(ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૩: ૨૩૭-૪૦; મેઈડનહેડ એડ્વાઈઝર, ઓક્ટોબર ૨૩, ૧૮૯૫)
મેઈડનહેડના ટાઉન હોલમાં ગુરુવારે ‘ધ ઈસ્ટર્ન ડોક્ટ્રિન ઑફ લવ’- પ્રેમનો પૌરસ્ત્ય સિદ્ધાંત – વિષય પર સ્વામી વિવેકાનંદે પ્રવચન આપ્યું હતું. (ઓક્ટોબર ૧૭, ૧૮૯૫ના રોજ આપેલા આ પ્રવચનનો શબ્દશઃ અહેવાલ મળતો નથી.) નગરનાં બીજાં આકર્ષણોને લઈ શ્રોતાઓની હાજરી પાંખી હતી. ઘણા લોકો વક્તાને થિયોસોફિકલ સોસાયટી સાથે જોડતા હતા પણ વક્તાએ સ્પષ્ટ જણાવ્યું કે મારે એ સોસાયટી સાથે કે એવી બીજી કોઈ સોસાયટી સાથે કશો જ સંબંધ નથી તેમ જ મારે એવી કોઈ સોસાયટીની સ્થાપના કરવી નથી. વક્તા માને છે કે જે કોઈ સાંભળે તેની પાસે પોતાના મતનો પ્રચાર કરવો અને એ શ્રોતાઓ ચાહે તો એ મતનો સંપૂર્ણપણે કે તેમાં યથાયોગ્ય ફેરફાર કરીને તેમનો પ્રચાર કરે કે તે મતનો સંપૂર્ણપણે અસ્વીકાર કરે; વક્તા માને છે કે મતોના સંઘર્ષમાંથી જ અંતે સત્ય ફેલાશે.
મિ. ઈ. ગાર્ડનર, જે. પી., સી. સી., એ સાંજે ૮.૦૦ વાગ્યે અધ્યક્ષસ્થાન લઈ વક્તાનો ટૂંક પરિચય આપ્યો. વક્તાએ પોતાનો દેશી પોશાક પહેર્યો હતો. પછી પૂર્વમાં પ્રેમ (ભક્તિ)ને નામે ઓળખાતી પ્રભુભક્તિ વિશે પોતાનો મત સમજાવતાં સ્વામીએ કહ્યું કે ધર્મને બે પ્રકારોમાં વહેંચી શકાય, પ્રથમ સંપૂર્ણપણે વહેમમય અને બીજો કેવળ દાર્શનિક; પણ આ બેમાંથી એકકેયને અસરકારક થવું હોય તો તેણે પ્રેમનો સહયોગ લેવો જ પડે. આ તત્ત્વ વિનાનું કેવળ કર્મ સંતોષ આપતું નથી. દેશ આખો હોસ્પિટલોથી છવાઈ ગયો હોય, સારા રસ્તાઓથી એના ખૂણેખૂણા સંકળાયા હોય, દેશમાં સારી રીતે ચાલતી સામાજિક સંસ્થાઓ હોય, સારું સ્વાસ્થ્ય-રક્ષણ હોય પણ આ સર્વ બાહ્ય ભૌતિક વ્યાપારો છે અને માનવીને એ બાબતો ઈશ્વર સમીપ લઈ જતી નથી. વાસ્તવવાદી અને આદર્શવાદી બંને આવશ્યક છે અને બંને એકમેકનાં પૂરક છે. આદર્શવાદી હિંમતવાન અપેક્ષાને ધરતી પર લાવે છે અને વાસ્તવવાદી કર્મ દ્વારા એને આકાર આપે છે. પ્રેમને કદી ભાવાત્મક શબ્દોમાં વ્યાખ્યાયિત કરી શકાતો નથી, માત્ર નકારાત્મક રીતે જ કરી શકાય છે. એનો સ્વભાવ ત્યાગના સ્વરૂપનો છે. એના વિશેષ સામાન્ય અર્થમાં એનું ત્રણ પ્રકારમાં વિભાજન કરી શકાયઃ (૧) બીજાના સુખદુઃખની દરકાર વિનાનો, વ્યક્તિના પોતાના સુખ માટેનો પ્રેમ—નર્યો સ્વાર્થમય અને સૌથી અધમ. (૨) બદલામાં માનતો પ્રેમ—‘તું મને પ્રેમ કરે તો હું તને પ્રેમ કરું. આપણે બંને એકબીજાને સુખી કરીશું’—સ્વાર્થના અંશવાળો, જેના પર મનુષ્યજાતિનો મોટો ભાગ જઈ રહ્યો છે તે મધ્યમ માર્ગ. (૩) બધું જ આપતો અને કશો બદલો નહીં માગતો પ્રેમ; એમાં કશાનો પૂર્વવિચાર નથી, જે કદી ખેદ અનુભવતો નથી. જેનામાંથી એ ઉદ્ભવે છે તેને કશું નુકસાન પહોંચાડયું હોય તોપણ અજેય. એ સૌથી ઉચ્ચ, દિવ્ય પ્રકાર છે. અહીં આપણે માત્ર આ છેલ્લા પ્રકાર સાથે જ નિસબત છે. પ્રથમ પ્રકારનો પ્રેમ ઈંદ્રિયસુખમાં રાચનારનો અને પશુનો છે; ઊંચે જવા મથામણ કરતી માનવજાતનો પ્રેમ બીજો પ્રકાર છે અને ત્રીજો એ પ્રેમનો સાચો પંથ છે, એ પંથે જનારાઓએ સંસાર તજી દીધો હોય છે અને શાશ્વત શાંતિને પંથે જનારાનો એ પંથ છે.
એ પ્રીતિમાં ભીતિ નથી. પ્રીતિ ભીતિને સંહારે છે. બાળક ઉપર ઊભેલો સિંહ એ બાળકના જાનને ખતરામાં મૂકે છે; બાળકની માતા ભયને ઓળખતી નથી, એ નાસી નથી જતી, સામનો કરે છે. એ ક્ષણે પ્રેમ ભયનો સંહાર કરે છે; બીજે સમયે એ જ સ્ત્રી કૂતરાના ગલૂડિયાથી પણ ડરીને દોડે. એક ક્રૂર મુસલમાન (Sic) યોદ્ધો એક બાગમાં નમાજ પઢવા ગયો – એ જ બાગમાં એક છોકરીએ પોતાના યાર સાથે મુલાકાત ગોઠવી હતી. એના મઝહબમાં જણાવ્યા પ્રમાણે એ યોદ્ધો લાંબો થઈને જમીન પર પડ્યો હતો. એ જ ઘડીએ પેલી છોકરી પોતાના યારને જોતાં આનંદથી તેને મળવા દોડી અને પેલા નમાજ પઢતા આદમી ઉપર એનો પગ પડ્યો. એ કૂદકો મારી ઊભો થયો અને પોતાની તલવાર પર હાથ મૂકી પેલી છોકરીને કાપી નાખવા તત્પર થઈ ગયો. એ પોકારી ઊઠ્યો; ‘અરે ભૂંડણ, હું બંદગી કરતો હતો ત્યારે તારા હલકટ પગ વડે તું મને ખલેલ પહોંચાડવાની હિંમત કરે છે?’ ‘બંદગી, ભક્તિ શી ચીજ છે એ તું જાણતો નથી’, પેલી છોકરીએ કહ્યું, ‘મારા દુન્યવી આશકની ભક્તિમાં રત હું, ગભરુ છોકરી, તારા જેવા ભયંકર માણસની હાજરી ભૂલી જઈ તારી ઉપર ચાલી જાઉં અને મને તેનું જરાય ભાન પણ ન રહે. તારું દિલ જો ખુદાના ઈશ્કમાં અને ભક્તિમાં ડૂબેલું હોય તો મારા સ્પર્શની તને ખબર પણ શા માટે પડવી જોઈએ?’ નરમ અને શાંત થઈ યોદ્ધો ચાલી ગયો. પ્રેમનો આપણો સર્વોચ્ચ આદર્શ આપણા ઇષ્ટનું જે રૂપ આપણે ઘડીએ છીએ તે છે. જંગલી પ્રજાનો ઈશ્વર ત્રાસદાતા અને ક્રૂર છે. શાણા અને ઉમદા લોકો ઈશ્વરને વધારે ને વધારે શક્તિમાન થતો જુએ છે. ઈશ્વર નિત્ય ઈશ્વર જ છે પરંતુ લોકો એને વિવિધરૂપે નિહાળે છે. પ્રેમના કરતાં બીજો કોઈ ઉચ્ચ ભાવ જણાયો નથી. જે માનવી પોતાના હૃદયમાં પ્રત્યેક પ્રાણી માટે ઓટ વગરનો પ્રેમ રાખે છે, પછી ભલે એ પ્રાણીને એ ઈશ્વરના મૂર્તરૂપ તરીકે સ્વીકારે અથવા ભલે પ્રત્યેક પ્રાણીને ઈશ્વરના સર્જન તરીકે એ સ્વીકારે, એ માનવી ઈશ્વરને પંથે છે, ભક્તિને અને ત્યાગને પંથે એ છે. ઈશ્વરના એ સર્જનને એ માનવી કદી કશી ઈજા પહોંચાડી શકે નહીં, પછી એની દૃષ્ટિએ એ પ્રાણી ગમે તેટલું જુગુપ્સાકારક હોય. એ પ્રેમથી આપે છે, અભિમાનથી નહીં; ઈશ્વરને ચાહવામાં એ ઈશ્વરના આવિષ્કારોને ચાહે છે, એમના સહયોગથી કર્મો કરે છે અને એમની સાથે વસે છે.
પ્રવચન અસરકારક રીતે અપાયું હતું અને અંતે કેવરશેમના મિ. ઈ.ટી. સ્ટર્ડીએ અધ્યક્ષનો આભાર માન્યો હતો.
સમગ્ર કાર્ય અર્ધા કલાક કરતાં થોડા વધારે સમયમાં પૂરું થયું હતું.

