દક્ષિણ ભારતમાં એક અતિશય બળવાન રાજ્યવંશ થઈ ગયો. એ લોકોએ એક એવો નિયમ કરેલો કે જુદે જુદે સમયે થયેલા બધા અગ્રગણ્ય માણસોની, તેમના જન્મસમયની ગણતરી કરીને જન્મકુંડળી બનાવવી. આ રીતે મુખ્ય મુખ્ય હકીકતોના ભવિષ્યની તેમણે નોંધ રાખી અને પાછળથી જેમ જેમ બનાવો બનતા આવ્યા તેમ તેમ તેમની સાથે સરખામણી કરી જોઈ. તેમણે હજાર વરસ સુધી આમ કર્યા કર્યું; અંતે તેમને કેટલીક બાબતો એકસરખી મળી આવી. એ બધી પરથી સામાન્ય નિયમો બાંધવામાં આવ્યા, તેમની નોંધ કરવામાં આવી અને એક મોટો ગ્રંથ રચવામાં આવ્યો. એ રાજવંશ તો નાશ પામ્યો, પણ જ્યોતિષીઓનો વંશ ટકી રહ્યો અને તેમના કબજામાં આ ગ્રંથ રહ્યો. જ્યોતિષશાસ્ત્ર આ રીતે અસ્તિત્વમાં આવ્યું હોય તે સંભવિત છે. જ્યોતિષશાસ્ત્રની ઝીણી ઝીણી બાબતો પર વધુ પડતું ધ્યાન આપવું એ હિંદુઓને ઘણું નુકસાન કરનારો જબરો વહેમ છે.

હું ધારું છું કે ભારતમાં પહેલવહેલી જ્યોતિષવિદ્યા ગ્રીકો લાવ્યા; તેમણે હિંદુઓ પાસેથી ખગોળવિદ્યા શીખી લીધી અને પાછા પોતાની સાથે તેને યુરોપમાં લઈ ગયા. અમુક ભૂમિતિની આકૃતિઓ પ્રમાણે રચવામાં આવેલી પ્રાચીન વેદીઓ તમને ભારતમાં જ મળી આવશે; વળી કેટલીક બાબતો તો નક્ષત્રો અમુક સ્થાને હોય ત્યારે જ કરવાની હતી. આ પરથી હું ધારું છું કે ગ્રીકોએ હિંદુઓને જ્યોતિષ-વિદ્યા આપી અને હિંદુઓએ તેમને ખગોળવિદ્યા આપી.

મેં કેટલાક જોષીઓને અદ્‌ભુત ભવિષ્યવાણી કહેતા જોયા છે. પણ તેઓ માત્ર ગ્રહો ઉપરથી અથવા એ પ્રકારની કોઈ બાબત ઉપરથી આ ભવિષ્ય ભાખતા હતા એમ માનવાનું મારી પાસે કંઈ કારણ નથી. ઘણી બાબતોમાં તો એ કેવળ મનનું વાચન જ હોય છે. કેટલીએક વાર અદ્‌ભુત ભવિષ્યો ભાખવામાં આવે છે ખરાં, પણ ઘણીખરી બાબતોમાં તો સાવ કચરો જ હોય છે.

લંડનમાં એક જુવાન મારી પાસે આવતો અને મને પૂછતોઃ ‘આવતે વર્ષે મારું શું થવાનું છે?’ મેં તેને પૂછ્યુંઃ ‘ભાઈ! તું મને આ બધું શા માટે પૂછે છે?’ તે કહેઃ ‘મેં મારો બધો પૈસો ગુમાવ્યો છે અને હું અતિશય કંગાળ થઈ ગયો છું.’ ઘણા જીવોનો પૈસો જ ઈશ્વર હોય છે; નબળા મનના માણસો જ્યારે બધું ગુમાવે છે અને પોતે નબળાઈનો અનુભવ કરવા લાગે છે, ત્યારે પૈસો કમાવાના સર્વ પ્રકારના અવળા ધંધા અજમાવે છે અને જ્યોતિષશાસ્ત્રનો અને એવી બધી બાબતોનો આશરો લે છે. સંસ્કૃતમાં એક કહેવત છેઃ (दैवं प्रधानमिति कापुरुषाः वदन्ति।) ‘આ દૈવ કરે છે, એમ કહેનારા માણસો કાપુરુષો (બાયલા) અને મૂર્ખ છે.’ પરંતુ શક્તિશાળી માણસ તો છાતી ઠોકીને કહે છેઃ ‘મારું ભાગ્ય તો હું ઘડી કાઢીશ!’ ઘરડા થતા જતા માણસો જ ભાગ્યની વાતો કરે છે; યુવાન માણસો મોટે ભાગે જોષીઓ પાસે જતા નથી. ગ્રહોની અસર આપણા ઉપર ‘કદાચ’ હોય, પણ તેનું આપણને બહુ લાગવું ન જોઈએ. ભગવાન પોતે કહે છેઃ ‘જેઓ ગ્રહોની ગણતરી દ્વારા કે એવી કળા અને બીજી ખોટી યુક્તિપ્રયુક્તિઓ દ્વારા આજીવિકા મેળવતા હોય, તેમને સદા દૂર રાખવા.’ બુદ્ધ તો મહાનમાં મહાન હિંદુ હતા; એ તો બધું જાણતા જ હોય. ગ્રહો ભલે ને આવે? તેમાં શું નુકસાન છે? જો કોઈ ગ્રહ મારા જીવનમાં નડતો હોય, તો તે જીવનની કિંમત એક કોડીની પણ નથી. તમે જોશો કે જ્યોતિષ અને આ બધી રહસ્યમય બાબતો સામાન્ય રીતે નિર્બળ મનની નિશાની છે; તેથી આપણા મનમાં જ્યારે તે પ્રબળ થવા લાગે ત્યારે તરત જ આપણે વૈદને મળવું, સારો ખોરાક ખાવો અને આરામ લેવો.

કોઈ પણ ઘટનાનું સ્પષ્ટીકરણ જો તમને તેની પ્રકૃતિમાંથી જ મળી શકે, તો બહારનો ખુલાસો શોધવો નિરર્થક છે. જો જગત પોતે જ પોતાને સ્પષ્ટ કરે તો તેના ખુલાસા માટે બીજે જવું વ્યર્થ છે. તમે એવો કોઈ માનવી જોયો છે કે જેના જીવનની કોઈ પણ ઘટના એની પોતાની શક્તિથી સમજાવી ન શકાય? તો પછી ગ્રહો જોવા જવાનું અથવા જગતમાં બીજા કોઈ પાસે જવાનું શું કામ છે? મારી અત્યારની પરિસ્થિતિના ખુલાસા માટે મારું પોતાનું કર્મ પૂરતું છે. ઈશુની બાબતમાં પણ તેમ જ છે. આપણે જાણીએ છીએ કે ઈશુનો પિતા માત્ર એક સુથાર હતો. તેમની શક્તિનો ખુલાસો શોધવા આપણે બીજા કોઈ પાસે જવાની જરૂર નથી. તેઓ તેમના પોતાના જ ભૂતકાળના પરિણામરૂપ હતા; એમનો બધો ભૂતકાળ એમની પૂર્વતૈયારી રૂપે હતો. ભગવાન બુદ્ધે પોતે પૂર્વે કેવી રીતે અનેક પ્રાણીદેહો ધારણ કરેલા અને આખરે કઈ રીતે પોતે બુદ્ધ થયા, તે કહ્યું છે. તો પછી ખુલાસા માટે ગ્રહો પાસે જવાનો શો ઉપયોગ છે? તેમની થોડીક અસર કદાચ હોય; પરંતુ તેમના તરફ લક્ષ દઈને આપણી જાતને વ્યગ્ર બનાવવા કરતાં તેમની અવગણના કરવી એ આપણું કર્તવ્ય છે. હું જે કંઈ ઉપદેશ આપું છું તે સર્વમાં પ્રથમ આવશ્યકતા તરીકે હું આ મૂકું છું કે જે કોઈ બાબત આધ્યાત્મિક, માનસિક યા શારીરિક નિર્બળતા લાવે તેને તમારા પગની આંગળીથી પણ સ્પર્શ કરશો નહીં. ધર્મ એ માનવીની અંદર રહેલા પ્રાકૃતિક બળની અભિવ્યક્તિ માત્ર છે. અનંત શક્તિશાળી એક કમાન ગૂંચળું વળીને નાનકડા દેહની અંદર રહેલ છે, જે ધીરે ધીરે ઊખળે છે. જેમ જેમ તે ઊખળતી જાય છે તેમ તેમ એક પછી એક શરીરો અપૂર્ણ માલૂમ પડતાં જાય છે; તે આ અપૂર્ણ દેહોનો ત્યાગ કરે છે અને વધારે ઉચ્ચ કોટિના દેહો ધારણ કરે છે. આ છે માનવીનો ધર્મનો, સંસ્કૃતિનો કે પ્રગતિનો ઇતિહાસ. પેલો બંધાયેલો રાક્ષસ પ્રોમિથિયસ પોતે છૂટી રહ્યો છે. એ ઇતિહાસ હંમેશાં શક્તિની અભિવ્યક્તિનો છે; અને આવા જ્યોતિષ જેવા વગેરે સર્વ વિચારો, કદાચ તેમાં સત્યની નાનકડી કણી હોઈ શકે છતાંય તેમનો ત્યાગ કરવો જોઈએ.

એક જોષીની પ્રાચીન કથા છે. એક રાજા પાસે આવીને તેણે કહ્યુંઃ ‘મહારાજ! તમે છ મહિનામાં મૃત્યુ પામવાના છો.’ એ સાંભળતાં જ બીકની મારી રાજાની તો બુદ્ધિ જ બહેર મારી ગઈ અને ભયથી એ ત્યાં ને ત્યાં જ મરી જવાની અણી ઉપર આવ્યો. પણ તેનો પ્રધાન કુશળ હતો. તેણે કહ્યુંઃ ‘મહારાજ! આ જોષીઓ મૂર્ખ હોય છે.’ પણ રાજા તેનું માને નહીં. પ્રધાને જોષીને ફરી વાર રાજમહેલે બોલાવ્યા. જોષીઓ બધા ખોટા હોય છે એમ રાજાને બતાવવા માટે તેને આ સિવાય બીજો ઉપાય જડ્યો નહીં. તેણે જોષીને પૂછ્યુંઃ ‘જોષીજી! તમારી ગણતરીઓ બધી સાચી પડી છે?’ જોષીએ કહ્યુંઃ ‘એમાં મીનમેખ થાય નહીં!’ પણ પ્રધાનને સંતોષવા માટે તેણે બધી ગણતરી ફરી વાર કરી જોઈ અને કહ્યુંઃ ‘પ્રધાનજી! ગણતરીઓ બરાબર સાચી છે.’ રાજાના મોં પરનો રંગ ઊડી ગયો. પ્રધાને જોષીને કહ્યુંઃ ‘વારુ, ત્યારે તમારું મોત કયારે છે?’ જોષીએ જવાબ આપ્યોઃ ‘મારું મોત તો આજથી બરાબર બારમે વર્ષે છે.’ પ્રધાને તરત જ તલવાર કાઢીને જોષીનાં ધડ અને માથું જુદાં કરી નાખ્યાં અને રાજાને કહ્યુંઃ ‘બોલો, મહારાજ! આ જોષીના જૂઠા બોલની ખાતરી થઈ ને? તમારી સામે જ એ મરી ગયો છે!’

તમે જો તમારા રાષ્ટ્રને જિતાડવા માગતા હો તો આ બધી વસ્તુઓથી દૂર રહો. સારી વસ્તુઓની કસોટી એ છે કે તેઓ આપણને બળવાન બનાવે. સારું એટલે જીવન, ખરાબ એટલે મૃત્યુ. તમારા દેશમાં આ વહેમી વિચારો બિલાડીના ટોપની જેમ ફૂટી નીકળે છે અને વસ્તુનું તર્કશુદ્ધ પૃથક્કરણ કરવાની બુદ્ધિ વિનાની સ્ત્રીઓ તે બધું માનવા તૈયાર જ હોય છે. એમ થવાનું કારણ એ છે કે સ્ત્રીઓ સ્વાતંત્ર્ય માટે યત્ન કરી રહી છે, પણ તેઓ પોતે બુદ્ધિથી હજી સ્થિર થઈ નથી. એકાદ સ્ત્રી નવલકથાના ઉપરના ભાગમાંથી થોડીએક કાવ્યપંક્તિઓ કંઠસ્થ કરે છે અને કહે છે, ‘મેં સમગ્ર બ્રાઉનિંગનો અભ્યાસ કરી નાખ્યો છે.’ બીજી એક વળી ત્રણેક વ્યાખ્યાનની શ્રેણીમાં હાજરી આપે છે અને પછી ધારે છે કે પોતે દુનિયા અંગે બધું જાણતી થઈ ગઈ છે. ખરી મુશ્કેલી એ છે કે સ્ત્રીઓ પોતાનામાં રહેલા સ્વાભાવિક વહેમને હડસેલી કાઢી શકતી નથી. તેમની પાસે પુષ્કળ પૈસો છે અને કંઈક બૌદ્ધિક શક્તિ પણ છે; પરંતુ તેઓ જ્યારે આ સંક્રાંતિકાળમાંથી પસાર થઈ જશે અને નક્કર ભૂમિ ઉપર સ્થિર થશે, ત્યારે તેઓ બરાબર થઈ રહેશે. પરંતુ ધુતારાઓ તેમને બનાવી જાય છે. માઠું ન લગાડશો; હું કોઈને આઘાત પહોંચાડવા માગતો નથી, પણ મારે સત્ય તો કહેવું જ પડે. આ બધી વસ્તુઓમાં તમે કેવા સપડાઈ જાઓ છો તે શું તમે જાણતા નથી? આ સ્ત્રીઓ કેવી નિખાલસ છે, સર્વમાં ગૂઢ રહેલ એ દિવ્યતા કેવી રીતે કદી નાશ પામતી નથી, એ શું તમે નથી જાણતા? દિવ્યતાને કઈ રીતે જગાડવી એ જ જાણવાનું છે.

જેમ જેમ મારી ઉંમર વધતી જાય છે, તેમ તેમ દિવસે દિવસે મારી વધુ ને વધુ ખાતરી થતી જાય છે કે દરેક માનવી દિવ્ય છે. કોઈ પણ પુરુષ કે સ્ત્રી, પછી તે ગમે તેવાં દુષ્ટ હોય છતાં, તેમનામાંથી પેલી દિવ્યતાનો નાશ થતો નથી. માત્ર તે પુરુષ કે સ્ત્રી પેલી દિવ્યતાને કઈ રીતે પ્રાપ્ત કરવી તે જાણતાં નથી અને સત્યની રાહ જોયા કરે છે અને દુષ્ટ લોકો તે સ્ત્રી કે પુરુષને બધા પ્રકારની ધૂર્તતાથી છેતરવાનો પ્રયત્ન કરે છે. જો કોઈ માણસ બીજાને પૈસા માટે છેતરે તો તમે કહો છો કે એ મૂર્ખ અને ધુતારો છે. તો જે માણસ બીજાને આધ્યાત્મિકતાને નામે છેતરવા ઇચ્છે, તેની દુષ્ટતા તો કેટલી વધારે મોટી છે? એ તો હદ ઉપરાંત દુષ્ટ છે! સત્યની કસોટી માત્ર એક જ છે કે એ તમને શક્તિશાળી અને વહેમથી પર બનાવે જ. તત્ત્વજ્ઞાનીનું કર્તવ્ય એ છે કે તે તમને વહેમથી પર બનાવે. આ દેહ, આ મન, આ જગત પણ વહેમ જ છે; તમે કેવા અનંત આત્માઓ છો! અને છતાં ઝબૂક ઝબૂક કરતા ગ્રહોથી છેતરાવું? એ શરમજનક દશા છે. તમે સ્વયં દિવ્યતાઓ છો; ઝબૂકતા ગ્રહોનું અસ્તિત્વ તો તમારે લીધે છે.

એક વાર હું હિમાલયમાં પ્રવાસ કરતો હતો; અમારી સમક્ષ દૂર દૂર સુધી લાંબો માર્ગ પથરાયેલો હતો. અમને ગરીબ સાધુઓને ઉપાડનાર કોઈ માણસ મળે તેમ ન હતું. તેથી આખે રસ્તે અમારે પગે જ ચાલવાનું હતું. અમારી સાથે એક વૃદ્ધ માણસ હતો. સેંકડો માઈલ સુધી ઊંચો નીચો ચાલ્યો જતો રસ્તો જ્યારે પેલા ઘરડા સાધુએ જોયો ત્યારે તે બોલી ઊઠ્યો; ‘અરે ભાઈ! આ રસ્તો કેમ ઓળંગાય?હું વધારે ચાલી શકું તેમ નથી; મારી તો છાતી ભીંસાઈ જાય છે.’ મેં તેમને કહ્યુંઃ ‘તમારા પગ નીચે જુઓ.’ તેણે જોયું. મેં કહ્યુંઃ ‘તમારા પગ નીચેનો માર્ગ તમે પસાર કરી ગયેલા છો એ જ માર્ગ છે અને તમારી દૃષ્ટિ સમક્ષ રહેલો માર્ગ પણ એ જ માર્ગ છે; થોડી વારમાં એ પણ તમારા પગ નીચેથી પસાર થઈ જશે!’ ઉચ્ચમાં ઉચ્ચ વસ્તુઓ તમારા પગ નીચે છે કારણ કે તમે દિવ્ય ગ્રહો છો; આ સર્વ વસ્તુઓ તમારા પગ નીચે છે. તમે ઇચ્છો તો મૂઠીઓ ભરી ભરીને તમે ગ્રહોને ગળી જઈ શકો; તમારી સાચી પ્રકૃતિ તો આવી છે! સબળ બનો; સર્વ વહેમોથી પર જાઓ અને મુક્ત બનો!

Total Views: 440
૭. ધર્મનાં મૂળ તત્ત્વો
૯. ઈશ્વરઃ સાકાર અને નિરાકાર