો એ બંને સરળ છે, પરંતુ માનસિક સ્વચ્છતા અને પવિત્રતા વિના આ બાહ્ય આચારોની કશી જ કિંમત નથી. રામાનુજના મત પ્રમાણે પવિત્રતાના ઉપાય રૂપ જે ગુણો ગણાવ્યા છે તેની યાદીમાં સત્ય, આર્જવ એટલે સરળતા, દયા, અહિંસા એટલે વિચાર, વાણી અને ક્રિયા દ્વારા બીજાઓને હાનિ ન કરવી તે અને અનભિધ્યા એટલે કે બીજાના ધનનો લોભ ન રાખવો તે, નિરર્થક વિચારોનો ત્યાગ કરવો અને બીજાએ કરેલા અનિષ્ટના સતત ચિંતનનો ત્યાગ કરવો તે. આ યાદીમાં જે એક વિચાર ખાસ ધ્યાન દેવા જેવો છે તે અહિંસા એટલે કે બીજાઓને હાનિ ન પહોંચાડવી તે છે. બધાં પ્રાણીઓ પ્રત્યે અહિંસાનું પાલન આપણે માટે પરમ આવશ્યક છે. કેટલાક માને છે તેમ તેનો અર્થ માત્ર મનુષ્યો પ્રત્યે દયા અને ઊતરતી કોટિના પ્રાણીઓ પ્રત્યે ક્રૂરતા, એવો નથી; અથવા તો બીજા કેટલાક માને છે તેમ તેનો અર્થ કેવળ કૂતરાં-બિલાડાંનું રક્ષણ તથા કીડીઓને ખાંડ ખવડાવવાનું અને બીજી બાજુ છૂટથી પોતાના માનવ બંધુઓનાં ગળાં કાપવાનું એવો પણ નથી! એ એક નોંધપાત્ર હકીકત છે કે આ જગતમાં લગભગ દરેક ઉમદા વિચારને એક ઘૃણાજનક છેડા સુધી લઈ જઈ શકાય છે. એક શુભ કાર્યને પણ જો તેના અંત સુધી લઈ જઈને, કાનૂનના શબ્દાર્થ અનુસાર આચરવામાં આવે તો તે એક ચોખ્ખું અનિષ્ટ બને છે. કેટલાક ધર્મ-સંપ્રદાયોના સાધુઓનાં શરીર દુર્ગંધયુક્ત હોય છે; જંતુઓ રખે મરી જાય એ બીકે તેઓ સ્નાન કરતા નથી. પરંતુ તેઓ તેમના શરીરમાંથી નીકળતી દુર્ગંધને લીધે એમના માનવબંધુઓને કેટલા અગવડરૂપ અને રોગને નોતરનારા બને છે તેનો તેઓ ક્યારેય ખ્યાલ કરતા નથી. અલબત્ત, તેઓ વૈદિક ધર્મમાં માનનારાઓ નથી!

અહિંસાની કસોટી ઈર્ષ્યાના અભાવમાં છે. ક્ષણિક આવેશમાં આવી જઈને અથવા કેટલાક વહેમો અથવા પુરોહિતોના દબાણથી કોઈ મનુષ્ય સારું કાર્ય કરી નાખે અથવા એક કોઈ મોટું દાન આપી દે; પરંતુ સાચો માનવપ્રેમી તો તે છે કે જે કોઈની પણ ઈર્ષ્યા કરતો નથી. જગતના બધા કહેવાતા મહાપુરુષો એક નજીવા નામ ખાતર, અલ્પ કીર્તિ ખાતર અગર સોનાના ટુકડાઓ ખાતર એકબીજાની ઈર્ષ્યા કરતા જોવામાં આવે છે. જ્યાં સુધી મનુષ્યના અંતરમાં આ ઈર્ષ્યા વસતી હોય ત્યાં સુધી તે પૂર્ણ અહિંસાથી ઘણો દૂર છે. ગાય અગર ઘેટું માંસ ખાતાં નથી, એટલા માટે શું તેઓ મહાયોગીઓ અને મહાન અહિંસકો છે કે? કોઈપણ મૂર્ખ મનુષ્ય આ અથવા પેલું ખાવાનું છોડી શકે; નિઃસંશય તે તેને ઘાસપાન ખાનારાં પ્રાણીઓ કરતાં વધુ શ્રેષ્ઠતા આપતું નથી. જે મનુષ્ય વિધવાઓ અને અનાથોને નિર્દયતાપૂર્વક છેતરે છે અને ધન ખાતર અધમમાં અધમ કૃત્યો કરે છે, તે કોઈપણ પશુ કરતાંય અધમ છે; પછી ભલે ને તે એકલું ઘાસ ખાઈને જ જીવતો હોય. જે મનુષ્યનું હૃદય કોઈને પણ નુકસાન કરવાનો વિચાર સુદ્ધાં સેવતું નથી, જે તેના મોટામાં મોટા દુશ્મનની સમૃદ્ધિ, સુખાકારી જોઈને આનંદ પામે છે, તે જ માણસ ખરો ભક્ત છે, તે જ યોગી છે, તે જ સૌનો ગુરુ છે; પછી ભલે તે ડુક્કરના માંસ ઉપર જ તેનો એકેએક દિવસ કાઢતો હોય. એટલા માટે આપણે હંમેશાં યાદ રાખવું જોઈએ કે બાહ્ય આચરણ આંતરિક શુદ્ધિ વિકસાવવાનું સાધન હોય તો જ તેની કિંમત છે. જ્યારે બાહ્ય આચાર તરફ બહુ કાળજીપૂર્વક ધ્યાન આપવાનું વ્યવહારુ ન હોય ત્યારે એકલી આંતરિક શુદ્ધિ રાખવી તે વધુ શ્રેયસ્કર છે. પરંતુ જે માણસ અને જે રાષ્ટ્ર ધર્મના સાચા, આંતરિક આધ્યાત્મિક મર્મને ભૂલી જાય છે અને યંત્રવત્ બધા બાહ્ય આચારોને મડાગાંઠની પેઠે વળગી રહે છે તથા તેમને કદી છોડતા નથી, તે માણસને અને તે રાષ્ટ્રને ધિક્કાર છે. જ્યાં સુધી અનુષ્ઠાનો અને આચારો આંતરિક જીવનના બાહ્ય આવિર્ભાવરૂપ હોય, ત્યાં સુધી જ તેમની કિંમત છે. જો તેઓ જીવનને વ્યક્ત કરતાં બંધ થઈ ગયા હોય તો તેને નિર્દયતાપૂર્વક કચડી નાખવાં જોઈએ.

ભક્તિની પ્રાપ્તિ માટેનું ત્યાર પછીનું સાધન છે અનવસાદ, એટલે કે નિર્બળતાનો અભાવ. ‘नायमात्मा बलहीनेन लभ्यः’ ‘આ આત્માને નિર્બળ મનુષ્યો પ્રાપ્ત કરી શકે નહીં.’ (મુંડક, ૩.૨.૪) અહીં નિર્બળતા શબ્દથી શારીરિક તથા માનસિક બંને પ્રકારની નિર્બળતાઓ સમજવાની છે. ‘बलिष्ठो दृढिष्ठः’ ‘બળવાન દૃઢ’ મનુષ્યો જ યોગ્ય શિષ્યો ગણાય. દુર્બળ, કૃષ, ક્ષીણકાય, જરાજીર્ણ, મુડદાલ માણસો શું કરી શકવાના? કોઈપણ યોગની સાધનાથી જ્યારે શરીર અને મનની અલૌકિક શક્તિઓ જરાક જેટલી જાગતાં જ તેઓ છિન્નભિન્ન થઈ જશે. ‘કેવળ યુવાન, સ્વસ્થ બલિષ્ઠ’ જ વિજય પ્રાપ્ત કરી શકે. એટલા માટે શારીરિક સામર્થ્ય અત્યંત આવશ્યક છે. ઇન્દ્રિયોને સંયમમાં રાખવાના પ્રયાસને લઈને પરિણમતા પ્રત્યાઘાતના આંચકા કેવળ સુદૃઢ શરીર જ જીરવી શકે છે. જે ભક્ત થવા ઇચ્છે છે તેણે દૃઢ બનવું જોઈએ, તંદુરસ્ત બનવું જોઈએ. જ્યારે કોઈ અતિ દુર્બળ માણસ કોઈ પણ યોગની સાધના કરે છે, ત્યારે તેને કોઈ અસાધ્ય બીમારી લાગુ પડવાનો અથવા તેનું મન નબળું પડી જવાનો ભય છે. સ્વેચ્છાએ શરીરને દુર્બળ કરી નાખવું તે આધ્યાત્મિક જ્ઞાન પ્રાપ્ત કરવા માટેનો સાચો ઉપાય નથી.

જેઓનું મન દુર્બળ છે તેઓ પણ આત્માની ઉપલબ્ધિ કરવામાં સફળ નીવડી શકે નહીં. જે ભક્ત થવા ઇચ્છે છે, તેણે પ્રસન્નચિત્ત થવું જોઈએ. પાશ્ચાત્ય દેશોમાં ધાર્મિક મનુષ્યોની કલ્પના એવી છે કે તે કદી હસતો નથી, તેના ચહેરા ઉપર એક પ્રકારની ગંભીરતાની કાળી છાયા પથરાયેલી રહેવી જોઈએ અને તેનો ચહેરો ભારેખમ અને બેસી ગયેલાં ડાચાવાળો હોવો જોઈએ. કૃશ શરીરવાળા અને ભારેખમ ચહેરાવાળા લોકો ડૉક્ટરોની સારવારને યોગ્ય છે; તેઓ યોગીઓ નથી. પ્રસન્નચિત્ત માનવી જ ઉદ્યમશીલ હોય છે; દૃઢ મન જ હજારો મુશ્કેલીઓમાંથી પોતાનો રસ્તો કરી લે છે; અને આ માયાજાળ કાપીને બહાર નીકળવાનો રસ્તો કે જે સૌથી કઠણમાં કઠણ કાર્ય છે, તે કેવળ પ્રચંડ ઇચ્છાશક્તિવાળા માટે જ નિયત કરાયેલું છે.

સાથોસાથ હર્ષના અતિરેકનો પણ ત્યાગ કરવો જોઈએ. આનું નામ છે અનુદ્હર્ષ, હર્ષનો અતિરેક આપણને ગંભીર ચિંતન માટે અયોગ્ય બનાવે છે; મનની શક્તિઓને તે નિરર્થક વેડફી નાખે છે. ઇચ્છાશક્તિ જેટલી વધુ બળવાન તેટલી મનની ઊર્મિઓને તે ઓછી વશ થાય છે. વધુ પડતા ગાંભીર્યની પેઠે વધુ પડતો હર્ષ પણ હાનિકારક છે; સર્વ પ્રકારની આધ્યાત્મિક અનુભૂતિ તો મન જ્યારે સ્થિર, શાંત, સમતોલ સ્થિતિમાં હોય ત્યારે જ સંભવે છે. ઈશ્વરની ભક્તિ કઈ રીતે કરવી તે શીખવાનો સાધક આ રીતે આરંભ કરી શકે છે.

Total Views: 189
૯. ઇષ્ટનિષ્ઠા
૧. પૂર્વ તૈયારી