(ગતાંકથી આગળ)

શ્રીરામકૃષ્ણ બ્રાહ્મસમાજની હરિસભામાં પ્રતાપ સાથે વાતચીત કરી રહ્યા છે. ઠાકુર કહે, ‘તમારે કેશવના નામની ચિંતા કરવાની જરૂર નથી. જે થયું છે તે ઈશ્વરની ઇચ્છા. થયું એય એની ઇચ્છા ને ગયું તોય એની ઇચ્છા. હવે તમે અમૃતના સાગરમાં ડૂબકી મારો, એમ નહિ માનતા કે પાગલ થઈ જશો. ઈશ્વરનું નામ લઈને કોઈ પાગલ ન થાય. મેં નરેન્દ્રને કહ્યું છે…’

પ્રતાપ – ‘મહાશય, નરેન્દ્ર કોણ?’

ઠાકુર – ‘એ એક છોકરો છે.’ મેં એને કહ્યું, ‘જો, ઈશ્વરરસનો સાગર છે. તને શું ઇચ્છા નથી થતી કે એ રસના સાગરમાં ડૂબકી મારું? ધાર કે એક કુલડી ભરીને રસ છે. તું માખી છે. તો તું ક્યાં બેસીને રસ પીશ?’ નરેન્દ્ર કહે ‘હું તો કુલડીને કાંઠે બેસીને ડોક લંબાવીને પીશ’ મેં પૂછ્યું, ‘કેમ? કાંઠે કેમ બેસીશ?’ એ કહે, ‘વધારે દૂર જાઉં તો ડૂબી જાઉં, અને જાનનો જાઉં.’ મેં કહ્યું, ‘બાબા, સચ્ચિદાનંદસાગરમાં એ ડર નહિ. એ તો અમૃતનો સાગર, એ સાગરમાં ડૂબકી માર્યે મરણ ન થાય. માણસ અમર થઈ જાય. ઈશ્વરપ્રેમમાં પાગલ માણસ મતિભ્રષ્ટ ન થાય.’ ઇશાનને ઘેર શ્રીરામકૃષ્ણ બેઠા છે. ત્યાં એક ભક્ત, શક્તિના ઉપાસક આવ્યા. કપાળમાં સિંદુરનો ચાંદલો. હસીને આનંદમય ઠાકુર બોલ્યા, ‘અરે આ તો માર્કો મારેલા છે.’ ભક્તો સાથે બેઠા હતા. ઇશાનની ઇચ્છા કે નરેન્દ્ર ભજન ગાય. નરેન્દ્રને પખવાજે લગાડવા મેંદો આણી આપ્યો. જોઈને ઠાકુર કહે, ‘હજુ મેંદો જ છે, તો પછી જમવાને તો બહુ વાર લાગશે.’

ઇશાન હસીને કહે, ‘ના, બહુવાર નથી.’

ભક્તો હસવા માંડ્યા. એક ભાગવતના પંડિતે હસીને એક અજાણ્યા લેખકનો શ્લોક સંભળાવ્યો, પછી એની વ્યાખ્યા કરી કહ્યું, ‘દર્શન વગેરે શાસ્ત્રો કરતાં કાવ્ય મનોહર, જ્યારે કાવ્યપાઠ થાય ત્યારે લોકો સાંભળે, ત્યારે વેદાંત, સાંખ્ય, ન્યાય, પાતંજલ, આ બધાં દર્શન શુષ્ક લાગે. કાવ્ય કરતાં ગીત મનોહર, સંગીત પાષાણહૃદય માણસને પણ હચમચાવી દે. જો કે ગીતનું આટલું આકર્ષણ છતાં જો સુંદરી નારી પડખેથી નીકળે તો કાવ્ય પણ પડ્યું રહે. અને સંગીતેય સારું ન લાગે. સમગ્ર મન એ સ્ત્રી તરફ વળી જાય. પણ જો ભૂખ લાગે કકડીને તો તો કાવ્ય, ગીત, નારી કશું જ સારું ન લાગે. અન્નચિંતા ચમત્કારા.’

શ્રીરામકૃષ્ણ હસીને કહે, ‘આ ભાઈ તો રસિક લાગે છે.’ ઠાકુર શશધર પંડિત જોડે વાતો કરે છે. શ્રીરામકૃષ્ણ : ‘કળિયુગમાં નારદીયભક્તિ, શાસ્ત્રમાં જે બધાં કર્મકાંડ લખ્યાં છે એ માટે સમય ક્યાં? આજકાલ તાવ આવે તો દશમૂળ ક્વાથ દેવા જઈએ તો રોગીનું આવી જ બને, ઉપર જ પહોંચી જાય. આજકાલ ફિવર મિક્ષચર જ ચાલે. તમે જો કર્મકાંડ કરવાનું કહો તો આગલું પાછલું માથું પૂંછડી બાદ કરીને કહેવું. (સાદી સીધી રીત – વિધિ બતાવવી) અને હજાર લેક્ચર (ઠાકુર વચ્ચે વચ્ચે અંગ્રેજી શબ્દો વાપરતા) કરો પણ વિષયી લોકોને તમે સુધારી ન શકો. પથ્થરની દીવાલમાં શું ખીલો મારી શકાય? ખીલાનું માથું ભાંગી જશે પણ દીવાલને ઊની આંચ નહિ આવે. તલવાર મારો તોય મગરને શું થાય? સાધુનું કમંડલું ચારધામની જાત્રા કરી આવે પણ જેવું કડવું હોય એવું કડવું જ રહે, તેથી સારા લોકો ન હોય તો લેક્ચરથી કોઈનો દી ન વળે.’

Total Views: 187

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.