નાગ મહાશયના નામથી પ્રસિદ્ધ શ્રીયુત દુર્ગાચરણ નાગ, નારાયણગંજ (હાલ બાંગલાદેશ) પાસે આવેલા દેવભોગ ગામના વતની હતા. તેમનો જન્મ ઈ. સ. ૧૮૪૬માં થયો હતો. આઠ વર્ષની ઉંમર થતાં માતા વિદેહ થયાં ને ફોઈબાને જ પોતાની માતા સમજતાં. પિતા દીનદયાલ પાલબાબુને ત્યાં પૂરી પ્રામાણિકતાથી નોકરી કરતા અને પાલબાબુનો તેમના પર અતૂટ વિશ્વાસ હતો.

નાનપણમાં નાગ પાડોશમાં રમ્યા કરતા પણ કોઈ પાસેથી કોઈ ચીજ લેતા નહિ, કદી જૂઠું બોલતા નહિ. અને તે એટલે સુધી કે મોટાઓને પણ તેમની સત્યવાદિતા પર પૂરો ભરોસો હતો. નારાયણગંજમાં ત્રણેક ધોરણ સુધીની એક શાળા હતી. એક દિવસ ફોઈબાને પણ કહ્યા સિવાય દસેક માઈલ દ્વારા ઢાકાની એક સ્કૂલમાં દાખલ થયા પછી રોજ ઘેરથી દસ માઈલની ભણવા માટે પદયાત્રા કરતા. પછી થોડા દિવસમાં જ તેમણે બંગાળી ભાષામાં ‘બાળકો માટે ઉપદેશ’ નામે રચનાઓ સ્વખર્ચે છપાવી અને વહેંચી.

પિતા સાથે કલકત્તા રહેવા આવ્યા તે પહેલાં અચાનક તેમનાં લગ્ન કરી નાખવામાં આવ્યાં. આ લગ્ન કહેવાનાં લગ્ન હતાં અને સંસારસુખ જોયા સિવાય તેમનાં પત્નીનો દેહાંત થયો. કલકત્તામાં પહેલાં નાગ મહાશય એક સ્કૂલમાં દાખલ થયા. થોડા વખતમાં જ એ છોડીને હોમિયોપથી શીખવાનું શરૂ કર્યું. ડૉ. ભાદુરી સાથે ઘેર ઘેર જઈ પ્રત્યક્ષ અભ્યાસ કર્યો અને મહોલ્લાના ગરીબ-દુ:ખી લોકોની મફત દવા કરવા લાગ્યા.

આ વખતે શ્રીરામકૃષ્ણના ભાવિ ભક્ત શ્રીયુત્ સુરેશચંદ્ર દત્ત સાથે તેમને પરિચય થયો. સાકાર ભગવાનની બાબતમાં સુરેશચંદ્ર દત્તના વિચારો સંદિગ્ધ હતા પણ નાગ મહાશય કહેતા, ‘જે વસ્તુ છે તે વિષયમાં વિચાર શો કરવાનો?’ એ વખતે બ્રાહ્મસમાજ સાથે પણ કેટલીક નિકટતા કેળવાઈ પણ તેના આચારવિચાર તેમને પસંદ નહોતા. ગંગાઘાટ કે સ્મશાન તટ પર સાધુસંન્યાસીઓ સાથે તે ધર્મની ચર્ચા કરતાં. સ્મશાનમાં બેસીને જપ કરતા. એક દિવસ જપ દરમિયાન એક શુભ્ર જ્યોતિનાં તેમને દર્શન થયાં તે પછી નિયમિત રીતે તેમણે જપ તપ શરૂ કર્યું. આમ સંસાર ભૂલીને તે ધર્મપ્રવાહમાં આગળ વધતા હતા.

પિતાની હઠથી જ નાગ મહાશયનાં બીજાં લગ્ન થયાં. એ પણ કહેવાના – નામ માત્રનાં લગ્ન હતાં. ‘સંસારી’ નાગ મહાશય કલકત્તામાં અધ્યયન કરતા. રોગીઓની દવા કરતા અને બાકીનો સમય ભગવાનની ભક્તિ કરતા. એટલામાં સમાચાર આવ્યા કે માતા સમાન ફોઈબા બીમાર છે. તે તરત દેવભોગ ગયા. ખૂબ સેવા કરવા છતાં ‘શ્રી રામચંદ્રમાં તારી મતિ રહે.’ એવા આશીર્વાદ સાથે ફોઈબાનો જીવનદીપ બુઝાયો.

કલકત્તામાં તેમણે ફરી ચિકિત્સાકામ શરૂ કર્યું. પણ તેમાંથી તેઓ અર્થપ્રાપ્તિ કરતા નહિ. પિતાની ઘણી હોંશ છતાં તે સારાં કપડાં પણ પહેરતા નહિ. પિતા કહેતા, ‘તારી પાસે મારી ઘણી આશા હતી, પણ તું તો ફકીર બનતો જાય છે.’ અને વાત પણ સાચી હતી. પૈસા લેવાને બદલે પાસે હોય તો ગરીબ દર્દીને આપીને આવતા. એક ચિકિત્સક તરીકે તેમની ખ્યાતિ હતી. પાલબાબુએ તેમને કુટુંબ-વૈદ તરીકે રાખ્યા. કુટુંબની એક કોલેરાગ્રસ્ત મહિલાને તેમણે અદ્ભુત રીતે બચાવી. પાલબાબુએ કૃતજ્ઞતાથી એક ચાંદીનું વાસણ રૂપિયા ભરીને આપ્યું. નાગ મહાશયે તે લીધું નહિ. બીજા ૫૦ રૂા. તેમાં વધુ મૂક્યા ત્યારે દવાના ગણીને તેમણે ફક્ત ૨૦ રૂા. લીધા. એ જમાનામાં મહિને ત્રણસો-ચારસો તેમને સહજ રીતે મળે એમ હતા ત્યાં એ ત્રીસ-ચાલીસ કમાતા. ધનસંગ્રહ એમના સ્વભાવની વિરુદ્ધ હતો.

રસોઈની ઝંઝટને કારણે, પિતાની હઠથી છેવટે નાગ મહાશય પત્નીને પોતાને ઘરે કલકત્તા લાવ્યા. પિતા સુખી થયા પણ પુત્રવધૂ હોવા છતાં પુત્રને સંસારી બનાવી શક્યા નહિ. ઊલટું તેમની ભક્તિ વધતી જતી હતી. ઉપાસનામાં તે મગ્ન રહેતા. અને કીર્તનમાં મધુર સ્વરે ગાતાં ગાતાં તે એટલા ભાવાવેશમાં આવી જતા કે તે પડી જતાં. એકવાર આ રીતે ગંગાપ્રવાહમાં પડી ગયા હતા.

સાધના કરવાનું સ્વતંત્ર રીતે શક્ય છે છતાં ઇષ્ટદેવનાં દર્શન માટે દીક્ષાનું મહત્ત્વ છે. કુલગુરુ, કૈલાશચંદ્ર ભટ્ટ કલકત્તામાં તેમને ઘેર આવતા, પત્ની સમેત તેમણે શક્તિમંત્રની દીક્ષા લીધી. તે પછી તેમની સાધના વધતી ગઈ. આ વખતે ‘શ્યામ પદાવલી’ની ઘણી રચનાઓ તેમણે કરી. વૃદ્ધાવસ્થાને કારણે પિતા હવે કામ કરી શકતા નહિ એટલે આવક ઘટવા લાગી. નાગ મહાશયે કર્તવ્ય સમજી પિતાનું કામ હાથ પર લીધું અને પિતાને દેવભોગ મોકલી આપ્યા. તેમની સેવા કરવા પત્નીને પણ સાથે મોકલ્યાં.

બ્રાહ્મ-સમાજમાંની અવરજવરથી મિત્ર સુરેશચંદ્ર દત્તને સમાચાર મળ્યા કે દક્ષિણેશ્વરમાં એક નિર્મોહી સાધુ છે. રસ્તો ભૂલવા છતાં બંને મિત્રો એકવાર દક્ષિણેશ્વર પહોંચ્યા. શ્રીરામકૃષ્ણનાં દર્શન થતાં જ તેમને પ્રતીતિ થઈ કે તેમનો ભાવાવેશ અને માતા સાથેનો સંબંધ – આ બંનેમાં સચ્ચાઈ છે. શ્રીરામકૃષ્ણે તેમને ફરી આવવાનું આમંત્રણ આપ્યું. એક અઠવાડિયા પછી બંને ત્યાં ગયા. ત્યારે એ મહાત્માએ કહ્યું, તમે આવ્યા તે સારું કર્યું. હું તો તમારા માટે જ અહીં આટલા દિવસથી બેઠો છું.’ નાગ મહાશયને કહ્યું, ‘તમારી કક્ષા ઘણી ઊંચી છે.’ ત્યાં તેમણે ધ્યાન કર્યું અને બતાવ્યું તે કામ કર્યું પણ ચરણરજ લેવાની તક ન આપી. સુરેશબાબુને કહ્યું હતું કે, ‘આ માણસ તો આગ છે – એક સળગતી આગ!” ત્રીજીવાર નાગ મહાશય એકલા જ ગયા. ‘તું ડૉક્ટર છે તો મારું શરીર જો.’ નાગ મહાશયને તેમની શરીર-વિભૂતિ જોવાનો અને ચરણરજ લેવાનો તેથી અવસર મળી ગયો. તેમને ખાતરી થઈ કે, ઠાકુર (શ્રીરામકૃષ્ણ) વાંછાકલ્પતરુ ભગવાન છે. ઠાકુરે સમાધિસ્થ થઈ તેમની છાતી પર પદચિહ્ન અંકિત કર્યા.

‘चिदानंद रुपं शिवोडहं शिवोडहं’ સ્તોત્રનો પાઠ કરતા નરેન્દ્રનાથ સાથે શ્રી નાગ મહાશયનો મેળાપ થયો. આ દૃશ્ય અદ્ભુત હતું. એક બાજુ શરણાગત ભક્ત, બીજી બાજુ વિચારપરાયણ અદ્વૈતવાદી અને બંનેના સમન્વયના અવતાર સમા શ્રીરામકૃષ્ણદેવ! ભક્ત કહે છે. ‘ઈશ્વર સર્વશક્તિમાન છે. એની ઇચ્છા વિના એક પાંદડું પણ હલતું નથી.’ જ્ઞાની કહે, ‘હું જ પ્રત્યક્ષ આત્મા છું. આ વિરાટ બ્રહ્માંડ મારી ઇચ્છાથી જ પરિચાલિત થાય છે.’ ત્યારે ઠાકુરે કહ્યું, ‘આ તો મ્યાનમાંથી નીકળેલી તલવાર છે. નરેન્દ્ર જ આવી વાત કરી શકે. સ્વયં મહાદેવે નરેન્દ્ર બનીને અવતાર લીધો છે.’

દક્ષિણેશ્વરમાં એક દિવસ ઠાકુરે નાગ મહાશયને કહ્યું, ‘મન જો દવાઓ કરવામાં પડ્યું રહેશે તો વિરાટ બ્રહ્માંડની ધારણા શી રીતે કરી શકશે?’ તરત જ નાગ મહાશયે દવાની પેટી અને વૈદકનાં પુસ્તકો ગંગામાં પધરાવી દીધાં. ઠાકુરની આજ્ઞા હતી કે ‘તમારે જનકની પેઠે ગૃહસ્થધર્મમાં રહેવાનું છે. તમારાથી બીજા ગૃહસ્થધર્મ શીખશે.’ પાલબાબુનું કામ જાતે છોડી દઈ, અર્ધું વળતર લેવાની શરતે એક ધર્મભીરુ માનવીને સોપ્યું. પિતાને એથી ખૂબ દુ:ખ થયું. ‘હવે નગ્ન થઈને રહેજે અને દેડકા ખાઈને જીવજે.’ એવા પિતાના ગુસ્સાભર્યા શબ્દોને કપડાં ફગાવી દઈ અને દેડકો ખાઈ યથાર્થ કરી બતાવ્યા. હવે તે સાવ બંધનમુક્ત હતા. સ્વાદને તેમણે જીત્યો હતો. ન મીઠાઈ ખાતાં, ન મીઠું પ્રસાદ તરીકે પાતળમાં જે મળે તે ખાઈ લેતા – પાતળ સુધ્ધાં! કોઈની નિંદા તે સાંભળી શક્યા નહિ. નિંદા સાંભળતાં પોતાનું માથું ફોડવા લાગતા.

ઠાકુરનું ઇહલોકમાંથી પ્રસ્થાન નાગ મહાશય માટે વજ્રાઘાત સમાન હતું. તેમણે ભોજન ત્યજી દીધું. સ્વયં નરેન્દ્રનાથે તેમને ત્યાં ભિક્ષા લેવાનું નિરધારી પોતાની સાથે કાંઈક ખવડાવ્યું. તે પછી એ દક્ષિણેશ્વર તો જતા પણ ઠાકુરના ઓરડામાં તેમણે ફક્ત એક જ વાર પ્રવેશ કરેલો. પૂર્વસ્મરણ જાગતાં વિરહથી તે વિકળ થઈ ગયા હતા.

એકવાર તેઓ કલકત્તાથી દેવભોગ આવ્યા. બરાબર ત્યારે અર્ધોદય યોગ હતો. આ યોગમાં ગંગાસ્નાનનું પુણ્ય ખૂબ હતું. પિતાની ઇચ્છા ગંગાસ્નાનની હતી. લોકો એ માટે ત્યાં જતા. પિતા કહે, ‘લોકો જ્યારે ત્યાં જાય છે ત્યારે તું અહીં આવ્યો?’ નાગ મહાશયે કહ્યું, ‘શ્રદ્ધા હોય તો ગંગા ઘરે પધારે છે.’ સાચે જ અર્ધોદય યોગના દિવસે ગંગાજી આંગણાના એક ખૂણેથી વહેવા લાગ્યાં. અલબત્ત તેમને આવા ચમત્કાર પસંદ ન હતા.

એ બીજાની સેવા કદી લેતા નહિ. તૂટેલી ઝૂંપડી સરખી કરવા મજૂરને પણ કામ કરવા દેતા નહિ. અહિંસામાં તે એટલા રત હતા કે પક્ષીઓ તેમના હાથમાંથી દાણા ચણતાં. નાનાંનાનાં જંતુની પણ તે કાળજી રાખતા. અવસાન પહેલાં પત્નીએ કહ્યું હતું, ‘એમના મન કે શરીરમાં કદી કોઈ માનવીય વિકાર ન હતો. તે આગની વચ્ચે રહેતા છતાં એક ક્ષણને માટેય તેમનું શરીર તપ્યું નહોતું.’ એવો હતો નાગ મહાશયનો સંસાર. તેમને ખાતરી હતી કે તેમની મા દેવી – મૂર્તિ નહિ પણ સચ્ચિદાનંદ સ્વરૂપ મહાવિદ્યા સ્વરૂપિણી છે. અને તે યાદ કરતાં તેમને સમાધિ લાગી જતી.

સંસારીની સૌથી મોટી કસોટી વિપત્તિમાં છે. એકવાર પાસેના મકાનમાં આગ લાગી અને તેના તણખા નાગ મહાશયના ઘરના છાપરા પર પડવા લાગ્યા. જ્યારે બચાવ કરવા સૌ વ્યગ્ર બની ગયા હતા ત્યારે એ પોતે તાળી પાડી હસીને કહેવા લાગ્યા. ‘હજીયે અવિશ્વાસ? બ્રહ્મા સ્વયં આજ ઘર પાસે ઉપસ્થિત થયા છે. તેમની તો પૂજા કરવી જોઈએ.’ આગ શાંત થઈ ગઈ પણ નાગ મહાશયના ઘરના એક તણખલાને પણ તેનો સ્પર્શ થયો નહિ.

એક સાધુ તરીકેની તેમની કીર્તિ ચોતરફ ફેલાઈ ગઈ હતી. મહાકવિ ગિરીશચંદ્ર મહાન સત્ય કહે છે…

‘નરેન્દ્ર અને નાગ મહાશયને બાંધવા જતાં મહામાયા મુશ્કેલીમાં પડી ગઈ. નરેનને બાંધવા જાય છે અને તે મોટા થઈ જાય છે જ્યારે એ એટલા મોટા થઈ ગયા કે મહામાયાને હતાશ થવું પડે. તે પછી મહામાયા નાગ મહાશયને બાંધવા લાગી. એ જેટલા બાંધે એટલા તે નાના થતાં જાય છેવટે એ એટલા નાના બની ગયા કે માયાજાળના છિદ્રમાંથી નીકળી ગયા.’

૮૦ વર્ષની ઉંમરે પિતા દીનદયાળનો દેહ છૂટી ગયો. એમના મનમાંથી પુત્રની, સંસારની આસક્તિ છૂટી ગઈ હતી. તે પછી ત્રણેક વર્ષે પંચાંગ જોઈ શરતચંદ્ર ચક્રવર્તીએ પોષની ૧૩ સવારે ૧૦ વાગ્યા પછી સારું મુહૂર્ત છે. તે નક્કી કર્યું. શ્રીયુત ચક્રવર્તીને નાગ મહાશયે કહ્યું, ‘જો આપ આજ્ઞા આપો તો તે દિવસે મહાયાત્રા માટે પ્રસ્થાન કરું!’ બે દિવસ પહેલાં તેમણે શરતબાબુ પાસે બધાં તીર્થસ્થાનોનું વર્ણન સાંભળ્યું. જાણે જાતે જ જોતા હોય તે રીતે.

ઈ. સ. ૧૮૯૯ ડિસેમ્બર ૨૭ સવારે દસ વાગ્યા પછી નાગ મહાશય મહાસમાધિમાં લીન થઈ ગયા.

Total Views: 168

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.