(ડેટ્રોઈટ ટ્રિબ્યૂન, ફેબ્રુઆરી ર૧,૧૮૯૪)

(આ પ્રવચનનો ‘ડેટ્રોઈટ ફ્રિ પ્રેસ’નો અહેવાલ અંગ્રેજી વૉ. ૮માં છે)

ગઈ રાત્રે સ્વામી વિવે કાનંદને સાંભળવા માટે ‘ફર્સ્ટ યુનિટેરિયન ચર્ચ’ ભરચક થઈ ગયું હતું. જેફરસન એવન્યૂ અને વૂડવર્ડ એવન્યૂના ઉપરના ભાગેથી આવતા લોકોનો એમાં સમાવેશ થતો હતો. એમાંની ઘણી તો સ્ત્રીઓ હતી, જેમણે બ્રાહ્મણ (Brahman)નાં અનેક કથનો પર ઘણા ઉત્સાહથી તાળીઓ પાડી.

વક્તા જે પ્રેમ દેખાડતા હતા તે કોઈ આવેશથી જન્મતો પ્રેમ ન હતોપણ વિશુદ્ધ અને પવિત્ર પ્રેમ હતો કે જે પ્રેમ ભારતમાં ઈશ્વર પ્રત્યે રખાય છે, તેવો એ હતો. વિવે કાનંદે પોતાના ભાષણની શરૂઆત કરી—વિષય હતો ‘ભારતીય માનવનો ઈશ્વરપ્રેમ’. પણ તેમણે પોતાના અધિકૃત વિષયનો ઉપદેશ ન કર્યો. તેમના પ્રવચનનો મોટો ભાગ ખ્રિસ્તી ધર્મ પરના આક્રમણનો રહ્યો. ‘ભારતીય ધર્મ’ અને ‘ઈશ્વરપ્રેમ’ એ બંનેનો ભાષણમાં અલ્પાંશ જ રહ્યો હતો. એમના પ્રવચનમાં જે મુદ્દાઓ ઉલ્લેખાયા હતા તે ઇતિહાસમાં વિખ્યાત ઘણા માણસોનાં ઉદાહરણો સાથે બરાબર મેળ ખાતા હતા. એમણે આપેલાં બધાં જ ઉદાહરણો એમના દેશમાં થયેલા મોગલ શહેનશાહોનાં હતાં. એમાં કોઈ હિંદુ રાજા હતા નહિ.

એમના પ્રવચનમાં ધર્મના ઉપદેશકોને બે વિભાગમાં વહેંચી દેવામાં આવ્યા હતા. એક જ્ઞાનના અનુયાયીઓ હતા અને બીજા ભક્તિના અનુયાયીઓ હતા. જ્ઞાનના અનુયાયીઓના જીવનનો છેડો અનુભૂતિ હતો અને ભક્તિના અનુયાયીઓના જીવનનો છેડો પ્રેમ હતો.

તેમણે કહ્યું, ‘પ્રેમ એ બલિદાન છે, ત્યાગ છે. એ ક્યારેય કશું લેતો નથી. એ તો કેવળ આપે જ છે. હિંદુ પોતાના ઈશ્વર પાસે કશું જ માગતો નથી. વર્તમાન જીવનમાંથી છૂટીને એ ક્યારેય મુક્તિ પણ માગતો નથી. પણ એને બદલે પોતાના સમગ્ર અસ્તિત્વને પોતાના ઇષ્ટદેવ સમક્ષ સુદૃઢ પ્રેમથી સમર્પિત કરી દે છે. અસ્તિત્વની આ સુંદર અવસ્થા ત્યારે જ પ્રાપ્ત થાય છે કે જ્યારે માણસમાં ઈશ્વરને પામવાનો તીવ્ર તલસાટ ઊમટે છે. અને ત્યારે ઈશ્વર પોતાની સોળે કળા સહિત એની પાસે ઉપસ્થિત થઈ જાય છે.

પરમાત્મા તરફ જોવાની પણ જુદી જુદી રીતો છે. એમાંની પહેલી એને એક બળશાળી પુરુષ તરીકે જોવાની છે. અને એના બળની સામે ઝૂકી પડવાની અને એની પ્રાર્થના કરતા રહેવાની છે. બીજી રીત એને પિતા તરીકે માનવાની છે. ભારતમાં પિતા હમેશાં પોતાનાં બાળકોને સજા કરતો હોય છે. એથી બાળકો પિતા તરફ ભય, માન અને પ્રેમની મિશ્ર લાગણીઓથી જોતાં હોય છે. આ ઉપરાંત પણ ઈશ્વર તરફ જોવાનો એક અન્ય દૃષ્ટિકોણ છે અને એ માતા તરીકેનો છે. ભારતમાં માતા હમેશાં સાચી રીતે પ્રેમ કરનારી હોય છે. અને એટલે એ સન્માનનીય ગણાઈ છે. ઈશ્વર તરફ નિહાળવાના આ ભારતીય દૃષ્ટિકોણ છે.

કાનંદે કહ્યું કે ઈશ્વરનો સાચો પ્રેમી પોતાના એ પ્રેમથી એટલો બધો આવૃત હોય છે કે એને બીજા સંપ્રદાયના લોકોને અટકાવવાનો કે ‘તમારો ઈશ્વર પામવાનો માર્ગ ખોટો છે’ એમ કહેવાનો અને એમના વિચારને પોતાના તરફ વાળવાનો કોઈ વખત જ મળતો નથી.

(ડેટ્રોઈટ જર્નલ)

જો બ્રાહ્મણ સંન્યાસી, વિવે કાનંદ, જે આ શહેરમાં વ્યાખ્યાનમાળા આપી રહ્યા છે, તેમને એક અઠવાડિયું અહીં વધારે રોકાવા માટે સમજાવી શકાયા હોત તો ડેટ્રોઈટનો આ સૌથી લાંબો હોલ, લોકોમાં તેમને સાંભળવા તલપાપડ થતાં ટોળાંને પોતામાં સમાવી શક્ત નહિ. તેઓ ખરેખર જ લોકોને માટે એક ધૂન બની ગયા હતા, જેમ કે સાંજે યુનિટેરિયન ચર્ચની એકેએક ખુરશી રોકાઈ ચૂકી હતી અને આખા પ્રવચન દરમિયાન ઘણાને ઊભા રહેવાની ફરજ પડી હતી.

વક્તાનો વિષય ‘ઈશ્વર પ્રત્યે પ્રેમ’ નો હતો. તેમની પ્રેમની વ્યાખ્યા હતી, ‘કંઈક એવું સાવ નિઃસ્વાર્થ તત્ત્વ છે કે, જેના ઉપર આપણી ભાવનાઓ સમર્પિત થઈ હોય એની કીર્તિગાથા અને એની શોભા સિવાય બીજા કોઈ પણ વિચારો એમાં આવે નહિ.’ તેમણે કહ્યું કે પ્રેમ એક એવો સદ્‌ગુણ છે કે જે ઝૂકે છે, સ્તવન કરે છે પણ બદલામાં કશું જ માગતો નથી. તેમના વિચાર પ્રમાણે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ જુદા જ પ્રકારનો છે. તેમણે કહ્યું કે અમારા સ્વાર્થ માટે ઈશ્વરને અમે માનતા નથી પરંતુ અમને તેમની વાસ્તવમાં જરૂર છે એટલા માટે માનીએ છીએ. તેમનું ભાષણ વાર્તાઓ અને ઉદાહરણોથી ભરપૂર હતું અને એ બધાંમાં ઈશ્વરપ્રેમની પાછળ સ્વાર્થી હેતુ ડોકાઈ રહ્યો હતો. વક્તાએ સોલોમનનાં ગીતોનાં ઉદાહરણો આપ્યાં. એ ખ્રિસ્તી બાઇબલનો સૌથી સુંદર ભાગ છે. છતાં તેમણે ખિન્ન થઈને એવું કહ્યું કે એમાં પણ દુઃખ નિવારણની માગણીની શક્યતા રહેલી છે. અંતે તેમણે દૃઢતાપૂર્વક જાહેર કર્યું કે ‘હકીકતમાં અત્યારે તો એવું દેખાય છે કે ઈશ્વર પ્રત્યેનો પ્રેમ જાણે કે ‘હું આમાંથી શું મેળવી શકું?’ એ વિચાર ઉપર જ આધાર રાખે છે. ખ્રિસ્તીઓ એવા જ પ્રેમમાં એટલા સ્વાર્થી બની ગયા છે કે તેઓ ઈશ્વરને સતત એમને કંઇક આપવાની માગણી કરી રહ્યા છે. બધી જ સ્વાર્થી બાબતો એમાં સામેલ થયેલી છે એટલા માટે અત્યારનો ધર્મ એક આદત અને શોખની નવતર રીત બની ગયો છે અને એને માટે લોકો ઘેટાનાં ટોળાંની પેઠે ચર્ચ તરફ ધસી રહ્યા છે.’

Total Views: 138
૨. રોજનો એક ઈશ્વર
૪. ઈશ્વરપ્રેમ - ૨