HEALTHY VALUES OF LIVING By Swami Tathagatananda. Published by – Mr. S. K. Chakraborty 137, Ramdalal Sarkar Street, Calcutta – 700 006. Price Rs. 20

૧૯૯૧ ઑક્ટોબર નવેમ્બરના દીપોત્સવી અંકમાં, સ્વામીશ્રી તથાગતાનંદજી મહારાજના પુસ્તક, “GLIMPSES OF GREAT LIVES” વિષેનો પરિચય આપણે જોઈ ગયા. એ પુસ્તક લગભગ આખું ચરિત્રાત્મક હતું. એ ચરિત્રોમાંથી જ આપણને ‘સિસ્ટર ક્રિસ્ટાઈન’ વિશેનો લેખ ‘પ્રતિભાનું વિરલ પુષ્પ’, ‘શ્રીરામકૃષ્ણ જ્યોત’માં વાંચવા મળ્યો.

પરિચય-આપનાર વ્યક્તિએ એ પુસ્તકના લેખક વિશે લખતાં જણાવ્યું છે “સ્વામી તથાગતાનંદજી પાસે જીવનનું દર્શન છે, સરલ પ્રવાહી શૈલી છે, સુંદર રજૂઆત છે અને રોચક માહિતી છે.”

બસ, એ જ પ્રવાહી શૈલી અને એ જ જીવનદર્શન સાથે, સ્વામી તથાગતાનંદજી આપણી પાસે “Healthy Values of Living” નામનું પુસ્તક લઈને આવે છે. ૧૯૬૬થી ૧૯૮૭ના ગાળામાં ‘વિવેકાનંદ રૉક મેમોરિયલ’ દ્વારા બહાર પડતાં ‘યુવાભારતી’ તથા ભવાન્સ જર્નલના સામયિકમાં, સમય સમયના અંતરે છપાયેલ ત્રીસ લેખોનો સંગ્રહ ઉપરોક્ત પુસ્તકમાં કરવામાં આવ્યો છે.

પુસ્તકની પ્રસ્તાવનામાં લેખકશ્રી જણાવે છે કે, જીવ માત્ર દિવ્ય છે અને તેથી જીવનમાં ઊભા થતા પ્રશ્નોનો ઉકેલ દિવ્યતાને પામવામાં છે. વિવિધ વિષયોને આવરી લેતું આ પુસ્તક રસદાયક અને માહિતીપૂર્ણ તો છે પણ સાથે મનનીય પણ છે.

‘શક્તિના અવતાર સ્વામી વિવેકાનંદ’, ‘વિશ્વદૃષ્ટિ અને સ્વામી વિવેકાનંદ’ નામનાં પ્રકરણોમાં સ્વામીજીની પ્રતિભા અને પ્રતિમાનાં આપણને દર્શન થાય છે. બાળકો અને યુવાનો માટેનો આદર્શ પુરુષ કયો, એમ જો મને પૂછવામાં આવે તો હું વિવેકાનંદનું નામ આપું”, પંડિતજીનું આ વિધાન મૂકીને લેખકશ્રી સ્વામીજીની નારસિંહી શક્તિનો આપણને પરિચય કરાવે છે. સ્વામીજીનાં જીવન અને કવનમાં કોઈ જગ્યાએ તફાવત જોવા નહીં મળે. કોઈએ એમને વાવાઝોડા જેવા સંન્યાસી કહ્યા, કોઈએ એમને ‘હિંદુ નેપોલિયન’ કહ્યા, તો કોઈએ વળી ‘યુદ્ધવીર’ સંન્યાસી કહ્યા. “શારીરિક નબળાઈ અનેક આફતોનું મૂળ છે”, “રોવાનો આ સમય નથી”, “ઊઠો જાગો અને ધ્યેય પ્રાપ્તિ થાય ત્યાં સુધી મંડ્યા રહો” જેવા શક્તિદાયક મંત્રો દ્વારા એમણે સમગ્ર રાષ્ટ્રને ઢંઢોળી બેઠો કર્યો. ‘વસુધૈવકુટુમ્બકમ્’ની ભાવનાના વિકાસ માટે સર્વાંગીણ જીવન દર્શન ઉપર સ્વામીજીએ ભાર મૂક્યો. “ષડરિપુઓને નાથવા માટે સંવેદનશીલ હૃદયની, વિચાર શક્તિ બુઠ્ઠી નથી થઈ એવા મગજની અને લોખંડી ભુજાઓની જરૂર છે. તમે જો તાકાતવાળા હશો, મજબૂત હશો, આત્મશક્તિવાળા હશો તો તમે એક જ સમગ્ર વિશ્વ બરાબર બની શકશો.” આ રીતે ઉપરોક્ત બન્ને પ્રકરણોમાં સ્વામીજીની પ્રેરકવાણી આપણને પ્રેરણાનું પાન કરાવે છે.

‘શશી મહારાજ – રામકૃષ્ણ મઠના આધારસ્થંભ.’ ગુરુભક્તિ અને ગુરુસેવાનું સાકાર સ્વરૂપ એટલે ‘શશી મહારાજ’. પ્રેમ અને સમર્પણની ભાવના વડે શશી મહારાજે ધર્મને પણ જીવંત અને ગતિશીલ બનાવી દીધો. એમની એકધારી સેવાથી પ્રભાવિત થયેલ સ્વામી વિવેકાનંદે એમના વિશે કહ્યું, “એમના વિના રામકૃષ્ણ મઠ ચાલી જ ન શક્યો હોત, મઠનું જીવન નિષ્પ્રાણ બની ગયું હોત.” શશી મહારાજના જીવનના વિવિધ પ્રસંગોએ આ પ્રકરણને ખૂબ જ રસપ્રદ બનાવ્યું છે. જીવનમાં મૂલ્યોની સ્થાપના ઉપદેશ દેવાથી કે લેવાથી નથી થતી. મૂલ્યો તો આચરણ દ્વારા ઊભાં થાય છે; આ બાબતનો ખ્યાલ શશીમહારાજ અને સ્વામીજીના જીવન ઉપરથી આવે છે.

વિવિધ વિષયોથી ભરપૂર આ પુસ્તકમાં ત્રણ પ્રકરણ મહાત્મા ગાંધીજી વિશેનાં છે. પશ્ચિમના દેશોમાં ગાંધીજી ‘દિક્ કાળ’ સાથે ખૂબ જ સુસંગત બની રહ્યા છે. વર્તમાન સમયમાં ગાંધીજી જર્જરિત કે વરસી ગયેલાં વાદળાં જેવા નથી પણ ‘નિત્ય નૂતન અને સદૈવ પ્રેરક બની રહ્યા છે.’ ગાંધીજી વિષેની ફિલ્મ – ચલચિત્રો, ગાંધીજી વિષેનાં નાટકો લોકોને ઘેલાં કરે છે. યુનેસ્કોનું સૂત્ર છે, “યુદ્ધો માનવ મનમાં ઊભાં થાય છે તેથી સંરક્ષણની હરોળો પણ માનવ મનમાં ઊભી થવી જોઈએ.” આ સૂત્ર પણ ગાંધીજીની સત્ય અને અહિંસાની ફિલસૂફીને આધારે જ તૈયાર થયું છે. સત્યાગ્રહ ઉપર સંગીતનાટિકા જે તૈયાર થઈ એ જોવા ન્યુયૉર્ક તેમજ અન્ય શહેરોમાં લોકોનાં ટોળાં ઉમટે છે. ગાંધીજીનાં જીવન ક્વન સાથે ગીતાજીનું પણ ત્યાનાં લોકોને ઘેલું લાગ્યું છે. વિશ્વમાં શાંતિ સ્થાપી હશે તો ગાંધી ચીંધ્યા માર્ગે, ગીતાજીએ ચીંધ્યા માર્ગે જગતે જવું જ પડશે એ વાત ઉપરોક્ત પ્રકરણોમાં જોવા મળે છે.

૧૯૨૪ની સાલમાં મહાત્માજી પશ્ચિમ ભારતના એક નાના ગામમાં – હાલ પાકિસ્તાનમાં – લોક સેવા અંગે બોલી રહ્યા હતા. સ્વાસ્થ્ય અને લોકકલ્યાણ વિશેના એમના વિચારોથી એક સ્ટેશન માસ્ટર એટલા બધા પ્રભાવિત થયા કે એમણે શક્ય હોય તો એમનાં બધાં જ કુટુંબીજનોને દાકતરી વ્યવસાય માટે તૈયાર કરવાનું વિચાર્યું. એમનો પુત્ર બોધરાજ તો ડૉક્ટર થયેલોજ, એમણે બોધરાજને કહ્યું, “બેટા તું તો ડૉક્ટર થઈ જ ગયો છે. આપણે એક હૉસ્પિટલ બનાવીએ. આપણાં કુટુંબીજનો બધાં જ એમાં સેવા આપશે અને આપણે બાપુચીંધ્યા માર્ગે લોકસેવા કરવાને ભાગ્યશાળી બનીશું.” આ હતી ગાંધીજીની જાદુઈ અસર. પછી તો કુટુંબમાંથી ઉત્તરોત્તર લગભગ ૫૬ ડૉક્ટર બહાર પડ્યા અને લગભગ બધા જ લોકસેવાના ભેખધારી બન્યા.

“Above Human Bondage’ નામના પ્રકરણમાં ગાંધીજીની સત્યનિષ્ઠા, જીવનમાં કઈ રીતે વણાઈ ગઈ છે એના વિષે સ્વામી તથાગતાનંદજીએ સુંદર રીતે બતાવ્યું છે. ગાંધીજીના જીવનનો અંતિમ ઉદ્દેશ તો આત્મસાક્ષાત્કાર જ હતો. ગાંધીજી કહેતા, “મારા જીવનમાં જો કોઈ તીવ્ર ઇચ્છા હોય તો તે છે પ્રભુને પામવાની. મનુષ્યનું અંતિમ ધ્યેય ઈશ્વર સાક્ષાત્કાર જ હોઈ શકે અને પછી સામાજિક, આર્થિક, રાજકીય કે અન્ય પ્રવૃત્તિઓ એ પરિપ્રેક્ષ્યમાં વિચારી શકાય.” આગળ જતાં મહાત્માજી કહે છે, ધર્મમય જીવન વિના હું એક સેકંડ પણ ન જીવી શકું. પ્રાર્થના એમના જીવનનું સંચાલક બળ હતું. જીવનમાં એવાં અનેક વાવાઝોડાં ગાંધીજીના જીવનમાં આવ્યાં જેમાં પ્રાર્થનાએ જ એમને બચાવ્યા. શરીરને જેમ ખોરાકની જરૂર છે એમ આત્માને પ્રાર્થનાની જરૂર છે. પ્રાર્થનામાં એમને હંમેશાં અતૂટ શ્રદ્ધા રહી. “I am not a man of Learning but I humbly claim to be a man of prayer.” આવાં સૂત્રાત્મક વાક્યો મૂકીને સ્વામીજીએ ગાંધીજીના જીવનનો પશ્ચિમના લોકોને પરિચય કરાવ્યો છે. ગાંધીજીની નિર્ભયતા અને નમ્રતા પાસે તો સર્વ લોકોનાં મસ્તક નમી જાય છે.

ચરિત્રાત્મક લેખોનું અમૃતાચમન કર્યા પછી ચિંતનાત્મક લેખો આપણામાં નવી જ દૃષ્ટિ ખુલ્લી કરે છે. “Urge for Happiness” નામના પ્રકરણમાં સાચું સુખ કોને કહેવાય, સાચું સુખ શી રીતે પ્રાપ્ત કરી શકાય એ વિશે શ્વેતાશ્વતર ઉપનિષદ, સેંટ પૉલ, સ્વામી વિવેકાનંદજી વગેરેના આધારો ટાંકી, “Happiness is only found In spirit” એ સિદ્ધાંત પ્રતિપાદિત કર્યો છે.

 

“Worry and its Cure” નામનું પ્રકરણ સૌએ સાથે બેસી વાંચવા જેવું છે. તનાવના આ યુગમાં ડગલે ને પગલે લોકોમાં હતાશા, ભગ્નાશા, તિરસ્કાર, દ્વેષ, નિષેધાત્મક વૃત્તિ, ભાંગફોડ વૃત્તિ અને પલાયનપણું જોવા મળે છે. સ્વામીશ્રી તથાગતાનંદજી આ પ્રકારની હતાશા કે ભગ્નાશાનો ઉપાય રાગદ્વેષમુક્તિ અને સાચો પ્રેમ ભર્યો વ્યવહાર બતાવે છે. એક પ્રસિદ્ધ મનોવૈજ્ઞાનિકે કહ્યું છે, ચિંતા એ આજના જમાનામાં પ્લેગના રોગ સમાન છે. મનુષ્યના વ્યક્તિત્વને છિન્નભિન્ન કરી નાખે છે. અમેરિકામાં લગભગ બધા જ ડૉક્ટરો પાસે જે દર્દીઓ આવે છે, લગભગ એ બધા જ માનસિક રોગના ભોગ બનેલા હોય છે. તનાવયુક્ત જીવન આ બધાંના મૂળમાં જોવા મળે છે. વિલિયમ જૅમ્સ એક જ વાક્યમાં ઘણું કહી દે છે. “Of course, the Sovereign Cure for worry Is deep religious falth.” ધર્મમાં, પ્રભુમાં અતૂટ શ્રદ્ધા એ જ ચિંતાને દૂર કરવાનો સાચો ઉપાય છે.

“Psychic trouble and Vedanta” નામના પ્રકરણમાં લેખકે માનસ-રોગ અને તેનું નિવારણ વિશે માહિતી આપી છે. અમેરિકામાં જ માત્ર દરરોજ રાત્રે ૩૫ Million ઊંઘની ગોળીઓ લેવામાં આવે છે. ઊંધની ગોળીઓના ઉત્પાદનનો બહુ મોટો ઉઘોગ ત્યાં ફૂલ્યોફાલ્યો છે. વધુ પડતી ચિંતા, અન્ય પ્રત્યે તિરસ્કાર અને તનાવ, માનસિક તાણ એ માનસિક રોગોના મૂળમાં જોવા મળે છે. શરીરની રાસાયણિક સમતુલા તૂટે છે અને પરિણામે લોહીના ભ્રમણમાં કે અન્ય પ્રકારના સ્રાવો ઉપર એની અસર થાય છે. વૈજ્ઞાનિકો, મનોવૈજ્ઞાનિકો, ડૉક્ટરો, સંતો કે વેદાંતીઓ આજે મનની મહત્તાને પૂરી રીતે સમજ્યા છે, અને આત્માની અનંત શક્તિને તેઓએ પીછાણી છે. શારીરિક સ્વાસ્થ્ય અને માનસિક સ્વાસ્થ્ય પ્રાપ્ત કરવા માટે માનસિક શાંતિ અને આત્માની ઓળખ એ જ સાચો માર્ગ છે એમ લેખક ભારપૂર્વક જણાવે છે.

“Soul Living” નામના પ્રકરણમાં આલ્બર્ટ સ્વાઈટ્ઝર અને મહાત્મા ગાંધીજીના ‘જીવન’ વિશેના વિચારો આપ્યા છે. આલ્બર્ટ સ્વાઈટ્ઝરના જ શબ્દો જોઈએ. “Modern clvilization has given birth to technocratic fascism, to a society of wellfed, unthinking robots. Man is in danger of losing his humanity.”

માનવતા વિનાનું તાંત્રિક જીવન મનુષ્યને ખલાસ કરી દેશે એ બાબત તરફ સ્વાઈટ્ઝર આપણું ધ્યાન દોરે છે. ગાંધીજીને વળી જુદી રીતે અહીં યાદ કર્યા છે. મનુષ્યનો લોભ અપાર છે અને મનુષ્ય લોભના ઢગલા નીચે જ દટાઈ મરશે જો તે પોતાનું જીવન ડહાપણભર્યું નહિ બનાવે તો. ગાંધીજી કહે છે, “Earth provides enough to satisfy every man’s need, but not every man’s greed,”

“Healthy Values of Life” નામનું પ્રકરણ ચિંતન સભર છે. થૉમસ ડી. ક્વીન્સીથી આ પ્રકરણની શરૂઆત થાય છે. તે કહે છે. “એક વખત મનુષ્યના મનમાં હલકો વિચાર આવ્યો પછી તે પતનને માર્ગે ઝડપથી આગળ વધે છે. શિક્ષણના ક્ષેત્રમાં three R’s નું ઘણું મહત્ત્વ છે. ‘Reading, writing and rithmatlc’. આ પ્રકરણમાં લેખક મહાશય કહે છે કે જો આપણે ચોથો “R” – Religion ભૂલી જઈશું તો પાંચમો “R” – Rascaldom તો રાહ જોઈને જ ઊભો છે. તો ધર્મ, સભ્યતા અને જાતની સાચી પરખ એ જીવનનાં સ્વાસ્થ્યપ્રદ મૂલ્યો છે, એ વાત પર આ પ્રકરણમાં ભાર મૂકવામાં આવ્યો છે. તથાગતાનંદજી હેમર શોલ્ડને ટાંકતા કહે છે, “On this book shelf of life, God Is a useful book of reference, always at hand but seldom consulted.” આગળ જતાં ગાંધીજીની સત્ય અને અહિંસામાં રહેલી અપાર શ્રદ્ધાની વાત કરી, ‘સત્ય અને અહિંસા’ જેવાં કિંમતી મૂલ્યોને જીવનમાં સ્થાપવા ઉપર ભાર મૂક્યો છે.

આ પુસ્તક માંહેનાં લગભગ બધાંજ પ્રકરણો વાંચીને વિચારવા જેવાં છે. જીવનનાં તંદુરસ્ત મૂલ્યો વિશે માત્ર માહિતી ભેગી કરવાથી જીવન મૂલ્યમય, મૂલ્યનિષ્ઠ કે મૂલ્યકેન્દ્રી ન બને! સતત જાગૃતિ અને સતત પ્રયાસ દ્વારા જ એ બાબત શક્ય બને.

– Malady of Modern Culture – Vedanta and the Western World – Nalanda Amarnath Yatra – Hinduism and Ahinsa ai પ્રકરણો પણ ઘણાં જ પ્રેરણાદાયી બન્યાં છે.

સમગ્ર પુસ્તકમાં ગાંધીજી, સ્વામીજી, આર્નોલ્ડ ટોયન્બી, બર્ટ્રાંડ રસેલ, વિલિયમ જેમ્સ તેમજ આલ્બર્ટ સ્વાઈટ્ઝરનો મહિમા લેખકશ્રીએ મુક્ત મને ગાયો છે. આ પુસ્તક હાથમાં લેશો તો એક જ બેઠકે પૂરું કર્યા વિના છોડશો નહિ!

Total Views: 365

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.