હાલ રાજકોટમાં નિવાસ કરતાં શ્રી આભાબહેન ગાંધી પોતાના શૈશવકાળથી જ બાપુના ગાઢ સંપર્કમાં આવેલાં. તેઓ બાપુની જીવતી-જાગતી લાકડી સમાં અને જીવતી-જાગતી ઘડિયાળ સમાં હતાં. બાપુના જીવનની છેલ્લી ઘડી વખતે પણ તેઓ તેમની સાથે હતાં. તેમણે પોતે અનુભવેલા એ અંતિમ સમયની, અત્યંત માર્મિક પ્રસંગની વાત ગાંધીજીની પુણ્યતિથિ (૩૦ જાન્યુઆરી, શહીદ દિવસ) નિમિત્તે રજૂ કરીએ છીએ.

૧૯૪૮ની ૩૦ જાન્યુઆરીની સાંજની આ ઘટના છે.

તે દિવસે સરદાર વલ્લભભાઈ પટેલ બાપુને મળવા આવ્યા હતા. સામાન્ય રીતે તો તેઓ જ્યારે બાપુને મળવા આવતા, ત્યારે અમે બાપુના ઓરડામાં જ રહેતાં હતાં; પણ આજે સરદાર કંઈક ગંભીર દેખાતા હતા અને કોઈક ખાસ વાત કરવા ઇચ્છતા હતા. તેથી અમને બહાર બેસવાનું કહેવામાં આવ્યું. એટલે હું અને મનુબહેન બહારના વરંડામાં ચાલ્યાં ગયાં.

પાંચ વાગવા આવ્યા. પ્રાર્થનાનો સમય થવાની સૂચના આપવાની જવાબદારી મારી હતી. એટલે હું વારે વારે ઘડિયાળમાં જોતી રહેતી હતી. હવે તો પાંચ વાગવામાં દસ જ મિનિટ બાકી રહી હતી. એટલે હું તો ગભરાઈ ઊઠી કે, બાપુને એની જાણ કરવી કેવી રીતે? હું તો બાપુની તરફ જોયા કરું, પણ તેઓ તો એટલા બધા વ્યસ્ત હતા કે, તેમણે તો મને જોઈ પણ નહિ.

અને બાપુ એટલા બધા ગંભીર મુદ્રામાં હતા કે અંદર જઈને તેમને જાણ કરવાનું સાહસ પણ થતું ન હતું. ઘડિયાળ તો દોડતી જ જતી હતી. સાથે સાથે મારી છાતીના થડકારા પણ વધ્યે જ જતા હતા. પાંચ વાગીને ઉપર પાંચ મિનિટ થઈ ગઈ, આઠ મિનિટ પણ ગઈ! હવે મારાથી રહેવાતું ન હતું. બાપુ તો દરેક સમયની-પ્રાર્થનાના સમયની તો ખાસ-ચોકસાઈ રાખતા, એ હું જાણતી જ હતી. એટલે સાહસ કરીને હું તો અંદર ઘૂસી ગઈ. કંઈ પણ બોલ્યાચાલ્યા વગર બાપુની ઘડિયાળ એમની સામે મેં ધરી દીધી.

સમય જોતાં જ બાપુ બોલી ઊઠ્યા : “આ શું? દસ મિનિટ મોડું થઈ ગયું! વલ્લભભાઈ, પ્રાર્થનામાં મોડું થઈ ગયું છે. હવે મારે જવું જ જોઈએ. હવે આપણે અહીં પૂરું કરીએ. તમારી ઇચ્છા હોય તો ફરી વખત આવી જજો.” આટલું કહીને બાપુ ઊભા થઈ ગયા.

પ્રાર્થનામાં મોડું થયું હતું, એ વાતનું બાપુને એટલું બધું લાગી આવ્યું કે તેઓ રોજ જે રસ્તેથી પ્રાર્થનાસ્થળ પર જતા હતા, તે રસ્તે ન જતાં તેઓ ઓરડાની મોટી બારીમાંથી કૂદીને પ્રાર્થનાસ્થળ તરફ જાણે દોડવા જ લાગ્યા.

નિયમાનુસાર બાપુ અમને-મને અને બહેનને -પોતાની જીવતી-જાગતી લાકડી બનાવીને પ્રાર્થનાસ્થળ તરફ તેજ ગતિએ ચાલવા લાગ્યા. બાપુના ઓરડાથી પ્રાર્થનાસ્થળનો આજનો ટૂંકો રસ્તો ચાર મિનિટનો હતો. ચાલતાં ચાલતાં બાપુ મજાક પણ કરતા હતા, અને મને કહી રહ્યા હતાઃ “આભા, તું તો મારી જીવતી-જાગતી ઘડિયાળ છે. મને પ્રાર્થનામાં સમયસર પહોંચાડવાની જવાબદારી તારી છે. તો પછી આજે મોડું કેમ કરાવ્યું? હું તો તારે ભરોસે રહું છું, આજે મોડું થયું છે, એનું પાપ તારે માથે. કેમ, બરાબર ને?”

‘જી હા’. મેં કહ્યું અને પછી ઉમેર્યું : “શું કરું, બાપુ? આપ તો આ જીવતી-જાગતી ઘડિયાળ તરફ નજર સરખી પણ કરતા ન હતા! હું તો ક્યારનીય આપના તરફ જોઈ રહી હતી, પણ આપ તો એટલા બધા વ્યસ્ત હતા કે મારી સામે જોયું પણ નહિ. આપની વાતો એટલી ગંભીરતાથી ચાલી રહી હતી કે હું ઓરડામાં આવવાનું સાહસ જ ન કરી શકી. પાંચ વાગીને આઠ મિનિટ ઉપર થઈ ત્યારે મારાથી રહેવાયું નહિ. સાહસ કરીને આવી અને આપની ઘડિયાળ આપની સામે ધરી દીધી. આમાં મારો તો કશો વાંક નથી છતાં આજનું પાપ હું મારે માથે ઓઢી લઉં છું.”

‘ઠીક છે, જા પાપ તને દીધું.’ બાપુએ હસતાં હસતાં કહ્યું. આટલી વાતચીત થતાં થતાંમાં તો અમે પ્રાર્થનાસ્થળની પગદંડી સુધી પહોંચી ગયાં. પ્રાર્થનાસ્થળ પર પગ મૂકતાં જ રોજની પેઠે નમસ્કાર કરવા માટે તેમણે બે હાથ જોડ્યા. માંડમાંડ ૧૪-૧૫ ડગલાં ચાલ્યા હશે, ત્યાં ડાબી બાજુથી એક યુવક બાપુ તરફ ઝૂક્યો. મનુબહેન એને રોકવા ગયાં, એમને એ યુવકના હાથનો ધક્કો લાગ્યો એથી મનુબહેનના હાથમાંથી બાપુની થૂંકદાની વગેરે વસ્તુઓ નીચે પડી ગઈ. મનુબહેન એ વસ્તુઓને લેવા નીચે નમ્યાં ત્યાં તો એકદમ ધડાધડ કરતી ત્રણ ગોળીઓ બાપુ ઉપર છૂટી અને બાપુની છાતીમાં લાગી. ત્યારે પાંચ વાગીને ૧૪ મિનિટ થઈ હતી. બાપુના મોઢામાંથી “હે રામ! હે રામ!” શબ્દો નીક્ળ્યા. હું બાપુની સાવ નજીક હતી એટલે એમના શરીરનું બધું વજન મારા ઉપર પડ્યું. હું પડુંપડું થઈ ગઈ અને બાપુ પણ મારી સાથે જ નીચે ઢળવા લાગ્યા. મેં મારી જાતને સંભાળી હું બેસી ગઈ અને બાપુને મારા ખોળામાં લીધા. મને તો એવું લાગે છે કે, બાપુના પ્રાણ તો એ જ વખતે, પ્રાર્થનાસ્થળ પર જ, મારા ખોળામાં પડતાં વેંત જ ચાલ્યા ગયા હતા; તો પણ નિયમાનુસાર ડૉક્ટરના કહ્યા પછી જ આ જાહેર કરવામાં આવ્યું. બાપુને તરત જ બિરલા હાઉસમાં લઈ જવામાં આવ્યા, ડૉક્ટર ભાર્ગવને બોલાવવામાં આવ્યા. જવાહરલાલજીને અને સરદાર પટેલને પણ જાણ કરવામાં આવી. એ બંને તરત જ આવી પહોંચ્યા.

ડૉક્ટર ભાર્ગવ આવ્યા અને પૂરી રીતે તપાસ કર્યા પછી પંડિતજી અને સરદાર તરફ ફરીને બોલ્યા : “બાપુ આપણને હંમેશાં માટે છોડીને ચાલ્યા ગયા.”

બાપુના ચહેરા ઉપર અપૂર્વ શાંતિ હતી.-જાણે કે એમણે હત્યારાને માફ કરી દીધો હોય!

બાપુનું શરીર એટલું તો ગરમ હતું કે બધાને લાગતું હતું કે બાપુ જીવતા જ છે અને ઈલાજ કર્યા પછી પાછા ઊભા થઈ જશે; પણ ડૉક્ટર ભાર્ગવના એલાન પછી બધાનો ભ્રમ ભાંગી ગયો. આખા ઓરડામાં રુદનના સ્વરો ફેલાઈ ગયા. પંડિતજી તો એક બાળકની પેઠે ધ્રુસકે ધ્રુસકે રડી રહ્યા હતા. થોડી વારે તેઓ ઓરડાની બહાર જતા અને વળી પાછા આવતા. પણ પાછા વળીને વળી તરત બાપુ તરફ જોઈને ફરી પણ એક બાળકની પેઠે રોવા લાગતા હતા. સરદાર પટેલ પ્રયત્નપૂર્વક પોતાનાં આંસુ ખાળી રહ્યા હતા અને અમને સૌને આશ્વાસન આપી રહ્યા હતા. એ આખુંય દૃશ્ય વિષાદ અને કરુણતાથી છવાઈ ગયું હતું.

સૂર્ય આથમી ગયો હતો, અને રાત્રિનાં ઘોર અંધારાં ચોતરફ રેલાઈ રહ્યાં હતાં! હે રામ!

Total Views: 146

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.