(માર્ચના અંકથી આગળ)

જ્યારે સ્વામીજી આલમેડામાં ‘સત્ય-ગૃહ’માં થોડો વખત રહેલા તે દરમિયાન ઍડીથને તેમની સાથે રસોઈમાં મદદ કરવાનો અદ્‌ભુત લ્હાવો મળી ગયેલો, જ્યારે બેઠકરૂમમાં વર્ગ પછીની ચર્ચા વગેરે ચાલતાં હોય ત્યારે તેઓ રસોડામાં ભોજન બનાવવામાં વ્યસ્ત હોય. ત્યાં સ્વામીજી આનંદિત અને અનૌપચારિક બની જતા, છતાં ઍડીથને પ્રસંગોપાત્ત ઘણો ઉપદેશ પણ આપી દેતા. એક વખત ઍડીથે નવો લીલો પોષાક પહેરેલો, જેનો તેને ગર્વ થતો હતો. એકદમ જ તેના ઉપર તવીમાંથી માખણના છાંટા ઊડ્યા તેથી આ કમનસીબ ઘટના માટે તે શોક વ્યક્ત કરતી દુ:ખી થઈ રહી હતી. જ્યારે સ્વામીજીએ તો આ બનાવની સહેજ પણ નોંધ લીધા વગર શ્લોકનું પઠન કરતાં કરતાં પોતાનું કામ ચાલુ જ રાખ્યું.

એક વખત તે લોકો એક નાની લાકડાની ડીશમાં કેટલાંક અથાણાં ખરીદી લાવ્યા. અથાણાનો થોડો રસો સ્વામીજીના હાથમાં ઢોળાયો. સ્વામીજીએ તરત જ તે આંગળીઓનું પ્રવાહી ચાટી લીધું. આ ક્રિયા મોભાદાર નહોતી લાગતી તેથી ઍડીથ આઘાતજનક સ્વરમાં બોલી, “અરે, સ્વામીજી” સ્વામીજીએ જવાબ આપ્યો, “આ બાહ્ય દેખાવ! અહીં તમારા લોકો માટે આ જ મુશ્કેલી છે; તમે હંમેશાં બહાર એકદમ જ ટાપટીપમાં રહેવા માગો છો.”

ટૉમે મને પોતાના ઘણા અનુભવો કહેલા. તેણે સ્વામીજીનાં પ્રવચનો દરમિયાન દ્વારપાળ તરીકે કામ કરેલું અને ઘણીય વાર તો તેણે શ્રોતાગણને સ્વામીજીનો પરિચય પણ આપેલો. જ્યારે પહેલી જ વખત તેઓ બન્ને મંચ ઉપર સાથે ઊભેલા ત્યારે ટૉમને એવી અનુભૂતિ થઈ કે સ્વામીજીની ઊંચાઈ ૪૦ ફીટ જેટલી છે. અને પોતાની છ ઈંચ જેટલી છે. આ પછી તેમનો પરિચય આપતી વખતે ટૉમ હંમેશાં મંચની નીચે ઊભો રહેતો. એક પ્રસંગે સ્વામીજી ‘ભારત દેશ’ ઉપર બોલી રહ્યા હતા. પોતાનું પ્રવચન શરૂ કર્યા પહેલાં તેમણે કહ્યું, “જ્યારે હું ‘ભારત’ વિષે બોલવાનું શરૂ કરું છું ત્યારે મારે ક્યારે અટકવું તે હું ક્યારેય જાણી શકતો નથી. તેથી તમે લોકો દસ વાગે મારું ધ્યાન દોરજો.” તેથી ટૉમ ખંડમાં સૌથી છેલ્લે ઊભો રહ્યો અને દસ વાગે પોતાની ઘડિયાળ કાઢી લોલકની સાંકળની જેમ આગળ પાછળ તેને ઘુમાવવા લાગ્યો, થોડી વારે સ્વામીજી તે સંકેતને પારખી ગયા અને બોલ્યા, “મને દસ વાગ્યે થોભાવવા મેં તે લોકોને કહેલું એથી તે લોકો ઘડિયાળ ઘુમાવવા માંડ્યા છે અને મેં તો હજુ શરૂ પણ નથી કર્યું.” આમ તેઓ અટકી ગયા અને ત્યાર પછી છેક સ્વામીજી જ્યાં સુધી રહ્યા ત્યાં સુધી ટૉમ ઍલને તે જ જૂની ઘડિયાળ દરરોજ પોતાની સાથે લઈ જઈ તેનો ઉપયોગ કરેલો.

ઇસ્ટરના રવિવારની રાત્રિએ મિત્રોનું એક વૃંદ ‘સત્ય- ગૃહ’ની આગળના ચોકમાં બેઠું હતું અને સ્વામીજી પોતાના અમેરિકાના કેટલાક અનુભવો વિશે કહી રહ્યા હતા. એક વખત તેમના પગની સારવાર માટે તેમને કોઈ હાથપગ વગેરેનો ઉપચાર કરનાર સ્ત્રીને બતાવવાની સલાહ આપવામાં આવી. એના માટે સ્વામીજીને આદર ન હોય તેવું લાગતું હતું કેમકે સ્વામીજી તેને ‘અંગૂઠાની સ્ત્રી દાક્તર’ તરીકે ઓળખાવી કહેતા, “જ્યારે પણ હું તેના વિષે વિચારું છું ત્યારે મારો અંગૂઠો દુ:ખવા માંડે છે.”

તે સાંજે કોઈએ સ્વામીજીને ‘ત્યાગ’ વિષે પૂછ્યું. તેમણે જવાબ આપ્યો “બચ્ચાઓ! તમે વળી ‘ત્યાગ’ વિશે શું જાણો? જો તમારે મારા શિષ્ય બનવું હોય તો સહેજ પણ બડબડાટ વિના તોપનો સામનો કરવો જ પડશે.”

ટૉમ અંગ્રેજ હતો અને અંગ્રેજ સૈન્યમાં અધિકારી પદે હતો. તેની વિશિષ્ટતા નૌકા-ઈજનેરીમાં હતી અને તેનો પ્રભાવ એક કડક સૈનિક જેવો હતો. તે એક વાર સ્વામીજી સાથે હતો ત્યારે સ્વામીજીએ તેને કહ્યું, “મી. ઍલન, આપણે બન્ને એક જ જ્ઞાતિના છીએ. આપણે બંને સૈનિકની જાતિના છીએ. જ્યારે ટૉમે સ્વામીજીને તેમને ઉત્તમ શિષ્યો ક્યાં મળ્યા તે વિષે પૂછ્યું ત્યારે સ્વામીજીએ તરત જ જવાબ આપ્યો, “ઈંગ્લેન્ડમાં. તે લોકો મળવા મુશ્કેલ છે. પણ જ્યારે તમને તે મળી જાય ત્યારે તમે તેમને મેળવી જ લો છો.”

સ્વામીજી જ્યાં પણ જતા ત્યાં બધાંના ધ્યાનનું કેન્દ્ર બની જતા. તેમનું વ્યક્તિત્વ એવું ભવ્ય હતું કે જેનાથી બધા જ તેમને ઓળખી જતા. તેઓ જ્યારે બજારમાંથી પસાર થતા ત્યારે લોકો બાજુમાં ઊભા રહી તેમને પસાર થઈ જવા દેતા અથવા તો સરકીને નજીકના માણસને પૂછી લેતા, “આ હિંદુ રાજકુમાર કોણ છે?” આ રીતે જ તેઓ એક વખત વહાણને તેની સફર કરવાની જગ્યાએથી દરિયામાં ઉપડતી જોઈ શકેલા. એ સમયે ટૉમ સાન ફ્રાન્સિસ્કોના લોખંડના એક મોટા કારખાનામાં કામ કરી રહ્યો હતો. સ્વામીજીએ જ્યારે વહાણને ઊપડતું જોવાની ઇચ્છા વ્યક્ત કરી ત્યારે તેણે એક નાના સમુદાયને ગોદીમાં (વહાણ બાંધવાની જગ્યા) આમંત્રિત કરેલા. વ્યવસ્થાતંત્રના આમંત્રિત મહેમાનો કે જેમની પાસે ટિકિટ હતી તેમના માટે જ તે વહાણ ઊપડવાની જગ્યા ખુલ્લી રાખવામાં આવેલ અને તે જગ્યાએ જતો ઢોળાવવાળો રસ્તો બે ચોકીદારોના પહેરા હેઠળ હતો. સ્વામીજીને લાગ્યું કે તે ચોક્કસ જગ્યાએથી જ તેઓ સારી રીતે જોઈ શકશે, તેથી તેઓ ચોકીદારની પાછળથી ચાલ્યા પણ કોઈએ તેમનો વિરોધ ન કર્યો. વહાણ ઊપડ્યા પછી જ્યારે તેઓ નીચે આવ્યા ત્યારે બોલ્યા, “એ તો જાણે કે બાળકના જન્મ જેવું છે.”

સ્વામીજી એ વાત પર ખૂબ ભાર મૂકતા કે આધ્યાત્મિક લોકો જુલ્મી અથવા જડ ન હોવા જોઈએ. “તે લોકો સોગિયાં મોઢાંવાળા તેમજ દૂબળા ન હોય પણ મારી જેમ જાડા હોય.”

કૅમ્પ ઈરવીંગ ખાતે કુ. બૅલના તંબૂમાં એક વખત વાતચીતમાં કુ. બૅલે અવલોકન કરતાં કહેલું કે આ દુનિયા એક નિશાળ છે, જ્યાં આપણે આપણા પાઠ ભણવા આવીએ છીએ. ત્યારે સ્વામીજીએ પૂછ્યું, “તને કોણે કહ્યું કે દુનિયા એક નિશાળ છે?”

કુ. બૅલ શાંત હતી. સ્વામીજીએ ચાલુ જ રાખતાં કહ્યું, “આ દુનિયા તો સર્કસ છે. અને આપણે તો ગુલાંટ ખાવાવાળા વિદૂષક છીએ.” કુ. બૅલે પૂછ્યું, “આપણે શા માટે ગુલાંટો ખાવી જોઈએ, સ્વામીજી?” સ્વામીજીએ જવાબ આપ્યો, “કેમ કે, આપણને (કસરતના દાવ કરતા) ગુલાંટો ખાવી ગમે છે. જ્યારે આપણે તેનાથી થાકી જઈશું ત્યારે આપણે જતા રહેશું.”

ટોમ અને ઍડીથનું પોતાનું ઍપાર્ટમેન્ટ સાન ફ્રાન્સિસ્કોમાં હતું કે જેમાં સ્વામીજીની હાજરીથી એક પ્રકારનું વાતાવરણ ચોમેર ફેલાયેલું રહેતું. આ દેશના રામકૃષ્ણ સંઘના બધા જ સંન્યાસીઓ જ્યારે પણ સાન ફ્રાન્સિસ્કો આવે ત્યારે તે લોકોને મળવા જવાનું પસંદ કરતા. અને તેમાંના કેટલાકે કહ્યું અથવા લખ્યું પણ છે, “પશ્ચિમમાં કોઈ પણ વ્યક્તિ કરતાં તમે લોકો સ્વામીજીને અમારા માટે સત્ય બનાવી શક્યા છો.”

મારી એક મિત્ર અને તેનો પુત્ર થોડાં વર્ષો પહેલાં ઍલન્સને ત્યાં ગયેલાં. તેમણે તેમના (ઍલન દંપતિ) વિષે કહેતાં કહેલું કે તેમનો સ્વામીજી વિષેનો અહેવાલ એવો તો આનંદસભર અને આબેહૂબ છે કે જાણે સ્વામીજી પોતે જ ત્યારે પણ તેમના ઓરડામાં ચાલતા હોય તેવું લાગે! જમવાના ઓરડામાં તેમનું એક સુંદર ચિત્ર છે જેની સામે હંમેશાં મહેમાનો બેઠેલા હોય. જમ્યા પહેલાં હંમેશાં શ્લોક બોલવામાં આવતો અને જમતાં જમતાં કોઈ પણ પ્રકારની વાતચીત ચાલતી – ભલે તે સ્વામીજીની ન હોય તો તેમના ગુરુની, તેમના કાર્યની વગેરે વગેરે. તેમનાં બધાં જ પુસ્તકો ત્યાં હતાં, અને ઍલન્સ પાસે પુષ્કળ ફોટાઓનો સંગ્રહ છે કે જે તે મહેમાનોને બતાવતાં અને તે લોકો આનંદિત થતા. તે લોકોનો એક ખાસ ફોટો બગીચામાં લીધેલો. સ્વામીજી ઘાસ ઉપર પડ્યા પડ્યા કેટલાક મિત્રો સાથે વાતચીતનો આનંદ લઈ રહ્યા હતા. તે વખતે કોઈએ આવીને તેમનો ફોટો લેવાની ઇચ્છા પ્રદર્શિત કરી. સ્વામીજી ઊઠવા રાજી નહોતા પરંતુ બધાએ ઊઠવા ખૂબ વિનંતી કરતાં તેઓ ઊભા થયા – જેમ હતા તેમ એટલે કે પાઘડી કે ઝભ્ભા વિના! અને તેમની પાછળ જાણે કે બોલવાનો પ્રયત્ન કરતા હોય તેવા દ્રાક્ષના વેલા છે; જેને પરિણામે આ એક સર્વોત્તમ ફોટો મળ્યો.

ઍડીથનો અવાજ અતિ મધુર તેમ જ નીચા સૂરવાળો હતો. અને કેટલીક વાર તે સ્વામીજી સાથે સંકળાયેલાં ગીતો ખૂબ જ ઊંડી લાગણી સાથે ગાતી. તેનું પ્રિય ગીત હતું પેલી નર્તકીનું, કે જે સ્વામીજી જ્યારે પહેલી વખત અમેરિકા જવા નીકળવાના હતા ત્યારે એક રાજાના મહેલમાં ઊતરેલા તે વખતે એક ગણિકાએ ગાયેલું. સ્વામીજીએ તે ગીતનું ભાષાંતર કરેલું તેમાંથી ઍડીથે તે લઈ લીધેલું. સ્વામીજીએ જ્યારે સાંભળ્યું કે તે ગણિકા ગાવાની હતી છતાં તેઓ જગ્યા છોડીને જતા રહ્યા. પણ પછી તેમણે તે ગીત બહારથી સાંભળ્યું અને તેના શબ્દો તથા ગાયિકાના આર્દ્ર સ્વરથી તેઓ એવા તો પીગળી ગયેલા કે તેઓ પાછા આવી તે છોકરી સાથે ખૂબ સરસ રીતે બોલ્યા તથા ગીત દ્વારા તેમને મળેલા બોધપાઠનો તેમણે આભાર માન્યો. અને આ રીતે રહ્યાસહ્યા આધ્યાત્મિક ગર્વની છેલ્લી નિશાની પણ છોડતા ગયા અને પશ્ચિમની પોતાના કાર્યની તૈયારી પૂરી કરવા મંડી પડ્યા.

છેલ્લાં પચાસ વર્ષોમાં ઍડીથે સ્વામીજી સાથેની તેની છેલ્લી મુલાકાત વખતના શબ્દો યાદ કર્યા છે: “જ્યારે પણ તું મુશ્કેલીમાં હો ત્યારે મને બોલાવજે. હું જ્યાં હોઉં ત્યાંથી તને સાંભળી લઈશ.” આ વચનની અસરથી તેણે બહાદુરીપૂર્વક ઘણી કસોટીઓનો સામનો કર્યો છે.

પોતાના એક ભાષણમાં સ્વામીજીએ કહેલું, “જો ખરાબ સમય આવે તો તેનાથી શું થવાનું છે? લોલકને બીજી બાજુ પાછું ઝૂલવું જ છે પણ તે બરાબર નથી. તેને થોભાવી દેવું તે જ કરવાનું કામ છે.” પછી તેમણે એક અમેરિકન વિચાર વ્યક્ત કર્યો કે જે ત્યાંના બાળકો જ્યારે દોરી ઘુમાવે ત્યારે બોલે છે. જ્યારે તે બાળકો હવા ભરવાનું બંધ કરી તે ઝૂલતી દોરી થોભવા માટે ધીમી પડે ત્યારે બોલે છે, “ઘરડી બિલાડીને મરવા દો.”

સ્વામીજીને જોયા તેમજ સાંભળ્યા અને તેમના શક્તિદાયી શબ્દોની અનુભૂતિ મારા દ્વારા કાગળ ઉપર આવી અને ત્યાર બાદ તે કેટલાય લોકોના વચન માટે પ્રકાશિત થશે. જેનાથી વાચક હિંમત અને પ્રેરણા મેળવશે તે જ મારો એક વિરલ અધિકાર છે અને તે જ મારા જીવનના બધાં જ દૂષણોની અવેજીરૂપ છે. તે મને ‘ઘરડી બિલાડીને મરવા’ દેવા માટે લગભગ તૈયારી કરાવી દે છે.

અનુવાદક: કુ. સીમા માંડવિયા

Total Views: 223

Leave A Comment

Your Content Goes Here

જય ઠાકુર

અમે શ્રીરામકૃષ્ણ જ્યોત માસિક અને શ્રીરામકૃષ્ણ કથામૃત પુસ્તક આપ સહુને માટે ઓનલાઇન મોબાઈલ ઉપર નિઃશુલ્ક વાંચન માટે રાખી રહ્યા છીએ. આ રત્ન ભંડારમાંથી અમે રોજ પ્રસંગાનુસાર જ્યોતના લેખો કે કથામૃતના અધ્યાયો આપની સાથે શેર કરીશું. જોડાવા માટે અહીં લિંક આપેલી છે.