[માનવીય જીવનમૂલ્યોના ઘસારાની પ્રક્રિયા વિશ્વભર માટે આજે એક જબરી સમસ્યા બની ચૂકી છે. એને હલ કરવાના તરેહતરેહના ઉપાયો પણ વિશ્વના વિવિધ દેશો વિચારી રહ્યા છે. આઝાદી મળ્યા પછી રાષ્ટ્ર જીવનનું નવનિર્માણ-પુનર્નિર્માણ કરવાનો સમય આવ્યો તયારે ઘસાતાં જતાં જીવનમૂલ્યોના સંદર્ભમાં ભારતે પણ વિચારવિમર્શ શરૂ કર્યો. ભારતીય ચિંતકોને લાગ્યું કે એ વિચારવિમર્શ ભારતના સાંસ્કૃતિક પરિવેશમાં જ થવો જોઈએ. એટલે એમણે એવા પ્રકારના શિક્ષણ તરફ-મૂલ્યોના એકમાત્ર વાહક ઉપકરણ પર – ધ્યાન કેન્દ્રિત કર્યું. ભારતમાં ક્ષિતિજગામી શિક્ષણવ્યાપ ગણનાપાત્ર હોવા છતાં ગુણાત્મક શિક્ષણ વિકાસનો શૂન્યાવકાશ કેમ? આ મહા પ્રશ્ન તેમની નજર સામે ખડો થયો. ઉચ્ચતર જીવનમૂલ્યોના હ્રાસથી એમને ભારે દુઃખ અને ભારે વેદના જન્મ્યાં અને ઉદાત્ત આધ્યાત્મિક જીવનમૂલ્યોને વણી લેતી કેળવણીની માંગ દિનપ્રતિદિન વધવા લાગી. રાજકીય અને અન્ય સામાન્ય જીવન વ્યવહારમાં પણ આ મૂલ્યોનો સંનિવેશ અત્યાવશ્યક બની ગયો.

ભારતમાં આ દર્શન સ્વામી વિવેકાનંદની આર્ષદૃષ્ટિએ પહેલાં જ કરી લીધું હતું. અને ત્યાર પછી મહાત્મા ગાંધી, ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર, ડૉ. રાધાકૃષ્ણન્‌, શ્રી અરવિંદ વગેરે અનેક આદર્શવાદી ચિંતકોએ સ્વામીજીના દોરેલા નકશામાં રંગપૂરણી કરી હતી. અત્યારે એના અમલીકરણની પ્રક્રિયાનો આરંભકાળ છે. અને ભારત સરકારની ‘નવી શિક્ષણનીતિ (1984)’ એનું વાહન બની છે. જો કે આ જ વાતનો ભારતીય માધ્યમિક શિક્ષણ પંચે (1952-53) ચારિત્ર્યઘડતરના સાધન તરીકે મૂલ્ય શિક્ષણનો સ્વીકાર કરી જ લીધો હતો.

મૂલ્યહ્રાસની આ સમસ્યા વિશ્વવ્યાપી છે. અમેરિકાના ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ હેન્રી ટ્રુમૅને પણ આ મૂલ્યોને જીવનના ધ્રુવતારક બનાવવાની પોતાના દેશબાંધવોને સલાહ આપી હતી (American Reporter, August 1952). રશિયા અને ચીન જેવા સામ્યવાદી દેશોમાંય એનો પુનઃપ્રવેશ થઈ રહ્યો છે.

આજથી નેવું વરસ પહેલાં સ્વામી વિવેકાનંદની ઋષિદૃષ્ટિએ જે અનુભવ્યું તે આજે પણ કેટલું યથાર્થ છે, તેનો ખ્યાલ આ પ્રેરક લેખમાંથી મળશે. પ્રવર્તમાન પરિસ્થિતિમાં આ અભ્યાસ-લેખ શિક્ષણકારો, શિક્ષકો, પ્રશિક્ષણાર્થીઓ, સમાજવિદો અને શિક્ષણ-રસિક સર્વે જનોને માર્ગદર્શક બનશે, એવી સમયોચિતતા સમજીને અહીં આપ્યો છે. લેખક રાજકોટના પી.ડી.માલવિયા શિક્ષણ મહાવિદ્યાલયના વિદ્વાન આચાર્ય હતા. તાજેતરમાં તેઓ નિવૃત્ત થયા છે. તેઓ એક સંનિષ્ઠ, મૌલિક અને નિર્ભીક ચિંતક છે.]

મૂલ્યોનો સીધો સાદો અર્થ – ‘માનવે વસ્તુને આપેલ અર્થ એવો થાય. મૂલ્યવિચારમાં ‘વસ્તુ’નું મહત્ત્વ નથી, એને અપાયેલ ‘અર્થ’નું મહત્ત્વ છે. ગુજરાતી સાહિત્યના મૂર્ધન્ય કવિ, મહાન ચિંતક શ્રી સુંદરમ્ આ બાબત સરસ રીતે સમજાવે છે: “માણસની આસપાસ આખું જગત અને એના અનંત પદાર્થો છે, એ પદાર્થોને માનવ પોતાના જીવન સાથે કેવી રીતે સાંકળે છે તે પ્રમાણે પદાર્થનું મૂલ્ય બંધાય છે. આ રીતે મૂલ્ય એ માણસની દુનિયાનો શબ્દ અને વ્યાપાર છે. એ સભાન બનેલ ચેતનાની ગતિ છે.” છેવટે તો માનવના અસ્તિત્વ સાથે અને માનવના વિકાસ સાથે મૂલ્યોનો પ્રશ્ન સંકળાયેલો છે. અને મૂલ્યનું સર્જન કે મૂલ્યનું વિસર્જન એ માનવ જીવનના વ્યાપાર પર આધારિત છે.

દિક્-કાળ પ્રમાણે મૂલ્યોમાં પરિવર્તન આવતું હોય છે. કાકાસાહેબ કાલેલકર લખે છે, “સમાજે વાર્ધક્ય ટાળવા મૂલ્યોનું રૂપાંતર કરવું જોઈએ. સાપની કાંચળી જૂની થાય છે ત્યારે એને ગૂંગળાવે છે, ઘરડો બનાવે છે. સાપ પોતાની કાંચળી ઉતારી નવજવાન બને છે.” અહીં આપણે ખ્યાલ રાખીએ કે કાંચળી દૂર થાય છે, સાપ દૂર થતો નથી. બાહ્ય દૃષ્ટિએ જ ફેરફાર થતો રહે છે. દેશના પ્રવર્તમાન સમયની અસર મૂલ્યો પર અવશ્ય થાય છે, જીવન મૂલ્યોની શોધ અને સંશોધન એક રીતે જોઈએ તો આધુનિક છે. ઉદ્યોગીકરણ, યાંત્રિકીકરણ અને ખાસ કરીને બે વિશ્વયુદ્ધમાંથી ઉત્પન્ન થયેલી એ એક પ્રશ્નાવલી છે. છેક ઓગણીસમી સદીના અંત સુધી જીવન મૂલ્યોની આ રીતે ખાસ શોધ કરવી પડતી ન હતી. દરેક માણસને પોતાનો ધર્મ એ મૂલ્યો જ આપતાં. મનુષ્ય નીતિપરાયણ જીવન જીવતો અને સંતોષથી રહેતો. ઔદ્યોગિક ક્રાંતિ, વિશ્વયુદ્ધો, નવા નવા રાજકીય પ્રવાહોના ઉદયથી મૂલ્યો પર કુઠારાઘાત થયો. આજે માનવ ફરી મૂલ્યોની શોધમાં નીકળ્યો છે.

વ્યાખ્યાઓ:

માનવીય હિતને સંતર્પક એવી કાર્ય પસંદગી એટલે મૂલ્ય. ગાઈગર અને ડ્યૂઈની આ વ્યાખ્યા પ્રમાણે મૂલ્ય એટલે હેતુસાધકતા, મુશ્કેલી દૂર કરે અને હિતને પોષે. આ વ્યાખ્યાને આપણે સર્વસંપૂર્ણ ન કહી શકીએ. કારણ કે, વ્યક્તિને ગમે તેટલી સારી કે ઉપયોગી લાગતી કાર્ય પસંદગી કે વસ્તુ સમાજને ઉપયોગી ન બને તો એનો અસ્વીકાર કરવો જોઈએ. એમ આપણાં શાસ્ત્રો કહે છે.

      વ્યાપક અર્થમાં કહીએ તો જીવનમૂલ્ય એટલે ઔચિત્યદૃષ્ટિ. – કાકા કાલેલકર.

      લોકો પોતાના મનથી જ એવું કામ કરે કે જેમાં એને સાચો સંતોષ મળે એનું નામ મૂલ્ય. – રવિશંકર દાદા.

ઉપરની વ્યાખ્યાઓમાં કોઈ જગ્યાએ હેતુસાધકતા, કોઈ જગ્યાએ ઔચિત્યદૃષ્ટિ તો કોઈ જગ્યાએ સ્વાવલંબન દ્વારા પ્રાપ્ત થતા સંતોષને મૂલ્ય ગણવામાં આવ્યું છે. આ રીતે મૂલ્યો એ જીવન વ્યવહારમાંથી જ નિષ્પન્ન થાય છે. એ એક હકીકત છે. આ બધાં જીવનપાસાંને આંબી-આવરી લે, તેનો મૂલ્ય પર્યાય સ્વામી વિવેકાનંદે આપ્યો છે. અને તે શબ્દ છે ‘धर्म’.. જેનાથી માનવનો अभ्युदय અને ‘निःश्रेयस’ સાધી શકાય તેવા અહિંસા, સત્ય, અસ્તેય, શૌચ, ઈન્દ્રિયનિગ્રહ વગેરે ગુણો વ્યક્તિમાં એવો સાહજિક વિકાસ થાય, વ્યક્તિના અને પ્રજાના હાડમાં ઊતરી જાય અને એનો દોર્યો જનસમુદાય સહજ વર્તન કરતો થાય એવો સત્યપ્રતિષ્ઠ વિવેકપુરષ્કૃત જીવનવ્યવહાર, એ જ ધર્મ છે અને એ જ જીવનનું સર્વોચ્ચ ઉદાત્ત મૂલ્ય છે.

સ્વામીજીની આવી વ્યાપક મૂલ્ય વ્યાખ્યા હવે શિક્ષણ જગતમાં સ્વીકારાઈ રહી છે. ‘ધર્મ’ શબ્દમાં પરંપરાગત સાંપ્રદાયિકતાના ઘૂસી ગયેલા અર્થભાસમાંથી બચવા માટે શિક્ષણધુરી ‘ધર્મ’ શબ્દને બદલે ‘નૈતિક અને આધ્યાત્મિક મૂલ્યોની ખીલવણી’ – એવા શબ્દો વાપર્યા છે. અમેરિકામાં 1950માં નૅશનલ એજ્યુકેશન એસોસિયેશન તરફથી ડૉ. જ્હોન નોર્ટનના અધ્યક્ષપણા નીચે નિમાયેલ ઍજ્યુકેશન પોલિસીઝ કમિશનના એક રિપોર્ટમાં આ શબ્દનો પ્રયોગ કરાયો છે. 1960માં શ્રીપ્રકાશના વડપણ હેઠળ ભારત સરકારે નીમેલ સમિતિમાં પણ ‘ધર્મ’ શબ્દને બદલે આ જ શબ્દો વાપર્યા છે. સ્વામી વિવેકાનંદે દર્શાવેલ જીવનના મૂલ્યની ઉદાત્તતાની આ ગવાહી છે. મૂલ્યોની વાતને સ્પષ્ટ કરવા ગંગા નદીનું ઉદાહરણ લઈએ. ગંગા વિશે વિચાર કરવો હોય તો આપણે ત્રણ રીતે વિચારી શકીએ.

  1.     ગંગાનું દરેક મોજું – વમળ એકબીજા કરતાં વિશિષ્ટ-ભિન્ન આકાર-પ્રકારવાળું છે.
  2.   હરદ્વારની ગંગાનું સ્વરૂપ કાશીની ગંગાના સ્વરૂપ કરતાં વિશિષ્ટ – ભિન્ન સ્વરૂપનું છે.
  3.   ગંગા નદી શીતળ છે, પવિત્ર છે, પ્રવાહી છે.

ગંગા વિશે જેમ વિચાર્યું એમ માનવ પ્રવાહ વિશે પણ વિચારી શકાય.

    દરેક માણસ એકબીજા કરતાં ભિન્ન રસ, રુચિ, વલણ ધરાવે છે. દરેકને પોતાના સંસ્કારો અને વારસો હોય છે. આ વૈયક્તિક સંદર્ભ ‘વ્યક્તિગત’ મૂલ્ય ઉત્પન્ન કરે છે.”

    ભારતના માનવ સમાજ કરતાં અમેરિકાના માનવ સમાજનું સ્વરૂપ જુદું છે. અર્થાત્ એક દેશના માનવ સમાજ કરતાં બીજા દેશનો માનવ સમાજ જુદો છે. આ જાતના માનવ સંદર્ભને મૂલ્ય સાથે જોડતાં એમાંથી ‘સામાજિક’ મૂલ્ય ઊભાં થાય છે. વિશિષ્ટ સમાજરચના, વિશિષ્ટ સભ્યતા, વિશિષ્ટ જીવનરીત, બાહ્ય પ્રાકૃતિક બળો, વિશિષ્ટ કાળ અને બીજી ખાસિયતો વગેરે આ સામાજિક મૂલ્યોને ઘડનારાં પરિબળો છે. આ મૂલ્યોના પેટાપ્રકારોમાં મુખ્યતઃ સામાજિક, આર્થિક, સાંસ્કૃતિક, ભાવાત્મક, સૌંદર્યલક્ષી તેમ જ ઉપયોગિતાવાદી મૂલ્યોને ગણાવી શકાય. આપણે એટલું યાદ રાખીએ કે મોજાં વમળની વિશેષતા હરદ્વારની ગંગામાં પણ છે અને કાશીની ગંગામાં પણ છે. તેવી જ રીતે આ સામાજિક મૂલ્યના પેટા પ્રકારના કેટલાક અંશો ‘વ્યક્તિગત’ મૂલ્યમાં પણ હોવાના જ. પણ સામાન્ય રીતે આવાં મૂલ્યોની આંકણીની વિભાવના સમાજના સંદર્ભમાં જ જોવાય છે. એ રીતે વ્યક્તિગત મૂલ્ય સામાજિક મૂલ્યનું અવિરોધી હોવું જોઈએ. સામાજિક મૂલ્ય આગળ વ્યક્તિગત મૂલ્ય ગૌણ જરૂર છે પણ એની હસ્તી જ ન મટી જવી જોઈએ એ પણ એટલું જ જરૂરી છે. સ્વામી વિવેકાનંદ આ વૈયક્તિક વિકાસને મહત્ત્વ આપતાં કહે છે: “કોઈ છોડને ઉગાડવાના કાર્યમાં તમે જેટલી સહાય આપી શકો, તેનાથી વિશેષ સહાય તમે કોઈ બાળકને શીખવવાના કાર્યમાં આપી શકો નહીં. છોડ પોતે જ પોતાની પ્રકૃતિનો વિકાસ કરે છે. બાળક પોતે જ પોતાને શીખવે છે.”

આમ છતાં એ વ્યક્તિગત રસ, રુચિ, વલણ, ઉછેર વગેરેનો વિકાસ સમાજાનુરૂપ તો હોવો જ જોઈએ. સમાજવિરોધી તો નહીં જ. એટલે કેળવણીકારોએ અને મૂલ્યવિમર્શકોએ વ્યક્તિના સમાજાનુરૂપ વિકાસ માટે સામગ્રી પૂરી પાડવી જોઈએ. ભલે વ્યક્તિ પોતાની પ્રકૃતિ પ્રમાણે વિકાસ પામતી રહે પણ વ્યક્તિ આખરે સમાજનું એક ‘ઘટક’ છે એ વિસરાવું જોઈએ નહીં. વ્યક્તિમાં ઉન્નત, નિરાળું, અનન્ય વ્યક્તિત્વ પ્રગટાવવા માટે દરેક વ્યક્તિ પોતાનું સર્વશ્રેષ્ઠ ‘સ્વ’ પ્રાપ્ત કરે, તે માટે વૈયક્તિક મૂલ્યો અને સામાજિક મૂલ્યોનું સમન્વિત રૂપ જ અપેક્ષિત છે, એવો સ્વામીજીનો મૂલ્યાભિગમ હતો. આ અભિગમ જ ભારત, ઇંગ્લૅન્ડ વગેરે લોકશાહી દેશોમાં આજે સ્વીકારાયો છે.

આ દેશ-કાળ-સમાજગત મૂલ્યોના નિર્ધારક આચાર્યો સર્વકાળે સર્વ પ્રજામાં તે તે સમાજનાં સર્વ ક્ષેત્રોમાં આવ્યા જ કર્યા છે. અને પોતપોતાના દેશની આગવી સભ્યતા-સંસ્કૃતિ પ્રમાણે એનો માપદંડ શોધી ગયા છે અને એટલા માટે જીવનની અખિલાઈપૂર્ણ વિચારણા કરનાર ચિંતક તરીકે સ્વામી વિવેકાનંદનું નામ આપણા હોઠે આવીને ઊભે છે. ભારતના નવનિર્માણના ઇતિહાસમાં, માનવીય મૂલ્યોની બાબતમાં તેઓ એક ‘પ્રસ્થાનકાર’ તરીકે એટલે જ તો ગણાયા છે.

      ગંગાની શીતલતા, પ્રવાહિતા અને પવિત્રતાનાં મૂલ્યો સમગ્ર ગંગાના સંદર્ભમાં જોવાનાં છે. ખૂબી એ છે કે ગંગાનો એકેય ભાગ આ લક્ષણોથી અછૂતો નથી. છતાં અહીં તો ગંગાના અખંડ દર્શનના જ સંદર્ભમાં આ લક્ષણો જોવાનાં છે. પરિણામે આ અખંડિત દૃષ્ટિમાંથી ‘વૈશ્વિક મૂલ્યો’ ઊભાં થાય છે.

પ્રકારો – ઉપરની ચર્ચા પરથી હવે આપણે મૂલ્યોના નીચે પ્રમાણે પ્રકારો ગણાવી શકીએ.

વ્યક્તિગત મૂલ્યો: વ્યક્તિના રસ, રુચિ, વલણ, સંસ્કાર, વારસા પર આધારિત.

સામાજિક મૂલ્યો: સમાજના નીતિ નિયમો પર આધારિત.

વૈશ્વિક મૂલ્યો: એક અખંડિત દૃષ્ટિમાંથી નિષ્પન્ન થતાં પરસ્પર સહકાર, પ્રેમ પર આધારિત.

મૂલ્યોના જે ત્રણ પ્રકારો આપણે પાડ્યા એને જરા જુદી રીતે મૂકવા આપણે પ્રયાસ કરીએ. વૈયક્તિક અને સામાજિક મૂલ્યો આ બંને પ્રકારનાં મૂલ્યોને આપણે સાપેક્ષ (Relative) મૂલ્યો કહીએ અને વૈશ્વિક મૂલ્યોને આપણે નિરપેક્ષ (Absolute) મૂલ્યો કહીએ. વ્યક્તિગત મૂલ્યો અને સામાજિક મૂલ્યોની અપેક્ષાએ વૈશ્વિક મૂલ્યો વધુ ઊંડા અને વ્યાપક હોવાને લીધે જ આપણે એ મૂલ્યોને નિરપેક્ષ મૂલ્યો ગણાવ્યાં છે. વળી, વૈશ્વિક મૂલ્યો અને શાશ્વત મૂલ્યો વચ્ચે બારીક ભેદરેખા જ છે. જમાના પ્રમાણે વ્યક્તિગત મૂલ્યો અને સામાજિક મૂલ્યોમાં જેટલો તાત્કાલિક ફેરફાર આપણે અનુભવીએ છીએ એટલો તાત્કાલિક ફેરફાર વૈશ્વિક મૂલ્યોમાં નથી હોતો. અંધાધૂંધી, તોફાન, બળવો કે ક્રાંતિના સમયે આપણને વૈશ્વિક મૂલ્યોનો પણ હ્રાસ થતો લાગે પણ એ તો સૂર્યની આસપાસ વાદળાંઓ આવી જાય એવી સ્થિતિ ગણાય, જેવાં વાદળાંઓ આવી જાય, વીખરાઈ જાય એટલે ફરી સૂર્યનો પ્રકાશ ઝળહળતો જોવા મળે. સ્વામી વિવેકાનંદને આ મૂલ્યોમાં અડગ શ્રદ્ધા હતી. આ મૂલ્યો આખા જગતને આપનાર ભારતવર્ષ છે. ભારતના પરંપરાગત અને અતિપ્રાચીન કાળથી ચાલ્યાં આવતાં આ જીવનમૂલ્યો ગુલામી, સંઘર્ષ, એને પરિણામે આવેલી સંકુચિતતા વગેરેનાં વાદળોથી ઢંકાઈ ગયેલાં હતાં એનું પુનઃ સ્થાપન કરવાનું એમને ઇષ્ટ હતું. એટલું જ નહિ પણ, એવાં વૈશ્વિક મૂલ્યોને વિશ્વવ્યાપી બનાવી દેવાની એમની નેમ હતી. મૂલ્યોના અને એને અનુષંગે ભારતના અને પરિણામે વિશ્વના પુનઃ સ્થાપન, પુનર્નિર્માણ માટે તેઓ મળ્યા હતા, એ વાત તો સર્વવિદિત છે. રંગોના યોગ્ય અનુપાતથી જેમ કોઈ એક ચિત્ર અખંડતાથી શોભી રહે, તેવી જ રીતે સ્વામીજીના વૈશ્વિક મૂલ્યના નકશામાં પેલાં વૈયક્તિક અને સામાજિક મૂલ્યો અખંડ જીવનરૂપે શોભી રહે છે. આ સંવાદિતા એમના મૂલ્ય વિમર્શના મૂળતત્ત્વરૂપે ગણવી જોઈએ.

વ્યક્તિગત મૂલ્યો અને સામાજિક મૂલ્યો વિશેષ કરીને ‘પ્રેયાભિમુખી’ હોય છે, જ્યારે વૈશ્વિક મૂલ્યો ‘શ્રેયાભિમુખી’ હોય છે. ઉપનિષદમાં નચિકેતાનું દૃષ્ટાંત શ્રેયનો માર્ગ પસંદ કરતા ઉત્તમસાધકનું ઉદાહરણ પૂરું પાડે છે. એણે તો શ્રેયનો માર્ગ જ પસંદ કર્યો હોય છે અને છેવટ સુધી એ તેને વળગી રહે છે અને આપણને નચિકેતાનું અમર પાત્ર મળે છે. આ બધાં જ મૂલ્યો પરસ્પર વિરોધી ન બનતાં પરસ્પરના પૂરક બને છે, ‘સાપેક્ષતાના સંઘર્ષ’ને બદલે ‘સાપેક્ષતાની સંવાદિતા’ સર્જે છે. કિરણોથી સૂર્ય શોભે, રંગ વ્યવસ્થાથી ચિત્ર શોભે, સૂર વ્યવસ્થાથી સંગીત શોભે તેમ એક અખંડ સંવાદિતાથી વિશ્વની વિવિધતાઓને શોભાવવાની આ વાત છે. આને માટે જરૂરી છે સંશ્લેષણ દૃષ્ટિ, વિશ્લેષણ દૃષ્ટિ નહીં, હિમાલયનું અખંડ દર્શન સૌંદર્ય ઉત્પન્ન કરે છે અને વિશ્લેષણાત્મક દર્શન કાંટા, કાંકરા, ઝાડી, હિમ, રાનીપશુ વગેરેનાં દર્શન કરાવે છે. આપણે જોયું કે મૂલ્યો પરિવર્તનશીલ છે. પણ એનો અર્થ એવો તો ન જ કરીએ કે જૂનાં મૂલ્યોને મૂળમાંથી ઉખેડી ફેંકી દઈએ અને એની જગ્યાએ નવાં મૂલ્યોની સ્થાપના કરીએ. શ્રી કાકાસાહેબ આ વાતને સરસ રીતે સમજાવે છે:“જૂનાં મૂલ્યોને ઉખેડી ન દેવાય એનું તો ખાતર બનાવાય, એ ખાતર જ નવાં મૂલ્યોને પોષણ આપે, આ રીતે મૂલ્યોની પણ એક શ્રૃંખલા રચાય અને આ મૂલ્યચક્ર સતત ચાલતું જ રહે. મૂલ્યો જેટલાં પરિવર્તનશીલ એટલો સમાજ પણ પરિવર્તનશીલ, સ્વચ્છ અને સારો રહેશે. આગવી સ્વકીય સાંસ્કૃતિક મૂલ્ય પરંપરાનું આ મહત્ત્વ છે. આપણાં શાસ્ત્રોમાં ચાર પુરુષાર્થની વાત કરવામાં આવી છે: (1) ધર્મ, (2) અર્થ, (3) કામ અને (4) મોક્ષ. ભારતીય ચિંતકો તો આ ચાર પુરુષાર્થને જીવનનાં મુખ્ય મૂલ્ય બતાવે છે. તેઓ કહે છે, કામનાની પૂર્તિ માટે અર્થની જરૂર છે, પરંતુ કામના અને અર્થની સાથે જો ધર્મ નહીં હોય તો કામનાઓ નિબંધ બની વહેવા લાગશે અને અર્થ ઉપાર્જનનાં સાધનો પવિત્ર નહીં હોય. અનુચિત માર્ગે અર્થ ઉપાર્જન અનુચિત કામનાઓને પોષવા માટે પરિણામે વ્યક્તિ અને સમાજ બંનેનું પતન. નૈતિકતાથી – પ્રામાણિકતાથી જો અર્થ પ્રાપ્તિ નહીં કરીએ તો સાચાં સુખની પ્રાપ્તિ એ મૃગજળવત્ બને છે. એટલે ધર્માનુસ્યૂત અર્થ અને કામ શ્રેય મોક્ષ આપી શકે છે. ધર્મ કેન્દ્રમાં છે.

આપણે એક એવા વૃક્ષની કલ્પના કરીએ જેનું મૂળ એ ધર્મ છે, અર્થ એ થડ અને શાખાઓ છે અને કામનાઓ એ ફૂલો છે, જેને મોક્ષરૂપી ફળ આવે છે અને વૃક્ષની ખરી કિંમત એના ઉપર આવતાં ફળથી જ થાય છે. આ ચાર પુરુષાર્થમાં જ વ્યક્તિગત મૂલ્ય, સામાજિક મૂલ્ય, વૈશ્વિકમૂલ્ય કે શાશ્વત મૂલ્યનો સમાવેશ થઈ જાય છે. આમ એક જ વિકાસ પ્રક્રિયાના બે છેડા એટલે વ્યક્તિ અને વિશ્વનો વિકાસ – એમ ફલિત થાય છે.

મહાત્મા ગાંધીજીએ નરસિંહનું ભજન “વૈષ્ણવ જન તો તેને કહીએ”ને વિશ્વમાં પ્રચલિત કર્યું. એમાં આવતાં વૈષ્ણવજનનાં લક્ષણો એ એક-એક અણમોલ મોતી છે અને એ જ જીવનનાં ઉચ્ચ મૂલ્યો છે, વૈશ્વિક મૂલ્યો છે. ‘કેળવણી અને માનવીય મૂલ્યો’ નામના પુસ્તકના લેખક શ્રી મૂ. ભટ્ટ લખે છે: પ્રાકૃત મનુષ્યમાં સૌથી પ્રથમ મૂલ્યોની રચના, તેના સુખ-દુઃખના ખ્યાલ સાથે જોડાયેલ હોય છે. ‘અનુકૂલં વેદનીયમ્ સુખમ્, પ્રતિકૂલં વેદનીયમ્ દુઃખમ્.’ જે સંવેદન અનુકૂળ લાગે તે સુખ અને જે સંવેદન પ્રતિકૂળ લાગે તે દુઃખ. આમ પ્રાકૃત માનવ કોઈપણ ક્રિયા કે વ્યવહારને ગમા-અણગમાનાં મૂલ્યોથી નાણે છે. આથી દરેક ક્રિયા કે વ્યવહાર વખતે મૂલ્યો સતત બદલાય કરે છે. પરંતુ આમ કરતાં-કરતાં જ સંસ્કૃત માનવ સભ્ય માનવ બનતો જાય છે. એના જીવનમાં કોઈ કાળે શાશ્વત મૂલ્યની જડ નખાય છે અને એ રીતે માનવ વિકાસ યાત્રામાં એક-એક ડગલું આગળ માંડે છે.

(ક્રમશઃ)

Total Views: 753

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.