(ન્યૂઝ ટ્રિબ્યૂન, માર્ચ ૧૬, ૧૮૯૬, ન્યૂ ડિસ્કવરીઝ, વૉ. ૪: ૪૧)

ટેમ્પલ બેથ એલમાં વિવેકાનંદે આપેલું પ્રવચન

વૈશ્વિક ધર્મના આદર્શ વિશે પ્રવચન આપ્યું.

કદાચ મંગળવારે એ જવાના છે.

કાલે રાતે ‘ધ આઈડીઅલ ઑફ એ યુનિવર્સલ રિલીજન’ ઉપર વિવેકાનંદે ટેમ્પલ બેથ એલમાં પ્રવચન આપ્યું ત્યારે એ ચિકાર ભરાઈ ગયેલું હતું. આ પ્રવચનની અક્ષરશઃ નોંધ ઉપલબ્ધ નથી. પ્રવચનનો સમય આઠ વાગ્યાનો જાહેર કરવામાં આવ્યો હતો પરંતુ લોકો વહેલી સાંજથી આવવા લાગ્યા હતા એટલે ૬-૨૫ વાગ્યાથી દરવાજા ખોલી નાખવા પડ્યા હતા. દરવાજા ૭-૦૦ વાગ્યે બંધ કરવામાં આવતાં તે સમય પછી આવેલા સેંકડો લોકોને પાછા જવું પડ્યું હતું.

સ્વામીએ કહ્યુંઃ

“આપણે સૌ વિશ્વબંધુત્વની વાતો અને એ માટે ઊભાં થતાં મંડળો તથા તેમના પ્રચાર વિશે સાંભળીએ છીએ. પણ એથી વળે છે શું? જેવો તમે સંપ્રદાય ઊભો કર્યો કે તમે સમાનતાનો વિરોધ કરો છો એટલે એ રહેતી જ નથી.

“વિવિધતામાં એકતા એ વિશ્વની યોજના છે. આપણે સૌ મનુષ્યો છીએ પણ ભિન્ન છીએ. આપણે જોઈએ છીએ કે વૈશ્વિક ધર્મનો અર્થ એ હોય કે સમસ્ત માનવજાતે એક જ પ્રકારના ધર્મસિદ્ધાંતો સ્વીકારવાના હોય તો એ અશક્ય છે અને એ કદી જ બની શકશે નહીં; બધાંના ચહેરા એક સરખા હોવાનું બની શકે નહીં તેના જેવું જ એ છે. કશો વિચાર કર્યા વિનાનાં એકબીજા સામે જોતાં મ્યુઝીયમમાંનાં મિસરનાં મમી જેવા બની આપણે સૌ એકસરખું જ વિચારીએ તેવી ઝંખના રાખવી જોઈએ નહીં. આ વિચારભેદ, આ મતાંતર, વિચારનું અસંતુલન જ આપણી પ્રગતિનો આત્મા છે, વિચારનો આત્મા છે.”

સ્વામી કદાચ મંગળવારે (૧૭મી માર્ચે) જશે. કાલ રાતે પોતાના પ્રવચનને અંતે ડેટ્રોઈટની પ્રજાએ તેમનો માયાળુ સત્કાર કર્યો અને પોતાની ફિલસૂફી પ્રત્યે આદર દાખવ્યો તે માટે સૌનો આભાર માન્યો.

Total Views: 105
૧૦. વિવેકાનંદની ફિલસૂફી
૧૨. કહ્યું કે વિશ્વધર્મ અશક્ય છે