(વોશિંગ્ટન પોસ્ટ, ઓક્ટોબર ૨૯, ૧૮૯૪)
શ્રી કાનંદે, ચર્ચના કાર્યવાહક ડૉ. કેન્ટના આમંત્રણથી પિપલ્સ ચર્ચમાં ગઈ રાતે એક ભાષણ આપ્યું હતું. સવારનો તેમનો વાર્તાલાપ તો નિયમિત ઉપદેશનો હતો. એમાં તો ધર્મનાં આધ્યાત્મિક પાસાંની જ ચર્ચા થઈ હતી. એ રૂઢિચુસ્ત સાંપ્રદાયિકો આગળ રજૂ થઈ હતી. એમાં કેટલીક એવી મૌલિક રજૂઆતોપણ કરવામાં આવી હતી કે બધા ધર્મોના પાયામાં સર્વનું કલ્યાણ છે અને બધા ધર્મો પણ બધી ભાષાઓની પેઠે એક સર્વસાધારણ નિધિમાંથી બહાર આવ્યા છે અને જ્યાં સુધી કોઈપણ ધર્મ પૂર્વગ્રહથી પીડિત ન થાય કે ભગ્નાવશેષોને પૂજતો ન થાય ત્યાં સુધી ભૌતિક તેમજ આધ્યાત્મિક દૃષ્ટિએ સારો જ છે. જ્યારે બપોર પછીનું પ્રવચન આર્યજાતિની બાબતમાં મુખ્યત્વે હતું અને સંસ્કૃત ભાષાના સર્વસાધારણ ખજાનામાંથી વિવિધ સંબંધિત રાષ્ટ્રીયતાઓ, ભાષાઓ, ધર્મો અને રીતરિવાજો પૈકી જે કંઈ ઉત્તમ હતું તેને તારવવામાં આવ્યું હતું.
સભા પૂરી થયા પછી ‘પોસ્ટ’ના સંવાદદાતાને શ્રી કાનંદે કહ્યું ‘હું કોઈપણ સંપ્રદાય સાથે સંકળાયેલો હોવાનો દાવો કરતો નથી. હું તો ફક્ત નિરીક્ષકની કક્ષામાં રહેવાનો જ હિમાયતી છું અને મને લાગેવળગે છે ત્યાં સુધી તો હું સમગ્ર માનવજાતનો ઉપદેશક છું. મારે માટે તો બધા જ ધર્મો સારા છે. વિશ્વમાં જીવન અને અસ્તિત્વનાં ઉચ્ચતર રહસ્યો માટે એક તર્કવિચાર સિવાય હું કશું કરી શકું તેમ નથી. એમાં હું જરાપણ આગળ વધતો નથી. પુનર્જન્મની બાબત મને વધારે તર્કશુદ્ધ લાગે છે. ધર્મના ક્ષેત્રની જે કેટલીક બાબતોનો આપણે મુકાબલો કરવો પડે છે, તે પૈકીની તે એક છે. પણ હું એને કાંઈ એક સિદ્ધાંત તરીકે સ્થાપતો નથી. બહુમાં બહુ તો એ એક વિચારપદ્ધતિ છે. મને વ્યક્તિગત પ્રમાણાનુભવ વગર એનું બીજું કોઈ નક્કર પ્રમાણ મળતું નથી અને તે નક્કર પ્રમાણ જ સારી વાત છે. દરેક માણસને પોતાને એ થાય છે એ સારું છે કારણ કે તમારો અનુભવ મારે માટે નકામો છે અને મારો અનુભવ તમારે માટે નકામો છે. હું કોઈ ચમત્કારમાં માનતો નથી. ધર્મની બાબતમાં ચમત્કારો મારે માટે ઘણી વિપરીત વાત છે. મારા કાન આગળ તમે આખી ધરતીને ઊંધીચત્તી કરી નાખો પણ એ બધું કંઈ મને પરમાત્મા છે એવું સિદ્ધ કરી આપતું નથી. અથવા હોય તોપણ એને બદલે તમે એને ઈશારે આવું કામ કરી રહ્યા છો.
તે અંધશ્રદ્ધાપૂર્વક માને છે
ગમે તેમ તોપણ હું જેમ વર્તમાનના અસ્તિત્વમાં માનું છું તેવી જ રીતે આ કાળ પછી અને તે પહેલાંના અસ્તિત્વમાં મારે માનવું જોઈએ અને જો આપણે અહીંથી ચાલ્યા જઈએ તો બીજારૂપે ચાલ્યા જ જવું જોઈએ અને એ રીતે મારી શ્રદ્ધા પુનર્જન્મ તરફ ઢળે છે, પણ એ વિશે હું કશું સિદ્ધ કરી શક્તો નથી અને એટલે કોઈપણ માણસ મને એ પુનર્જન્મની વિચારણામાં પોતાની સાથે ખેંચી શકશે, સિવાય કે એના કરતાં કાંઈ વધારે ગ્રાહ્ય વાત મારી સમક્ષ રજૂ થાય. આજ સુધી તો મને આ પુનર્જન્મ સિવાયની વધારે સંતોષ આપે એવી કોઈ સમજૂતી મળી નથી.
શ્રી કાનંદ કલકત્તાના નિવાસી છે અને ત્યાંની સરકારી યુનિવર્સીટીના સ્નાતક છે. એ તળપદી અંગ્રેજી બોલે છે કેમ કે એ જ ભાષા દ્વારા તેમણે અભ્યાસ કર્યો છે. તેમના દેશી અંગ્રેજીભાષીઓ અને મૂળ અંગ્રેજીભાષીઓ સાથે સંબંધ કેળવવાની સારી તક તેમને મળી છે. એમની તળપદી અને મૂળ અંગ્રેજી સાથે સંબંધ ના ધરાવતી અંગ્રેજી ભાષાને મૂળ અંગ્રેજીમાં ફેરવવામાં ઘણી વખત એ લોકોને ભારે નિરાશા સાંપડતી. એ બાબત તેમને પૂછવામાં આવી કે પશ્ચિમના બોધનું પૂર્વના માનસ ઉપર શું પરિણામ આવ્યું?
તેમણે કહ્યું, ‘અલબત્ત, પોતાનો પ્રભાવ પાડ્યા વિના કોઈપણ વિચાર રાષ્ટ્રમાં આવી શકતો નથી. પરંતુ ખ્રિસ્તીઓના ઉપદેશનો પૌર્વાત્ય વિચારો પર પ્રભાવ ખરેખર જો પડ્યો હોય તો તે એટલો નહિવત્ છે કે જેને આપણે જોઈ શકતા નથી. પૂર્વના સિદ્ધાંતોએ અહીં જેટલો પ્રભાવ પાડ્યો છે તેટલો જ પ્રભાવ પશ્ચિમના સિદ્ધાંતોએ પાડ્યો છે, કદાચ એટલો પણ નહિ હોય. આ વાત આ દેશના ઉચ્ચતર કક્ષાના મર્મજ્ઞો જાણે છે. મિશનરી કાર્યની અસર સામાન્ય જનસમૂહમાં જોવા મળતી નથી. ધર્માન્તર કરનારાઓને પોતાની મૂળજાતિમાંથી બહાર કાઢ્યા પણ (ભારતમાં) વસ્તીનો જથ્થો એટલો બધો મોટો છે કે મિશનરીઓએ કરેલા ધર્માન્તરણનો પ્રભાવ અત્યંત નહિવત્ પ્રમાણમાં જોઈ શકાય છે.
યોગીઓ જાદુગરો છે
તેમને જ્યારે ભારતના યોગીઓના ચમત્કારોના અને તેની કુશળતાના સંબંધમાં પૂછવામાં આવ્યું ત્યારે શ્રી કાનંદે જવાબમાં જણાવ્યું કે, ‘મને એવા ચમત્કારોની બાબતમાં જરા પણ રસ નથી. હા, મારા દેશમાં કેટલાક ખૂબ પ્રવીણ જાદુગરો છે તો ખરા, એમના જાદુઓમાં યુક્તિઓ છે.’ શ્રી કાનંદે કહ્યું કે તેમણે એક વાર આંબાના ઝાડનો જાદુ જોયો હતો. ત્યાર પછી એક ફકીરને નાના પાયા પર જાદુના ખેલ કરતો જોયો હતો. તેમણે લામાઓ વિશેના આવા જ આરોપિત વિચારો રજૂ કર્યા. પછી તેમણે કહ્યુંઃ ‘આ બધી ઘટનાઓની બાબતમાં જાદુ જોનારાની કશીય શંકા વગરની, સાવ તાલીમવિહોણી અને વૈજ્ઞાનિક દૃષ્ટિના તદ્દન અભાવની હસ્તી જ કારણભૂત છે.’ એટલે એમણે કહ્યું કે ‘સાચામાંથી ખોટાને તારવી લેવું ભારે કઠિન છે.’

