(મે ૭, ૧૮૯૬)
ભક્તિયોગ એટલે પરમાત્મા સાથે એક થવા માટેની પદ્ધતિસરની ઉપાસનાનો માર્ગ. ધર્મનો એટલે કે ઈશ્વર-સાક્ષાત્કારનો તે સૌથી સરળ અને ચોક્કસ માર્ગ છે.
આ માર્ગમાં પરિપૂર્ણતા પ્રાપ્ત કરવા ઈશ્વર પરનો પ્રેમ બહુ જરૂરી છે.
આ પ્રેમની પાંચ ભૂમિકાઓ છેઃ
પહેલીઃ માણસને મદદની જરૂર પડે છે; તેમાં થોડોક ભય હોય છે.
બીજીઃ જ્યારે ઈશ્વરને તે પિતા તરીકે જુએ છે.
ત્રીજીઃ જ્યારે ઈશ્વરને માતા તરીકે જોવામાં આવે છે. તે વખતે તમામ સ્ત્રીઓને તે મા ભગવતીના પ્રતિબિંબરૂપે જુએ છે. મા ભગવતીના ખ્યાલની સાથે સાચા પ્રેમનો ઉદય થાય છે.
ચોથીઃ પ્રેમની ખાતર પ્રેમ. કેવળ પ્રેમની ખાતરનો પ્રેમ બધા ગુણોથી પર હોય.
પાંચમીઃ ભગવાન સાથે ઐકયમાં પ્રેમ લગાડવો. તે એકત્વની એટલે કે સમાધિની અવસ્થાએ પહોંચાડે છે.
જેમ આપણે વ્યક્તિરૂપ અને નિર્વિશેષ બંને છીએ તેમ ઈશ્વર પણ વ્યક્તિરૂપ અને નિર્વિશેષ બંને છે.
પ્રાર્થના અને સ્તુતિ ઈશ્વર તરફના વિકાસમાર્ગનાં પ્રાથમિક સાધનો છે. ભગવાનના નામજપમાં અદ્ભુત શક્તિ છે.
મંત્ર એટલે કે એક ખાસ શબ્દ, પવિત્ર પાઠ અથવા જપ અને ધ્યાન કરવા માટે ગુરુએ શિષ્યને આપેલું ઈશ્વરનું નામ. પ્રાર્થના અને સ્તવન કરવાના સ્વરૂપ ઉપર શિષ્યે ધ્યાન કરવું જોઈએ; એ સ્વરૂપ એ તેનું ઇષ્ટ.
આ મંત્રો કેવળ શબ્દોના ઉચ્ચાર માત્ર નથી; તે સાક્ષાત્ ઈશ્વર છે અને તે આપણી અંદર જ રહેલા છે. ઈશ્વરનો જ વિચાર કરો, તેના વિષે જ બોલો. દુનિયા વિષે કંઈ જ ઇચ્છા ન રાખો. ગિરિપ્રવચન જેવા ઉપદેશમાં બુદ્ધે કહ્યું છેઃ ‘તું જેવો વિચાર કરીશ, તેવો બનીશ.’
સમાધિ અવસ્થા પ્રાપ્ત કર્યા પછી ભક્ત પાછો પ્રેમ અને ભક્તિના ક્ષેત્રમાં ઊતરી આવે છે.
શુદ્ધ પ્રેમને કોઈ જ હેતુ હોતો નથી; તે કશું જ પ્રાપ્ત કરવા માગતો નથી.
પ્રાર્થના અને સ્તુતિ પછી ધ્યાન આવે છે. ત્યાર બાદ ભક્તના ઇષ્ટના નામનું અને તેના ઇષ્ટદેવનું ધ્યાન આવે છે.
એમ પ્રાર્થના કરો કે જે સ્વરૂપ આપણો પિતા છે, આપણી માતા છે, તે આપણાં બંધનો છેદે.
સ્તુતિ કરોઃ ‘જેમ પિતા બાળકને ખેંચી લે, તેમ અમારો હાથ પકડીને અમને તું ખેંચી લે; પછી અમને છોડીશ નહિ.’
પ્રાર્થના કરોઃ ‘હે પ્રભુ! મારે સંપત્તિ કે સૌંદર્ય જોઈતું નથી, આ દુનિયા કે પરલોક પણ જોઈતાં નથી; મારે તો તું જ જોઈએ. ઓ નાથ! હું થાકયો છું. મારો હાથ પકડીને મને ઉઠાવી લે. હે પ્રભુ! હું તારે શરણે છું. મને તારો દાસ બનાવ. તું મારું શરણું થા.’
પ્રાર્થના કરોઃ ‘તું અમારો પિતા છે, અમારી માતા છે, અમારો સૌથી પ્રિય મિત્ર છે! તું તો આ વિશ્વને ધારણ કરે છે, તો અમારી નાનકડી જિંદગીના ભારને ઉઠાવવામાં અમને સહાય કર. અમને ત્યજી ન દે. અમે તારાથી કદી વિખૂટા ન પડીએ; સદા તારામાં જ નિવાસ કરીએ.’
જ્યારે ભગવત્પ્રેમ પ્રગટ થાય છે અને સર્વસ્વ તે જ બની રહે છે, ત્યારે આ જગત બિંદુ સમાન લાગે છે.
અસત્માંથી સત્માં લઈ જા, અંધકારમાંથી પ્રકાશમાં લઈ જા. (‘અસત્યો માંહેથી, પ્રભુ! પરમ સત્યે તું લઈ જા; ઊંડા અંધારેથી, પ્રભુ! પરમ તેજે તું લઈ જા.’)

