[સ્વામી સ્વાહાનંદજી રામકૃષ્ણ મઠના હોલીવુડ (સંયુક્તરાજ્ય અમેરિકા) કેન્દ્રના અધ્યક્ષ છે. શ્રી રામકૃષ્ણ મઠ, મદ્રાસ દ્વારા પ્રકાશિત તેમના પુસ્તક “Service and Spirituality”માંથી થોડા અંશો અહીં રજૂ કરીએ છીએ. – ભાષાંતરકાર: શ્રી કેશવલાલ શાસ્ત્રી]

સ્વામી વિવેકાનંદનું શ્રીરામકૃષ્ણ સાથે, સને 1880માં થયેલું મિલન, એ પ્રાચીનનો અર્વાચીન સાથેનો, પશ્ચિમનો પૂર્વ સાથેનો, એકાગ્રતાનો પૌરુષ સાથેનો અને માનવતાવાદનો આધ્યાત્મિકતા સાથેનો સંગમ ગણાય છે. એ વખતે નરેન્દ્રનાથ દત્તને નામે પરિચિત સ્વામી વિવેકાનંદ સને 1863માં, કલકત્તાના એક ભદ્રવર્ગીય કુટુંબમાં જન્મ્યા હતા. બચપણમાં તેઓ મસ્તીખોર હતા. તેમ જ  વખતે તેમનામાં તીવ્ર સ્મરણશક્તિ અને સૂક્ષ્મ નિરીક્ષણની શક્તિ પણ હતી. તેમનો ઉછેર ધર્મમય અને સભ્યતાપૂર્ણ વાતાવરણમાં થયો હતો. પૂર્વ અને પશ્ચિમના બે પરસ્પર વિરોધી આદર્શોની અથડામણમાંથી ઊભા થયેલા બૌદ્ધિક સંઘર્ષવાળા અર્વાચીન યુવાવર્ગના તો તેઓ પોતાની ઊગતી જુવાનીમાં જ પ્રતિનિધિ બની ચૂક્યા હતા. પરંતુ તેઓ પોતાના પ્રબળ નૈતિક ચારિત્ર્ય દ્વારા ‘સત્યની ખોજ’ કરવામાં લાગી ગયા. એનું મુખ્ય કારણ, તેમના ઉપર પડેલો ‘બ્રાહ્મસમાજ’નો પ્રભાવ હતું. શ્રીરામકૃષ્ણના મિલને તેમના જીવનનો આખો માર્ગ જ બદલી નાખ્યો. તેમણે સાંસારિક જીવનનો પરિત્યાગ કરી દીધો, સમગ્ર ભારતવર્ષમાં પરિભ્રમણ કર્યું અને કેટલાક મદ્રાસી યુવાનોના પ્રોત્સાહનથી તેઓ અમેરિકા ગયા અને ત્યાં સને 1893માં વિશ્વપરિષદમાં અદ્‌ભુત સિદ્ધિ હાંસલ કરી. તેમ જ ‘એક ઉપદ્રષ્ટા’ તરીકેની પોતાની માતૃભૂમિની અધિકારભૂમિકાનું પ્રતિષ્ઠાપન કરીને તેમણે એનું ગૌરવ વધાર્યું. તેમની એ સફળતાએ ભાવભરતીની એક રેલમછેલ સર્જી દીધી અને પોતાના સર્વે દેશવાસીઓમાંમ સુષુપ્ત રૂપે પડેલી ગુણસમૃદ્ધિને જગાડી દીધી. સને 1902માં 39 વર્ષની ખૂબ નાની વયે તેમનું અવસાન થયું. તેમના અવસાન પછીનાં પાંચ જ વર્ષની અંદર દેશને પરદેશી ધૂંસરીમાંથી મુક્ત કરવા માટે અરવિંદ અને ટિળકના નેતૃત્વ હેઠળ, જ્વાળામુખી ફાટે એવી રીતે ક્રાન્તિનું જબરદસ્ત આંદોલન સળગી ઊઠ્યું. ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ પણ વધુ પ્રાણવંત બની. એ સમયમાં અને એ પછીના સમયમાં સેંકડો યુવાનોએ આ દેશપ્રેમી સંન્યાસીના રણભેરી સમા આહવાનમાંથી પ્રેરણા ઝીલી છે અને ત્યાર પછી તો લગભગ બધા જ પ્રદેશમાં તેમના પત્રો અને તેમની જીવનજાગરણની પ્રક્રિયા વ્યાપક બન્યાં છે.

યુવાનો તરફનો સ્વામી વિવેકાનંદનો પ્રેમ તો અસીમ હતો. તેમને મન યુવાનો તો પ્રોજ્જવલ ભવિષ્ય અને અનેક સંભાવનાઓથી ભરેલ રંગભૂમિ સમાન હતા. પોતાના દેશના પુનરુત્થાન માટે પોતાના જીવનને હોમી દેવા માગતા જાજ્વલ્યમાન યુવાન માનવોનું જૂથ બનાવવાની તેમની નેમ હતી. હાથ, પગ, હૈયું અને હોંશ એ ત્રણેયનો સંવાદી અને સમાન્તર વિકાસ આવશ્યક છે. તેઓ યુવાનોને લોહ સમાન સ્નાયુવાળા અને ગજવેલ જેવા શિરાઓવાળા જોવા ઝંખતા હતા. તરુણોને વધારે શારીરિક ક્ષમતા પ્રાપ્ત કરવા ખૂબ કાળજી લેવા સારુ પ્રોત્સાહિત કરવા માટે તેમણે કહ્યું કે તેઓ ફૂટબૉલ રમીને ગીતાને વધુ સારી રીતે સમજી શકશે. એનું તાત્પર્ય એ છે કે વધારે સારા સ્વાસ્થ્યથી અને એને પરિણામે વધુ પરિષ્કૃત વિચારકક્ષાથી ગીતાનો પ્રાણપ્રદ સંદેશ વધુ સારી રીતે સમજી શકાય છે. બધા શક્તિદાયી વિચારોનું જ્ઞાનતન્તુઓ સાથે જો જોડાણ ન થાય તો આ બધી તાલીમનો કંઈ અર્થ છે ખરો કે? આપણી કેળવણી સાર્થક તો ત્યારે જ બને કે જ્યારે આપણે આપણા વડીલો પાસેથી કે પુસ્તકોમાંથી જે-જે વિચારો પ્રાપ્ત કરીએ, તે બધા આપણી ધમનીઓમાં-શિરાઓમાં પ્રવેશી જાય અને આપણને એનું ચિંતન કરવા અને છેવટે એને કાર્યમાં ઉતારવા માટે મજબૂત કરી મૂકે. આપણું દૈનંદિન શૈક્ષણિક કાર્યફલક તો જીવન સાથે સંબંધ ન ધરાવતી આપણને પચી ન શકતી સૈદ્ધાન્તિક માહિતીઓથી જ તરબતર ભરેલું છે. ભારતની યુગો જૂની પરંપરા તો અધ્યયનને એકાગ્રતા સાથે અને ધ્યાનને કર્મ સાથે જોડવાની રહી છે. આ શાન્તિપ્રદ અને સરળ પ્રભાવને અભાવે આપણી આજની કેળવણી પોતાની સમતુલા ગુમાવી બેઠી છે. પશ્ચિમના શિક્ષણશાસ્ત્રીઓ અને ભારતમાં તેમની હૂબહૂ નકલ કરતા શિક્ષણશાસ્ત્રીઓએ પ્રાચીન ભારતના શિક્ષણશાસ્ત્રીઓ, જેઓ ઋષિઓ કહેવાતા, તેમની પાસેથી આ મહાન શીખ મેળવવી જ જોઈએ. આટલા જ માટે સ્વામી વિવેકાનંદ તપશ્ચરણ, શુચિતા અને સંતોષ જેવા બ્રહ્મચર્યાશ્રમના આદર્શો ધરાવતા ગુણોવાળી ગુરુકુળપ્રથાને પુનઃ સ્થાપિત કરવા માગતા હતા. ખરી રીતે, માનવજીવનના ચાર આશ્રમોની આ વિભાવના એ આપણા પૂર્વજોએ અર્વાચીનોને આપેલી એક ભવ્ય ભેટ છે. એક વિદ્યાર્થી તરીકે પોતાના ભાવિ જીવન માટે સજ્જ થવાનું છે અને ત્યાર પછી ધર્મસંમત સાંસારિક સુખાનુભવ કરવાનો સમય (સોપાન) આવે છે. નાગરિક ફરજોની આધુનિક વિભાવના સાથે એ ઓછેવત્તે અંશે બંધબેસતો થાય છે. ત્રીજું સોપાન કુટુંબકબીલાથી નિવૃત્ત થઈ જવાનું અને બાહ્ય જગત પ્રત્યે વધુ સભાન થઈ જવાનું તેમ જ ‘વન્દે માતરમ્’ના પ્રણેતા બંકિમચન્દ્રે જેને પ્રવર્તમાન પરિસ્થિતિઓ સાથે મેળ ખાય તેવાં માનવતાવાદી સામાજિક કાર્યો તરીકે સમજાવેલ છે તેવાં જીવનનાં શાશ્વત મૂલ્યોની સમાનતા કેળવવાનું છે. ચોથા પગથિયામાં માણસે જગતનાં બધાં જ કાર્યોમાંથી નિવૃત્તિ લઈ લેવી જોઈએ. અને સંપૂર્ણપણે પરમાત્માના ધ્યાનમાં લાગી જઈને સુલભ્ય વિશ્રાન્તિનો આનંદ માણવો જોઈએ. ઉચ્ચતર જીવનમૂલ્યો તરફની સતત સાવધાની રાખીને વિતાવેલું જીવન આપણને હતાશમાંથી બચાવી લેશે. જો આપણે વધારે પડતા સ્વકેન્દ્રી બની જઈશું તો એ હતાશા અનિવાર્ય રીતે આવી જ પડવાની. ભૌતિકવાદી પશ્ચિમ હજુ સુધી આ માટે કોઈ સુયોગ્ય સાધનાન્તર શોધી શક્યું નથી. સ્વામીજી સૌ પ્રથમ ઇચ્છતા હતા કે આપણે આપણી પ્રાચીન સભ્યતાથી સંપૂર્ણપણે પરિચિત થઈ જઈએ અને પછી તેમણે પોતાનાં મનશ્ચક્ષુથી નિહાળેલ અવશ્યંભાવિ ભવ્ય ભવિષ્ય તરફ કૂચ કરીએ. વાસ્તવિક રીતે તેમના જીવનનો પ્રધાન સૂર ભારત પ્રત્યેના અને એના સાંસ્કૃતિક વારસા પ્રત્યેના પ્રેમનો હતો. આજના જમાનામાં સેંકડો યુવાનો વિદેશોની મુલાકાતે જાય છે. તેઓ પોતાના દેશના સાંસ્કૃતિક સંદેશવાહકો બની શકે. પરંતુ અરેરે, અફસોસની વાત છે કે તેમાંના બહુ જ થોડા તરુણો પોતાને વિશે કે પોતાના પૂર્વજો વિશે જાણતા હોય છે! નબળા અને લઘુતાગ્રંથિથી પિડાયેલાઓને જગત જવલ્લે જ માન્યતા આપે છે. આ નાનકડું સત્ય પણ આપણે ઘણી વાર ભૂલી જતા હોઈએ છીએ.

સ્વામી વિવેકાનંદના મત પ્રમાણે પોતાના આત્મામાં વિશ્વાસ ગુમાવવાનો અર્થ પરમાત્મામાં વિશ્વાસ ગુમાવવો, એમ થાય છે. તેમણે કહ્યું છે:“આપણે સૌ એ સર્વશક્તિમાનનાં સન્તાનો છીએ, આપણે એ અનન્ત દિવ્ય અગ્નિના તણખાઓ છીએ. આપણે તુચ્છ કેમ હોઈ શકીએ? આપણે બધું જ છીએ; બધું જ કરવા માટે આપણે સુસજ્જ છીએ; આપણે બધું જ કરી શકીએ છીએ અને આપણે બધું કરવું જ જોઈએ.” આ રીતે તેમના વ્યક્તિત્વના કે ઉપદેશના સંપર્કમાં આવતા સૌ કોઈને તેમના વિધેયાત્મક અને પ્રોત્સાહક ઉપદેશો પૌરુષ અને આત્મશ્રદ્ધાથી સભર બનાવી દેતા.

માનવજાતના દિવ્ય સ્વરૂપનો અને એની ભવ્યતાનો સ્વામી વિવેકાનંદે ઉપદેશ આપ્યો. લોકોની એ મૂળ સ્વરૂપની દિવ્યતાને પ્રગટ કરી દેવા તેઓ ઇચ્છતા હતા. માનવનું પોતાના સાચા સ્વરૂપનું જ્ઞાન જ, એ સભાનતા જ મહાન ચાલક શક્તિ છે. એ લોકોને અવ્યવહારુ અને બેજવાબદાર બનાવવાના બદલે ઊલટું માનવને જીવન પ્રત્યે એક વીરત્વભર્યું અને સ્વસ્થ વલણ બક્ષે છે. એ એને વ્યક્તિગત તેમજ સામૂહિક પૂર્ણતા પ્રાપ્ત કરવાનો પ્રયત્ન કરવા માટે શાન્ત, સુસંવાદી નિશ્ચયાત્મકતા પૂરી પાડે છે. આસક્તિનાં વાદળો માણસની દૃષ્ટિને ધૂંધળી બનાવી દે છે, અને અનાસક્તિ એને સ્વચ્છ બનાવે છે, તેમ જ એ માણસને બધા વિષયો તરફ અને બધી બાબતો તરફ તટસ્થભાવે નીરખવાની શક્તિ પણ બક્ષે છે. વસ્તુની સાચી કિંમત આંકવા આ તટસ્થ દૃષ્ટિ એક પાયાનો ગુણ છે. આથી પોતાના દિવ્ય વારસાની સમજણ, માણસને વધારેમાં વધારે ક્ષમતા તરફ દોરી જાય છે તેમજ ક્ષોભમાં, વ્યથામાં, ઉપહાસમાં, ચિન્તામાં અને છાતી કૂટવામાં આપણી શક્તિની ઓછામાં ઓછી વ્યર્થતા એનાથી થાય છે.

તેઓ તો નખશિખ સંન્યાસી હતા. તેમણે ભારતને ચાહ્યો. કારણ કે “જો ભારત મરી જાય તો તો ધરતીના પટ ઉપરથી ધર્મ જ ભુંસાઈ જાય.” ભારત મહાન છે કારણ કે, એની પાસે આધ્યાત્મિક વારસો હતો. સર્વત્યાગી શિવના આદર્શને વળગીને એણે પોતાની પ્રાચીન કીર્તિ પુનઃ પ્રાપ્ત કરવી જોઈએ. આદાન-પ્રદાન કુદરતનો નિયમ છે. ભારતને કંઈક મેળવવાના બદલામાં આપવું જોઈએ. એની પાસે પોતાના એક સાંસ્કૃતિક વારસા સિવાય, એની ત્યાગભાવના અને એની ઈશ્વરપરાયણતા, એની પરમાત્મમસ્તી સિવાય બીજું શું છે? સર્વ કાળે એણે તાજી ભૂમિકા ભજવવાની ન હોય, તો બસ એણે પોતાની આધ્યાત્મિકતાને જ જીવતી રાખવી જોઈએ!પણ ના, એટલું જ પૂરતું નથી. એણે ગતિશીલ અને ઉત્સ્ફૂર્જિત પણ બનાવવી જ જોઈએ, અને એ કેવળ પરલોક પર ભાર મૂકવાને બદલે વેદાન્તે પ્રબોધેલા ‘માનવમાં ઈશ્વરને નીરખવા’ના ઉપદેશ પર ભાર મૂકવાથી અને માનવસેવામાં પોતાનું બલિદાન આપવાથી જ બની શકશે. અર્વાચીન સમય માટે વેદાન્તનું આ અર્થઘટન જ આવશ્યક છે. અને એ જ તો અર્વાચીન માનસ માટે બંધબેસતું પણ છે. આધુનિક માનવને એની વૈજ્ઞાનિક બુદ્ધિ, પદાર્થોની સૂક્ષ્મતાનો સ્વીકાર કરવા ન દે, તો ભલે એ આ સિદ્ધાન્તને એક પરિકલ્પના, એક સંકેત, કામચલાઉ રૂપ તરીકે ત્રણે અને આ પ્રતિદિન ઉદ્‌ઘાટિત થતા જતા વિશ્વના રહસ્યને ભલે તટસ્થ ભાવે જોતો રહે. પછી ભલે એ વિશ્વના અધિષ્ઠાનરૂપે રહેલા અપરિવર્તનશીલ, શાશ્વત રહસ્યનો સાક્ષાત્કાર કરે કે ન કરે.

સ્વામી વિવેકાનંદ સ્વાતંત્ર્યના દૂત હતા. સ્વાતંત્ર્ય એ આપણી ઝંખના છે. ‘વધારે સ્વતંત્ર થવું એ આપણા પ્રયત્નોનું ધ્યેય છે,’ મોક્ષ શું છે? એ એક એવી કક્ષા છે કે જ્યાં સ્વાતંત્ર્ય સંપૂર્ણ રાજ્ય કરે છે. ઈશ્વર કોણ છે? એ છે સ્વાતંત્ર્યનું સાકાર સ્વરૂપ. તેથી ઈશ્વરપ્રાપ્તિની ઝંખના એટલે જ સ્વાતંત્ર્ય માટેનો પરિશ્રમ. પણ આ સ્વાતંત્ર્યનો સંદર્ભાર્થ વધારે વ્યાપક છે. સર્વ ક્ષેત્રોને આ પોતામાં સમાવે છે. રાજકીય, સામાજિક, સાંસ્કૃતિક અને એવી અન્યાન્ય સ્વતંત્રતાઓ તો આ સાચા સ્વાતંત્ર્યના માત્ર ટુકડાઓ જેવાં પાસાં છે. વિવેકાનંદની સર્વગામી પુનરુત્થાનની યોજનામાં તે બધાંનું પણ સ્થાન તો છે જ. પણ આપણે એટલા વિશાળ દૃષ્ટિકોણવાળા તો થવું જ જોઈએ કે જેથી આપણા સીમિત પરિપ્રેક્ષ્યને કારણે આપણે સંકુચિત, અસંતોષનો ગણગણાટ કરવા કે સાવ નિરાકૃત ન બની જઈએ. આપણી કુટુંબ પ્રત્યેની આસક્તિ, સમાજ તરફની આસક્તિરૂપે ખીલી ઊઠવી જોઈએ; આપણી પોતાની સંસ્કૃતિ તરફની ભક્તિ વિશ્વસંસ્કૃતિ તરફની ભક્તિમાં અને આપણા દેશ તરફનો પ્રેમ વિશ્વપ્રેમમાં પર્યવસિત અને વિકસિત થઈ ઊઠવાં જોઈએ. મોટું આશ્રયપાત્ર કંઈ નાના આશ્રયસ્થાનને પોતાથી બાકાત કરી દેતું નથી. વળી, બીજી રીતે જોઈએ તો નાનું આશ્રયસ્થાન તો મોટા આશ્રયસ્થાનનું પ્રવેશદ્વાર છે. સાન્તમાંથી અનન્તમાં જવું, એ જ તો રસ્તો છે. એથી સ્વામી વિવેકાનંદને પોતાના દેશ અને વિશ્વ-બંનેને એકસાથે ચાહવામાં કશો સંઘર્ષ કરવો ન પડ્યો.

બધા જ લોકોને એકસમાન ભાતમાં ઘડવા તેઓ ચાહતા ન હતા. વિવિધતામાં એકતા એ કુદરતી નિયમ છે, એ જીવનનો મૂળ સ્રોત છે. વળી, એ વિકાસની શરત પણ છે તેથી મનુષ્યો અને સમાજો ભલે જુદીજુદી રીતે જન્મે. પરંતુ ફક્ત પોતાના જ આદર્શમાં તેમણે બંધાઈ રહેવું ન જોઈએ. પછી ભલેને તેઓ પોતાના સ્વીકૃત ઉચ્ચ સ્વરૂપમાં જ પરિપૂર્ણ રીતે ખીલે. જો તેઓ આ રીતે કરશે તો તેઓ જોઈ શકશે કે તેઓ બધા અનન્તતામાં જ પોતાની મિલનભૂમિ ખોળી શકશે. આ અનન્તતાનાં પ્રવેશદ્વારો અસંખ્ય છે. એક વખત કોઈ મનુષ્ય કે કોઈ સમાજ આ અનન્તતા-પૂર્ણતા-ની ઝાંખી કરી લે તો જણાઈ જશે કે વિશ્વની સમજણ, સ્વજનપ્રીતિ અને બંધુતા એને હાંસલ થઈ જ ચૂક્યાં છે.

સ્વામી વિવેકાનંદ નાતજાત કે વંશવારસાના વિશિષ્ટ અધિકારોના વિરોધી હતા. એટલું જ નહિ, બધા જ અધિકારોના તેઓ વિરોધી હતા. માણસ સમાજની આવશ્યકતા અનુસાર જુદાંજુદાં ક્ષેત્રોમાં કામ કરે. સામાજિક ઘટનાના સુવ્યવસ્થિત સંચાલન માટે એ અનિવાર્ય પણ છે. પરંતુ એટલા માટે દુનિયાના આનંદપ્રમોદના પદાર્થો ભોગવવામાં કોઈ સ્થાપિત હિતો તો ન જ હોવાં જોઈએ. આત્મસામ્ય, સર્જનસમાનતા તો વેદાન્તવિભાવના છે. કારણ કે, એક જ આત્મા સૌમાં વસેલો છે. આ પાયા પર સુદૃઢ થયેલો આ ભોગાધિકાર સામ્ય ભોગવટાના હકની સમાનતાની તરફેણમાં તેમનો વિચાર હતો. બધા જ વિશિષ્ટ અધિકાર જનતા પર ત્રાસ ગુજારનાર શાસન પર આધારિત છે. જ્યાં આવા વિશેષ અધિકારો વધારે હોય છે, ત્યાં પ્રજાપીડન પણ એટલું જ તીવ્ર હોય છે. એટલા માટે તેઓ બધા જ વિશિષ્ટ અધિકારોને ભૂંસી નાખવા માગતા હતા. શારીરિક, બૌદ્ધિક અને આધ્યાત્મિક – બધા જ વિશિષ્ટ અધિકારો ખત્મ કરવા ચાહતા હતા.

તેમને એ પ્રતીતિ હતી કે, “કોઈ વ્યક્તિ કે રાષ્ટ્ર પોતાને અન્ય માનવસમાજોથી વેગળાં રાખીને જીવી શકે નહિ.” તેમણે ભારપૂર્વક કહ્યું કે, જ્યારથી ભારતીયોએ પોતાને વિશ્વના પ્રવાહથી અલગ પાડ્યા, ત્યારથી જ ભારતની અવનતિની શરૂઆત થઈ. ભારતે રાજકીય, આર્થિક અને સામાજિક ક્ષેત્રોમાં આગળ વધીને પોતાનું પુનર્નિમાણ કરવું જ જોઈએ. જ્યારે તે અસરકારક રીતે આ કરશે, ત્યારે જગત એનો અમર આધ્યાત્મિક સંદેશ સાંભળશે. ભારતની લોકશાહી ઈશ્વરવિરોધ કે ઈશ્વરભાવના અર્થમાં ‘ધર્મ-નિરપેક્ષ-ભૌતિકપ્રધાન હોઈ શકે નહીં.’ એટલે ભારતીય સંદર્ભમાં ‘ધર્મનિરપેક્ષતા –Secularism– શબ્દ પોતાના મૂળ – રૂઢ અર્થને બદલે ધીરેધીરે ચિત્તની અને ધર્માચરણની સ્વતંત્રતા’નો નવો અર્થ કરતો જાય છે. એની આધ્યાત્મિક શક્તિગતિઓ તેમ જ એને પરિણામે ભારતીય સન્તો અને દ્રષ્ટાઓએ સર્જેલા હવામાનની અસરથી આવું બન્યું છે. જ્યં સુધી ધર્મો જીવતા રહેશે અને જ્યાં સુધી એ સન્તોને જન્માવતા રહેશે, ત્યાં સુધી તેમને માટે ભયનું કશું કારણ નથી. કારણ કે, જેના ઉપર સામાજિક માળખું ખડું છે, તેવા ઉદાત્ત ગુણોને ધારણ કરવામાં તેઓ પેલી શ્રદ્ધાવિહીન ધર્મનિરપેક્ષતાની પરિસ્થિતિ કરતાં વધારે સારી પરિસ્થિતિમાં રહેતા હશે. પોતાના કોઈ અંગીકૃત ધર્મ વગર પણ સમાજનું નિર્માણ કરવું કંઈ અશક્ય તો નથી; પરન્તુ જ્યારે એ વસ્તુ આપણા લોહીમાં જ છે ત્યારે શા માટે આપણે તેની વિરુદ્ધ દિશામાં જવું? નવી નહેર ખોદવા કરતાં હસ્તી ધરાવતી નહેરને ઊંડી બનાવવી, એ જ વધારે સારું છે.

સ્વામીજીએ સુસ્પષ્ટ રીતે હિન્દુધર્મને સર્વને પોતાનામાં સમાવતો કહ્યો છે. એમાં આશા અને નિશ્ચયનો સૂર પ્રધાન છે, સાંસારિક ભૌતિક ઇચ્છનારાઓ ભલે ‘अभ्युदय’નો માર્ગ, સાંસારિક સફળતાનો માર્ગ અનુસરે અને જેઓ ભૌતિક આનંદો તરફ ઝૂકેલા ન હોય અને તેનાથી કશીક ઉચ્ચતર તત્ત્વની ઝંખના કરતા હોય તેઓ ‘निःश्रेयसनो,’માર્ગ, સ્વાતંત્ર્યનો માર્ગ અનુસરે. એક વાર તેમને શક્ય તેટલા ટૂંકાણમાં ભારતીય સંસ્કૃતિનું સારતત્ત્વ આપવાનું કહેવામાં આવ્યું, ત્યારે તેમણે ‘प्रवृत्ति’ અને ‘निवृत्ति’ એવા બે શબ્દો વારંવાર જ કહ્યા. આ બે માર્ગોમાં માનવનાં બધાં અરમાનો અને પ્રયત્નો સમાઈ જાય છે. વિજ્ઞાન, તત્ત્વજ્ઞાન, યંત્રશાસ્ત્ર એ બધાને હિન્દુ જીવન દર્શનમાં સ્થાન છે. અહીં ‘ખોજની ઉત્સાહ શક્તિ’ને જબરદસ્તીથી દબાવી દેવામાં આવતી નથી અને જીવન ધોરણને સુધારવાના પ્રયત્નો સામે પ્રશ્ન ઊભા કરવામાં આવતા નથી. પણ કહેવાનું તો બસ એટલું જ કે એણે માનવની ઉચ્ચતર ઝંખનાઓની આડે આવવું ન જોઈએ. ભારતીય સંસ્કૃતિ એ કેવળ કોઈ ખાસ જીવનમાર્ગ, કોઈ વિશિષ્ટ, એક નિરાળી રીતે ઘડેલું, તત્ત્વજ્ઞાન જ નથી. એ તો સત્યનું સંપૂર્ણ દર્શન છે, સંપૂર્ણ જીવનની ઊર્ધ્વગામિતા છે, એક વિશિષ્ટ યોજના અને વ્યવસ્થામાં જીવનમૂલ્યની વિવેચના અને માન્યતા છે.

સ્વામી વિવેકાનંદ દૃઢ રીતે માનતા કે ભારતની જીવનશક્તિ એ એની સંસ્કૃતિ છે અને ભારતનું પુનર્નિર્માણ એના આધ્યાત્મિક જીવનમાં પ્રાણ પૂરવાથી જ શક્ય બનશે. અરવિંદ, ગાંધી, રવીન્દ્રનાથ અને બધા જ મહાન ભારતીયો પણ ખરેખર આમ જ દૃઢતાપૂર્વક માનતા. ભૌતિકતાના બાહ્ય ચળકાટવાળી પશ્ચિમી જીવનપદ્ધતિ અને તેની તરતની દેખાતી સફળતાથી અંજાઈને કશોક નિર્ણય કરવાની ઉતાવળ કર્યા પહેલાં આપણે આ પ્રજ્ઞાપુરુષોનાં કથનો ધ્યાનમાં લેવાં જોઈએ. આ આધ્યાત્મિક સંસ્કૃતિને સ્વામી વિવેકાનંદ આજનાં અમુક તમુક નામે ઓળખાતાં, અરસપરસ ઝઘડતાં તથાકથિત ધર્મનાં બહારનં કોચલાં રૂપે અવશ્ય નહોતા ગણતા. આગળ કહ્યા પ્રમાણે આપણે યાદ રાખવું જોઈએ કે તેઓ જાતપાંતના, ધાર્મિક, બૌદ્ધિક અને આર્થિક કશા વિશેષ અધિકારોના વિરોધી હતા અને એને સખ્ત શબ્દોમાં વખોડી કાઢતા હતા.

હવે ભારત એક સ્વતંત્ર દેશ છે. બધાં જ કાર્યક્ષેત્રોમાં ઘણું ઘણું કરવાનું છે, પરંતુ સ્થાપિત હિતોએ આ ભૂમિ ઉપર કેટલાંક અવરોધક બળોનાં બીજ વાવ્યાં છે. ભારતની એકતામાં એ જોખમ ઊભું કરી રહેલ છે. પોતાની વિરલ ઐતિહાસિક દૃષ્ટિથી સ્વામીજીએ ખોળી કાઢ્યું કે, જ્યારે ભારતમાં સંયુક્ત રાજકીય સરકાર ન હતી ત્યારે પણ ભારતની આધ્યાત્મિક સંસ્કૃતિ અને એ સંસ્કૃતિના વાહન રૂપ સંસ્કૃત ભાષાને કારણે ભારતમાં ભીતરની અખંડિતતા-એકતા સાબૂત હતી. તેથી બધા તુચ્છ, સ્થાનીય સ્વાર્થોને છોડી દઈને આપણે સૌએ રાષ્ટ્રની પ્રગતિ માટે હાથમાં હાથ મિલાવવા જ જોઈએ. આમ કરવા માટે ત્યાગ અને સેવાના રાષ્ટ્રીય આદર્શોમાં આપણે પૂરેપૂરા ઓતપ્રોત થઈ જ જવું જોઈએ. પોતાના સર્વોચ્ચ કલ્યાણ માટે અને વિશ્વના કલ્યાણ માટે કામ કરવાનો આદર્શ, આપણને એક સૌથી ઉદાત્ત અને વ્યાવહારિક આદર્શ બક્ષે છે. પોતાને માટે કશો જ વિચાર કર્યા વગર અન્ય માટે કામ કરવાનો આદર્શ તો ઘણાખરા માણસો માટે ખૂબ ઊંચો આદર્શ છે. આપણે એટલા બધા સ્વાત્મકેન્દ્રી છીએ કે કોઈક આઘાતના આવેશ વગર સુમેળભરી રીતે અને સતતપણે આ આદર્શને વળગી શકતા નથી. માનવજાતની આ નબળાઈને સ્વામીજી પિછાણતા હતા. તેથી તેમણે આપણને વિશ્વમાં રહેલી અસ્તિત્વ-સત્-ની એકતા બતાવી પોતાની (વ્યક્તિની) ભલાઈને વિશ્વની ભલાઈ સાથે જોડી દીધી. ‘સત્’ની આ એકતા પણ સિદ્ધ ન કરી શકીએ અને અસિદ્ધ પણ ન કરી શકીએ. એને તો આપણા અંતરતમમાંથી અને મર્મજ્ઞોની અનુભૂતિઓથી જ પ્રમાણિત કરી શકાય. જો આને ફક્ત એક સિદ્ધાંત તરીકે માનીએ તો પણ, માણસે પોતાના પાડોશીને પોતાની પેઠે જ શા માટે ચાહવા જોઈએ અને શા માટે એનું ગળું કાપી ન નાખવું જોઈએ, એનું પાયાનું કારણ પણ આમાં જ મળે છે. ઉપયોગિતાવાદીઓએ, માનવતાવાદીઓએ અને દ્વન્દ્વાત્મક ભૌતિકવાદીઓએ પણ માણસને પોતાને માટે જ નહીં પણ સમાજ માટેય કામ કરતો અકબંધ રાખવા, એને પ્રેરક બળ પૂરું પાડવા આજે અથવા આવતી કાલે પણ આ સ્વીકારવું જ પડશે. ઈશ્વર તરફની પિતૃભાવના વગર માનવો વચ્ચે બંધુભાવના હાંસલ કરવી, એ નિરર્થક છે. આપણે જેટલા જલદી આ સમજીશું, તેટલું આ દેશ માટે વધારે સારું છે. જ્યારે આપણે આ મૂલગત એકતાને સમજીશું ત્યારે પીડિત લોકો આપણી દયાના કે ઉપેક્ષાથી ફેંકેલા ટુકડા લેવાના વિષય નહિ રહે, પણ ત્યારે તો એ દરિદ્રો, અજ્ઞાનીઓ, એ દલિતો સૌ વિવિધરૂપે સાક્ષાત્ નારાયણસ્વરૂપ બની જશે. માર્ક્સવાદીઓના વર્ગવિગ્રહના ઝળુંબતા ભયમાંથી દુનિયાને ઉગારી શકે તેવો આ ‘દરિદ્રનારાયણનો સિદ્ધાંત’ છે.

ચિંતાતુર જૂની દુનિયામાં હવે નવી વિશ્વવ્યવસ્થા આવી રહી છે. ભારતની શાશ્વત આધ્યાત્મિકતા, તેના આધુનિક વ્યાખ્યાતા સ્વામી વિવેકાનંદ દ્વારા, વર્તમાન પરિસ્થિતિને બંધ બેસે તેવી રીતે પુનરાલોચિત થઈ છે એ સ્વીકારીને આપણે વીર બનવું જોઈએ. બધાં ઉપનિષદોમાંથી બોમ્બવિસ્ફોટ જેવો નિર્ભયતાનો – ‘अभीः’નો શબ્દ આવી રહ્યો છે. આવો ક્રાન્તિકારી આદર્શ ધારણ કરવા માટે આપણે અત્યન્ત નિર્ભય બનવું જ જોઈએ અને વ્યવહારુ બનાવવા માટે આપણા હૃદયમાં ઊંડો દેશપ્રેમ અને સંસ્કૃતિપ્રેમ પણ હોવો જ જોઈએ. ખરી રીતે તેમની ‘મારી સમર યોજના’ (મદ્રાસમાં આપેલું ભાષણ) આ ભૂમિને આધ્યાત્મિક્તાથી તરબોળ કરી દેવાની હતી. જનતાનાં ભીડાયેલાં હૃદયોને ઉઘાડવાની ચાવી એમાં જ પડેલી છે.

સ્વામી વિવેકાનંદ જેવી આધ્યાત્મિક પ્રતિભાને કોઈ ખાસ જાતિ કે ખાસ વેશની અલગ બાપીકી મૂડી તરીકે દાખવી શકાય નહિ. સ્વામી વિવેકાનંદ તો વિશ્વધર્મ માટે અને વિશ્વસંસ્કૃતિ માટે ખડા છે અને તેમનો પરમોચ્ચ સંદેશ સમગ્ર માનવજાતને આંબે છે. તેમનો રાષ્ટ્રવાદ તો વર્તમાન સમયમાં પોતાને અભિવ્યક્ત કરવાના ભારતના પ્રયત્નનું પરિણામ છે. અને છતાંય એ બધી ભૂમિકાઓ માટે વૈશ્વિક મહત્ત્વ ધરાવે છે. કારણ કે એ સમૃદ્ધ આદર્શ રજૂ કરે છે, દૃષ્ટિને એક નવું પરિણામ આપે છે અને આધ્યાત્મિક દૃષ્ટિને ઉઘાડે છે. ટૂંકમાં, પૂર્વ અને પશ્ચિમ, બંનેને સંતોષ આપી શકે તેવો એ વિરલ સાંસ્કૃતિક વારસો છે. વ્યક્તિગત અને સામાજિક જીવનમાં આ આદર્શનું રૂપાન્તર કરવાનો આપણે પ્રયત્ન કરવો જોઈએ. આજના યુવાનોને સ્વામી વિવેકાનંદનો આ સંદેશ છે.

Total Views: 549

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.