(નવેમ્બર ૧૬, ૧૮૯૫ના રોજ ૮૦ ઓકલી સ્ટ્રીટ, લંડનમાં આપેલા વ્યાખ્યાનની નોંધ)

માનવીને સાક્ષાત્કારનું ઊંડાણ પ્રાપ્ત કરવા માટે પ્રથમ પ્રતીકો અને વિધિઓમાંથી પસાર થવું આવશ્યક છે. તેથી જ અમે ભારતમાં કહીએ છીએ કે ‘સંપ્રદાયમાં જન્મવું સારું છે, પણ તેમાં જ મરવું સારું નથી.’ નાના રોપાનું રક્ષણ કરવા માટે વાડ હોવી જ જોઈએ; પણ રોપો વૃક્ષરૂપે મોટો થાય ત્યારે વાડ અવરોધ રૂપ થાય. તેથી પ્રાચીન વિધિઓની અવગણના કરવાની કે નિંદા કરવાની કંઈ જ જરૂર નથી. આપણે ભૂલી જઈએ છીએ કે ધર્મમાં વિકાસ આવશ્યક છે.

શરૂઆતમાં આપણે ઈશ્વરનો એક વ્યક્તિરૂપે વિચાર કરીએ છીએ; અને તેને સ્રષ્ટા, સર્વશક્તિમાન, સર્વજ્ઞ વગેરે વિશેષણોથી ઓળખીએ છીએ. પરંતુ જ્યારે ઈશ્વર પ્રત્યે પ્રેમ પ્રગટે છે ત્યારે, ઈશ્વર કેવળ પ્રેમ સ્વરૂપ બને છે. પ્રેમી ભક્ત ‘ઈશ્વર શું’ છે તેની પરવા કરતો નથી, કારણ કે તેને ઈશ્વર પાસેથી કંઈ જોઈતું નથી હોતું. એક ભારતીય ભક્ત સંત કહે છેઃ ‘હું ભિખારી નથી!’ ભક્તને ભય પણ નથી હોતો. ઈશ્વરને તે માનવ સ્વરૂપે ચાહે છે.

પ્રેમ ઉપર આધારિત કેટલીક ભક્તિની રીતો અહીં આપવામાં આવે છે.

(૧) ‘શાન્તભાવ’: સામાન્ય, શાંતિપૂર્ણ પ્રેમ; પિતા અને રક્ષણહારના વિચારયુક્ત.

(૨) ‘દાસ્યભાવ’: સેવાનો આદર્શ; ઈશ્વરને શિક્ષા અથવા કૃપા કરનાર પ્રભુ અથવા સરદાર અથવા સમ્રાટ તરીકે જાણવો;

(૩) ‘વાત્સલ્યભાવ’: ઈશ્વરને માતા અથવા બાળક સ્વરૂપે જોવો. ભારતમાં માતા કદી શિક્ષા કરતી નથી. આ દરેક અવસ્થામાં ભક્ત ઈશ્વરનો એક આદર્શ કલ્પે છે અને તેને અનુસરે છે. ત્યાર પછી ઈશ્વર મિત્ર બને છે.

(૪) સખ્યભાવઃ અહીં (સખ્યભાવમાં) ભયને સ્થાન નથી; વળી સમાનતા અને પરિચિતતાનો ભાવ હોય છે. કેટલાક હિંદુઓ એવા છે કે જેઓ ઈશ્વરને સખા અને મિત્ર તરીકે ભજે છે. ત્યાર પછી આવે છે –

(૫) મધુરભાવઃ મધુરમાં મધુર પ્રેમ,પતિપત્ની વચ્ચેનો પ્રેમ. આ ભાવનાં સંત ટેરેસા અને પરમાનંદ પ્રાપ્ત કરનાર સંતો દૃષ્ટાંતરૂપ છે. ઈરાનીઓ (સૂફીઓ) ઈશ્વરને પ્રિયતમારૂપે જુએ છે, જ્યારે હિંદુઓ પતિ રૂપે જુએ છે. આપણે મહારાણી મીરાંબાઈને યાદ કરીએ. તેમનો એવો ઉપદેશ હતો કે ‘દિવ્ય પ્રિયતમ’ જ સર્વસ્વ છે.

કેટલાક તો એટલી હદ સુધી જાય છે કે ઈશ્વરને ‘શક્તિમાન’ અથવા ‘પિતા’ કહેવો એ તેમને ઈશ્વરની નિંદા કરવા જેવું લાગે છે. આ પ્રેમલક્ષણા ભક્તિની ભાષા શૃંગારિક છે; કેટલાક તો અસામાજિક પ્રેમ દર્શાવતી ભાષાનો પણ ઉપયોગ કરે છે. કૃષ્ણ અને ગોપીઓની કથા આ પ્રકારમાં આવે છે. સંભવ છે કે આ બધું ભક્તોને મહાન અધઃપતન તરફ લઈ જતું હોય તેમ તમને લાગે; અને લઈ પણ જાય છે. છતાં ઘણા મહાન સંતો તેમાંથી પાકયા છે. વળી કોઈ પણ માનવીની સ્થાપેલી કોઈ સંસ્થા દુરાવસ્થાથી પર નથી. ભિખારીઓ હોય છે માટે શું તમે રસોઈ જ નથી કરતા? ચોરડાકુઓ હોય તેથી શું તમે કશી મિલકત ભેગી જ નથી કરતા? ‘અરે પ્રિયતમ! તારા હોઠનું એક જ ચુંબન—એક જ આસ્વાદ મેં લીધો અને મને ઘેલો કરી મૂકયો!’

આ વિચારનું પરિણામ એ આવે છે કે માનવી પછી કોઈ પણ સંપ્રદાયની મર્યાદામાં રહી શકે નહિ કે વિધિનિયમો ચાલવા દઈ શકે નહિ. ભારતમાં ધર્મની પૂર્ણતા મુક્તિમાં છે. પરંતુ એ મુક્તિનો પણ ત્યાગ કરવામાં આવે છે; અને સર્વ કંઈ કેવળ પ્રેમની ખાતર પ્રેમ બની જાય છે!

એ સર્વને અંતે આવે છે ‘ભેદાતીત’ પ્રેમ—આત્મપ્રેમ. એક ઈરાની કાવ્યમાં વાર્તા છે. એક પ્રેમીએ આવીને પોતાની પ્રિયતમાનું બારણું ખખડાવ્યું. બાઈએ પૂછ્યુંઃ ‘તું કોણ છો?’ પ્રેમીએ ઉત્તર આપ્યોઃ ‘હું તારો ઓળખીતો પ્રીતમ, અમુક છું.’ જવાબ મળ્યોઃ ‘ચાલ્યો જા! હું એવા કોઈને ઓળખતી નથી!’ આખરે જ્યારે બાઈએ પ્રેમીને ચોથી વાર પૂછ્યું ત્યારે તેણે કહ્યુંઃ ‘હું તારું પોતાનું જ સ્વરૂપ છું, મારી પ્રિયતમા! માટે તું મારે માટે બારણું ઉઘાડ!’ અને તરત બારણું ઉઘાડવામાં આવ્યું.

પ્રેમનું વર્ણન કરતાં પ્રિયતમાના શબ્દો વાપરીને એક મહાન સંત કહે છેઃ ‘ચાર આંખો મળી. બેઉ આત્મામાં પરિવર્તન થયું અને હવે હું તો કહી શકતો નથી કે તું પુરુષ છો અને હું સ્ત્રી છું અથવા તું સ્ત્રી છો અને હું પુરુષ છું. ફક્ત મને આટલું જ યાદ છેઃ બે આત્મા હતા, પ્રેમ પ્રવેશ્યો અને એક જ રહ્યો.’

સર્વોચ્ચ પ્રેમમાં મિલન માત્ર આત્માનું છે. બીજા કોઈ પણ પ્રકારનો સઘળો પ્રેમ ક્ષણિક છે; માત્ર આધ્યાત્મિક પ્રેમ જ ટકે છે અને એનો વિકાસ થાય છે.

પ્રેમ આદર્શને જુએ છે. પ્રેમત્રિકોણનો આ ત્રીજો કોણ છે. ઈશ્વર જ કારણ, કર્તા, પિતા થયેલ છે; પ્રેમ તેની પરાકાષ્ઠા છે. પોતાનું બાળક ખૂંધવાળું છે એ જોઈને માને પ્રથમ તો દુઃખ થાય છે; પણ થોડા દિવસ તેનું લાલનપાલન કર્યા પછી મા તેને ચાહે છે અને તેને સુંદરમાં સુંદર માનવા લાગે છે. પ્રેમી તો ઈથિયોપિયાની (કાળી કુરૂપ સ્ત્રીની) ભ્રમરમાં હેલન (જગતની અતિ સુંદર)નું સૌંદર્ય જુએ છે. ઈથિયોપિયાની ભ્રમર તો માત્ર સૂચનરૂપ છે; પુરુષ તો હેલન ‘જુએ’ છે. જે રીતે કાલુ માછલી રેતીના કણને સુંદર મોતીમાં પલટી નાખે છે તેમ પુરુષનો આદર્શ પ્રતીક વ્યક્તિ પર આરોપાય છે અને તેને આવરી લે છે. આ આદર્શ ઈશ્વર છે, જેના દ્વારા માનવી સઘળું જોતો થાય છે.

આથી આપણે સ્વયંપ્રેમની સાથે જ પ્રેમ કરવા લાગીએ છીએ. આ પ્રેમને વ્યક્ત કરી શકાતો નથી. કોઈ શબ્દો તેનું વર્ણન કરી શકતા નથી. આપણે તેને વિશે મૂંગા બનીએ છીએ.

પ્રેમમાં ઇંદ્રિયો અતિ તીવ્ર બની જાય છે. આપણે યાદ રાખવું જોઈએ કે માનવપ્રેમમાં લક્ષણો ભળેલાં હોય છે; વળી તેનો આધાર સામાની વૃત્તિ પર છે. ભારતીય ભાષામાં પ્રેમના આ પરસ્પર અવલંબનનું વર્ણન કરવાને માટે શબ્દો છે. હલકામાં હલકો પ્રેમ સ્વાર્થી હોય છે; સામો પોતાને ચાહ્યા કરે એ આનંદમાં જ એ સમાઈ જાય છે. ભારતમાં અમે કહીએ છીએઃ ‘એક ગાલ ધરે, બીજું ચુંબન કરે.’ આથી ઊંચી કક્ષા છે પરસ્પરના પ્રેમની; પણ આનો અંત પણ પરસ્પરની ઇચ્છાથી આવે છે. સાચો પ્રેમ સર્વસ્વ આપી જ દે છે. એમાં આપણે સામાને જોવાની લાલસા રાખતા નથી કે આપણી લાગણીને વ્યક્ત કરે એવું કંઈ પણ કરવા માગતા નથી. બસ આપી જ દેવું! આ પ્રકારે કોઈ માનવીની સાથે પ્રેમ કરવો લગભગ અશક્ય છે; પણ ઈશ્વર પ્રત્યે આવો પ્રેમ રાખવો શકય છે.

ભારતમાં શેરીમાં ઝઘડતા છોકરાઓ ‘ભગવાનના સમ’ કહી ઈશ્વરના નામનો ઉપયોગ કરે તો તેથી ઈશ્વરનિંદા થાય છે એવો ખ્યાલ જ નથી. અમે કહીએ છીએઃ ‘અગ્નિમાં તમારો હાથ રાખો; પછી તમને દાઝવાની લાગણી થાય કે ન થાય, પણ હાથ તો બળવાનો જ. તેથી ઈશ્વરના નામનો ઉચ્ચાર કરવાથી શુભ સિવાય બીજું થાય જ નહીં.’

ઈશ્વરનિંદાનો વિચાર યહૂદીઓ પાસેથી આવેલ છે; એ લોકો ઈરાનીઓની વફાદારીના દૃશ્યથી પ્રભાવિત થયેલા હતા. ઈશ્વર ન્યાયાધીશ છે અને શિક્ષા કરનાર છે, એ ભાવનાઓ પોતે ખરાબ નથી; માત્ર તે હલકી કોટિની અને ગ્રામ્ય છે. ત્રિકોણના ત્રણ ખૂણા આ પ્રમાણે છેઃ પ્રેમ કંઈ માગતો નથી; પ્રેમ ભયને જાણતો નથી; પ્રેમ સદા આદર્શ માટે જ હોય છે.

‘જો પ્રેમસ્વરૂપ (ઈશ્વર)થી આ વિશ્વ સભર ભર્યું ન હોય તો એક પળને માટે પણ કોણ જીવી શકત? અરે, શ્વાસ પણ કોણ લઈ શકત?’

આપણને ઘણા ખરાને જણાશે કે આપણે સેવા માટે જ જન્મ્યા છીએ. ફળ તો આપણે ઈશ્વરને જ સોંપી દેવું જોઈએ; કર્મ તો માત્ર ઈશ્વરપ્રેમની ખાતર કરવામાં આવેલ હતું, એટલે જો નિષ્ફળતા મળે તોપણ શોક કરવાની જરાય જરૂર નથી. કર્મ તો માત્ર ઈશ્વરના પ્રેમની ખાતર જ કરવામાં આવેલ હતું.

સ્ત્રીઓમાં માતૃત્વ ખૂબ વિકાસ પામેલું હોય છે. તેઓ ઈશ્વરને બાળસ્વરૂપે ભજે છે. તેઓ તેની પાસેથી કશાની આશા રાખતી નથી; તેને માટે તેઓ સર્વ કંઈ કરી છૂટે છે.

કેથલિક સંપ્રદાય આ ગહન ભાવનાઓમાંથી ઘણા ભાવો શીખવે છે; અને જો કે તે સંપ્રદાય સંકુચિત માનસવાળો છે, છતાં તે ઊંચામાં ઊંચા અર્થમાં ધાર્મિક છે. અર્વાચીન સમાજમાં પ્રોટેસ્ટન્ટ સંપ્રદાય ઉદાર—વિશાળ છે પણ સાથે તે છીછરો છે. સત્ય કેટલો લાભ કરે છે તેનાથી તેનો નિર્ણય બાંધવો, એ તો વૈજ્ઞાનિક શોધની કિંમત એક બાળકને પૂછવા જેટલું જ ખરાબ છે.

આપણે વિકાસ પામીને સમાજમાંથી બહાર નીકળવું જ જોઈએ; નિયમને કચડી નાખીને આપણે નિયમ બહાર નીકળી જઈએ. આપણે પ્રકૃતિને છૂટ આપીએ છીએ તે તેના પર માત્ર વિજય મેળવવા માટે છે. ત્યાગનો સાચો અર્થ એ કે કોઈ પણ માણસ ઈશ્વર અને પૈસો બંનેની એકી સાથે સેવા કરી શકે જ નહીં.

વિચાર અને પ્રેમની તમારી પોતાની શક્તિ કેળવો. તમારા પોતાના કમળને ખીલવો; મધમાખીઓ તો આપમેળે આવી પહોંચશે. પહેલાં તો તમારી જાતમાં શ્રદ્ધા રાખો, ત્યાર પછી ઈશ્વરમાં. મૂઠીભર શક્તિશાળી માણસો જગત આખાને ઉથલાવી નાખવાના. આપણે જરૂર છે લાગણીવાળા હૃદયની, વિચારશીલ મગજની અને કામ કરે તેવા સશક્ત હાથની. બુદ્ધે પ્રાણીઓ માટે પોતાની જાતને સમર્પિત કરી દીધી. તમે તમારી જાતને કાર્ય કરવા માટેનું યોગ્ય સાધન બનાવો. પરંતુ યાદ રાખો કે કરનાર તો ઈશ્વર છે, તમે નહીં. એક માનવીમાં સમસ્ત વિશ્વ સમાયેલું છે, પદાર્થના એક અણુની પાછળ વિશ્વની સર્વશક્તિ સંગ્રહાયેલી છે. તમારા હૃદય અને મન વચ્ચેના મંથન કાળે હંમેશાં હૃદયને અનુસરો.

ગઈ કાલ સુધી સ્પર્ધા એ નિયમ હતો, આજે સહકાર એ નિયમ છે, આવતી કાલે કોઈ જ નિયમ નહીં હોય. સંતો તારી સ્તુતિ કરે અથવા જગત તારી નિંદા કરે, લક્ષ્મી સ્વયં તારી પાસે આવે અથવા નિર્ધનતા અને ચીંથરેહાલ અવસ્થા તારા પર આવી પડે, એકાદ દિવસ ખાવા માટે વનનાં કંદમૂળ મળે અને બીજે દિવસે બત્રીસ ભોજન અને ત્રેસીસ શાક ખાવા મળે, પરંતુ ડાબું કે જમણું કંઈ જોયા વિના તું આગળ ને આગળ વધ્યે જા!

પ્રશ્નોના ઉત્તરરૂપે સ્વામીજીએ પવહારી બાબાની વાત સંભળાવી. પોતાનાં વાસણો ભેગાં કરીને તેઓ કઈ રીતે એકદમ ચોરની પાછળ દોડ્યા, તેનું સ્વામીજીએ વર્ણન કરી છેવટે કહ્યું કે પવહારી બાબા ચોરને પગે પડી કહેવા લાગ્યાઃ ‘હે પ્રભો! મને ખબર ન હતી કે તું અહીં હતો! લઈ જા, પ્રભો! એ બધાં તારાં જ છે! મને, તારા બાળકને, ક્ષમા આપ!’

ફરી તેમણે એ જ સંતની વાત કહી. પવહારી બાબાને એક વખત સખત ઝેરી નાગ ડસેલો. રાત પડતાં જ્યારે તેમને ભાન આવ્યું ત્યારે તેમણે કહ્યુંઃ ‘એ તો મારા પ્રિયતમે મોકલેલો સંદેશવાહક મને મળવા આવ્યો હતો.’

Total Views: 129
૬. દિવ્ય પ્રેમ
૮. ભક્તિયોગ