(સોમવાર, માર્ચ ૧૨, ૧૯૦૦ના રોજ ઓકલેન્ડમાં આપેલ વ્યાખ્યાનનો અહેવાલ ‘ઓકલેન્ડ એન્કવાયરર’ની સંપાદકીય નોંધ સાથે)
હિંદુ ઉપદેશક સ્વામી વિવેકાનંદના દૃષ્ટિબિન્દુથી ‘મુક્તિનો માર્ગ’ નામનું વ્યાખ્યાન સાંભળવા માટે, ગઈ કાલે સાંજે એક વિશાળ શ્રોતાગણથી ‘ફર્સ્ટ યુનિટેરિયન ચર્ચ’નો વેન્ટે હોલ ખીચોખીચ ભરાઈ ગયો હતો.
સ્વામીજીએ આપેલાં ત્રણ વ્યાખ્યાનોની માળામાં આ છેલ્લું વ્યાખ્યાન હતું. તેનો થોડો ભાગ આ પ્રમાણે છેઃ
એક માણસ કહે છે કે ઈશ્વર સ્વર્ગમાં છે, બીજો કહે છે કે ઈશ્વર પ્રકૃતિમાં છે અને સર્વવ્યાપક છે. પરંતુ જ્યારે અણીનો સમય આવે છે ત્યારે આપણને ખબર પડે છે કે ધ્યેય તો એક જ છે. આપણે સૌ જુદી જુદી ભૂમિકાએ કામ કરીએ છીએ, પણ ધ્યેય જુદું નથી.
પ્રત્યેક મહાન ધર્મના બે મુખ્ય મૂળ મંત્રો છે, ત્યાગ અને આત્મસમર્પણ. આપણને સૌને સત્ય જોઈએ છે અને આપણે જાણીએ છીએ કે આપણે ઇચ્છીએ કે ન ઇચ્છીએ તોપણ તે અવશ્ય આવવાનું છે. એક રીતે આપણે સૌ તે શુભ માટે પ્રયત્નો કરીએ છીએ. તો તેને પ્રાપ્ત કરતાં આપણને કોણ અટકાવે છે? આપણે પોતે. તમારા પૂર્વજો તેને ‘શેતાન’ કહેતા, પરંતુ તે આપણો પોતાનો જ મિથ્યા આત્મા છે.
આપણે ગુલામીમાં રહીએ છીએ; અને જો આપણે તેમાંથી છૂટીએ તો મરી જઈએ. એક માણસ નેવું વર્ષ સુધી સંપૂર્ણ અંધકારમાં રહ્યો; પછી જ્યારે તેને પ્રકૃતિના હૂંફાળા તડકામાં બહાર કાઢવામાં આવ્યો, ત્યારે તેણે કહ્યું કે કૃપા કરીને મને અંધારી કોટડીમાં જ લઈ જાઓ. આપણે આ માણસના જેવા છીએ. તમે આ જૂની ઘરેડનું જીવન છોડીને અભિનવ અને વિશાળ સ્વાતંત્ર્યભર્યા જીવન માટે બહાર આવવાના નથી.
મોટી મુશ્કેલી વસ્તુનું હાર્દ પકડવાની છે. ભાઈશ્રી અમુક પોતાના વિવિધ ધર્મો સહિત ભલે ને ગમે તેટલો ક્ષુદ્ર હોય, છતાં તે પોતાને અનંત આત્મા માને છે; વ્યક્તિની આ ક્ષુદ્ર અધમ કોટિની ભ્રમણાઓ છે. એક દેશમાં એક પુરુષને ઘણી પત્નીઓ હોય છે પણ તે ધર્મના વિધાન પ્રમાણે છે; વળી બીજા દેશમાં એક સ્ત્રીને ઘણા પતિ હોય છે. એ જ પ્રમાણે કેટલાક માણસોને બે દેવ હોય છે, કેટલાકને એક ઈશ્વર હોય છે, કેટલાકને બિલકુલ ઈશ્વર જ હોતો નથી.
પરંતુ મુક્તિ તો કાર્યમાં અને પ્રેમમાં રહેલી છે. કોઈ બાબતને તમે સંપૂર્ણ રીતે શીખી લીધી છે; દિવસો જતાં એને તમે પાછી યાદ પણ કરી શકતા નથી. છતાં તે તમારા આંતર મનમાં ઊતરી ગઈ છે અને તમારો એક ભાગ બની ગઈ છે. એ જ પ્રમાણે જેમ જેમ તમે કર્મ કરો છો તેમ તેમ તે શુભ હોય કે અશુભ, પણ તેના વડે તમે તમારા જીવનનો ભાવિ ક્રમ ઘડતા જાઓ છો. કર્મની ભાવનાથી—કર્મને ખાતર કર્મની ભાવનાથી તમે જો શુભ કર્મ કરતા હો તો તમે કલ્પેલા સ્વર્ગને અને સ્વર્ગના સ્વપ્નને તમે પામશો.
જગતનો ઇતિહાસ એ તેના મહાપુરુષોનો કે તેના અર્ધદેવતાઓનો ઇતિહાસ નથી; પરંતુ સમુદ્ર પ્રવાહથી ઘસડાયેલા ઘાસના ટાપુઓના ટુકડાઓ જોડાઈ જોડાઈને એક વિરાટ ખંડ બને છે, તેના જેવું છે. એટલે કે જગતનો ઇતિહાસ પ્રત્યેક ગૃહની અંદર કરાયેલાં સમર્પણનાં નાનકડાં કર્મોથી રચાયેલો છે. માનવી ધર્મ સ્વીકારે છે તેનું કારણ એ છે કે તે પોતાની નિર્ણયશક્તિ પર મુસ્તાક રહેવા માગતો નથી. ખરાબ સ્થાનમાંથી નીકળી જવાના ઉત્તમ માર્ગ તરીકે તે ધર્મને સ્વીકારે છે.
માનવીની મુક્તિ જે મહાન પ્રેમથી તે પોતાના ઈશ્વરને ચાહે છે તેમાં રહેલી છે. તમારી પત્ની કહે છેઃ ‘હે નાથ! હું તમારા સિવાય જીવી નહીં શકું.’ કેટલાક માણસો જ્યારે નિર્ધન બની જાય છે, ત્યારે (એવાં ભાન-ભૂલાં બની જાય છે કે) તેમને ગાંડાના દવાખાને મોકલવા પડે છે. તમારા ઈશ્વર વિશે તમે આવી જાતની વ્યાકુળતા અનુભવો છો? તમે જ્યારે ધન, મિત્રો, પિતા, માતા, ભાઈ-બહેનઃ જગતમાં જે કંઈ છે તે સર્વસ્વનો ત્યાગ કરી શકો અને કેવળ ઈશ્વરની પ્રાર્થનામાં જ રોકાઈ જાઓ કે ‘હે ઈશ્વર! તારા પ્રેમની થોડીક ચિનગારી આપ!’ ત્યારે જાણજો કે તમને મુક્તિ મળી ગઈ છે.

