શ્રીરામકૃષ્ણ પરમહંસનો જન્મોત્સવ દર વર્ષે કલકત્તાને મૂળમાંથી ઉત્તેજિત કરી મૂકે તેવી ઘટના છે. દક્ષિણેશ્વરના સંતનો જન્મ – આવિર્ભાવ – સાંપ્રત ભારતની એક ઘટના છે એવું માનનારની સંખ્યા દર વર્ષે વધતી રહે છે. આ વાતનો સ્વીકાર કેટલીક વ્યક્તિઓ એક કારણે કે કેટલીક વ્યક્તિઓ જુદા કારણે કરે છે. ભક્તોને મન તે છેલ્લા અવતારી પુરુષ છે. ઇતિહાસકાર તે હિંદુત્વના મૂળભૂત તત્ત્વ તરીકે ગુરુચાવી (Master Key) તરીકે નિહાળે છે. પક્ષનો વિચાર કરનાર માને છે કે, તે બધા પક્ષના છે એટલે કોઈ પણ સંઘર્ષ ઊભો થવાનો અવકાશ નથી. તત્ત્વજ્ઞાનીઓને તેઓ વેદાંતનું ઉચ્ચતમ જીવંત પ્રતીક લાગે છે. કેટલાક શ્રમજીવીઓ પણ તેમના જીવનના બનાવોમાંથી શ્રદ્ધા પ્રાપ્ત કરે છે, પ્રેરણા મેળવે છે અને પોતાના જીવન-સંઘર્ષમાં તેમાંથી બળ મેળવે છે, તેમ માને છે.

આવતાં પાંચસો વર્ષ સુધી રામકૃષ્ણ પરમહંસ જેવો બીજો અવતાર જગતમાં થવા સંભવ નથી. પ્રથમ તો જે વિચારપુંજનો વારસો તેઓ આપતા ગયા છે તેને અનુભવમાં રૂપાંતરિત કરવાનો છે. તેમાંથી જે આધ્યાત્મિક ઉર્જાનો આવિર્ભાવ થયો છે. તેની સિદ્ધિમાં પરિણતિ કરવાની છે. આ ન બને ત્યાં સુધી વિશેષની માગણી આપણે કઈ રીતે કરીએ? વધારે મળે તો પણ, આવો બીજો અવતાર થાય તો પણ, આપણે તેનું શું કરી શકીએ?

ભારતમાં હંમેશાં રાષ્ટ્રીય (રાજકીય) જાગૃતિ પહેલાં ધર્મજાગૃતિ આવે છે. રાષ્ટ્રીય જાગૃતિ ધાર્મિક જાગૃતિનું પરિણામ છે. સમગ્ર ભારતને ઊંડાઈમાં લેનાર આંદોલનનો (મોજાનો) પ્રથમ આવિર્ભાવ હતા શંકરાચાર્ય. બંગાળમાં ચૈતન્યદેવ, પંજાબમાં શીખ ગુરુઓ, મહારાષ્ટ્રમાં શિવાજી, દક્ષિણમાં રામાનુજ અને માધવાચાર્ય તેના પરિણામરૂપે હતા. આ પ્રત્યેક આંદોલન-તરંગ દ્વારા લોકો જાગૃત થયા, પોતાની જાતને ઓળખતા થયા, રાષ્ટ્રીય શક્તિરૂપે વ્યક્ત થયા અને પોતાની એકતાનો અનુભવ કરતા થયા. આ બધા નેતાઓનો એક પુરુષમાં સમન્વય તે શ્રીરામકૃષ્ણ. એનો અર્થ એ કે, તેમના યુગનાં આંદોલનો ભૂતકાળના પ્રાંતીય અને વેરણ-છેરણ આંદોલનો એક સૂત્રે બાંધી સંગઠિત કરશે. આ સમગ્રનો નિષ્કર્ષ તે રામકૃષ્ણ પરમહંસ. આપણા સર્વના જીવનપ્રવાહને અનંતતાના મહાસાગર તરફ ગતિ કરતાં, સાક્ષીરૂપ બની શકે તેવી પરમ ચેતનારૂપ તેમનું જીવન છે. આપણી પાછળ રહેલી શક્તિનું તેઓ જ પ્રમાણ છે. આપણી આગળ રહેલું ભવિષ્ય પણ તેઓ જ છે. આવો મહાન જન્મ, આવો મહાન અવતાર અનેક ઘટનાઓ પ્રેરે, ઘણાની કસોટી અગ્નિમાં થશે, અને બહુ ઓછા શુદ્ધ સુવર્ણરૂપે બહાર આવશે. પણ જે બને તે; વિજય મળે કે પરાજય, ધ્યેયસિદ્ધિ અલ્પ સમયમાં થાય કે લાંબો-સતત સંઘર્ષ કરવો પડે. હકીકત એ છે કે, આપણી વચ્ચે જન્મ્યા, આપણી વચ્ચે વિહર્યા, અત્યારે જીવન ધારનાર વ્યક્તિઓનાં સ્મરણમાં તે અંકિત થયા. તે જ જીવંત પુરાવો છે કે –

ઈશ્વરે રણશિંગું એવું ફૂંક્યું છે કે, જેમાં કદી પીછેહઠ હશે નહિ, ધ્વજાવતરણનું બ્યુગલ એ બનશે નહિ!

તેના ન્યાયાસન પાસે તે માનવનાં હૃદયને ચાળે છે; ઓ મારા આત્મા જલદી કર, તેનો પડઘો પાડ! મારાં ચરણો, હર્ષઘેલા બનો! પ્રભુનાં પગલાંની કૂચ-ગતિ ચાલુ છે!

(અદ્વૈત આશ્રમ, કલકત્તા દ્વારા પ્રકાશિત ‘A Bridge to Eternity’ માંથી સાભાર ગૃહીત)

ભાષાંતર : શ્રી તખ્તસિંહ પરમાર

Total Views: 139

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.