(એપ્રિલ ૧૨, ૧૯૦૦ના રોજ સાનફ્રાન્સિસ્કો વિસ્તારમાં આપેલ પ્રવચન)

(પ્રેમને ત્રિકોણનું રૂપ આપી શકાય. તેનો પહેલો ખૂણો છે) પ્રેમ શંકા કરતો નથી. તે ભિખારી હોતો નથી. … ભિખારીનો પ્રેમ એ પ્રેમ જ નથી. પ્રેમની પહેલી નિશાની એ છે કે પ્રેમ કંઈ માગતો નથી, (જ્યારે તે) બધું જ આપે છે. પ્રેમ દ્વારા થતી ઉપાસના એ જ સાચી આધ્યાત્મિક ઉપાસના છે. ઈશ્વર દયાળુ છે કે નહિ તેવો પ્રશ્ન જ તેમાં થઈ શકતો નથી. તે ઈશ્વર છે; તે મારું પ્રેમપાત્ર છે. ઈશ્વર સર્વત્ર અને સર્વશક્તિમાન છે; તે સીમિત છે કે અસીમ, એવો પ્રશ્ન થતો જ નથી. તે ભલું કરે તો બહુ સારું; તે દુઃખ આપે તોપણ શું થઈ ગયું? કેવળ અનંત પ્રેમ, એ એક સિવાય બીજાં બધાં વિશેષણો અદૃશ્ય થઈ જાય છે.

ભારતમાં જૂના વખતમાં એક રાજા હતો. મૃગયા માટે જંગલમાં જતાં તેને એક મહાન ઋષિ મળ્યા. તે આ ઋષિ પર એટલો બધો પ્રસન્ન થઈ ગયો કે તેણે ઋષિને પોતાના પાટનગરમાં આવીને પોતાની ભેટ સ્વીકારવાની વિનંતી કરી. (પહેલાં તો) ઋષિએ ના પાડી, (પણ) રાજાએ ખૂબ જ આગ્રહ કર્યો તેથી છેવટે ઋષિ કબૂલ થયા. પછીથી ઋષિ જ્યારે મહેલે આવ્યા ત્યારે તેમના આગમનના ખબર રાજાને પહોંચાડવામાં આવ્યા. રાજાએ કહ્યુંઃ ‘હું પ્રાર્થના પૂરી કરી લઉં ત્યાં સુધી જરા બિરાજો.’ રાજાએ પ્રાર્થના શરૂ કરીઃ ‘હે પ્રભુ! મને વધારે સંપત્તિ, વધારે (ભૂમિ, વધારે બળ ને વધારે) સંતાનો આપ.’ આ સાંભળી ઋષિ ઊભા થઈને ચાલવા લાગ્યા. રાજાએ કહ્યુંઃ ‘મહારાજ! આપે હજી મારી ભેટનો સ્વીકાર તો કર્યો નથી?’ ઋષિએ જવાબ આપ્યોઃ ‘હું કોઈ ભિખારીઓ પાસેથી ભિક્ષા લેતો નથી. અત્યારે જો તમે પોતે જ વધારે ભૂમિ ને વધારે સંપત્તિ વગેરે માટે પ્રાર્થના કરી, તો તમે મને શું આપી શકવાના હતા? પહેલાં તમારી પોતાની ભૂખ ભાંગો.’

પ્રેમ કદી માગતો નથી; તે હંમેશાં આપે જ છે. …. જ્યારે કોઈક યુવક પોતાની પ્રેમિકાને મળવા જાય છે ત્યારે તેમની વચ્ચે કશો વ્યાપારી સંબંધ હોતો નથી; તેમનો તો પ્રેમનો સંબંધ હોય છે અને પ્રેમ કોઈ ભિખારી નથી. (એવી જ રીતે) આપણે સમજીએ છીએ કે ઉપાસનાની ખરી આધ્યાત્મિક શરૂઆત એટલે ભીખ માગવી એ નથી. ‘ભગવાન! મને આ આપ ને પેલું આપ.’ એવી ભીખ માગવાનું આપણે જ્યારે બંધ કરીશું ત્યારે ધર્મની શરૂઆત થશે.

(પ્રેમના ત્રિકોણનો) બીજો ખૂણો છેઃ પ્રેમ ભયને ઓળખતો નથી. તમે કાપીને મારા કટકા કરી નાખો તોપણ હું તમને ચાહીશ. ધારો કે તમે મહિલાઓ પૈકી એકાદ નબળી સ્ત્રી, શેરીમાં વાઘને પોતાના બાળકને ખેંચી જતો જુએ ત્યારે તમે કયાં હશો તે હું જાણું છું. તમો વાઘનો સામનો કરશો. અન્ય કોઈ વખતે શેરીમાં ભસતો કૂતરો નીકળશે તોપણ તમે નાસવાનાં; પણ એ જ તમે વાઘના મોં સામે ધસી જઈને તમારા બાળકને ઝૂંટવી લેશો! પ્રેમને ભય હોતો નથી. તે સર્વ અનિષ્ટને જીતે છે. ધર્મનો પ્રારંભ ઈશ્વરના ભયથી થાય છે, પણ ધર્મનો અંત તો ઈશ્વરના પ્રેમમાં આવે છે. ત્યારે તમામ ભય નાશ પામી ગયો હોય છે.

(પ્રેમના ત્રિકોણનો) ત્રીજો ખૂણો છેઃ પ્રેમ પોતે જ પ્રેમનું ધ્યેય છે. પ્રેમ કદીયે સાધન બની ન શકે. જે એમ કહે કે ‘હું તને આ વસ્તુ માટે ચાહું છું’ તે ખરેખર ચાહતો હોતો નથી. પ્રેમ કદી સાધન ન બની શકે; તે તો સંપૂર્ણ લક્ષ્ય જ હોય. પ્રેમનું લક્ષ્ય અને હેતુ શું છે? બસ, ઈશ્વરને ચાહવો, એટલું જ. માણસે ઈશ્વરને શા માટે ચાહવો જોઈએ? (ત્યાં) શા માટે એ પ્રશ્ન જ નથી, કારણ કે પ્રેમ સાધન નથી. જ્યારે કોઈ પ્રેમ કરી શકે, ત્યારે તે પ્રેમ જ મુક્તિ છે, પ્રેમ જ પૂર્ણતા છે અને તે જ સ્વર્ગ છે. વધારે શું? ધ્યેય બીજું શું હોઈ શકે? પ્રેમ કરતાં વધારે ઊંચું તમને શું મળવાનું છે?

આપણે બધા જેને પ્રેમ કહીએ છીએ તેની વાત હું અહીં નથી કરતો. ક્ષુલ્લક ઢીલોપોચો પ્રેમ મનોહર લાગે. પુરુષ સ્ત્રીના પ્રેમમાં પડે અને સ્ત્રી તેને માટે મરવા તૈયાર થાય; છતાં બનવાજોગ એવું છે કે પાંચ મિનિટ પછી જહોન જેઈનને લાત મારશે અને જેઈન જહોનને લાત લગાડશે. આ નરી દુનિયાદારી છે, પ્રેમ જરાય નથી. જહોન જો જેઈનને સાચેસાચ ચાહતો હોય તો તે જ ક્ષણે તે પૂર્ણ બની જાય. (તેનો સાચો) સ્વભાવ પ્રેમ જ છે; તે પોતે પોતામાં પૂર્ણ જ છે. ભલે જહોન ધર્મ કે મનોવિજ્ઞાન કે તત્ત્વજ્ઞાનનો એક અક્ષરેય જાણતો ન હોય, છતાં કેવળ જેઈનને સાચી રીતે ચાહવાથી જ યોગની તમામ સિદ્ધિઓ તેને પ્રાપ્ત થાય. હું તો માનું છું કે એક સ્ત્રી અને પુરુષ એકબીજાને સાચી રીતે ચાહી શકે તો યોગીઓ જે બધી સિદ્ધિઓ પોતાની પાસે હોવાનો દાવો કરે છે તે (તેઓ મેળવી શકે,) કેમ કે પ્રેમ પોતે જ ઈશ્વર સ્વરૂપ છે. એ ઈશ્વર સર્વવ્યાપી છે અને (તેથી) તમે જાણો કે ન જાણો પણ તમારામાં તેનો પ્રેમ હોય જ છે.

એક સાંજે મેં એક યુવકને કોઈ યુવતીની રાહ જોતો જોયો. … મને વિચાર આવ્યો કે આ યુવાનના મનનો અભ્યાસ કરવો, એ સારો પ્રયોગ થશે. યુવકના પ્રેમની ઊંડી સચ્ચાઈને લીધે તેને દૂરદર્શન અને દૂરશ્રવણની શક્તિઓ પ્રાપ્ત થઈ. છોકરી બસો માઈલ દૂર હતી છતાં સાઠ થી સિત્તેર પ્રશ્નોમાં તેણે એકપણ વાર ભૂલ કરી નહિ. (તે બોલી ઊઠતો) ‘તેણે આવાં કપડાં પહેર્યાં છે.’ (અથવા) ‘એ પેલી જાય.’ આ દૃશ્ય મેં મારી સગી આંખે જોયું છે.

પ્રશ્ન આ છેઃ શું તમારો પતિ ઈશ્વર નથી? તમારું બાળક ઈશ્વર નથી? જો તમે તમારી પત્નીને સાચી રીતે ચાહી શકો તો દુનિયાનો બધો ધર્મ તમારામાં આવી જાય; ધર્મ અને યોગનું બધું રહસ્ય તમારામાં આવી જાય. પણ તમે ચાહી શકશો? એ જ પ્રશ્ન છે. તમે કહો છોઃ ‘ઓ મેરી! હું તને ચાહું છું; તારા માટે મરવા પણ તૈયાર છું!’ પણ તમે મેરીને બીજા પુરુષને ચુંબન કરતી જુઓ તો તેનું ગળું કાપવા તૈયાર થાઓ! જો મેરી જહોનને બીજી છોકરી સાથે વાત કરતાં જુએ તો તેને રાત્રે ઊંઘ ન આવે અને જહોનની જિંદગી હળાહળ ઝેર જેવી કરી મૂકે! આ પ્રેમ નથી. આ તો શરીરની લેવડદેવડ અને લિલામ છે. આને પ્રેમ કહેવો એ પાપ છે. દુનિયા દિવસરાત જેવી ઈશ્વરની અને ધર્મની વાતો કરે છે, તેવી જ તે પ્રેમની પણ વાતો કરે છે. આપણે બધામાં બનાવટ જ કરીએ છીએ! સૌ કોઈ વાતો પ્રેમની જ કરતા હોય છે, (છતાં) છાપાંની કટારોમાં છૂટાછેડાના દાખલા રોજ-રોજ જોઈએ છીએ. જ્યારે તમે જહોનને ચાહો છો, તો તમે જહોનની ખાતર ચાહો છો અથવા તમારી ખાતર? તમે જહોનને ચાહો છો, તે જહોનની પાસેથી તમે કશાકની અપેક્ષા રાખો છો; (તમે જહોનની ખાતર તેને ચાહતા હશો) તો તેના પાસેથી કશાની અપેક્ષા નહિ રાખો. તે તેને ફાવે તે કરી શકે, છતાં તમે તેને એવો જ ચાહશો.

આ ત્રણ મુદ્દાઓ અગર ત્રણ ખૂણાથી (પ્રેમનો) ત્રિકોણ બને છે. પ્રેમ ન હોય તો ફિલસૂફી હાડકાં જેવી સાવ શુષ્ક બની રહે છે, મનોવિજ્ઞાન એક જાતનો સિદ્ધાંત જ બની રહે છે અને કર્મ માત્ર મજૂરી જ થઈ રહે છે. (પણ જો પ્રેમ હોય તો) ફિલસૂફી કવિતા બની જાય, મનોવિજ્ઞાન રહસ્યવાદ બની જાય અને કર્મ સૃષ્ટિની સ્વાદિષ્ટમાં સ્વાદિષ્ટ વસ્તુ લાગે. (માત્ર) ચોપડા વાંચવાથી માણસ શુષ્ક અને નીરસ થઈ જાય છે. વિદ્વાન કોણ બને છે? જે પ્રેમના એકાદ બિન્દુનો પણ અનુભવ લઈ શકે છે તે. ઈશ્વર પ્રેમ છે અને પ્રેમ ઈશ્વર છે અને ઈશ્વર તો સર્વત્ર છે. જેમ બાટલી ભરીને દારૂ ઢીંચનાર માણસને પોતે કયાં ઊભો છે તેની ખબર રહેતી નથી, તેવી જ રીતે ઈશ્વર પ્રેમસ્વરૂપ છે અને તે સર્વત્ર છે તે જાણ્યા પછી માણસ પોતે ઊંધે માથે ઊભો છે કે પગ પર સીધો ઊભો છે તેનું ભાન ભૂલી જાય છે. … ઈશ્વર માટે જો આપણે દસ જ મિનિટ રુદન કરી શકીએ તો બીજા બે મહિના સુધી આપણે કયાં છીએ તેનું ભાન નહિ રહે … આપણે જમવાનો ટંક પણ ભૂલી જઈશું, આપણે શું ખાઈએ છીએ તેનું પણ ભાન નહિ રહે. તમે ઈશ્વરનેય ચાહો અને છતાં હંમેશાં આવા ફાંકડા અને વ્યવહારકુશળ કયાંથી રહી શકો? …. સર્વવિજયી, સર્વશક્તિમાન પ્રેમનું બળ એમ કેવી રીતે આવી શકે?…

લોકોનો ન્યાય કરવા ન બેસો. તેઓ બધા દીવાના છે. બાળકો રમતો પાછળ અને યુવકો યુવતી પાછળ દીવાના હોય છે; વૃદ્ધો પોતાના વીતેલાં વર્ષોને વાગોળતા હોય છે; કેટલાક પૈસા પાછળ દીવાના હોય છે. તો પછી ઈશ્વર પાછળ કોઈક પાગલ કેમ ન બનો? તમે જહોનો અને જેઈનોની પાછળ દીવાના બનો છો તેમ ઈશ્વરના પ્રેમની પાછળ દીવાના બનો. જહોન- જેઈનોમાં તે વળી એવું શું છે? લોકો પૂછે છેઃ ‘હું આનો ત્યાગ કરું? હું પેલાનો ત્યાગ કરું?’ એક જણ પૂછે છેઃ ‘હું લગ્ન કરવા છોડી દઉં?’ તમે કશાનો ત્યાગ ન કરશો! વસ્તુઓ જ તમારો ત્યાગ કરશે. જરા થોભો; પછી તમે જ તેને ભૂલી જશો.

ઈશ્વરના પ્રેમમાં પૂરેપૂરા તરબોળ થઈ જવું એ જ ખરી ઉપાસના છે! રોમન કેથોલિક ચર્ચમાં આ બાબતનું અવારનવાર તમને દર્શન થાય છે—કેટલાક અદ્‌ભુત સાધુઓ અને સાધ્વીઓ અલૌકિક ઈશ્વરી પ્રેમમાં ગાંડાં બની જાય છે. તમારે આવો પ્રેમ કેળવવો જોઈએ! ઈશ્વરનો પ્રેમ આવો હોવો જોઈએ. તેની પાસે કંઈ પણ યાચવાનું નહિ. કશી પણ લાલસા રાખવાની નહિ. …

પ્રશ્ન ઊભો થયોઃ ઉપાસના કરવી કેવી રીતે? તમારી બધી સંપત્તિ કરતાં તમારાં બધાં સગાં કરતાં અને તમારાં બાળકો કરતાંય વધારે વહાલો ગણીને ઈશ્વરની ઉપાસના કરો. જેના પ્રત્યે તમને પ્રેમ હોય તેને જે રીતે ચાહો, ખુદ પ્રેમને ચાહો, તે રીતે તેની ઉપાસના કરો. એ એક જ એવો છે કે જેનું નામ અનંત પ્રેમ છે. ઈશ્વરની એ એક જ વ્યાખ્યા છે. આ આખા… વિશ્વનો નાશ થઈ જાય તોપણ તેની પરવા ન કરો. જ્યાં સુધી ઈશ્વર અનંત પ્રેમસ્વરૂપ છે ત્યાં સુધી આપણે શાની પડી છે? ઉપાસના એટલે શું તે સમજો છો? બીજા બધા વિચારો નીકળી જવા જોઈએ; ઈશ્વર સિવાય બીજું બધું અદૃશ્ય થવું જોઈએ. માતાપિતાનો બાળક પ્રત્યે જે પ્રેમ હોય છે, પત્નીનો પતિ માટે ને પતિનો પત્ની માટે જે પ્રેમ હોય છે અને મિત્રનો મિત્ર માટે જે પ્રેમ હોય છેઃ આ બધા પ્રેમને એકઠા કરીને જેવો થાય તેવો ગાઢ પ્રેમ ઈશ્વરને અર્પણ કરવો જોઈએ. સ્ત્રી એક પુરુષને સાચી રીતે ચાહે તો બીજાને ચાહી ન શકે; પુરુષ એક સ્ત્રીને ખરેખર ચાહે તો બીજીને તે ચાહી ન શકે. પ્રેમની પ્રકૃતિ જ એવી છે.

મારા પૂજ્ય ગુરુદેવ કહેતાઃ ‘ધારો કે આ ઓરડામાં સોનામહોરથી ભરેલી થેલી પડી છે અને બીજા ઓરડામાં એક ચોર છે. ચોરને ખબર હોય કે અહીં બાજુમાં સોનામહોરો ભરેલી થેલી પડી છે, તો શું ચોરને ઊંઘ આવશે ખરી? નહિ જ. આખી રાત થેલી કેવી રીતે હાથ કરવી એના વિચારમાં તે બાવરો બની જશે.’ … (તેવી જ રીતે) જો કોઈ ઈશ્વરને ચાહે તો બીજા કશાને તે કેવી રીતે ચાહી શકે? ઈશ્વરના સર્વગ્રાહી પ્રેમની સામે બીજું કાંઈ કઈ રીતે ટકી શકે? (તેની સામે) બીજું બધું અદૃશ્ય થઈ જાય. આવા પ્રેમને મેળવવા, તેનો સાક્ષાત્કાર કરવા, તેનો અનુભવ કરવા અને તેમાં તલ્લીન થઈ જવા માટે પાગલ થયા વિના મન રહી કેમ શકે?

ઈશ્વરને આપણે આ રીતે ચાહવાનો છેઃ

न धनं न जनं न सुन्दरीं कवितां वा जगदीश कामये।

मम जन्मनि जन्मनीश्वरे भवताद् भक्तिरहैतुकी त्वयि॥

‘મારે સંપત્તિ જોઈતી નથી, મિત્રો, સૌંદર્ય, વિદ્યા, અરે મુક્તિ પણ જોઈતી નથી. જો તારી ઇચ્છા હોય તો પ્રભુ! મને હજાર વાર મૃત્યુ ભલે આવે; પણ મને આટલું આપજે કે હું તને ચાહી શકું અને તે પણ કેવળ પ્રેમને ખાતર જ.’

या प्रीतिरविवेकानां विषयेष्वनपायिनी।

त्वामनुस्मरतः सा मे हृदयान्माऽपसर्पतु॥

‘સંસારી માણસોને પોતાની ભૌતિક સંપત્તિ માટે જેટલો પ્રેમ છે તેટલો બળવાન પ્રેમ, હે પ્રભુ! મારા હૃદયમાં આવે, પણ તે સૌંદર્ય સ્વરૂપ એવા તારા માટે જ હો. ભગવાનનો જય હો! પ્રેમ સ્વરૂપ ઈશ્વરનો જય હો!’ ઈશ્વર એટલે તેના સિવાય બીજું કાંઈ જ નથી. ઘણા યોગીઓ જે અદ્‌ભુત ચમત્કારો કરી શકે છે, તેની તેને કશી જ પડી નથી. ક્ષુદ્ર જાદુગરો નાનકડા જાદુ કરે છે; ઈશ્વર તો મહા મોટો જાદુગર છે, તે તો બધા જ ખેલ કરે છે. વિશ્વ કેટલાં છે તેની કોને પડી છે? ….

એક બીજો માર્ગ છે; તે છે બધું જીતવાનો, દરેક વસ્તુને તાબે કરવાનો, શરીર અને મન પર વિજય મેળવવાનો માર્ગ…. ભક્ત કહે છેઃ ‘બધું જીતવાની જરૂર શી છે? મારે તો ભગવાનનું જ કામ છે!’

એક યોગી હતો, મહાન પ્રેમી હતો. ગળાના કેન્સરની પીડાથી તે મરણ પથારીએ હતો. એક બીજો જ્ઞાની યોગી તેને મળવા આવ્યો; આગંતુકે કહ્યુંઃ ‘મહારાજ! તમે તમારા ઘાવ પર મનને એકાગ્ર કરીને શા માટે તેને મિટાવી દેતા નથી?’ પ્રેમી યોગીએ કંઈ જવાબ ન આપ્યો. પરંતુ એ જ પ્રશ્ન જ્યારે જ્ઞાનીયોગીએ બીજી વાર ને ત્રીજી વાર પણ પૂછ્યો ત્યારે આ મહાન પ્રેમી યોગી બોલ્યાઃ ‘જે મનને મેં સંપૂર્ણપણે ઈશ્વરને અર્પણ કરી દીધું છે તેને આ હાડમાંસના પિંજર પર કેન્દ્રિત કરવું શકય છે, એમ તમે શી રીતે ધારો છો?’ ભગવાન ઈશુએ દેવદૂતોનાં ટોળેટોળાં પોતાની સહાય માટે બોલાવવાની ના પાડેલી. આ ક્ષુદ્ર શરીરની શું એટલી મહત્તા છે કે તેને બે ત્રણ દિવસ વધારે ટકાવવા માટે મારે હજારો દેવદૂતોને બોલાવવા?

(સંસારના દૃષ્ટિકોણથી) મારું સર્વસ્વ આ શરીર છે. મારી દુનિયા એટલે આ શરીર, મારું શરીર એ જ મારો ઈશ્વર; હું શરીર છું! શરીરને ચૂંટી ભરો, તો મને ચૂંટી ભર્યાનું દુઃખ થાય છે. માથું દુખવા લાગે કે તુરત ભગવાન ભુલાઈ જાય છે. હું શરીર છું! આ શરીરરૂપી સર્વોચ્ચ ધ્યેય માટે ઈશ્વર અને બીજા બધાએ નીચે ઊતરી આવવું જોઈએ! આ દૃષ્ટિકોણથી જોઈએ તો જ્યારે ઈશુ ખ્રિસ્ત વધસ્તંભ પર મૃત્યુ પામ્યા ત્યારે દેવદૂતોને તેમણે સહાય માટે બોલાવ્યા નહિ તે તેમની મૂર્ખતા જ હતી! તેમણે દેવદૂતોને બોલાવીને પોતાની જાતને વધસ્તંભ પરથી નીચે ઉતારવી જોઈતી હતી! પણ જેને મન શરીર કંઈ જ નથી એવા પ્રેમીના દૃષ્ટિબિંદુથી આવી અક્કલહીન બાબતની કોને પડી છે? જન્મમૃત્યુના આવાગમનવાળા આ શરીરની પંચાત શા માટે કરવી? રોમન સૈનિકો કપડાંના કટકા માટે શરતો લગાવતા, તેના કરતાં શરીરની કિંમત જરાય વધારે નથી.

સંસારીના દૃષ્ટિકોણ અને પ્રેમીના દૃષ્ટિકોણ વચ્ચે આસમાન જમીનનો તફાવત છે. પ્રેમ કર્યે જાઓ. કોઈ માણસ ગુસ્સે થાય તો તેથી તમારે પણ હલકા પડવાની જરૂર નથી… ‘સામો કોઈ ગુસ્સે થવાની મૂર્ખાઈ કરે તેથી મારે પણ શા માટે ગુસ્સે થવું? દુઃખનો સામનો કદી ન કરો!’ ઈશ્વરના પ્રેમીઓ આમ કહે છે. દુનિયા ગમે તે કરે કે ગમે ત્યાં જાય. તેની (તેમના પર) જરાય અસર થતી નથી.

એક યોગીને દૈવી શક્તિઓ પ્રાપ્ત થયેલી. તે કહેતોઃ ‘મારી શક્તિ જુઓ! આ આકાશ છે; હું તેને મેઘનાં વાદળાંથી ઢાંકી દઉં છું.’ અને તુરત વરસાદ વરસવા માંડ્યો. (કોઈએ) કહ્યુંઃ ‘મહારાજ! આપ તો અદ્‌ભુત છો. પણ મને એવું શીખવો કે જેને જાણ્યા પછી મારે બીજું કાંઈ માગવાની ઇચ્છા જ રહે નહિ.’ … શક્તિથી પણ મુક્ત થઈ જવું, કશું જ ન રાખવું, શક્તિઓ માગવી જ નહિ, (આનો અર્થ શું) એ કેવળ બુદ્ધિથી સમજી નહિ શકાય. … હજારો ગ્રંથો વાંચવાથી પણ તે નહિ સમજાય… આપણે જ્યારે એ સમજવા લાગીશું કે છોકરીઓ ઢીંગલીઓ વડે રમતી હોય અને હંમેશાં તેના નવા વર લાવ્યા કરતી હોય; પણ જ્યારે તેને પોતાનો સાચેસાચો પતિ મળે ત્યારે બધી ઢીંગલીઓ કાયમને માટે દૂર મુકાઈ જાય છે. … તેવું જ અહીંની બધી પ્રવૃત્તિઓનું છે. જ્યારે પ્રેમનો સૂર્ય ઊગે ત્યારે આ બધાં—શક્તિ અને લાલસાઓનાં રમકડાંના સૂર્યો અદૃશ્ય થઈ જાય છે. આપણે શક્તિને શું કરવી છે? તમારી પાસે જે શક્તિ છે તેનાથીય છૂટી શકો તો ભગવાનનો પાડ માનજો. પ્રેમ કરવા લાગો. શક્તિ જવી જ જોઈએ. મારી અને ઈશ્વરની વચ્ચે પ્રેમ સિવાય બીજું કશું જ ન જોઈએ. ઈશ્વર કેવળ પ્રેમ જ છે, બીજું કાંઈ જ નહિ—શરૂઆતમાં પ્રેમ, મધ્યમાં પ્રેમ અને અંતમાં પણ પ્રેમ.

એક રાણીની વાત છે. તે રસ્તાઓ ઉપર ઈશ્વરી પ્રેમનો ઉપદેશ આપતી. ગુસ્સે થયેલો તેનો પતિ તેના પર જુલમ ગુજારતો; તે જ્યાં જ્યાં જાય ત્યાં બધે તેને રંજાડવામાં આવતી, પણ એ તો પોતાના પ્રેમના જ વર્ણનનાં ગીતો ગાયા કરતી. તેનાં એ ગીતો સર્વત્ર ગવાય છે.

अँसुअन लज सिंच सिंच प्रेमबेल बोई।

‘મારી આંખનાં આંસુનાં જળ સિંચી સિંચીને અમરવેલને ઊછેરી છે.’ … આ જ અંતિમ અને મહાન ધ્યેય છે. તે સિવાય બીજું છે શું? લોકોને તો આ જોઈએ ને પેલું જોઈએ; તેમને બધાને માલિકી અને કબજો જોઈએ. તેથી જ બહુ ઓછા લોકો પ્રેમને સમજે છે, એ ઘણા ઓછા લોકો પ્રેમની પાસે પહોંચી શકે છે. તેમને જગાડો અને શીખવો! તેમને થોડી વધારે જાણ થશે.

પ્રેમ પોતે જ સનાતન અનંત બલિદાન છે. તેમાં તમારે સર્વસ્વ હોમી દેવું પડશે. તમે એક પણ વસ્તુને તમારી પાસે, તમારી માલિકીની તરીકે, રાખી નહિ શકો, જો પ્રેમ મેળવશો તો બીજું કશું મેળવવાની ઇચ્છા નહિ રહે. … પ્રેમ આટલું જ માગે છે કે ‘તું સદા મારો પ્રેમી રહે! મારા પ્રિયતમ! તારા હોઠનું એક જ ચુંબન! જેણે તારા ચુંબનનો આસ્વાદ લીધો છે તેનાં બધાં દુઃખો અદૃશ્ય થઈ જાય છે. એકવાર તારું ચુંબન પ્રાપ્ત કરનાર માનવી સુખી બની જાય છે અને બીજી તમામ વસ્તુનો પ્રેમ વીસરી જાય છે. તે એક તારી જ સ્તુતિ કરે છે અને તને એકલાને જ જુએ છે.’ માનવપ્રેમની પ્રકૃતિમાં પણ દિવ્ય તત્ત્વો છુપાઈ રહેલાં હોય છે. ગાઢ પ્રણયની પહેલી ક્ષણમાં આખી દુનિયા તમારા હૃદયના ધબકાર સાથે ધબકાર લેતી લાગે છે; વિશ્વનું દરેક પંખી તમારા પ્રેમનાં જ ગીતો ગાય છે; પુષ્પો તમારે માટે ખીલે છે. માનવપ્રેમ જેમાંથી આવે છે તે પોતે અનંત અને શાશ્વત પ્રેમ જ છે.

ઈશ્વરના પ્રેમીએ કશાની પણ બીક શા માટે રાખવી જોઈએ? લૂંટારાની, વિપત્તિની, અરે પોતાની જિંદગીની પણ બીક તેને શા માટે હોય?… આવો પ્રેમી ઘોર નરકમાં જાય, તોપણ શું તે તેને માટે નરક હોય છે? સ્વર્ગ અને નરકના બધા વિચારો છોડીને આપણે તો તે બધાથી વધારે મહાન એવો પ્રેમ મેળવવો છે… એવા સેંકડો લોકો છે કે જેઓ ઈશ્વર સિવાય બીજું બધું જેમાં અદૃશ્ય થઈ જાય છે એવી પ્રેમની મસ્તી શોધે છે.

અંતે પ્રેમ, પ્રેમી અને પ્રેમપાત્ર ત્રણેય એક બને છે. એ જ અંતિમ ધ્યેય છે…. આત્મા અને માનવ વચ્ચે; આત્મા અને ઈશ્વર વચ્ચે જુદાપણું કેમ છે? … માત્ર પ્રેમનો આસ્વાદ લેવા માટે જ. ઈશ્વરને પોતાના પ્રેમનો આસ્વાદ લેવાની ઇચ્છા થઈ, તેથી તેણે પોતાને અનેક રૂપે કલ્પીને, જાણે કે, વિભાજિત કર્યો… પ્રેમી કહે છેઃ ‘સૃષ્ટિના નિર્માણનું કારણ આ જ છે. આપણે બધા એક છીએ. ‘હું અને મારા પિતા એક છીએ.’ ઈશ્વર સાથે પ્રેમ કરવા માટે અત્યારે હું જુદો થયો છું…. શું સારું, સાકર બનવું કે સાકર ખાવી? સાકર બનવામાં શી મજા બળી છે? સાકર ખાવી એટલે પ્રેમના અનંત આનંદનો આસ્વાદ લેવો.

પ્રેમના બધા આદર્શો—ઈશ્વરને આપણા પિતા, માતા, મિત્ર કે પુત્ર તરીકે માનવાના બધા ભાવો, આપણી અંદર ભક્તિને દૃઢ બનાવવાના હેતુથી કલ્પાયા છે અને તેનાથી આપણે ઈશ્વરની વધારે નજીક હોઈએ, તેને વધારે પ્રિય હોઈએ, એવું આપણને લાગે છે. સૌથી ગાઢ પ્રેમ સ્ત્રીપુરુષ વચ્ચેનો પ્રેમ છે. ઈશ્વરને એવા ગાઢ પ્રેમથી ચાહવો જોઈએ. સ્ત્રી પોતાના પિતાને ચાહે છે, પોતાની માતાને ચાહે છે, પોતાના બાળકને ચાહે છે, પોતાના મિત્રને પણ ચાહે છે; પણ તે પોતાના પિતા, માતા, બાળક કે મિત્ર પ્રત્યે પોતાને સંપૂર્ણપણે વ્યક્ત કરી શકતી નથી, એક જ વ્યક્તિ એવી છે, જેનાથી તે કશુંય છુપાવતી નથી, પુરુષનું પણ એવું જ છે…. પતિ-પત્નીનો સંબંધ એ સર્વતોમુખી સંબંધ છે. સ્ત્રી-પુરુષના પ્રેમમાં પ્રેમના બીજા બધા પ્રકારો એકત્રિત હોય છે. સ્ત્રીને પતિમાં પિતા, મિત્ર, બાળક બધું જ મળી જાય છે; પતિને પત્નીમાં માતા, પુત્રી અને બીજું બધું મળી જાય છે. સ્ત્રીપુરુષનો આવો જે જબરજસ્ત સંપૂર્ણ પ્રેમ છે તેવો ઈશ્વર માટે પ્રગટવો જોઈએ. કોઈ પણ જાતની લોહીની સગાઈ ન હોવા છતાં સ્ત્રી સંપૂર્ણ નિર્ભયપણે અને વિના સંકોચે પતિ સમક્ષ પોતાના હૃદયને ખુલ્લું મૂકી દે છે. તેવો પ્રેમ ઈશ્વર પ્રત્યે પ્રગટવો જોઈએ. ત્યાં કોઈને અંધારામાં રાખવામાં આવતું નથી. જેમ સ્ત્રી પોતાની જાતથી કશુંય ન છુપાવે તેવી જ રીતે પોતાના પ્રેમીથી પણ કશું જ છુપાવતી નથી; બરાબર આવો જ પ્રેમ ઈશ્વર પ્રત્યે થવો જોઈએ. આ બાબતો સમજવી કઠિન અને મુશ્કેલ છે. ક્રમે ક્રમે તે સમજાશે અને ત્યારે શરીરભેદના બધા વિચારો ઊડી જશે. ‘ઉનાળાના ધોમધખતા બપોરે નદીકિનારે તપતી રેતી પર પાણીનું ટીપું પડે અને અદૃશ્ય થઈ જાય, તેવું જ આપણા જીવનનું અને તેના બધા સંબંધોનું છે.’

‘ઈશ્વર સ્રષ્ટા છે’ વગેરે બધા વિચારો નાનાં બચ્ચાં માટે છે. મારા હૃદયનો તો એ જ પોકાર હોવો જોઈએ કે ‘ઈશ્વર જ મારો પ્રેમી છે, તે જ મારું જીવન છે!. ….

‘મને એક આશા છે. લોકો તને જગતનો નાથ કહે છે અને સારો કે નરસો, નાનો કે મોટો, પણ હું જગતનો એક અંશ છું અને વળી તું મારો પ્રેમપાત્ર પણ છે. મારો દેહ, મારું મન અને મારો આત્મા, એ બધું જ તારી વેદી પર અર્પણ કરું છું. હે પ્રેમસ્વરૂપ! તેનો તું અસ્વીકાર ન કરીશ!’

Total Views: 122
૫. પ્રતીકપૂજા
૭. ભક્તિયોગ