(માર્ચ ૨૯, ૧૯૦૦ના રોજ સાનફ્રાન્સિસ્કોમાં આપેલું વ્યાખ્યાન)
મારા વ્યાખ્યાનનો વિષય છે ‘શિષ્યત્વ.’ મારે જે કહેવું છે તે તમે કઈ દૃષ્ટિએ જોશો તે હું જાણતો નથી. તમારે માટે તેનો સ્વીકાર કરવો જરા કઠિન થશે. આ દેશના ગુરુ અને શિષ્યના આદર્શો અમારા દેશના આદર્શોથી અત્યંત જુદા છે. ભારતની એક પ્રાચીન કહેવત મને યાદ આવે છેઃ ‘મળે ગુરુઓ લાખ લાખ, ચેલો મળે ન એક.’ તે સાચી હોય એમ લાગે છે. આધ્યાત્મિકતાની પ્રાપ્તિમાં અતિ અગત્યની બાબત તે શિષ્યના મનનો ભાવ છે. ભાવ સાચો હોય ત્યારે જ્ઞાન સહેલાઈથી પ્રાપ્ત થાય છે.
સત્યને મેળવવા માટે શિષ્યને શાની જરૂર હોય છે? મહાન ઋષિઓ કહે છે કે સત્યની પ્રાપ્તિ આંખના પલકારામાં થઈ શકે—એ તો માત્ર જાણવાનો જ પ્રશ્ન છે. સ્વપ્નું પૂરું થવાને કેટલો સમય લાગે? ક્ષણમાત્રમાં સ્વપ્ન ઊડી જાય છે. ભ્રાંતિ જ્યારે નાશ પામે છે ત્યારે વખત કેટલો લાગે છે? આંખના પલકારા જેટલો. મને જ્યારે સત્યનું જ્ઞાન થાય છે ત્યારે અસત્ય અદૃશ્ય થઈ જવા સિવાય બીજું કાંઈ જ બનતું નથી. મેં દોરડાને સર્પ માની લીધો હતો; પણ હવે જોઉં છું કે તે દોરડું છે. માત્ર અર્ધી ક્ષણનો જ પ્રશ્ન છે અને એટલામાં આખી ઘટના પૂરી થઈ જાય છે. તે તું છોઃ तत्त्वमसि! તું સત્ય છો. આ જાણવામાં કેટલો સમય લાગે? જો આપણે ઈશ્વર હોઈએ અને સર્વદા આપણે ઈશ્વર છીએ જ, તો આ ન જાણવું એ જ અતિ આશ્ચર્યકારક છે. આ જાણવું એ જ ખરી રીતે સ્વાભાવિક બાબત છે. આપણે જે સદાય હતા અને આજે પણ જે છીએ, તે જાણવા માટે યુગના યુગ લાગવા ન જોઈએ.
છતાં આ સ્વતઃસિદ્ધ સત્યની અનુભૂતિ થવી કઠિન લાગે છે. આપણને તેની અસ્પષ્ટ ઝાંખી સરખીયે થવાની શરૂઆત થાય તે પહેલાં તો યુગોના યુગો વીતી જાય છે. ઈશ્વર જ જીવન છે. ઈશ્વર જ સત્ય છે. આપણે એ વિષે લખાણો લખીએ છીએ. આપણા હૃદયના ઊંડાણમાં આપણને થાય છે કે એ ખરું છે, ઈશ્વર સિવાય બીજું બધું શૂન્ય છે—આજે છે અને આવતીકાલે નથી અને તે છતાં આપણામાંના ઘણાખરા આખી જિંદગી સુધી એવા ને એવા જ રહીએ છીએ. આપણે અસત્યને વળગીએ છીએ અને સત્ય તરફ પીઠ ફેરવીએ છીએ. આપણે સત્યને પ્રાપ્ત કરવા ઇચ્છતા નથી. આપણું એ સ્વપ્ન કોઈ ભાંગી નાખે એમ પણ આપણે ઇચ્છતા નથી. તમે જુઓ છો કે ગુરુઓની કોઈને જરૂર નથી. જ્ઞાન લેવા માગે છે જ કોણ? પરંતુ જો કોઈને સત્યનો સાક્ષાત્કાર કરવાની અને ભ્રાંતિ પર વિજય મેળવવાની ઇચ્છા હોય, જો તેને ગુરુ પાસેથી સત્યની પ્રાપ્તિની ઇચ્છા હોય, તો તેણે સાચા શિષ્ય બનવું જ જોઈએ.
શિષ્ય થવું સહેલું નથી; જબરી પૂર્વતૈયારીઓ જરૂરી છે; ઘણી શરતો પૂરી કરવાની હોય છે. વેદાંતીઓએ ચાર મુખ્ય સાધનો કહેલાં છે.
પહેલું સાધન છેઃ इहामुत्र फलभोगविरागः એટલે કે સત્યને જાણવાની ઇચ્છા રાખનારા શિષ્યે આ જગતના અથવા મૃત્યુ પછી આવનારા જન્મના ફળભોગોની તમામ તૃષ્ણાઓનો પરિત્યાગ કરવો જોઈએ.
આપણે જે જોઈએ છીએ તે સત્ય નથી. જ્યાં સુધી મનમાં કોઈ પણ ઇચ્છા ઉત્પન્ન થતી હોય ત્યાં સુધી આપણે જે જોઈએ છીએ તે સત્ય નથી. ઈશ્વર સત્ય છે અને જગત અસત્ય છે. હૃદયમાં જ્યાં સુધી જગતના પદાર્થોની જરા સરખીયે કામના હોય, ત્યાં સુધી સત્ય પ્રાપ્ત થાય નહીં. મારી નજર સામે જગતનો ભલે સાવ વિનાશ થઈ જાય, તોપણ મારે તેની પરવા નથી. એવું જ પરલોક વિષે. સ્વર્ગે જવાની મને પરવા નથી. સ્વર્ગ શું છે? સ્વર્ગ એટલે આ લોકનો કેવળ વધુ વિસ્તાર. જો સ્વર્ગ ન હોત, પૃથ્વી પરની આ મૂર્ખતાભરી જિંદગીનો એ વિસ્તાર જો ન હોત તો આપણે વધુ સુખી હોત; આપણે જોઈએ છીએ તે ક્ષુદ્ર, મૂર્ખતાભર્યાં સ્વપ્નો વહેલાં ભાંગી જાત. સ્વર્ગે જવાથી તો આપણે દુઃખપૂર્ણ ભ્રાંતિને કેવળ લંબાવીએ જ છીએ.
સ્વર્ગમાં તમને શો લાભ મળે છે? તમે દેવ બનો છો, અમૃત પીઓ છો અને સંધિવાનો ભોગ બનો છો. ત્યાં પૃથ્વી કરતાં દુઃખ ઓછું છે ખરું, પરંતુ સત્ય પણ ઓછું છે. ગરીબ કરતાં શ્રીમંત લોકો સત્યને ઓછું સમજી શકે. ‘શ્રીમંત માનવી ઈશ્વરના રાજ્યમાં પ્રવેશી શકે તેના કરતાં હાથી સોયના નાકામાંથી સોંસરો નીકળી જાય એ વધુ સહેલું છે.’ શ્રીમંત માણસને પોતાની સંપત્તિ, સત્તા, સગવડો અને શોખો સિવાય બીજી કોઈ બાબત માટે વિચાર કરવાનો સમય જ નથી હોતો. શ્રીમંત માણસ ભાગ્યે જ ધાર્મિક બને છે. શા માટે? કારણે તે એમ માને છે કે જો પોતે ધાર્મિક બની જાય તો પછી જિંદગીમાં માણવાનું તેને કાંઈ મળે નહીં. એ જ રીતે સ્વર્ગમાં આત્મપરાયણ થવા માટે બહુ ઓછી તક છે. ત્યાં સુખ અને ભોગવિલાસનો અતિરેક છે. સ્વર્ગમાં વસનારાંને પોતાની મોજમજા છોડી દેવાની વૃત્તિ થતી નથી.
કહેવાય છે કે સ્વર્ગમાં રડવાપણું મુદ્દલે નહીં હોય. જે માનવી કદી રડે નહીં, તેના પર મને વિશ્વાસ ન બેસે; જ્યાં હૃદય હોવું જોઈએ તે સ્થળે તેનામાં મોટો કાળમીંઢ પથ્થર હોય છે. તો સ્પષ્ટ છે કે સ્વર્ગમાં વસનારાઓમાં સહાનુભૂતિ બહુ નથી હોતી. ત્યાં તેમના જેવા અસંખ્ય લોકો હોય છે. અહીં આ ભયાનક સ્થળે પીડાયા કરતા આપણે અનેક કંગાળ જીવો વસીએ છીએ. તેઓ આપણને સહુને આમાંથી બહાર કાઢી શકે, પણ તેઓ તેમ કરતા નથી. તેઓ રડતા નથી. ત્યાં શોક નથી, દુઃખ નથી; તેથી અન્ય કોઈના દુઃખની તેમને પડી નથી. તેઓ અમૃત પીધાં કરે છે, ચાલુ નૃત્યો માણ્યા કરતા હોય છે, સુંદર પત્નીઓ અને સુંદર અપ્સરાઓ હોય છે, વગેરે વગેરે.
આ બધી વસ્તુઓથી પર જઈને શિષ્યે કહેવું જોઈએ કે ‘મને આ જિંદગીની કોઈ પણ વસ્તુ માટે અથવા જેટલાં છે તે બધાં સ્વર્ગોની પણ બિલકુલ પરવા નથી; કોઈ પણ પ્રકારનું ઇંદ્રિયસુખનું જીવન—આ શરીરની સાથેનો અધ્યાસ મને ખપતો જ નથી. અત્યારે મને જેમ અનુભવ થાય છે તેમ, હું આ દેહ છું—લોહીમાંસનો એક મોટો પિંડ છું. ‘હું છું’ એવી મને જે લાગણી થાય છે તે આ દેહ છે. હું એ માનવાની ના કહું છું.’
પૃથ્વી તેમજ સ્વર્ગ, એ સઘળાં ઇંદ્રિયો સાથે સંકળાયેલાં છે. તમને જો કોઈ ઇંદ્રિય જ ન હોય તો તમે આ દુનિયાની પરવા જ કરો નહીં. સ્વર્ગ પણ જગત છે, પૃથ્વી, સ્વર્ગ તથા વચમાં જે કાંઈ છે તે અંતરિક્ષ. બધાનું કેવળ એક જ નામ છેઃ જગત, સંસાર.
તેથી ભૂત અને વર્તમાનને ઓળખીને તથા ભવિષ્યનો વિચાર કરીને, સમૃદ્ધિ એટલે શું અને સુખ એટલે શું એ સમજી જઈને, એ બધાંને શિષ્ય છોડી દે છે અને સત્યને, કેવળ સત્યને જાણવાની ઇચ્છા રાખે છે. આ પહેલું સાધન છે.
બીજું સાધન છેઃ शमदमादि षट्संपत्तिः। શિષ્યમાં આંતર અને બાહ્ય ઇંદ્રિયોને સંયમમાં રાખવાની શક્તિ હોવી જ જોઈએ, તેમ જ બીજા કેટલાક આધ્યાત્મિક ગુણો તેનામાં દૃઢપણે રહેલા હોવા જ જોઈએ.
બાહ્ય કરણો (ઇંદ્રિયો) શરીરના વિવિધ ભાગોમાં રહેલા દૃષ્યમાન અવયવો છે; આંતર ઇંદ્રિયો દેખી શકાય એવી નથી. આપણી બાહ્ય ઇંદ્રિયો આંખ, કાન, નાક વગેરે છે; અને તેમને અનુરૂપ અંદરની ઇંદ્રિયો છે. આપણે આ બંને ઇંદ્રિય-સમુદાયોના હુકમ અનુસાર જ સતત પ્રવૃત્તિ કર્યા કરીએ છીએ. ઇંદ્રિયોને અનુરૂપ ઇંદ્રિયોના વિષયો છે. જો કોઈ વિષય આપણી સમીપ હોય તો ઇંદ્રિય તેનો અનુભવ લેવાની આપણને ફરજ પાડે છે; એ બાબતમાં આપણી પાસે ઇચ્છા, અનિચ્છા કે સ્વાતંત્ર્ય છે જ નહીં. આ રહ્યું મોટું બધું નાક, સામે જ જરાક સુગંધ આવે છે; મારે તે સુગંધ લેવી જ પડે છે. જો દુર્ગંધ હોત તો હું મારી જાતને કહેત કે ‘તે વાસ લઈશ નહીં,’ પણ પ્રકૃતિ કહે છે કે ‘સૂંઘ’ એટલે મારે તે સૂંઘવું જ પડે છે. જરા વિચાર તો કરો કે આપણે શું થઈ ગયા છીએ? આપણે આપણી જાતને બદ્ધ કરી દીધી છે. મારે આંખો છે. હવે સારી કે નરસી કોઈ પણ બાબત બનતી હોય તો તે મારે જોવી પડે છે; સાંભળવાની બાબતમાં પણ એ જ પરાધીનતા છે. કોઈ માણસ મારી પાસે અણગમતું બોલે તોય મારે તે સાંભળવું જ પડે છે; મારી શ્રવણેન્દ્રિય મને સાંભળવાની ફરજ પાડે છે; અને મને તેથી કેવું દુઃખ થાય છે! વખાણ હોય કે નિંદા, પણ માણસે તે સાંભળવું જ પડે છે. મેં ઘણા એવા બહેરા માણસો જોયા છે કે જેઓ સાધારણ રીતે સાંભળતા નથી હોતા; પણ તેમના વિશે જો કંઈ કહેવામાં આવે તો તેઓ જરૂર સાંભળે!
આ સઘળી આંતર તેમજ બાહ્ય ઇંદ્રિયો શિષ્ય થનારના કાબૂમાં હોવી જ જોઈએ. નિરંતર અભ્યાસથી તેણે એવી અવસ્થાએ પહોંચવાનું છે કે જ્યારે તે પોતાનું મનોબળ ઇંદ્રિયોની વિરુદ્ધ, પ્રકૃતિના હુકમની વિરુદ્ધ બતાવી શકે. તેનામાં પોતાના મનને એમ કહી શકવાની શક્તિ જોઈએ કે ‘હે મન! તું તો મારો નોકર છે; હું તને હુકમ કરું છું કે તારે કોઈ પણ વસ્તુ જોવી નહીં કે કશું સાંભળવું નહીં.’ અને એ આજ્ઞાને માનીને મન પણ કોઈ વસ્તુ જુએ નહીં કે કશું સાંભળે નહીં, કોઈ રૂપ કે અવાજ મન પર અસર કરે નહીં, એ સ્થિતિએ પહોંચે ત્યારે મન ઇંદ્રિયોની સત્તામાંથી મુક્ત થયું છે, તેમનાથી પૃથક્ થયું છે, એમ જાણવું. એ પછી મન ઇંદ્રિયો અને દેહમાં આસક્ત થતું નથી. હવે બાહ્ય વસ્તુઓ મનને હુકમ કરી શકતી નથી; મન પોતે જ તેમને વળગી રહેવાની ના પાડે છે. મજાની સુંદર સુગંધ આવે છે. શિષ્ય પોતાના મનને કહે છેઃ ‘સૂંઘ નહીં.’ એ સાથે જ મનને સુગંધ આવતી બંધ થાય છે. તમે જ્યારે એ કક્ષાએ પહોંચ્યા હો, ત્યારે તમે શિષ્ય થવાનો માત્ર આરંભ કરો છો. તેથી જ જ્યારે કોઈ મને કહે છે કે ‘હું સત્ય જાણું છું.’ ત્યારે હું કહું છું કે ‘તમે જો સત્ય જાણતા હો તો તમારામાં આત્મસંયમ હોવો જોઈએ; અને જો તમારામાં તમારી જાત ઉપર સંયમ હોય તો આ ઇંદ્રિયોના સંયમ દ્વારા તે બતાવી આપો.’
ત્યાર પછી, મનને તદ્દન શાંત કરવું જોઈએ. તે અતિશય દોડાદોડ કરે છે. જે ઘડી હું ધ્યાનમાં બેસું કે તરત જ જગતના સર્વ દુષ્ટ વિષયો મનમાં ઊઠે છે. એ આખી ઘટના જુગુપ્સાકારક છે. જે વિચારો મારે તેની પાસે કરાવવા નથી, તે બધાનો વિચાર મન શા માટે કરે? આ તો જાણે કે હું મનનો ગુલામ હોઉં તેવું છે. એટલે જ્યાં સુધી મન અશાંત અને કાબૂ બહાર હોય ત્યાં સુધી આધ્યાત્મિક જ્ઞાન શકય નથી. શિષ્યે મનનો સંયમ શીખવાનો છે. હા, વિચાર કરવો એ મનનું કાર્ય છે ખરું; પણ શિષ્ય વિચાર કરવા માગતો ન હોય તો તેને વિચાર ન આવવો જોઈએ. શિષ્ય જ્યારે મનને વિચાર અટકાવવાની આજ્ઞા કરે ત્યારે મન વિચાર કરતું બંધ થઈ જ જવું જોઈએ. શિષ્યત્વની યોગ્યતા મેળવવા માટે મનની આ સ્થિતિ અતિ આવશ્યક છે.
વળી, શિષ્ય થનારમાં સહનશક્તિ પુષ્કળ હોવી જોઈએ. જીવન આરામમય હોય; અને જ્યારે તમારું બધું ઠીક ચાલતું હોય ત્યારે તમને લાગે કે મન બરાબર વર્તે છે, પણ જો કંઈક અઘટિત બને તો તમારું મન સમતુલા ગુમાવી બેસે, એ યોગ્ય નથી.
सहनं सर्वदुःखानामप्रतिकारपूर्वकम्।
चिंताविलासरहितं सा तितिक्षा निगद्यते॥
વેદનાનો એક હરફ સરખોય કાઢ્યા વિના, પ્રતિકાર, ઉપચાર, ઔષધ અથવા બદલાનો વિચાર સરખોય કર્યા વિના સર્વ અનિષ્ટ અને દુઃખને સહન કરો. એ જ સાચી તિતિક્ષા છે અને એ તમારે સાધ્ય કરવી જ જોઈએ.
જગતમાં શુભ અને અશુભ સદા હોય જ છે. ઘણા લોકો ભૂલી જાય છે કે અશુભ જેવું પણ કંઈક છે; કાંઈ નહીં તો તેઓ તે ભૂલવાનો યત્ન તો કરે જ છે. એટલે પછી અશુભ જ્યારે આવી પડે છે, ત્યારે તેઓ તેનાથી દબાઈ જાય છે અને પછી તેમને આકરું લાગે છે. બીજા કેટલાક એવા છે કે અનિષ્ટ જેવું કંઈ પણ હોવાની જ સાફ ના પાડે છે; અને દરેક ઘટનાને શુભ જ માને છે. એ પણ એક પ્રકારની નિર્બળતા જ છે; એ પણ અનિષ્ટના ભયમાંથી જ ઊપજે છે. કોઈ વસ્તુ બદબૂ મારતી હોય તો તેના પર ગુલાબજળ છાંટીને તે સુવાસિત છે એમ શા માટે કહો છો? હા, જગતમાં શુભ અને અશુભ બંને છે. ઈશ્વરે તો જગતમાં અશુભ મૂકયું છે; તમારે તેનો અસ્વીકાર કરીને ઈશ્વરને ઊજળો કરવાની જરાય જરૂર નથી. જગતમાં અશુભ શા માટે છે, એની ભાંજગડમાં પડવાનું તમારું કામ નથી. મહેરબાની કરીને તમે શ્રદ્ધા રાખો અને ચૂપ રહો.
મારા ગુરુ શ્રીરામકૃષ્ણ જ્યારે બીમાર પડ્યા ત્યારે એક બ્રાહ્મણે તેમને સૂચન કર્યું કે ‘આપ આપના પ્રબળ મનોબળને આપનો રોગ મટાડવા માટે વાપરો ને? આપ જો આપના શરીરના રોગવાળા ભાગ પર માત્ર આપનું મન એકાગ્ર કરો તો દર્દ મટી જાય.’ શ્રીરામકૃષ્ણે ઉત્તર આપ્યોઃ ‘શું કહો છો? ઈશ્વરને અર્પણ કરેલ મારા મનને આ ક્ષુદ્ર દેહને માટે નીચે લાવું?’ તેમણે દેહ અને રોગ વિશે વિચાર કરવાની જ ના પાડી. તેમનું મન તો નિરંતર ઈશ્વરમય હતું; તે સંપૂર્ણપણે ઈશ્વરને જ અર્પણ થયેલું હતું. તેઓ તેને બીજા કોઈ હેતુ માટે કદી વાપરે જ નહીં.
આરોગ્ય, સંપત્તિ, દીર્ઘ આયુષ્ય વગેરે માટેની આ ઝંખના—આ કહેવાતું શુભ—એ બધું ભ્રાંતિ સિવાય બીજું કંઈ નથી. એ બધું મેળવવા માટે મનને તેનામાં રોકી રાખવું એ કેવળ આ ભ્રાંતિને વધુ દૃઢ બનાવે છે. આ જીવનમાં તો આવાં સ્વપ્નો અને ભ્રમણાઓ આપણી પાસે છે જ; અને વળી આવતા જન્મમાં, સ્વર્ગમાં એ વધારે મળે તેમ આપણે ઇચ્છીએ છીએ. એટલે કે વધુ ને વધુ માયા! અનિષ્ટને અટકાવો નહીં; તેનો સામનો કરો. અનિષ્ટ કરતાં તમે વધુ ઉચ્ચ છો.
જગતમાં દુઃખ છે જ અને કોઈકે તો એ સહન કરવાનું જ છે. કોઈકનું પણ અનિષ્ટ કર્યા વિના તમે કંઈ જ પ્રવૃત્તિ કરી શકતા નથી. હવે જ્યારે તમે ભૌતિક ઇષ્ટને શોધો છો, ત્યારે તમે અનિષ્ટને માત્ર દૂર હડસેલો છો કે જે અનિષ્ટ કોઈક બીજાએ સહન કરવું પડશે. દરેક માણસ અનિષ્ટને અન્ય કોઈકને માથે નાખી દેવાનો પ્રયાસ કરે છે. શિષ્ય થનાર વ્યક્તિ કહે છેઃ ‘જગતનાં દુઃખો ભલે મારી પાસે આવે. હું તે સઘળાં સહન કરીશ. અન્ય સહુ તેનાથી મુક્ત થાઓ.’
વધસ્તંભે ચડેલા માનવને (ઈશુ ખ્રિસ્તને) યાદ કરો. જીત મેળવવા માટે અસંખ્ય દેવદૂતોને તે બોલાવી શકયા હોત; પણ તેમણે પ્રતિકાર કર્યો નહીં. ઊલટું પોતાને વધસ્તંભ પર ચઢાવનારાઓની તેમણે દયા ખાધી. તેમણે સર્વ પ્રકારનાં અપમાન અને ત્રાસ સહન કર્યાં, તેમણે સૌનો બોજો પોતા પર ઉપાડી લીધો અને કહ્યુંઃ ‘તમે જે જે બધા મહેનત કરો છો અને બોજાથી લદાયેલા છો, તે સૌ મારી પાસે આવો; હું તમને આરામ આપીશ.’ આનું નામ સાચી તિતિક્ષા. આ દુનિયાથી એ કેટલા બધા ઊંચા હતા! એટલે બધે ઊંચે કે આપણે ગુલામો તેને સમજી જ શકતા નથી! કોઈ માણસ જેવો મને મોઢા પર તમાચો મારે કે તરત જ મારો હાથ સામો પ્રહાર કરે છે; સડાક કરતોને લગાવી દે છે! આવો હું એ ભવ્ય મહાત્માની મહત્તા અને ધન્યતા કઈ રીતે સમજી શકું? તેમની ભવ્યતા હું કઈ રીતે જોઈ શકું?
પરંતુ હું આદર્શને તો હલકો નહીં જ પાડું. મને અનુભવ થાય છે કે હું દેહ છું અને અશુભનો સામનો કરું છું. મારું માથું દુખવા માંડે, તો તે મટાડવા સારુ હું આખી દુનિયા ફરી વળું છું, દવાઓના બે હજાર બાટલાઓ પી જઉં છું એવો હું આ અદ્ભુત માનસવાળાઓને કઈ રીતે સમજી શકું? આદર્શને હું જોઈ શકું છું, પણ તેના કેટલા ભાગને ન દેહનું ભાન કે ન તેની અહંબુદ્ધિ, ન તેનાં સુખો અને દુઃખો કે ન તેની વેદનાઓ અને વિલાસોઃ આમાંનું કશુંય એ ઉચ્ચ વાતાવરણને પહોંચી ન શકે. માત્ર એ આત્માનો વિચાર કરવાથી અને સદા મનને ભૌતિકતાથી દૂર રાખવાથી એ આદર્શની મને ઝાંખી થઈ શકે. દુન્યવી વિચારોને અને ઇંદ્રિયવિષયક જગતની વસ્તુઓને એ આદર્શમાં સ્થાન નથી. તેમને બહાર કાઢી નાખો અને મનને આત્મા પર એકાગ્ર કરો. તમારાં જીવન અને મૃત્યુ, તમારાં સુખો અને દુઃખો, તમારાં નામ અને કીર્તિને, બધાંને ભૂલી જાઓ અને અનુભૂતિ કરો કે તમે દેહ નથી કે મન નથી, પણ શુદ્ધ ચૈતન્ય છો.
હું જ્યારે ‘હું’ કહું છું, ત્યારે તેનો અર્થ આ આત્મા એવો કરું છું. તમે તમારી આંખો બંધ કરીને જુઓ કે તમે તમારા ‘હું’નો વિચાર કરો છો ત્યારે કશું ચિત્ર દેખાય છે? તમારી સમક્ષ જે ચિત્ર આવે છે તે તમારા દેહનું છે કે તમારી માનસિક પ્રકૃતિનું? જો એ હોય તો તમને હજી તમારા સાચા ‘હું’ની અનુભૂતિ થઈ નથી. છતાં પણ એવો સમય આવશે કે જ્યારે તમે ‘હું’ કહેશો કે તરત જ તમે વિશ્વને, અનંત સત્તાને જોશો. ત્યારે તમને તમારા સાચા આત્માનો સાક્ષાત્કાર થઈ ચૂકયો હશે અને તમે અનુભવ્યું હશે કે તમે અનંત છો. સત્ય એ છે કે તમે આત્મા છો, ભૌતિક પદાર્થ નથી. ભ્રમ એ એક એવી વસ્તુ છે કે જેમાં એકને બદલે બીજી વસ્તુ માની લેવાય છેઃ જડ વસ્તુને ચૈતન્ય માની લેવાય છે, દેહને આત્મા માની લેવાય છે. એ જબરામાં જબરો ભ્રમ છે; તે જવો જોઈએ.
ત્યાર પછીનો જે ગુણ શિષ્યમાં હોવો જોઈએ તે છે ગુરુમાં શ્રદ્ધા. પાશ્ચાત્ય દેશોમાં ગુરુ માત્ર બૌદ્ધિક જ્ઞાન આપે છે; બસ ખલાસ. પણ ગુરુ સાથેનો સંબંધ તો જીવનમાં સૌથી મહત્ત્વનો છે. જીવનમાં મારું નજીકમાં નજીકનું અને પ્રિયમાં પ્રિય સગું મારા ગુરુ છે. ત્યાર પછી મારી માતા; ત્યાર પછી મારા પિતા. મારા પ્રથમ સન્માનને પાત્ર છે મારા ગુરુ. મારા પિતા કહે કે ‘આ કાર્ય કર’ પણ જો મારા ગુરુ કહે કે ‘એ કરીશ મા,’ તો હું તે કાર્ય ન કરું. મારા ગુરુ આત્માને મુક્તિ આપે છે. પિતા અને માતા મને નવો દેહ આપે છે; પરંતુ ગુરુ મારા આત્માને નવો જન્મ આપે છે.
અમારી કેટલીએક ખાસ માન્યતાઓ પણ છે. તેઓ પૈકી એક માન્યતા એવી છે કે કેટલાક—અપવાદરૂપ થોડાક—આત્માઓ એવા હોય છે કે તેઓ જન્મથી જ મુક્ત હોય છે; તેઓ જગતના કલ્યાણ માટે, જગતને મદદ કરવા પૃથ્વી પર જન્મ લે છે. તેઓ મુક્ત જ હોય છે. તેઓ પોતાની મુક્તિની પરવા કરતા નથી; બીજાઓનો ઉદ્ધાર કરવા તેઓ ઇચ્છે છે. કોઈ બાબતનો તેમને ઉપદેશ આપવાની જરૂર હોતી નથી; તેમનામાં બાળપણથી જ બધું જ્ઞાન હોય છે. સંભવ છે કે છ માસની શિશુ અવસ્થામાં પણ તેઓ મહાન સત્ય ઉચ્ચારે!
આ નિત્ય મુક્ત આત્માઓ પર માનવજાતના આધ્યાત્મિક વિકાસનો આધાર છે. તેઓ બીજા દીવા પ્રગટાવવા માટેના અખંડ બળતા નંદાદીપ જેવા છે. એ સાચું કે પ્રકાશ પ્રત્યેકમાં છે, પરંતુ ઘણાખરા મનુષ્યોમાં તે ઢંકાઈ રહેલો હોય છે. મહાન આત્માઓ આરંભથી જ પ્રકાશ આપતા દીવાઓ છે. જે લોકો તેમના સંપર્કમાં આવે છે તેમને, આ આત્માઓના સંપર્કથી જાણે કે પોતાના આત્મદીપકો પ્રગટયા હોય એવું લાગે છે. આમ બનવામાં પ્રથમ દીપક કંઈ જ ગુમાવતો નથી; છતાં તે પોતાનો પ્રકાશ બીજા દીવાઓને આપે છે. પોતામાંથી ભલે લાખો દીવાઓ પ્રગટે; પણ પહેલો દીવો એ ગુરુ છે અને તેમાંથી પ્રગટેલો બીજો દીવો તે શિષ્ય છે. આગળ જતાં એ શિષ્ય પણ ગુરુ બને છે અને એ પ્રમાણે પરંપરા ચાલ્યા કરે છે. આ મહાપુરુષો, જેમને તમે ઈશ્વરના અવતાર કહો છો, તેઓ પ્રચંડ આધ્યાત્મિક વિભૂતિઓ હોય છે. તેઓ (જગતમાં) આવીને પોતાની શક્તિ પોતાની નિકટના શિષ્યોમાં અને તેમના શિષ્યોમાં, એમ શિષ્ય પરંપરા દ્વારા અનેકોમાં સંચારિત કરીને એક પ્રચંડ આધ્યાત્મિક પ્રવાહને ગતિમાં મૂકે છે.
ખ્રિસ્તી ધર્મનો દરેક ધર્મગુરુ એવો દાવો કરે છે કે જે શક્તિ તેની પોતાની ધારણા મુજબ તેને અગાઉના ધર્મગુરુ પાસેથી મળી છે, તે પોતે બીજાઓ ઉપર હાથ મૂકીને સંચારિત કરે છે. એ ધર્મગુરુ એમ કહે છે કે ઈશુ ખ્રિસ્તે પોતાની શક્તિ પોતાના નિકટના શિષ્યોમાં અને તેમણે તેમના શિષ્યોમાં અને એ રીતે પરંપરા દ્વારા ખ્રિસ્તની શક્તિ તેની પાસે આવી છે. અમે એમ કહીએ છીએ કે માત્ર ધર્મગુરુઓમાં જ નહિ પણ આપણા પૈકી દરેકે દરેકમાં આવી શક્તિ હોવી જોઈએ. તમારા પૈકી દરેક જણ આધ્યાત્મિકતાના પ્રબળ પ્રવાહનું વાહન શા માટે ન થઈ શકે એનું કોઈ કારણ નથી.
પરંતુ સૌથી પહેલાં તમારે ગુરુ શોધી કાઢવા જોઈએ—સાચા ગુરુ અને તમારે એ યાદ રાખવું કે ગુરુ માત્ર માણસ નથી. તમને જે ગુરુ મળે તે દેહધારી હોય, પણ એ સાચો ગુરુ નથી; એ શારીરિક માનવી નથી. તમારી સમક્ષ દેખાય છે તેવા તે નથી. એવું બને કે ગુરુ તમારી પાસે માનવ-દેહધારી તરીકે આવે અને તમને તેની પાસેથી શક્તિ મળે. કેટલીક વાર તે સ્વપ્નમાં પણ આવે અને જગતને સંદેશ આપે. ગુરુની શક્તિ આપણી પાસે ઘણી રીતે આવે. પરંતુ આપણા જેવા મૃત્યુને આધીન માનવીઓ માટે તો ગુરુએ આવવું જ પડે; અને એ ન આવે ત્યાં સુધી આપણે આપણી પૂર્વતૈયારીઓ ચાલુ રાખવી જ રહી.
આપણે વ્યાખ્યાનોમાં હાજરી આપીએ છીએ. ગ્રંથો વાંચીએ છીએ તથા ઈશ્વર, આત્મા, ધર્મ, મોક્ષ વગેરેની ચર્ચા પણ કરીએ છીએ અને તર્કના ઘોડાઓ દોડાવીએ છીએ. આ બધું આધ્યાત્મિકતા નથી, કારણ કે આધ્યાત્મિકતા ગ્રંથોમાં કે ફિલસૂફીઓમાં કે સિદ્ધાંતોમાં રહેલી નથી. તે નથી વિદ્યામાં કે નથી તર્કમાં; પણ તે સાચા આંતરિક વિકાસમાં છે. શબ્દો ગોખી નાખતાં અને તેમને ફરીથી બોલતાં તો પોપટ પણ શીખી શકે છે. તમે વિદ્વાન બનો; પણ તેથી શું? ગધેડાઓ પણ આખા પુસ્તકાલયને ઊંચકી લઈ જઈ શકે છે. એટલે જ્યારે સાચો પ્રકાશ આવશે, ત્યારે આ પુસ્તકિયા જ્ઞાનની આવશ્યકતા નહીં રહે; પુસ્તકિયા જ્ઞાનની જરૂર જ નહીં પડે. કોઈ માણસને પોતાનું નામ સરખુંય લખતાં ન આવડે, છતાં એ સંપૂર્ણપણે ધાર્મિક હોઈ શકે; અને પોતાના ભેજામાં જગતનાં સઘળાં પુસ્તકાલયો ભરી રાખ્યાં હોય એવો માણસ ધાર્મિક બનવામાં નિષ્ફળ જાય. આધ્યાત્મિક પ્રગતિ માટે ભણતર એ આવશ્યક બાબત નથી; વિદ્વત્તા પણ આવશ્યક બાબત નથી. ગુરુનો સ્પર્શ, આધ્યાત્મિક શક્તિનો સંચાર, એ તમારા હૃદયને ચેતનવંતું બનાવશે. પ્રગતિનો આરંભ ત્યારે થશે. અગ્નિમંત્રની સાચી દીક્ષા એ છે. પછી અટકવાનું જ નહીં. તમે આગળ ને આગળ જ જવાના.
કેટલાંક વર્ષો પહેલાં તમારા એક ખ્રિસ્તી ઉપદેશક કે જેઓ મારા મિત્ર હતા, તેમણે કહ્યું ‘તમે ખ્રિસ્તમાં માનો છો?’ મેં ઉત્તર આપ્યોઃ ‘હા; પરંતુ કદાચ વધુ પૂજ્યભાવપૂર્વક.’ ‘તો પછી તમે જળસંસ્કાર (Baptism) રૂપી દીક્ષા શા માટે લેતા નથી?’ મેં કહ્યુંઃ કે હું દીક્ષા કેવી રીતે લઉં? કોની પાસેથી લઉં? સાચી દીક્ષા આપી શકે એવો માનવી કયાં છે? દીક્ષા એટલે શું? મંત્રો બોલતાં બોલતાં માથા પર થોડુંક પાણી છાંટે અથવા તો તમને પાણીમાં ડૂબકી ખવડાવે, એ શું દીક્ષા છે?’
દીક્ષા એટલે સીધો આધ્યાત્મિક જીવનમાં પ્રવેશ. તમને જો સાચી દીક્ષા મળે તો તમને જ્ઞાન થાય કે તમે દેહ નથી પણ આત્મા છો. તમે એવી દીક્ષા આપી શકતા હો તો મને આપો. જો એમ ન કરી શકતા હો તો તમે ખ્રિસ્તી નથી. તમે લીધેલી કહેવાતી દીક્ષા પછી પણ તમે એના એ જ રહ્યા છો. ખ્રિસ્તના નામે તમને દીક્ષા મળી છે એમ બોલવા માત્રનો શો અર્થ છે? માત્ર વાતો, વાતો અને વાતો જ. પોતાની મૂર્ખતાથી દુનિયાને સદા હેરાન કર્યા કરવી!
अविद्यायामन्तरे वर्तमानाः स्वयं धीराः पण्डितं मन्यमानाः।
दन्द्रम्यमाणाः परियन्ति मूढाः अंधेनैव नीयमाना यथान्धाः॥
‘અજ્ઞાનના અંધકારમાં સદા ડૂબેલા, છતાં પોતાને ડાહ્યા અને વિદ્વાન માનતા મૂર્ખાઓ આંધળાને દોરતા આંધળાની જેમ આમતેમ લથડિયાં ખાતા ખાતા ગોળગોળ ફર્યા કરે છે.’ તેથી બોલો મા કે તમે ખ્રિસ્તી છો; જળસંસ્કાર અને એવી બીજી બાબતોની બડાઈ મારતા બંધ થાઓ.
અલબત્ત, સાચી દીક્ષા—જળસંસ્કાર—છે, જ્યારે ખ્રિસ્ત પૃથ્વી પર આવ્યા હતા અને ઉપદેશ આપતા હતા ત્યારે આરંભમાં દીક્ષા હતી. જ્યોતિર્મય આત્માઓમાં, અવારનવાર પૃથ્વી પર આવતા મહાપુરુષોમાં, આપણને આત્મદર્શન કરાવવાની શક્તિ હોય છે. આ સાચી દીક્ષા છે. તમે જોશો કે દરેક ધર્મના મંત્રો અને વિધિઓની શરૂઆત થઈ તે પહેલાં ત્યાં વિશ્વ વ્યાપક સત્યનું બીજ હોય છે. સમય જતાં આ સત્ય ભુલાઈ જવાય છે; વિધિઓ અને ક્રિયાકાંડોમાં જાણે કે ગૂંગળાઈ ગયું હોય તેવું થઈ જાય છે. વિધિઓ રહી જાય છે—પેટી પડેલી દેખાય છે પણ અંદરથી આત્મા અદૃશ્ય થઈ ગયેલો હોય છે. તમારામાં દીક્ષાનો વિધિ છે. પણ દીક્ષાના જીવંત તત્ત્વને બહુ જ થોડા જગાવી શકે. એકલો વિધિ પૂરતો નથી; આપણે જો જીવંત સત્યનું જીવંત જ્ઞાન મેળવવાની ઇચ્છા રાખીએ, તો આપણને સાચોસાચ તેની દીક્ષા—અંતઃપ્રવેશ મળવો જોઈએ. એ આદર્શ છે.
ગુરુએ મને ઉપદેશ આપીને પ્રકાશમાં લઈ જવો જોઈએ. જે સાંકળમાં પોતે કડીરૂપ છે તેમાં મને પણ એક કડીરૂપ બનાવવો જોઈએ. રસ્તે ચાલતો માણસ ગુરુ થવાનો દાવો કરી શકે નહિ. ગુરુ એવો માણસ થઈ શકે કે જેણે ઈશ્વરી સત્ય જાણ્યું છે, જેણે તેનો ખરેખર સાક્ષાત્કાર કરેલ છે, જેણે પોતાને આત્મા તરીકે અનુભવેલ છે. કેવળ વાતો કરનારો ગુરુ થઈ શકે નહિ. મારા જેવો મૂરખ વાતોડિયો ઘણુંય બકબક કરી શકે, પણ તે ગુરુ થઈ શકે નહિ. સાચો ગુરુ શિષ્યને કહેશેઃ ‘જા; હવેથી પાપ ન કરતો.’ અને ફરીથી શિષ્ય પાપ કરી શકે જ નહીં, એ માણસમાં પાપ કરવાની શક્તિ જ રહે નહીં.
આવા માનવીઓ મેં મારા જીવનમાં જોયા છે. મેં બાઇબલ વગેરે ગ્રંથો વાંચ્યા છે; તે અદ્ભુત છે. પરંતુ ગ્રંથોમાં તમને જીવંત શક્તિ મળી શકે નહીં. ક્ષણમાત્રમાં જીવનનું પરિવર્તન કરી શકનાર શક્તિ તો માત્ર જીવંત તેજોમય આત્માઓમાંથી, આપણી સામે અવારનવાર નજરે ચડતા પ્રકાશમાન દીપકોમાંથી જ મળી શકે. માત્ર તેઓ જ ગુરુ થવાને લાયક છે. હું અને તમે તો કેવળ પોકળ વાતો, વાતો અને વાતો જ છીએ; ગુરુઓ નહિ. આપણે તો માત્ર વાતો કરીને, અનિચ્છનીય આંદોલનો ઉત્પન્ન કરીને, જગતને ઊલટી વધુ ખલેલ પહોંચાડીએ છીએ. આપણે આશા રાખીએ, પ્રાર્થના કરીએ અને પ્રયત્ન કર્યા કરીએ કે એક એવો દિવસ આવે કે જ્યારે આપણે સત્ય પ્રાપ્ત કરીએ. ત્યાર પછી આપણે બોલ બોલ કરવાનું રહેશે નહીં.
चित्रं वटतरोर्मूले वृद्धाः शिष्या गुरुर्युवा।
गुरोस्तु मौनंं व्याख्यानं शिष्यास्तु छिन्नसंशयाः॥
‘ગુરુ સોળ વરસનો છોકરો છે; એંશી વર્ષના વૃદ્ધને એ ઉપદેશ આપે છે. ગુરુની વ્યાખ્યાન-પદ્ધતિ મૌન છે; અને શિષ્યના સંશયો સદાને માટે નાશ પામે છે.’ આવા ગુરુ એ સાચા ગુરુ છે. જરા વિચાર કરો કે તમને જો આવો માનવી મળી આવે તો તે વ્યક્તિ પ્રત્યે તમારામાં કેટલી શ્રદ્ધા અને કેવો પ્રેમ હોવાં જોઈએ! કારણ તે ગુરુ સ્વયં ઈશ્વર છે; ઈશ્વરની એક કાંકરીથી પણ કમ નહીં! માટે જ ખ્રિસ્તના શિષ્યોએ તેમને ઈશ્વર તરીકે પૂજ્યા. શિષ્યે ગુરુને સ્વયં ઈશ્વરની પેઠે પૂજવા જોઈએ. જ્યાં સુધી માનવને પોતાને ઈશ્વરનો સાક્ષાત્કાર થાય નહીં ત્યાં સુધી તે જો કોઈને જાણી શકે તો તે જીવંત ઈશ્વરને જ—માનવદેહ ધારી ઈશ્વરને જ જાણી શકે. બીજી કઈ રીતે તે ઈશ્વરને જાણી શકે?
અહીં અમેરિકા દેશમાં ખ્રિસ્ત પછી ઓગણીસ સો વરસ પછી જન્મેલો, પેલો એક માણસ છે; તે ખ્રિસ્તની જાતનો, યહૂદી જાતનોય નથી; તેણે જિસસના ઘરનાં કોઈને કદી જોયેલ પણ નથી. એ માણસ આવીને મને કહે છેઃ ‘જિસસ ઈશ્વર હતો; તમે જો તેને નહીં માનો તો તમે નરકે જશો!’ શી નવાઈ! જિસસ ઈશ્વર હતા એ જિસસના શિષ્યો કેમ માનતા હતા એ આપણે સમજી શકીએ; તે તેમના ગુરુ હતા. તેમણે ખરેખર માન્યું જ હોવું જોઈએ કે ક્રાઈસ્ટ ઈશ્વર હતા. પરંતુ આજથી ઓગણીસ સો વરસ પહેલાં જન્મેલા એ માણસની સાથે આ અમેરિકનને શી લેવાદેવા? આ જુવાનિયો ઊભો થઈને મને કહે છે કે તમે ઈશુમાં માનતા નથી તેથી તમારે નરકમાં જવું પડશે! અલ્યા ભઈ! ઈશુ વિષે એ જુવાનિયો જાણે શું? એ તો ગાંડાની ઈસ્પિતાલમાં મોકલવા લાયક છે! આ પ્રકારની માન્યતા ન ચાલે; તેણે પોતાનો ગુરુ શોધી કાઢવો જોઈશે.
ઈશુનું પુનરુત્થાન થાય, તે તમારી પાસે આવે ત્યારે તમે તેને પૂજો એ બરોબર છે. ગુરુ આવે ત્યાં સુધી આપણે સૌએ રાહ જોવી જોઈએ; અને ગુરુની ઈશ્વર તરીકે પૂજા કરવી જોઈએ. ગુરુ ઈશ્વર છે, ઈશ્વર કરતાં તે જરાય ઓછા નથી. જેમ જેમ તમે ગુરુની સામે જુઓ, તેમ તેમ ધીમે ધીમે ગુરુ વિલીન થતા જાય; અને પાછળ શું રહે? ગુરુને સ્થાને બિરાજેલા હોય સાક્ષાત્ ઈશ્વર! ગુરુ એટલે ઈશ્વરે આપણી સમક્ષ આવવા સારુ ધારણ કરેલ તેજોમય ગુપ્ત વેશ છે. આપણે સ્થિરતાપૂર્વક જેમ જેમ જોયા કરીએ, તેમ તેમ ધીમે ધીમે આ બાહ્ય સ્વરૂપ ચાલ્યું જાય અને ઈશ્વર પ્રગટ થાય.
ब्रह्मानन्दं परमसुखदं केवलं ज्ञानमूर्तिम्।
द्वन्द्वातीतं त्रिगुणरहितं सद्गुरुं तं नमामि॥
‘જે બ્રહ્માનંદરૂપ છે; કેવળ જ્ઞાનની મૂર્તિ છે; પરમસુખ આપનાર છે; જે વિમળ, પૂર્ણ, એક, દ્વંદ્વોથી અતીત, નિત્ય અને સુખદુઃખથી પર છે; જે સર્વ વિચાર અને સર્વ ગુણોથી પર છે; તથા જે બુદ્ધિથી પણ પર છે, એવા ગુરુને હું વંદન કરું છું.’
યથાર્થ સ્વરૂપે ગુરુ આવા છે. શિષ્ય તેમને સ્વયં ઈશ્વર તરીકે જુએ, તેમના પર શ્રદ્ધા રાખે, તેમને માન આપે, તેમની આજ્ઞા પાળે અને નિઃશંક ચિત્તે તેમને અનુસરે, એમાં નવાઈ નથી. આ છે ગુરુશિષ્ય વચ્ચેનો સંબંધ.
ત્યાર પછી શિષ્યમાં આવશ્યક ગુણ જોઈએ मुमुक्षुत्वम् એટલે કે મુક્ત થવાની તીવ્ર ઇચ્છા.
આપણે ભડભડતી આગમાં કૂદી પડતાં પતંગિયાં જેવા છીએ; જો કે આપણે જાણીએ છીએ કે તે આગ આપણને બાળે છે, જો કે આપણે જાણીએ છીએ કે ઇંદ્રિયો આપણને માત્ર બાળે જ છે, આપણી તૃષ્ણાને કેવળ વધારે જ છે; તે છતાંય આપણે કૂદી પડીએ છીએ.
न जातु कामः कामानामुपभोगेन शाम्यति।
हविषा कृष्णवर्त्मेव भूय एवाभिवर्धते॥
‘ઉપભોગથી કામના કદી શાંત થતી નથી. જેવી રીતે અગ્નિમાં નાખેલું ઘી અગ્નિને વધુ પ્રજ્વલિત કરે છે, તેવી રીતે ભોગો કામનાને માત્ર વધારે જ છે.’ કામનાથી કામના વધે છે. સહુ કોઈ આ જાણવા છતાં હંમેશાં તેમાં ઝંપલાવે જ છે. જનમોજનમ તેઓ ભોગના વિષયોની પાછળ પડેલા જ હોય છે અને પરિણામે અતિશય દુઃખો સહન કર્યાં હોવા છતાં તેઓ કામનાનો ત્યાગ કરી શકતા નથી. જે ધર્મ, કામનાના આ ભયંકર બંધનમાંથી છોડાવવા સારુ છે, તેને સુધ્ધાં તેઓએ કામના તૃપ્ત કરવાનું સાધન બનાવી મૂકયો છે. દેહ અને ઇંદ્રિયોનાં બંધનોમાંથી, કામનાઓની ગુલામીમાંથી પોતાને મુક્ત કરવાની તેઓ ઈશ્વર પાસે ભાગ્યે જ માગણી કરે છે. તેને બદલે તેઓ ઈશ્વર પાસે આરોગ્ય માટે, સંપત્તિ માટે અને દીર્ઘાયુષ્ય માટે સદા પ્રાર્થના કરે છેઃ ‘હે ભગવાન! મારું માથું દુઃખતું મટાડી દે, મને કંઈક ધન આપ, બીજું બધું આપ!’
માણસની દૃષ્ટિનું ક્ષેત્ર એવું સંકુચિત, એવું ભ્રષ્ટ, એવું પશુતુલ્ય, એવું ઇંદ્રિય-પરાયણ થઈ ગયું છે! એક પણ માણસ આ દેહથી પર એવી કોઈ વસ્તુને ઇચ્છતો જ નથી. આહાહા! શો ભયંકર અધઃપાત! શી તેની ભયંકર યાતના! એક થોડુંક માંસ, પાંચ ઇંદ્રિયો અને પેટ! પેટ અને વિષયભોગ સિવાય જગત એટલું બીજું છે શું? લાખો સ્ત્રીપુરુષો તરફ જુઓ, કેવળ એટલા માટે જ તેઓ જીવે છે. આ બે વસ્તુઓ તેમની પાસેથી લઈ લો તો તેમને જીવન શૂન્ય, નિરર્થક અને અસહ્ય લાગશે. આવા છીએ આપણે અને આવું છે આપણું મનઃ નિરંતર તે દામની અને કામની ભૂખ સંતોષવાના માર્ગો અને સાધનો સારુ વલખાં મારતું જ હોય છે. ચોવીસે કલાક આ ચાલતું જ હોય છે. વળી દુઃખનોય અંત નથી; દેહની આ કામનાઓ માત્ર ક્ષણિક સંતોષ અને પાર વિનાનું દુઃખ લાવે છે. સપાટી પર અમૃત અને તળિયે બધું ઝેર હોય એવો પ્યાલો પીવા જેવું આ છે. પણ તે છતાંય આ તમામ વસ્તુઓ સારુ આપણે તલસતા હોઈએ છીએ.
તો એનો માર્ગ શો? આ દુઃખમાંથી બહાર નીકળવાનો એક જ રસ્તો છે, ઇંદ્રિયોના વિષયોનો અને કામનાઓનો ત્યાગ. તમારે જો આત્મપરાયણ થવું હોય તો તમારે ત્યાગ કરવો જ જોઈએ. સાચી કસોટી આ છે. સંસારનો ત્યાગ કરો, આ ઇંદ્રિયભોગોની મૂર્ખતાને છોડી દો. સાચી ઇચ્છા કેવળ એક જ છે—જે સત્ય છે તેને જાણવું, આત્મપરાયણ થવું. ભૌતિકવાદને ઘણો પોષ્યો, આ અહંકારને પણ ઘણો પંપાળ્યો; હવે બસ! હવે મારે આત્માભિમુખ થવું જ જોઈએ. એ ઇચ્છા અતિ તીવ્ર હોવી જોઈએ. એક માણસના હાથપગ એવી રીતે બાંધ્યા હોય કે તે જરાય હાલીચાલી શકે નહીં અને પછી સળગતો કોલસો જો તેના દેહ પર મૂકવામાં આવે તો તેને ફેંકી દેવા માટે તે જેમ પોતાની તમામ શક્તિથી તરફડિયાં મારે, તેમ જ્યારે આ સળગતા સંસારને ફેંકી દેવાની એ પ્રકારની તીવ્ર ઇચ્છા પ્રગટશે, એવો સતત પ્રયાસ થશે ત્યારે દિવ્ય સત્યની ઝાંખી કરવાનો સમય આવી પહોંચ્યો હશે.
હું મારી વાત કરું. અંદર બે કે ત્રણ ડોલરવાળું મારું આ પાકીટ જો ખોવાઈ જાય તો એ શોધી કાઢવા માટે હું ઘરમાં વીસ વખત આંટા મારીશ. એ માટે મારી કેટલી આતુરતા, કેટલી ચિંતા અને કેવાં તરફડિયાં ચાલે? તમે કોઈ જો મારી વિરુદ્ધ જાઓ તો વીસ વરસ સુધી મને તે સાંભર્યા કરે; ક્ષમા આપીને હું તે વીસરી શકતો નથી. ઇંદ્રિયોના વિષયોની આવી ક્ષુદ્ર બાબતો માટે હું આવી મગજમારી કરું; પણ ઈશ્વર સારુ એ જાતનો પ્રયત્ન કોણ કરે છે?
बालस्तावत्क्रीडासक्तः तरुणस्तावत्तरुणीरक्तः।
वृद्धस्तावच्चिन्तामग्नः परब्रह्मणि कोऽपि न लग्नः॥
‘બાલ્યાવસ્થામાં હોય ત્યારે માણસો પોતાની રમતમાં સર્વસ્વ ભૂલી જાય છે; તરુણાવસ્થામાં આવે ત્યારે ઇંદ્રિયોના ભોગો પાછળ ગાંડા બને છે; બીજા કશાની તેમને પરવા નથી અને વૃદ્ધો પોતાનાં ભૂતકાળનાં કુકર્મોને મનમાં ઘોળ્યા કરે છે.’
વૃદ્ધો ભોગ ભોગવી શકતા નથી, તેઓ ભૂતકાળમાં પોતે ભોગવેલા ભોગોનું ચિંતવન કર્યા કરે છે; વધારેમાં વધારે તેમનાથી વાગોળવાનું જ બની શકે છે. ઇંદ્રિયોના વિષયો માટે માણસોને જેવી તીવ્ર ઝંખના હોય છે, તેવી જ તીવ્ર ભાવનાથી ઈશ્વરની ઝંખના કોઈ કરતું નથી.
સૌ કહે છે ઈશ્વર સત્ય છે, સાચેસાચ વિદ્યમાન વસ્તુ એ જ છે; અસ્તિત્વ કેવળ આત્માનું જ છે, જડ પદાર્થનું નથી. છતાં ઈશ્વર પાસે જે વસ્તુઓ તેઓ માગે છે તે ભાગ્યે જ આત્મા હોય છે. તેઓ હંમેશાં ભૌતિક પદાર્થો જ માગે છે. તેમની માગણીમાં આત્માને અનાત્મ પદાર્થથી જુદો કરવામાં આવતો નથી. એટલે ધર્મનું પરિણામ અવનતિનું આવ્યું. સમગ્ર જીવન એક મોટો દંભ થતું જાય છે; વર્ષો વીતતાં જાય છે પણ કંઈ આત્મ-વસ્તુ પ્રાપ્ત થતી નથી. ખરું જોતાં માણસને માત્ર એક જ વસ્તુની—આત્માની જ ભૂખ હોવી જોઈએ, કારણ કે એકમાત્ર આત્મા જ અસ્તિત્વ ધરાવે છે, તે જ આદર્શ છે. તમે જો તેને અત્યારે પ્રાપ્ત ન કરી શકતા હો તો કહો કે ‘હું તે કરી શકતો નથી; હું જાણું છું કે આદર્શ એ છે, પણ હજી હું તેનું અનુસરણ કરી શકતો નથી.’ પરંતુ તમે જે કરો છો તે આ નથી. તમે તો ધર્મને તમારી હલકી પાયરીએ ઉતારી પાડો છો અને આત્માને નામે અનાત્મને શોધો છો. તમે સઘળા નાસ્તિક જ છો. ઇંદ્રિયોના વિષયો સિવાય બીજી કોઈ વસ્તુમાં તમે માનતા નથી. ‘અમુક વ્યક્તિએ આવું તેવું કહ્યું છે માટે તેમાં કંઈક હોવું જોઈએ; માટે ચાલો આપણે પ્રયત્ન કરીએ અને મોજ કરી લઈએ. કદાચ કંઈક લાભ થઈ પણ જાય; કદાચ મારો ભાંગી ગયેલો પગ સાજો થઈ જાય!’
માંદા માણસો ખરેખરા દુખિયા છે. તેઓ ઈશ્વરની પુષ્કળ ઉપાસના કરે છે, કારણ કે તેમને આશા છે કે જો પોતે ઈશ્વરની પ્રાર્થના કરે તો તે તેમને સાજા કરી દેશે. જો આવી પ્રાર્થનાઓ સાચા દિલની હોય અને એ ધર્મ નથી એટલું જો તેઓ યાદ રાખે, તો એ બાબત બહુ ખરાબ છે એવું નથી, કારણ કે શ્રીકૃષ્ણ ગીતા (અધ્યાય ૭, શ્લોક ૧૬)માં કહે છેઃ
चतुर्विधा भजन्ते मां जनाः सुकृतिनोऽर्जुन।
आर्तो जिज्ञासुरर्थार्थी ज्ञानि च भरतर्षभ॥
‘દુઃખી, સાંસારિક પદાર્થની ઇચ્છાવાળા, જિજ્ઞાસુઓ અને સત્યને જાણનારા—આ ચાર પ્રકારના લોકો મને ભજે છે.’ દુઃખી લોકો દુઃખ નિવારણ સારુ ઈશ્વરને ભજે છે. તેઓ જો માંદા હોય તો સાજા થવા માટે તેને ભજે છે; જો ધન ગુમાવ્યું હોય તો તે પાછું મેળવવા ઈશ્વરની પ્રાર્થના કરે છે. અન્ય લોકો બીજા બધા પ્રકારની વસ્તુઓ ઈશ્વર પાસે માગે છે; કારણ કે તેઓ નામ, કીર્તિ, સંપત્તિ, મોભો ઈત્યાદિ કામનાઓથી ભરપૂર છે. તેઓ પ્રાર્થનામાં કહેશેઃ ‘હે કુમારી મેરી! હે મારી માતા! મારી મનમાં ધારેલી વસ્તુ મને મળશે તો હું તને નૈવેદ્ય ધરીશ. મારી મનોકામના પૂરી કરો તો હું જરૂર તમારી પૂજા કરીશ અને તમને બધી વસ્તુનો થોડો થોડો અગ્ર ભાગ આપીશ.’ જેઓ સંસારમાં તેમના જેટલા અતિશય આસક્ત ન હોય પરંતુ હજી જેમને ઈશ્વરમાં ખાસ શ્રદ્ધા પણ ન હોય, એવા માણસો ઈશ્વર વિષે જાણવાની વૃત્તિ સેવતા હોય છે; તેઓ ફિલસૂફીનો અભ્યાસ કરે છે, શાસ્ત્રો વાંચે છે, વ્યાખ્યાનો સાંભળે છે, ઈત્યાદિ; તેઓ જિજ્ઞાસુ છે. જેઓ છેલ્લા પ્રકારમાં આવે છે તેઓ ઈશ્વરની ઉપાસના કરે છે અને ઈશ્વરને ઓળખે છે. આ ચારે પ્રકારના લોકો સારા છે, ખરાબ નથી; તેઓ બધા ઈશ્વરની ઉપાસના કરે છે.
પરંતુ આપણે તો શિષ્ય થવાનો પ્રયત્ન કરીએ છીએ. આપણું એકમાત્ર ધ્યેય પરમ સત્યને જાણવાનું છે. આપણું લક્ષ્ય ઉચ્ચમાં ઉચ્ચ છે. આપણે આપણી જાતને જો સંપૂર્ણ સાક્ષાત્કાર અને એવા બધા મોટા મોટા શબ્દોના ઉપદેશ આપ્યા છે, તો આપણે એ શબ્દોને અનુરૂપ બનવું ઘટે. આપણે આત્મ-સ્વરૂપ થઈને આત્માની ઉપાસના કરીએ; આદિમાં આત્મા, મધ્યમાં આત્મા અને અંતે પણ આત્મા જ આવે. સંસારીપણું કયાંય પણ રહે નહિ. દુનિયાને છોડી દો; એને અવકાશમાં ઘૂમવા દો; કોણ એની પરવા કરે? ‘તું આત્મામાં સ્થિર રહે!’ એ જ લક્ષ્ય છે. આપણે જાણીએ છીએ કે આપણે હજી તેને પહોંચી શકીએ તેમ નથી; પણ વાંધો નહિ, નિરાશ થાઓ નહિ, આદર્શને નીચે ઉતારો નહિ. અગત્યની બાબત તો એ છે કે તમે દેહનો—તમારો પોતાનો—જડ, નિર્જીવ, અચેતન પદાર્થ તરીકે કેટલો ઓછો વિચાર કરો છો અને તમારો પોતાનો જ્યોતિર્મય આત્મા તરીકે તમે કેટલો વધુ વિચાર કરો છો. જેમ જેમ તમે તમારો પોતાનો જ્યોતિર્મય અવિનાશી આત્મા તરીકે વિચાર કરશો, તેમ તેમ ભૌતિક પદાર્થોથી—દેહ અને ઇંદ્રિયોના વિષયોથી—મુક્ત થવા સારુ તમે વધુ આતુર થશો. આને કહે છે મુક્ત થવાની તીવ્ર ઇચ્છા, મુમુક્ષુત્વ.
શિષ્યત્વનો ચોથો અને છેલ્લો ગુણ જે જોઈએ, તે છે નિત્ય વસ્તુ આત્માને અનિત્ય વસ્તુ સંસારમાંથી અલગ કરવાની શક્તિ नित्यानित्यवस्तुविवेकः। સત્ય વસ્તુ એક જ છે—ઈશ્વર. સર્વદા મન ઈશ્વર તરફ જ ખેંચાયેલું રહેવું જોઈએ, ઈશ્વરને જ સમર્પણ થયેલું હોવું જોઈએ. ઈશ્વર જ નિત્ય છે, બીજું સર્વ અનિત્ય છે, એ બધું આવે છે અને જાય છે. સંસારના કોઈ પણ પદાર્થની કામના એ ભ્રમ છે, કારણ કે જગત મિથ્યા છે. જ્યાં સુધી ઈશ્વર સિવાયની અન્ય સર્વ વસ્તુ તેના ખરા સ્વરૂપમાં એટલે કે મિથ્યા જણાય નહિ, ત્યાં સુધી એકમાત્ર ઈશ્વરનું જ અનુસંધાન વધારે ને વધારે રાખવું જોઈએ.
જે માણસ શિષ્ય થવા ઇચ્છે છે તેનામાં આ ચારે બાબતો—આ साधनचतुष्टयम् હોવી જોઈએ. તેમને પ્રાપ્ત કર્યા વિના તે સાચા ગુરુના સંપર્કમાં આવવા શક્તિમાન થશે નહિ અને ધારો કે ગુરુને પ્રાપ્ત કરવા પૂરતો તે ભાગ્યશાળી બન્યો હોય, તોપણ મંત્ર દ્વારા ગુરુએ સંચારિત કરેલી શક્તિથી તેનામાં આત્મ જાગૃતિ આવશે નહિ. આ ચાર સાધનોમાં કશી બાંધછોડ કરીને પતાવી દઈ શકાય એમ નથી. આ સાધનોમાં સંપૂર્ણતા પ્રાપ્ત કરવાથી, આ બધી તૈયારીઓથી સજ્જ થવાથી, શિષ્યનું હૃદયકમળ ખીલી ઊઠશે અને ત્યાં ઈશ્વરરૂપી મધમાખી આવશે. ત્યારે શિષ્યને જ્ઞાન થશે કે ગુરુ પોતાના શરીરમાં, પોતાના હૃદયની અંદર જ રહેલા છે. એથી શિષ્યનું હૃદયકમળ વિકસે છે; તેને અનુભૂતિ થાય છે ; તે સંસારસાગરને તરી જાય છે, પાર કરી જાય છે. તે આ ભયંકર સંસાર-સાગરને ઓળંગી જાય છે અને લાભ કે પ્રશંસાનો ખ્યાલ સરખોય મનમાં લાવ્યા સિવાય તે પોતાનો વારો આવતાં, કેવળ કરુણાથી બીજાઓને સંસાર-સાગરમાંથી પાર ઊતરવામાં સહાય કરે છે.

