ગુરુવાર, તારીખ ૧લી ઓગસ્ટ

ખરો ગુરુ તે છે કે જેની દ્વારા આપણને આપણી આધ્યાત્મિક પરંપરા મળે છે. સાચો ગુરુ એક એવી નહેર છે કે જેની દ્વારા આધ્યાત્મિક પ્રવાહ આપણામાં વહેવા લાગે છે, જે સમગ્ર આધ્યાત્મિક જગત સાથે જોડનારી કડી સમાન છે. વ્યક્તિત્વમાં અતિશય શ્રદ્ધા રાખવામાં નિર્બળતા અને મૂર્તિપૂજાની વૃત્તિ પેદા કરવાનું વલણ રહેલું છે; પણ ગુરુ પ્રત્યેનો ગાઢ પ્રેમ ઝડપી વિકાસ શક્ય બનાવે છે, અંતરમાં રહેલા ગુરુ સાથે તે આપણને જોડે છે. જો તમારા ગુરુમાં ખરું સત્ય હોય, તો તેની તમે પૂજા કરજો; તે ગુરુભક્તિ તમને જલદી સર્વોચ્ચ સ્થિતિએ પહોંચાડશે.

શ્રીરામકૃષ્ણની પવિત્રતા બાળકના જેવી હતી. પોતાના જીવનમાં તેમણે કદી પૈસાનો સ્પર્શ કર્યો ન હતો; અને કામવાસનાનો તો તેમણે સમૂળગો નાશ કરી નાખ્યો હતો. ભૌતિક વિજ્ઞાન શીખવા માટે મહાન ધર્મોપદેશકો પાસે ન જશો; તેમની સમગ્ર શક્તિ આધ્યાત્મિક બાબતમાં રોકાઈ ગયેલી હોય છે. શ્રીરામકૃષ્ણમાં માનવી મરી ગયો હતો, અને માત્ર ઈશ્વર રહેલો હતો. તેઓમાં ખરેખર પાપદૃષ્ટિ જ ન હતી. તેઓ અક્ષરશઃ ‘પાપ જોવા કરતાં વધુ શુદ્ધ દૃષ્ટિવાળા હતા.’ આવા થોડા સાધુપુરુષોની પવિત્રતા જ આ દુનિયાને ટકાવી રાખે છે. જો તે બધા મરી જાય અને દુનિયાનો ત્યાગ કરે, તો દુનિયાનો નાશ થઈ જાય. તેઓ પોતાના અસ્તિત્વ માત્રથી જગતનું કલ્યાણ કરે છે. તેઓ પોતે તે જાણતા પણ નથી હોતા; તેઓ તો માત્ર જીવે છે એટલું જ…

* * *

ગ્રંથો આંતર્જ્યોતિના અસ્તિત્વનું સૂચન કરે છે અને તેને બહાર કાઢવાની રીત બતાવે છે. પણ આપણે પોતે જ્યારે આપણા આત્માનું જ્ઞાન મેળવ્યું હોય ત્યારે જ તેમને સમજી શકીએ. જ્યારે તમારામાં અંદરની જ્યોતિનો પ્રકાશ પથરાય ત્યારે પુસ્તકોને છોડી દો અને માત્ર અંદર જ જુઓ. તમારામાં સર્વ કંઈ રહેલું છે અને ગ્રંથોમાં છે તેથી હજારગણું વધારે રહેલું છે. તમે આત્મશ્રદ્ધા કદી પણ ન ગુમાવો; તમે આ જગતમાં ધારો તે કરી શકો. કદી પણ નિર્બળ ન બનો; તમારામાં બધી શક્તિ છે.

જો ધર્મ અને જીવન કોઈ ગ્રંથો કે પેગંબરના અસ્તિત્વ ઉપર આધાર રાખતાં હોય તો ભલે બધો ધર્મ અને બધા ગ્રંથો નાશ પામે! ધર્મ તો આપણી અંદર રહેલો છે; તે મેળવવામાં કોઈ પણ ગ્રંથ કે ગુરુ માત્ર સહાયભૂત બનવાથી વિશેષ કંઈ ન કરી શકે; અરે, તેમના વિના પણ આપણે અંદર રહેલું સર્વ સત્ય મેળવી શકીએ. છતાં પણ ગ્રંથો અને ગુરુઓ માટે કૃતજ્ઞતાની લાગણી રાખો; માત્ર તેમનાથી બંધાઓ નહીં. તમારા ગુરુને ઈશ્વર તરીકે પૂજો, પણ અંધશ્રદ્ધાપૂર્વક તેમનું કહેવું ન માનો; તેમના તરફ પૂર્ણ પ્રેમ ભલે રાખો, પણ વિચાર તો તમારી રીતે જ કરો. કોઈ પણ પ્રકારની અંધશ્રદ્ધા તમારો ઉદ્ધાર કરી નહીં શકે; તમારી મુક્તિ તમે જ સિદ્ધ કરો. ઈશ્વર માટેનો એકમાત્ર વિચાર રાખો કે તે નિત્ય મદદગાર છે.

મુક્તિ અને સર્વોચ્ચ પ્રેમ સાથે સાથે જ રહેવાં જોઈએ; ત્યારે બેમાંનું એક પણ બંધનરૂપ ન થઈ શકે. આપણે ઈશ્વરને કાંઈ પણ આપી ન શકીએ; એ જ આપણને બધું આપે છે. તે ગુરુઓના પણ ગુરુ છે. પછી આપણને પ્રતીત થાય છે કે ઈશ્વર આપણા ‘આત્માઓનો પણ આત્મા’ છે, ખુદ આપણો પોતાનો આત્મા છે. આપણે તેને ચાહીએ તેમાં કોઈ આશ્ચર્ય નથી, કારણ કે તે આપણા આત્માઓનોય આત્મા છે; તેના સિવાય બીજા કોને અગર બીજી કઈ વસ્તુને આપણે ચાહી શકીશું? આપણે પેલી ‘ઉષ્ણતાવિહોણી અને ધુમાડાવિહોણી સ્થિર જ્યોત’ થવું છે. જ્યારે તમે કેવળ ઈશ્વર જ જુઓ, ત્યારે તમે કોનું ભલું કરી શકો? ઈશ્વરનું તો તમે ભલું કરી જ ન શકો! બધા સંશયો દૂર થાય છે, બધું જ ‘સમત્વ’ છે. જો તમે કંઈ પણ ભલું કરો તો તે તમે તમારી જાતનું જ કરો છો. લેનાર ઉચ્ચ છે તેમ અનુભવો. તમે બીજાની સેવા કરો છો તેનું કારણ કે તેના કરતાં તમે નીચા છો, નહીં કે તે નીચો છે અને તમે ઊંચા છો. સુગંધ આપવી એ ગુલાબનો પોતાનો સ્વભાવ છે; ગુલાબ જેમ સુગંધ આપે છે તે પ્રકારે (દાન) આપો; તે સુગંધ આપે છે તેનું તેને જરાય ભાન પણ નથી.

આવી નિઃસ્વાર્થ સેવાનો અદ્‌ભુત દાખલો મહાન હિંદુ સુધારક રાજા રામમોહન રાય હતા. તેમણે પોતાનું આખું જીવન ભારતને સહાયભૂત થવામાં અર્પણ કર્યું હતું. સતીની પ્રથા તેમણે બંધ કરાવી. સામાન્યતઃ એમ મનાય છે કે આ સુધારો સંપૂર્ણ રીતે અંગ્રેજોએ કર્યો; પણ સતીના રિવાજ વિરુદ્ધની ચળવળ રાજા રામમોહન રાયે ઉપાડી હતી અને એ રિવાજને બંધ કરી દેવામાં સરકારની મદદ મેળવવામાં તેઓ સફળ થયા હતા. તેમણે આ ચળવળ શરૂ કરી ત્યાં સુધી અંગ્રેજોએ કંઈ જ કર્યું ન હતું. તેમણે બ્રાહ્મોસમાજ નામની અગત્યની હિંદુ સંસ્થા સ્થાપી અને એક વિદ્યાપીઠ (યુનિવર્સિટી) સ્થાપવા માટે એક લાખ ડોલરનો ફાળો ઉઘરાવ્યો હતો. પછીથી તેઓ તેમાંથી ખસી ગયા અને સંચાલકોને પોતાના વિના જ આગળ વધવાનું કહ્યું. તેમને પોતા માટે નામની કે અંગત લાભની કોઈ પરવા ન હતી.

ગુરુવારે બપોર પછી

મેળામાંના ફાળકા-હીંચકાઓ પેઠે શરીરોની અનંત હારમાળાઓ છે; જાણે કે તેમાં જીવાત્માઓ બેસે છે. જાણે કે આ હારમાળાઓ સનાતન છે; જીવાત્માઓ તેમાંથી નીકળી પડે છે, પણ ઘટનાઓ નિત્ય ફરી ફરીને થયા જ કરે છે; અને આ રીતે ભૂત અને ભવિષ્ય જાણી શકાય છે, કારણ કે સર્વ કંઈ વાસ્તવિક રીતે તો વર્તમાન જ છે. આત્મા જ્યારે એક અમુક પ્રકારના ક્રમમાં હોય ત્યારે તેણે તે ક્રમના અનુભવો લેવા જ પડે છે. એક ક્રમમાંથી આત્માઓ બીજા ક્રમમાં જાય છે; કોઈક ક્રમમાંથી તેઓ પોતે બ્રહ્મ છે એવો સાક્ષાત્કાર થવાથી કાયમને માટે મુક્ત થઈ જાય છે. એક ક્રમની એક પ્રધાન ઘટનાને પકડીને તેને વળગી રહેવાથી ઘટનાની આખી સાંકળ ખેંચી શકાય અને તેને જાણી શકાય. આ શક્તિ સરળતાથી મેળવી શકાય, પણ તેની કંઈ કિંમત નથી; વળી તેનો અભ્યાસ કરવામાં આપણા આધ્યાત્મિક બળનો તેટલો ભાગ વેડફાઈ જાય છે. આ વસ્તુઓની પાછળ ન પડો; ઈશ્વરને ભજો.

શુક્રવાર, તારીખ ૨જી ઓગસ્ટ

નિષ્ઠા (અમુક આદર્શ પ્રત્યેની ભક્તિ) એ સાક્ષાત્કારનો આરંભ છે. ‘બધાં પુષ્પોમાંથી મધ ચૂસો; સૌ સાથે હળીમળીને મૈત્રીભાવ રાખો; સૌને માન આપો; બધાને કહોઃ ‘હા, ભાઈ! હા ભાઈ!’ પણ તમારા પોતાના માર્ગમાં દૃઢ રહો.’ એથીયે એક ઉચ્ચ સ્થિતિ છેઃ સામાની ભૂમિકાનો સ્વીકાર કરવાની. જો હું સર્વ છું તો હું મારા ભાઈ પ્રત્યે સાચી અને સક્રિય સહાનુભૂતિ દર્શાવીને તેની દૃષ્ટિથી શા માટે ન જોઈ શકું? જ્યારે હું નિર્બળ હોઉં, ત્યારે મારે એક જ માર્ગ (નિષ્ઠા)ને વળગી રહેવું એ ઠીક છે; પણ જ્યારે હું સશક્ત હોઉં ત્યારે હું બીજા દરેક સાથે સમાન લાગણી અનુભવી શકું અને તેના વિચારો સાથે સહાનુભૂતિ દાખવી શકું.

જૂનો વિચાર આવો હતોઃ ‘બીજી બધી ભાવનાઓને ભોગે એક જ ભાવનાને વિકસાવો.’ આધુનિક માર્ગ છેઃ ‘સહુ સાથે સુમેળપૂર્વક વિકાસ સાધો.’ એક ત્રીજો માર્ગ છેઃ ‘જાતનો વિકાસ કરીને તેને કાબૂમાં રાખવાનો,’ અને પછી તેને તમારી ઇચ્છા પ્રમાણે લગાડવાનો; આથી પરિણામ ઝડપથી આવશે. સાચામાં સાચી રીતે તમારો વિકાસ આ રીતે છે. એકાગ્રતા શીખો અને ગમે તે દિશાએ તેનો ઉપયોગ કરો. તેમાં તમને કશું નુકસાન નથી. જે આખું મેળવે છે, તેને તેના ભાગો પણ મળે જ. અદ્વૈતવાદમાં દ્વૈતવાદનો સમાવેશ થઈ જ જાય છે.

‘મેં પ્રથમ તેને જોયો અને તેણે મને જોયો.’ ‘મારી આંખમાંથી તેની તરફ અને તેની આંખમાંથી મારી તરફ એક નજરનો ચમકારો ગયો.’

આમ થતાં થતાં અંતે બંને આત્મા એવા એકરૂપ બની ગયા કે ખરેખર તેઓ એક જ થઈ ગયા…

* * *

સમાધિ બે પ્રકારની છેઃ એકમાં હું મારા પોતા પર ચિત્તને એકાગ્ર કરું છું, બીજીમાં હું (અમુક વસ્તુ પર) મન એકાગ્ર કરું છું અને એ એકાગ્રતાને પરિણામે ધ્યાતા અને ધ્યેયનું ઐક્ય થાય છે.

પ્રત્યેક વિગત સાથે સંપૂર્ણપણે સહાનુભૂતિ દર્શાવવાની અને તાબડતોબ સર્વોચ્ચ અદ્વૈતવાદની ભૂમિકાએ કૂદકો મારી પહોંચી જવાની શક્તિ તમારામાં હોવી જોઈએ. પૂર્ણત્વ પામ્યા પછી તમે રાજીખુશીથી મર્યાદિત બનો છો. દરેક કર્મમાં બધી શક્તિ લગાડી દો. થોડા સમયને માટે દ્વૈતવાદી બનવાની અને અદ્વૈતને ભૂલી જવાની અને છતાંય ઇચ્છામાં આવે ત્યારે તેને પાછો સ્વીકારી લેવાની શક્તિ પણ કેળવો.

* * *

કારણ અને કાર્ય એ બધુંય માયા છે; અને આપણો એટલો વિકાસ થશે કે આપણે જે જોઈએ છીએ તે બધું જ જેમ બાળકની પરિકથાઓ અસંબદ્ધ લાગે છે તેમ અસંબદ્ધ લાગશે. સાચી રીતે જોતાં તો કાર્ય-કારણ જેવી કોઈ વસ્તુ જ નથી અને આપણને પણ તે સમજાશે. ત્યાર પછી જો તમારાથી બને તો તમારી બુદ્ધિને એટલી કક્ષાએ ઉતારી લાવો કે જ્યાં કોઈ પણ રૂપકથા તમારા મનમાં સંબદ્ધતાના સવાલ સિવાય જ પસાર થઈ શકે. કલ્પનાસૃષ્ટિ તથા સુંદર કાવ્ય માટે અંતરમાં પ્રેમ વિકસાવો અને પછી બધાં પુરાણોનો કાવ્ય તરીકેનો આનંદ માણો; ઇતિહાસ અને તર્કના વિચારો લઈને પુરાણો પાસે ન જાઓ. પુરાણને એક પ્રવાહ તરીકે તમારા અંતરમાં વહેવા દો. મીણબત્તીને કોણે પકડી છે એ પૂછ્યા વગર મીણબત્તીને તમારી નજર સામે ફરવા દો, એટલે તમને વર્તુળ દેખાશે; તેમ જ પુરાણનો એટલે સત્યનો સાર તમારા મનમાં રહી જશે.

સઘળા પુરાણના લખનારાઓએ તેમણે જે જોયું અને સાંભળ્યું તે વિશે પ્રતીકરૂપે આલેખ્યું; તેઓએ આંખને વળગે તેવાં ચિત્રો દોર્યાં. અંદરના વિષયને જુદો કાઢી લઈને ચિત્રનો એ રીતે નાશ કરવાનો પ્રયત્ન ન કરો. જેમ છે તેમ જ તેમને સ્વીકારો અને તેમની તમારા ઉપર અસર થવા દો. તેમની અસર ઉપરથી જ તેમનું મૂલ્યાંકન કરો અને તેમાંથી સારું હોય તે ગ્રહણ કરો.

* * *

જે કોઈ તમારી પ્રાર્થનાનો ઉત્તર વાળે છે તે તમારી પોતાની ઇચ્છાશક્તિ જ છે. માત્ર દરેક મનને તે જુદા ધાર્મિક વિચારોના વેશમાં દેખાય છે. આપણે તેને ભલે બુદ્ધ, ઈશુ, કૃષ્ણ, જેહોવા, અલ્લાહ, અગ્નિ વગેરે કહીએ; પણ તે માત્ર એક જ આત્મા, ‘अहम्’ છે.

* * *

વિચારો વિકસે છે, પણ જે કાલ્પનિક કથાઓ તેમને રજૂ કરે છે તેમાં કશું ઐતિહાસિક સત્ય નથી. મોઝીઝનાં દર્શનો આપણાં દર્શનો કરતાં વધારે ખોટાં હોવાનો વધુ સંભવ છે, કારણ કે આપણી પાસે વધારે જ્ઞાન છે એટલે ભ્રમણાથી છેતરાવાનો સંભવ ઘણો ઓછો છે.

જ્યાં સુધી આપણો પોતાનો ગ્રંથ ઊઘડે નહીં ત્યાં સુધી અન્ય ગ્રંથો નકામા છે. ત્યાર પછી જેટલા પ્રમાણમાં આપણા ગ્રંથને અનુરૂપ થતા હોય તેટલા પ્રમાણમાં બીજા બધા ગ્રંથો સાચા છે. બળવાન હોય તે બળને સમજી શકે. સિંહની શક્તિ હાથી સમજી શકે, ઉંદર નહીં. જ્યાં સુધી આપણે ઈશુની સમાન ન થઈએ ત્યાં સુધી આપણે ઈશુને કેમ કરીને સમજી શકીએ? બે રોટલાથી પાંચ હજારને ખવડાવવા કે પાંચ રોટલાથી બે માણસને ખવડાવવા તે બધું સ્વપ્નાનો ખ્યાલ છે; બેમાંથી એકેય સાચું નથી અને બેમાંથી એકેય બીજાને કંઈ અસર કરતું નથી. ભવ્યતા જ ભવ્યતાની કદર કરે; ઈશ્વર જ ઈશ્વરને સમજે. સ્વપ્ન એ સ્વપ્નદ્રષ્ટા પોતે જ છે; તેનો બીજો કોઈ આધાર જ નથી. સ્વપ્ન એક અને તેનો દ્રષ્ટા બીજો તેમ નથી. સંગીતમાં ઓતપ્રોત થઈ રહેલા મુખ્ય સ્વર છેઃ ‘सोऽहम्, सोऽहम्’ હું તે છું, હું તે છું.’ બીજા બધા સ્વરો માત્ર વિવિધતાઓ છે અને ખરા વિષયને અસર કરતા નથી. આપણે જ જીવંત ગ્રંથો છીએ અને ગ્રંથો તો માત્ર આપણે બોલ્યા છીએ તે શબ્દો જ છે. સર્વ કંઈ જીવંત ઈશ્વર છે, જીવંત ઈશુ છે, તેવા રૂપે તે સર્વ જુઓ. મનુષ્યને વાંચો; તે જીવંત કાવ્ય છે. જે થઈ ગયા છે તે બધા બુદ્ધો, ઈશુઓ અને બાઇબલોને પ્રકાશિત કરનાર જ્યોતિ આપણે જ છીએ. તે જ્યોતિ વિના તો આપણે મરેલા હોત, જીવંત નહીં.

તમારા પોતાના આત્મા ઉપર નિર્ભર રહો. મૃતદેહ કશાનો પ્રતિકાર કરતો નથી; આપણે આપણાં શરીરોને મૃત બનાવીએ અને તેની સાથે ઐક્ય અનુભવવાનું બંધ કરી દઈએ.

શનિવાર, તારીખ ૩જી ઓગસ્ટ

જે વ્યક્તિઓએ આ જીવનમાં મુક્તિ મેળવવી હોય, તેમણે એક જ જીવનમાં હજારો વર્ષોનું જીવન જીવવું પડે. તેમને પોતાના સમયથી આગળ જવું પડે, પણ જનતા તો માત્ર ધીરી ગતિએ જ ચાલે. ઈશુઓ અને બુદ્ધો આપણને આ રીતે મળ્યા છે…

* * *

એકવાર એક હિંદુ રાણી હતી. તેને એવી ઇચ્છા થઈ કે પોતાનાં બધાં જ સંતાનો આ જીવનમાં મુક્તિ મેળવે. આથી તે જાતે બધાંની સંભાળ લેવા લાગી. તેમને સુવડાવતી વખતે તે તેમની આગળ ‘तत्त्वमसि, तत्त्वमसि।’ તે તું છો, તે તું છો’નું હાલરડું ગાતી. તેમાંના ત્રણ સંન્યાસીઓ થયા, પણ ચોથાને ઉછેરવા માટે અન્ય સ્થળે લઈ જવામાં આવ્યો હતો, કારણ કે તેને રાજા બનાવવો હતો. જ્યારે તેને લઈ જતા હતા ત્યારે માતાએ તેને એક કાગળનો ટુકડો લખીને આપ્યો; એ કાગળ તેણે મોટો થાય ત્યારે વાંચવાનો હતો. આ કાગળની ચબરખી ઉપર લખ્યું હતુંઃ ‘ઈશ્વર એક જ સત્ય છે, બીજું બધું મિથ્યા છે. આત્મા કદીય હણાતો નથી કે હણતો નથી, કાં એકલો રહેજે અગર સાધુના સત્સંગમાં રહેજે.’ જ્યારે તે રાજકુમારે યુવાન થયા પછી તે વાંચ્યું ત્યારે તેણે પણ દુનિયાનો ત્યાગ કર્યો અને સંન્યાસી થઈ ગયો.

ત્યાગ કરો, દુનિયાને છોડો. આપણે અત્યારે રસોડામાં ઘૂસી ગયેલાં કૂતરાં જેવા છીએ. એક માંસનો ટુકડો ખાતા ખાતા ભયથી આમતેમ જોતા રહીએ છીએ કે રખેને કોઈ આવીને હાંકી કાઢે. એમ કરવા કરતાં રાજા બનો અને પૃથ્વીના અધિપતિ તમે જ છો એમ માનો. જ્યાં સુધી તમે દુનિયાને છોડી ન દો અને તે તમને બંધન કરતી બંધ થાય નહીં ત્યાં સુધી આ ભાવ કદીય આવે નહીં. શરીરથી નહીં તો મનથી ત્યાગ કરો; તમારા અંતઃકરણથી પૂરેપૂરો ત્યાગ કરો. વૈરાગ્ય લાવો.

આ જ ખરો યજ્ઞ છે અને તેના સિવાય આધ્યાત્મિકતા પ્રાપ્ત કરવી મુશ્કેલ છે. કોઈ વાતની ઇચ્છા ન રાખો કારણ કે તમે જે ઇચ્છો તે તમને મળશે અને તેની સાથે જ ભયંકર બંધન પણ આવશે. તે ‘આપણા ઉપર નાક ઉગાડવા’ (એક ગરીબ માણસે એક દેવને પ્રસન્ન કર્યા. તે દેવે તેને પાસા આપીને ત્રણ વાર નાખવાથી ત્રણ વરદાન મળશે એમ કહ્યું. રાજી થઈને તે માણસે તે વાત તેની સ્ત્રીને કહી. સ્ત્રીએ પતિને પ્રથમ ધન માગવાનું કહ્યું; પણ પેલાએ કહ્યુંઃ ‘આપણાં નાક નાનાં અને કદરૂપાં છે તેથી લોકો આપણને હસે છે. માટે પહેલાં આપણે સુંદર વળાંકવાળાં નાક માગીએ.’ પણ સ્ત્રીને પ્રથમ ધન જોઈતું હતું, તેથી પતિ પાસો ન ફેંકે તે માટે તેણે તેનો હાથ પકડ્યો. ધણીએ ઝટકો મારી હાથને છોડાવી દીધો અને જલદી પાસો ફેંકીને માગ્યુંઃ ‘હે દેવ! અમને બંનેને સુંદર નાક જ આપ; બીજું કંઈ નહીં.’ તરત જ બંને જણાને આખે શરીરે ઘણાં બધાં સુંદર નાક ઊગી નીકળ્યાં, આથી તો બંનેને નવી ઉપાધિ થઈ, એટલે બીજી વાર પાસો ફેંકીને નાક પાછાં લઈ લેવાનું વરદાન માગવાનું નક્કી કર્યું. આવી માગણી સાથે તેણે પાસા નાખ્યા પણ તે સાથે તેમનાં પોતાનાં અસલ નાક પણ નવાં નાક સાથે ચાલ્યાં ગયાં! હવે શું થાય? હવે તો એક જ વરદાન માગવાનું બાકી રહ્યું હતું. નાક જવાથી તેઓ પહેલાં કરતાં વધારે કદરૂપાં દેખાતાં હતાં. તેમને બંનેને સુંદર નાક જોઈતાં હતાં ખરાં, પણ નવાં સુંદર નાક આવે તેથી તેઓ ડરતાં હતાં, કારણ કે લોકો તેમને પૂછે કે નવાં નાક ક્યાંથી થયાં? અને ખબર પડે ત્યારે ‘ત્રણ વરદાન મળ્યા છતાં સ્થિતિ સુધારી ન શક્યા?’ એમ કહીને તેની હાંસી કરે. તેથી બંનેએ પોતાના અસલનાં કદરૂપાં નાકો પાછાં મેળવવાનું નક્કી કર્યું અને છેલ્લો દાવ નાખીને પોતાનાં જૂનાં કદરૂપાં નાક પાછાં મેળવ્યાં! અને ત્રણે વરદાન આમ વપરાઈ ગયાં.) જેવું છે, બીજું કંઈ નહીં. એક માણસને ત્રણ વરદાન મળ્યાં હતાં, તેના જેવું એ છે. આપણે જ્યાં સુધી આત્મસંતુષ્ટ ન થઈએ ત્યાં સુધી આપણને મુક્તિ કદી નથી મળતી. ‘આત્મા જ આત્માનો ઉદ્ધારક છે, બીજો કોઈ નહીં.’

આપણે બધા એક છીએ તે જાણવા માટે બીજાનાં શરીરમાં પણ આત્મભાવ અનુભવતાં શીખો. બધી નિરર્થક વાતોને ફેંકી દો. સારાં કે ખરાબ કર્મોને થૂંકી કાઢો અને તેના વિશે વિચાર પણ ન કરો. જે થયું તે થયું. વહેમને દૂર કરો. મૃત્યુ સામે આવે ત્યારે પણ નિર્બળતા ન રાખો. પશ્ચાત્તાપ ન કરો, કૃતકર્મ માટે અફસોસ ન કરો તેમજ તમારાં સત્કર્મોને પણ યાદ કર્યા ન કરો. આઝાદ થાઓ. તમે નિર્બળ, ડરપોક અને અજ્ઞાની માણસો આત્માને કદીય પામશો નહીં. તમે કર્યું ન કર્યું નહીં કરી શકો; કર્મનું પરિણામ જરૂર આવશે; તેનો સામનો કરો અને ફરી વખતે તેમ નહીં કરવાની કાળજી રાખો. બધાં કર્મોનો ભાર ઈશ્વર ઉપર છોડી દો; સારું તથા ખરાબ, બધુંય આપી દો. સારું સારું રાખવું અને ખરાબ ખરાબ ઈશ્વરાર્પણ કરવું એમ ન કરો. જેઓ પોતાને સહાય ‘નથી’ કરતા, તેમને ઈશ્વર સહાય કરે છે.

‘તૃષ્ણાનો પ્યાલો પીને જગત ઘેલું બની જાય છે.’ દિવસ અને રાત એક સાથે કદીય નથી આવતાં, તેમ જ તૃષ્ણા અને ઈશ્વર બંને એકી સાથે કદીય ન આવે. તૃષ્ણાનો ત્યાગ કરો.

* * *

‘અન્ન, અન્ન’ એવો પોકાર કરવો અને અન્ન ખાવું તે બંને વચ્ચે, તેમ જ ‘પાણી, પાણી’ એમ કહેવું અને પાણી પીવું તે બંને વચ્ચે મોટો તફાવત છે. એ જ રીતે માત્ર ‘ઈશ્વર, ઈશ્વર’ એ શબ્દ જપ્યા કરવાથી આપણે સાક્ષાત્કારની આશા રાખી શકીએ નહીં. આપણે પ્રયત્ન કરવો જોઈએ, અભ્યાસ કરવો જોઈએ.

મોજું સાગરમાં પાછું પડે ત્યારે જ તે અફાટ સાગર બને છે; મોજા તરીકે તે કદીય સાગર ન બની શકે. મોજું સાગર બની ગયા પછી તરંગ બની શકે છે; અરે, પોતાને મનફાવે તેવું મહાન બની શકે છે. પ્રવાહ સાથેની તમારી એકતા તોડો અને જાણો કે તમે મુક્ત છો.

કેટલાંક સંવેદનોની વ્યવસ્થિત રીતે ગોઠવણી તેનું નામ ખરું તત્ત્વજ્ઞાન. બુદ્ધિનો જ્યાં અંત આવે છે, ત્યાં ધર્મની શરૂઆત થાય છે. પ્રેરણા તર્કથી ઘણી ઉચ્ચ છે, પણ પ્રેરણા બુદ્ધિનો વિરોધ કરે એમ બનવું ન જોઈએ. મુશ્કેલ કામ કરવા માટેનું જાડું હથિયાર તર્ક છે; પ્રેરણા એ સઘળા સત્યને દર્શાવનારો ઉજ્જવળ પ્રકાશ છે. અમુક એક વસ્તુ કરવાની પ્રબળ ઇચ્છા તે ખસૂસ પ્રેરણા જ હોય એવું નથી.

* * *

માયામાં પ્રગતિ તે એક વર્તુળ છે અને તે પાછું તમને આરંભના બિન્દુ ઉપર લાવે છે; પણ તમે શરૂઆત અજ્ઞાની તરીકે કરો છો અને અંતે પૂર્ણ જ્ઞાની બનો છો. ઈશ્વરની ઉપાસના, સંત મહાત્માઓની પૂજા, એકાગ્રતા અને ધ્યાન તથા નિઃસ્વાર્થ કર્મ આ બધાં માયાજાળ તોડીને નીકળવાના રસ્તા છે; પણ પ્રથમ આપણને મુક્ત થવાની તીવ્ર ઇચ્છા હોવી જોઈએ. આપણને અંધકારમાં અજવાળું આપનારો પ્રકાશ આપણી અંદર જ છે; આપણો સ્વભાવ જ જ્ઞાન છે—‘જન્મસિદ્ધ હક્ક’ જેવું કંઈ છે જ નહિ, કારણ કે આપણો કદી જન્મ જ થયો નથી. આપણે જે કાંઈ કામ કરવાનું છે તે આ જ્ઞાનને ઢાંકનારાં વાદળોને હાંકી કાઢવાનું છે.

આ પૃથ્વી ઉપર કે સ્વર્ગમાં ભોગ મેળવવાની સઘળી ઇચ્છાને છોડી દો. ઇંદ્રિયોને કાબૂમાં રાખો અને મનોનિગ્રહ કરો. તમે દુઃખી છો એવો ખ્યાલ રાખ્યા સિવાય બધાં દુઃખો સહન કરો. મુક્તિ સિવાય બીજી કોઈ વાત ન કરો. ગુરુમાં, તેના ઉપદેશમાં અને તમે મુક્ત થઈ શકો તેવી ખાતરીમાં શ્રદ્ધા રાખો. ગમે તે થાય પણ ‘सोऽहम्, सोऽहम्’, બોલ્યા જ કરો. ખાતાંપીતાં, હરતાંફરતાં, દુઃખમાં પણ તમારી જાતને આ કહ્યા કરો. મનને આ નિરંતર કહોઃ ‘જે આપણે જોઈએ છીએ તે અસ્તિત્વ ધરાવતું જ નથી. માત્ર ‘હું’ જ છે.’ એક ચમકારો અને સ્વપ્ન ઊડી જશે! રાત ને દિવસ એવો જ વિચાર કર્યા કરો કે આ વિશ્વ શૂન્ય છે, માત્ર ઈશ્વર જ છે. મુક્ત થવા માટે તીવ્ર ઇચ્છા ધરાવો.

સંબંધીઓ અને મિત્રો બધા માત્ર પુરાણા ‘શુષ્ક કૂવાઓ’ જેવા છે; આપણે તેમાં પડીએ છીએ અને કર્તવ્ય અને બંધનોનાં સ્વપ્નાં સેવીએ છીએ અને એનો કોઈ અન્ત નથી. કોઈને ‘મદદ કરી’ને ભ્રમણા ઊભી ન કરો. એ તો વડના ઝાડ જેવું છે; તેની વડવાઈઓ દ્વારા એ વધતું ને વધતું જ જાય છે. જો તમે દ્વૈતવાદી હો તો ઈશ્વરને મદદ કરવાનો પ્રયત્ન કરવામાં તમે મૂર્ખ બનો છો; જો તમે અદ્વૈતવાદી હો તો તમે જાણો છો કે તમે ઈશ્વર છો અને તો પછી કર્તવ્યને ક્યાં સ્થાન છે? પતિ તરફ, સંતાન તરફ કે મિત્ર તરફ તમારે કશું જ કર્તવ્ય નથી. પરિસ્થિતિ જેમ આવે તેમ સ્વીકારો; નિષ્ક્રિય પડ્યા રહો અને જ્યારે તમારું શરીર તરવા માંડે ત્યારે જવા દો. ભરતી સાથે ઊંચે ચડો અને ઓટની સાથે નીચે પડો. શરીર ભલે મરી જાય. શરીરનો આ વિચાર તે જૂની પુરાણી થઈ ગયેલી વાત છે. ‘ક્રિયારહિત થાઓ અને જાણો કે તમે ઈશ્વર છો.’

વર્તમાનનું જ અસ્તિત્વ છે; ભૂત કે ભવિષ્ય વિચારમાં પણ નથી, કારણ કે ભૂતભવિષ્યનો વિચાર કરવા માટે તેમને વર્તમાન બનાવવા પડે છે. સઘળું છોડી દો અને તેને ઠીક પડે ત્યાં વહ્યે જવા દો. આ જગત આખું એક ભ્રમણા છે; તે ફરી તમને મૂર્ખ ન બનાવે તે જુઓ. તે જે નથી તે સ્વરૂપે તમે તેને જાણ્યું છે; હવે જે તે છે તે સ્વરૂપે તેને જાણો. શરીર જો ક્યાંય પણ ખેંચાય તો ખેંચાયે જવા દો; શરીર ક્યાં છે તેની પરવા કરવી છોડી દો. કર્તવ્યનો આ ત્રાસદાયક વિચાર એક કાતિલ ઝેર છે અને દુનિયાનો નાશ કરે છે.

એક વીણા મળે એની રાહ ન જોતાં તમે ધીરે ધીરે આરામ કરો. વીણા લઈને હમણાં તમે શરૂ જ શા માટે ન કરો? સ્વર્ગે જવાની વાટ શા માટે જુઓ છો? અહીં જ સ્વર્ગ બનાવો. સ્વર્ગમાં નથી પરણવાનું કે નથી પરણાવવાનું. તો પછી તરત જ શરૂઆત શા માટે ન કરવી અને અહીં જ કાં અપરિણીત ન રહેવું? સંન્યાસીનો ભગવો ઝભ્ભો મુક્તિનું ચિહ્ન છે. દુનિયાના ભિખારીનો વેશ છોડી દો; મુક્તિનો ધ્વજ, ભગવો ધારણ કરો.

રવિવાર, તારીખ ૪થી ઓગસ્ટ

‘અજ્ઞાનીઓ જેની પૂજા કરે છે તે વિષે હું તને ઉપદેશ આપું છું.’

આ એક અને એકમાત્ર ઈશ્વર ‘જ્ઞાતનીયે જ્ઞાત વસ્તુ છે’. એક માત્ર એ તત્ત્વને જ આપણે સર્વત્ર જોઈએ છીએ. સૌ પોતાના આત્માને જાણે છે; ‘હું છું’ તે સૌ કોઈ—પશુઓ સુદ્ધાં જાણે છે. આપણે જે કાંઈ જાણીએ છીએ, તે આત્માનો જ વિસ્તાર છે. બાળકોને આ વસ્તુ શીખવો; તેઓ તેને પકડી શકશે. અજાણપણે પણ દરેક ધર્મે આત્માની ઉપાસના કરી છે, કારણ કે આત્મા સિવાય બીજું કંઈ છે જ નહીં.

અહીં જે જીવનને આપણે જાણીએ છીએ તેને અસભ્ય રીતે વળગી રહેવાની વૃત્તિ એ જ સર્વ અનિષ્ટનું મૂળ છે. આ છળકપટ અને ચોરવૃત્તિને એ જ ઉત્પન્ન કરે છે. પૈસાને તે દેવ બનાવે છે અને તેમાંથી બધા દુર્ગુણો અને ભયો ઉત્પન્ન થાય છે. કોઈ ભૌતિક બાબતને કીંમતી ન ગણો, તેમ તેને વળગી પણ ન રહો. જો તમે કશાને—જીવનને પણ—વળગી નહીં રહો તો પછી કોઈ ભયને અવકાશ નથી. ‘આ દુનિયામાં જે બહુત્વને જુએ છે તે એક મૃત્યુમાંથી બીજા મૃત્યુમાં જાય છે.’ આપણે જ્યારે જોઈએ કે સઘળું એક જ છે, ત્યારે આપણે માટે શારીરિક કે માનસિક, કોઈ મૃત્યુ ન હોઈ શકે. બધાં શરીરો મારાં છે; તેથી તે દૃષ્ટિએ શરીર પણ નિત્ય છે, કારણ કે વૃક્ષ, પ્રાણી, સૂર્ય, ચંદ્ર, વિશ્વ પોતે પણ મારું શરીર છે; અને તો તે મરી કેમ શકે? દરેક મન, દરેક વિચાર, મારો છે; તો પછી મૃત્યુ શી રીતે આવે? આત્મા કદીય જન્મતો નથી અને કદીય મરતો નથી. જ્યારે આપણને આની ખાતરી થાય, ત્યારે સઘળા સંશયો દૂર થાય છે. ‘હું છું, હું જાણું છું, હું ચાહું છું,’ આ બધા અનુભવો વિષે કદીય સંશય ન ઊઠે. ભૂખ જેવી વસ્તુ જ નથી કારણ કે જે બધું ખવાય છે તે મારાથી જ ખવાય છે. જો એકાદ વાળ ખરી પડે તો આપણે મરી ગયા તેમ નથી માનતા; એ જ પ્રમાણે જો એક શરીર પડી જાય તો તે માત્ર એક વાળ ખરી પડવા જેવું છે…

* * *

અતિચેતનાવસ્થા—તુરીયાવસ્થા તે ઈશ્વર છે; તે વાણીથી પર છે, વિચારથી પર છે અને ચેતનાથી પર છે… ત્રણ અવસ્થાઓ છેઃ પશુતા (તમોગુણ), માનવતા (રજોગુણ) અને દિવ્યત્વ (સત્ત્વગુણ). સર્વોચ્ચ સ્થિતિએ જેઓ પહોંચે છે તેઓ કેવળ ‘સત્’ સ્વરૂપ જ છે. ત્યાં કર્તવ્ય ભાવના મરી પરવારે છે; તેઓ માત્ર પ્રેમ જ કરે છે અને લોહચુંબકની માફક બીજાને પોતા તરફ ખેંચે છે. આ છે મુક્તિ. તમારે નૈતિક કાર્યો કરવાં પડતાં નથી; તમે જે કાંઈ કરો તે બધું નૈતિક છે. બ્રહ્મવિદ્ (બ્રહ્મને જાણનારો) બધા દેવો કરતાં વધુ ઉચ્ચ છે. જ્યારે ભ્રમણા ઉપર વિજય મેળવીને ઈશુએ કહ્યુંઃ ‘ઓ સેતાન! મારી સામેથી હઠીને પાછળ ચાલ્યો જા.’ ત્યારે ફિરસ્તાએ આવીને તેની પૂજા કરી. બ્રહ્મવિદ્ને કોઈ મદદ ન કરી શકે; વિશ્વ આખું તેની આગળ નમે છે. તેની પ્રત્યેક ઇચ્છા પૂર્ણ થઈ છે; તેનો આત્મા બીજાઓને પવિત્ર બનાવે છે. માટે સર્વોચ્ચ સ્થિતિએ પહોંચવું હોય તો બ્રહ્મવિદ્નું અર્ચન કરો. જ્યારે આપણને ત્રણ મહાન ‘ઈશ્વરી બક્ષિસ’ મળે—મનુષ્યત્વ, મુમુક્ષુત્વ અને માર્ગદર્શન કરાવનાર મહાપુરુષનો સમાગમ—ત્યાર પછી મોક્ષ આપણે માટે ચોક્કસ છે, મુક્તિ આપણી જ છે.

* * *

સદાને માટે દેહવિલય તેનું નામ નિર્વાણ. તે અભાવસૂચક બાજુ છે અને કહે છેઃ ‘હું આ નથી, આ નથી કે પેલું નથી.’ વેદાંત આગળ પગલું ભરે છે અને તે ભાવાત્મક બાજુ પર—મુક્તિ કે મોક્ષ પર—ભાર મૂકે છે. ‘હું કેવળ સત્ છું, કેવળ જ્ઞાન છું, કેવળ આનંદ છું; હું તે છું.’ આ છે વેદાંત, પૂર્ણત્વરૂપી કમાનનો ડાટો—તેનો શિલાકોણ.

ઉત્તર દિશાના બૌદ્ધ ધર્મના મોટા ભાગના અનુયાયીઓ મુક્તિમાં માને છે અને તે રીતે તેઓ વેદાંતીઓ છે. માત્ર લંકાવાસી બૌદ્ધ જ નિર્વાણને વિનાશ તરીકે સ્વીકારે છે.

કોઈ પણ માન્યતા કે માન્યતાનો અભાવ ‘હું’ નો નાશ ન કરી શકે. જે શ્રદ્ધાની સાથે આવે અને અશ્રદ્ધાની સાથે ચાલ્યું જાય તે ભ્રમણા છે. આત્માને કંઈ પણ શીખવતું નથી. ‘હું મારા પોતાના આત્માને જ નમન કરું છું.’ ‘સ્વયં-પ્રકાશિત હું મને જ નમન કરું છું, હું જ બ્રહ્મ છું.’ શરીર એક અંધારી કોટડી છે; આપણે જ્યારે તેમાં પ્રવેશ કરીએ ત્યારે તે પ્રકાશિત થાય છે, જીવંત બને છે. રોશનીને કંઈ પણ કદી અસર કરી શકે નહીં; તેનો નાશ કરી શકાય નહીં. તે ઢંકાય ભલે, પણ તેનો નાશ કદી ન કરી શકાય.

* * *

અત્યારના કાળમાં ઈશ્વરમાં ‘માતા’ તરીકે—અનંત શક્તિ તરીકે ઉપાસના કરવી જોઈએ. આથી પવિત્રતા આવશે અને અહીં અમેરિકામાં જબરદસ્ત શક્તિ આવશે. અહીં કોઈ પુરોહિતનો વર્ગ આપણને દાબી દેવા માટે નથી, તેમ જ ગરીબ દેશની પેઠે કોઈ દુઃખી પણ નથી. અનેક યુગોથી સ્ત્રી જાતિ સદા સહન કરતી આવી છે; તેથી તેનામાં અખૂટ ધીરજ અને ખંત આવ્યાં છે. એક ભાવનાને તે વળગી રહી શકે છે. આને લીધે જ તે દરેક દેશમાં વહેમ ભરેલા ધર્મોનો અને પુરોહિતોનો આધાર બની છે અને આથી જ તે મુક્ત બનશે. આપણે વેદાંતી બનવાનું છે અને આ ભવ્ય વિચારને જીવનમાં ઉતારવાનો છે. જનતાને તે મળવો જોઈએ અને માત્ર સ્વતંત્ર અમેરિકામાં જ આ થઈ શકે તેમ છે. ભારતમાં બુદ્ધ, શંકર અને બીજી એવી વ્યક્તિઓએ આ વિચારોને રજૂ કર્યા પણ જનતા તેને પકડી રાખી ન શકી. નવા યુગમાં જનતા વેદાંતમય જીવન જીવે તે જોવું જોઈએ; અને તે સ્ત્રીઓ દ્વારા આવવું જોઈશે.

‘કાળજીપૂર્વક તમારા અંતઃકરણના ઊંડામાં ઊંડા ભાગમાં પ્રિય અને સુંદર ‘માતા’ને રાખો.’

‘જીભ સિવાય બધું ફેંકી દો; માત્ર જીભને ‘મા’ ‘મા’ પોકારવા રાખી મૂકો!’

‘કોઈ દુષ્ટ સલાહકારોને અંદર પેસવા ન દો. મારા હૃદય! તું અને હું માત્ર ‘મા’ને દેખીએ.’

‘જે કંઈ જીવંત છે તે સર્વથી તું પર છે! મારા જીવનના ચંદ્ર! મારા આત્માના આત્મા!’

રવિવાર, બપોર

જેવી રીતે શરીર મનના હાથમાંનું સાધન છે, તેવી રીતે મન આત્માના હાથમાંનું સાધન છે. જડ પદાર્થ એ બહારની બાજુની ગતિ છે, મન એ અંદરની બાજુની ગતિ છે. દરેક પરિવર્તનનો આદિ અને અંત, કાળની અંદર જ થાય છે. આત્મા જો પરિવર્તનરહિત હોય તો તે પૂર્ણ હોવો જોઈએ; જો પૂર્ણ હોય તો તે અનંત હોવો જોઈએ; અને જો તે અનંત હોય તો તે એક જ હોવો જોઈએ; અનંત બે ન હોઈ શકે. તેથી આત્મા એક જ હોઈ શકે. જો કે તે વિવિધરૂપે દેખાય છે, છતાં ખરેખર તે એક જ છે. જો મનુષ્ય સૂર્ય તરફ જાય તો પ્રત્યેક પગલે તે જુદો સૂર્ય જોશે અને છતાં પણ સૂર્ય તો તે એક જ છે.

अस्ति, ‘હોવાપણું’ બધી એકતાનો પાયો છે; અને પાયો મળી આવે એટલે તરત જ પૂર્ણતા આવે છે. જો બધા રંગોને એક જ રંગમાં લાવી શકાય તો ચિત્રકામ જ અટકી જાય. સંપૂર્ણ ઐકય એ વિરામ છે. આપણે બધી અભિવ્યક્તિઓથી એક જ સત્તાને સૂચિત કરીએ છીએ. તાઓ ધર્મના અનુયાયીઓ, કોન્ફયુશિયસના અનુયાયીઓ, બૌદ્ધો, હિંદુઓ, યહૂદીઓ, મુસ્લિમો, ખ્રિસ્તીઓ, જરથુષ્ટ્રના અનુયાયીઓઃ બધાએ આ સોનેરી ઉપદેશ કર્યો અને લગભગ એક જ શબ્દમાં માત્ર હિંદુઓએ જ તેને તર્કશુદ્ધ ભૂમિકા આપી, કારણ કે તેઓએ તેના કારણને જોયુંઃ માણસે બીજાઓને ચાહવા જોઈએ, કારણ કે તે બીજાઓ તે પોતે જ છે. સઘળું કેવળ એક જ છે.

દુનિયાએ જાણેલા બધા મહાન ધર્મગુરુઓમાંથી માત્ર લાઓત્સે, બુદ્ધ અને ઈશુ જ પેલા સોનેરી નિયમથી પર ગયા અને કહ્યુંઃ ‘તમારા શત્રુઓનું ભલું કરો’; ‘જેઓ તમને ધિક્કારે તેમનું ભલું કરો.’

સિદ્ધાંતો અસ્તિત્વમાં હોય જ છે; આપણે તેમને નવા ઊભા કરતા નથી, માત્ર તેમને શોધી કાઢીએ છીએ… ધર્મ એકમાત્ર સાક્ષાત્કારમાં જ સમાયેલો છે. વાદો એ પદ્ધતિઓ છે, ધર્મ નથી. બધા જુદા જુદા ધર્મો જુદી જુદી પ્રજાઓની આવશ્યકતાઓને અનુકૂળ થવા માટે સંકલિત કરાયેલા એક જ ધર્મનાં વ્યવહારુ સ્વરૂપો માત્ર છે. સિદ્ધાંતો કેવળ ઝઘડાઓ ઉત્પન્ન કરે છે અને આમ ઈશ્વરનું જે નામ શાંતિ લાવનાર હોવું જોઈએ તે દુનિયાના અર્ધા રક્તપાતનું કારણ બન્યું છે. સીધા મૂળ પર જ જાઓ. ઈશ્વરને જ પૂછો કે તું કોણ છો? જો જવાબ ન આપે તો તેનું અસ્તિત્વ જ નથી; પણ દરેક ધર્મ શીખવ્યા કરે છે કે ઈશ્વર ઉત્તર આપે છે.

કહેવા જેવું કંઈક તમારા પોતાને માટે પણ રાખો, નહીં તો બીજાઓએ શું કહ્યું છે તેનો તમને ખ્યાલ શી રીતે આવી શકે? જૂના વહેમોને વળગી ન રહો; નવાં સત્યો માટે સદાય તૈયાર રહો. ‘જેઓ પોતાના બાપદાદાએ ખોદેલા કૂવામાંથી ખારું પાણી પીએ અને બીજાઓએ ખોદેલા કૂવામાંથી શુદ્ધ પાણી ન પીએ તેઓ મૂર્ખાઓ છે.’ જ્યાં સુધી આપણે પોતે ઈશ્વરનો સાક્ષાત્કાર ન કરીએ ત્યાં સુધી તેના વિશે આપણે કંઈ જ ન જાણી શકીએ. દરેક માણસ મૂળે તો પોતે પૂર્ણ છે; મહાપુરુષોએ આ પૂર્ણતા પ્રકટ કરી છે, પણ આપણામાં તે ગુપ્ત રહેલી છે. જો આપણે ઈશ્વરને ન જોઈએ તો મોઝીઝે ઈશ્વરને જોયો તે આપણે કેમ સમજી શકીએ? જો ઈશ્વર કોઈકને પણ કદી મળ્યો હોય તો તે મને પણ મળે જ. હું સીધેસીધો જ ઈશ્વર પાસે જઈશ; મને તેની સાથે વાત કરવા દો. હું કોઈ માન્યતાને ભૂમિકા તરીકે નહિ સ્વીકારું; તે તો નિરીશ્વરવાદ અને ઈશ્વરનિંદાનું પાપ થાય. જો ઈશ્વર બે હજાર વર્ષ પૂર્વે અરબસ્તાનના રણમાં એક મનુષ્ય સાથે બોલ્યો હોય તો તે આજે મારી સાથે પણ બોલે જ; નહિ તો ઈશ્વર મરી નથી ગયો તે હું કેમ જાણી શકું? તમારાથી બને તે રસ્તે ઈશ્વર તરફ આવો; માત્ર તમે આવો. પણ આવતાં આવતાં કોઈને ધક્કો મારીને પાડી ન દો.

જ્ઞાની લોકોએ અજ્ઞાનીઓ પ્રત્યે દયા રાખવી જોઈએ. જે જ્ઞાની છે તે એક કીડી માટે પણ પોતાનો દેહ આપવા તૈયાર થાય છે, કારણ કે તે જાણે છે કે શરીર કંઈ નથી.

સોમવાર, તારીખ ૫મી ઓગસ્ટ

પ્રશ્ન એ છેઃ સર્વોચ્ચ સ્થિતિએ પહોંચવા માટે બધી નીચલી અવસ્થાઓમાંથી પસાર થવું જરૂરી છે કે એકદમ કૂદકો મારી શકાય છે? આધુનિક અમેરિકન જીવન, જે મેળવતાં તેના બાપદાદાને સેંકડો વર્ષો લાગ્યાં હતાં તે પચીસ વર્ષમાં મેળવે છે; આજનો હિંદુ તેના પૂર્વજોએ જે ઉચ્ચ ભૂમિકા ઉપર પહોંચતાં આઠ હજાર વર્ષો લીધાં હતાં, તે વીસ વર્ષમાં મેળવી શકે છે. ભૌતિક બાજુએ, ગર્ભાશયમાં હોય છે ત્યારે જ ગર્ભ પ્રારંભિક જીવકોષ (અમીબા Amoeba)થી માંડીને માનવ સુધીની અવસ્થામાં પસાર થાય છે. આધુનિક વિજ્ઞાન આ શીખવે છે. વેદાંત તેથી વધુ આગળ જાય છે અને કહે છે કે આપણે કેવળ ભૂતકાળની સમગ્ર માનવજાતનું જીવન જીવવું પડે છે તેટલું જ નહિ પણ ભવિષ્યની સમગ્ર માનવજાતનું જીવન પણ જીવવું પડે છે. જે મનુષ્ય ભૂતકાળની સમગ્ર માનવજાતનું જીવન જીવે છે તે શિક્ષિત મનુષ્ય છે; બીજો ભાવિ માનવજાતનું જીવન જીવનારો મનુષ્ય જીવનમુક્ત છે, સદાને માટે મુક્ત છે (જીવિત હોવા છતાં).

કાળ એ માત્ર આપણા વિચારોનું માપ છે; અને કલ્પના પણ ન કરી શકીએ એટલો ત્વરિત વિચાર હોવાથી આપણે ભાવિ જીવન કેટલી ઝડપથી જીવી શકીએ તેની કોઈ મર્યાદા જ નથી. તેથી સમગ્ર ભાવિ જીવન જીવવા માટે કેટલો સમય જોઈશે તે કહી શકાય નહિ. તે એક ક્ષણમાં પણ બને અને પચાસ જન્મો પણ લાગે. ઇચ્છાની ઉત્કટતા ઉપર તેનો આધાર છે. માટે ઉપદેશ લેનારની જરૂરિયાત મુજબ ઉપદેશને તેને અનુરૂપ બનાવવો જોઈએ. ભડભડ બળતો અગ્નિ સૌને માટે તૈયાર છે; એવો કે પાણી અને બરફનાં ચોસલાં પણ તેમાં જલદી ભરખાઈ જાય. ગોળીઓની રમઝટ બોલાવો; તેમાંની એકાદી લક્ષ્યને લાગી જ જશે. માણસને સત્યોનું એક આખું સંગ્રહસ્થાન આપો; તે તરત જ પોતાને જે માફકનું હશે તે લેશે. ભૂતકાળનાં જીવનોએ આપણી વૃત્તિઓને ઘડી હોય છે; શિષ્યને તેના વલણ પ્રમાણે જ આપો. બૌદ્ધિક, યૌગિક, ભક્તિમય, વ્યાવહારિક—ગમે તે એકને ભૂમિકા બનાવો, પણ બીજીઓને પણ તેની સાથે શીખવો. પ્રેમ સાથે બુદ્ધિની સમતુલા જાળવવી જોઈએ, યોગાનુભવની સમતુલા તર્ક સાથે જાળવવી જોઈએ, જ્યારે તાલીમ એ દરેક રીતનો એક ભાગ બનવી જોઈએ. જે જ્યાં ઊભેલ હોય ત્યાંથી લઈને તેને આગળ ધપાવો. ધાર્મિક શિક્ષણ સર્વદા રચનાત્મક હોવું જોઈએ, ખંડનાત્મક નહિ.

દરેક વૃત્તિ ભૂતકાળમાં કરેલાં કાર્યોનું વલણ, એટલે કે જે રેખા યાને ત્રિજયા અનુસાર માણસે ચાલવું જોઈએ તે બતાવે છે. બધી ત્રિજયાઓ મધ્યબિંદુ તરફ જ દોરી જાય છે. બીજાની વૃત્તિઓને ખલેલ પહોંચાડવાનો પ્રયત્ન કદી ન કરો, એવું કરવું તે શિષ્ય અને ગુરુ બંનેને પાછા પાડે છે. જ્યારે તમે ‘જ્ઞાન’નો ઉપદેશ કરો ત્યારે તમારે ‘જ્ઞાની’ થવું જોઈએ અને માનસિક રીતે જે ભૂમિકાએ શિષ્ય હોય, બરાબર તે જ ભૂમિકાએ તમારે ઊભા રહેવું જોઈએ. તે જ પ્રમાણે બીજા બધા યોગોમાં સમજવું. શિષ્યમાં જાણે કે તે એક જ વૃત્તિ હોય તેવી રીતે દરેક વૃત્તિનો વિકાસ કરો; સમન્વયયુક્ત વિકાસનું સાચું રહસ્ય આ છે. એટલે કે ગહનતાની સાથે વિશાળતા કેળવો પણ તે ગહનતાને ભોગે નહિ. આપણે અનંત છીએ. આપણામાં કશી મર્યાદા નથી. ચુસ્તમાં ચુસ્ત મુસલમાન જેવા જ આપણે ચુસ્ત થઈ શકીએ અગર બહુ ગર્જના કરતા નિરીશ્વરવાદી જેવા વિશાળ પણ આપણે થઈ શકીએ.

આ કરવાનો માર્ગ મનને કોઈ એક વિષય ઉપર મૂકવાનો નથી. પણ મનનો પોતાનો વિકાસ અને નિગ્રહ કરવાનો છે, ત્યાર પછી તમે તેને તમને ઠીક પડે તે બાજુ ફેરવી શકશો. આ રીતે તમે ગહનતા અને વિશાળતા બંને જાળવી શકશો. જ્ઞાનમાર્ગનું અવલંબન કરતા હો ત્યારે એમ જાણો કે જ્ઞાન સિવાય બીજું કાંઈ છે નહિ; ત્યાર પછી ભક્તિયોગ, રાજયોગ તથા કર્મયોગ વિષે પણ એ જ રીત અખત્યાર કરો. તરંગોને છોડીને તમે સાગર તરફ જાઓ; પછી તમને પસંદ પડે તેવી રીતના તરંગો રાખી શકો. તમારા પોતાના મનરૂપી ‘સરોવર’નો નિગ્રહ કરો, નહિ તો તમે બીજાના મનરૂપી સરોવરને સમજી નહિ શકો.

ખરો ગુરુ તે જ છે કે જે પોતાની સઘળી શક્તિ પોતાના શિષ્યની વૃત્તિમાં રેડી શકે. સાચી સહાનુભૂતિ સિવાય આપણે સારી રીતે શીખવી શકીએ નહિ. માણસ જવાબદાર વ્યક્તિ છે તે ખ્યાલ મૂકી દો; કેવળ પૂર્ણ મનુષ્ય જ જવાબદાર છે. અજ્ઞાનીઓએ તો ભ્રમનો પ્યાલો પૂરેપૂરો પીધો છે અને મગજ ઠેકાણે નથી. પરંતુ તમે જે ‘જ્ઞાની’ છો; તેમણે તો આ અજ્ઞાનીઓ સાથે અખૂટ ધીરજથી કામ લેવું જોઈએ. તેમના વિષે પ્રેમ સિવાય બીજી કોઈ લાગણી ન રાખો અને જે રોગને લીધે તેઓ જગતને ખોટી દૃષ્ટિથી જુએ છે તે રોગને શોધી કાઢીને તેમને સાજા થવામાં અને સાચી દૃષ્ટિએ જોવામાં મદદ કરો. હંમેશાં યાદ રાખજો કે જે મુક્ત હોય તેને જ સ્વતંત્ર ઇચ્છાશક્તિ હોઈ શકે. બીજા બધા બંધનમાં છે; તેઓ પોતે જે કરે છે તેને માટે તેઓ જવાબદાર નથી. ઇચ્છાશક્તિ ઇચ્છારૂપે બદ્ધ જ છે. હિમાલયના શિખર પરના બરફનું પ્રવાહી બનતું જળ સ્વતંત્ર છે,પણ નદી બનતાં તે કિનારાઓથી બદ્ધ છે; છતાં પ્રારંભિક વેગ તેને સમુદ્રમાં લઈ જાય છે અને ત્યાં તે પોતાનું સ્વાતંત્ર્ય પુનઃ પ્રાપ્ત કરે છે. પ્રથમ અવસ્થા છે ‘આદિ માનવનું પતન’ અને બીજી અવસ્થા છે ‘પુનરુત્થાન.’ એક પણ અણુ જ્યાં સુધી મુક્ત ના થાય ત્યાં સુધી સ્વસ્થ રહી શકે નહીં.

કેટલીક કલ્પનાઓ બીજી કલ્પનાઓનાં બંધનો તોડવામાં મદદગાર બને છે. જો કે આખું વિશ્વ એક કલ્પના જ છે, છતાં એક પ્રકારની કલ્પનાઓ બીજા પ્રકારની કલ્પનાઓમાંથી બચાવી લેશે. જે કલ્પનાઓ આપણને કહે છે કે દુનિયામાં પાપ, શોક અને મૃત્યુ છે, તે કલ્પનાઓ ભયંકર છે; પણ બીજા પ્રકારની કલ્પનાઓ કે જે હંમેશાં એમ કહે છે કે ‘હું પવિત્ર છું; ઈશ્વર છે; દુઃખ જેવું કંઈ નથી’ તે કલ્પનાઓ સારી છે અને બીજાનાં બંધન તોડવામાં મદદ કરે છે. આ સાંકળની સઘળી કડીઓ તોડી શકે એવી સર્વોચ્ચ કલ્પના છે વ્યક્તિરૂપ ઈશ્વરની.

માયાથી પર એવી એકમાત્ર વસ્તુ છે ॐ तत्सत्. પણ ઈશ્વર નિત્ય છે. જ્યાં સુધી નાયગરાનો ધોધ હયાત છે ત્યાં સુધી મેઘધનુષ્ય રહેવાનું જ; પણ પાણી તો નિરંતર વહી જ જાય છે. વિશ્વ તે ધોધ છે, વ્યક્તિરૂપ ઈશ્વર તે મેઘધનુષ્ય છે અને બંને નિત્ય છે. જ્યાં સુધી વિશ્વ છે, ત્યાં સુધી ઈશ્વર છે જ. ઈશ્વર સૃષ્ટિનું સર્જન કરે છે, સૃષ્ટિ ઈશ્વરને બનાવે છે અને બંને નિત્ય છે. માયા એ નથી અસ્તિ કે નથી નાસ્તિ. નાયગરાનો ધોધ અને મેઘધનુષ્ય બંને નિત્ય પરિણામી છે, એટલે કે માયા દ્વારા દેખાતું બ્રહ્મ છે. ઈરાનીઓ અને ખ્રિસ્તીઓ માયાને બે ભાગમાં વહેંચી નાખે છે; સારા અર્ધા ભાગને ‘ઈશ્વર’ કહે છે અને ખરાબ અર્ધા ભાગને ‘શેતાન’ કહે છે. વેદાંત માયાને સમગ્રરૂપે લે છે અને તેની પેલી પારની એકતારૂપે બ્રહ્મને સ્વીકારે છે…

* * *

મહંમદ સાહેબે જોયું કે ખ્રિસ્તી ધર્મ સેમિટિક સંપ્રદાયમાંથી ખસી જાય છે; એટલે સેમિટિક ધર્મ તરીકે ખ્રિસ્તી ધર્મ કેવો હોવો જોઈએ; તથા એક જ ઈશ્વરને તેણે વળગી રહેવું જોઈએ તે બતાવવા માટે તેમણે ઉપદેશ આપ્યો. ‘હું અને મારા પિતા એક જ છીએ’ એ આર્ય ભાવના તેમને ખરાબ અને ભયંકર લાગતી. વાસ્તવમાં મનુષ્યથી સદાય ભિન્ન, જેહોવાહની દ્વૈતવાદની ભાવનાથી ત્રિમૂર્તિની ભાવના ઘણી જ આગળ પડતી હતી. ઈશ્વર અને મનુષ્યની એકતાના સ્વીકાર તરફ લઈ જનારા વિચારોની પરંપરામાં અવતારવાદ એ પ્રથમ કડી છે. પ્રથમ એ માનવશરીરમાં પ્રકટ થતો ઈશ્વર, પછી જુદે જુદે સમયે જુદાં જુદાં મનુષ્યરૂપો ધારણ કરીને ફરી પ્રગટ થતો ઈશ્વર અને છેવટે બધાં માનવરૂપોમાં રહેલા અગર બધા માનવીઓમાં રહેલા તરીકે ઈશ્વર સ્વીકારવામાં આવ્યો. અદ્વૈતવાદ સર્વોચ્ચ ભૂમિકા છે; એકેશ્વરવાદ એ નીચેની ભૂમિકા છે. કલ્પના તમને તર્ક કરતાંયે વધારે ઝડપથી અને સહેલાઈથી સર્વોચ્ચ અનુભવે લઈ જશે.

ભલે થોડા લોકો સંસારથી બહાર નીકળી પડે અને એકલા ઈશ્વર માટે જ જીવે અને જગતને માટે ધર્મનું રક્ષણ કરે. જ્યારે માત્ર ભ્રમણાના જ ‘જનક’ હો ત્યારે (રાજા) જનક જેવા થવાનો ડોળ ન કરો. (જનક શબ્દનો અર્થ થાય છે ‘ઉત્પાદક’; વળી તે એક રાજાનું નામ પણ હતું. એ રાજા પ્રજાને માટે રાજ્ય કરતા હતા, છતાં તેમણે સર્વસ્વનો મનથી ત્યાગ કર્યો હતો.) પ્રામાણિક બનો અને કહો કે ‘આદર્શને હું જોઉં છું, છતાંય હું તેને પહોંચી શકતો નથી.’ પણ તમે જ્યારે ત્યાગ કરી શકતા ન હો, ત્યારે ત્યાગ કરવાનો ડોળ ન કરો. જો ત્યાગ કરો જ તો તેને દૃઢતાથી વળગી રહો. યુદ્ધમાં સેંકડો ખુવાર થાય તોપણ ધ્વજ પકડી રાખો અને તેને આગળ લઈ જાઓ; કોણ નિષ્ફળ નીવડે છે તેની કોઈ પરવા ન રાખો. ઈશ્વર તો સત્ય જ છે. જે પડે તે ધ્વજને આગળ લઈ જવા માટે અન્યને સોંપે; ધ્વજ કદીયે નીચે પડવો ન જોઈએ.

જો હું નાહીધોઈને શુદ્ધ બન્યો હોઉં તો મારામાં અશુદ્ધિ શા માટે ઉમેરાય? સ્વર્ગનું સામ્રાજ્ય પ્રથમ શોધો; બીજું બધું જવા દો. ‘તમારામાં ઉમેરો કરવામાં આવે તેવું’ કાંઈ જ ન ઇચ્છો; ઊલટું એનાથી છૂટો એટલે રાજી થાઓ. ત્યાગ કરો; પછી નક્કી જાણજો કે ભલે તમે જાતે સફળતા કદી ન જુઓ, તોપણ તે જરૂર આવવાની. ઈશુ કેવળ બાર જ માછીમારોને પાછળ રાખી ગયા હતા છતાં એ થોડાઓએ રોમન સામ્રાજ્યને ઉડાડી મૂક્યું.

પૃથ્વી પરનું જે પવિત્રમાં પવિત્ર અને શ્રેષ્ઠ હોય તેનું ઈશ્વરની વેદી ઉપર બલિદાન આપો. કદીય પ્રયત્ન નહિ કરનાર કરતાં જે પ્રયત્ન કરે છે તે સારો છે. જેણે ત્યાગ કર્યો છે તેના દર્શનમાત્રથી પણ પાવનકારી અસર થાય છે. ઈશ્વરને માટે ખડા રહો; દુનિયાને જવા દો. કશી બાંધછોડ ન કરો. દુનિયા છોડો, તો જ તમે દેહમાંથી છૂટા થશો; જ્યારે દેહ પડશે, ત્યારે તમે ‘આઝાદ’ થશો. મુક્ત બનો. એકલું મૃત્યુ જ આપણને કદી મુક્ત નહિ કરી શકે. જીવન દરમિયાન આપણા પોતાના પ્રયાસોથી જ મુક્તિ મેળવવી જોઈએ; પછી જ્યારે શરીર પડે ત્યારે મુક્ત પુરુષને માટે પુનર્જન્મ રહેશે નહિ.

સત્યનો ન્યાય સત્યથી જ થવો જોઈએ, બીજા કશાથી નહિ. સારું કરવું તે સત્યની કસોટી નથી; સૂર્યને જોવા માટે કોઈ મશાલની જરૂર હોતી નથી. સત્ય જો આખા વિશ્વનો વિનાશ કરી નાખે તોપણ તે સત્ય જ છે; તેને વળગી રહો.

ધર્મનાં સ્થૂળ સ્વરૂપોનું આચરણ સહેલું છે અને જનતાને આકર્ષે છે; પણ ખરી રીતે બાહ્ય રૂપમાં કંઈ જ નથી હોતું.

‘જેમ કરોળિયો પોતાની જાળ પોતામાંથી રચે છે અને પાછી પોતામાં ખેંચી લે છે, તેમ આ વિશ્વ ઈશ્વરમાંથી સર્જાય છે અને પાછું તેનામાં સમાઈ જાય છે.

મંગળવાર, તારીખ ૬ઠ્ઠી ઓગસ્ટ

‘હું’ ન હોય તો બહાર ‘તમે’ ન હોઈ શકો. એ ઉપરથી કેટલાક દાર્શનિકો એ નિર્ણય ઉપર આવ્યા કે જ્ઞાતા સિવાય બાહ્ય જગતનું અસ્તિત્વ જ નથી; ‘તમે’નું અસ્તિત્વ માત્ર ‘હું’ની અંદર જ છે. બીજાઓએ એવી દલીલ કરી છે કે ‘હું’ ને ‘તમે’ દ્વારા જ જાણી શકાય અને તેઓ પણ તેટલા જ તર્કયુક્ત છે. આ બંને વિચારો અર્ધ સત્ય છે; પ્રત્યેક એક ભાગમાં ખોટો છે અને એક ભાગમાં ખરો છે. શરીર જેટલું ભૌતિક અને પ્રકૃતિની અંદર છે, તેટલો જ વિચાર પણ ભૌતિક અને પ્રકૃતિની અંદર છે. જડ દ્રવ્ય અને મન બંને એક ત્રીજી એકતામાં રહે છે કે જે પોતે પોતાના જ જડ દ્રવ્ય અને મન એવા બે ભાગ કરે છે. આ એકતા એ છે આત્મા, સાચો આત્મા.

એક વસ્તુ છે ‘સત્’ યાને ‘क्ष’ કે મન અને જડ દ્રવ્ય એ બંને રૂપે પોતાને વ્યક્ત કરે છે. દૃશ્ય જગતમાં તેની ક્રિયાઓ જેને નિયમ કહેવામાં આવે છે તે અમુક નક્કી થયેલી પ્રણાલીઓ અનુસાર થતી હોય છે. એક તરીકે તે સ્વતંત્ર છે, અનેક તરીકે તે નિયમમાં બદ્ધ છે; આ બધાં બંધન હોવા છતાં મુક્તિનો વિચાર સદાય હાજર હોય છે, એ છે નિવૃત્તિ અથવા ‘આસક્તિમાંથી પાછું હઠવું.’ જે ભૌતિક શક્તિ તૃષ્ણા દ્વારા આપણને સંસારનાં કર્મોમાં પ્રવૃત્ત કરે છે, તે પ્રવૃત્તિ કહેવાય છે.

જે કર્મ આપણને જડ પદાર્થના બંધનમાંથી મુક્ત કરે છે તે નીતિમાન કર્મ છે અને જે આપણને જડ પદાર્થના બંધનમાં નાખે તે અનીતિમાન કર્મ છે. આ સંસાર આપણને અનંત ભાસે છે તેનું કારણ એ છે કે દરેક વસ્તુ વર્તુળાકારે છે; જ્યાંથી આવી હતી ત્યાં જ તે પાછી ફરે છે. વર્તુળ પાછું ત્યાં જ મળી જાય છે, તેથી અહીં કોઈ પણ સ્થળે શાંતિ કે આરામ નથી. આપણે વર્તુળમાંથી બહાર નીકળી જવું જોઈએ. પ્રાપ્ત કરવાનું ધ્યેય એકમાત્ર મુક્તિ જ છે…

* * *

અનિષ્ટ રૂપ બદલે છે, પણ મૂળ સ્વરૂપે એક જ રહે છે. પ્રાચીન કાળમાં બળનું રાજ્ય હતું, આજે ચાલાકીનું છે. ભારતમાં કંગાલિયત અમેરિકા જેટલી દુઃખદાયી નથી લાગતી કારણ કે અહીં અમેરિકામાં ગરીબ માણસ પોતાની ખરાબ સ્થિતિનો તફાવત વધુ મોટા રૂપે દેખે છે.

શુભ અને અશુભ એકબીજા સાથે ન છૂટે તેવી રીતે જોડાયેલાં છે; એક વગર અન્યને લઈ ન શકાય. આ વિશ્વમાં શક્તિનો એકંદર સરવાળો એક સરોવર જેવો છે; ઊંચો ઊઠતો દરેકેદરેક તરંગ સાથે સાથે એક ખાડો પણ ઉત્પન્ન કરતો હોય છે. એકંદર સરવાળો બધી રીતે એકસરખો જ રહે છે, એટલે કે એક માણસને સુખી બનાવવાનો અર્થ બીજાને દુઃખી બનાવવો એ છે. બાહ્ય સુખ ભૌતિક છે અને તેનો પુરવઠો ચોક્કસ પ્રમાણમાં જ છે; તેથી બીજા કોઈ પાસેથી તેટલું છીનવી લીધા સિવાય એક કણ પણ કોઈ મેળવી શકે નહિ. માત્ર ભૌતિક જગતથી પર રહેલું સુખ જ અન્યને નુકસાન કર્યા વિના મેળવી શકાય છે. ભૌતિક આનંદ કે સુખ તે માત્ર ભૌતિક શોક કે દુઃખનું રૂપાંતર માત્ર જ છે.

જે લોકો તરંગમાં જન્મ્યા છે અને તેને વળગી રહે છે, તેઓ પાછળનો ખાડો અને તેમાં શું છે તે જોઈ શકતા નથી. જગતને સારું અને વધારે સુખી બનાવી શકશો તેમ તમે કદી પણ નહિ માનતા. ઘાણીનો બળદ તેના મોં સામે બાંધી રાખેલ ઘાસના પૂળાને કદીય પહોંચી શકતો નથી; તે માત્ર તેલીબિયાં પીલીને તેલ કાઢે છે એટલું જ. તે પ્રમાણે આપણે પણ આપણને સર્વદા ભમાવી રહેલી સુખની ભૂતાવળ પાછળ દોડ્યા કરીએ છીએ, પણ આપણે માત્ર પ્રકૃતિની ઘાણી જ ચલાવીએ છીએ, પછી મરી જઈએ છીએ અને પાછા ફરીથી શરૂ કરીએ છીએ. જો આપણે અનિષ્ટને ટાળી શકીએ તો કંઈ પણ વધુ ઉચ્ચ વસ્તુની આપણે કદી ઝાંખી સરખી પણ ન કરી શકીએ; આપણે સંતોષ માની લઈશું અને મુક્ત થવા માટે કદી પ્રયત્ન નહિ કરીએ. જ્યારે મનુષ્યને ભાન થાય છે કે જડ પદાર્થમાં સુખની બધી શોધ નિરર્થક છે, ત્યારે ધર્મની શરૂઆત થાય છે. સઘળું માનવજ્ઞાન ધર્મનો એક ભાગ માત્ર છે.

માનવશરીરમાં સારા અને નરસાનું ત્રાજવું એટલું સમતોલ છે કે મનુષ્યને તે બંનેમાંથી પોતાની મુક્તિ સાધવાની ઇચ્છા કરવાની તક છે.

મુક્ત હોય તે કદીય બદ્ધ હોય નહિ; તેણે મુક્તિ કેવી રીતે મેળવી તે પ્રશ્ન જ તર્કયુક્ત નથી. જ્યાં બંધન નથી ત્યાં કાર્યકારણ પણ નથી. ‘સ્વપ્નમાં હું લોંકડી બન્યો અને કૂતરો મારી પાછળ પડ્યો.’ હવે હું એમ કેમ પૂછી શકું કે કૂતરો શા માટે મારી પાછળ પડ્યો? લોંકડી તે સ્વપ્નનો એક અંશ હતી અને કૂતરો સ્વાભાવિક નિયમ પ્રમાણે જ પાછળ પડ્યો; પણ બંને સ્વપ્નનાં જ છે અને સ્વપ્નથી બહાર તેમનું કોઈ અસ્તિત્વ નથી. વિજ્ઞાન અને ધર્મ એ બંને આપણને બંધનમાંથી બહાર લાવવા માટે સહાય કરનારા પ્રયત્નો છે; માત્ર ધર્મ વધારે પ્રાચીન છે અને આપણને એવો વહેમ છે કે તે વધારે પવિત્ર છે. એક રીતે તેમ છે પણ ખરું, કારણ કે નીતિને તે અતિશય આવશ્યક મુદ્દો બનાવે છે, જ્યારે વિજ્ઞાન તેવું કશું કરતું નથી.

‘પવિત્ર હૃદયવાળા ધન્ય છે, કારણ કે તેઓ ઈશ્વરને જોશે.’ જો બધા ગ્રંથો અને પયગંબરો ગુમ થઈ જાય તોપણ આ એક જ વાકય માનવજાતનો ઉદ્ધાર કરી શકે. હૃદયની આ પવિત્રતા ઈશ્વરનું દર્શન કરાવશે. વિશ્વના સમગ્ર સંગીતનો આ પ્રધાન વિષય છે. પવિત્રતામાં કોઈ બંધન નથી. પવિત્રતા વડે અજ્ઞાનનાં આવરણ દૂર કરો; પછી આપણે જેવા ખરેખર છીએ તેવા પ્રકટ થઈશું અને જાણીશું કે આપણે કદીય બંધનમાં હતા નહિ. અનેકને જોવું એ જ દુનિયાનું મહાન પાપ છે. સઘળાંને આત્મા તરીકે જુઓ અને બધાંને ચાહો; અલગતાનો સઘળો ખ્યાલ કાઢી નાખો…

* * *

જેમ એક ઘા કે ફોલ્લો મારા શરીરનો ભાગ છે, તેમ આસુરી માનવ પણ મારા શરીરનો જ ભાગ છે; આપણે તેની માવજત કરીને તેને સારોસાજો કરવાનો છે. તેથી એ આસુરી મનુષ્ય ‘સારો’ ના થાય અને ફરી એક વાર સુખી અને તંદુરસ્ત ન થાય ત્યાં સુધી તેની માવજત કરો અને મદદ કરો.

જ્યારે આપણે સાપેક્ષ ભૂમિકા પર વિચાર કરીએ છીએ ત્યારે આપણને એમ માનવાનો અધિકાર છે કે દેહ તરીકે આપણને સાપેક્ષ વસ્તુઓથી દુઃખ થાય, તેવી જ રીતે તેમનાથી આપણને સહાય પણ મળે. અતિશય સૂક્ષ્મ સ્વરૂપ પામેલા આ સહાયના વિચારને આપણે ઈશ્વર કહીએ છીએ. સહાયના સઘળા વિચારોનો એકંદરે સરવાળો ઈશ્વર છે.

જે બધું સારું, દયામય અને મદદરૂપ છે તેનું ભાવરૂપ મિશ્રણ ઈશ્વર છે; એકમાત્ર એ જ ખ્યાલ હોવો જોઈએ. આત્મા તરીકે આપણને શરીર નથી, તેથી એમ કહેવું કે ‘હું ઈશ્વર છું અને ઝેર મને નુકસાન નહીં કરે’ તે વાહિયાત વાત છે. જ્યાં સુધી આપણને શરીર છે અને આપણે તેને જોઈએ છીએ, ત્યાં સુધી આપણે ઈશ્વરનો સાક્ષાત્કાર કર્યો નથી. નદી અદૃશ્ય થયા પછી નાની ઘૂમરીઓ રહે ખરી? સહાય માટે આક્રંદ કરો એટલે તે મળશે; છેવટે તમને ભાન થશે કે સહાય માટે આક્રંદ કરનારો અદૃશ્ય થયો છે, તે જ પ્રમાણે સહાયક પણ અદૃશ્ય થયો છે અને ખેલ ખતમ થઈ ગયો છે. માત્ર આત્મા જ બાકી રહ્યો છે.

એક વખત આમ બન્યા પછી પાછા આવો અને તમારી મરજી પડે તેમ ખેલ કરો. પછી આ શરીર કંઈ જ અનિષ્ટ નહિ કરી શકે, કારણ કે જ્યાં સુધી અનિષ્ટ તત્ત્વો બળી ગયાં ન હોય ત્યાં સુધી મુક્તિ આવતી નથી. કચરો બધો બળી ગયો હોય છે અને પછી માત્ર ‘ઉષ્ણતા અને ધુમાડા વિનાની જ્વાળા’ જ રહે છે.

પૂર્વપ્રાપ્ત વેગ શરીરને ચલાવ્યા કરે છે, પણ તે માત્ર સારું જ કરી શકે, કારણ કે મુક્તિ આવી તે પહેલાં બધું ખરાબ નીકળી ગયું હોય છે. ક્રૂસ પરનો મરણને આધીન થતો ચોર પોતાનાં ગત કર્મોનાં ફળ ભોગવતો હતો. તે યોગી હતો અને લપસી પડ્યો હતો; પછી તેને ફરી જન્મ લેવો પડ્યો; ફરી તે લપસ્યો અને ચોર બન્યો; પરંતુ પૂર્વ જન્મમાં જે શુભ કર્મ તેણે કરેલું તેનું ફળ મળ્યું અને મુક્તિ મળી શકે તેવી પળ આવી ત્યારે તેને ઈશુનો ભેટો થયો અને તેના એક શબ્દથી તે મુક્ત બન્યો.

બુદ્ધે પોતાના મોટામાં મોટા શત્રુને મુક્તિ આપી કારણ કે બુદ્ધનો અસાધારણ ધિક્કાર કરવાને કારણે તે સતત બુદ્ધનો જ વિચાર કરતો હતો; એ વિચારે તેના મનને પવિત્ર બનાવ્યું અને તે મુક્તિ માટે યોગ્ય બન્યો. માટે બધો વખત ઈશ્વરનો જ વિચાર કરો; તે તમને પવિત્ર બનાવશે.

* * *

(આમ, અમારા પ્રિય ગુરુદેવના સુંદર ઉપદેશો પૂરા થયા. બીજે જ દિવસે સોમવારે તેઓ થાઉઝન્ડ આઈલેન્ડ પાર્ક છોડીને ન્યૂયોર્ક પાછા ફર્યા.)

Total Views: 153
જુલાઈ, ૧૮૯૫
૧. ધર્મનો દાવો