(નારદ ભક્તિસૂત્રોનો સ્વામીજીએ અમેરિકામાં લખાવેલ ભાવાનુવાદ)

પ્રકરણ પહેલું
૧. ભક્તિ એટલે ઈશ્વર પ્રત્યેનો ગાઢ પ્રેમ.

૨. તે પ્રેમનું અમૃત છે.

૩. તેને પ્રાપ્ત કરવાથી માનવ પૂર્ણ બને છે, અમર બને છે અને કાયમને માટે સંતુષ્ટ થઈ જાય છે.

૪. તે પ્રાપ્ત કર્યા પછી માણસ બીજી કશી ઇચ્છાઓ રાખતો નથી, કશાની ઈર્ષા કરતો નથી, ક્ષુદ્ર અને નાશવંત બાબતોમાં રસ લેતો નથી.

૫. તેનું જ્ઞાન મેળવીને માણસ આધ્યાત્મિકતાથી સભર બને છે, શાંત બને છે અને ઈશ્વરમાં જ આનંદ પામે છે.

૬. કોઈ જાતની ઇચ્છા પૂરી કરવા ભક્તિનો ઉપયોગ ન થઈ શકે. ભક્તિ પોતે જ બધી ઇચ્છાઓ પરનો કાબૂ છે.

૭. સંન્યાસ એટલે લૌકિક અને શાસ્ત્રીય બંને પ્રકારની પૂજાનો ત્યાગ.

૮. જેનો સમગ્ર આત્મા ઈશ્વરમય બને અને ઈશ્વરના પ્રેમની વિરુદ્ધ જે કંઈ જાય તેનો જે ત્યાગ કરે, તે ભક્ત—સંન્યાસી છે.

૯. બીજાં તમામનો આશરો છોડીને તે ઈશ્વરનું જ શરણું લે છે.

૧૦. જ્યાં સુધી માણસનું જીવન સુદૃઢ ન બને ત્યાં સુધી શાસ્ત્રોને અનુસરવાં

૧૧. – નહિતર છૂટને નામે પાપ આચરી બેસવાનો ભય રહે છે.

૧૨. પ્રેમ સ્થિર થયા પછી જીવ ટકાવવા માટે જરૂરી હોય તે સિવાયના બીજા સામાજિક રિવાજોનો પણ ત્યાગ થઈ જાય છે.

૧૩. પ્રેમની ઘણી વ્યાખ્યાઓ છે, પણ પ્રેમનાં આટલાં લક્ષણો નારદ ગણાવે છેઃ જ્યારે બધા વિચારો, વાણી અને કર્મો ઈશ્વરને સમર્પિત કરાય અને ઈશ્વરની ક્ષણિક પણ વિસ્મૃતિ ભક્તને અત્યંત દુઃખી બનાવી મૂકે, ત્યારે હજી ‘પ્રેમની શરૂઆત થઈ ગણાય.’

૧૪. ગોપીઓનો પ્રેમ આવો હતો.

૧૫. કારણ કે તેઓ ઈશ્વરને પોતાના પ્રેમી તરીકે ભજતી હતી છતાં તેનો ઈશ્વરભાવ કદી ભૂલતી નહીં.

૧૬. આમ જો ન હોત તો તેમણે પતિવ્રતાધર્મના ભંગનું પાપ કર્યું હોત.

૧૭. આ ઉત્કૃષ્ટ કક્ષાનો પ્રેમ છે, કારણ કે સર્વ પ્રકારના માનવ પ્રેમમાં હોય છે તેવી બદલાની કોઈ અપેક્ષા તેમાં હોતી નથી.

પ્રકરણ બીજું
૧. ભક્તિ કર્મ કરતાં પણ મહાન છે, જ્ઞાન કરતાં પણ મહાન છે, યોગ (રાજયોગ) કરતાં પણ મહાન છે, કેમ કે ભક્તિ પોતે જ તેનું ફળ છે. ભક્તિ સાધન અને ફળ બંને છે.

૨. ભોજનના કેવળ જ્ઞાન કે દર્શનથી જ માણસની ભૂખ જેમ મટતી નથી, તેમ પ્રેમ સિવાય ઈશ્વરમાં કેવળ જ્ઞાન કે દર્શનથી માણસ સંતોષ પામતો નથી. માટે પ્રેમ જ સર્વોત્તમ છે.

પ્રકરણ ત્રીજું
૧. ઋષિઓએ ભક્તિ વિશે આ પ્રમાણે કહ્યું છેઃ

૨. જેણે ભક્તિ પ્રાપ્ત કરવી હોય તેણે ઇંદ્રિયસુખો અને લોકોનો સંસર્ગ તજવાં જોઈએ.

૩. રાતદિવસ તેણે ફક્ત ભક્તિ વિષે જ વિચાર કરવો જોઈએ; બીજા કશાનો નહીં.

૪. લોકો જ્યાં ઈશ્વર વિશે વાતો કરે કે ઈશ્વરનાં કીર્તન કરે ત્યાં તેણે જવું જોઈએ.

૫. ભક્તિ પ્રાપ્ત કરવાનું મુખ્ય સાધન કોઈ મહાન (કે મુક્ત) આત્માની કૃપા છે.

૬. મહાપુરુષોનો મેળાપ દુર્લભ છે; આવો મેળાપ માનવીનો ઉદ્ધાર કર્યા સિવાય કદી રહેતો નથી.

૭. ઈશ્વરની કૃપાથી જ આવા ગુરુ મળે.

૮. હરિમાં અને હરિના પોતાના જનોમાં કંઈ તફાવત નથી.

૯. માટે એને જ શોધો.

૧૦. હંમેશાં કુસંગથી દૂર રહો.

૧૧. કુસંગથી કામ, ક્રોધ, મોહ પ્રાપ્ત થાય છે, લક્ષ્ય ચૂકી જવાય છે, ઇચ્છાશક્તિનો નાશ થાય છે (સતત કાર્યપરાયણતા રહેતી નથી) અને બધાંનો નાશ થાય છે.

૧૨. આ વિઘ્નો શરૂઆતમાં નાનકડા તરંગ જેવાં હોય છે; પણ કુસંગ તેમને મહાસાગર જેવાં મહાન બનાવે છે.

૧૩. જે નિર્લેપ બને છે, મહાપુરુષોની સેવા કરે છે, એકાંતમાં રહે છે, આ સંસારનાં બંધનો કાપી નાખે છે, પ્રકૃતિના ગુણોથી પર જાય છે અને પોતાના ગુજરાન માટે પણ ઈશ્વર પર આધાર રાખે છે તે જ માયાને તરી જાય છે.

૧૪. જે કર્મનાં ફળ ત્યજે છે, જે સઘળાં કર્મ અને સુખદુઃખના દ્વન્દ્વોને ત્યજે છે અને જે શાસ્ત્રોને પણ છોડી દે છે, તેને જ ઈશ્વરનો અખંડ પ્રેમ પ્રાપ્ત થાય છે.

૧૫. તે આ જીવનસ્રોતને પાર કરી જાય છે અને બીજાંને પાર કરવામાં તે સહાય કરી શકે છે.

પ્રકરણ ચોથું
૧. પ્રેમનો સ્વભાવ અનિર્વચનીય છે.

૨. જેમ મૂંગો માણસ પોતે જે ખાય તેના સ્વાદનું વર્ણન ન કરી શકે પણ અભિનય દ્વારા તેની લાગણીઓ રજૂ થાય, તેવી રીતે માણસ પ્રેમનું વર્ણન શબ્દોમાં ન કરી શકે પણ તેનાં કાર્યો તેને વ્યક્ત કરી દે.

૩. કોઈ કોઈ વિરલ પુરુષોમાં જ તે વ્યક્ત થાય છે.

૪. સર્વ ગુણોથી પર, સર્વ ઇચ્છાઓથી પર અને સદા વર્ધમાન, અસ્ખલિત અને સૌથી સૂક્ષ્મ અનુભૂતિરૂપ પ્રેમ છે.

૫. આવો પ્રેમ માણસ પ્રાપ્ત કરે ત્યારે તે સર્વત્ર પ્રેમ જ જુએ છે, સર્વત્ર પ્રેમ વિશે જ સાંભળે છે, સર્વત્ર પ્રેમ વિશે જ વાત કરે છે, સર્વત્ર પ્રેમ વિશે જ વિચાર કરે છે.

૬. ગુણો અથવા અવસ્થા પ્રમાણે આ પ્રેમ જુદાં જુદાં સ્વરૂપે દેખાય છે.

૭. આ ગુણો છેઃ તમસ (આળસ, જડતા), રજસ (ચંચળતા, પ્રવૃત્તિમયતા) અને સત્ત્વ (પ્રશાંતપણું, પવિત્રતા), ભક્તની અવસ્થાઓ આ પ્રમાણે છેઃ આર્ત (દુઃખી), અર્થાથી (કંઈક માગનારો), જિજ્ઞાસુ (સત્યનો શોધક) અને જ્ઞાની.

૮. આ ગુણો અને અવસ્થાઓમાં આગળના કરતાં પાછળના વધારે ચડિયાતા છે.

૯. ઉપાસનાની સૌથી સહેલી રીત પ્રેમ છે.

૧૦. ભક્તિ પોતે જ પોતાનું પ્રમાણ છે; તેને બીજાં પ્રમાણોની જરૂર નથી.

૧૧. તેનો સ્વભાવ શાંતિમય અને પૂર્ણ આનંદમય છે.

૧૨. ભક્તિ કદાપિ કોઈને હાનિ પહોંચાડવાનો પ્રયત્ન કરતી નથી. પૂજાની લૌકિક રીતોને પણ તે હાનિ પહોંચાડતી નથી.

૧૩. કામ વિષયક વાતો, ઈશ્વર વિશેની શંકાઓ કે પોતાના શત્રુઓ વિશેની વાતો સાંભળવી ન જોઈએ.

૧૪. અહંકાર, અભિમાન વગેરેને તજી દેવાં.

૧૫. જો પેલી કામનાઓ પર કાબૂ ન રાખી શકાય તો ઈશ્વરની કામનાઓ કરો અને તમારા બધાં કર્મો પણ ઈશ્વર ઉપર છોડો.

૧૬. પ્રેમ, પ્રેમી અને પ્રેયસીની ત્રિપુટીને એકાકાર કરી દઈને તેના શાશ્વત દાસ તરીકે ઈશ્વરને ભજવો, તેની શાશ્વત પ્રિયતમા બનીને ભજવો. આવી રીતે ઈશ્વર પ્રત્યે પ્રેમ કરવો છે.

પ્રકરણ પાંચમું
૧. જે પ્રેમ ઈશ્વર પર કેન્દ્રિત થાય છે તે જ શ્રેષ્ઠ છે.

૨. આવા પ્રેમીઓ ઈશ્વર વિશે વાત કરે ત્યારે તેમનો અવાજ ગળગળો થઈ જાય છે, તેઓ આક્રંદ કરે છે, આંસુ વહાવે છે; આવા લોકો જ તીર્થસ્થાનોને તીર્થપણું આપે છે; તેઓ સત્કાર્યોને વધુ સારાં કરે છે, સદ્‌ગ્રંથોને વધારે સુંદર બનાવે છે, કેમ કે તેમનામાં ઈશ્વર ઓતપ્રોત થઈ રહ્યો હોય છે.

૩. જ્યારે કોઈ માણસ આટલી હદ સુધી ઈશ્વરને ચાહે છે ત્યારે તેના પિતૃઓ આનંદ પામે છે, દેવો નૃત્ય કરે છે અને જગતને એક મહાપુરુષ પ્રાપ્ત થાય છે!

૪. આવા પ્રેમીઓને જ્ઞાતિ, લિંગ, જ્ઞાન, આકાર, જન્મ કે સંપત્તિનો ભેદભાવ હોતો નથી.

૫. કારણ કે તેઓ બધા ઈશ્વરના છે.

૬. વાદવિવાદ તજવો.

૭. કેમ કે વાદનો કોઈ અંત નથી, તેનાથી કોઈ સંતોષકારક પરિણામ આવતું નથી.

૮. આવા પ્રેમનું નિરૂપણ કરનારાં પુસ્તકો વાંચવાં, પ્રેમને વધારે તેવાં કૃત્યો કરવાં.

૯. સુખદુઃખ અને લાભહાનિ આદિના વિચારો છોડીને રાતદિવસ ઈશ્વરને જ ભજો. એક ક્ષણ પણ નકામી ન જવા દો.

૧૦. અહિંસા, સત્ય, પવિત્રતા, કરુણા અને દૈવીપણાનું હંમેશાં આચરણ કરો.

૧૧. બીજા બધા વિચારો છોડી દઈને સંપૂર્ણ મનથી દિવસરાત ઈશ્વરને ભજો. આમ દિનરાત ભક્તિ કરવાથી તે પોતાના સ્વરૂપને પ્રગટ કરે છે અને ભક્તને તેનો અનુભવ કરાવે છે.

૧૨. ભૂત, ભવિષ્ય અને વર્તમાનમાં ‘પ્રેમ સૌથી મહાન છે!’

આમ પ્રાચીન ઋષિઓને અનુસરીને અને જગતની હાંસીથી ડર્યા વિના અમે ‘પ્રેમ’ના સિદ્ધાંતનો પ્રચાર કરવાની હિંમત કરી છે.

Total Views: 147
૮. ભક્તિયોગ
પુરોવચન