દ્વૈતવાદી એમ માને છે કે હાથમાં દંડો લઈને તમને સજા કરવા સારુ તૈયાર બેઠેલો એક ઈશ્વર નહિ હોય ત્યાં સુધી તમે નીતિમાન બની નહિ શકો. એ કેવી રીતે બને? ધારો કે ટાંગામાં જોડાતો પેલો સાવ મુડદાલ ઘોડો આપણને નીતિમત્તા ઉપર વ્યાખ્યાન આપવા બેઠો. હવે એ પોતે તો હંમેશાં ચાબુક પડે ત્યારે જ ચાલવાને ટેવાયેલો છે. મનુષ્યો વિષે બોલવાની શરૂઆતમાં જ તે કહે છે કે મનુષ્યો બહુ જ અનીતિમાન હોવા જોઈએ. કેમ ભલા? એ કહે છેઃ ‘કારણ કે હું જાણું છું કે તેમને નિયમિત રીતે ચાબખા મારવામાં આવતા નથી.’ ચાબખાનો ડર માણસને ઊલટો વધુ અનીતિમાન બનાવે છે.
તમે બધા કહો છો કે એક ઈશ્વર છે અને તે સર્વવ્યાપી છે. તમારી આંખો બંધ કરો અને વિચાર કરો કે એ શું છે? તમને શું જણાય છે? સર્વવ્યાપીપણાનો વિચાર તમારા મનમાં લાવવા માટે કાં તો તમે સમુદ્રનો, કાં તો ઉપરના ભૂરા આકાશનો, કાં તો કોઈ વિશાળ મેદાનનો અગર જીવનમાં તમે જોયેલી એવી કોઈ અન્ય ચીજોનો વિચાર કરી રહ્યા છો. જો એમ છે તો સર્વવ્યાપી ઈશ્વરનો અર્થ તમારે હિસાબે કાંઈ જ નથી; એનો તમારે માટે કશો જ અર્થ નથી. તે જ પ્રમાણે ઈશ્વરના અન્ય ગુણો વિષે પણ સમજવું. સર્વશક્તિમાન કે સર્વજ્ઞત્વનો આપણને શો ખ્યાલ આવે છે? કશો જ નહિ. ધર્મ એટલે સાક્ષાત્કાર; જ્યારે તમે ઈશ્વરના વિચારનો સાક્ષાત્કાર કરી શકશો ત્યારે જ હું તમને ઈશ્વરના ઉપાસક કહીશ. તે પહેલાં તો એ શબ્દની જોડણી માત્ર છે, વિશેષ કંઈ જ નહિ. જે આ સાક્ષાત્કારની શક્તિ છે, તે ધર્મને રચે છે; તમે ભલેને ગમે તેટલા સિદ્ધાંતો, ફિલસૂફીઓ કે ધર્મશાસ્ત્રો તમારા ભેજામાં ઠાંસી ઠાંસીને ભર્યાં હોય, પરંતુ તેની કોઈ ઝાઝી કિંમત નથી; માત્ર ‘તમે શું છો’ અને તમે ‘શાનો સાક્ષાત્કાર કર્યો છે’ એ જ મહત્ત્વનું છે.
વ્યક્તિત્વવાન સગુણ ઈશ્વર એટલે માયાના ધુમ્મસમાંથી દેખાતો નિર્ગુણ નિર્વિશેષ આત્મા. જ્યારે આપણે તેને પાંચ ઇંદ્રિયો દ્વારા ગ્રહણ કરીએ, ત્યારે તેને સગુણ વ્યક્તિરૂપ ઈશ્વર તરીકે જ દેખી શકીએ. એમાં ખ્યાલ એવો છે કે આત્માને ઇંદ્રિયોનો વિષય બનાવી શકાય નહિ. જ્ઞાતા પોતે પોતાને કેવી રીતે જાણી શકે? પરંતુ એ, જાણે કે, છાયા નાખી શકે, જો એને વિષય બનાવવો એમ કહી શકાતું હોય તો. તેથી એ છાયાનો સૌથી ઊંચામાં ઊંચો પ્રકાર, પોતાને જ વિષયરૂપ બનાવવાનો પ્રયત્ન, એ છે વ્યક્તિરૂપ ઈશ્વર. આત્મા તો શાશ્વત જ્ઞાતા છે અને બધો વખત આપણે તે આત્માને જ્ઞેય બનાવવાની મથામણ કરી રહ્યા છીએ અને એ મથામણમાંથી જ આ માયાનું જગત તથા જેને આપણે જડ દ્રવ્ય કહીએ છીએ તે બધું બહાર આવ્યું છે. પરંતુ આ બધા બહુ નબળા પ્રયાસો છે; આત્મા વિષેની જ્ઞેય તરીકેની આપણાથી શકય તેવી ઊંચામાં ઊંચી કલ્પના આ વ્યક્તિરૂપ ઈશ્વર છે. આ આત્માને જ્ઞેય કલ્પો તે આપણા પોતાના વાસ્તવિક સ્વરૂપને પ્રગટ કરવાનો પ્રયત્ન છે. સાંખ્ય મત પ્રમાણે પ્રકૃતિ આત્માને આ બધા અનુભવો કરાવી રહી છે અને જ્યારે એને સાચો અનુભવ થશે ત્યારે એ પોતાના સ્વરૂપને ઓળખશે. અદ્વૈત વેદાંતના મત પ્રમાણે આત્મા પોતાને પ્રગટ કરવા માટે મથી રહ્યો છે; બહુ લાંબી મથામણ પછી તેને ખબર પડે છે કે જ્ઞાતા સદાય જ્ઞાતા જ રહેવાનો; અને ત્યાર પછી વૈરાગ્યની શરૂઆત થાય છે અને તે મુક્ત થાય છે.
માણસ જ્યારે એ પૂર્ણ અવસ્થાએ પહોંચે છે, ત્યારે તે વ્યક્તિરૂપ ઈશ્વરના જેવા જ સ્વભાવવાળો થઈ જાય છે. ઈશુએ કહ્યું છે કે ‘હું અને મારા પિતા એક જ છીએ.’ આત્મા જાણે છે કે પોતે બ્રહ્મની સાથે એક છે અને વ્યક્તિરૂપ ઈશ્વરની પેઠે પોતે પોતાને જ કલ્પે છે. જેમ એક સર્વસત્તાધીશ સમ્રાટ કયારેક ઢીંગલીઓ લઈને રમવા માંડે, તેમ એ આત્મા ક્રીડા કરે છે.
કેટલીક કલ્પનાઓ બાકીનીનું બંધન તોડવામાં મદદરૂપ થાય છે. આખું વિશ્વ કલ્પના છે; પરંતુ કલ્પનાઓનો એક પ્રકાર બીજા પ્રકારને મટાડી દેશે. જે કલ્પનાઓ એમ કહે છે કે જગતમાં પાપ અને શોક અને મૃત્યુ છે, તે બધી ભયંકર છે; પરંતુ બીજો પ્રકાર કે જે એમ કહે છે કે તમે પવિત્ર છો, ઈશ્વરનું અસ્તિત્વ છે, દુઃખ જેવું નથી, એ બધી સારી છે; આ પ્રકાર બીજીઓનું બંધન તોડવામાં સહાયભૂત થાય છે. સાંકળની તમામ કડીઓને તોડી નાખી શકે એવી સર્વોચ્ચ કલ્પના વ્યક્તિરૂપ ઈશ્વરની છે.
ઈશ્વર પાસે જઈને કહેવું કે ‘હે ઈશ્વર! મારી આ વસ્તુની રક્ષા કર અને મને પેલી વસ્તુ આપ; હે ઈશ્વર! હું તારી થોડીક પ્રાર્થના કરું અને તું મને મારી રોજ-બ-રોજની જરૂરિયાતની અમુક ચીજ આપ; હે ભગવાન! મારા માથાનો દુખાવો મટાડી દે.’ એ બધું કાંઈ ભક્તિ નથી; એ બધી તો ધર્મની નીચામાં નીચી અવસ્થાઓ છે; એ બધાં તો કર્મનો હલકામાં હલકો પ્રકાર છે. માણસ પોતાના શરીર અને તેની માગણીઓને પૂરી પાડવાની પાછળ જો પોતાની બધી માનસિક શક્તિને ખરચી નાખે, તો મને પછી બતાવશો કે તેનામાં અને પશુમાં શો તફાવત છે? ભક્તિ એથી વધુ ઉચ્ચ વસ્તુ છે, સ્વર્ગની ઇચ્છા કરતાંય વધુ ઊંચી છે. સ્વર્ગ એટલે તો વધુ તીવ્ર ભોગો ભોગવવાનું સ્થાન. એ સ્વર્ગ ઈશ્વર કેમ કરીને હોઈ શકે?
ઇંદ્રિયોના ભોગોની પાછળ કેવળ મૂર્ખાઓ જ દોડે છે. ઇંદ્રિયપરાયણ થઈને રહેવું સહેલું છે; ખાવું, પીવું, વગેરે જૂની ઘરેડમાં ચાલવું વધારે સરળતાભર્યું છે; પરંતુ આ આધુનિક ફિલસૂફો તો એમ કહેવા માગે છે કે આવા સુંવાળા વિચારોને જ તમે ધર્મની છાપ મારો. આવો સિદ્ધાંત ભયંકર છે. ઇંદ્રિયોમાં મૃત્યુ રહેલું છે. આત્માની ભૂમિકા પરનું જીવન એ જ એકમાત્ર જીવન છે; બીજી કોઈ પણ ભૂમિકા પરનું જીવન એ કેવળ મૃત્યુ છે. આ આખું જીવન માત્ર એક કસરતશાળા તરીકે વર્ણવી શકાય. સાચા જીવનનો આનંદ માણવો હોય તો આપણે તેનાથી પર થવું જોઈએ.
જ્યાં સુધી ‘મને અડશો મા’ એ તમારો ધર્મ છે અને રસોડાની હાંડલી તમારો દેવ છે, ત્યાં સુધી તમે આધ્યાત્મિકતામાં પ્રગતિ સાધી શકશો નહિ. ધર્મ અને ધર્મ વચ્ચેના ક્ષુદ્ર ભેદો માત્ર શબ્દોની મારામારી અને અક્કલશૂન્યતા છે. સૌ કોઈ એમ માને છે કે ‘આ મારો મૌલિક વિચાર છે’ અને ઇચ્છે છે કે બધું પોતાની રીત પ્રમાણે થાય. ઝઘડાઓ એમાંથી જ થાય છે.
બીજાની ટીકા કરતી વેળા આપણે આપણા એક ખાસ ઉજ્જવળ મુદ્દાને મૂર્ખાઈથી આપણા સમગ્ર જીવન તરીકે ગણી લઈને તેને બીજાના જીવનના કલુષિત મુદ્દાઓ સાથે સરખાવીએ છીએ. માણસોનું મૂલ્યાંકન કરવામાં આપણે આવી રીતે ભૂલો કરીએ છીએ.
ધર્માંધતા અને ઝનૂન દ્વારા ધર્મનો ફેલાવો બેશક ઘણો જલદી થઈ શકે છે. પરંતુ જે ધર્મ માણસને પોતાના અભિપ્રાય માટે સ્વતંત્રતા આપતો હોય અને એ રીતે તેને ઊંચે માર્ગે ચડાવતો હોય તે ધર્મનો પ્રચાર જ પાકા પાયા ઉપર દૃઢ થયેલો છે. બેશક આ પ્રક્રિયા ધીમી હોય છે.
પ્રથમ, ભારતની ભૂમિમાં આધ્યાત્મિક વિચારોનાં પૂર ઊભરાવી દો; ત્યાર પછી બીજા વિચારો આપોઆપ આવશે. આધ્યાત્મિકતા અને અધ્યાત્મજ્ઞાનનું દાન સૌથી ઉચ્ચ દાન છે, કારણ કે એ અસંખ્ય જન્મોમાંથી તારનારું છે; ત્યાર પછીનું દાન આવે છે વિદ્યાદાન, કારણ કે તે માનવીનાં ચક્ષુઓને પેલા આધ્યાત્મિક જ્ઞાન તરફ ખુલ્લાં કરે છે; ત્યાર પછીનું દાન છે જીવનદાન અને ચોથું આવે છે અન્નદાન.
સાધના કરતાં કરતાં શરીર જાય તો ભલે જાય; એમાં શું થઈ ગયું? સાધુઓની સોબતમાં સતત રહેવાથી સમયનો પરિપાક થતાં સાક્ષાત્કાર થશે. એક એવો સમય પણ આવે છે કે જ્યારે માણસને સમજાય છે કે કોઈની તમાકુની ચલમ ભરી દેવા સરખીયે સેવા કરવી તે પણ લાખો ધ્યાન કરતાં ઘણું મહત્ત્વનું છે. જેને તમાકુની ચલમ ભરતાં બરાબર આવડે તે બરાબર ધ્યાન પણ કરી શકે.
દેવતાઓ બીજું કાંઈ નથી પરંતુ ઉચ્ચ કક્ષાનો વિકાસ સાધેલા મૃત માનવ-જીવાત્માઓ છે. આપણે તેમની સહાય મેળવી શકીએ.
દરેક અને કોઈપણ વ્યક્તિ આચાર્ય ન થઈ શકે; પરંતુ મુક્ત અનેક થઈ શકે. મુક્તાત્માને સમસ્ત વિશ્વ એક સ્વપ્નસમું લાગે છે, પરંતુ આચાર્યને મુક્ત અને વ્યાવહારિક એ બે અવસ્થાની વચ્ચે પોતાની ભૂમિકા રાખવી પડે છે. જગત ખરું છે એવું ભાન તેને રહેવું જ જોઈએ, નહિતર એ ઉપદેશ શા માટે આપે? વળી તેણે જગત સ્વપ્નવત્ છે એવો સાક્ષાત્કાર ન કર્યો હોય તો તે સાધારણ માણસ કરતાં જરાય વધુ ઉચ્ચ નથી; એવો માનવી વળી શું ઉપદેશ આપવાનો છે? ગુરુએ શિષ્યનાં પાપનો ભાર માથે લેવો પડે છે; અને મહાન આચાર્યોનાં શરીરોમાં પણ રોગો અને બીજી પીડાઓ દેખાય છે તેનું કારણ એ છે. પરંતુ જો ગુરુ અપૂર્ણ હોય તો તે બધાં તેના મન ઉપર પણ અસર કરે અને તેનું પતન પણ થાય. તેથી આચાર્ય થવું એ ઘણું મુશ્કેલ કામ છે.
આચાર્ય થવા કરતાં જીવન્મુક્ત થવું વધુ સહેલું છે, કારણ કે જીવન્મુક્ત જાણે છે કે જગત સ્વપ્નવત્ છે અને તેને તેની સાથે કશી લેવાદેવા નથી. પરંતુ આચાર્ય તો જગતને સ્વપ્નવત્ જાણે છે છતાં તેમાં રહીને તેને કાર્ય કરવું પડે છે. એટલે સૌ કોઈથી આચાર્ય થવું શકય નથી. આચાર્ય તે છે કે જેના દ્વારા ઈશ્વરી શક્તિ કાર્ય કરતી હોય. જે શરીર દ્વારા આચાર્ય કાર્ય કરતા હોય તે બીજા કોઈ પણ મનુષ્યના શરીર કરતાં ઘણું જુદું હોય છે. એ શરીરને સંપૂર્ણ સ્થિતિમાં રાખવાની એક વિદ્યા છે. એની શરીરરચના અતિ કોમળ, અતિ ગ્રાહી તથા તીવ્ર આનંદ અને તીવ્ર પીડાનો અનુભવ કરી શકે તેવી હોય છે. એ અસામાન્ય હોય છે.
જીવનમાં દરેક ક્ષેત્રમાં આપણે જોઈએ છીએ કે દેહની અંદર જે પુરુષ—જે વ્યક્તિ રહેલી છે તેનો વિજય થાય છે; અને એ વ્યક્તિત્વ જ બધી સફળતાનું રહસ્ય છે.
બંગાળામાં નદિયાના આચાર્ય ભગવાન શ્રીકૃષ્ણચૈતન્યના જેવો ભાવનો ઉચ્ચ આવિર્ભાવ કયાંય જોવામાં આવ્યો નથી.
શ્રીરામકૃષ્ણ એક શક્તિ છે. તમારે એમ નહિ ધારવું કે એમનો સિદ્ધાંત આ છે કે તે છે. પરંતુ તેઓ એક શક્તિ છે અને હજી પણ પોતાના શિષ્યોમાં રહીને વિશ્વમાં કાર્ય કરી રહી છે. મેં તેમને તેમના વિચારોમાં વિકાસ પામતા જોયા હતા; એ હજી પણ વિકાસ પામતા જાય છે. શ્રીરામકૃષ્ણ જીવન્મુક્ત અને આચાર્ય બંને હતા.

